Daud 2 Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Daud 2

નવલકથા- દૌડ

પ્રકરણ-૨

શેફાલીને પલંગમાં બેસી ધ્રુસકે ધ્રુસકે રડતી જોઈ માલતીબેનના પેટમાં ફાળ પડી..એમણે શેફાલીનો હાથ પકડી જોરથી પૂછ્યું ; ‘ શું થયું બેટા..?’

જવાબમાં શેફાલી વધુ જોરથી રડવા લાગી. આવું પહેલી જ વાર બન્યું હોવાથી માલતીબેન ગભરાયા. શું કરવું તે સમજ ન પડી એટલે એ પણ રડવા લાગ્યા. મમ્મીને અચાનક આમ રડતા જોઈ શેફાલીનું રુદન બંધ થઇ ગયું. ‘ તું શું કામ રડે છે?’ પૂછ્યું.

‘તું રડે છે એટલે..’

હવે ભીની આંખે પણ શેફાલી હસી પડી. ‘ મને તો રડવું એટલા માટે આવતું હતું કે અમારા આવતીકાલના ‘શો’ માં ચીફ ગેસ્ટ તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા પ્રોડ્યુસર કમલકાંત આવવાના હતા. પરંતુ અમૂક કારણોસર તે નહિ આવી શકે તેવો એમનો મેસેજ આવ્યો.’

‘ પણ એમાં તારે શું ? તું શું કામ આટલી બધી દુ:ખી થઇ ગઈ હતી કે ઘરમાં આવતાવેંત રડવા બેસી ગઈ?’ માલતીબેને આંખો લૂંછતાં પૂછ્યું.

‘ મમ્મી, કમલકાંત એમની આગામી ફિલ્મ માટે કોઈ સારી અભિનેત્રીની શોધમાં છે. અમારા ડ્રામાના ડિરેક્ટર વિશ્વનાથ સરે મને કહ્યું હતું કે જો એમને તું ગમી જઈશ તો તારા માટે ફિલ્મજગતના દરવાજા ખૂલી જશે. હવે તને સમજાયું? ‘ શેફાલીએ ટૂંકમાં કહ્યું.

‘ બસ, આટલી અમથી વાત હતી ? મેં તો કોણ જાણે કેવી યે કલ્પના કરી લીધી હતી. ‘ માલતીબેનના ચહેરા પર હળવાશ પથરાઈ. શેફાલીને ખ્યાલ આવ્યો કે હમણાં દિલ્હીમાં બનેલા રેપ કેસને કારણે ભારતભરની તમામ યુવતીઓની મમ્મીની માફક તેની મમ્મી પણ એક ભયના ઓથાર હેઠળ આવી ગઈ હતી. શેફાલીએ માલતીબેનને ગળે હાથ વીંટાળ્યા અને પછી તેને વહાલથી આશ્વસ્ત કરતા બોલી ‘ તું જરા પણ ચિંતા ન કર મોમ..મને મારી રક્ષા કરતા આવડે છે.’

‘ એ બધી વાત સાચી પણ તું હવે લગ્ન અંગે થોડું વિચાર તો સારું. તને યોગ્ય વ્યક્તિના હાથમાં સોંપી દઉં પછી જ મારી ચિંતા દૂર થશે...’ માલતીબેનની વાતને શેફાલી વચ્ચે જ અટકાવવા ગઈ પરંતુ માલતીબેને તેને અવગણી વાત આગળ ચલાવી. ‘મારી વાત સાંભળી લે..તને એવું લાગે તો તું તારા જ ફિલ્ડમાંથી કોઈ યુવક પસંદ કર, જે તને લગ્ન પછી પણ તારી કેરિયરમાં આગળ વધવા મદદ કરે. મારી ના નથી. બાકી, ન કરે નારાયણ અને કાલ સવારે મને કાંઈક થઇ જાય તો પછી તારું કોણ ? બસ આજ ચિંતા મને સુખે જંપવા દેતી નથી.’ બોલતા બોલતા માલતીબેનની આંખો ફરીથી છલકાઈ.

‘ઓ.કે. મોમ, મને કોઈ એવું દેખાશે તો ચોક્કસ તને કહીશ બસ..! પ્લીઝ, હવે તું રડવાનું બંધ કર અને ચાલ આપણે જમી લઈએ.’ શેફાલી જાણતી હતી કે ફિલ્મમાં પ્રવેશવા માંગતી કોઈ પણ યુવતી માટે તેનું કુંવારા હોવું કેટલું જરૂરી હતું. પરંતુ એ બધી વાતો મમ્મીને સમજાવવા માટે આ સમય યોગ્ય નહોતો.

બીજા દિવસે સાંજે સાત વાગ્યે થિયેટર પર જબરી ભીડ જામી હતી. ‘શો‘ની બધી જ ટિકિટો સવારે એડવાન્સ બૂકિંગ ખુલ્યાના એક જ કલાકમાં વેંચાઈ ગઈ હતી. સરગમ નાટ્યસંસ્થાની આ વિશેષતા હતી. તેના દરેક નવા ડ્રામાના પહેલાં ‘શો’માં બેસી અને નાટક નિહાળવું એ મુંબઈ શહેરના માલેતુજાર લોકો માટે ગૌરવની વાત ગણાતી.

શેફાલી તૈયાર થઇ ચહેરા પરના મેકઅપને ફાઈનલ ટચ આપી રહી હતી ત્યાં ડ્રેસિંગરૂમનો દરવાજો ‘નોક’ થયો.

‘ કમ ઈન ‘ તે બોલી.

દરવાજો ખૂલ્યો અને ડ્રામાનો પ્રોડ્યુસર અને ડાયરેક્ટર વિશ્વનાથ અંદર પ્રવેશ્યો અને દરવાજો બંધ કરી હળવેથી સ્ટોપર લગાવી. આશરે ચાલીસેકની વયનો વિશ્વનાથ આજે પણ તેના કાયમી પોશાકમાં સજ્જ હતો. જીન્સનું પેન્ટ, મરૂન રંગનો ઝભ્ભો અને પગમાં ચપ્પલ. માથામાં પડેલી સહેજ તાલ અને ફ્રેંચ કટ દાઢી એ તેના વ્યક્તિત્વનો એક ભાગ હતો. મુંબઈના જિનીયસ ડ્રામા ડાયરેક્ટરોમાં તેનું બહુ મોટું નામ હતું. ફિલ્મો માટે પણ તેને બહુ ઓફરો આવતી પણ તેને સ્ટેજની દૂનિયા સાથે જબરદસ્ત લગાવ હતો. હા, તેના નાટકોમાં કામ કરતા કોઈ કલાકારને ફિલ્મ જગતમાં જવું હોય તો તેની ભલામણ તે અવશ્ય કરતો. મોટા ભાગે નવા ચહેરાની શોધમાં નીકળતા પ્રોડયુસરો તેના ડ્રામામાં ખાસ હાજરી આપતા. નાટકની દૂનિયાના બેતાજ બાદશાહ ગણાતા આ વિશ્વનાથની એક જ નબળાઈ હતી. સુંદર નારી દેહ એ તેની મોટી નબળાઈ હતી. તેના ડ્રામામાં કામ કરતી દરેક યુવતીએ એક વખત તો તેની શય્યાસંગીની બનવું જ પડતું. જો કે અપવાદ બાદ કરતા ગ્લેમર જગતમાં પ્રવેશવા ઈચ્છતી તમામ છોકરીઓ એ માનસિક તૈયારી સાથે જ આવતી કે તેણે આવી બધી બાબતોથી ટેવાવું જ પડશે. એટલે વિશ્વનાથની ઈચ્છા સંતોષાતી રહેતી. અત્યાર સુધીમાં પોતે કેટલીયે છોકરીઓ સાથે સહશયન કરી ચૂક્યો છે તેવી મિત્રો વચ્ચે બડાઈ મારવાની પુરુષ સહજ આદતથી વિશ્વનાથ મુક્ત હતો એટલે બહારના જગતમાં કોઈ તેની આ આદત વિષે બહુ જાણતું નહોતું. અને તેની પથારી ગરમ કરી ચૂકેલી છોકરી તો વળી ક્યાં કોઈને કહેવા જવાની હતી !

વિશ્વનાથને જોતાવેંત શેફાલી ઊભી થઇ અને તેની પાસે જઈ સહેજ વળગી અને બોલી ‘ હલ્લો સર.’

‘ યુ આર વેલ કમ..ફર્સ્ટ શો માટે તૈયાર છો ને?’ જવાબમાં શેફાલીએ માથું હલાવ્યું અને હજુ કશું બોલવા જાય તે પહેલાં વિશ્વનાથે આગળ ચલાવ્યું..’ ગઈકાલે પેલા કમલકાંતજીના ન આવવાનો મેસેજ મે તને કહ્યો ત્યારે તું થોડી અપસેટ થઇ ગઈ હતી ખરું ને ? તો સાંભળ, આપણા આજના શોમાં ફિલ્મ જગતમાં ફાઈનાન્સ પ્રોવાઈડર તરીકે નંબર વન ગણાતો રાજન વાગલે આવ્યો છે. હું ઇન્ટરવલમાં તેની ઓળખાણ તારી સાથે કરાવીશ. તેની ફિલ્મોમાં સારી એવી વગ છે. એ પછી બધું તારા હાથમાં હશે. ડ્રામા દરમિયાન તે પહેલી ‘રો’માં મારી બાજુમાં બેઠો હશે. જોઈ લે જે. ઓ.કે બેબી..! બેસ્ટ ઓફ લક.’ કહી તેણે હળવેથી શેફાલીનો ચહેરો ઊંચો કરી એકદમ સલુકાઈથી શેફાલીના નાજુક હોઠોને ચૂમ્યા અને પછી દરવાજો ખોલી સડસડાટ બહાર નીકળી ગયો. એ ગયો એટલે શેફાલીએ એક તીવ્ર અણગમા સાથે હોઠને લૂંછી કાઢ્યા અને ફરીથી લિપસ્ટિક કરવા લાગી.

કોઈ ઉપાય જ નહોતો આ માણસને સહન કર્યા સિવાય. આ એક સીડી હતી જેના પરથી પસાર થઇ તે ફિલ્મોમાં પ્રવેશવા માંગતી હતી. તેને પપ્પા યાદ આવી ગયા. એ ભોળા માણસને ક્યાં ખ્યાલ હતો કે તેની દીકરીને આટલા મોટા બેનરમાં ડ્રામા કરવાની તક કઈ એમ જ નહોતી સાંપડી. એક દિવસ આખી બપોર તેણે વિશ્વનાથના ડબલ બેડના પલંગ પર વિતાવવી પડી હતી. જો કે સાવ એવું નહોતું કે તેને ખ્યાલ નહોતો કે તેણે ફિલ્મ જગતમાં પ્રવેશવા આવું બધું કરવું પડશે, પરંતુ એ આટલું જલ્દી કરવું પડશે તેવી કલ્પના નહોતી. હા, એક વાત તેને બરાબર સમજાઈ ગઈ હતી કે તેણે માણસ યોગ્ય પકડ્યો હતો. વિશ્વનાથ તેનું સપનું પૂરું કરી શકે તેમ હતો. આજે એ સપનું પૂરું થઇ શકે એવી તક આવી હતી..

કેવો હશે આ રાજન વાગલે..! એકદમ જાડો, ભદ્દો અને બેડોળ હશે કે યંગ એન્ડ સ્માર્ટ..! જેવો હોય તેવો, મારે ક્યાં એને પરણવું છે..! આપણે તો કામથી કામ. પણ સામે પક્ષે એને ‘કામ’થી કામ હશે તો..? હોય જ ને.! ગ્લેમરના જગતમાં કોઈ સાધુ પુરુષ થોડો આવે ? ફિલ્મોમાં સાવ નાનો એવો રોલ મેળવવા માટે જ્યાં છોકરીઓ પોતાનો દેહ ગમે તેને ધરવા તત્પર હોય છે તેવી સ્પર્ધામાં મુખ્ય હિરોઈનના રોલ માટે તો આવા નાના ‘કામ’ માટે ના કહી જ કેવી રીતે શકાય.? અને પોતાની પાસે એને આપવા માટે બીજું હતું પણ શું ? જે હોય તે..શેફાલીએ મનમાંથી વિચારોને ખંખેરી નાંખ્યા અને સામે પડેલી સંવાદોની સ્ક્રિપ્ટ ઊપાડી તેના પર છેલ્લી નજર નાખવાનું શરુ કર્યું અને છેક નાટક શરૂ થવાની ત્રીજી બેલ વાગી ત્યાં સુધી એ સંવાદો યાદ કરતી રહી.

એ દિવસે તો કમાલ થઇ ગઈ ! ઇન્ટરવલ સુધીમાં તો શેફાલીના અભિનય વડે સૌ કોઈ પ્રભાવિત થઇ ગયા. આગલી હરોળમાં રાજન વાગલેની બાજુમાં બેઠેલો વિશ્વનાથ પણ શેફાલીના હ્રદયસ્પર્શી અભિનય અને સંવાદ બોલવાની ઢબ જોઈ મનોમન આફરીન પોકારી ગયો. આ છોકરી ફિલ્મજગતમાં જાય તો સારી સારી હિરોઈનોની છૂટ્ટી કરી શકે તેવી ટેલેન્ટ ધરાવે છે. તેવી તેને ખાત્રી થઇ ગઈ.

મધ્યાંતરમાં તેણે શેફાલીની મુલાકાત રાજન સાથે કરાવી. શેફાલીએ રાજનને નીરખ્યો. ડાર્ક બ્લ્યુ સૂટ, પોણા છ ફૂટની ઊંચાઈ, ઘઉંવર્ણ ચહેરો, લેઈટેસ્ટ હેર સ્ટાઈલ..સરસ લાગતો હતો એ... પ્રાથમિક પરિચય બાદ વિશ્વનાથે તેને કહ્યું કે શેફાલીને ફિલ્મોમાં કામ કરવામાં રસ છે પણ સાઈડ રોલમાં નહિ, લીડ રોલ મળે તો જ તે ફિલ્મમાં આવવા માંગે છે.

રાજને શેફાલી સામે જોયું અને પછી થોડીવાર આંખો બંધ કરી કશુંક વિચારી ડોકું ધુણાવતા કહ્યું : ‘ સોરી વિશ્વનાથજી, આ છોકરી ફિલ્મમાં હિરોઈન તરીકે બિલકુલ નહિ ચાલે.’

એ જ ક્ષણે શેફાલીને પોતાના પગ તળેથી ધરતી સરકી રહી હોય તેમ લાગ્યું..તેને લાગ્યું કે આખું બ્રહ્માંડ ગોળ ગોળ ફરી રહ્યું છે અને પોતે વચ્ચોવચ ઊભી છે.

( ક્રમશ: )