Nagar - 30 books and stories free download online pdf in Gujarati

નગર - 30

નગર-૩૦

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન અને એલીઝાબેથ આંચલની ડીનર પાર્ટી માટે નગરનાં એકમાત્ર મોલમાં આવી પહોંચે છે.... ત્યાં એલીઝાબેથ ઇશાનને લાઇબ્રેરીવાળી ઘટના કહે છે.... ત્યારબાદ એકાએક એલીઝાબેથ ઇશાનને “કિસ” કરે છે.... બરાબર એ જ સમયે આંચલ ત્યાં આવી ચડે છે અને તેમને “કિસ” કરતા જોય જાય છે..... હવે આગળ વાંચો...)

દોઢસો વર્ષ પહેલા....

ચાર માણસો બેસી શકે એવી નાનકડી હલેસા બોટમાં વિરમ, ભૂપત, ઇશ્વર અને ત્રિભોવન ગોઠવાયા. તેમણે રાતનો સમય પસંદ કર્યો હતો જેથી વસાહતનાં વધુ લોકો તેમની સાથે ન આવે. રાતના પહેલા પહેરમાં તેમણે હોડી સમૃદ્રના પાણી ઉપર તરતી મુકી. વિરમ અને ત્રિભોવને હલેસા સાંભળ્યા હતા... ધીમી ગતીએ તેમની બોટ દુર સમૃદ્રની મધ્યમાં ઉભેલા જંગી જહાજ ભણી આગળ વધી. તે ચારેયનાં દિલમાં ઉત્તેજના વ્યાપેલી હતી. તેમણે જે નિર્ણય લીધો હતો એ યોગ્ય હતો કે નહી એ મુંઝવણમાં તેઓ વિચારમગ્ન બની ખામોશીથી હોડીમાં બેઠા હતાં.

જહાજના કપ્તાને જંગી રકમની ઓફર કરી હતી. એટલી મબલખ દોલતમાં તો તેઓ ગામનાં ગામ નવા વસાવી શકે તેમ હતા. એમ સમજો કે કિસ્મતની દેવી તેમનાં દ્વારે સામેથી દસ્તક દઇ રહી હતી. અને.... બદલામાં આપવાનું શું હતું....? વસાહતની બાજુમાં આવેલી ખરાબાવાળી જમીન...! સોદો ખોટો ન હતો. એ લોકો જે જમીન માંગતા હતા ત્યાં તેઓ પોતાનું એક નાનકડું ગામ વસાવવા માંગતા હતા. જહાજમાં આવ્યા હતા એ તમામ લોકો એક નવી જગ્યાએ નવું રહેણાંક સ્થાપવા માંગતા હતા. વણઝારા કોમનાં ભટકતા લોકોની માફક જહાંજમાં આવેલા લોકો પણ કયાંક ઠરીઠામ થવા જગ્યા શોધી રહયા હતા. વિરમ તપસ્વી અને તેના મિત્રોને આ વાતમાં કંઇ આપત્તિ જનક લાગતું નહોતુ. જો તેઓ “ના” પાડે તો જહાજનો કપ્તાન જરૂર કોઇ બીજી જગ્યાએ તેનું જહાંજ હંકારી જાય અને અન્ય કોઇ જગ્યાની શોધખોળ આદરે.... એવું ન થાય, અને કપ્તાને જે રકમ આપવાનું ઠેરવ્યું હતું એ રકમથી તેમની વસ્તીનો ઉધ્ધાર થાય, એવા આશયથી જ તેમણે જહાજનાં કપ્તાનની વાત સ્વીકારવાનું નક્કી કરી નાંખ્યુ હતું. અત્યારે તેઓ એ જહાંજને અને તેમાં આવેલા લોકોને નિરખવા ઉપરાંત કપ્તાન સાથે વાટાઘાટો કરી ફાઇનલ સોદો કરવાના આશયથી એક શુભેચ્છા મુલાકાતે જઇ રહયા હતાં.

સમુદ્રમાં ઉભેલા જહાંજની નજીક જેમ-જેમ તેઓ પહોંચતા જતાં હતા તેમ-તેમ તેમનાં હ્રદયની ધડકનોમાં તેજી આવતી હતી. તેમણે જે ફેંસલો કર્યો હતો એ યોગ્ય હતો કે નહી એ વિશે તેઓ હજુ અસમંજસમાં ઘેરાયેલા હતાં. એ અસમંજસ જ તેમને અહી સુધી ખેંચી લાવી હતી.

સમુદ્રનાં હિલોળાતા પાણી ઉપર ઉભેલું જહાજ કોઇ મોટા નગર જેવું ભાસતું હતું. આકાશમાં ઉગેલા ચંદ્રના અજવાળે નહાઇ ઉઠેલું જહાજ વિશાળ તો દેખાતુંજ હતું સાથે-સાથે ભય પણ પમાડતું હતું. તેનો દેખાવ દુરથીજ આલીશાન જણાતો હતો. સો-એક ફુટ ઉંચા જહાજને આગળની બાજુ અને પાછળ તરફ, એમ બંને બાજુ તૂતક હતી. આગળની તૂતક ઉપર ત્રણ સ્તંભ હતાં. તેનાં ઉપર ભારે મજબુત કાપડનાં શઢ ફરફરતાં હતા. અત્યારે એ શઢ ઢાળી દેવામાં આવ્યા હતા જેથી જહાંજ પાણી ઉપર એક જગ્યાએ સ્થિર ઉભુ રહી શકે. આગળના તૂતકના આખરી છોર ઉપર એક સ્તંભ અલગથી ઉભો કરાયો હતો. એ સ્તંભમાં એક બામ્બુ જેવું લાકડું આડુ ખોડવામાં આવ્યું હતું. તેના છેડે મોટો ભારેખમ લોંખડનો ઘંટડો લટકતો હતો. તે ઘંટડો કદાચ જહાંજમાં સમયની જાણકારી માટે અથવા તો મુશ્કેલીના સમયે બધાને સાવધ કરવા માટે વગાડાતો હતો. લટકતા બેલની બરાબર નીચે, સ્તંભ પાસે એક વ્યક્તિ ઉભો હતો. તેની દાઢીના લાંબા વાળ અને તેણે પહેરેલા લાંબા ડગલા જેવા ઓવરકોટનાં બંને પડખા સમુદ્ર ઉપરથી વહેતા પવનમાં ફરફરતા હતા. તેનાં હાથમાં ઝગતું ફાનસ હતું જેનો માંદલો પ્રકાશ દુરથી ટમટમતા દિવા જેવો લાગતો હતો. તે વ્યક્તિ જહાંજનો કપ્તાન “વિલિમર ડેન” હતો... અને તે બેસબ્રીથી કોઇકની રાહ જોતો તેની સામે દેખાતા સમુદ્ના પાણી ઉપર નજર ચોંટાડી ત્યાંજ સ્થિર ઉભો હતો. તેનાં હ્રદયમાં પણ ઉત્તેજના છવાયેલી હતી. તેનાં અને તેની સાથે જહાંજ ઉપર સવાર લોકોનાં ભવિષ્યનો મદાર આવનારા થોડાં કલાકો ઉપર હતો. એ કલોકો જો સુખરૂપ પસાર થઇ ગયા તો તેમને એક નવું સ્થળ, નવી જમીન, નવો દેશ મળવાનો હતો. જેના ઉપર તેઓ પોતાની નાનકડી દુનિયા સ્થાપી શકવાનાં હતા. એ ક્ષણની ઉત્તેજના વિલિમર અત્યારથી જ અનુભવી રહયો હતો. તેને ખબર હતી કે તેણે ઉંચકેલા ફાનસના અજવાળામાં બે ફુટ આગળનું દ્રશ્ય પણ તે જોઇ શકવાનો નથી છતાં ઉત્તેજનાનો માર્યો તે વારેવારે ફાનસ ઉંચુ કરી...આંખો ચૂંચી કરી સામે દેખાતા ગાઢ અંધકારને એ ફાનસનાં અજવાળામાં જોવાની કોશીષ કરી રહયો હતો.

તેની તપશ્ચર્યા બહુ જલદી ફળી હતી. સમુદ્રના પાણીને ચીરતી એક નાનકડી હલેસા નાંવ(બોટ) જહાંજ તરફ સરકતી આવતી દેખાઇ. તેની આંખો ચમકી ઉઠી અને શરીરમાં આનંદની હેલી છવાઇ. ચંદ્રનાં અજવાળામાં હોડીમાં કેટલા માણસો હતા એ સ્પષ્ટ તો દેખાયું નહી તેમ છતાં ત્રણથી ચાર માણસો હોવા જોઇએ એવું એક અનુમાન તેણે લગાવ્યું. હોડી ધીમે-ધીમે જહાજની નજીક આવતી જતી હતી તેમ-તેમ તેની ધડકનોમાં તેજી વ્યાપતી જતી હતી.

@@@@@@

આઠ-દસ માળ જેવડા ઉંચા જંગી જહાજની એકદમ નજીક આવીને હોડી ઉભી રહી. જહાંજની બાહરી સપાટીથી થોડે આઘે તેમણે હોડી થોભાવી હતી. જહાંજના તૂતક ઉપર હાથમાં ફાનસ લઇને જહાંજનો કપ્તાન વિલિમર ડેન જાતે ઉભો હશે એ સમજતા તેમને વાર લાગી નહી એટલે હવે કેપ્ટન જહાજ ઉપરથી દોરડાની સીડી નીચે લબડાવે એની રાહ જોવાની હતી.

આવડા મોટા જહાંજમાં કેટલા લોકો ભર્યા હશે...?” ત્રિભોવન શુકલાએ આશ્વર્ય ઉઠાવ્યું. “ આપણે તો કયારેય આવું મોટુ જહાંજ જોયું પણ નથી.”

“ એ જોવા તો અહી આવ્યા છીએ. જહાંજ મોટુ છે એટલે તેમાં માણસો પણ એટલા જ પ્રમાણમાં હોવાના.” વિરમ બોલ્યો.

“ જુઓ ભાઇઓ... મારું માનો તો પહેલા આપણે જહાંજ અને તેમાં આવેલા માણસોનું અવલોકન કરી લઇએ. જો વધુ માણસો તેમાં સવાર હશે તો આપણે માંગણીઓ વધારીશું. આખરે આપણે આપણા ગામનો ફાયદા વીશે પણ જોવાનું રહયુંને...!”

“ હંમમ્.... તારી વાત ઉપર વિચારવા જેવું ખરું. જોકે એ બાબતે આપણે પછી નિર્ણય કરીશું. પહેલા જહાંજ ઉપર જઇએ તો ખરા. આપણને વિચારવાનો સમય મળશે જ....!” વિરમે કહયું. “ પણ આ લોકો દોરડું કેમ નથી ફેંકતા...? તૂતક ઉપર ઉભેલા શખ્શે આપણને આવતા ચોક્કસ જોયા છે...”

“ ઉભા રહો... હું કંઇક કરું.” ભૂપતે હોડીમાં નજર ઘુમાવી અને કોઇક વજનદાર ચીજ ખોળવા લાગ્યો. માંડ ચાર માણસો સાંકડ-મુકડ બેસી શકે એવડી હોડીમાં તે શોધતો હતો એવી વજનદાર વસ્તુ તો કયાંથી હોય....? આખરે તેની નજર હલેસા ઉપર આવીને અટકી. બે હલેસાઓમાંથી એક હલેસો તેણે ઉઠાવ્યો.

“ હોડીને જહાંજની નજીક લે તો...” તેણે ત્રિભોવનને કહયું. ત્રિભોવને જેટલી નજદીક લઇ શકાય એટલી જહાંજની નજીક હોડીને પહોંચાડી એટલે ભૂપતે હાથમાં પકડેલા હલેસાના પાછલા ભાગને જહાંજની સપાટી ઉપર ઠોકવાનું શરૂ કર્યુ. “ ધમ...ધમ...ધમ...ધમ...” એ અવાજનો પડઘો છેક ઉપર સુધી ગુંજી ઉઠયો. ( આ એવો જ અવાજ હતો જે માથુર સાહેબે....નીલીમા બહેને અને મોન્ટુએ સાંભળ્યો હતો. પતરા ઉપર ઠોકાતા ભારેખમ ધણ જેવો ) જહાંજની બાહરી સપાટી લાકડાની હતી. એ લાકડુ સમુદ્રના પાણીમાં રહીને સડી ન જાય એ માટે તેના ઉપર લોંખડના પતરાની પાતળી શીટ જેવું કશુંક આવરણ ચઢાવવામાં આવ્યું હતું જેથી જહાંજ સમુદ્રના ખારા પાણી સામે ઝીંક જીલી શકે. એ પતરાની દિવાલ ઉપર ભૂપત હલેસાનો ડાંડો ઠપકારતો હતો જેથી જહાંજના લોકોને ખબર પડે કે કોઇક તેમને સાદ દઇ રહયું છે.

જો કે વિલિમર ડેને ઓલરેડી તેમને આવતા જોઇ લીધા હતા એટલે તેણે ઇશારો કહીને તેનાં માણસોને દોરડાવાળી સીડી નીચે ફેંકવાનો હુકમ આપી દીધો હતો. તેમાં સમય એટલા માટે લાગ્યો હતો કે સીડીનું દોરડું આપસમાં ઉલઝી ગયું હતું અને તેને સીધું કરવામાં માણસો પરોવાયા હતા. એ દરમ્યાન જ નીચે ભૂપતે જહાંજની દિવાલે હલેસો ઠોકવાનું ચાલુ કર્યુ હતુ એટલે કપ્તાન ડેને તેનાં ખારવાઓને ઉતાવળ કરવા કહયું. “ અરે... આ લોકો આમ જ ઠોકતા રહેશે તો જહાંજમાં ભગદળું પાડી દેશે.” ગુસ્સે ભરાઇને તે બબડી ઉઠયો. આ જહાંજ તેને પોતાનાં પ્રાણથીએ વધુ વહાલુ હતું. જહાજને કંઇ નુકશાન થાય એ તે કયારેય સાંખી લે એવો આદમી નહોતો.

આખરે દોરડામાં પડેલી ગૂંચો ઉકલી હતી અને ઝડપથી તેને નીચે લબડાવવામાં આવ્યું. ભૂપતે પતરું ઠોકવાનું બંધ કર્યુ અને દોરડાની સીડીનો છેડો પકડયો. બે મજબુત દોરડાની વચ્ચે જાડા લાકડાનાં ટૂકડાઓ ફસાવીને નિસરણી બનાવી હતી. એ લાકડાના ખપાટીયા ઉપર પગ મુકીને તેઓ ચારેય એક પછી એક ઉપર ચડવા લાગ્યા.

@@@@@@@@@@@@@@@@

વિલીયમ ડેને તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યુ અને તેમને ભેટયો હતો. તેમને પીણા અપાયા હતા અને પછી તેઓ જહાંજમાં લટાર મારવા નીકળ્યા હતા. વિલીયમે જાતે આગળ રહીને જહાંજનાં બારામાં તેમને માહિતગાર કર્યા હતાં.

જહાંજ બહારથી જેટલુ ભવ્ય દેખાતું હતું એટલુંજ વિશાળ અંદરથી હતું. એક નાનકડુ ગામ જ જોઇલો. એક નાનકડા ટાઉનમાં હોય એવી બધી જ સગવડો જહાંજ ઉપર મોજુદ હતી. ભૂપત, વિરમ, ઇશ્વર અને ત્રિભોવન તો આભા બનીને જોઇ રહયા. તેમની કલ્પનામાં પણ કયારેય આવ્યુ ન હોય એવી સગવડતાઓ અને વ્યવસ્થા જહાંજ ઉપર હતી. તેમની બસ્તી કરતા વધુ લોકો જહાંજમાં હતા અને એ તમામ પરીવારો માટે રહેવાની, જમવાની ઉપરાંત જીવન-જરૂરિયાતની તમામ ચીજો જહાંજ ઉપર ઉપલબ્ધ હતી. પાણી ઉપર હરતું ફરતું એક નગર જ જોઇ લો. તેમણે સમગ્ર જહાંજનાં ખૂણે-ખૂણે ચક્કર લગાવ્યુ...અને વિલીમરે પણ ભારે ઉત્સાહથી બધુ બતાવ્યું હતું.

જહાંજ ઉપર આશરે કમ સે કમ પચાસેક પરીવારો હતા. તેમના રહેવા માટે જહાજના તૂતક ઉપર થોડા કમરાઓ બનેલા હતા અને થોડાક જહાજનાં ભંડાકીયામાં હતા. એક સામાન્ય ગણતરી પ્રમાણે પચાસ પરીવારોનાં લગભગ ૨૦૦થી ૨૫૦ જેટલા માણસો, તેમાં સ્ત્રી પુરુષ અને બાળકો એમ તમામનો સમાવેશ થઇ જતો હતો.

“ તો સાહેબો....તમે શું વિચાર્યુ મારી ઓફર બાબત...?” વિલીમર બધુ બતાવ્યા બાદ તેમને ફરી જહાંજના તૂતક ઉપર લઇ આવ્યો હતો અને તેમને લાકડાની ખુરશીઓ ઉપર બેસાડયા હતા. ફરીથી પીણા પીરસાયા હતા અને વિલીમરે ફરીથી વાત ઉખેળી. હોડીમાં આવેલા ચારેય શખ્શોએ પીણા ખતમ કર્યા અને એકબીજાની સામુ જોયું. આખરે વિરમે ગળું ખંખેર્યુ...

“ જો આટલાં જ પરીવારોની વાત હોય તો અમને કોઇ આપત્તિ નથી. અમારી વસાહતથી થોડે દુર, દરિયાકાંઠે એક પડતર જમીન છે. આપ ત્યાં આરામથી રહી શકશો. અમારા તમામ લોકો વતી તેની પરવાનગી હું આપું છું. એ ઉપરાંત અમારા દેશના કાનુન પ્રમાણે જે કાર્યવાહી કરવાની આવશે તેમાં મારો અને મારા આ મિત્રોનો પુરો સહકાર તમને મળી રહેશે.”

“ બ્રેવો...બ્રેવો...” વિલીમર ખુશીથી ઝુમી ઉઠયો. “ તો આપ સૌ સજ્જનોને હું વિશ્વાસ અપાવું છું કે એ જમીનની અવેજીમાં હું આપના કસ્બાને સોના-હીરા-મોતીથી શણગારી દઇશ.”

“ એ સોદો આપણે પહેલાં નક્કી કરી લઇએ તો કેમ રહેશે...?” વિરમે કહયું.

“ જી...જરૂર....!”

ત્યારબાદ એ બેઠકમાંજ એક એગ્રીમેન્ટ તૈયાર થયું. જેમાં એક મુકર્રર ઠારવેલી ધનરાશીનાં બદલામાં વિલીમર અને તેના સાથીદારોને તેમની વસાહત સ્થાપવાનો પરવાનો આપવામાં આવ્યો. લગભગ બે કલાક જેટલા લાંબા સમય સુધી એ વાટાઘાટો ચાલતી રહી. “ ડીલ” નો ફાઇનલ, આખરી મુસદ્દો તૈયાર થયો અને તે એગ્રીમેન્ટ ઉપર બંને પક્ષકારોનાં સહી-સિક્કા લેવામાં આવ્યા. મિટિંગ વિખેરાઇ ત્યારે વિરમે વિલીમરને તેના થોડા માણસો સાથે એ સ્થળ, કે જ્યાં તેમની વસ્તી વસાવવાની પરવાનગી અપાઇ હતી તેની એક મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું. જેવી રીતે તેઓ અત્યારે આ “ એલીઝાબેથ ડેન” નામનાં જહાંજની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા એવીજ રીતે વિલીમર અને તેના સાથીઓ ભવિષ્યમાં ભારતની ભૂમી ઉપર સ્થપાવાની તેમની નગરીની મુલાકાતે આવે એવો એક પ્રસ્તાવ મુકાયો જે તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો.

સોદો ફાઇનલ થવાથી બધા ખુશ-ખુશાલ થયા હતા કારણકે આ સોદામાં કોઇએ કંઇ ગુમાવવાનું નહોતું. બંને પક્ષને તેમાં ભરપુર લાભ મળવાનો હતો. એક પક્ષને બેહિસાબ દોલત મળવાની હતી અને બીજા પક્ષને જમીન. બંને તરફ ફાયદો જ ફાયદો દેખાઇ રહયો હતો.

પરંતુ.... આ સમગ્ર ચર્ચા દરમ્યાન એક વ્યક્તિ હતો જે સતત ઉચાટ અનુભવી રહયો હતો. તેને આ સોદામાં કશુંક ઠીક નહોતું જણાતું.... તે વારે-વારે વિલીમરના ઢળેલી ટોપી ઓઢેલા ચહેરાને જોવાની ચેષ્ટા કરી રહયો હતો.... અને આ ઉપરાંત તેણે જહાંજમાં લટાર મારતી વખતે જહાંજમાં આવેલા સ્ત્રીઓ અને બાળકોનાં ચહેરાઓને પણ ધ્યાનપૂર્વક નીહાળ્યા હતા. એ ચહેરાઓ જ તેનાં ઉચાટનું કારણ હતા. તે કંઇક બોલવા માંગતો હતો પરંતુ ચો-તરફ છવાયેલી ખુશીઓ વચ્ચે તે ચુપ બેસી રહયો હતો. તે વ્યક્તિ ઇશ્વર માથુર હતો જે કયારનો પોતાની જગ્યાએ ઉંચા-નીચો થતો હતો અને અહીથી જલદી નીકળી જવાનું તે વિચારતો હતો.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED