Nagar - 31 books and stories free download online pdf in Gujarati

નગર - 31

નગર-૩૧

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- બસ્તીમાં રહેતા ચાર મિત્રો એક સોદો કરવા દરિયાનાં પાણી ઉપર લાંગરેલા વિશાળકાય જહાજ સુધી આવે છે. તેઓને એ સોદામાં અઢળક ફાયદો દેખાય છે પરંતુ ચારમાંથી એક સાથીદારને આ સોદામાં કશુંક ઠીક નથી લાગતું.... શું હતું એ...? આગળ વાંચો...)

“ તું કેમ ખામોશ છે ઇશ્વર...?” વિરમે તેનાં સાથીદારને પુછયું. તેઓ અત્યારે પોતાની બસ્તી તરફ પાછા જઇ રહયા હતાં. જહાંજમાં થયેલી બેઠકનું સુખદ પરીણામ આવ્યું હતું એટલે બધા ખુશખુશાલ હતા. જહાંજનાં કપ્તાન વિલિમર ડેન સાથે સોદો નક્કી થયા બાદ તેઓ ફરી પાછા હોડીમાં ગોઠવાયા હતાં.

“ કંઇ નથી બસ એમ જ...!” ઇશ્વરે જવાબ આપ્યો. દરિયા ઉપર છવાયેલા અંધકારનાં કારણે તેઓ એકબીજાનાં ચહેરા સ્પષ્ટ રીતે જોઇ શકતા નહોતાં એટલે બોલતી વખતે ઇશ્વરનાં મોં ઉપર આવેલા અણગમાના ભાવ કોઇ જોઇ શકયું નહી. પરંતુ તેના અવાજની ધાર વિરમ કળી ગયો.

“ એમજ તો તું ખામોશ રહેવાવાળો વ્યક્તિ નથી. અમને જો...! કેટલા ખુશ છીએ, આવનારા ભવિષ્યને લઇને ઉત્સાહિત છીએ. તને એવો ઉત્સાહ કેમ થતો નથી...?”

“ જવા દો એ વાત... તમે નહી સમજો...!”

“ શું નહી સમજીએ....? શું સમજવા જેવું છે અમારે...?”

“ મારે તમારા ઉત્સાહમાં ખલેલ નથી પાડવી એટલે જવા દો...” ઇશ્વર વાત સંકેલી લેવાનાં લહેકા સાથે બોલ્યો અને હલેસા મારવામાં તેણે ધ્યાન પરોવ્યું.

“ ઉખાણાની ભાષામાં વાત શું-કામ કરે છે ઇશ્વર....? આપણે સર્વસંમતિથી પેલા કપ્તાન સાથે વાટાઘાટો કરવા આવ્યા હતાં. જ્યારે સોદાનાં પેપર ઉપર સહી-સિક્કા થતા હતાં ત્યારેય તું કંઇ બોલ્યો નહોતો અને એ પેપર ઉપર તે સહી કરી હતી. જો તને કંઇ ખટકો હતો તો ત્યારેજ તારે કહેવું જોઇએને...? હવે આમ અધવચ્ચે તું નારાજ થઇને બેઠો રહીશ તો અમને કોઇને પણ નહી ગમે. તારા મનમાં જે વાત ખટકતી હોય એ તું દિલ ખોલીને બોલ.... હજુપણ સમય છે. આપણે ફરી પાછા એ જહાંજ ઉપર જઇશું.....” વિરમ બોલ્યો.

“ મારો વિરોધ મેં પહેલેથી નોંધાવ્યો જ છે. અને આજે પણ એ વાત ઉપર હું અડીખમ છું....!”

“ પણ કંઇ વાત...?” વિરમનાં સ્વરમાં આખરે ખીજ ભળી હતી. ઇશ્વર તેનો ભેરુબંધ હતો એટલે તેની વાત મહત્વ રાખતી હતી, પણ તે આમ ગોળગોળ બોલે એ તેને સહેજે પસંદ નહોતું.

“ એ જ વાત...! કપ્તાનનાં ચહેરાની....!” ઇશ્વર બોલ્યો. “ તમે બધાએ તેનો ચહેરો જોયો હતો છતાં એ બાબત તમે જાણી જોઇને નજર અંદાજ કરી રહયા છો. મારો વિરોધ તમે સમજો તો છો પણ સ્વીકારતા નથી. હજુએ કહું છું કે કંઇક ગરબડ છે એ જહાજ ઉપર. મારુ માનો તો આ સોદો કેન્સલ કરી નાંખો. ધન-દોલતની લાલચમાં કયાંક આપણી અને આપણા પરીવારોની જીંદગી જોખમમાં ન આવી પડે....!” પથ્થર જેવી મક્કમતાથી તે બોલ્યો હતો.

તેની વાત સાંભળી હોડીમાં ઘડીભર સન્નાટો છવાઇ ગયો. કોણે, શું બોલવું જોઇએ એ સમજાયું નહી. પાણી ઉપર સરકતી હોડીનાં હલેસાઓ અને વહેતાં પવનનાં સુસવાટા સીવાય કયાંય કશો બીજો અવાજ સંભળાતો નહોતો. જહાંજથી તેઓ ખાસ્સા લાંબા અંતરે આવી ગયા હતા. દુર, એ જહાંજમાં સળગતા દિવાઓનો પ્રકાશ ઝીણા ટમટમતા તારલાઓ જેવો ભાસતો હતો. કિનારાથી તેમની હોડી વધુ દુર નહોતી. તેમની બસ્તીમાં પણ ખામોશી છવાયેલી જણાતી હતી...સ્ત્રીઓ, બાળકો સહીત લગભગ બધા જ જંપી ગયા હતાં. રાતનો એક પ્રહર વીતી ચુકયો હતો.

“ તું હજુ એક જ જગ્યાએ અટકેલો છે ઇશ્વર.” ઘણીવાર થવા છતા કોઇ કંઇ બોલ્યું નહી એટલે ભુપતે તેનું ગળુ ખંખેર્યુ. ઇશ્વરની દલીલ સાંભળીને તે સતર્ક થયો હતો. તે કોઇપણ ભોગે આ સોદો થાય એવું ઇચ્છતો હતો. પોતાની બદહાલભરી જીંદગીથી હવે તે તંગ આવી ચૂકયો હતો. અત્યારે હાથમાં આવેલી સોનેરી તક કોઇપણ ભોગે તે ગુમાવવા માંગતો નહોતો. “ તું વિચાર તો કર... આ સોદામાં કેટલી મબલખ દોલત હાથમાં આવશે...! એ દોલતથી તું, તારો પરીવાર, આપણું ગામ...બધા તરી જઇશું. સાત પેઢી બેસીને ખાઇશું તો પણ ધનની કયારેય કમી નહી વર્તાય.”

“ પણ એ માટે જીવતા રહેવું પણ જરૂરી છે ભુપત...” ઇશ્વરે ભુપતની દલીલને જડમુળમાંથી ઉખેડી ફેંકતા કહયું. “ એ લોકો તેમની સાથે જે રોગ લઇને આવ્યા છે એ રોગ આપણા ગામમાં પણ ફેલાશે. બસ્તીમાં બધા રોગીષ્ઠ થશે....કમોતે મરશે. ત્યારે આ દોલત કોઇ કામમાં નહી આવે. આપણી પાસે હજુય એક વિકલ્પ બચ્યો છે. જો આપણે તેમને નાં પાડી દઇએ તો તેઓ અહીથી ચાલ્યા જશે. તેમને બીજા કોઇ સ્થળે જગ્યા જરૂર મળી રહેશે. આપણે “ હાં ” કહીને નાહકનાં સામેથી આફતને આમંત્રણ આપી રહયા છીએ...”

ઇશ્વરની દલીલ સાંભળીને ફરીવાર હોડીમાં અજંપાભરી શાંતી પ્રસરી ગઇ. કોઇ કંઇ બોલ્યું નહી... અને બોલવા જેવું કંઇ હતું પણ નહી. ઇશ્વર જે કહેતો હતો એ સત્ય હક્કીત હતી. બધાએ જહાંજનાં કેપ્ટનનો ચહેરો જોયો હતો. જહાંજમાં ફરતી વેળાએ તેમાં રહેતા બીજા લોકોનાં ચહેરા પણ નિરખ્યા હતાં. એ ચહેરાઓ કોઇ રોગગ્રસ્ત માણસોનાં હોય એવા હતાં. કદાચ એ લોકોને દરિયાની કોઇ બીમારી લાગુ પડી ગઇ હશે. જહાંજનાં તમામ રહેવાસીઓને કોઇ ભયાનક બીમારી હોય એવું સ્પષ્ટ જણાઇ આવતું હતું. ઇશ્વરની આ દલીલને નકારવા માટે તેઓ અસમર્થ હતા કારણકે તે જે કહેતો હતો એ દિવા જેવું સ્પષ્ટ હતું.

“ તેમના ચહેરા ભયંકર હતા. ઇશ્વરની વાત વિચારવા જેવી ખરી....” ત્રિભોવન શુકલા દબાયેલા અવાજે બોલ્યો.

“ હંમમ્...” વિરમ તપસ્વીએ આંખો ઝીણી કરી ફક્ત હું-કાર ભણ્યો. તેની નજરો સામે ઢળતી ટોપી પહેરેલા કપ્તાનનો ચહેરો છવાયો. શક તો તેને પણ હતો જ... તેણે પણ એ ચહેરાને ધ્યાનપૂર્વક જોવાની કોશીષ કરી જ હતી. કપ્તાનનાં દાઢી મઢયા ચહેરાનો એક તરફનો આખો ભાગ જાણે સમુદ્રમાં વસતાં સમુદ્રી જીવોએ બેરહમીથી ચાવી નાંખ્યો હોય એટલો બિભત્સ હતો. એ તરફની ચામડીમાં કાણા પડી ગયા હતા અને તેમાંથી ચામડી નીચેની સફેદ ચરબી બહાર નીકળી આવી હતી. કપ્તાન તેનાં ચહેરાને દાઢી નીચે છુપાવવાની ભરચક કોશીષ કરતો હતો છતાં તેની એ કોશીષ કામયાબ થતી નહોતી. તેની આંખ નીચેનાં પોચા ભાગમાં સડો થયો હતો જેનાં લીધે એ તરફની પાંપણની લાઇન તૂટી હતી જેથી એક પરફેક્ટ એંગલમાં ગોઠવાયેલો આંખનો ડોળો થોડો ત્રાંસો થયો હતો, એ ત્રાંસો ડોળો અને તેની નીચે થયેલા સડાનું એવું બિભત્સ મેચીંગ થતું હતું કે તેની સામું જોવાવાળાને એ ચહેરો જોઇ ધ્રુણા ઉપજતી...પેટમાં ચૂંથારો ઉપડતો.

કપ્તાન કરતાં પણ વધુ ખરાબ હાલત જહાંજની સ્ત્રીઓ અને બાળકોની હતી. વિરમ અને તેનાં સાથઓ એ લોકોની હાલત જોઇને રીતસરનાં ચોંકી ઉઠયા હતાં છતાં ત્યારે કોઇ કંઇ બોલ્યું નહોતું. જહાંજનાં લોકોની હાથ-પગની ચામડી તરડાઇને ફાટી ગઇ હતી અને કોઇક રક્તપીત્તનાં દર્દીઓની માફક તેમાંથી લોહી-પરૂ ઉભરાતું હતું. એ ઘાવ ઉપર તેઓએ મેલાં-દાટ ચીંથરા વિંટાળ્યા હતાં છતાં એ ચીંથરા ઉપર પણ લોહીનાં ડાઘા તરી આવ્યા હતાં. તેમના હોઠની ચામડી ખવાઇ ચૂકી હતી જેના લીધે મોંઢાની આંદરનાં દાંત બહાર દેખાતા હતા. ઘણાની હાલત તો એટલી ભયાનક રીતે ખરાબ થઇ હતી કે તેની સામું જોતાં જ ઉબકા આવવા લાગે, ચીતરી ચડે. આખા જહાંજને જાણે કોઇ ભયંકર મહામારીએ પોતાનાં સકંજામાં જકડી લીધી હોય એવું પ્રતીત થતું હતું. જહાંજ ઉપરનું વાતાવરણ બોઝીલ, અને રોગીષ્ઠ હતું એ સમજતાં તેમને વાર લાગી નહોતી. તેમ છતા પૈસાની લાલચે તેમણે આંખો આગળ કાન કર્યા હતાં.”

“ ઇશ્વરની વાતમાં દમ છે. એ લોકો કોઇ ભયંકર બીમારીમાં સપડાયેલા છે એ સત્ય છે...અને એટલી જ સ્પષ્ટતા એ છે કે આપણે જો તેમને અહી રહેવાની પરવાનગી આપીશું તો ભવિષ્યમાં એ બીમારી આપણને પણ લાગું પડશે...” વિરમે તર્ક કર્યો. “ અને એક હકીકત એ પણ છે કે જો અપણે તેમને “ના” કહીએ તો જે મબલખ દોલત આપણા હાથમાં આવવાની છે એ નહી આવે. આપણે અત્યારે જેમ જીવીએ છીએ, આપણા બાળકો...અને તે પછી આવનારી આપણી પેઢીઓ પણ એમ જ જીવશે. બદહાલ અને કંગાળ....” શ્વાસ લેવા તે રોકાયો. “ આપણા બાળકોને કે પછી તેમના બાળકોને જ્યારે આ વાતની જાણ થશે કે તેમનાં વડીલોએ સામેથી ચાલીને આવેલી એક સોનેરી તકને લાત મારી હતી તો તેઓ કયારેય આપણને માફ નહી કરે...

“ તેનું ઉલટું પણ બની શકે...!” ઇશ્વર વિચારીને બોલ્યો. “ જ્યારે તેમને હકીકતની જાણ થશે.... કે તેમનાં વડીલોએ મોતનાં બદલે જીંદગીને સ્વીકારી, રોગીષ્ઠ ભવિષ્યનાં બદલે વર્તમાન મુફલીસી પસંદ કરી અને તેમને નવું જીવન બક્ષ્યું હતું ત્યારે તેઓ આપણા ઉપર ગર્વ અનુભવશે.”

વિરમ અને ઇશ્વર... તે બંનેની વાતોમાં દમ હતો. કોઇની દલીલો ઉથાપવાનું જીગર કોઇનામાં નહોતું. ભુપત પણ ખામોશ બેસીને મનોમન ધુંધવાતો હતો.

“ આનો કોઇ ત્રીજો ઉકેલ ન નીકળે...?” અત્યાર સુધી સાવ ખામોશ બેઠેલા ત્રિભોવન શુકલાએ પ્રશ્ન કર્યો. બધા વિચારમાં પડયાં.

“ મને એક રસ્તો સુઝે છે....” એકાએક ભુપત બોલી ઉઠયો.

“ શું...?”

“ આપણી પાસે કેટલા હથીયાર છે...?” તેણે બધાનાં ચહેરા નીરખતાં ધારદાર અવાજે પ્રશ્ન પુછયો. એ પ્રશ્ન સાંભળીને હોડીમાં ખળભળાટ મચી ગયો.

“ મતલબ...? કરવા શું માંગે છે તું ....?” વિરમે ધડકતા દિલે ભુપતને પુછયું.

“ એ જ.... જે તમે બધા સમજ્યા છો. ત્રીજો રસ્તો....” તે બોલ્યો.

“ કયો ત્રીજો રસ્તો...?”

“ સાંભળો.... હું સમજાવું.” કહીને ભુપતે એક યોજના કહી. તેની વાત સાંભળીને હોડીમાં હતાં એ તમામનાં હ્રદય જોર-જોરથી ધડકવા લાગ્યા હતાં. આખરે ભુપતે તેની વાત સમાપ્ત કરતા કહયું.... ” આનાથી સાપ મરી જશે અને લાકડી પણ નહી તૂટે. જો તમે બધા તૈયાર થાઓ તો યોજના અમલમાં મુકીએ...”

“ મારી પાસે એક પિસ્તોલ અને બે કારતૂસ છે...” ઇશ્વર બોલ્યો. તેનો અવાજ રીતસરનો ધ્રુજતો હતો.

“ મારી પાસે પણ મારી પિસ્તોલ છે....” વિરમે કહયું.

“ ત્રિભોવન...?” ભુપતે ત્રિભોવન શુકલા તરફ નજર કરતા પ્રશ્ન ઉઠાવ્યો.

“ ચાકુ...” તે બોલ્યો.

“ એક પિસ્તોલ મારી પાસે પણ છે...” ભુપતે કહયું.

“ પણ આપણે ચાર છીએ અને સામે એક આખુ જહાંજ ભરીને માણસો છે...” ત્રિભોવને શંકા વ્યક્ત કરી.

“ વ્યક્તિઓની સંખ્યા કરતા તેમની છાતીમાં ધરબાયેલી હિંમત વધુ મહત્વની હોય છે ત્રિભોવન... કયારેક એક શિયાળ પણ સિંહોનાં ટોળા ઉપર ભારે પડી શકે છે.”

“ મને આ ઠીક નથી લાગતું. ભગવાન આપણને માફ નહી કરે...” ત્રિભોવન શુકલા થથરતો હતો.

“ તો કાંઠો સામે જ છે. તું અહીથી જ પાછો વળ. અમે ત્રણેય જઇશું.”

“ હું એમ નથી કહેતો...”

“ તો પછી આ ચર્ચા અહી જ ખતમ થાય છે. ઇશ્વર, હોડીને ઘુમાવ અને જહાંજની દિશામાં લે....” ભુપતે આખરી હુકમ સુણાવી દીધો. તેની વાતનો વિરોધ કરવાનું ત્રિભોવનનું ગજું નહોતું.

હોડીને ઝડપથી પાછી વાળવામાં આવી. જે ઝડપે તેઓ આવ્યા હતા તેનાથી બમણા વેગે ઇશ્વર અને ત્રિભોવન હલેસા મારવા શરૂ કર્યા હતાં. તેમનાં હાથ રીતસરનાં ધ્રુજતાં હતાં. વિરમ અને ભુપતની હાલત પણ તેમના જેવીજ હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં એક ખતરનાક નિર્ણય લેવાયો હતો અને તેને અમલમાં મુકી દેવાયો હતો. કોઇ નહોતું જાણતું કે આગળ શું થવાનું છે...? તેમનાં આ નિર્ણયનું શું પરીણામ આવશે...? અરે... એ પણ ખબર નહોતી કે જે નક્કી થયું છે તેનો અમલ કોણે અને કેવી રીતે કરવાનો છે...? તેઓ તો બસ, ચાલી નીકળ્યા હતા. રાતનાં ઘનઘોર અંધકારને ચીરતી તેમની નાનકડી નાંવ સમુદ્રનાં હિલોળાતા પાણી ઉપર કોઇ નાનકડા ટપકાંની ભાંતી વહેતી જતી હતી. ચંદ મિનીટોમાં તેઓ જહાંજની નજીક પહોંચી ગયા. “ ધમ...ધમ..ધમ...ધમ...” હાથમાં હલેસો લઇને ભુપતે ફરીથી જહાંજનાં પતરા ઉપર પછાડવાનું શરૂ કર્યું. એ અવાજ સમુદ્રનાં પાણી ઉપર... અને જહાંજમાં અંદર દુર સુધી પડઘાઇ ઉઠયો.

***

વિલિમરે અવાજ સાંભળ્યો. “ તેઓ પાછા આવ્યા લાગે છે.... પણ શું કામ...?” પોતાની જાતને જ સવાલ પુછયો. પછી તેણે ખારવાઓને બોલાવી ફરીથી સીડી નીચે નંખાવડાવી...અને એ ચારેયને જહાંજ ઉપર લેવામાં આવ્યા.

“ શું વાત છે મિત્રો...?” વિલિમર ડેને પોતાની સામે ઉભેલા ચારેય શખ્શોની આંખોમાં જોતાં પુછયું. આ લોકો અચાનક કેમ પાછા આવ્યા એ તેને કે તેનાં સાથીદારોને સમજાયું નહોતું. વિલિમર ઉભો હતો તેની આસપાસ સીડી નીચે ફેંકવાવાળા ખારવાઓ આવીને ઉભા રહી ગયાં હતા. એ બધાનાં ચહેરાઓ ઉપર અસમંજસના ભાવો હતાં.

“ કપ્તાન...! એક વાત અધુરી રહી ગઇ હતી.” ભુપત ભારે ઠંડકથી બોલ્યો.

“ કંઇ વાત...?” હેરાનીભર્યા સ્વરે વિલિમરે પુછયું.

“ આ....” બોલીને ભુપતે તેનાં પહેરણ નીચે છુપાવેલી બંદુક તરફ હાથ લંબાવ્યો....

( ક્રમશઃ )

પ્રવિણ પીઠડીયા

વોટ્સએપઃ- ૯૦૯૯૨૭૮૨૭૮

મેઇલઃ- Pravinpithadiya33@gmail.com

મિત્રો...આ કહાની આપને કેવી લાગે છે એ જરુર જણાવશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED