પિન કોડ - 101 - 49 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 49

પિન કોડ - 101

પ્રકરણ-49

આશુ પટેલ

ડીસીપી સાવંતે સિનિયર ઇંસ્પેક્ટર વાઘમારે સાથે ફોન પર વાત પૂરી કરી ત્યાં સુધીમાં પોલીસ કમિશનર શેખ અને બીજા બધા અધિકારીઓને અંદાજ આવી ગયો હતો કે કોઈ મોટી ગરબડ થઈ છે, પણ વાઘમારેનો કોલ ડિસકનેક્ટ કર્યા પછી ડીસીપી સાવંતે વરસોવામાં બન્યું એ કહ્યું એ સાથે બધા પોલીસ અધિકારીઓના ચહેરા તંગ થઈ ગયા. એ બધા અનુભવી અધિકારીઓને ખબર હતી કે આવા કિસ્સામા આગળ શું થઈ શકે.
જો કે એ બધા અધિકારીઓએ કલ્પના કરી હતી એનાથી અનેક ગણી મોટી મુસીબત મુંબઈ પોલીસ પર આવી પડી હતી એની ખબર એમને થોડી મિનિટ્સ પછી ટીવી ચેનલ્સ પર શરૂ થયેલા ‘બ્રેકિંગ ન્યૂઝ’ જોયા પછી પડી.
***
‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દત્તાત્રેય વાઘમારે ફરી એક વાર વિવાદમાં ઘેરાયા. જુઓ વીફરેલી પબ્લિકથી કઇ રીતે બચીને ભાગવું પડ્યું વાઘમારે અને તેના સાથીદારોએ! વાઘમારે અને પોલીસ કર્મચારીઓએ ધોળા દિવસે એક મૌલવીના ઘરમાં ઘૂસીને તેમની દીકરીની ઇજ્જત પર નાખ્યો હાથ! જુઓ એ માસૂમ, નિસહાય છોકરીની અને ભયથી કાંપી રહેલા તેના માતા-પિતાની આપવીતી માત્ર અમારી ન્યૂઝ ચેનલ પર. રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકો કોની મદદ માગવા જાય? પોલીસ કમિશનર અને ગૃહપ્રધાન હવે વાઘમારે સામે શું પગલાં લે છે એ વિશે અમે તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ તેમના તરફથી કોઇ પ્રતિસાદ નથી મળી રહ્યો. એમના માટે કદાચ આ બહુ જ નાની ઘટના હશે, પણ મુંબઇ પોલીસના ઇતિહાસમાં આ ઘટના એક કલંક તરીકે બધાને યાદ રહી જશે. વાઘમારે અને તેમના સાથીદારોની હરકતથી સ્થાનિક પબ્લિક એટલી ઉશ્કેરાઇ ગઇ હતી કે વાઘમારેના વાહન પર બેફામ પથ્થરમારો થયો અને વાઘમારે તથા તેના સાથીદારોને પણ પબ્લિકના પથ્થરમારામાં ઇજા પહોંચી. કાનૂનના રખેવાળો કાનૂનની ઇજ્જત ના કરે અને આમ લોકોની ઇજ્જત પર હાથ નાખે ત્યારે પબ્લિકે નાછૂટકે કાયદો હાથમાં લેવો પડે છે...’
ત્રીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળ્યું હોય અને મુંબઇ કે દિલ્હી જેવાં શહેર પર પરમાણુ બોમ્બ ઝીંકાયો હોય એ રીતે ચીસો પાડીને એક ન્યૂઝ એન્કર પોતાની ટીવી ચેનલ પર વર્સોવાની ઘટના બહેલાવીને રજૂ કરી રહ્યો હતો. આ દરમિયાન અડધા ટીવી સ્ક્રીન પર સતત પેલા વૃદ્ધ મૌલવી, તેની પત્ની તથા પુત્રી રડી રહ્યા હોય એવાં દ્રશ્યો પ્રસારિત થઇ રહ્યાં હતાં. વચ્ચે વચ્ચે વાઘમારે અને તેના સાથીદારો પિસ્તોલ્સ અને રિવોલ્વર્સ તાકીને ટોળાં સામે ઊભા હોય એવાં તથા તેમની સ્કોર્પિયો પર પથ્થરમારો થઇ રહ્યો હોય એવા દ્રશ્યો પણ દર્શાવાઇ રહ્યાં હતાં.
પોલીસ કમિશનર ઇલિયાસ શેખે રિમોટથી ટીવી ચેનલ બદલાવી તો બીજી ચેનલ પર પણ એક યુવતી વાઘમારે અને મુંબઇ પોલીસનાં નામના છાજિયા લઇ રહી હતી. ત્યાં પણ સતત પેલાં બધાં દ્રશ્યો દર્શાવાઇ રહ્યાં હતાં. એ ચેનલ પર એવો દાવો કરાઇ રહ્યો હતો કે વર્સોવાની ઘટનાનું એક્સક્લુસિવ ફૂટેઝ માત્ર અમારી ચેનલ પાસે છે. એ ટીવી ચેનલની ચાંપલી એન્કર કહી રહી હતી કે: ‘તમારી સગી આંખે જોઇ લો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વાઘમારે અને તેમના સાથી પોલીસ કર્મચારીઓનું કારસ્તાન. પબ્લિકે વાઘમારે અને તેના સાથીદારોને ઘેરી લીધા એ વખતે વાઘમારે લાજવાને બદલે ગાજ્યા હતા. અને તેમણે પબ્લિકને ધમકી આપી હતી કે કોઇ મારી નજીક આવવાની કોશિશ કરશે તો હું ગોળી મારી દઇશ! જોઇ લો આપણા દેશની પોલીસનુ કારનામું. આજે વર્સોવામાં બન્યું છે, કાલે પોલીસ તમારા ઘરમાં ઘૂસીને તમારી બહેન-દીકરીની ઇજ્જત પર હાથ નાખી શકે છે...’ સૂરજ પશ્ર્ચિમમાં ઊગ્યો હોય, ધરતી રસાતાળ ગઇ હોય, આભ ફાટી પડ્યું હોય અને મેરામણે માઝા મૂકી દીધી હોય એ રીતે ગળું ફાટી જાય એટલા ઊંચા અવાજે તે ટીવી એન્કર બોલી રહી હતી. સાથે તે માહિતી આપતી જતી હતી કે ભૂતકાળમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વાઘમારેએ એક નિર્દોષ યુવાનને ગુંડો ગણાવીને મારી નાખ્યો હતો.
કમિશનર ઇલિયાસ શેખનું લોહી ગરમ થઇ ગયું. તે પત્રકાર યુવતી જેને નિર્દોષ યુવાન ગણાવી રહી હતી તે અંડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણિયાની ગેંગનો ખતરનાક શૂટર હતો અને તેણે એક ડઝન ખૂન ર્ક્યા હતા. એ સિવાય ખંડણી તથા અપહરણ સહિતના અનેક ગુનામાં તેની ધરપકડ થઇ હતી, પણ દરેક વખતે કાણિયાના ઉસ્તાદ વકીલોએ તેને કોર્ટમાં નિર્દોષ સાબિત કરી દીધો હતો. અને તે ગુંડાની વિરુદ્ધ કોર્ટમાં સાક્ષી આપવાની હિંમત કરનારા અનેક માણસોના કાણિયાએ ખૂન કરાવી નાખ્યા હતા.
‘તે નિર્દોષ યુવાનની હત્યાને ગંભીરતાથી લઇ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીએ વાઘમારેની સજાકીય બદલી કરીને તેમને મુંબઇમાંથી ગઢચિરોલી જેવા વિસ્તારમાં ધકેલી દીધા હતા, પણ મુંબઇ પોલીસના કેટલાક અધિકારીઓએ વાઘમારેનેે પાછા મુંબઇ લાવવા લોબીંગ ર્ક્યું હતું અને પોલીસ કમિશનર શેખ અને બીજા અધિકારીઓને વાઘમારેની માત્ર મુંબઇમાં બદલી કરાવીને સંતોષ નહોતો થયો. તેમણે તેની નિમણૂક ફરી હાઇ પ્રોફાઇલ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટના સિનિયર પોલીસ ઇંસ્પેક્ટર તરીકે કરી દીધી હતી. એનું પરિણામ આજે મુંબઇની અને આખા દેશની પબ્લિક જોઇ રહી છે...’
