તમારા વિના - 12 Gita Manek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમારા વિના - 12

તમારા વિના

ચેપ્ટર - 12

‘બા, આ વિધિ-નિધિને જરા નવડાવી દેને. ક્યારની કહું છું તો મારી વાત માનતી જ નથી. હું તો તંગ આવી ગઈ છું આ છોકરીઓથી...’ કહેતી શ્વેતા કાન્તાબેનના બેડરૂમમાં ધસી આવી, ‘આખો દિવસ રમત જ કરવી છે. કોઈ વાતમાં સમજતી જ નથી. જીવ ખાઈ ગઈ છે આ બેઉ જણીઓ....’ એક હાથમાં વિધિ અને બીજા હાથે તેણે નિધિને પકડી હતી. બન્ને છોકરી ઓ શ્વેતાનો હાથ છોડાવવા મથી રહી હતી.

‘વેકેશનમાં પણ અમારે જલદી નાવાનું? મમ્મા, રોજ તો તું એમ કહેતી હતીને કે હૉલિડે પડે પછી જેમ કરવું હોય એમ કરજો.’ નિધિએ જવાબ આપ્યો.

‘તે તમને કંઈ આઠ વાગ્યામાં નાહવાનું નથી કહેતી. દસ વાગ્યા છે. પછી કપડાં ક્યારે ધોવાશે?’ શ્વેતા ઊંચા અવાજે બરાડી રહી હતી.

‘નહીં નાહું... જા,’ કહેતી નિધિએ શ્વેતાના હાથ પર બચકું ભર્યું અને હાથ છોડાવી કાન્તાબેનની પાછળ છુપાઈ ગઈ. પછી ડોકિયું કરી શ્વેતાને જીભ બતાવી ચીડવવા માંડી.

‘ઊભી રેજા બેઉ જણીઓ... બહુ ફાટી છો...’ ગુસ્સામાં શ્વેતાએ વિધિને બે-ત્રણ તમાચા ખેંચી કાઢ્યા અને પછી નિધિને પકડવા દોડી, પણ ચપળ નિધિ તો બીજી રૂમમાં દોડી ગઈ હતી અને વિધિ ભેંકડો તાણીને રડી રહી હતી.

‘સવાર-સવારમાં આ બધું શું માંડ્યું છે?’ કાન્તાબેનનાં પોતાનાં બાળકો મોટાં થઈ ગયાં હતાં અને છેલ્લા કેટલાય સમયથી એકલા રહેવાની આદત હતી એટલે આ બધી કાગરોળ અને કોલાહલ તેમનાથી સહન નહોતાં થતાં. એેમાંય શ્વેતાનો અવાજ બહુ મોટો હતો અને છોકરીઓ પર એે જે રીતે બરાડતી હતી એેનો અવાજ રીતસર કાનમાં વાગતો હતો.

‘રહેવા દેને. એ લોકો મોડેથી નહાશે તો શું ફરક પડવાનો છે? તેમનાં બે કપડાં તું ધોઈ નાખજે.’ કાન્તાબેને શ્વેતાને કહ્યું.

પરંતુ શ્વેતા સાંભળવાના મૂડમાં જ નહોતી. તેનો બબડાટ ચાલુ જ હતો.

‘મારા જ નસીબ ખોટાં... આ બે-બે વેજાઓ મારા માથે જ પડી. કેટલી માનતાઓ કરી હતી કે ભગવાન, એક દીકરો દેજે; પણ ભગવાન ક્યાં સાંભળે છે. આ એકસાથે બબ્બે દીધી ને એમાંય નિધિ તો ખબર નહીં કયા જનમનું વેર લેવા આવી છે...’ શ્વેતાનો કકળાટ ચાલુ હતો.

‘આ શું બોલે છે શ્વેતા? આવી સરસ ફૂલ જેવી બે દીકરીઓ છે ને તું તેમના વિશે આવું બોલે છે?’

‘શિખામણ દેવા બધા આવે છે. તે તો તને બે દીકરા છે એટલે ખબર નથી. બાકી મારી જેમ ખાલી દીકરીઓ જ હોત તો ખબર પડત...’

શ્વેતાની વાતનો જવાબ આપવા કરતાં ચૂપ રહેવું કાન્તાબેનને વધુ મુનાસિબ લાગ્યું. તેમણે હીબકે ચડી ગયેલી વિધિને પોતાની નજીક લીધી અને બાથ ભરીને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

‘જા બેટા, નાહી લે. એવું નહીં કરવાનું. પછી સાંજે બા તમને આઇસક્રીમ ખાવા લઈ જશે, બસ. જા, તું અને નિધિ બેઉ નાહી લો... મારી ડાહી દીકરીઓ છોને...’

‘બા, મમ્મી જોર-જોરથી ઘસે છે ને પછી આંખ પણ બળે છે... બા, તમે જ નવડાવોને....’ વિધિ રડતાં-રડતાં બોલી.

‘બેટા, મારે બહાર જવાનું છે. આજે મમ્મી પાસે નાહી લે, પછી કાલે બા નવડાવશે... પ્રૉમિસ...’

‘તું અત્યારમાં ક્યાં જાય છે?’ શ્વેતાએ પૂછ્યું ત્યારે કાન્તાબેનને એવું લાગ્યું કે જાણે હવે બહાર જતાં પહેલાં શ્વેતાને પૂછવાની કે જણાવવાની જાણે તેમની ફરજ હોય.

‘મારે જરા કામ છે...’

‘અત્યારમાં તારે ક્યાં જવાનું છે? શું કામ છે? બૅન્કમાં જવું હોય તો નીતિનને કહે તે જઈ આવશે. તારે ધક્કા ખાવાની શું જરૂર છે?’

‘તારો નીતિન કોઈ કામમાં આવે એેવો છે ખરો? પોતાનાં બૈરાં-છોકરાં માટે કમાઈ નથી શકતો અને બાપના પગાર પર નભે છે તે મને શું કરી આપવાનો હતો?’ કાન્તાબેનને કહેવાનું મન થયું, પણ અત્યારે આવું બધું બોલી નકામો કંકાસ કરવાની તેમની ઇચ્છા નહોતી.

એે જ વખતે ડૉરબેલ વાગવાનો અવાજ આવ્યો અને કાન્તાબેન ઝડપથી દરવાજા તરફ ગયાં, પણ નીતિનકુમારે દરવાજા ખોલી નાખ્યો હતો.

‘અરે કાકા, તમે આજે અત્યારમાં?’ નીતિનકુમારે પૂછ્યું.

‘ભાભી નથી?’ હસમુખભાઈએ સામો સવાલ પૂછ્યો.

‘હું તૈયાર જ છું... તમે કંઈ ચા-પાણી લેશો.’ કાન્તાબેને દરવાજા પાસે આવીને કહ્યું.

‘ના-ના, મોડું થશે...’ હસમુખભાઈએ ચંપલ પણ કાઢ્યા વિના કહ્યું.

‘મને આવતાં વાર થાય તો તમે જમી લેજા.’ કહીને કાન્તાબેન હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈ ફલૅટની બહાર નીકળી ગયાં.

‘હૅન્ડલૂમ હાઉસ?’ હસમુખભાઈએ ટૅક્સીડ્રાઇવરને પૂછ્યું કે તરત જ ટૅક્સીડ્રાઇવરે ડોકું ધુણાવ્યું અને મીટરનું ફ્લૅગ નીચે કર્યું.

હસમુખભાઈ આગળ ડ્રાઇવરની બાજુની સીટ પર બેસવા માટે ટૅક્સીનો આગળનો દરવાજા ખોલી ગોઠવાયા અને કાન્તાબેન પાછળની સીટ પર બેઠાં. ફ્લોરા ફાઉન્ટન થઈને ટૅક્સી ડી. એન. રોડ પરથી હૅન્ડલૂમ હાઉસ સુધી પહોંચી. હૅન્ડલૂમ હાઉસની સામેની બાજુ ટૅક્સી ઊભી રખાવી ટૅક્સીમાંથી ઊતરીને હસમુખભાઈએ મીટર જોઈ ભાડાના પૈસા ચૂકવ્યા.

‘તમારે તેમની સાથે વાત થઈ ગઈ છેને?’ રસ્તો ઓળંગતાં કાન્તાબેને પૂછ્યું.

‘તે પોતે તો નહોતા, પણ તેમના સેક્રેટરી સાથે ફોન પર વાત થઈ હતી. તેણે કહ્યું હતું કે દસ-સાડાદસે આવજો.’ હસમુખભાઈએ જવાબ આપ્યો.

કાન્તાબેનની નજર અનાયાસ કાંડાઘડિયાળ તરફ ગઈ. દસ ને પાંત્રીસ થઈ હતી. તેમણે ઉતાવળે ચાલવા માંડ્યું.

ફોર્ટ વિસ્તારમાં હૅન્ડલૂમ હાઉસની પાછળ જૂના મકાનનો લાકડાનાં પગથિયાંવાળો દાદરો ચડીને પહેલે માળે પહોંચ્યાં ત્યાં એક આછા ક્રીમ રંગના સનમાઇકાવાળા દરવાજાની બહાર ભીંતસરસું પાટિયું જડેલું હતુઃ ગુલાબરાવ પાટીલ (નગરસેવક).

ડૉક્ટરના ક્લિનિકમાં હોય એવા વેઇટિંગ રૂમમાં મરૂન રંગના રેક્ઝિનવાળાં સાંકડાં પાટિયાં હતાં. વેઇટિંગ રૂમમાં પહેલેથી જ બાર-પંદર જણ બેઠા હતા. દરવાજાની સામેની તરફ રિસેપ્શનિસ્ટ જેવી છોકરી બેઠી હતી અને તેની બાજુમાં પટાવાળો ઊભો હતો.

‘તમે બેસો...’ કહી હસમુખભાઈ રિસેપ્શનિસ્ટ પાસે ગયા.

કાન્તાબેને આજુબાજુ નજર કરી. બે બેઠકો ખાલી હતી. એક નવવારી સાડી પહેરેલી મરાઠી બાઈ બેઠી હતી તેની બાજુમાં જઈને કાન્તાબેન બેઠાં. વેઇટિંગ રૂમના લાકડાના પાર્ટિશન પર અને દીવાલ પર ઠેકઠેકાણે રાજ્યના અને કેન્દ્રના નેતાઓ સાથે ગુલાબરાવના ફોટા હતા. એક ફોટામાં તો ગુલાબરાવ અમિતાભ બચ્ચન સાથે ઊભા હતા. એ ફોટો સાઇઝમાં જરા મોટો હતો. રિસેપ્શનિસ્ટની પાછળ કૅબિનના પાર્ટિશનના કાચ પર એક પાટિયું મારેલું હતું જેના પર સફેદ અક્ષરે લખ્યું હતુઃ ભેટાયચી વેળ સકાળી ૧૦ તે ૧૨ (મળવાનો સમય સવારે૧૦થી ૧૨). એેની બરાબર બાજુમાં મોટું ઘડિયાળ હતું જે પોણાઅગિયારનો સમય બતાવી રહ્યું હતું.

દોઢેક વર્ષ પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ વખતે આ માણસ મત માગવા હાથ જાડીને ઘરને દરવાજે આવ્યો હતો એ કાન્તાબેનને યાદ આવ્યું. જોકે ત્યાર પછી ક્યારેય તેને જોયાનું તેમને સ્મરણ નહોતું.

‘ગુલાબરાવસાહેબને મળવું છે...’ હસમુખભાઈએ રિસેપ્શનિસ્ટ છોકરીને પૂછ્યું.

‘કાય કામ આહે?’ (શું કામ છે?) છોકરીએ તોછડાઈથી પૂછ્યું.

‘સિલ્કરૂપ સ્ટોર્સના દામજીભાઈએ મોકલ્યા છે. તેમણે કાલે સાહેબ સાથે વાત કરી હતી.’

‘સાહેબ હજુન આલે નાહી... બસા...’ (સાહેબ હજી આવ્યા નથી... બેસો...)' બોલીને છોકરી કૉમ્પ્યુટર માઉસ વડે સ્ક્રીન પર કામ કરવા માંડી.

કાન્તાબેનની બાજુમાં જગ્યા નહોતી એટલે હસમુખભાઈ સામેના બાંકડા પર બેઠા.

‘કંઈ કામ માટે આવ્યા છો?’ કાન્તાબેને મરાઠી બાઈને પૂછ્યું.

તે બાઈએ પોતાની કથા સંભળાવી દીધી. તે વર્ષોથી બોરાબજારમાં શાક વેચવાનો ધંધો કરતી હતી. તેની પાસે મ્યુનિસિપલ લાઇસન્સ હતું. લાઇસન્સ તેના વરના નામનું હતું. પાંચેક વર્ષ પહેલાં તેનો વર મરી ગયો પછી પણ તે એ જ જગ્યાએ બેસીને શાક વેચતી હતી, પણ હવે તેનો દીકરો એ જગ્યા પર હક જમાવવા માંડ્યો હતો. તે દારૂની લતે ચડ્યો હતો અને માને મારતો હતો. તેણે બાપના નામનું લાઇસન્સ પોતાના નામે ચડાવવાની અરજી કરી હતી. આ બાઈ નગરસેવક ગુલાબરાવ પાસે મદદ માગવા આવી હતી. આ પહેલાં ગુલાબરાવે તેના દીકરાને ધમકાવ્યો હતો, પણ છેલ્લા કેટલાક દિવસથી તે ફરી દારૂ પીને માની હેરાનગતિ કરતો હતો.

તે મરાઠી બાઈ વાત કરતી હતી ત્યાં જ અચાનક ઑફિસમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. કાન્તાબેનને ખ્યાલ આવી ગયો. ગુલાબરાવનો ફોન આવ્યો હતો. તેઓ થોડીક વારમાં આવી રહ્યા હતા. પટાવાળો દરવાજા ખોલી પગથિયાં કુદાવતો નીચે પહોંચી ગયો હતો.

થોડીક જ વારમાં ગુલાબરાવ આવી ગયા હતા. તેમની સાથે બે-ત્રણ જણ હતા. પાછળ-પાછળ પટાવાળો ગિફ્ટ પૅક કરેલું બૉક્સ અને ફૂલોના હાર લઈને આવ્યો.

‘કાર્યક્રમ ખૂબ સરસ ઝાલા...’ (કાર્યક્રમ ખૂબ સરસ થયો.) ગુલાબરાવની સાથે-સાથે ચાલી રહેલો ગુજરાતી વેપારી જેવો લાગતો માણસ બોલી રહયો હતો.

‘લોકાંચા પ્રેમ આહે.’ (લોકોનો પ્રેમ છે)

‘તુમ્હી પણ લોકાચી સેવા કમી કેલી આહે કા!’ (તમે પણ લોકોની સેવા ઓછી કરી છે કે!)

‘આમચા કામ ચ સેવા કરાયચા...’ (અમારું કામ જ લોકોની સેવા કરવાનું) ગુલાબરાવે ત્યાં બેઠેલા લોકો તરફ જાઈને પોરસાઈને કહ્યું.

ગુલાબરાવ અને આખો કાફલો કૅબિનમાં ગયો. કૅબિનનો સ્લાઇડિંગ દરવાજા ખુલ્લો જ હતો. એક પછી એક મુલાકાતીઓ જઈ રહ્યા હતા. પેલી મરાઠી બાઈને ગુલાબરાવે આશ્વાસન આપ્યું કે હું તારા દીકરાને બોલાવીશ.

પંદરેક વર્ષનો એક છોકરો તેના દાદા સાથે આવ્યો હતો. તેને કોઈ કૉલેજમાં એડ્મિશન જાઈતું હતું. ગુલાબરાવે તેને પોતાના લેટરહેડ પર ચિઠ્ઠી લખી આપવાનો આદેશ રિસેપ્શનિસ્ટને આપી દીધો. છોકરાના અને દાદાના ચહેરા પર ચમક આવી ગઈ.

રિસેપ્શનિસ્ટે હસમુખભાઈને અંદર જવાનો ઇશારો કર્યો. કાન્તાબેન હસમુખભાઈની પાછળ-પાછળ કૅબિનમાં પ્રવેશ્યા. તે વખતે ગુલાબરાવ મોબાઇલ પર કોઈ સાથે મરાઠીમાં મોટે-મોટેથી વાત કરી રહ્યા હતા અને વચ્ચે-વચ્ચે જોર-જોરથી હસતા હતા. ગુલાબરાવની ઉંમર પંચાવનની આસપાસ હશે એવું અનુમાન કાન્તાબેને કર્યું. તેમના ગળામાં સાંકળની ડિઝાઇનની જાડી સોનાની ચેઇન અને એમાં ગણપતિના આકારનું પેન્ડન્ટ ઝૂલતું હતું. એક હાથમાં ઘડિયાળ અને બીજામાં ચેઇનથી પણ વધુ જાડું બ્રેસલેટ હતું. તેમના ઊંચા કપાળ પર કકુંનું લાંબું તિલક કર્યું હતું. ગુલાબરાવે સિલ્કનો ઝભ્ભો પહેર્યો હતો. આ ઑફિસની બહાર જો કાન્તાબેન તેમને મળ્યા હોત તો મવાલી જ ધારી લીધો હોત એવો વિચાર તેમના મનમાં આવી ગયો.

‘કાય કાકા, કાય આહે તુમચા?’ (શું કાકા, તમારું શું હતું?) મોબાઇલ ફોન ટેબલ પર મૂકતાં ગુલાબરાવે કહ્યું અને સાથે-સાથે રિવૉલ્વિંગ એક્ઝિયુક્યુટિવ ચૅરના બૅક-રેસ્ટ પર અઢેલીને પગ લાંબા કર્યા. તેમનું ભારે શરીર બૅક-રેસ્ટ પર પડ્યું અને કમરનો નીચેનો ભાગ વધુ નીચે ગયો.

‘દામજીભાઈએ તમને મળવાનું કહ્યું. તેમણે તમને ફોન કર્યો હતોને?’ હસમુખભાઈએ પૂછ્યું.

‘કોણ દામજીભાઈ?’

‘સિલ્કરૂપ સ્ટોર્સવાળા... તેમણે તમને ફોન કર્યો ત્યારે હું ત્યાં જ હતો. તમે જ કહ્યું હતું કે અપૉઇન્ટમેન્ટ લઈને આવવાનું કહેજા. મેં તમારા સેક્રેટરી સાથે...’

‘અચ્છા... દામજી શેઠ... હાં... હાં બોલો કાકા, શું કામ હતા?’ ગુલાબરાવે પૂછ્યું.

‘આ કાન્તાબેન....’

‘નમસ્તે માજી. તમારાં વાઇફ કે?’

‘નહીં, નહીં. મારો દોસ્ત હતો તેનાં વાઇફ... એમાં થયું એવું કે તેમનું મર્ડર થઈ ગયું...’

‘અરે બાપ રે, કેવી રીતે થયા?’

કાન્તાબેને પ્લાસ્ટિકની થેલીમાંથી ફાઇલ કાઢીને આપી. એમાં નવીનચંદ્રની હત્યાના સમાચારનાં કટિંગ હતાં.’

‘અરેરે... આ મુંબઈમાં શું ચાલવાના છે.’ ગુલાબરાવે મરાઠી મિશ્રિત ગુજરાતીમાં કહ્યું.

કાન્તાબેને આખી ઘટના વર્ણવી અને પોતે કોલાબા પોલીસસ્ટેશન ગયાં હતાં એ પણ કહ્યું. વચ્ચે-વચ્ચે ગુલાબરાવનો મોબાઇલ ફોન વાગતો હતો અને તેઓ ફોન પર વાત કરી લેતા હતા. તેમણે પોતાની પૂરી વાત ન સાંભળી હોય એવું કાન્તાબેનને લાગતું હતું.

‘અચ્છા... અચ્છા... તમે ચિંતા નહીં કરવાના. હું હમણાં જ કોલાબા પોલીસસ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરને ફોન કરું છે. એ કોલાબા પોલીસસ્ટેશન ફોન લાવ રે...’ ગુલાબરાવે આદેશ આપ્યો.

તેમણે ફોન પર કોલાબા પોલીસસ્ટેશનના સિનિયર પીઆઇ વાઘમારે સાથે વાત કરી.

‘તમે લોક કાલે ઇન્સ્પેક્ટર વાઘમારેને મલી આવો... મેં તેમની સાથે વાર્તા (વાત) કરી છે...’

‘પણ...’ કાન્તાબેન કંઈ બોલવા જાય એે પહેલાં જ ગુલાબરાવ બોલ્યા, ‘માજી, તમારા કામ થઈ જવાના છે. તમે મારા નામ લેજો. પછી કંઈ હોય તો મને કહેજો. અમે અહીં તમારા સેવા માટે જ છે...’ કહીને ગુલાબરાવે તેની સાથે આવેલા ગુજરાતી વેપારી જેવા લાગતા માણસ સાથે વાત કરવા માંડી.

હસમુખભાઈ અને કાન્તાબેને એકબીજા સામે જોયું અને ઊભાં થયાં.