દોડ - 5 Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોડ - 5

નવલકથા- દૌડ

પ્રકરણ-5

રાજન એક ચિંતિત માતાની આંખના ખૂણા ભીના થતા જોઈ રહ્યો. એણે કશું જ બોલ્યા વગર માલતીબેનનો હાથ પકડી હળવેથી થપથપાવ્યો. એ કદાચ કોઈ મૂક વચન આપી રહ્યો હતો માલતીબેનને..

બરાબર એ જ વખતે શેફાલીએ એ તરફ જોયું. એને થોડું આશ્ચર્ય થયું. એને સમજાયું નહિ કે ત્યાં શું થઇ રહ્યું છે. તે હજુ બસુ પાસેથી રજા લઇ માલતીબેન અને રાજન જ્યાં ઊભા હતા, એ તરફ ચાલવા જાય ત્યાં જ મુહૂર્ત શોટ લેવાની જાહેરાત થઇ એટલે બધાનું ધ્યાન ત્યાં ખેંચાયું.

ફિલ્મના હીરોએ શોટ આપ્યો એને એક જ ટેકમાં તે ઓ.કે. થઇ ગયો. બધાએ તાળીઓ પાડી. ડ્રિન્ક્સ સર્વ થવા લાગ્યું. બસુ’દાએ સ્ટેજ પર જઈ મીડિઆના લોકોને એકઠા કર્યા અને એમની સમક્ષ શેફાલીને ઇન્ટ્રોડ્યૂસ કરી એટલે કેમેરાની ફ્લેશ ફટાફટ ઝબકવા લાગી.

‘આવતીકાલના તમામ ફિલ્મી સામયિકોમાં તારી તસવિર ફ્રન્ટ પેજ પર જોવા મળશે. બોલ, હવે પાર્ટી ક્યારે આપે છે ?’ રાજન શેફાલીના કાનમાં બોલ્યો. શેફાલી થોડું હસીને બોલી, ‘જયારે માંગો ત્યારે..’

શેફાલીને ખ્યાલ આવી ગયો કે રાજને તેના પર કરેલા અહેસાનનો બદલો વાળવાનો સમય હવે આવી ગયો.

‘કાલે સાંજે અનુકૂળ છે?’

‘ના, કાલથી પંદર દિવસ સુધી રોજ ડ્રામાના શો છે.’

‘તો પછી તારી આ ફિલ્મનું શૂટીંગ ક્યારે છે?’

‘બસુ’દા કહેતા હતા કે ફિલ્મનું શૂટીંગ તો પરમ દિવસથી શરૂ થશે પણ મારું શે’ડ્યૂલ આવતા મહિનાની ચાર તારીખથી સળંગ દસ દિવસ છે.’

‘તો નેક્સ્ટ સન્ડે પછીના રવિવારે સાંજે ફ્રી છો?’

થોડુંક વિચારી શેફાલી બોલી, ‘ઓ.કે., ક્યાં ને કેટલા વાગે મળીશું?’

‘એ દિવસે સાંજે સાત વાગ્યે હું તારા ઘરે જમવા આવીશ.’

‘વ્હોટ ?’ શેફાલી ચમકી.‘યુ મીન, તમે મારા ઘરે જમવા આવશો ?’

‘હા કેમ ? પાર્ટી એટલે મોટી હોટેલોમાં જ જમવા જવું જોઈએ એવું થોડું છે ? મારે તો તારા મમ્મીના હાથની રસોઈ જમવી છે..બોલ, આવું ને ?’

‘એઝ યુ લાઈક’ શેફાલીનું આશ્ચર્ય હજુ શમ્યું નહોતું. એને હતું કે પાર્ટી માંગવાના બહાને રાજન કોઈ મોટી હોટલમાં લઇ જશે અને પછી હોટલના કોઈ આરામદાયક સ્યૂટમાં તેના શરીરની માંગણી કરશે. ગ્લેમર વર્લ્ડમાં ‘ગીવ એન્ડ ટેઈક’નો સિદ્ધાંત ચાલતો હોય છે. તેને બદલે આ માણસ તેના જેવી એક મિડલક્લાસ છોકરીના ઘરે માત્ર જમવા આવવાની વાત કરતો હતો ! અને એ પણ તેની મોમના હાથની રસોઈ જમવા..! એને રાજન સમજાયો નહિ.

એ રવિવારે સાંજે રાજન શેફાલીને ત્યાં પહોચ્યો ત્યારે સાડાસાત થયા હતા. માલતીબેને જાત જાતની વાનગીઓ બનાવી રાખી હતી. ડાઈનીંગ ટેબલ પર જમતી વેળા માલતીબેને રાજનને પૂછ્યું, ‘તમારા ફેમિલીમાં બીજું કોણ કોણ છે?’

‘કોઈ જ નહિ. હું મારા મમ્મી-પપ્પાનું એકમાત્ર સંતાન છું. મમ્મી તો હું બહુ નાનો હતો ત્યારે જ ગૂજરી ગઈ. એ પછી પપ્પાએ બીજા લગ્ન ન કર્યા. હજુ બે વરસ પહેલાં જ પપ્પાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું..પપ્પાને દુબઈમાં ત્રણ ગોલ્ડશોપ હતી અને સાથોસાથ અહીં મુંબઈમાં તેઓ ફિલ્મોમાં ફાઈનાન્સનું કામ કરતા, એટલે એમને મહિનામાં પંદર દિવસ દુબઈ અને પંદર દિવસ અહીં રહેવાનું થતું. હું યુવાન થયો ત્યારથી પપ્પાને બિઝનેસમાં મદદ કરવા લાગ્યો હતો .પપ્પાના ગયા બાદ હવે એમનો બધો બિઝનેસ મારા હસ્તક છે.’ રાજને ટૂંકમાં પોતાનો પરિચય આપ્યો.

‘મમ્મી ગુજરી ગયા, ત્યારે તમારી ઉંમર આશરે કેટલી હશે?’ શેફાલીએ પૂછ્યું.

‘સાત વરસ, કેમ?’

‘ઘરમાં કોઈ સ્ત્રી ન હોય ત્યારે એક નાનકડા બાળકનો ઉછેર કરવામાં તમારા પપ્પાને ઘણી તકલીફ પડી હશે.!’

‘ના, હું નૈનિતાલ હોસ્ટેલમાં રહીને ભણતો. માત્ર વેકેશનમાં હું પપ્પા સાથે અહીં રહેતો અથવા તો એમની સાથે દુબઈ જતો.’ એટલું બોલી રાજન ચૂપ થઇ ગયો. તેની આંખોમાં એક ઉદાસી તરી આવી એ માલતીબેનથી છૂપું ન રહ્યું. માતૃવાત્સલ્યના અભાવમાં ઉછરેલો હતો રાજન.

જમી લીધા બાદ રાજને શેફાલીને ફિલ્મ જગત વિશે ઘણી ટીપ્સ આપી. ખાસ કરીને સેટ પર કોની સાથે કેમ વર્તવું, એ સમજાવ્યું. છેલ્લે જયારે તેણે ડ્રામા અને ફિલ્મોની એક્ટિંગ વચ્ચે શું તફાવત છે તેના ટેકનિક્લ મુદ્દાઓ વિશે શેફાલી સાથે ચર્ચા કરી, ત્યારે શેફાલી જ નહિ પરંતુ માલતીબેન પણ તેના નોલેજથી પ્રભાવિત થયા. રાજને વિદાય લીધી ત્યારે રાત્રે અગિયાર વાગ્યા હતા.

શેફાલીના પહેલા દસ દિવસના શૂટીંગ શે’ડ્યૂલમાં એનો ડાયરેક્ટર બસુ તેના કામથી બહુ જ ખુશ થયો. તેના બે કારણ હતાં. એક તો શેફાલી ડ્રામાનો અનુભવ લઈને આવેલી હતી એટલે તેના રી-ટેક બહુ ઓછા થતા જેનાથી રીલ અને સમય બંનેનો બગાડ ઓછો થતો. બીજું કારણ એ હતું કે શેફાલી એકદમ ડિસિપ્લીનમાં માનતી. દરેક શોટ લેતી વખતે તે બસુની સૂચનાનું અક્ષરશ: પાલન કરતી. શૂટીંગના પહેલાં દિવસે રાજન હાજર રહેલો પરંતુ બીજા દિવસે એ ધંધાના કામે દુબઈ નીકળી ગયો.

બાર દુબઈના ‘કરામા’ જેવા પોશ વિસ્તારમાં રાજનનો બંગલો હતો. તેની બાજુના જ બંગલામાં ભારતથી આવી દુબઈ સેટ થયેલો એક ગુજરાતી પરિવાર રહેતો હતો. એ પરિવારમાં તેના મુખ્ય વ્યક્તિ જમનાદાસ કોટેચા તેની પત્ની રમિલા, બે પુત્રો નિકુંજ અને ધ્યેય, એક પુત્રી શિખા અને પુત્રવધૂ માયા સાથે રહેતા હતા. નાનો ધ્યેય અને શિખા એ બંને કુંવારા હતા. રાજનના પપ્પા બાબુરાવ વાગલેને જમનાદાસ સાથે ઘનિષ્ઠ દોસ્તી હતી. બાબુરાવ દુબઈ હોય તેટલા દિવસ એનું સાંજનું જમવાનું જમનાદાસના બંગલે જ રહેતું. વેકેશનમાં રાજન દુબઈ જતો ત્યારે એ પણ આખો દિવસ એમને ત્યાં જ રહેતો. ધ્યેય અને શિખા તેના મિત્રો બની ગયા હતા. દર વેકેશનમાં ગુજરાતી પરિવાર સાથે રહેવાનું થતું હોવાથી રાજન ગુજરાતી બહુ સારું બોલી શકતો હતો. બાબુરાવના દેહાંત પછી રાજને કારભાર સંભાળ્યો, એ પછી એ પણ કોટેચા પરિવારને ત્યાં જ ઊતરતો. પોતાના બંગલામાં તો મોડી રાત્રે સૂવા જતો એટલું જ.

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાજનની ફ્લાઈટ ઊતરી એટલે એરપોર્ટની વિધિ પતાવી, બહાર આવી તેણે સીધો ધ્યેયને કોલ લગાડ્યો. એ એન્ગેજ આવતો હતો એટલે શિખાને કોલ લગાડ્યો.

‘શિખા, હું દેરા જાઉં છું મારી ગોલ્ડ શોપ પર. રાત્રે સીધો જમવા આવી જઈશ. રમિલા આન્ટીને કહેજે કે મહારાજ પાસે પેલી સ્વામિનારાયણ ખીચડી બનાવડાવે.’

‘તું એકલો જ આવ્યો છો કે પછી વહુરાણીને પણ સાથે લેતો આવ્યો છો?’ શિખાએ મજાકમાં પૂછ્યું. રાજનને યાદ આવ્યું કે ગઈ વખતે એ ભારત આવવા નીકળ્યો ત્યારે રમિલા આન્ટીએ તેને હવે જલ્દી લગ્ન કરી લેવાની તાકીદ કરી હતી.

‘વહુ એમ કાંઈ રસ્તામાં પડી છે કે લેતો આવું?’

‘તારા જેવા મોસ્ટ એલિજિબલ છોકરાને પરણવા માટે તો ગમે તે છોકરી તૈયાર થઇ જાય. શું નથી તારામાં? તું યંગ છે, દેખાવડો છે, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ..મિલિઓનર પણ છે. તું કહે ત્યાં હું તારા માટે વાત ચલાવું, બોલ..’ શિખાએ મસ્તીનો દોર આગળ ચલાવ્યો.

‘એક છોકરી ગમી તો છે પણ..! છોડ એ વાત..! રાત્રે નિરાંતે બેસીને વાતો કરીશું. અત્યારે ફોન મૂક. મારે મોડું થાય છે..બાય..’ કહી રાજને ફોન કાપ્યો.

રાજનનું દુબઈનું રોકાણ ધાર્યા કરતાં લંબાઈ ગયુ. એ દરમિયાન એ ત્યાંથી લગભગ રોજ શેફાલી સાથે ફોન પર વાત કરતો. એસ.એમ.એસ. પણ કરતો. બંને વચ્ચે ક્યારે મૈત્રી વિકસી ગઈ એનો શેફાલીને ખ્યાલ ન આવ્યો. હવે તો રાજનના આગ્રહને કારણે તેને તું-કારે પણ બોલાવતી થઇ ગઈ.

ફિલ્મનું બીજું શૂટીંગ શે’ડ્યૂલમાં શરૂ થયું ત્યારે ચોથા દિવસે બપોરે એક બહુ વિચિત્ર ઘટના બની સેટ પર.

બસુએ શેફાલીને દ્રશ્ય સમજાવ્યું. દ્રશ્ય એમ હતું કે, શેફાલી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપે છે, પરંતુ એ જ રાત્રે એ બાળકને તેડી હોસ્પિટલમાંથી ભાગે છે. ભાગતા ભાગતા સામેથી આવતાં એક ટ્રક સાથે તે અથડાય જાય છે. આ દ્રશ્યની શેફાલીને બધી વિગતો સમજાવી બસુએ ટ્રક ડ્રાઈવરને તેણે ટ્રકને ક્યાં સુધી ચલાવવાનો છે અને એકઝેટ ક્યાં ઊભો રાખવાનો છે તે બતાવી દીધું અને ત્યાં ચોકથી માર્કિંગ પણ કરી દીધું. ‘એક્શન’ની સૂચના મળે એટલે શેફાલીએ બરાબર અગિયાર ડગલા દોડી અને ત્યાં આવી ઊભા રહી ગયેલા ટ્રક સાથે અથડાવાનો અભિનય કરવાનો હતો. બધું ગોઠવાઈ ગયું. એકવાર રિહર્સલ પણ થઇ ગયું. ક્લેપ થયો અને...

‘સ્ટાર્ટ સાઉન્ડ..કેમેરા ઓન...એક્શન...’ બસુ બોલ્યો અને શેફાલીએ દોડવાનું શરૂ કર્યું. સામેથી એકદમ ધીમી ગતિએ ટ્રક ચાલ્યો. એકી સાથે ત્રણ કેમેરાથી દ્રશ્ય શૂટ થતું હતું. એક કેમેરો ટ્રોલી પર હતો. એક કેમેરો રોડની સાઈડમાં હતો અને ત્રીજો કેમેરો ઝૂમ મૂવિંગ પર હતો. શેફાલીએ જાણે કે હાથમાં બાળક તેડ્યું હોય તેમ કપડાના રોલને છાતીસરસો ચાંપી દોડી. એવામાં પવનને કારણે તેના વિખરાયેલા વાળની એક લટ તેની આંખમાં ભરાઈ. એ સાથે તેની આંખમાં બળતરા ઊઠી અને તે પગલાની ગણતરી ભૂલી ગઈ..દ્રશ્ય રી-ટેક ન કરવું પડે એ માટે તેણે દોડવાનું ચાલુ રાખ્યું અને..

ધડામ કરતી એ ટ્રક સાથે જોરથી અથડાઈ અને બીજી પળે રસ્તા પર ફેંકાઈ, બેહોશ થઇ ગઈ.

‘ઓ.કે. કટ’ કહી બસુ સહિત સૌ કોઈએ તાળીઓ પાડી. પરંતુ બીજી જ પળે ટ્રોલી ચલાવતા કેમેરામેનને ખ્યાલ આવ્યો કે શેફાલી ખરેખર જ ટ્રક સાથે અથડાઈને બેભાન થઇ ગઈ છે.

‘અરે કોઈ દેખો, મેડમકો ચોટ લગી હૈ’ તેણે બૂમ પાડી અને બધા એ તરફ દોડ્યા.

( ક્રમશ:)