એ છોકરીની ચીસાચીસ વચ્ચે ફરી ફરી એવું દ્રશ્ય પણ પ્રસારિત કરાઈ રહ્યું હતું કે જેમાં વાઘમારે પિસ્તોલમાંથી હવામાં ગોળીબાર કરી રહ્યા હતા અને પછી ટોળાં સામે પિસ્તોલ તાકીને ધમકી આપી રહ્યા હતા કે કોઈ પણ આગળ વધવાની કોશિશ કરશે તો હું ગોળી મારી દઈશ.
આગળ પાછળના સંદર્ભ વિના એ દ્રશ્યો દર્શાવવાની સાથે તે છોકરી ચીલ્લાઈ રહી હતી: ’જુઓ મુમ્બઈ પોલીસની ખુલ્લી ગુન્ડાગિર્દી! દર્શકોને યાદ અપાવી દઈએ કે વાઘમારે અત્યાર સુધી એન્કાઉન્ટરમાં એક્સો પચ્ચીસથી વધુ વ્યક્તિઓને ગોળીએ દઈ ચૂક્યા છે અને એ પૈકી કેટલાય એન્કાઉન્ટર સામે માનવ અધિકારવાદી સંગઠનો શંકા ઉઠાવી ચૂક્યા છે...’
એ છોકરીની બડબડ સહન ના થઇ એટલે કમિશનર ઇલિયાસ શેખે ફરી વાર ચેનલ બદલી તો ત્રીજી ચેનલ પર એ ચેનલની વર્સોવામાં પહોંચી ગયેલી ઓબી વેન દ્વારા લાઇવ ટેલિકાસ્ટ થઇ રહ્યું હતું. જેમાં પેલી છોકરી પોતાનો ફાટેલો બુરખો બતાવીને ચોધાર આંસુએ રડતી હતી અને તેના વૃદ્ધ માતા-પિતા દયામણા ચહેરે, આંખોમાં આંસુ સાથે ‘આપવીતી’ કહી રહ્યાં હતાં. એ પછી વળી કેટલાક સ્થાનિક લોકોના ઇન્ટરવ્યુ પણ દર્શાવાઈ રહ્યા હતા. એક યુવાન ઉછળી ઉછળીને કહી રહ્યો હતો, ‘અમને ન્યાય નહીં મળે તો અમારે હથિયાર ઉઠાવવા પડશે. આ દેશમાં લઘુમતીઓનો અવાજ સાંભળનારું કોઇ નથી. અમને શરમ આવે છે કે મુંબઇનો પોલીસ કમિશનર પણ મુસ્લિમ છે છતાં તે અમારા પર થતા અત્યાચાર ચૂપચાપ સહન કરી રહ્યો છે.’ તો વળી બીજો એક યુવાન અલ્ટિમેટમ આપી રહ્યો હતો: ‘૨૪ કલાકમાં પોલીસ કમિશનરની બદલી નહીં થાય અને વાઘમારે તથા તેના સાથીદારોની ધરપકડ નહીં થાય તો મુંબઇ ભડકે બળશે!’
એ પછી વળી એ ટીવી ચેનલનો પત્રકાર પોતાને જોઈએ એવા, મુંબઈ પોલીસ વિરુદ્ધના આક્રોશભર્યા શબ્દો જુદાજુદા માણસો પાસે બોલાવીને વચ્ચે વચ્ચે પોતાની ટિપ્પણી આપી રહ્યો હતો : ‘તમે જોઈ શકો છો કે અહી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મુખ્ય મંત્રી અને ગ્રુહ મંત્રી પોલીસ વિરુદ્ધ તાબડતોબ પગલાં નહીં ભરે તો મામલો ભયજનક હદે બગડી શકે છે...’
પોલીસ કમિશનર શેખે અકળાઈને ટીવી બંધ કરી દીધું. ‘આ સાલા મીડિયાવાળા આપણને મનફાવે તેમ ગાળો આપી શકે, પણ આપણે તેમને ક્યારેય ગાળ ના આપી શકીએ!’ તેમણે તેમની સામે બેઠેલા સાથી અધિકારીઓ સામે ચહેરો ફેરવીને કહ્યું.
‘આ લોકોને તો આદત જ થઇ ગઇ છે કોઇ પણ મુદ્દે પોલીસને ગાળ આપવાની, સર.’ જોઇન્ટ કમિશનર ત્યાગીએ ટાપશી પૂરી.
એ જ વખતે કમિશનર શેખના મોબાઇલ ફોનની રિંગ વાગી. મોબાઇલ ફોનના સ્ક્રીન પર ફલેશ થયેલું નામ જોઇને કમિશનર શેખના કપાળ પર સળ પડી ગયા.
(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Vikas Moradiya

Vikas Moradiya 1 અઠવાડિયા પહેલા

gajab

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Binita

Binita 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા