નગર - 32 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 32

નગર-૩૨

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ૧૯૬૬ની સાલમાં દક્ષિણ ગુજરાતનાં સમુદ્ર કિનારે એક જહાંજ આવીને ઉભુ રહે છે. તેઓ એ જગ્યાએ ઠરીઠામ થવા માંગતા હોય છે એટલે ત્યાં રહેતા લોકોનાં મુખીયાઓને વાટાઘાટો કરવા પોતાના જહાંજ ઉપર આમંત્રે છે.... પરંતુ તેમનો એ મનસુબો તેમની કમનસીબીમાં પલટાઇ જાય છે. હવે આગળ વાંચો...)

આંચલને ત્યાંથીજ પાછા ફરી જવાની ઇચ્છા થઇ આવી હતી છતાં કોણ જાણે કોઇ ગેબી શક્તિએ તેને જકડી લીધી હોય એમ તે ત્યાંજ સ્થીર ઉભી રહી ગઇ હતી અને અગાશીનાં અંધકાર મઢયા ખૂણા તરફ જોઇ રહી. તેનાં દિલમાં ભૂકંપ ઉઠયો હતો. હજુ થોડીવાર પહેલાં તો તેનાં હ્રદયે ઇશાનનાં પ્રેમમાં પડવાની હામી ભરી હતી. એ ખ્યાલ, એ એહસાસ કેટલો ખૂબસુરત હતો. રેડિયો સ્ટેશનેથી તે એક અનંગ ઉત્સાહ લઇને નીકળી હતી. ઇશાન પરત્વે તેને જે અનુરાગ જનમ્યો હતો એ વર્ણવવા તેની પાસે શબ્દો નહોતાં. ઇશાન સમક્ષ આજે તે પોતાનાં પ્રેમનો એકરાર કરવા માંગતી હતી...ઇશાનને તે પોતાનો બનાવવા માંગતી હતી. પરંતુ....અહી કોઇ અલગ જ દ્રશ્ય તે નિહાળતી હતી. આટલે દુરથી એ તરફ અંધારામાં શું ચાલતું હતું એ તે સ્પષ્ટ જોઇ શકતી નહોતી તેમ છતાં ઇશાનને તેણે બરાબર ઓળખ્યો હતો . તે કોઇ સ્ત્રી સાથે હતો અને તેઓ બંને એકમેકમાં ગુંથાયેલા હતા એ ન સમજી શકે એટલી તે નાદાન પણ નહોતી.

એક ક્ષણ...માત્ર એક ક્ષણ પુરતો તેનાં ગળામાં ડુમો ભરાયો. તેની આંખોમાં ઝાકળ છવાયું હોય એવું લાગ્યું....અને પછી તરત જ તે સ્વસ્થ થઇ હતી. આંસુનો ઘુંટડો ગળા નીચે ઉતારી તેણે મન મક્કમ કર્યુ. તે પોતાની જાતને જ જાણે સધીયારો આપતી હોય એમ ટટ્ટાર થઇ. “ નહી...આટલી જલ્દી હું તૂટીશ નહી....” મનોમન તેણે હિંમત એકઠી કરી. “ ઇશાનને હું ચાહવા લાગી હતી એ વાત ઠીક છે પણ એ જરૂરી થોડું છે કે ઇશાન પણ મને ચાહતો હોય, તેનાં જીવનમાં અન્ય કોઇ હોઇ શકે એ મારે વિચારવું જોઇતું હતું. ખેર.... ” તેણે જાણે કંઇ જોયુંજ ન હોય તેમ મનમાં ઉઠતાં વિચારોને ખંખેરીને લીફ્ટનાં કોલામાંથી બહાર નીકળી રેસ્ટોરાં તરફ આગળ વધી ગઇ. કાચનાં પાર્ટીશનનો દરવાજો ખોલી તે અંદર પ્રવેશી કાઉન્ટર તરફ ચાલી.

“ અહી મેં એક ટેબલ બુક કરાવ્યું છે. આંચલ ચૌહાણ નાં નામથી... ” તેણે કાઉન્ટર પાછળ બેઠેલા રેસ્ટોરાંનાં મેનેજરને કહ્યું.

“ જી મેમ....! આપનું ટેબલ રેડી છે. આ સામે દેખાય છે તે....” મેનેજરે પોતાની ખુરશીમાંથી ઉભા થઇ કોર્નરનાં એક ટેબલ તરફ ઇશારો કર્યો. “ જો આપને બીજી કોઇ જગ્યાએ ફાવે તો તમારી પસંદગીની જગ્યા લઇ શકો છો. તમે જોઇ જ રહયા છો કે અત્યારે અહી ઘણા ટેબલો ખાલી છે....” તે નમ્ર અવાજે બોલ્યો.

“ જી નહી...મને એ ટેબલ ફાવશે. અને હાં...મારા ગેસ્ટ હજુ આવ્યા નથી. જો આવે તો એ તરફ માકલી આપજો... ” કહીને આંચલ કોર્નરનાં ટેબલ તરફ આગળ વધી.

“ આઇ થીંક, જો હું ભુલ ન કરતો હોંઉ તો આપનાં ગેસ્ટ હમણાં થોડીવાર પહેલાં જ આવી ચુકયા છે. કદાચ તેઓ બહાર ટેરેસ પર છે....જસ્ટ આઇ ગેસ...” મેનેજરે તર્ક કર્યો. તેણે હમણાં જ પેલા સુંદર યુગલને રેસ્ટોરાંમાં ઝાંકી ટેરેસનાં અંધકાર તરફ જતાં જોયા હતા. એ યુવક અને તેની સાથેની વિદેશી યુવતીને કદાચ આ મેડમે જ ઇન્વાઇટ કર્યા હશે એવું તેને લાગ્યું.

“ ઓહ....આભાર. હું તેમને ફોન કરું છું. ” આંચલ બોલી. હવે તે આ મેનેજરને કેમ કહે કે તેણે પણ એ બંનેને જોયા હતાં, પરંતુ તેમને ડિસ્ટર્બ ન થાય એટલા માટે તે આ તરફ ચાલી આવી હતી. પોતાનાં માટે રખાયેલા રીઝર્વ ટેબલ ઉપર આંચલે બેઠક લીધી અને પર્સમાંથી ફોન કાઢયો. ઇશાનને ફોન કરું કે ન કરું...? બે મિનીટ તે અવઢવમાં રહી. આખરે તેણે ફોન કર્યો.

“ હલ્લો ઇશાન...! કયાં છે તું...? ” ફોન લાગતા સાવ સહજ અવાજમાં તેણે પુછયું.

“ તું આવી ગઇ...? ” સામે છડેથી પુછાયું.

“ હાં...તારી રાહ જોઉ છું....”

“ ઓ.કે...અમે જસ્ટ આવ્યા...! “ ઇશાન બોલ્યો.

“ અમે....! મિન્સ...? ” આંચલે અજાણ્યા થતાં પુછયું.

“ ઓહ... હું તને કહેવાનું ભુલી ગયો. ઓસ્ટ્રેલીયાથી મારી મિત્ર આવી છે. અત્યારે તે મારી સાથે છે. ” ઇશાનનાં અવાજમાં જાણે તે એકાએક ઓઝપાઇ ગયો હોય એવો થડકો હતો. બે જણાંની ડિનર પાર્ટીમાં ત્રીજા કોઇને વગર આમંત્રણે સાથે લઇ જવું એ મેનરલેસ બિહેવીયર કહેવાય, એ ઇશાન સારી રીતે સમજતો હતો એટલેજ કદાચ તેનો સ્વર ધીમો જણાતો હતો. જોકે ઇશાન એલીઝાબેથને અહીં લઇને આવ્યો ન હોત તો તપસ્વી મેન્શનમાં એકલી પડેલી એલીઝાબેથ શંકર મહારાજ અને પેલી લાઇબ્રેરીવાળી ઘટના વિશે તરેહ-તરેહનાં વિચારો કરી તેની મુસીબતમાં વધારો કરત એ તે સારી રીતે સમજતો હતો. એલીઝાબેથ એવું કંઇ ન વિચારે, અને તેનું મન અન્ય બીજી બાબતોમાં ઉલઝેલું રહે એવા આશયથીજ તે તેને સાથે લેતો આવ્યો હતો.

“ નો પ્રોબ્લેમ ઇશાન. મને તારી એ દોસ્તને મળવું ગમશે. પણ પ્લીઝ...તમે જલ્દી આવો. મારા પેટમાં બિલાડા કુદે છે....” આંચલ બોલી અને ફોન મુકયો. ન ચાહવા છતાં જે પરિસ્થતી સર્જાઇ હતી એ સ્વીકારવા સીવાય તેનો છુટકો નહોતો. ઇશાનને આવતા સમય લાગશે નહી એ જાણતી હોવાથી અધીરાઇ અને ઉત્સુકતાથી તે દરવાજા તરફ જોઇ રહી. ચંદ મિનિટો વીતી અને...તે બંને આવ્યાં. કાચનો દરવાજો ખોલી પહેલા ઇશાન અંદર દાખલ થયો અને તેની પાછળ એલીઝાબેથ આવી. આંચલની નજરો એલીઝાબેથને જોઇ રહી... આટલે દુરથી પણ તે એલીઝાબેથની સુંદરતાથી અંજાઇ હતી. મનોમન તેનાંથી એલીઝાબેથની પ્રસંશા થઇ ગઇ. ઉંચી, લાવણ્યમયી, ખૂબસુરત એલીઝાબેથ તરફ ઇશાન ખેંચાયો ન હોત તો જરુર તેને નવાઇ લાગત. ઇશાન તો શું...? અન્ય કોઇપણ યુવકનાં સ્વપ્નમાં આવતી તેની સ્વપ્નસુંદરી જેટલી રૂપાળી હતી તે. તેઓ નજીક આવ્યા એટલે આંચલ તેની ખુરશીમાંથી ઉભી થઇ.

“ હેલ્લો ઇશાન...” તેણે ઇશાન સાથે હાથ મેળવ્યો અને પછી એલીઝાબેથ તરફ હાથ લંબાવ્યો... “ હાય...”

“ હાય....” એલીઝાબેથે ભારે સૌજન્યથી હાથ મેળવ્યો. “ એકચ્યુલી મારે તમારી માફી માંગવી જોઇએ. આમ વગર આમંત્રણે મારે આવવું ન જોઇએ...”

“ અરે એવું કરવાની જરૂર નથી. ઉલટાનું મને તો આનંદ થયો છે. એ બહાને તમે અમારા ભારતીયોની મહેમાનગતી માણી શકશો. ” આંચલે હસીને વાતાવરણ હળવું કર્યુ.

“ ઓહ...સો કાઇન્ડ ઓફ યુ. ” એલીઝાબેથ બોલી ઉઠી. એ દરમ્યાન ઇશાન અને એલીઝાબેથ આંચલની સામે ખુરશી પર ગોઠવાયા હતાં.

“ ઓહ ગોડ...આ અહીંયા કયાંથી...? ” અચાનક આંચલનાં મોં માંથી ઉદ્દગાર નીકળ્યો. તે હજુ પોતાની સીટ ઉપર બેસવા જતી જ હતી કે તેની નજર રેસ્ટોરન્ટનાં દરવાજે ચોંટી ગઇ, અને આશ્વર્યથી તે દરવાજાની અંદર દાખલ થતા શખ્શને જોઇ રહ્યી. તેને એ તરફ જોતાં જોઇને ઇશાન અને એલીઝાબેથે પણ દરવાજા તરફ ડોક ઘુમાવી હતી. અંદર દાખલ થયેલા શખ્શને જોઇને ઇશાન પણ ચોંકયો હતો. જ્યારે એલીઝાબેથનાં ચહેરા ઉપર અસમજનાં ભાવો આવ્યા હતાં.

પેલા શખ્શનું ધ્યાન પણ એકાએક આંચલ ઉપર પડયું હતું અને તેને પણ આશ્વર્ય ઉપજ્યું હતું. તે સીધો જ આંચલનાં ટેબલ તરફ ચાલ્યો અને આંચલ સીવાયની બીજી બે વ્યક્તિને ત્યાં બેસેલી જોઇને તે ખચકાઇને ઉભો રહી ગયો. અને પછી એકાએક તેનાં ચહેરા ઉપર સ્મિત આવ્યું હતું.

“ ઓહો....શું વાત છે...? નગરની તમામ ખૂબસૂરતી આજે એક જગ્યાએ એકઠી થઇ છે ને કંઇ....! ” તે આંચલ અને એલીઝાબેથ તરફ જોતાં બોલ્યો. “ એન્ડ હેન્ડસમ ઓસ્ટ્રેલીયન બોય ઓલસો આર હીયર...”

“ યસ ઇન્સ્પેકટર. પણ તમે અહીં કયાંથી....? ” ઇશાને તરત પુછયું. તેને જયસીંહનો કટાક્ષ ગમ્યો નહોતો.

“ અરે ઇન્સ્પેકટર નાં કહો યાર. ખાલી જય કહીને બોલાવશો તો પણ ચાલશે. તમે આંચલનાં મિત્ર છો મતલબ મારા પણ મિત્ર થયા કહેવાઓ...” તે બોલ્યો. “ અને આમ પણ હું અત્યારે ઓફ ડ્યૂટી છું. જુઓ મેં વર્દી પણ નથી પહેરી.”

“ એક પોલીસવાળો કયારેય ઓફ ડયૂટી નથી હોતો મી.જયસીંહ...” ઇશાને પણ કહી જ નાંખ્યું.

“ વેલ સેઇડ મી.ઇશાન. પણ ઘણી વખત હું એક સામાન્ય માનવી તરીકે વર્તવાનું વધુ પસંદ કરું છું. કામનાં સમયે કામ અને ડ્યૂટી પુરી થયા બાદ તમારી જેમ એક જેન્ટલમેન. ” જયસીંહ બોલ્યો. આ તમામ વાતચીત બસ એમ જ થઇ રહી હતી. જયસીંહ ટેબલ નજીક ઉભો હતો, આંચલ તેની ખુરશી પર બેઠી હતી. તેને એક વાત બરાબર સમજાઇ હતી કે તેની ડીનર પાર્ટીનું સત્યાનાશ વળી ગયું છે. પહેલા એલીઝાબેથ, અને હવે આ ઇન્સ.જયસીંહે તેની અને ઇશાનની અંગત ડીનર પાર્ટીમાં ભંગાણ સર્જ્યું હતું. આજે આમ પણ સવારથી તેનો દિવસ ખરાબ શરૂ થયો હતો. તેનો મૂડ એકાએક ચાલ્યો ગયો.

“ જય, તું બેસતો કેમ નથી...? તું પણ અમને જોઇન કર...” તે બોલી ઉઠી. એક જ ટાઉનમાં રહેતા હોવાથી તેની અને જયસીંહ વચ્ચે સારી દોસ્તી જામી હતી એટલે તે જયસીંહને તે “ તું ” કહી બોલાવી શકતી.

“ શ્યાર....જો આ તારા મહેમાનોને કોઇ તકલીફ ન હોય તો...? ” જયસીંહ પણ કટ્ટર આદમી હતો. તેનાં મનમાં એક વાત આવતી હતી કે આ લોકો કોઇજ કારણ વગર તો અહી એકઠા થયા નહી હોય. એ શું હોઇ શકે એ જાણવા માટે તે થોડો નફ્ફટ બની ગયો.

“ અમને શું તકલીફ હોય...! આંચલનાં મિત્ર છો એટલે હવે અમારા પણ મિત્ર. ” ઇશાન પણ ગાંજ્યો જાય તેવો નહોતો. તેણે જયસીંહે હમણાં ઉચ્ચારેલા શબ્દો દોહરાવ્યા. ખરેખર તો તેને આ ઇન્સ્પેકટર પરત્વે થોડો અણગમો જન્મ્યો હતો. જે રીતે જયસીંહ તેની સાથે હોસ્પિટલમાં વર્ત્યો હતો એ તેને બિલકુલ ગમ્યું નહોતું... અને એ અણગમો અત્યારે તેની ભાષામાં સ્પષ્ટ વર્તાઇ આવતો હતો. આંચલે પણ ઇશાનનું આ વર્તન નોંધ્યું હતું અને તે બંને વચ્ચે વાત વધુ વણસે એ પહેલા તેણે વેઇટરને સાદ પાડયો હતો.

વેઇટર આવ્યો એટલે વાત ત્યાંજ અટકી પડી. જયસીંહે આંચલની બાજુમાં ખાલી પડેલી ખુરશી ખેંચીને તેમાં બેઠક લીધી. ત્યારબાદ ભોજનની આઇટમોનો ઓર્ડર અપાયો. વેઇટર ઓર્ડર લઇને ગયો.

“ સોરી હોં...! હું આવી રીતે તમારા રંગમાં ભંગ પડાવવા ટપકી પડયો એ બદલ...” જયસીંહ આખરે થોડો ઢીલો પડયો.

“ એવી ફોર્માલીટી રહેવા દે જય...! જોકે એક વાત છે, તને અહી જોઇને મને આશ્વર્ય જરૂર થયું. ” આંચલ બોલી.

“ એકચ્યુલી હું અહી કોઇકને શોધવા આવ્યો છું.”

“ કોને...? ”

“ હવે એ વાત જવા દો. તે અહી નથી... ”

“ કોની વાત કરે છે તું...? ”

“ રોશન પટેલની... ”

“ રોશન પટેલની...? મતલબ...? ” ઇશાન જયસીંહની વાત સાંભળી ભડકયો.

“ તને તો ખબર જ હશેને ઇશાન, કે તારો એ જાડીયો દોસ્ત હોસ્પિટલમાંથી ભાગી છુટયો છે. મને એમ કે કદાચ તેભુખ્યો થયો હોય અને અહી જમવા આવ્યો હોય તો હું તેને મળી શકું. ” જયસીંહ બોલ્યો તો ખરો પણ આ સમયે તેનાં અવાજમાં ધાર નહોતી. “ ઇશાન, તારા મિત્રને કહેજે કે તે સાચો હતો. “ જલપરી ” બોટ ઉપર જે ખૂના-મરકી સર્જાઇ તેમાં તેનો કોઇ હાથ નહોતો એવા પુરાવા મને હાથ લાગ્યા છે. હું એજ કહેવા હોસ્પિટલે ગયો હતો પરંતુ મારા પહોંચતા પહેલાં તે ત્યાંથી ભાગી છૂટયો હતો. જો તને ખબર હોય કે એ કયાં છે તો તું આ સંદેશો તેને પહોંચાડી દેજે કે તેણે હવે ડરવાની કોઇ જરૂર નથી. હું સામે ચાલીને તેની મદદ કરવા તૈયાર છું. ”

“ રોશન ભાગી ગયો...? વોટ નોનસેન્સ...! ” ઇશાન હેરાનીથી બોલી ઉઠયો. “ તે નિર્દોષ છે એ બાબત તેણે ચીખી-ચીખીને તમને લોકોને જણાવી હતી, પરંતુ ત્યારે તમે તેનો વિશ્વાસ કર્યો નહોતો, અને આજે હવે જ્યારે તે ભાગ્યો છે ત્યારે તમે તેને નિર્દોશ સમજી શોધી રહયા છો...! ”

“ તને કદાચ ખ્યાલ નહી હોય કે આજે શું બન્યુ...? ” જયસીંહ બોલી ઉઠયો. “ આજે જે ઘટના ઘટી છે એ મેં મારી સગ્ગી આંખોએ નિહાળી છે એટલે મને પુરો વિશ્વાસ થયો છે કે રોશન પટેલ જે કહેતો હતો તેમાં થોડીઘણી સચ્ચાઇ તો હતી જ... ”

“ એવું તો શું બની ગયું છે...? ” ઇશાને આશ્વર્યસહ પુછયું.

જયસીંહે આજે સવારે તેની પાલીસચોકીમાં જે ઘટના બની એ અક્ષરસહઃ કહી સંભળાવી. તેની વાત સાંભળીને ત્યાં હાજર હતાં એ બધાનાં મોં ખુલ્લા રહી ગયા હતાં.

“ રોશન પટેલ પણ આવી જ વાતો કરતો હતો. કોઇક ભયાનક અગોચર શક્તિ....અને જહાંજ...અને ત્રાજવાનાં ચિન્હો....એવું બધું કંઇક. એક પોલીસ ઓફીસર તરીકે હું આવી બધી બાબતો ઉપર વિશ્વાસ ન કરી શકું, પરંતુ જ્યારે મેં મારી સગ્ગી આંખોએ, મારી જ પોલીસ ચોકીને તબાહ થતી જોઇ, એક ચાની લારીવાળાને મરતો જોયો... એ કોન્સ્ટેબલને દાઝતો જોયો...અને સૌથી ભયાનક તો રોશન પટેલ જે ત્રાજવાનાં ચિન્હોની વાતો કરતો હતો એવા ચિન્હોમેં ચોકીનાં વરંડાની દિવાલે ચિત્રાયેલા જોયા ત્યારે મને ખરેખર આઘાત લાગ્યો હતો અને તેની વાતો સાચી માનવા પ્રેરાયો હતો. હું તેને એજ કહેવા હોસ્પિટલે ગયો હતો પણ તે ત્યાંથી ભાગી છુટયો હતો. હવે જો એ તારા ટચમાં હોય તો તેને કહેજે કે એક વખત મને આવીને મળી જાય..”

“ ઓહ ગોડ...આ બધું શું થવા બેઠું છે...? ” આંચલ એકાએક બોલી ઉઠી.

“ આઇ નો સમથીંગ અબાઉટ ધેટ...” એલીઝાબેથ, જે અત્યાર સુધી ચૂપ રહીને આ સંવાદો સાંભળી રહી હતી તે બોલી ઉઠી.

“ એલીઝાબેથ...જસ્ટ લીસન, તારી વાત અલગ છે અને અહી જે ચર્ચા થાય છે એ બાબત અલગ છે. એન્ડ પ્લીઝ ગાય્ઝ....! આપણે અહી જમવાં આવ્યા છીએ તો જમવામાં ધ્યાન આપીએ. આ બધી ચર્ચાઓ પછી કયારેક નિરાંતે કરીશું. ” ઇશાને એલીઝાબેથની વાત કાપતાં કહયું. તેને ડર હતો કે એલીઝાબેથ કયાંક આ બાબતમાં વધુ ઉંડી ઉતરશે તો પ્રોબ્લેમ થયા વગર રહેવાનો નથી.

“ બટ...એ શું કહેવા માંગે છે એ સાંભળવા તો દે ઇશાન.... ” જયસીંહ ઉત્સુકતાથી બોલ્યો.

( ક્રમશઃ )