દૌડ - 8 Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૌડ - 8

નવલકથા- દૌડ

પ્રકરણ-8

રાજન ધ્યેય સાથે ફોન પર વાત પૂરી કરી હોલમાં પ્રવેશ્યો ત્યારે તેણે શેફાલીને શેખર સાથે બોલ- ડાન્સ કરતાં જોઈ થોડો આઘાત અને થોડું આશ્ચર્ય એમ બન્ને અનુભવ્યા. બીજી જ પળે એણે જાતને સમજાવી કે શેફાલીની પોતાની જિન્દગી છે. તેણે કોની સાથે સંબંધ રાખવા, કેટલા રાખવા એ બધું તેણે નક્કી કરવાનું છે. શેફાલી તેની મિત્ર છે, પ્રેમિકા નથી કે તેણે કોઈની સાથે ડાન્સ કરતાં પહેલાં પોતાની મંજૂરી લેવી પડે.!

રાજન શેફાલીને ડીસ્ટર્બ કર્યા વગર બસુને કહી, પાર્ટી છોડી ઘરે જવા નીકળી ગયો. રસ્તામાં એને એક વિચાર વારંવાર આવતો રહ્યો કે શેફાલીને શેખર સાથે ડાન્સ કરતાં જોઈ તે આટલો બધો વિચલિત શા માટે થઇ ગયો? શું તે શેફાલીના પ્રેમમાં છે? આ પ્રશ્ન તેના માથામાં ઘણના હથોડાની માફક અથડાતો રહ્યો, અથડાતો રહ્યો.

બહુ લાંબા મનોમંથન પછી રાજનને ખાતરી થવા લાગી કે તે શેફાલીને ખરા દિલથી ચાહે છે. દુબઈથી પાછા આવી તેણે શેફાલી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવો જ રહ્યો.

એકાએક તેને યાદ આવ્યું કે ગોવાની હોટલમાં શિખાએ કહ્યું હતું કે શેફાલી તારા પ્રેમમાં હોય તેવું લાગતું નથી. પ્રેમમાં પડેલી સ્ત્રીનું વર્તન ઓળખાયા વગર રહે નહિ.

જો શેફાલી તેના પ્રેમમાં ન હોય તો...તો પછી પોતે શેફાલીના પ્રેમમાં હોય કે નહિ તેનાથી શું ફેર પડે છે ? વન-વે પ્રેમનો શો અર્થ ? વળી જો શેફાલી તેને ચાહતી ન હોય અને પોતે પ્રેમનો એકરાર કરી બેસે તો શક્ય છે કે શેફાલી દુવિધામાં પડી જાય. પોતે કરેલી મદદના ભાર તળે આવી જઈને કદાચ એ તેના પ્રેમનો સ્વીકાર કરી પણ લે પરંતુ એ રીતે દાનમાં મળેલા પ્રેમની કોઈ મજા નથી. જો પોતાનો પ્રેમ સાચો હશે તો એક દિવસ તેનો પડઘો શેફાલીના દિલમાં પડ્યા વગર નહિ રહે.

ઘરે પહોચ્યો ત્યાં સુધીમાં રાજને મનોમન એક સંકલ્પ કરી લીધો કે તે શેફાલી તરફથી પ્રેમના પ્રસ્તાવની રાહ જોશે. ચાહે એ માટે ગમે તેટલી રાહ જોવી પડે.

ડાન્સ પૂરો થયો. ડીનર શરૂ થતાં પહેલાં શેફાલી રાજનને શોધવા લાગી, બસુએ તેને જણાવ્યું કે રાજનને જરૂરી કામ આવી જવાથી તે નીકળી ગયો છે. અંતે શેખરના આગ્રહને માન આપી તેણે ડિનર પણ તેની સાથે લીધું.

‘બસુ મને અવારનવાર તેની પાર્ટીઓમાં આમંત્રણ આપતો હોય છે પરંતુ મારે ભાગ્યે જ આવવાનું બને છે. જો મને ખબર હોત કે અહીં તમારા જેવી વ્યક્તિ પણ હોય છે તો હું ચોક્કસ આવતો હોત. સામાન્ય રીતે ફિલ્મી પાર્ટીઓમાં માત્ર ગોસીપો અને તદ્દન નોનસેન્સ વાતો થતી હોય છે તેવું હું ગઈકાલ સુધી માનતો હતો પણ આજે તમને મળ્યા પછી મારી માન્યતા બદલાઈ છે. યુ આર વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ શાર્પ ટૂ. બ્રેઈન અને બ્યૂટીનું કોમ્બિનેશન ભાગ્યે જ જોવા મળે. તમે ભાગ્યશાળી છો કે...’ શેખર હજુ આગળ બોલતો હતો તેને અટકાવી શેફાલી બોલી..’ બસ સર, બહુ વખાણ ના કરો, નહિતર હું હવામાં ઊડવા લાગીશ.’

‘નો નો મિસ શેફાલી..હું તમારા ખોટા વખાણ નથી કરતો. મને તેવી આદત પણ નથી પરંતુ સારી બાબતને બિરદાવવાનું હું ચૂકતો પણ નથી. જસ્ટ બિલિવ મી.’

‘મારો મતલબ એવો નહોતો સર..પણ..’ શેફાલી અટકી. આગળ શું બોલવું તે તેને સમજાતું નહોતું. શેખરે શેફાલીનો હળવેથી હાથ પકડ્યો અને પછી કહ્યું. ‘ બિલીવ મી, હું અત્યાર સુધીમાં ઘણી સ્ત્રીઓને મળ્યો છું પરંતુ એમાંની એક પણ તમારા જેવી ઈન્ટલેક્ચ્યુઅલ નહોતી. શું તમે મારા મિત્ર બનશો?’

શેફાલી થોડી વાર માટે ખચકાઈ. તે હજુ કશો જવાબ આપે તે પહેલાં શેખરે કહ્યું..’મારી વાત પર કોઈ ગેરસમજ નહિ કરતાં પ્લીઝ..! તમારી ફિલ્મોમાં એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેની મૈત્રીનો જે અર્થ થતો હોય છે, હું તે અર્થમાં વાત નથી કરી રહ્યો. આપણી વચ્ચે માત્ર એવી નિખાલસ મૈત્રી હશે જેમાં હું તમને ગમે ત્યારે ફોન કરી શકું. તમને મળી શકું. કોઈ જગ્યાએ બેસી આપણે લાંબો સમય વાતો કરી શકીએ. બસ, એટલું જ.

શેખરના અવાજમાં ભળેલી સચ્ચાઈ શેફાલીને સ્પર્શી ગઈ. તેને શેખરનું પારદર્શક વ્યક્તિત્વ ગમ્યુ. જે મનમાં એ જ જુબાન પર.

‘ઓ.કે સર..વી વિલ..’ શેફાલીએ શેખરની વાતનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો.

‘મિત્રને સર કહેવાય? આજથી ફક્ત શેખર કહેવાનું..સમજી?’ અને બન્ને હસી પડયા. એવામાં બસુ આવ્યો. બન્નેને ખડખડાટ હસતા જોઈ બોલ્યો. ‘ક્યા બાત હૈ..! શેખરજી, તમે હજુ પણ પાર્ટીમાં રોકાયા છો? મને એમ હતું કે તમે અહીંથી કંટાળીને ક્યારનાયે નીકળી ગયા હશો..!’

‘નીકળી જ ગયો હોત, જો આ શેફાલીની કંપની ન હોત..! તેં મને એકદમ યોગ્ય વ્યક્તિનો સંપર્ક કરાવી દીધો..એની વે, પણ મારે હવે નીકળવું પડશે. ખૂબ મોડું થઇ ગયું છે. બાય બસુ, બાય શેફાલી..આ મારું કાર્ડ છે.’ કહી શેખર રવાના થયો.

શેખરના ગયા પછી શેફાલી ક્યાંય સુધી તેના વિશે વિચારતી રહી. તે શેખરના વ્યક્તિત્વથી ખૂબ જ આકર્ષાઈ હતી. બહુ નાની હતી ત્યારથી તેના મનમાં જે સ્વપ્ન પુરુષની જે છબી હતી, શેખર બિલકુલ એવો જ હતો. છટાદાર, ધનવાન, શેઈપ્ડ બોડી, વેલ મેનર્સ,.. શેખર સાથે ડાન્સ કરતી વખતે જયારે એ તેની મજબૂત બાંહોમાં સમાયેલી હતી, ત્યારે થોડીવાર તો એને એવું લાગેલું કે સમય જાણે કે સ્થિર થઇ ગયો છે. વર્ષોથી જે ઘડીને તેણે ઝંખેલી, આ એ જ ઘડી છે ! કોલેજમાં સાથે ભણતી તેની ફ્રેન્ડ્સ હમેશાં કહેતી કે, સપનાના રાજકુમારો સપનામાં જ રહી જતા હોય છે અને છેવટે પરણી જવું પડતું હોય છે કોઈ એવા બોચિયા સાથે, જે સવારથી સાંજ સુધી નોકરીનો ઢસરડો કરી જયારે ઘરે આવે, ત્યારે તેનું ઊતરેલી કઢી જેવું મોઢું જોઈ બધાંજ અરમાનો દફન થઇ જાય.

એકાએક તેને રાજન યાદ આવ્યો. થયું કે રાજનને ફોન કરૂ. એવું તે શું કામ આવી પડ્યું કે એ કહ્યા વગર જતો રહ્યો ! એણે રાજનના મોબાઈલમાં રીંગ કરી. રાજનનો ફોન વ્યસ્ત આવતો હતો. અંતે કંટાળી, કાલે કોલ કરવાનું વિચારી મોબાઈલ પર્સમાં પાછો મૂકી દીધો.

બીજે દિવસે સવારે રાજનને કોલ કરવા મોબાઈલ હાથમાં લીધો ત્યારે એ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઈ. તેમાં રાજનના પાંચ મિસ્ડ કોલ પડેલા હતા ! રીંગ કેમ ન સંભળાઈ ? જોયું તો મોબાઈલ સાયલન્ટ મોડ પર હતો. હે ભગવાન..! તેણે વળતો કોલ લગાડ્યો.

‘કાલે રાત્રે પાર્ટીમાં મને એકલી મૂકી અને ક્યાં ચાલ્યો ગયો હતો?’ સામેથી કોલ ઉપડ્યો એટલે તુરંત ફરિયાદના સૂરમાં શેફાલીએ પ્રશ્ન કર્યો.

‘તું એકલી ક્યાં હતી.? તું તો મુંબઈના અગ્રગણ્ય ઉદ્યોગપતિ એવા શેખર બ્રિન્દા સાથે મોજથી ડાન્સ કરી રહી હતી. એકલો તો હું હતો એ પાર્ટીમાં..’ સામેથી સણસણતો જવાબ આવ્યો.

‘સોરી, પણ મારે બસુના કહેવાથી થોડીવાર ડાન્સ કરવો પડ્યો એની સાથે..પણ તારે એવું શું કામ આવી પડ્યું કે..’ અને જવાબમાં રાજને ટૂંકમાં બધી વાત કહી અને પછી ઉમેર્યું. ‘સાંભળ, મુંબઈથી રાજરત્નમજીનો ફોન હતો. તેણે ગઈ રાત્રે જ તારી ફિલ્મની ડી.વી.ડી. જોઈ લીધી. કહેતા હતાં કે એને તારો અભિનય ખૂબ ગમ્યો છે અને આગામી ફિલ્મમાં એ તને લીડ રોલમાં લેવા માંગે છે. બોલ, કેવા લાગ્યા આ સમાચાર?’

આ સાંભળતાની સાથે શેફાલી લગભગ ઊછળી પડી.

‘વોટ આ ગ્રેટ ન્યૂઝ ! અરે ! આ તો મારી જિંદગીની સૌથી મોટી ઘટના છે.. તને કદાચ ખ્યાલ નહિ હોય રાજન કે આવડા મોટા બેનર હેઠળ કામ કરવું એ મારું સપનું હતું..એમાં પણ પાછો લીડ રોલ..! વાઉ..વોટ આ સરપ્રાઈઝ.! થેન્ક્યુ વેરી મચ. તું અહીં હાજર હોત તો આવા સરસ સમાચાર આપવા બદલ તને ભેટી પડી હોત..! એમને ડી.વી.ડી. આપવાનો આઈડિયા તારો જ હતો ને? યુ આર ગ્રેટ, યુ આર લક્કી એન્જલ ફોર મી.’ બોલતાં બોલતાં શેફાલીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.

‘થેન્ક્સ, હવે તું આજે જ એમને કોલ કરી, ટાઈમ નક્કી કરી અને મળી લેજે. અને હા રોલ વિશે બહુ પૂછપૂછ ન કરતી.તેને એવું બધું બહુ પસંદ નથી. તેની ફિલ્મમાં સારી સારી હિરોઈનો ગમે તેવો રોલ સાવ મફતમાં કરવા તૈયાર હોય છે. સમજી? ’ સામેથી રાજનનો અવાજ સંભળાયો.

‘મને ખ્યાલ છે રાજન, હું હમણાં જ એમની સાથે વાત કરી લઉં છું. અને હા, શિખાના પપ્પાને હવે કેમ છે?’ શેફાલીએ પૂછ્યું.

‘હું અત્યારે અહીની અલ-મક્તુમ હોસ્પિટલ પર જ છું. અંકલને સારું છે પણ ડોક્ટર કહે છે કે અત્યારે કશું કહી શકાય નહિ. સાચી પરિસ્થિતિનો અંદાજ ચોવીસ કલાક પછી જ આવે. શિખા સૌથી વધુ ભાંગી પડી છે. પપ્પાની એ બહુ લાડકી છે ને !’

‘એને મારા વતી હિંમત આપજે. ટેક કેર ઓફ હર.’ ને એ જ વખતે શેફાલીને મોમના ગોવાના ગેસ્ટ હાઉસ પર બોલાયેલા શબ્દો યાદ આવ્યા ‘શિખા રાજનના પ્રેમમાં હોય તેવું લાગે છે. પ્રેમમાં પડેલી સ્ત્રીનું વર્તન ઓળખાઈ જ જાય.’ તો શું રાજન પણ શિખાના પ્રેમમાં હશે? રાજને એવું કદી જણાવ્યું નથી. પણ પોતે હજુ સુધી પૂછ્યું પણ ક્યાં હતું.! આ વખતે મળશે ત્યારે પૂછી લઈશ.

બરાબર એ જ વખતે તેના મોબાઈલમાં રીંગ વાગી. સ્ક્રીન પર જોયું. નંબર અજાણ્યો હતો. કોણ હશે?

(ક્રમશ:)