પિન કોડ - 101 - 50 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 50

પિન કોડ - 101

પ્રકરણ-50

આશુ પટેલ

‘વાઘમારે, તમારે પૂરતી ટીમ સાથે લઇને જવાની જરૂર હતી.’ ડીસીપી મિલિંદ સાવંત વાઘમારેને ઠપકાના સૂરમાં કહી રહ્યા હતા. સાવંતને સમજાતું હતું કે વાઘમારેને બદલે બીજો કોઇ અધિકારી હોત તો પણ તેણે આવું જ ર્ક્યું હોત, પણ આવી કોઇ પણ સ્થિતિ માટે ઓળિયોઘોળિયો પોતાના પર આવે અને પોતે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમને જવાબ આપવો પડે. વળી વાઘમારેને પાછા મુંબઇ અને ક્રાઇમ બ્રાન્ચમાં લાવવા પોતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એટલે તેઓ પોતાની અકળામણ વાઘમારે પર ઠાલવી રહ્યા હતા.
‘સોરી, સર. મને આવો અંદાજ નહોતો કે ત્યાં આટલી મોટી તૈયારી કરી રખાઇ હશે.’
વાઘમારેએ ‘સોરી’ કહ્યું એટલે સાવંત થોડા શાંત પડ્યા. તેમણે કહ્યું, ‘તમને અને આપણા બીજા માણસોને વધુ ઇજા તો નથી થઇ ને?’
‘ના સર. સામાન્ય ઇજા થઇ છે.’ વાઘમારેએ તેમના લોહીથી લથપથ થઇ ગયેલા હાથરૂમાલથી નાકમાંથી વહેતું લોહી અટકાવવાની નિરર્થક કોશિશ કરતા કહ્યું.
* * *
સાહિલનો દોસ્ત રાહુલ વહેલી સવારે જોબ પરથી ફ્લેટ પર પાછો ફર્યો એ વખતે તેણે સાહિલની ફ્રેંડની બેગ્સ ફ્લેટમાં જોઈ. તેને પહેલા તો સાહિલ પર ગુસ્સો આવી ગયો, પણ પછી તેને એ વાતની ચિંતા થઈ કે સાહિલ કેમ ગઈ રાતે પણ અહીં આવ્યો નહીં હોય. તેની અને સાહિલની વચ્ચે એવા સંબંધ તો હતા જ કે તે બન્ને કોઈ પણ મુદ્દે ઝઘડી પડે તો થોડી કલાકોમાં પાછા એકદમ સહજતાથી વાતો કરી શકે. પોતે સાહિલને તેની ગર્લફ્રેંડને કારણે ખખડાવી નાખ્યો હતો એટલે સાહિલને થોડું ખરાબ લાગ્યું હશે, પણ એ પછી તો સાહિલે તેને બોરીવલી સ્ટેશન નજીકના ગેસ્ટ હાઉસમાં રૂમ બૂક કરાવી દેવાની વિનંતી કરી હતી અને પછી એવું પણ કહ્યું હતું કે તું તારા બોરીવલી સ્ટેશન નજીકના ઓળખીતા ગેસ્ટ હાઉસવાળાને કહીને એવી વ્યવસ્થા કરાવી દે કે હું પણ મારી ફ્રેન્ડ સાથે રાતે રોકાઈ શકું. એ વખતે પોતે તેની ટીખળ પણ કરી લીધી હતી કે અચ્છા, તો મામલો આટલો બધો આગળ વધી ગયો છે!
સાહિલ તેના પર અકળાઈ ગયો હતો; ‘શુ કઈ પણ બોલે છે? મેં તને કહ્યું ને કે તે માત્ર મારી દોસ્ત છે, તારા જેવી જ એક દોસ્ત.’
રાહુલે તેને ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા પણ કરાવી આપી હતી. એટલે સાહિલ તેના પર અકળાઈને તેને કશું કહ્યા વિના બીજે ક્યાય રહેવા ચાલ્યો જાય એ પણ શક્ય નહોતું. અને મુંબઈમાં તેની પાસે એવી બીજી કોઈ જગ્યા પણ નહોતી કે તે ત્યા રહેવા જઈ શકે. કે ન તો તેની ફ્રેંડ પાસે રહેવાની કોઈ જગ્યા હતી.
સાહિલને કારણે ચિંતાગ્રસ્ત બનેલા રાહુલના મનમાં એક વિચાર ઝબક્યો.
* * *
‘બહુ સારું થયું.’ આઈએસનો ભારતનો ચીફ કમાન્ડર ઈશ્તિયાક અહમદ ડોન ઇકબાલ કાણિયાને કહી રહ્યો હતો: ‘ખુદા તરફથી પણ આપણને આ નેક કામમાં મદદ મળી રહી છે.’
‘પરંતુ આપણે સલામત જગ્યા...’ કાણિયાએ કહેવાની કોશિશ કરી પણ તેને વચ્ચેથી જ કાપતા ઇશ્તિયાકે કહ્યું, ‘અત્યારે આ જગ્યાથી વધુ સલામત જગ્યા આખા મુંબઇમાં એક પણ નથી! ઊલ્ટું સારું થયું. વાઘમારેની બેવકૂફીને કારણે ફરી વાર પોલીસ અહીં આવવાની હિંમત નહીં કરે.’
‘પણ પોલીસને એટલી તો ખબર પડી જ ગઇ છે કે પેલી છોકરીને અહીં લઇ અવાઈ છે.’ કાણિયાના અવાજમાં ચિંતા હતી.
ઇશ્તિયાક હસ્યો: ‘આપણા વિશ્ર્વાસુ હોય એવા બે-ત્રણ ટીવી પત્રકારોને બોલાવીને મૌલવીજીના ઘરનો ખૂણેખૂણો શૂટ કરાવી લો અને ન્યૂઝ ચલાવી દો કે આ બે બેડરૂમના ફ્લેટમાં વાઘમારે શું શોધવા આવ્યા હતા? અને હા, મૌલવીજીની ગરીબી પર ખાસ ભાર મુકાવજો.’
‘મને એમ હતું કે આ મામલો થાળે પડી જાય તો આપણી આ જગ્યા પરથી લોકોની નજર હટી જાય.’ ઇકબાલ કાણિયાએ વધુ એક વાર પોતાનો મુદ્દો સમજાવાની કોશિશ કરી જોઇ.
‘ના મામલો ગરમ જ રહેવા દો. મીડિયામાં આ મામલો જેટલો ગાજતો રહેશે એટલું આપણા માટે સારું છે. એ દરમિયાન આપણે આપણા કામને અંજામ આપી શકીશું.’ ઇશ્તિયાકે કાણિયાને સમજાવ્યું અને પછી કહ્યું: મૌલવીજીના ઘરમાં ટીવીવાળાઓને બોલાવો ત્યારે તેમની દીકરીને પેલા બાથરૂમમાં નહાવાના બહાને મોકલી દેજો.’
‘એની કોઇ ફિકર નથી આપણા કેટલાક ખાસ પત્રકારો છે એમના પર પૂરો વિશ્વાસ મૂકી શકાય એમ છે અને આમ પણ એ જાહિલ પત્રકારોને એવી શંકા પણ નહીં આવે કે એ બાથરૂમમાંથી કોઇ રસ્તો હશે. આમ પણ બે-ત્રણ પત્રકાર આપણા પાલતુ કુત્તા જેવા છે એટલે તેમને કહીશું એટલું જ અને એ રીતે જ શૂટ કરશે. એક-બે ટીવી ચેનલમાં આવી ગયું પછી તો બધે ફેલાઇ જશે અને ન્યૂઝપેપરમાં પણ બંદોબસ્ત કરી દઉં છું.’ કાણિયાએ ખાતરી આપી.
‘બીજુ એક કામ પણ કરવાનું છે...’ ઇશ્તિયાકે ઇકબાલ કાણિયાને સૂચના આપી.
‘થઈ જશે ભાઈજાન.’ ઇશ્તિયાકે વાત પૂરી કરી એટલે કાણિયાએ ખાતરી આપી.
* * *
‘શુ માંડ્યુ છે તમારા માણસોએ આ બધું? વાઘમારેએ કોઇ ગરીબ મૌલવીના ઘરમાં ઘૂસીને એની દીકરીની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી!’ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી મુંબઇના પોલીસ કમિશનર ઈલિયાસ શેખને ફોન પર ખખડાવી રહ્યા હતા.
‘સર, મામલો જુદો જ છે. ઇકબાલ કાણિયા...’ કમિશનર શેખે ગૃહ મંત્રીને સમજાવવાની કોશિશ કરતા કહ્યું.
તેમની વાત વચ્ચેથી જ કાપતાં ગૃહ મંત્રીએ કહ્યું, ‘અત્યારે તમે ઇકબાલ કાણિયાને ક્યા વચ્ચે લાવી રહ્યા છો? તમને ઇકબાલ કાણિયા સિવાય બીજું કંઇ દેખાતું નથી. તમે તેની સામે એક પણ કેસ પુરવાર તો કરી શકતા નથી. તેને પકડો છો ત્યારે દરેક વખતે પોલીસ અને સરકારની નાલેશી થાય છે.’
‘સર, આ બહુ સિરિયસ મેટર છે...’
‘આ તમારો વાઘમારે જ્યાં જાય ત્યાં હંમેશાં મેટર સિરિયસ જ થઈ જાય છે. તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દો. ના, ના, સસ્પેન્ડ પણ નહીં, આ વખતે તો તેને સર્વિસમાંથી બરતરફ જ કરી દો. આ માણસ પોલીસ ફોર્સમાં રહેવા માટે લાયક નથી. વિધાનસભાની ચૂંટણીઓ માથા પર આવી રહી છે ત્યારે આવા ઉંબાડિયાથી કેટલો મોટો ભડકો થઇ શકે એ તમને સમજાય છે? હમણાં વિધાનસભાનું છેલ્લું સત્ર ચાલે છે એમાં જવાબ આપવાનું મને ભારે પડી જશે. તમે તમારા ડીસીપી મિલિંદ સાવંતને પણ વધારે પડતો જ ફ્રી હેન્ડ આપી દીધો છે. તેને પણ તાબડતોબ બીજી જગ્યાએ બેસાડી દો.’
‘સર, મારી વાત તો સાંભળો....’
‘મારે કંઇ સાંભળવું નથી. એક વાર ટીવી ચાલુ કરીને જુઓ. પેલા બેવકૂફ વાઘમારેને એક ગરીબ મૌલવીના નાનકડા ઘરમા પણ કોઈનો અડ્ડો દેખાયો. તેને ગઢચિરોલીમાંથી પાછો મુંબઈ લાવવાને બદલે કોઈ નિષ્ણાત મનોચિકિત્સક પાસે સારવાર અપાવવાની જરૂર હતી. તમારા વાઘમારેએ આ વખતે તો બધી હદ વટાવી દીધી અને એને કારણે પોલીસની સાથે સરકાર પર પણ માછલાં ધોવાઇ રહ્યા છે. આ વખતે તમે વાઘમારેને બચાવવાની કોશિશ ના કરતા...’
‘સર...’ કમિશનર શેખ બોલવા ગયા.
‘મેં તમને પહેલા જ કહી દીધું કે મારે કોઈ જ દલીલ સાંભળવી નથી.’ ગૃહ મંત્રીએ અપમાનજનક ટોનમાં કહી દીધું.
પોલીસ કમિશનર શેખ ગૃહ મંત્રીને સમજાવવાની કોશિશ કરતા રહ્યા, પણ તેઓ કશું સાંભળવાના મૂડમાં નહોતા. તેમણે શેખને ખખડાવીને કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો, પણ એ પહેલા તેમણે કેટલાક એવા શબ્દો કહ્યા જેના કારણે કમિશનર શેખના હાથની મુઠ્ઠી વળી ગઈ.

(ક્રમશ:)