પિન કોડ - 101 - 46 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 46

પિન કોડ - 101

પ્રકરણ-46

આશુ પટેલ

‘આ તમારી હમશકલ છોકરીની લાશ કાલે પોલીસને મળી આવશે. આ લોકો આ છોકરીને એ રીતે મારશે કે તેણે આત્મહત્યા કરી હોય એવું જ લાગે. અને તેની લાશ મળી આવશે ત્યારે પોલીસ અને બધા એવું જ માની લેશે કે વૈજ્ઞાનિક મોહિની મેનને જ આત્મહત્યા કરી લીધી છે.’ ઇશ્તિયાક હુસેને બેહોશ અવસ્થામાં પડેલી નતાશા તરફ ઈશારો કરતા વૈજ્ઞાનિક મોહિની મેનનને ઠંડકથી કહ્યું.
મોહિની તેની સામે તાકી રહી હતી. તેની વિચારશક્તિ જાણે હણાઇ ગઇ હતી.
તે કંઇ બોલી નહીં એટલે ઇશ્તિયાકે કહ્યું: ‘તમારા જિનિયસ દિમાગમાં એવો વિચાર આવી ગયો હશે કે પોલીસને ડીએનએ રિપોર્ટ પરથી ખબર પડી જશે કે આ મોહિનીની મેનનની લાશ નથી, રાઇટ? પણ એવી નોબત જ નહીં આવે. તમારા માતા-પિતા આ છોકરીની લાશ અને તેની લાશ પાસેથી મળેલી બધી વસ્તુઓ જોઇને માની જ લેશે કે તેમની દીકરી હવે આ દુનિયામાં નથી. અને તમે આટલા મોટા વૈજ્ઞાનિક છો એટલે માની લો કે વાત ડીએનએ રિપોર્ટ સુધી પહોંચે તો પણ આ દેશમાં ડીએનએ રિપોર્ટ બદલવાનું કામ કેટલું સહેલું છે અને એ પણ અમારા જેવા માણસો માટે એ તમે સમજી શકો છો!’
મોહિની હતપ્રભ બનીને ઊભી હતી. ઇશ્તિયાક આગળ કહી રહ્યો હતો: ‘વિચારી જુઓ મેડમ, તમારા માતા-પિતા એવું માનીને દુ:ખી થતા રહેશે કે અમારી પ્રતિભાશાળી દીકરી અકાળે મરી ગઇ અને બીજી બાજુ તેમની દીકરી આખી જિંદગી પાગલની જેમ અજ્ઞાત અવસ્થામાં સબડતી રહેશે. આ લોકો તો એવું કહેતા હતા કે આ મહિલા વૈજ્ઞાનિક આપણું કામ ના કરી આપે તો તેને આઇએસના સૈનિકોને હવાલે કરી દઇએ. આ રૂપાળી સ્ત્રી દરરોજ પચાસ-સો સૈનિકોની સેક્સની ભૂખ સંતોષવા તો કામ લાગશે!’
મોહિની કંપી ઊઠી. ઇશ્તિયાકે તેના ચહેરાનું નિરીક્ષણ કરતા કહ્યું, ‘તમે આ રૂમમાંથી નીકળશો એ પહેલા તમારું, તમારા માતા-પિતાનું અને આ છોકરીનું ભવિષ્ય નક્કી કરી ચૂક્યાં હશો. મેં આ લોકો પાસે આજ સુધીનો સમય માગ્યો હતો. હવે હું તમારી સામે નહીં આવું. પછી આ લોકોને તમારી સાથે જે કરવું હોય એ કરે. આ છોકરીને પણ આ બધા જ ઉપાડી આવ્યા છે. તમે સહકાર નહીં આપો તો તમે પોતે તો દુ:ખી થશો જ, પણ તમારા માતાપિતાએ પણ તેમની જિંદગીનો સૌથી મોટો આઘાત અનુભવવો પડશે અને એક નિર્દોષ છોકરીનો તમારા કારણે જીવ જશે.’
મોહિની એ નોંધવાની સ્થિતિમાં નહોતી કે ઇશ્તિયાક આટલા દિવસોમાં પહેલી વાર ‘અમે’ ને બદલે ‘હું’ કહીને વાત કરી રહ્યો હતો. તેને ‘મેડમ’ કહીને સંબોધન કરનારો ઇશ્તિયાક અત્યાર સુધી તેની સાથે અત્યંત સૌમ્ય ભાષામાં વાત કરતો રહ્યો હતો, પણ આજે એ તેના બોલવાનો ટોન બદલાઈ ગયો હતો.
વિવશતા અને નિસહાયતાની લાગણીને કારણે મોહિનીની આંખોમાં આંસુ ધસી આવ્યા. તે કંઇક બોલવા ગઇ, પણ તેના ગળામાંથી અવાજ ના નીકળી શક્યો. ઇશ્તિયાકે તેની આંખો પર નજર નોંધીને કહ્યું, હું નીકળું છું. મેં તમને મારાથી થાય એટલી મદદ કરી જોઇ, પણ હવે ‘હું કંઇ નહીં કરી શકું. હું દિલગીર છું કે આથી વધુ હું કંઇ નહીં કરી શકું. ઓલ ધ બેસ્ટ, મેડમ. બાય.’
મોહિનીના ચહેરા પરથી નજર હટાવીને તે દરવાજા તરફ ફર્યો અને તેણે બે ડગલાં ભર્યા ત્યાં મોહિનીએ મહામહેનતે બોલતા કહ્યું, ‘લિસન ટુ મી, પ્લીઝ.’
ઇશ્તિયાક પાછળ ફર્યો. ‘યસ મેડમ.’ તેણે મોહિની સામે જોઇને કહ્યું.
‘હું કોશિશ કરી જોઇશ. મને ખાતરી નથી કે એ થઇ શકશે પણ હું એ કરવાનો પ્રયાસ કરીશ.’
ઇશ્તિયાકે સંયત અવાજે કહ્યું, ‘થેન્કયુ મેડમ. તમે પહેલા કામ માટે પણ કહ્યું હતું કે હું કોશિશ કરી જોઇશ અને તમે ખરેખર એ કરી બતાવ્યું હતું. આ કામ માટે પણ તમારી કોશિશ કામિયાબ રહેશે એવી મને ખાતરી છે.’
‘પણ એ માટે મારે મારી પ્રયોગશાળામાં રહીને કામ કરવું પડશે.’ મોહિનીએ કહ્યું. અત્યારે તે કોઇ આંટીઘૂંટી અજમાવાની સ્થિતિમાં નહોતી, પણ ઇશ્તિયાકે કહ્યું હતું એ કામ કરવા માટે તેને ખરેખર તેની પ્રયોગશાળામાં જવું પડે એમ હતું.
‘સોરી મેડમ. એ શક્ય નથી. તમે કહો એ બધું અહીં હાજર કરી દઇશું, પણ તમે ત્યાં તો નહીં જઈ શકો. તમે આ કામ કરી આપો પછી પહેલાંની જેમ જ તમારી પ્રયોગશાળામા કામ કરી શકશો અને પહેલાની જેમ જ તમારી જિંદગી જીવતા હશો એની હું તમને ખાતરી આપું છું. તમને તમારા નવા રિસર્ચ માટે કોઇ પણ સાધનો કે ગમે એટલા પૈસાની જરૂર પડશે તો એ આપવા માટે પણ અમે તૈયાર રહીશું અને તમારે બીજા કોઇ દેશમાં સેટલ થવું હોય તો એની વ્યવસ્થા પણ અમે તમને કરી આપીશું. આ અમારું પ્રોમિસ છે.’
ઇશ્તિયાક ફરી ‘હું’ ને બદલે ‘અમે’ કહીને વાત કરી રહ્યો હતો.
‘આ પ્રયોગ માટે મારે કેટલીક એવી વસ્તુની જરૂર પડશે જે મારી પ્રયોગશાળામાંથી જ મળી શકશે.’
‘તમારી પ્રયોગશાળામાંથી જે વસ્તુ જોઇતી હશે એ અમે હાજર કરી દઇશું.’ ઇશ્તિયાકે ખાતરીપૂર્વક કહ્યું.
‘આ પ્રયોગમાં કોઇ વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે.’ મોહિનીએ કહ્યું.
‘એની બિલકુલ ચિંતા નહીં કરો, મેડમ. અમારી પાસે એવા લોકો છે જેમને પોતાના જીવની કોઇ પરવા નથી. દુનિયામાં કંઇક સારું કરવા માટે તેઓ હસતા હસતા મરવા તૈયાર છે. અને અમે પણ આ બધું કરી રહ્યા છીએ એનો અંતે તો આખા વિશ્ર્વના ફાયદા માટે જ ઉપયોગ થવાનો છે. બસ આ એક કામ શક્ય એટલી ઝડપથી કરી આપો.’ ઇશ્તિયાકે કહ્યું.
‘હું કોશિશ કરી જોઉં છું.’ મોહિનીએ અત્યંત ધીમા અવાજે કહ્યું.
ઇશ્તિયાકના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે કહ્યું: ‘તમે એ સફળતાપૂર્વક કરી શકશો, મેડમ. તમે થોડા પ્રયોગો ર્ક્યા છે એમાં તમને સફળતા મળી હતી એટલે તમારે માત્ર એનું પુનરાવર્તન જ કરવાનું છે!’
* * *
વાઘમારેની સ્કોર્પિયો વર્સોવા કબ્રસ્તાન નજીક પેલા મકાન પાસે પહોંચી અને વાઘમારે તથા તેમના સાથીદારો ધડાધડ એમાંથી નીચે ઊતર્યા. પેલો પાનવાળો વાઘમારેને જોઇને ચમકી ગયો. તેણે તરત પોતાનો મોબાઇલ ફોન હાથમાં લઇને કોઇને કોલ લગાવ્યો. એ દરમિયાન વાઘમારે અને તેમના સાથીદારો ઝડપભેર પેલા મકાન તરફ ધસી રહ્યા હતા. ઓમર હાશમીના માણસ મોહસીને સલીમ સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે નતાશાને ક્યાં મકાનમાં લઇ જવાઇ છે. વાઘમારેના ખબરી સલીમે પોતાના સાથીદાર મોહસીન સાથે વાત કરતી વખતે મોબાઇલ ફોનનું સ્પીકર ઓન રાખ્યું હતું એટલે વાઘમારેએ તેનો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો ત્યા સુધીની બધી વાત સાંભળી હતી.
વાઘમારેએ પોતાની પિસ્તોલ હાથમાં લઇ લીધી. એ જોઇને તેમના સાથીદારોએ પણ પોતાનાં શસ્ત્રો હાથમાં લઇ લીધા. વાઘમારેએ આગળ વધીને દરવાજાની જમણી બાજુ મુકાયેલી ડોરબેલ વગાડી. થોડી સેક્ધડ થઇ ગઇ પણ દરવાજો ના ખૂલ્યો એટલે વાઘમારેએ ફરી વાર ડોરબેલ વગાડી. છતાં દરવાજો ના ખૂલ્યો. વાઘમારેની ધીરજ ખૂટી ગઇ. તેમણે પોતાના સાથીદારોને દરવાજો તોડી નાખવાનો આદેશ આપ્યો. એમાં થોડો સમય ગયો. એ દરમિયાન કેટલાક માણસો ત્યાં જમા થવા લાગ્યા. દરવાજો તૂટવાની અણી પર હતો એ વખતે એક વૃદ્ધ માણસે દરવાજો ખોલ્યો. તે કંઇ બોલે એ પહેલા વાઘમારે અને તેમના સાથીદારો અંદર ઘૂસી ગયા. એ પછીની થોડી ક્ષણોમાં જે બન્યું એનાથી વાઘમારે જેવા અનુભવી અને આક્રમક અધિકારીને પણ નજર સામે મોત દેખાઈ ગયું!

(ક્રમશ:)