દૌડ - 4 Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૌડ - 4

નવલકથા- દૌડ

પ્રકરણ-4

મુખ્ય હીરોઈનના રોલને બદલે તેને સમાંતર રોલની રાજનની ઓફર સાંભળી શેફાલી શું કરવું એ બાબતે લાંબો વખત બેઠી બેઠી વિચારતી રહી. મગજમાં તોફાન જાગી ગયું. સમાંતર રોલથી ફિલ્મમાં પ્રવેશ કરવામાં મોટી તકલીફ એ હતી કે એક વખત તેના પર સાઈડ હીરોઈનનો થપ્પો લાગી જાય એ પછી લીડ રોલમાં તેને કોઈ જ ન લે. પછી તો આખી કેરિઅર જ જુદી બાજુએ ફંટાઈ જાય. વિશ્વનાથ પાસે પણ તેના નાટકમાં લીડ રોલ મેળવ્યા પછી જ પોતે તેની સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું હતું ને? હિરોઈન બનવાથી ઓછું કશું જ ખપતું નહોતું એને..! તેનું એ જ એક સપનું હતું, જે પૂરું કરવા તેણે આ કાદવથી છલકતા ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ કર્યો હતો.

પણ બીજી તરફ એવો વિચાર પણ આવતો હતો કે ફિલ્મ માટે આ પહેલી જ ઓફર આવી છે તેને કશું જોયા જાણ્યા વગર એકદમ રિજેક્ટ કરી દેવી એ પણ યોગ્ય નથી. વળી રાજન જેવી મોટી હસ્તીએ સામેથી ફોન કર્યો. એ પણ પોતાની જેવી આ લાઈનમાં તદન નવી છોકરી માટે બહુ મોટી ઘટના કહેવાય. રાજન એક સારો માણસ લાગતો હતો. એ નહોતો ઈચ્છતો કે શેફાલીએ ખરાબ માણસોની બદઇચ્છાઓનો ભોગ બનવું પડે, એટલે તો એણે પહેલે ધડાકે ના જ પાડી દીધી હતી શેફાલીને ફિલ્મોમાં આવવાની. આજે જયારે તેણે સામે ચાલીને ફોન કર્યો છે તો ચોક્કસ પોતાના માટે સારો સ્કોપ હોવો જોઈએ. વળી રાજન કહેતો હતો કે પ્રોડ્યુસર બસુ વ્યક્તિ તરીકે ખૂબ વિશ્વાસનીય છે. તો પછી તેની ઓફર પર ફરીથી એક વખત વિચારી લેવું જોઈએ. કદાચ આવી તક ફરીથી મળે કે ન પણ મળે. વળી ગ્લેમરના જગતમાં પ્રવેશતી વખતે રાજન જેવી પાવરફૂલ વ્યક્તિનું પીઠબળ હોય તો ‘કોમ્પ્રોમાઈઝ’ પણ ઘણા ઓછા કરવા પડે. નહીતર તો સ્પોટબોયથી માંડીને...!

સાંજ પડી ત્યાં સુધીમાં તે એવા નિર્ણય પર આવી કે એક વખત જાતે પ્રોડ્યુસરને મળી પોતાના રોલ વિશે જાણવું. જો રોલ સારો હોય, એમાં પુરતી તક હોય તો સ્વીકારવામાં કશું ખોટું નહિ. પણ જો એ સાવ ટૂંકો હોય, દમ વગરનો લાગે તો એ બાબતે રાજનને સમજાવી શકાય ને ? અત્યારે રાજનને ફોન પર જ સીધી ના પાડી દેવાથી પોતાની છાપ ખરાબ પડે અને વળી એને ખરાબ લાગી જાય તો પછી ભવિષ્યમાં એ દરવાજો સાવ બંધ જ થઇ જાય.

આ તરફ ફોન મૂક્યા પછી રાજન વાગલે પણ વિચારે ચડ્યો. શેફાલીને લીડ રોલ જોઈતો હતો ત્યારે પોતે તેને સેકન્ડ રોલ માટે ઓફર કરી એમાં કોઈ ભૂલ તો નહોતી કરીને..? વિશ્વનાથે સ્પષ્ટ કહ્યું હતું કે હિન્દી સિનેમાની નંબર વન હિરોઈન બનવું એ શેફાલીનું સપનું હતું. નાટકમાં એનો અભિનય જોયા પછી પોતાને પણ લાગ્યું પણ હતું કે તે એ ડીઝર્વ પણ કરતી હતી. પરંતુ સીધો જ લીડ રોલ તો કોણ આપે ? એ માટે તો વ્યક્તિ ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા ફેમિલીમાંથી આવતી હોવી જોઈએ. ગમે તેવો પ્રોડ્યુસર સાવ નવી છોકરીને લીડ રોલ આપવાનું જોખમ કઈ રીતે લઇ શકે? કદાચ સી ગ્રેડની ફિલ્મોમાં લીડ રોલ મળે ખરો પણ એમાં નંબર વન હિરોઈન બનવાનું સપનું થોડું પૂરું થાય? વળી એવી ફિલ્મોમાં અભિનય ઓછો અને અંગપ્રદર્શન જ વધુ કરવાનું હોય..ના ના, શેફાલીની ટેલેન્ટ એમાં વેડફાય જાય.

એકાએક તેના મનમાં કેટલાક સવાલો ઊઠયા. એ શા માટે શેફાલી માટે આટલું બધું વિચારી રહ્યો હતો? આખરે શેફાલી કોણ હતી.? એક માત્ર ન્યુ-કમર કે જેણે તેની હેલ્પ માંગી હતી ફિલ્મોમાં આવવા માટે... કે પછી તેના કરતા કાંઈક વિશેષ..! શા માટે તે છેલ્લા આખા અઠવાડિયા દરમિયાન અલગ અલગ લોકોને ફોન કરતો રહ્યો હતો શેફાલીને રોલ અપાવવા માટે ? શું એ શેફાલીના પ્રેમમાં પડી ગયો હતો?

ના..ના..એક જ ઝાટકે તેણે એ પ્રશ્નોને ફગાવી દીધા. માત્ર એક જ મુલાકાતમાં કાંઈ પ્રેમ થોડો થઇ જાય..! પ્રેમ માટે તો લાંબો પરિચય જોઈએ. વારંવારના સંપર્કો જોઈએ. આ તો માત્ર એક ટેલેન્ટેડ કલાકારને મદદ કરવાની ઈચ્છા કહેવાય..બહુ બહુ તો વિધવા મા સાથે રહેતી એક મધ્યમવર્ગીય યુવતીનું સપનું પૂરું કરવા માટે જાગેલી સહાનુંભૂતિ..!

પોતાની જાતને આવી ઘણી બધી સફાઈ આપ્યા બાદ પણ એ સાંજ સુધી શેફાલીના ફોનની આતુરતાપૂર્વક રાહ જોતો રહ્યો. જોતો જ રહ્યો.

અને એ સાંજે શેફાલીનો ફોન આવ્યો..નક્કી થયું કે બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે શેફાલી તેને ચર્ચગેટ સ્ટેશનની બહાર મળશે, જ્યાંથી એને લઇ પોતે ચેમ્બુર ખાતેના એક સ્ટુડીઓ પર જશે. જ્યાં એ શેફાલીની મુલાકાત બસુ સાથે કરાવશે. ફોન મૂક્યા પછી એ ક્યાંય સુધી આવતીકાલે શેફાલીની બસુ સાથેની મુલાકાત સફળ થાય એવી કલ્પના કરતો રહ્યો.

‘લે, આ દહીંને ગોળ ખાતી જા. શુકન થશે’ કહી માલતીબેને શેફાલીને પ્રેમથી દહીં-ગોળ ખવડાવ્યા અને પછી સફળતા માટે આશીર્વાદ પણ આપ્યા. શેફાલીની આંખમાં આંસુ આવી ગયા. કેટલો બધો પ્રેમ કરે છે મમ્મી મને..! એની તો એક જ ઈચ્છા છે કે બસ, એક વખત તેની લાડલીનો ઘરસંસાર વસી જાય. પરંતુ મારું સપનું પુરૂં કરવા માટે તે પોતાની ઈચ્છાને કચડી રહી છે બિચારી.!

‘હવે રડ મા, અને જલ્દી પાછી આવી મને સારા સમાચાર આપ..જા હવે, મોડું થશે તારે.’ કહી માલતીબેને વિદાય આપી ત્યારે શેફાલીએ મનોમન સંકલ્પ કર્યો કે એક વખત તેનું સપનું પૂરું થશે એ પછી પોતે શક્ય એટલી વહેલી માની ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરશે.

એ ચર્ચગેટ સ્ટેશનની બહાર નીકળી ત્યાં સામે જ રાજનની કાર તેની રાહ જોઈ રહી હતી.

‘બહુ રાહ તો જોવી નથી પડીને તમારે ? મારે થોડું મોડું થઇ ગયું.’ તેણે રાજન સામે જોઈ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું.

‘ના રે..ભવિષ્યમાં તો અમારે તમારો ઓટોગ્રાફ લેવા માટે આનાથી પણ વધુ રાહ જોવી પડશે એટલે અત્યારથી તેની ટેવ પાડી રહ્યો છું. ’ રાજનને ઓચિંતી મજાક સૂઝી.

શેફાલી હસી પડી. તેને હસતી જોઈ રાજનના ચહેરા પર પણ સ્મિત આવી ગયું અને વાતાવરણ હળવું બની ગયું.

‘આ છે બેંગોલી સિનેમાના જાણીતા પ્રોડ્યુસર એન્ડ ડાયરેક્ટર બસુ’દા, જેમની ચાર બેંગોલી ફિલ્મો હીટ થઇ ચૂકી છે. આ વખતે તેઓ હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે અને બસુ’દા, આ છે શેફાલી, શેફાલી આનંદ. મેં તમને ગઈ કાલે જેની વાત કરી હતી એ.’ પરિચયવિધિ પૂર્ણ થઇ એટલે બસુએ સીધી વાત ઊપાડી. તેણે ફિલ્મની સ્ટોરી અને શેફાલીના રોલ અંગે માત્ર ત્રીસ મિનિટમાં ચર્ચા પૂરી કરી કહ્યું..’ આ રોલ છે. જો કરવો હોય તો પરમ દિવસે અહીં સ્ક્રિન ટેસ્ટમાં આવી જાવ. બાકી જો મન ના માનતું હોય તો અત્યારે જ ના કહી દો, જેથી હું બીજી છોકરીને બોલાવી શકું.’ બસુ સ્પષ્ટવક્તા હતો. તે તડને ફડમાં માનતો. નિર્ણયો પણ ઝડપથી લેતો. શેફાલી થોડી દ્વિધામાં હતી.

રાજન શેફાલીને બહાર કોરીડોરમાં લઇ ગયો અને સમજાવી કે તે હા પાડી દે. રોલની લંબાઈ કરતા એ પાત્રનું મહત્વ ઘણું છે. વળી પાત્ર એ પ્રકારનું છે કે જેમાં તેણે અંગપ્રદર્શન બહુ નહિ કરવું પડે. બાકી શેફાલીને ભવિષ્યમાં બીજી કોઈ સારી ફિલ્મમાં લીડ રોલ અપાવવા માટે પોતે ચોક્કસ મદદ કરશે.

અંતે શેફાલી એ હા પાડી.

સ્ક્રીન ટેસ્ટ વખતે રાજન હાજર રહ્યો. પછીના અઠવાડિયેથી શૂટિંગ શિડ્યુઅલ ગોઠવાયું. રવિવારે સવારે અગિયાર વાગ્યે મુહૂર્ત શોટ લેવાવાનો હતો. જો કે એ શોટ પિકચરના હીરો પર શૂટ કરવાનો હતો. પરંતુ ફિલ્મ સાથે સંલગ્ન તમામ કલાકારોને આમંત્રણ હતું. શેફાલી માલતીબેનને સાથે લઈને સેટ પર આવેલી. સેટ પર બહુ જ ભીડ હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ખુદ ક્લેપ આપવાના હતા અને ટ્રોલી કેમેરા પાસે રાજન નાળિયેર વધેરવાનો હતો. શેફાલીએ મમ્મીની મુલાકાત રાજન સાથે કરાવી. હજુ તો આગળ વાત ચાલે તે પહેલાં બસુએ શેફાલીને દૂરથી હાથ ઊંચો કરી બોલાવી.

‘એસક્યુઝ મી’ કહી શેફાલી ત્યાં ગઈ.

‘શેફાલી કહેતી હતી કે તમે તેને માટે ખૂબ તકલીફ લીધી. થેન્ક્યુ સર !‘

‘અરે, એમાં આભાર થોડો માનવાનો હોય આંટી ? શેફાલી એક જબરદસ્ત કલાકાર છે. એને સારી તક મળવી જ જોઈએ. અને હા, તમારે મને સર નહિ કહેવાનો.માત્ર રાજન. ઓ.કે.? તમે મારી મોમ જેવડા છો તો હું તમારો દીકરો જ ગણાઉં. ખરું ને ?’

માલતીબેન રાજનની નમ્રતાથી પ્રભાવિત થયા. પછી શેફાલીને ખૂબ દૂર જોઈ તે રાજનની થોડા નજીક જઈ ધીમેથી બોલ્યા ‘ભલે બેટા, તુ મને આટલું બધું માન આપે છે તો હવે તને એક જવાબદારી સોપું છું..’ કહી આજુબાજુ જોઈ કોઈ સાંભળતું નથી તેની ખાતરી કરી ધીમેથી બોલ્યા. ‘માઠું નહિ લગાડતો ભાઈ, પણ મેં ફિલ્મી દૂનિયા વિશે ઘણું સાંભળ્યું છે. શેફાલી એકદમ ભોળી છે. તેને સારાસારનો બહુ ખ્યાલ નથી. સપના જોવા અને તેને સાચા પાડવા, એ બે વચ્ચે ઘણું અંતર હોય છે. તું એટલું ધ્યાન રાખજે કે ચમકદમક ભરેલી આટલી મોટી ભીડમાં તે ક્યાંક એવી ન ખોવાય જાય કે હું તેને પાછી શોધી ન શકું’

રાજન એક ચિંતિત માની આંખના ખૂણાને ભીના થતાં જોઈ રહ્યો. એણે કશું જ બોલ્યા વગર માલતીબેનનો હાથ પકડી થપથપાવ્યો. એ કદાચ કોઈ મૂકવચન આપી રહ્યો હતો માલતીબેનને..

( ક્રમશ :)