દૌડ - 6 Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૌડ - 6

નવલકથા- દૌડ

પ્રકરણ-6

‘અરે કોઈ દેખો, મેડમકો ચોટ લગી હૈ‘ કેમેરામેને બૂમ પાડી. બધા એ તરફ દોડ્યા.

તરત એમ્બ્યુલન્સ બોલાવાઈ અને શેફાલીને તુરંત નજીકની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રાથમિક સારવારને અંતે એ ભાનમાં આવી. ડોક્ટરે તેને ચેકઅપ કરી ભયમૂક્ત જાહેર કરી એટલે બસુને શાંતિ થઇ.

‘હવે કાલનું તારું શે’ડ્યુલ કેન્સલ કરીએ છીએ. ટેઈક રેસ્ટ. નેક્સ્ટ વીકમાં ફરીથી ગોઠવીશું.’ માલતીબેન હોસ્પિટલ પર આવી ગયા એટલે બસુએ જતી વેળા કહ્યું.

‘નો સર..મારી તબિયત હવે ઘણી સારી છે. કાલ સુધીમાં તો હું ઓલરાઈટ થઇ જઈશ. કાલનું શે’ડ્યુલ કેન્સલ કરવાની જરૂર નથી. આમ પણ હવે ચાર પાંચ શોટ જ બાકી છે. બધું આવતાં વીકમાં લઇ જવાથી તમને બીજા કલાકારોની તારીખો ગોઠવવામાં તકલીફ પડશે.’ શેફાલી ધીમા સાદે બોલી.

વોટ આ કમિટમેન્ટ ! આ છોકરી અદભૂત છે. પોતે આટલી તકલીફમાં હોવા છતાં મારા પ્રોબ્લેમ વિશે વિચારી રહી છે. બસુ એકવાર ફરીથી શેફાલીથી અભિભૂત થયો.

‘આર યુ શ્યોર...? પણ મને લાગે છે તને હજુ આરામની જરૂર છે. વળી ડોક્ટર પણ આટલી જલ્દી તને કામ પર ચઢવાની પરમિશન નહિ આપે.’ બસુ થોડો અવઢવમાં હતો.

‘નો પ્રોબ્લેમ સર, હું જ ડોક્ટર પાસે રજા માંગી લઈશ.’ શેફાલી બોલતી હતી ત્યાં જ ડોક્ટર શર્મા રૂમમાં પ્રવેશ્યા.

‘નો...,બિલકુલ નહિ, હેડ ઇન્જરી હોવાથી આવતીકાલે સિટીસ્કેન કરાવવું પડશે. એ રિપોર્ટ નોર્મલ આવે પછી જ રજા આપી શકાય.’ ડોક્ટરે રૂમમાં દાખલ થતી વખતે શેફાલીનું છેલ્લું વાક્ય સાંભળી લીધું હોવાથી તરત જવાબ આપી દીધો.

‘સોરી ડોક્ટર..મારું કાલે સવારે શૂટીંગ પર જવું અત્યંત જરૂરી છે. નહિતર બસુ સરને ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડે. હું સાંજ સુધીમાં પાછી આવી જઈશ. સિટીસ્કેન તો એ પછી પણ થઇ શકે ને?’ શેફાલીએ દલીલ કરી.

‘એઝ એ ડોક્ટર, હું પરમિશન આપતો નથી. ઇન ફેકટ, આપણે નથી જાણતા કે તમારા માથામાં અંદરની શું સ્થિતિ છે. ઈટ ઈઝ રિસ્કી ટુ વર્ક અન્ડર ધીસ કન્ડિશન મેડમ’ ડોક્ટરે સાફ ના કહી દીધી.

‘હું જોખમ લેવા તૈયાર છું. ડોન્ટ વરી ડોક્ટર, મને કશું નહિ થાય.’ કહી તે બસુને ઉદ્દેશી બોલી ‘તમે શૂટીંગની વ્યવસ્થા ગોઠવો. હું સવારે દસ વાગે પહોચી જઈશ.’

હવે બસુથી ન રહેવાયું. તે બોલ્યો ‘ આઈ એપ્રિસિએટ શેફાલી, પણ હું ડોક્ટર સાથે સહમત છું. મારા થોડા વધતા ખર્ચ સામે હું તને જોખમમાં ન મૂકી શકું. તું આરામ કર.’ કહી બસુ ડોક્ટરની સાથે રૂમની બહાર ચાલ્યો ગયો.

બસુ ગયો એટલે શેફાલીએ રાજનને દુબઈ ફોન લગાડ્યો.

છેલ્લી એક કલાકથી શિખા રાજન સાથે તેના ઘરની બાલ્કનીમાં બેઠી બેઠી એક જ વાતની ચર્ચા કરી રહી હતી.

‘તને શેફાલી માત્ર ગમે છે કે તું એના પ્રેમમાં છો? સાવ સાચું કહેજે.’ શિખાએ ફરીથી એ જ પ્રશ્ન રાજનને ચોથી વાર પૂછ્યો.

‘તને કહ્યું તો ખરું કે એ તો હજુ મને પણ ખબર નથી. બસ એટલી ખબર છે કે મને તેની હાજરી ગમે છે. એ મારી સાથે હોય ત્યારે હું સમયાતિત થઇ જાઉં છું. મને વધુને વધુ સમય તેની સાથે રહેવું ગમે છે. આઈ ડોન્ટ નો કે આને પ્રેમ કહેવાય કે નહિ. પણ બસ, આવું છે..’ રાજને દૂર ક્ષિતિજ તરફ નજર નાંખતા કહ્યું.

શિખા રાજનને તાકી રહી. તેને પણ રાજન માટે આવું જ થતું હતું. રાજન પાસે શેફાલી વિશે આજે જ સાંભળ્યું. કેટલા વર્ષોથી તે રાજનને ઓળખતી હતી ! લગભગ બચપણથી જ. પરંતુ હજુ એને પોતાને ખાતરી થાય કે એ રાજનને ચાહે છે તે પહેલાં તેની અને રાજનની વચ્ચે અચાનક આ શેફાલી ક્યાંકથી ટપકી પડી હતી. શિખાને એક પળ માટે શેફાલીની ઈર્ષા થઇ આવી. અને એ સાથે જ તેને રાજનની સમસ્યાનો ઉકેલ જડી આવ્યો હોય તેમ બોલી ‘ તો તું શેફાલી બાબતે શ્યોર નથી રાઈટ? ઓ.કે., હવે હું તને જે પૂછું તે ધ્યાનપૂર્વક સાંભળી ઉત્તર આપજે. ધાર કે કાલે ઊઠીને શેફાલી આવી, તને એમ કહે કે તે કોઈ બીજી વ્યક્તિના પ્રેમમાં છે, તો તને તે વ્યક્તિની ઈર્ષા થાય ખરી ? બરાબર વિચારીને જવાબ આપજે.’

રાજન હજુ એ બાબતે કશું વિચારે તે પહેલાં તેના મોબાઈલમાં રીંગ વાગી. સ્ક્રીન પર શેફાલીનું નામ ઝળક્યું. ફોન સામે પડ્યો હોવાથી એ નામ શિખાએ પણ વાંચ્યું.

રાજન ફોન ઊપાડી તુરંત બોલ્યો ‘તારું આયુષ્ય બહુ લાંબુ છે શેફાલી. બસ, હમણાં જ તને યાદ કરતો હતો ત્યાં તારો કોલ આવ્યો..બોલ ,શું કહે છે?’

જવાબમાં સામેથી થઇ રહેલી વાત સાંભળી રાજનના ચહેરા પર થતાં ફેરફારોને શિખા જોઈ રહી.

‘...નો પ્રોબ્લેમ, હું હમણાં જ ત્યાં આવવા નીકળું છું. અત્યારે જે પહેલી ફ્લાઈટમાં મને ટિકિટ મળશે તેમાં નીકળુ છું.’ કહી રાજને કોલ કાપ્યો. તેના ચહેરા પર આવી ગયેલા ચિંતાના વાદળો જોઈ શિખાએ પૂછ્યું ‘એનિથિંગ સિરીયસ રાજ ?’ શિખા રાજનને ‘રાજ’ કહીને બોલાવતી.

‘શેફાલીને શૂટીંગ દરમિયાન અકસ્માત થયો છે. એ હોસ્પિટલમાં છે. મારે અત્યારે જ નીકળવું પડશે.’ કહી તેણે એરપોર્ટ પર ફોન કરી, ભારત જતી પહેલી ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી. જે ઝડપથી રાજન સામાન પેક કરવા લાગ્યો તે જોઈ અને શિખાને ખાતરી થઇ ગઈ કે તે રાજન પાસે પોતે પ્રેમનો એકરાર કરવામાં ઘણી મોડી પડી હતી. ઘણી જ મોડી...

સિટીસ્કેનના રિપોર્ટ નોર્મલ આવ્યા એટલે માલતીબેનને હાશ થઇ. શેફાલીને હોસ્પિટલમાં બે દિવસ રહેવું પડ્યું. રાજન પણ ત્યાં જ રહ્યો. રાજનને શેફાલીની આટલી બધી કેર કરતો જોઈ માલતીબેનનું હ્રદય બંનેના સંબંધો વિશે એક મનગમતી ધારણા બાંધતુ રહ્યું.

‘ત્યાંનું કોઈ કામ અધૂરું છોડીને તો નથી આવ્યો ને ?’ માલતીબેન રસોઈ બનાવવા ઘરે ગયા ત્યારે હોસ્પિટલના પલંગ પર આરામ કરી રહેલી શેફાલીએ રાજનને પૂછ્યું.

‘ના ના, આમેય પરમ દિવસે નીકળવાનો હતો. તારો ફોન આવ્યો એટલે થોડો વહેલો નીકળ્યો’ રાજને જવાબ વળ્યો. એવામાં તેના મોબાઈલમાં કોઈની રીંગ વાગી. ફોન શિખાનો હતો. એ શેફાલીના સમાચાર પૂછતી હતી.

‘તબિયત સારી છે તેની. કદાચ સાંજે તો હોસ્પિટલમાંથી રજા આપી દેશે.’ રાજને કહ્યું.

‘એને ફોન આપ, હું જરા વાત કરી લઉં’ સામેથી કહેવાયું.

‘પણ તું શું વાત કરીશ ? તું તો એને ઓળખતી પણ નથી !’ રાજને આશ્ચર્યથી પૂછ્યું.

‘એને ફોન આપ ઈડીયટ, બાકી મારી ઓળખાણ હું આપી દઈશ.’ કહી અને પછી ધીમેથી બોલી, ‘અને તેને ઓળખી પણ લઈશ, સમજ્યો ?’

રાજને શેફાલીને ફોન આપ્યો...અને તેના આશ્ચર્ય વચ્ચે એ બંને સ્ત્રીઓ અડધો કલાક વાતો કરતી રહી. એટલું જ નહિ, વાતને અંતે બન્નેએ એકબીજાને મળવાનું પણ નક્કી કરી લીધું.

‘શિખા આ મહિનાના અંતમાં તારી સાથે અહીં ભારત ફરવા આવે છે. હવે તું પાછો દુબઈ જા ત્યારે વળતા એને તારી સાથે તેડતો આવજે.’ શેફાલીની વાત સાંભળી રાજન થોડો વિચારમાં પડી ગયો. શિખા અહીં શા માટે આવતી હતી ? શું તે શેફાલીને મળવા આવતી હતી ? પણ તેણે શેફાલીને શું કામ મળવું જોઈએ ? શક્ય છે કે તે અહીં આવી, શેફાલીના મનનો તાગ મેળવવા માંગતી હોય.! પણ...પણ આ બધું થોડું વહેલું હતું. શેફાલીનું ધ્યેય હિન્દી ફિલ્મોની સફળ હીરોઈન બનવાનું હતું જેમાં પોતે એને થોડી મદદ કરી, બસ..! શેફાલી તેને માત્ર એક દોસ્ત, એક મદદગાર સમજતી હતી અને પોતે પણ હજુ શેફાલીના પ્રેમમાં છે કે નહિ તેની એને પોતાને પણ ખાતરી નહોતી ત્યાં શિખાનું અહીં આવવું, શેફાલીને મળવું..! ના ના, શિખા અહીં આવી અને કશુંક આડું અવળું વેતરી નાંખશે તો તકલીફ થશે. શેફાલી સાથે શિખાની મુલાકાત કરાવવાનું જોખમ હમણાં કરાવવા જેવું નહોતું.

પણ..

રાજનની લાખ કોશીશ છતાં પણ એ મહિનાના છેલ્લા દિવસોમાં શિખા ભારત આવી. રાજને એને ફલાઈટમાં જ સમજાવી દીધી કે તે શેફાલીને મળી શકે છે. તેની સાથે હરી-ફરી શકે છે પરંતુ પોતાના અને શેફાલીના સંબંધોમાં તેણે કશું જ કરવાની જરૂર નથી.

પહેલી જ મુલાકાતમાં શિખા શેફાલીની દોસ્ત બની ગઈ. શેફાલીને પણ એ ગાળામાં શૂટીંગ ન હોવાથી ફ્રી હતી. ત્રણેયે ગોવા જવાનો પ્લાન બનાવ્યો. રાજને માલતીબેનને પણ આગ્રહ કરી સાથે લીધા.

ગોવાના બીચ પર બધાએ ખૂબ મજા કરી.

‘તારી ફિલ્મ રિલિઝ થશે પછી તું આમ પબ્લિક પ્લેસ પર મજા નહિ કરી શકે. તું જ્યાં જઈશ ત્યાં લોકોના ટોળા તને ઘેરી લેશે. પબ્લિક ફિગર બનવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે તારે. પર્સનલ લાઈફ જેવું કશું રહેશે જ નહિ.’ રાજને શેફાલીને કહ્યું.

‘નો પ્રોબ્લેમ, તું દુબઈ આવી જજે. ત્યાં ફિલ્મસ્ટારનો બહુ ક્રેઝ નથી લોકોને. આપણે ત્યાં મજા કરીશું.’ શિખાએ તોડ કાઢ્યો.

છેલ્લે દિવસે સાંજે બધાં હોટલ પર પહોંચ્યા ત્યારે...

શિખાએ રાજનને એકાંતમાં કહ્યું કે’ સોરી રાજ..પણ શેફાલી તારા પ્રેમમાં હોય તેવું લાગતું નથી. પ્રેમમાં પડેલી સ્ત્રીનું વર્તન ઓળખાયા વગર રહે નહિ.

બરાબર એ જ વખતે માલતીબેન શેફાલીને કહી રહ્યા હતા. ‘શિખા રાજનના પ્રેમમાં હોય તેવું લાગે છે. પ્રેમમાં પડેલી સ્ત્રીનું વર્તન ઓળખાઈ જ જાય’

શિખા અને માલતીબેનના આ વાક્યોની શેફાલી અને રાજનના ભાવિ જીવન પર કેટલી ઊંડી અસર પડવાની હતી તે એ બન્ને ક્યાં જાણતા હતા ?

(ક્રમશ:)