પિન કોડ - 101 - 47 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 47

પિન કોડ - 101

પ્રકરણ-47

આશુ પટેલ

વાઘમારે પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા. તેમણે પોતાની પિસ્તોલ ઊંચી કરીને હવામાં ગોળી છોડી અને બરાડો પાડ્યો: ‘મુંબઇ પોલીસ. કોઇ આગળ આવશે તો ગોળી મારી દઇશ.’ વાઘમારેના બીજા સાથીદારો પણ ટોળા સામે પિસ્તોલ તાકીને ઊભા રહી ગયા. એ જોઇને ટોળું થોડું પાછળ હટ્યું. વાઘમારેએ નિર્ણય લઇ લીધો હતો કે અત્યારે અહીંથી નીકળી જવામાં જ સાર છે
વૃદ્ધ માણસે દરવાજો ખોલ્યો એ સાથે સિનિયર ઈન્સ્પેક્ટર વાઘમારે અને તેમના સાથીદારો અંદર ધસી ગયા. એ ઘરના લિવિંગ રૂમમાંથી બે દરવાજા બેડરૂમમાં ખૂલતા હતા, એક દરવાજો એક નાનકડા પેસેજમાં થઈને કોમન બાથરૂમમાં ખૂલતો હતો અને એક દરવાજો કિચનમાં ખૂલતો હતો. એક બેડરૂમના દરવાજા પર તાળું મારેલું હતું. વાઘમારે જે બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો એમાં ઘૂસ્યા. તેમને અંદર ધસી આવેલા જોઇને બુરખો પહેરેલી એક યુવતી બહારની તરફ ભાગી. એક પોલીસવાળાએ તેને અટકાવીને તેનો બુરખો હટાવ્યો. એ વખતે કિચનમાંથી એક વૃદ્ધા લિવિંગ રૂમમાં દોડી આવી. તેને બૂમો પાડવા માંડી કે, ‘અલ્લાહ કે ખોફ સે ડરો. શરીફ લોગો કે ઘરમેં ગુંડાગર્દી કરતે હુએ શરમ નહીં આતી...’
આ દરમિયાન દરવાજા પાસે ઊભેલા વૃદ્ધે પણ બુમરાણ મચાવી દીધી હતી. બેડરૂમમાં અને કિચનમાં કોઇ ના મળ્યું એટલે વાઘમારે અને તેમના સાથીદારો લિવિંગ રૂમમાં આવી ગયા હતા. વાઘમારેએ પેલા વૃદ્ધની અને યુવતીની બૂમોને અવગણીને એ બંધ દરવાજાનું તાળું તોડી નાખવાનો આદેશ પોતાના માણસોને આપ્યો.
‘મારી દીકરીની ઇજ્જત બચાવો.’ એવી બૂમો પાડતા પેલી વૃદ્ધા ઘરની બહાર દોડી. બીજી બાજુ પેલી યુવતી પણ પોતાના વાળ અને કપડાં અસ્તવ્યસ્ત કરીને બહારની તરફ દોડી. આ દરમિયાન બહારથી બરાડા સંભળાવા લાગ્યા અને ગાળો સાથે બૂમબરાડા કરતા ત્રણ-ચાર માણસો અંદર ધસી આવ્યા અને તેમણે વાઘમારે અને તેમના સાથીદારો પર હુમલો ર્ક્યો. વાઘમારે અને તેમના સાથીદારો બચાવની સ્થિતિમાં આવી ગયા. તેમણે પ્રતિકાર કરતા કરતા તે મકાનની બહાર નીકળવાની કોશિશ કરવા માંડી. હાથોહાથની ઝપાઝપી પછી તેઓ બહાર નીકળવામાં સફળ થયા એ દરમિયાન એક પોલીસમેનની રિવોલ્વર પેલા બહારથી ધસી આવેલા માણસે આંચકી લીધી હતી. તેઓ માંડમાંડ બહાર નીકળ્યા ત્યારે બહારનું દૃશ્ય જોઇને જાંબાઝ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પંકાયેલા વાઘમારેના શરીરમાંથી પણ ધ્રુજારી પસાર થઇ ગઇ. બહાર સેંકડો લોકો જમા થઇ ગયા હતા અને વાઘમારે તથા તેમના સાથીદારો પર તૂટી પડવાના ઝનૂન સાથે કેટલાક યુવાનો તેમના તરફ ધસી રહ્યા હતા.
વાઘમારે પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા. તેમણે પોતાની પિસ્તોલ ઊંચી કરીને હવામાં ગોળી છોડી અને બરાડો પાડ્યો: ‘મુંબઇ પોલીસ. કોઇ આગળ આવશે તો ગોળી મારી દઇશ.’ વાઘમારેના બીજા સાથીદારો પણ ટોળા સામે પિસ્તોલ તાકીને ઊભા રહી ગયા. એ જોઇને ટોળું થોડું પાછળ હટ્યું. વાઘમારેએ નિર્ણય લઇ લીધો હતો કે અત્યારે અહીંથી નીકળી જવામાં જ સાર છે. ફરી પૂરી પોલીસ ટીમ સાથે આવવું પડશે. એ દરમિયાન જો કે નતાશાને અહીંથી સગેવગે કરી દેવાશે એવો વિચાર તેમના મનમાં ઝબકી ગયો હતો. પણ તેમને ખબર હતી કે આ ટોળું કંઇ પણ કરી શકે છે. ટોળાને અક્કલ હોતી નથી એ તેમને બરાબર ખબર હતી અને તેમને ભૂતકાળમાં આવા ટોળાંનો કડવો અનુભવ પણ થયો હતો. તેઓ પોતાની ટીમ સાથે મુંબઇ નજીકના એક વિસ્તારમાં બે આતંકવાદીઓને પકડવા ગયા હતા ત્યારે આતંકવાદીઓ તો હાથમાં નહોતા આવ્યા, પણ તેમની ટીમ પર સોડા બોટલ્સ અને પથ્થરોનો મારો થયો હતો. એમાં વાઘમારે અને બીજા બે પોલીસ અધિકારીઓને ઇજાઓ થઇ હતી. વાઘમારેને તો એ વખતે માથામાં ગંભીર ઇજા થવાને કારણે બે મહિના હોસ્પિટલમાં પણ રહેવું પડ્યું હતું. ઉપરથી મીડિયાએ તેમની શાબ્દિક ધૂલાઇ કરી હતી કે વિવાદાસ્પદ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દત્તાત્રેય વાઘમારેએ બે નિર્દોષ યુવાનોને આતંકવાદી ગણાવીને તેમની ધરપકડની કોશિશ કરી એટલે ભડકી ઊઠેલી પબ્લિકને કારણે વાઘમારે અને તેમની સાથેના બીજા પોલીસ કર્મચારીઓને ભાગવાનું ભારે પડી ગયું.
અત્યારે વાઘમારે ફરી એક વાર એવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેમણે હવામાં ગોળીબાર ર્ક્યો એટલે ટોળું થોડુ પાછળ હટ્યું હતું. પણ ટોળામાં જમા થયેલા લોકો હજી ઉશ્કેરાટ સાથે તેમને ગાળો આપી રહ્યા હતા. વાઘમારેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી એટલે કોઇએ બૂમ પાડી: ‘પોલીસવાલે હો તો ક્યા કિસીકે ભી ઘરમે ઘૂસકે ઔરતો કી ઇજ્જત પે હાથ ડાલોગે?’ એ સાથે બીજા ઘણા બધાએ પણ ગંદી ગાળો આપીને આક્રોશ વ્યક્ત કરવા માંડ્યો.
આ દરમિયાન વાઘમારે અને તેમના સાથીદારો એકબીજા તરફ પીઠ ધરીને ટોળાં સામે પિસ્તોલ અને રિવોલ્વર્સ તાકીને ધીમે ધીમે તેમની સ્કોર્પિયો તરફ આગળ વધી રહ્યા હતા. બે-ત્રણ યુવાનોએ એ દૃશ્ય તેમના મોબાઇલ ફોનથી શૂટ કરવા માડ્યા. બીજી બાજુ પેલું વૃદ્ધ દંપતી અને તેમની દીકરી રડતાં રડતાં બૂમો પાડી રહ્યા હતા તે દૃશ્યનું પણ કેટલાક માણસો મોબાઇલ ફોનથી વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા. વાઘમારેએ એ બધું જોયું, પણ અત્યારે તે બધાને એ દૃશ્યો શૂટ કરતા રોકવા કરતા અહીંથી બચી નીકળવામાં વધુ મહત્ત્વનું હતુ. ટોળાનો અવાજ વધી રહ્યો હતો. પણ વાઘમારે અને તેમના સાથીદારોએ તાકેલાં શસ્ત્રોને કારણે કોઇ તેમના તરફ આગળ વધવાની કોશિશ કરતું નહોતું.
વાઘમારે અને તેમની ટીમના સાથીદારો જેમ જેમ આગળ વધી રહ્યા હતા એમ એમ ટોળું જગ્યા આપી રહ્યું હતું. છેવટે વાઘમારે અને તેમના સાથીદારો ટોળાંમાંથી રસ્તો કરીને સ્કોર્પિયો સુધી પહોંચ્યા. તે બધા સ્કોર્પિયોમાં ગોઠવાયા અને બહાર નીકળવા માટે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા પોલીસમેને કાર રિવર્સમાં લીધી એ સાથે સ્કોર્પિયોના આગળના કાચ પર એક પથ્થર ઝીંકાયો અને એ કાચ મોટા અવાજ સાથે તૂટી ગયો.
‘અવચટ, ગાડી ભગાવ.’ વાઘમારેએ ડ્રાઈવિંગ સિટ પર ગોઠવાયેલા પોલીસમેન તરફ જોતા બૂમ પાડી, પણ એ જ વખતે બીજો પથ્થર ઝીંકાયો અને ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વાઘમારેના નાક પર વાગ્યો. વાઘમારેને તમ્મર ચડી ગયા. એ દરમિયાન સ્કોર્પિયો પર બેફામ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. સ્કોર્પિયો રિવર્સમાં વળીને યારી રોડ તરફ ધસી ત્યાં સુધીમાં તો ડઝનબદ્ધ પથ્થરો એના પર ફેંકાઇ ગયા હતા. વાઘમારેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. તેમના બીજા સાથીદારોને પણ નાની-મોટી ઇજાઓ થઇ હતી. તે બધાને મોત નજર સામે દેખાઇ ગયું હતું. જોકે એ ઇજાઓની પીડા કરતાં તે બધાને એ
વાતનો હાશકારો હતો કે આટલા મોટા અને વીફરેલા ટોળા વચ્ચેથી તેઓ જીવતા બહાર નીકળી શક્યા હતા.
* * *
‘અવચટ, તને બહુ વાગ્યું નથી ને?’ વાઘમારેએ ડ્રાઈવિંગ સિટ પર બેઠેલા પોલીસમેનને પૂછ્યું.
‘ના સર.’ અવચટે તેના કપાળમાં ઊપસી આવેલા ઢીમણાને અવગણતા કહ્યું.
‘શિન્દે, પાટિલ, આંગ્રે, તમે બધા ઓકે છો ને?’ વાઘમારેએ પાછળ તરફ જોઈને બીજા સાથીદારોને પણ પૂછ્યું.
‘અમારી ચિંતા ના કરો, સાહેબ. તમારા નાકમાંથી બહુ લોહી વહી રહ્યું છે.’ એમાના એક પોલીસમેને કહ્યું.
‘હમણા બંધ થઈ જશે.’ પેંટના ખિસ્સામાંથી હાથરૂમાલ બહાર કાઢીને લોહી લૂછતા લૂછતા વાઘમારેએ કહ્યું. પછી તરત જ તેઓ પોતાના નાકમાંથી વહી રહેલા લોહીની અને વેદનાની પરવા કર્યા વિના બોલ્યા: ખબરી સલીમના સાથીદાર મોહસીને ખાતરીપૂર્વક કહ્યું હતું કે પેલી છોકરીને એ જ મકાનમાં લઈ જવાઈ છે.’
વાઘમારે અને તેમના સાથીદારો વરસોવામાં તોફાને ચડેલા ટોળાથી બચીને ભાગી છૂટવામાં સફળ થયા પછી વાઘમારે નતાશાની ચિંતા કરી રહ્યા હતા, પણ ત્યારે વાઘમારેને કલ્પના નહોતી કે તેમના માથે બીજી બહુ મોટી આફત આવી રહી હતી!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Mv Joshi

Mv Joshi 1 વર્ષ પહેલા

yogesh

yogesh 2 વર્ષ પહેલા

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા