NAGAR - 33 books and stories free download online pdf in Gujarati

નગર - 33

નગર-૩૩

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- આંચલે આપેલી ડીનર પાર્ટીમાં બે વણ-બોલાવ્યા મહેમાનો ટપકી પડે છે....તેમની વચ્ચે નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની ચર્ચા છેડાય છે....હવે આગળ વાંચો...)

“ એક મિનીટ ઇશાન, એ કહેવા શું માંગે છે એ જરા સાંભળવા તો દે...! ” જયસીંહ અધીરાઇભેર બોલી ઉઠયો. તે ચોંકયો હતો. એક વિદેશી યુવતી નગરમાં ઘટતી ભયાવહ ઘટનાઓ વિશે કંઇક જાણતી હોય એ તેનાં માટે આશ્વર્યની બાબત હતી. ઉત્સુકતાથી તે એલીઝાબેથની સામે જોઇ રહયો.

“ જે ચિન્હો વિશે તમે ચર્ચા કરો છો એવાં જ ચિન્હો મેં આજે લાઇબ્રેરીમાં એક બુક છે તેમાં જોયા હતાં...” તેણે ધડાકો કર્યો.

“ વોટ ડુ યુ મીન..? તે એ ચિન્હો તે લાઇબ્રેરીમાં જોયા...? ” ચોંકીને જયસીંહ ઉભો થઇ ગયો. બરાબર તેની જેમજ આંચલ પણ ચોંકી હતી. તેને પણ એલીઝાબેથે જે કહયું તેનાં પર વિશ્વાસ આવ્યો નહી.

“ એ કોઇ હોલમાર્કનાં નિશાનો છે. વર્ષો પહેલાં સોલોમન નામનાં ટાપુ ઉપર રહેતાં લોકો પોતાની ચીજ-વસ્તુઓ ઉપર આ પ્રકારનાં હોલમાર્કનાં ચિન્હો ઉપસાવતા હતા, જેથી તેમની ચીજોને એક અલગ ઓળખાણ મળી શકે... ”

“ પુસ્તકમાં આ મતલબનું લખ્યું છે...? ”

“ નહી. પુસ્તકમાં તો ફક્ત નિશાનીઓ દોરેલી છે, પણ લાઇબ્રેરીમાં એક વૃધ્ધ સજ્જને સોલોમન ટાપુ વિશે મને વિસ્તારથી જણાવ્યું હતું....”

“ કોણ હતાં એ વૃદ્ધ સજ્જન જેણે તને આ વાત કહી...? ” આ વખતે ઇશાને પુછયું. તે ઇચ્છતો હતો કે અહી આ વાત ન ઉખળે. તેને ઇન્સ.જયસીંહ ઉપર સહેજે ભરોસો નહોતો. એલીઝાબેથને તે આ બધી ઝંજાળથી દુર રાખવા માંગતો હતો...પરંતુ એલીઝાબેથે સામે ચાલીને વાતને ઉખેળી હતી. હવે એ તેને રોકી શકે તેમ નહોતો.

“ એ હું નથી જાણતી. મેં તેમને પુછયુ નહોતું. કદાચ નિર્મળા ફઇ તેમને જાણતા હોય, તેઓ મારી સાથે જ હતાં. ”

“ મને લાગે છે કે મારે એ પુસ્તક જોવું જોઇએ. ” જયસીંહનાં શરીરમાં ઉત્તેજના છવાતી જતી હતી. “ આપણે જમી લઇએ પછી સીધા જ લાઇબ્રેરીએ જઇશું....” તે બોલ્યો.

“ એ શક્ય નહી બને જયસીંહ, એલીઝાબેથને અત્યારે હું કયાંય જવા નહી દઉં. તેને આ બાબતમાં સંડોવાની જરૂર નથી. ” ઇશાનને ડર હતો એજ બની રહયું હતું એટલે તેણે વિરોધ કર્યો.

“ બટ... હું જઇશ...! ” એકાએક એલીઝાબેથ વચ્ચે બોલી ઉઠી અને ઇશાન તરફ ફરી. “ ઇશાન, તું સમજતો કેમ નથી...? એ પુસ્તકમાં જે નિશાનીઓ હતી એવી જ નિશાનીઓ કયારેક મારા સ્વપ્નાઓમાં પણ દેખાતા હતી. મારે પણ એ રહસ્યનો તાગ મેળવવો છે...અને તારે મારી સાથે આવવું પડશે. ” તેણે ઝીદ આદરી.

“ આપણે ઇચ્છીએ તો પણ અત્યારે એ શક્ય નહી બને કારણકે લાઇબ્રેરી બંધ હશે. ઘડીયાળમાં સમય જુઓ. ” ઇશાનને અચાનક યાદ આવ્યું. તે તેનું પુરુ જોશ લગાવી રહયો હતો જેથી એલીઝાબેથ ત્યાં ન જાય. આજની રાત જો તેને વિચારવાનો સમય મળી જાય તો આવતી કાલ સવારે તે જરુર કોઇ ઉકેલ જરૂર શોધી કાઢશે એવો વિશ્વાસ હતો.

“ એ કોઇ ચીંતાનો વિષય નથી. લાઇબ્રેરી ખોલાવવાની વ્યવસ્થા હું કરાવી શકીશ. પપ્પ પાસે તેની એક ચાવી હશે જ...અને તેઓ નગરનાં સેક્રેટરી છે એટલે કદાચ તેમને બીજા કોઇની મંજૂરીની જરૂર નહી પડે....” આંચલ બોલી ઉઠી. તેને પણ એ કિતાબ જોવાનું મન થયું હતું.

“ તો એ ફાઇનલ રહયું કે આપણે સીધા જ લાઇબ્રેરીએ જઇએ છીએ....” જયસીંહે આખરી ફેંસલો સુણાવી દીધો. ઇશાનને હવે કંઇ બોલવું યોગ્ય ન લાગ્યું. તેને વારે-વારે શંકર મહારાજે કરેલી ભવિષ્યવાણી યાદ આવવા લાગી હતી...” જે થવાનું છે એ થઇને જ રહેશે. ”

***

મોન્ટુ ભાનમાં આવ્યો. ખબર નહી કેટલો સમય એ માથુર સાહેબનાં બંગલાનાં રસોડામાં બેભાન પડયો રહયો હતો. આંખો ખોલીને તેણે પોતે કયાં છે એ જોવાની કોશષ કરી. તેની આંખોમાં ઝાકળ બાઝયું હતું એટલે દ્રષ્ટિ સ્થિર થતા થોડો સમય લાગ્યો. એ સમય દરમ્યાન તે અધૂકડો બેઠો થયો હતો. તેનું માથું ભારે લાગતું હતું અને સખત રીતે દુઃખાવો પણ થતો હતો. તેનાં દિમાગમાં શૂન્યાવકાશ છવાયેલો હતો. પોતે કયાં છે અને શું-કામ છે એ ક્ષણભર પુરતુ તે ભુલી ગયો હતો. અધૂકડા બેઠા થઇ તેણે પોતાની આસ-પાસ નજર ઘુમાવી. અને...તેની આંખોમાં ખૌફ ઉભરી આવ્યો. ઘડીનાં છઠ્ઠાભાગમાં તેને બધુ યાદ આવી ગયું. રસોડાની લીસી ફર્શ ઉપર નીલીમા આન્ટીનું સંપૂર્ણ રીતે સળગી ગયેલું શરીર હજુ પણ એમનેએમ પડયું હતું. એ દ્રશ્ય જોતાં જ ફરીથી તેનાં હાંજા ગગડી ગયાં. કંઇપણ વિચાર્યા વગર તે ઉભો થયો અને રસોડામાંથી બહાર ડ્રોઇંગરૂમ તરફ ભાગ્યો. ડ્રોઇંગરૂમમાં સન્નાટો છવાયેલો હતો. તે હવે રોકાવા માંગતો નહોતો. ઝડપથી દોડીને તેણે બંગલાનાં મુખ્ય દરવાજાનો આંગળીયો ખોલ્યો અને પોર્ચમાં થઇ તે ઝાંપે આવ્યો. ઝાંપાનો લોંખડનો ગેટ હજુ ખુલ્લો જ હતો. દોડતાં જ તેને વટાવી તે પોતાનાં ઘરમાં ઘુસ્યો અને સીધો પહેલા માળે આવેલા પોતાનાં બેડરૂમમાં જઇને તે ગાદલા નીચે ભરાઇ ગયો. ડરનો માર્યો તે થરથર ધ્રુજી રહયો હતો. આવા સમયે શું કરવું જોઇએ એનું પણ ભાન તેને રહયું નહોતું.

***

“ હેલ્લો પપ્પા, તમે આવી ગયા....? ” આંચલને ખ્યાલ હતો કે તેનાં પપ્પા નવનીતભાઇ પેલી મૂર્તિઓ લેવા આજે સવારે સુરત ગયાં હતા.

“ જસ્ટ હમણાં પહોંચ્યોં જ છું. તું કયાં છે...? તારા રેડીયો સ્ટેશન પર....? ” નવનીતભાઇએ ફોનમાં પુછયું.

“ સ્ટેશન પર નથી. મિત્રો સાથે જસ્ટ. અત્યારે ડીનર પર આવી છું. અચ્છા પપ્પા, મને આપણી લાઇબ્રેરીની ચાવી જોઇતી હતી. મારી એક મિત્ર છે તેને એક કિતાબ અર્જન્ટ જોઇએ છે. જો ચાવી મળી જાય તો એ બુક રીફર કરીને પાછી મુકી દેશે....”

“ એવી કોઇ જરૂર નથી. તું તારી એ મિત્રને લઇને અહી આવી જા. હું લાઇબ્રેરીએ જ છું. સુરતથી જે પ્રતિમાઓ આવી છે એ ઉતરાવી રહયો છું. ચાવી મારા ખિસ્સામાં જ છે તો તમારું કામ થઇ જશે....” નવનીતભાઇ બોલ્યાં.

“ ઓહ ગ્રેટ...લવ યુ પાપા....” આંચલે ફોન મુકયો. તેણે જમતાં-જમતાં જ ફોન લગાવ્યો હતો અને તેનાં પપ્પા સાથે વાત કરી હતી. ટેબલ ઉપર બેઠેલા બધાએ એ વાર્તાલાપ સાંભળ્યો હતો.

“ પપ્પા ત્યાં જ છે. આપણે અહીંથી સીધા ત્યાં જઇશું....” તે બોલી. “ નગરનાં બુઝુર્ગોની પ્રતિમાઓ લેવા તેઓ સુરત ગયા હતાં અને અત્યારે નગરમાં પહોચ્યા છે. તેઓ એ પ્રતિમાઓ ઉતરાવી રહયાં છે. આવતીકાલે નગરમાં એ પ્રતિમાઓનાં અનાવરણનો પ્રસંગ છે એટલે કાલે નગરમાં ભારે ધામ-ધૂમ હશે...”

“ તને લાગે છે કે આવા સમયે જ્યારે નગર ઉપર આફત મંડરાતી હોય ત્યારે....અને છેલ્લા થોડા દિવસોમાં ઘણાં લોકોનાં કમનસીબ મૃત્યુ થયા હોય ત્યારે નગરમાં આવો ઉત્સવ ઉજવવો જોઇએ....? ” ઇશાને પ્રશ્ન ઉઠાવ્યો. આંચલે જે કહયું એ તેનાં ગળા નીચે નહોતું ઉતર્યુ. જ્યારે સમગ્ર નગરમાં શોક છવાયેલો હોય ત્યારે ઉત્સવ ઉજવવાની વાત કોઇ વિચારી પણ કેમ શકે...?

“ પપ્પા તો એવુંજ કંઇક કહેતા હતા... કે આવતીકાલે જ મૂર્તિઓનાં અનાવરણનું સારું મુહુર્ત છે. જો એ સમય ચૂકાશે તો પછી કોણ જાણે કયારે મેળ પડે....? ” આંચલ બોલી... ” તારી વાત પણ યોગ્ય છે. આપણે અત્યારે તેમની પાસે જઇએ જ છીએ તો તેમને આ બાબતે પુછી લઇશું....”

“ હાં...એ બરાબર રહેશે. ” જયસીંહે હામી ભરી.

જમીને તેઓ નીકળ્યાં ત્યારે રાતનાં દસ થવા આવ્યાં હતાં

***

ઇશાન ધુંધવાતા મને ગાડી ચલાવી રહયો હતો. એલીઝાબેથને તે આ મામલાથી દુર રાખવાનાં ભરચક પ્રયાસ કરતો હોવા છતા તેમાં તે કામયાબ થઇ શક્યો નહોતો. એલીઝાબેથને કેમેય કરીને તે સમજાવી શક્યો નહોતો. એલીઝાબેથ સામે ચાલીને મુસીબત વહોરી રહી હતી એ તેને ગમ્યું નહોતું, પરંતુ અત્યારે તે તેને કંઇ કહેવા, સમજાવવાની સ્થિતીમાં નહોતો. તેનાં મગજમાં ઘણાબધા વિચારોનો શંભુમેળો સર્જાયેલો હતો એટલે તે યોગ્ય નિર્ણય લઇ શકતો નહોતો. શંકર મહારાજે કહેલી વાતો ભયાનક હતી. એ વાતો અને “ એલીઝાબેથ ડેન ” નામનું જહાજ તેને ડરાવી રહયું હતું. ઉપરાંત પેલા મંડપમાં જોયેલો ઓછાયો....બધુ જ ભેદી અને ગેબી લાગતું હતું. તેમાં હવે એલીઝાબેથે આ હોલોગ્રામ વાળું નવું તૂત ઉભુ કર્યુ હતું. એ તૂતમાં ઇન્સ.જયસીંહ અને આંચલ પણ ભળ્યા હતા . ઉપરથી તેનો દોસ્ત રોશન પટેલ હોસ્પિટલમાંથી ભાગી છુટયો હોવાનાં સમાચાર ઇન્સ્પકટરે તેને આપ્યા હતા. એક સાથે ધમાસાણ મચાવતા મબલખ વિચારોએ તેને કન્ફયુઝ કરી નાંખ્યો હતો. આ બાબતની અકળામણ તેનાં ચહેરા ઉપર સ્પષ્ટ રીતે તરી આવી હતી.

એજ દશામાં, મિનીટોમાં તેમની કાર નગરનાં કોમ્યુનીટી હોલનાં પાર્કિંગ એરીયામાં પહોંચી હતી અને તેઓ નીચે ઉતરી બિલ્ડિંગનાં પ્રાંગણમાં આવ્યા હતાં.

કોમ્યુનીટી હોલની બે માળની બિલ્ડિંગ ભવ્ય હતી. તેના આગળનાં ભાગે વિશાળ પ્રાંગણ હતું. એ ખુલ્લા પરીસરમાં જ પ્રતિમાઓ સ્થાપિત થવાની હતી. તેનાં માટે વિશાળ શામિયાણો (મંડપ) પરીસરની વચ્ચોવચ બાંધવામાં આવ્યો હતો. ( ઇશાને આ મંડપની વચાળે બનેલા પ્લેટફોર્મ ઉપર એક પ્રેતાત્માનો ઓછાયો નિહાળ્યો હતો. ) અત્યારે એ પ્રાંગણમાં એક ટ્રક ઉભી હતી અને તેમાંથી ભારે સાવચેતીપૂર્વક કાંસાની પ્રતિમાઓ ઉતારવાનું કામ ચાલુ હતું. ટ્રકનાં પાછલા ખુલ્લા ભાગે આંચલનાં પિતા નવનીતભાઇ ચૌહાણ મૂર્તિઓ ઉતારનારા મજૂરોને માર્ગદર્શન આપી રહયા હતાં. બે પ્રતિમાઓ ઉતરી ચૂકી હતી અને બીજી બે હજુ ટ્રકમાં હતી. જે પ્રતિમાઓ ઉતારવામાં આવી હતી તેને મંડપની મધ્યે બનાવવામાં આવેલા ઓટલા ઉપર મુકાઇ હતી અને મૂર્તીઓ ઉપર સફેદ કાપડની ચાદરો વિંટાળાય હતી જેથી મૂર્તિઓ અનાવરણનાં સમય સુધી કોઇ જોઇ ન શકે. હોલનાં પ્રાંગણમાં સળગતી હેલોઝેન લાઇટનાં પ્રકાશમાં એ તમામ ગતીવિધીઓ ચાલતી હતી. રાત પડી ચૂકી હોવાથી વાતાવરણમાં ઠંડક વર્તાતી હતી.

“ આંચલ....આવ-આવ દિકરા.... ” નવનીતભાઇએ એકાએક આંચલને જોઇ હતી અને તેમણે સાદ પાડયો હતો. આંચલ ઝડપથી ચાલીને ટ્રકની પાસે ઉભેલા તેનાં પપ્પાની સોડમાં લપાઇ. “ ઓહ...ઇન્સ્પેકટર પણ સાથે છે ને કંઇ....! ” આંચલની પાછળ ચાલતા આવતા જયસીંહને જોઇને તેઓ બોલી ઉઠયાં. રાતનાં સમયે આંચલને જયસીંહની સાથે જોઇને તેઓ ચોંકયા હતાં. ત્યારબાદ તેમની નજર ઇશાન અને એલીઝાબેથ ઉપર પડી અને તેમનાં કપાળે સળ પડયાં. આંચલ અત્યારે આ લોકો સાથે કેવી રીતે એવો સવાલ તેમને ઉદ્દભવ્યો હતો.

“ પપ્પા, આ મારી મિત્ર ઓસ્ટ્રેલીયાથી આવી છે. તેણે આજે સવારે લાઇબ્રેરીમાં એક પુસ્તક જોયું હતું. એ પુસ્તક અત્યારે તે ફરીવાર જોવા માંગે છે. જો અમને લાબ્રેરીની ચાવી મળી જાય તો....? ” આંચલે વાત અધૂરી રાખીને તેનાં પપ્પા સામે જોયું.

“ ચાવી તો મારી પાસે જ છે પરંતુ એવું તો શું છે એ પુસ્તકમાં જેનાં માટે આમ અડધી રાત્રે તમે બધા દોડાદોડી કરી રહયા છો....? આ ઇન્સ્પેકટરને પણ તેમાં રસ પડયો લાગે છે...! ” નવનીતભાઇને સહજ ઉત્સુકતા થઇ આવી. એમની વાત સાંભળી બધા સતર્ક થયાં. ખાસ તો ઇશાન સાવધ બન્યો. એલીઝાબેથે રેસ્ટોરન્ટમાં જેમ બાફ્યુ હતું એવો બફાટ તે અહી ન કરી બેસે એની ચીંતા તેને થઇ આવી.

“ અરે નહી સર....! અમે સાવ અનાયાસે ડીનર પર એકઠા થઇ ગયા હતાં. ત્યાંરે વાત-વાતમાં એ પુસ્તક વિશે ચર્ચા થઇ અને અમને બધાને એ પુસ્તક વિશે જાણવાની જીજ્ઞાશા જાગી, એટલે આંચલે સજેશન આપ્યુ કે તેનાં પપ્પા, એટલે કે તમારી પાસે લાઇબ્રેરીની ચાવી હશે, એટલે તમને ફોન કર્યો હતો. બાકી ખાસ બીજી કોઇ બાબત નથી. આ તો જસ્ટ ઉત્સુકતા....યુ... નો સર...! ” તેણે વાત વાળવાનાં ઇરાદે ચોખવટ કરી.

“ નો પ્રોબ્લેમ યંગમેન. ” નવનીતભાઇએ તેમણે પહેરેલા કોટનાં ગજવામાંથી ચાવીઓનો ઝૂડો કાઢી આંચલને આપ્યો. “ ટેક યોર ટાઇમ... ” અને ફરી પાછા પોતાનાં કામમાં પરોવાયાં.

ઇશાનને હાશ થઇ. તેણે આંખોનાં ઇશારાથી જ આંચલને જલ્દી અહીથી રવાનાં થવાનો ઇશારો કર્યો. થોડીવારમાં તેઓ લાઇબ્રેરીનાં દરવાજે હતાં.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED