દોડ - 11 Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોડ - 11

નવલકથા- દૌડ

પ્રકરણ-૧૧

‘હું તને આજથી મારા અહેસાનોથી મુક્ત કરું છું..નવ ગો એન્ડ ગેટ લોસ્ટ....’

રાજનના આ તીવ્ર આક્રોશસભર શબ્દો સાંભળી શેફાલીને પોતાની ગલતીનો અહેસાસ થયો. બહુ મોટી ભૂલ થઇ ગઈ એનાથી. રાજન એને એટલો જ પ્રેમ કરતો હતો, જેટલો એ શેખરને કરતી હતી. પોતે જે બોલી ગઈ એમાં તેના પ્રેમનું અપમાન થઇ ગયું. હવે ભાથામાંથી તીર નીકળી ગયું હતું. તેને પાછું વાળી શકાય તેમ નહોતું. છતાંયે..

‘આઈ એમ સોરી રાજન..મારા કહેવાનો મતલબ એવો નહોતો..મને માફ કર, પ્લીઝ’ શેફાલીએ આંખમાં આંસુ સાથે રાજનને મનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જે નુકશાન થવાનું હતું એ તો થઇ જ ગયું હતું.

રાજને હકારમાં મોઢુ હલાવ્યું અને પછી બહુજ ધીમા સાદે બોલ્યો..’ઈટ્સ ઓ.કે.,મને થોડા સમય માટે એકલો છોડી દે..તું હવે જા..પ્લીઝ, લીવ મી એલોન..’

શેફાલી ભારે હૈયે અને હળવા પગલે બંગલામાંથી બહાર નીકળી ગઈ.

એ પછીના સોમવારે શેફાલી અને શેખરના લગ્ન આર્યસમાજની વિધિથી સંપન્ન થઇ ગયા. રાજન, બસુ, માલતીબેન અને કેટલાક ગણ્યાગાંઠયા લોકો એ પ્રસંગે હાજર રહ્યા. માલતીબેનના ચહેરા પર દીકરીને પરણાવી ભાર ઊતરી ગયાની નિરાંત સાફ દેખાતી હતી.

લગ્નના બીજા દિવસે શેખરે શેફાલીને ઘરના બધાનો પરિચય કરાવ્યો. શેખરના ઘરમાં શેખર અને તેના પુત્ર મોન્ટુ સિવાય બ્રિન્દા પરિવારનું બીજું કોઈ હતું નહિ. એક શાંતાબાઈ કરીને મોટી ઉમરની આયા હતી જે મોન્ટુનું ધ્યાન રાખતી. એ સવારે આઠ વાગે બંગલે આવી જતી. આખો દિવસ રહેતી અને રાત્રે આઠ વાગ્યે ઘરે ચાલી જતી. રસોઈકામ માટે એક મહારાજ હતા. બે નોકરો હતા. બાકી એક ચોકીદાર હતો જે આખો દિવસ મેઈન ગેટ પર ઊભો રહેતો. આ ચારેય લોકો પોતાના પરિવાર સાથે બંગલાના કમ્પાઉન્ડમાં સામેની બાજુ ઉત્તર દિશામાં આવેલા આઉટહાઉસમા રહેતા હતા. ગાડીનો ડ્રાઈવર જગમાલ રાત્રે શેખરને બંગલે ઉતારી ગાડી ગરેજમાં પાર્ક કરી પોતાના ઘરે જતો રહેતો. મોટા ભાગે તો શેખર જાતે જ ગાડી ચલાવવાનું પસંદ કરતો. ક્યારેક મુંબઈની બહાર જવાનું થાય ત્યારે જ એ ડ્રાઈવરને સાથે લેતો. આ બધાએ શેફાલીને નમસ્કાર કર્યા અને પછી પોતપોતાના કામે વળગ્યા.

‘શેખર, મને એક વિચાર આવે છે. મારી મોમ અત્યારે અમારા ઘરમાં એકલી રહે છે. તેથી મને એની ચિંતા રહેશે. અહીં આપણા બંગલામાં ઘણી જગ્યા છે. જો તું હા પાડે તો હું એને અહીં બોલાવી લઉં. તેના અહીં રહેવાથી મને તેની ફિકર નહિ રહે અને સાથસાથે મોન્ટુનું પણ ધ્યાન રહેશે. શાંતાબાઈ ગમે તેમ તોયે નોકર માણસ કહેવાય.’ શેફાલીએ પૂછ્યું. આમ પૂછતી વખતે તેને હતું કે શેખર ખુશ થઈને તેની વાત સ્વીકારી લેશે. તેને બદલે શેખરે જે જવાબ વળ્યો તેનાથી એ હતપ્રભ થઇ ગઈ.

‘નો શેફાલી, હું નથી ઈચ્છતો કે બહારની કોઈ વ્યક્તિ આપણી સાથે આવીને રહે. તું જયારે ઈચ્છે ત્યારે એમને મળવા જઈ શકે છે. બાકી રહી વાત શાન્તાબાઈની, તો એ તો રીવાના અવસાન પહેલાથી અહીં છે. મોન્ટુ આટલા વરસોમાં તેની સાથે ઘણો ભળી ગયો છે એ તેનો બહુ હેવાયો છે. અને મારી પોતાની પણ એવી મરજી છે કે મોન્ટુનો ઉછેર યોગ્ય વ્યક્તિના હાથમાં થાય.’ કોફીનો છેલ્લો સીપ લઇ ટેબલ પર પડેલા અખબારમાં નજર ફેરવતા શેખર બોલ્યો.

શેફાલીએ વિચાર્યું...તો તેની મોમ શેખર માટે માત્ર બહારની વ્યક્તિ જ નહોતી, મોન્ટુના ઉછેર માટે શેખર તેને યોગ્ય વ્યક્તિ પણ નહોતો ગણતો ! બે બદામની આયા શાંતાબાઈ મોન્ટુની સંભાળ માલતીબેન કરતાં પણ વધુ સારી રીતે રાખી શક્શે એવું શેખર માનતો હતો. !

લગ્નના પ્રથમ ત્રણ મહિનામાં શેફાલીને ખ્યાલ આવી ગયો કે શેખર દરેક નિર્ણય દિમાગથી જ લેતો. તેના જીવનમાં લાગણીઓને બહુ સ્થાન નહોતું. હા, મોન્ટુ બાબતે તે બહુ સંવેદનશીલ હતો. એ તેની દરેક માંગણી સંતોષવાનો પ્રયત્ન કરતો. મોન્ટુ આખા ઘર માટે કેન્દ્ર સમાન હતો. આ ત્રણ મહિનામાં શેફાલીએ પણ મોન્ટુની મમ્મી બનવાના ઘણા પ્રયત્નો કર્યા. તેના દિલમાં જગ્યા મેળવવાની કોશીશ કરી પરંતુ મોન્ટુ સ્કૂલે જવાના સમય સિવાયનો બાકીનો વખત શાંતાબાઈ સાથે જ વિતાવવાનું પસંદ કરતો. રાત્રે જયારે ઓફિસેથી શેખર ઘરે આવતો ત્યારે મોન્ટુ તેની સાથે સમય પસાર કરતો. વળી રાજરત્નમની ફિલ્મનું શૂટીંગ પણ ચાલુ થઇ ગયું હોવાથી શેફાલીને ઘરમાં રહેવાનું ઓછું બનતું.

‘મારે આવતાં મહિનાની ચોથી તારીખથી વીસ દિવસ માટે મનાલી આઉટડોર શૂટીંગમાટે જવાનું છે. જો તું સાથે આવ તો મારે શૂટીંગ પણ થઇ જાય અને ત્યાંના સુંદર વાતાવરણમાં આપણું હનિમૂન પણ થઇ શકે. આમેય લગ્ન પછી આપણે ક્યાંય ફરવા ગયા નથી.’ એ દિવસે શેફાલીએ બેડરૂમમાં શેખરના ગળામાં બાંહો પરોવતા પૂછ્યું.

‘નો ડાર્લિંગ, કામ અને મજા બન્ને અલગ બાબત છે. વળી તારા શૂટીંગમાં તારો હીરો તને પ્રેમ કરતો હોય અને હું સામે બેઠો બેઠો એ બધું જોતો હોઉં એ મને નહિ ગમે.’ શેખરે અણગમા સાથે મોઢું ફેરવી જવાબ વળ્યો.

‘મારે બીજા પુરુષ સાથે પ્રેમનો અભિનય કરવો પડે એ મારા વ્યવસાયનો એક હિસ્સો છે શેખર, અને એ વાત મારી સાથે લગ્ન કર્યા એ પહેલાંથી તું જાણે છે. પછી એ વાતનો છોછ શું કામ? મારી ફિલ્મ થિયેટરમાં રજૂ થશે ત્યારે મારા એ પ્રેમદ્રશ્યો માત્ર તું જ નહિ આખું જગત જોશે.’ કહી શેફાલીએ શેખરનો ચહેરો પોતાની તરફ ફેરવી પૂછ્યું..’સાચું કહેજે, હું ફિલ્મોમાં કામ કરું છું તે તને નથી ગમતું?’

જવાબમાં શેખર ચૂપ રહ્યો. શેફાલી શેખરના મૌનનો અર્થ સમજી ગઈ.

‘પણ તો પછી તે મારી સાથે લગ્ન શું કામ કર્યા?’

‘મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ ક્યાં હતો શેફાલી..? તું જાણે છે કે એ વખતે...’

અને શેફાલીના હ્રદયમાં જાણે કે ધરતીકંપ આવી ગયો. એ સૂનમૂન થઇ ગઈ. એ પછી શેખર જે કાંઈ બોલતો હતો તેમાનું કશુંજ શેફાલીને સંભળાતું નહોતું.

શેફાલીના મનમાં તુમુલ યુદ્ધ જામ્યું. તો..તો શું શેખરે મજબૂરીવશ પોતાની સાથે લગ્ન કર્યા હતા? એ નિર્ણય પણ તેણે દિલથી નહિ દિમાગથી લીધો હતો ! રાજન એ વખતે સાચું કહેતો હતો. શેખરે ફક્ત સંજોગોના દબાણમાં આવી જઈને ..! પણ તો પછી એ રાત્રે હોટલમાં શું તેણે ફક્ત કામ આવેગમાં તણાઈને જ પોતાની સાથે..! રાજનની વાત ભયંકર રીતે સાચી પડી રહી હતી. પોતે શેખરને ચાહતી હતી પરંતુ શેખર તેને ચાહતો નહોતો. તેણે પરિસ્થિતિને તક બનાવી લગ્ન કરી લીધા પોતાના જેવી ખૂબસુરત સ્ત્રી સાથે, અને હવે તે ધીરે ધીરે પોતાને ઈમોશનલ બ્લેકમેઈલ કરી ફિલ્મો છોડાવી ગૃહિણી બનાવવાના પ્રયત્નો શરૂ કરશે.

શેફાલીની આંખમાં આંસુ ધસી આવ્યા. છેતરાઈ ગયાની લાગણીએ તેના દિલોદિમાગ પર કબજો જમાવી દીધો હતો.

બીજા દિવસથી તેણે પોતાની જાતને કામમાં ખૂંપાવી દીધી. મનાલીના આઉટડોર શૂટિંગમાં તે એકલી જઈ આવી. આ બધાની વચ્ચેવચ્ચે તે ફોન પર રાજન સાથે વાત કરી લેતી. મમ્મીના ઘરે જઈ આવતી. શેખર સાથેના સંબંધોમાં એક ઠંડાપણું આવી ગયું હતું. બેડરૂમમાં એ પોતાની પત્ની તરીકેની ફરજ પૂરી કરતી. પરંતુ કોઈ પણ જાતના મન વગર. જીવન એક ઘરેડમાં ચાલી રહ્યું હતું.

એવામાં એક દિવસ એવી ઘટના બની ગઈ કે તેની જિન્દગીએ ૧૮૦ ડીગ્રીનો વણાંક લઇ લીધો.

એ દિવસે રાજકમલ સ્ટુડિયોમાં તેનું શૂટીંગ ચાલી રહ્યું હતું ત્યાં શેખરનો ફોન આવ્યો. શેખર ખૂબ જ ગભરાયેલો લાગતો હતો.

‘તું જલ્દી ઘરે આવી જા. મોન્ટુનું કોઈએ અપહરણ કર્યું છે. આપણે તાત્કાલિક કશુંક કરવું પડશે.’

‘પણ તે પોલીસમાં ફરિયાદ લખાવી કે નહિ ?’ શેફાલી પણ વાત સાંભળી ચિંતામાં પડી ગઈ.

‘ના, એ બધી વાત પછી. તું પહેલાં ઘરે આવ..’ કહી શેખરે ફોન કટ કર્યો.

શેફાલી શૂટીંગ પડતું મૂકી સીધી બંગલે પહોંચી. ત્યાં એણે શેખરને બેડરૂમમાં આમતેમ આંટા મારતો જોયો.

‘આ કેમ કરતાં થયું’ના જવાબમાં શેખરે વિગતે વાત કરી. મોન્ટુ આજે સ્કૂલના પ્રવાસમાં ગયો હતો. કોઈએ તેનું ત્યાંથી અપહરણ કર્યું હતું. અપહરણકર્તાનો શેખરની ઓફિસે ફોન આવ્યો કે મોન્ટુ એમની પાસે છે જો શેખર એ લોકો જેમ કહે તેમ કરશે તો આવતીકાલે તેઓ મોન્ટુને સહીસલામત છોડી દેશે. નહિતર..અને જો પોલીસને જાણ કરવાની ભૂલ કરશે તો મોન્ટુ ઉપર જીવનું જોખમ આવી પડશે.

‘એ લોકો કેટલી રકમ માંગે છે મોન્ટુને છોડવા માટે?’ શેફાલીએ પૂછ્યું.

‘હજુ સુધી માંગી નથી..કહેતા હતા કે એ લોકો સાંજે સાત વાગે ફરીથી ઘરના નંબર પર ફોન કરશે. મેં ચાલીસ લાખની રકમનો બંદોબસ્ત કરી રાખ્યો છે. વધુ માંગશે તો પણ વ્યવસ્થા કરી લઈશું. પૈસાનો પ્રશ્ન નથી. મને ચિંતા મોન્ટુની છે. એ લોકો ઉતાવળમાં ક્યાંક મોન્ટુને ઈજા ન પહોચાડી બેસે તો સારું.’ શેખર એકદમ નર્વસ થઇ ગયો. શેફાલીએ તેના વાંસામાં હાથ ફેરવ્યો ત્યાં તો તેની આંખમાં આંસુ આવી ગયા. અનહદ ચાહતો હતો શેખર મોન્ટુને. પોતાની જાત કરતા પણ વધુ.

‘રિલેક્સ શેખર, મોન્ટુને કશું નહિ થાય. તું તારી જાત પર કાબુ મેળવી લે....પ્લીઝ’ શેફાલીએ શેખરને હળવો કરવાનો પ્રયત્ન કર્યો અને ઘડિયાળમાં જોયું સાડા છ થયા હતા.

બરાબર સાત વાગે લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી. શેખરે સ્પિકર ઓન કરી ઝડપથી રિસિવર ઊપાડ્યું. જેથી શેફાલી પણ વાત સાંભળી શકે.

સામેથી અપહરણકર્તાએ મોન્ટુને છોડવા જે માંગણી મૂકી તે સાંભળી બન્ને જણા સ્તબ્ધ થઇ ગયા !

(ક્રમશ:)