એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 44
વ્રજેશ દવે “વેદ”
વહેલી સવારે વ્યોમાની નિંદ્રા તૂટી. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. તેનું જોર ઘટ્યું હતું. હવે તે ધીરે ધીરે વરસી રહ્યો હતો. તેણે ટેન્ટની બહાર નજર કરી. વરસાદનો માપ કાઢવા ટેન્ટ બહાર હાથ કાઢ્યો. આકાશ તરફ હથેળી ખોલી નાંખી. હથેળી પર વર્ષા બિંદુઓ પડવા લાગ્યા. ટપ. . . ટપ. . . ટપ. . . ટપ. . . પળવારમાં તો હથેળી છલકાઈ ગઈ. હથેળીમાં પાણી ઉભરાવા લાગ્યું. સીમાઓ તોડી હથેળીની બહાર વહેવા લાગ્યું. હથેળીમાં પડતું, છલકાતું અને ધાર બની વહી જતું પાણી. વ્યોમા તેને જોતી જ રહી.
તેને મજા પડવા લાગી. તેણે બીજી હથેળી પણ આકાશને ધરી દીધી. બન્ને હથેળીઓ પર થઈ પાણી વહેવા લાગ્યું. ટેન્ટમાંથી અચાનક બીજી બે હથેળી પણ આકાશ તરફ મંડાઇ ગઈ. હવે હથેળી ચાર હતી. વ્યોમાએ નીરજા તરફ નજર કરી. હવે આંખો પણ ચાર થઈ ગઈ.
ચાર હથેળી આકાશ તરફ અને ચાર આંખો પરસ્પર. સુંદર સમન્વય થઈ ગયો. કોણ જાણે વરસાદ કયાઁ વરસતો હતો !
વરસાદ હવે ધીરો પડવા લાગ્યો. નીરજા અને વ્યોમા ઝડપથી આગળની યાત્રા માટે સજ્જ થઈ ગયા. ટેન્ટ ઉખાડી સામાન પેક કરી નીકળી પડ્યા મંઝિલ તરફ.
આજની યાત્રા હવે અલગ હતી. જંગલમાં ત્રણ દિવસ ચાલ્યા પછીની આજની યાત્રા જુદા રસ્તા પર શરૂ થઈ. જંગલની જે કેડી પર અત્યાર સુધી ચાલતા આવ્યા હતા તે કેડી પર નરેશ, વિશાલ અને મોહા પોત પોતાના માણસો સાથે પહેલેથી જ ચાલી નીકળ્યા હતા. એટલે રસ્તો બદલવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો.
આ રસ્તો જંગલની અંદર વધુ ઊંડો હતો. પેલી કેડીથી પણ વધુ ગાઢ જંગલ હતું એ રસ્તા પર.
“નીરજા, આ રસ્તો તો કેટલો ગાઢ અને સાંકડો છે?“ વ્યોમાએ રસ્તાનું મૌન તોડ્યું.
“કદાચ આ રસ્તો જંગલના હ્રદયમાંથી પસાર થતો હશે. એટલે તો આટલો સાંકડો છે.”
“તો શું જંગલનું હ્રદય પણ માણસોના હ્રદય જેટલું સાંકડું હોય છે?”
“ખબર નહીં. પણ આપણે જંગલના હ્રદયમાં છીએ. અને જંગલના હ્રદયમાંથી પસાર થતો રસ્તો ભલે સાંકડો હોય, પણ તેનું હ્રદય તો વિશાળ છે.” નીરજાએ જંગલનો પક્ષ લીધો.
“આ જંગલ મારા હ્રદયમાં પણ વિસ્તરી રહ્યું છે.” વ્યોમાએ પોતાના હ્રદય પર હાથ મૂકી દીધો.
“તો તો નજર કરને, તેમાં કોઈ બે પતંગિયા જેવી છોકરીઓ દેખાય છે?” નીરજાએ ટીખળ કર્યું.
“લે તું જ જોઈ લે ને આ હ્રદયમાં.” વ્યોમાએ નીરજાની આંખો પર પોતાનું હ્રદય ધરી દીધું. નીરજાએ વ્યોમાના હ્રદયની પણ પાર દ્રષ્ટિ કરી. તેની આંખમાં ચમક આવી ગઈ. તે તાકી રહી અપલક તે દિશામાં. વ્યોમા પણ તે તરફ જોવા લાગી.
થોડે જ દૂર તેની નજરે ચડ્યા પતંગિયાઓ. સાવ સાચા પતંગિયાઓ. રંગબેરંગી પતંગિયાઓ. એક નહીં અનેક પતંગિયાઓ. અઢળક, અસંખ્ય પતંગિયાઓ. ઉડતા પતંગિયાઓ.
ચારે તરફ ઉડતા હતા, પતંગિયાઓ. કોઈ ઉપર, કોઈ નીચે, કોઈ ડાબે, કોઈ જમણે. કોઈ સીધા, કોઈ આડા, કોઈ વળાંક લેતા હતા. હવામાં ઉડતા પતંગિયાઓ અનેક રંગબેરંગી આકૃતિઓ રચતાં હતા. જાણે ધરતી પર ઉતરી આવ્યું, હોય ભૂલું ભટકેલું કોઈ ઇંદ્રધનુષ !
“તું તો મારા હ્રદયના જંગલમાં પતંગિયા શોધતી હતી, પણ અહીં તો જો કેટકેટલા પતંગિયાઓ આપણી સામે આવીને ઊડી રહ્યા છે.“ વ્યોમાએ પોતાના બંને હાથો પતંગોયા તરફ ફેલાવી દીધા.
“આ જંગલ પણ અદભૂત છે, ખરું ને?” નીરજાએ જંગલની ચારે તરફ નજર કરી .
“હા, યાર. આપણે જ્યારે જ્યારે જે જે કલ્પના કરી છે, ત્યારે ત્યારે આ જંગલે આપણને તે તે આપ્યું છે.“
“આ જંગલ આપણાં મનની વાતો વાંચી લેતું હશે? આપણાં શબ્દો સાંભળી લેતું હશે? ઈચ્છાઓને જાણી લેતું હશે?“ નીરજા જંગલને જાણવાની કોશિશ કરવા લાગી.
“નીરજા, એ બધું પછી ચર્ચા કરીશું. ચાલ, પેલા પતંગિયાઓને મળીએ, તેની સાથે દોસ્તી કરીએ, રમીએ, કૂદીએ, નાચીએ, દોડીએ....” વ્યોમા દોડી ગઈ પતંગિયા તરફ.
નીરજાએ તેનો હાથ પકડી તેને રોકી. વ્યોમા ઊભી રહી ગઈ. નીરજા તરફ જોયું. બન્નેની નજરો મળી. સ્મિતની એક ટૂંકી યાત્રા થઈ. નીરજાએ હાથ પકડી રાખ્યો અને બન્ને સાથે દોડી ગઈ, પતંગિયાઓને મળવા.
કેટકેટલા પતંગિયાઓ. બન્નેની ચારે બાજુએ પતંગિયાઓ, બસ પતંગિયાઓ. પતંગિયાઓના જંગલમાં અટવાયા હોય જાણે.
પતંગિયાઓ કશુંક ગણગણતા હતા. જાણે કોઈ મધુરું ગીત ગાતા હતા. નીરજા તે ગીતને ધ્યાનથી સાંભળવા લાગી. તેણે આંખ બંધ કરી દીધી. શ્વાસ રોકી ઉભી રહી ગઈ.
વ્યોમા દોડવા લાગી, ઉડવા લાગી, પતંગિયાઓ જોડે.
કોઈ ઝાડ પર, કોઈ ડાળી પર, તો કોઈ ફૂલો પર જઇ બેસતા હતા, પતંગિયાઓ. વ્યોમા તેની પાછળ દોડી જતી, ઝાડ સુધી, ડાળી સુધી, ફૂલો સુધી. તેઓને જોતી, વિસ્મય પામતી, હોઠો પર સ્મિત લાવતી, આંખો પટપટાવતી, સ્વયમ બની ગઈ એક પતંગિયુ.
પતંગિયાઓને પણ ખબર પડી ગઈ કે એક મોટું, નવું અને અજાણ્યું લાગતું પતંગિયુ ભળી ગયું છે તેઓની નાતમાં, જાતમાં. તેઓએ તેને પોતાનામાં સ્વીકારી લીધું. તેઓ સૌ પણ વ્યોમા નામના પતંગિયા જોડે રમવા લાગ્યા. એટલે તો સૌ ઉડતા હતા, દોડતા હતા, બેસી જતાં હતા અને વ્યોમાને પોતાની તરફ આમંત્રતા હતા. અને વ્યોમા તેના બધા આમંત્રણો સ્વીકારી લેતી હતી. વ્યોમાની છાતીના પહાડો વચ્ચે વહેવા લાગ્યું પતંગિયાનું ઝરણું.
વ્યોમા અને પતંગિયામાં હવે કોઈ ફર્ક ન હતો.
નીરજા હજુ પણ બંધ આંખે તેઓનું સંગીત સાંભળી રહી હતી. તદ્દન મૌન.
પતંગિયાઓને મન નીરજા એક ઝાડ, એક ડાળી કે એક ફૂલ લાગવા માંડ્યા. તેના વાળની લટોને ઝાડની લટકતી ડાળી, તો લીસ્સા ગાલને પર્ણ, હોઠોને ફૂલની પાંદડીઓ. છાતીને પૂર્ણ વિકસેલું ફળ ને ખભાઓને વિસ્તરેલી ડાળ સમજી, કેટલાય પતંગિયાઓ તેના શરીર પર બેસી ગયા. નીરજા પણ બની ગઈ પતંગિયુ.
જંગલના પતંગિયાઓ છે કે પતંગિયાઓનું જંગલ ! નીરજા કે વ્યોમાને તેની ખબર નથી. પરવા પણ નથી.
પતંગિયાઓને કોઈ ભય ના લાગ્યો, આ બે માનવ પતંગિયાઓનો. તેઓ પણ નિરાંતે ઉડતા રહ્યા. નીરજાએ હથેળી ધરી. કેટલાક પતંગિયાઓ તેના જમણા હાથની હથેળી પર બેસી ગયા. નીરજાની હસ્તરેખાઓ રંગીન બની ગઈ. દિશાઓ પણ રંગીન બની ગઈ.
વ્યોમા પતંગિયાઓમાં ખોવાયેલી નીરજાની દુનિયાને છોડીને, જંગલને નિહાળવા લાગી. તે વિચારવા લાગી કે આટલા બધા પતંગિયાઓ અહીં કેમ છે? પતંગિયાઓ તો ફૂલોની આસપાસ હોય. જ્યાં બાગ હોય, બગીચા હોય ત્યાં જ પતંગિયાઓના ટોળાં મળે છે. આ જંગલમાં વળી ક્યારેય બાગ જેવુ જોયું નથી. તો પછી આ બધા અહીં ક્યાંથી?
તેણે એ પણ નોંધ્યું કે પતંગિયાઓ કોઈ પ્રવાસી જેમ ઉડીને યાત્રા કરતાં કરતાં અહીં નથી આવી પહોંચ્યા, પણ તેઓ તો અહીં જ રહેતા હોય તેવું લાગે છે. જો આ અનુમાન સાચું હોય તો, તો.. અહીં કેટલાય ફૂલો હશે, બાગ હશે. નક્કી અહીં કોઈ બાગ છે. મારે એ બાગ શોધવો જ જોઈએ. તે બાગને શોધવા લાગી.
તેને ક્યાંય બાગ દૂર દૂર સુધી નજરે ના ચડ્યો. તે નિરાશ થઈ ગઈ. પણ તેનું મન કહી રહ્યું હતું કે આસપાસ નક્કી કોઈ ફૂલોના ઝાડ છે જ. તે દોડી ગઈ નીરજા પાસે. તેને તેની દુનિયામાંથી ઢંઢોળી,” નીરજા અહીં જરૂર કોઈ ફૂલોના બાગ છે, નહીંતર આટલા બધા પતંગિયાઓ ક્યાંથી હોય?”
નીરજા પાછી ફરી જંગલની દુનિયામાં, “તારી વાત તો સાચી છે. પણ, ...” નીરજા બોલતા બોલતા અટકી ગઈ. તેની આંખો કોઈ જગ્યા પર સ્થિર થઈ ગઈ. તે જગ્યા પર તે ટકી રહી. વ્યોમાની હાજરીને પણ તે વિસરી ગઈ અને બસ જોતી જ રહી ગઈ. વ્યોમાને તેની આંખોમાં કોઈ નવા ભાવો દેખાયા. તે પણ જોવા લાગી, નીરજા જ્યાં જોઈ રહી હતી ત્યાં.
દૂર, લગભગ 400 મીટર જેટલે દૂર જંગલની ઝાડીઓ વચ્ચે એક સાથે અનેક રંગીન ફૂલો હોય તેવું લાગતું હતું. બે ડાળીઓ વચ્ચેની ખાલી જગ્યાઓમાંથી એ ફૂલો ડોકાઈ રહ્યા હતા. વ્યોમાએ પણ તે ફૂલો જોયા.
પતંગિયાઓની પંક્તિઓને ભેદીને તેઓ દોડી ગયા, એ ફૂલો તરફ.
“નીરજા, આ ફૂલો તો કેવા રંગબેરંગી છે. કેવા ચળકે પણ છે.”
“હા અને એનો આકાર તો જો !” નીરજાએ એક ફૂલને સ્પર્શ કરી લીધો. વ્યોમાએ પણ તે ફૂલને ધ્યાનથી જોયું. તે કોઈ નિશ્ચિત આકાર વાળું ફૂલ નહોતું.
“એનો આકાર તો કેવો વિચિત્ર લાગે છે?” વ્યોમા તે ફૂલને બધી બાજુથી જોવા લાગી.
“ચળકાટ કેટલો સુંદર છે, પણ આકાર ઠીક નથી લાગતો.”
“એવા ફૂલોને ઓર્કિડ કહે છે. મે વાંચ્યું છે ક્યાંક કે આ જંગલમાં 300 થી પણ વધુ જાતના ઓર્કિડ થાય છે.”
“તો બીજા પણ ઘણા ઓર્કિડ જોવા મળશે, ચાલ તેઓને શોધીએ. જોઈએ કેટલી જાતના ...” નીરજા વાત પૂરી કરે તે પહેલાં તો વ્યોમા ઓરકિડની શોધમાં પતંગિયાથી પણ તેજ ગતિએ ઊડી ગઈ. નીરજા તેને અનુસરી.
તેઓને અનેક જાતના ઓર્કિડ જોવા મળ્યા. બધા જ વિચિત્ર આકાર વાળા, પણ અનેક રંગો વાળા. જંગલમાં ફૂલો ! રંગીન ફૂલો ! અઢળક ફૂલો ! સુંદર ફૂલો ! મનમોહાક ફૂલો !
“આ ફૂલો કેટલા અદભૂત લાગે છે. બસ જો આકાર થોડો સુંદર હોત તો ...” નીરજાએ ઊંડો શ્વાસ લીધો.
“કુદરત કયાઁ બધું આપે છે? કોઈક ને કોઈક ખામી તો રાખી જ દેય છે. જો ને ચંદ્રમાં દાગ....”
“હવે એ બધી જૂની ફિલોસોફી છોડ. મને તો મન થાય છે કે અહીં જ આ ફૂલો અને પતંગિયાઓ વચ્ચે તેઓના નગરમાં જ રોકાઈ જાઉં.“
“તો ચાલ ને રોકાઈ જઈએ. અહીં કેવી મજા પડે છે.” વ્યોમાએ નીરજાની લાગણીઓને ઉશ્કેરી.
“તો ચાલ બાંધ આપણો ટેન્ટ.” નીરજા પણ ઉત્સાહમાં આવી ગઈ.
“મેડમ નીરજા, રસ્તાના પ્રેમમાં પાડવાની તમારી આદત ગઈ નહીં. મંઝિલ તો નહીં મળે, જો આમ રસ્તાને પ્રેમ કરવા લાગશો તો.“
“પણ રસ્તો આટલો રોમાંટીક હોય તો તેનું આકર્ષણ તો થાય ને?”
“અને હું જરા સરખી પણ પ્રેમની અને રોમાંસની વાત કરું, ત્યારે તું મને તેમ કરતાં રોકે છે, યાદ છે ને?” વ્યોમાએ નીરજાના ગાલ પર હળવી ટપલી મારી.
નીરજા શરમાઇ ગઈ. વ્યોમાને તેની એ અદા પસંદ પડી, “તો મને પણ રોમાન્સ કરવાની અને રોમાંટિક વાતો કરવાની છૂટ ને?”
“ના. બિલકુલ નહીં. “
“કેમ?” વ્યોમાએ નાકનું ટેરવું ચડાવ્યું અને પહોળી આંખો કરી નીરજા સામે જોવા લાગી. નીરજા હસી પડી. વ્યોમા પણ.
“ચાલો હવે મંઝિલ તરફ ચાલવા લાગો, નીરજા જી.“ વ્યોમા ચાલવા લાગી. નીરજા પણ પતંગિયાઓને પાછળ મૂકી, ફૂલોના રંગોને છોડીને વ્યોમાની સાથે ચાલવા લાગી, મંઝિલ તરફ.
“જો આપણે જંગલમાં આટલા અંદરની તરફ ના આવ્યા હોત તો આ પતંગિયા, આ ઓર્કિડ અને તેના રંગો વગેરે જોવા મળત ખરા?” નીરજાએ રસ્તાના મૌનને તોડવા માંડ્યુ.
“તો તે માટે નરેશ અને મોહાનો આભાર માનવો પડશે, નીરજા.” વ્યોમાએ નીરજા તરફ જોયા વિના જ જવાબ આપ્યો.
“એ કઈ રીતે?”
“જે કેડી પર આપણે ચાલતા હતા ત્યાં તેઓ ના આવ્યા હોત તો આપણે આ વિકટ રસ્તો પસંદ ના કર્યો હોત અને તે જૂના રસ્તા પર આ બધું હોત કે કેમ તે મને નથી ખબર.”
“ઓહ યસ, તારી વાત સાચી છે. અને હા, આ રસ્તો વિકટ છે પણ સુંદર છે. કદાચ વધુ સુંદર. “
“એટલો સુંદર છે, કે અહીં રોકાઈ જવાનું મન થઈ જાય, ખરું ને, નીરજા?” અને બંને હસવા લાગી.
“નવો રસ્તો વધુ વિકટ છે તો સુંદરતા પણ ભરપૂર છે. જેમ અંદર ઊતરીએ તેમ ખબર પડે કે ભયાનક લાગતા જંગલમાં પણ અદભૂત સુંદરતા છુપાઈને બેઠી છે, લપાઈને બેઠી છે.“ નીરજાને જંગલનું ઊંડાણ ગમવા લાગ્યું.
“ઉપરથી જે દેખાય તે જ અંદર હોય તેવું જરૂરી નથી. ઉપર દેખાય એ તો આવરણ હોય છે. અંદર હોય છે અસલી...”