દૌડ - 3 Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

દૌડ - 3

નવલકથા- દૌડ

પ્રકરણ-3

રાજને શેફાલી સામે જોયું અને પછી ડોકું ધુણાવતા કહ્યું : ‘ સોરી વિશ્વનાથજી, આ છોકરી ફિલ્મમાં હીરોઈન તરીકે બિલકુલ નહિ ચાલે.’ એ જ ક્ષણે શેફાલીને પોતાના પગ તળેથી ધરતી સરકી રહી હોય તેમ લાગ્યું.

રાજન વાગલેની વાત સાંભળી વિશ્વનાથ પણ સડક થઇ ગયો. તેને હતું કે રાજન કહેશે કે આટલો સરસ અભિનય કરતી યુવતીનું તો ફિલ્મ જગત લાલ જાજમ પાથરીને સ્વાગત કરશે. એને બદલે તેનો આવો પ્રતિભાવ સાંભળી તે સ્તબ્ધ થઇ ગયો ! આજ સુધી તેણે ફિલ્મ જગતને અનેક નવા ચહેરાઓ આપ્યા હતા. ફિલ્મોમાં કેવો કલાકાર ચાલે, કેવો નહિ તે ઓળખવામાં વિશ્વનાથની નજર કદી થાપ ખાય નહિ. આજે આવું કેમ બન્યું.! અરે, આજકાલ તો શેફાલી કરતા ઓછી દેખાવડી અને ઓછી ટેલેન્ટ ધરાવતી છોકરીઓ ફિલ્મોમાં કામ કરી રહી હતી તો શેફાલી કેમ નહિ..?

‘તમે તો સાવ ચૂપ થઇ ગયા વિશ્વનાથજી,.!’ કહી રાજને પહેલાં શેફાલી સામે જોયું અને પછી પોતાના ચહેરા પર હળવું સ્મિત લાવી ફરીથી વિશ્વનાથને સંબોધી એ આગળ બોલ્યો : ‘મારો કહેવાનો મતલબ એવો નહોતો કે શેફાલીજીના લૂક કે એક્ટિંગમાં કોઈ ખામી છે. શી ઈઝ મોસ્ટ બ્યુટીફૂલ એન્ડ ક્લાસિક એક્ટ્રેસ ટૂ. પરંતુ હકીકત એ છે કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આટલી માસૂમ અને ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ માટે છે જ નહિ. શેફાલીજી ઇઝ એક્સ્ટ્રા ઓર્ડીનરી. પણ હું માનું છું કે આવા રીયલ ડાયમંડને તમે તમારી સાથે થિએટરમાં જ રાખો. અહીં જ તેની સાચી કદર થશે.’ અને પછી શેફાલી સામે જોઈને બોલ્યો ‘તમારા જેવી વ્યક્તિની ફિલ્મોમાં જરૂર નથી મેડમ ! ત્યાં અમૂક માણસોને બાદ કરતા મોટા ભાગના લોકો ભૂખ્યા વરુઓ જેવા છે. એ બધા વચ્ચે તમે તમારી જાતને બહુ લાંબો સમય સલામત નહિ રાખી શકો. જો તમે એક સાચા કલાકાર હોવ અને માત્ર કલાની ઉપાસના કરવા માંગતા હોવ તો એ દૂનિયાને ભૂલી જાવ.

રાજનની વાત સાંભળી હવે શેફાલીનો શ્વાસ હેઠો બેઠો. ઓહ, તો આ માણસ તેના હિત માટે તેને ફિલ્મોમાં આવવાની ના પાડતો હતો ! પણ... શું એને ખબર નહિ હોય કે એ જે દુષણની વાત કરે છે એ દુષણ વિશ્વનાથ જેવા કેટલાક વાસનાગ્રસ્ત લોકોના પાપે હવે નાટયજગતમાં પણ પ્રવેશી ચૂક્યું છે..! શેફાલીએ વિચાર્યું. ફિલ્મી જગત સાથે સંકળાયેલા લોકોમાં હજુ વિશ્વનાથની છાપ ચોક્કસ સારી હોવી જોઈએ. શેફાલીએ વિશ્વનાથ સામે જોયું. વિશ્વનાથ કોઈ મહાન ફિલોસોફરની અદાથી બોલ્યો ‘યુ આર રાઈટ રાજનજી, પણ આજકાલ જયારે બધાજ રૂપ અને ધન પાછળ દોડી રહ્યા છે ત્યારે કલાની ઉપાસનામાં કોને રસ પડે? એની વે, શેફાલી, તું જરા ફરીથી વિચારી લે. રાજનજી, તમે તમારું કાર્ડ શેફાલીને આપી દો. એની ઈચ્છા હશે તો એ તમારો કોન્ટેક્ટ કરશે. ઓ.કે.?

વિશ્વનાથની વાતને સંભાળી લેવાની રીત શેફાલીને ગમી. રાજને પોતાનું કાર્ડ શેફાલીના હાથમાં આપ્યું ત્યાં તો મધ્યાંતર પૂરો થવાની બેલ વાગી.

‘ઓલ ધ બેસ્ટ શેફાલીજી’ કહી રાજને હાથ લંબાવ્યો એટલે શેફાલીએ શેકહેન્ડ કર્યા. રાજનથી છૂટા પડતી વખતે શેફાલીને લાગ્યું કે એ કાંઈક અલગ મિજાજનો માણસ હતો. તેની આંખમાં એક માસૂમિયત હતી જે આ ક્ષેત્રમાં પડેલા લોકોમાં ભાગ્યે જ જોવા મળતી. હમેશાં સ્ત્રીના કપડાની આરપાર જોવા મથતી કામુક આંખો વચ્ચે શ્વસતી શેફાલી માટે આ થોડોક અલગ અનુભવ હતો.

રાત્રે શો પૂરો થયો એટલે શેફાલી તેને અભિનંદન આપવાવાળા લોકોથી ઘેરાઈ ગઈ. તેને હતું કે એ જતા પહેલાં રાજનને મળશે પરંતુ એ જયારે આ બધામાંથી ફ્રી થઇ ત્યારે રાજન નીકળી ગયો હતો.

પોતાની મર્સિડીઝ બેન્ઝ ગાડીમાં સેલ્ફ ડ્રાઈવ કરી રહેલા રાજનના મનમાંથી શેફાલીનો ચહેરો ખસતો નહોતો. એમ તો એણે સિલ્વર સ્ક્રીન પર સ્વર્ગની અપ્સરા સમી દેખાતી હીરોઈનોને બહુ નજીકથી જોઈ હતી. પરંતુ આજે શેફાલીને મળ્યા પછી પહેલી વાર તેને કુદરતી સૌદર્યની સૌમ્યતાનો પરિચય થયો હતો. વહેલી સવારે ઊગેલા પારિજાતના ફૂલો પર પથરાયેલા ઝાકળના બિંદુઓની કુમાશ જેવી તાજગી હતી એના ચહેરા પર. અને આંખોમાં એક અજબનું વશીકરણ. માય ગોડ..! અદભૂત હતી એ છોકરી. એના વ્યક્તિત્વમાં કશુંક એવું હતું જેણે રાજનના દિલોદિમાગ પર નશો ચઢાવી દીધો હતો. તેની સાથે હાથ મિલાવ્યો ત્યારે એની નજદિકીએ જે સુગંધ ભરી દીધી હતી રાજનના ફેફસામાં, એ હજુ પણ એને તરબતર કરી રહી હતી.. એક વખત ફરીથી મળવું પડશે એને. એ વિચાર સાથે રાજનના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

બીજા દિવસે સવારે શેફાલી થોડી મોડી ઊઠી. ગઈ રાતના શોની ભવ્ય સફળતાનો નશો હજુ તેના મનમાં છવાયેલો હતો. રાત્રે એ ઘરે પહોંચી ત્યારે માલતીબેન તેની રાહ જોઈને બેઠા હતા. બન્ને જણા સાથે જમ્યા અને એ પછી રાત્રે બે વાગ્યા સુધી તેણે મમ્મીને સૂવા નહોતી દીધી. માલતીબેન પણ દીકરીની સફળતાની યશોગાથા તેના મુખે પ્રેમથી સાંભળતા રહ્યા.

‘આ રાજન બહુ મોટો માણસ હશે નહિ?’ ગઈકાલે રાત્રે શેફાલીએ કોઈ રાજન નામની વ્યક્તિ વિશે વાત કરી હતી, એ સવારની ચા સાથે પીતી વેળા ફરીથી યાદ આવી જતા માલતીબેને તેના વિશે વધુ જાણવા પ્રશ્ન કર્યો.

‘મોમ, જે વ્યક્તિ ફિલ્મો માટે કરોડો રૂપિયા ફાઈનાન્સ કરી શકે તે કાંઈ સામાન્ય માણસ તો ન જ હોય ને ?’

‘ઉમરમાં કેવડો છે ? તારા જેવડો હશે કે...?’ મમ્મીના પ્રશ્ન પાછળનો મર્મ શેફાલી સમજી ગઈ.

‘મોમ...તું તો બસ..!’ શેફાલી કૃત્રિમ ગુસ્સો કરતા બોલી. તેની નજર સામે રાજનનો ચેહરો તરવર્યો. હેન્ડસમ તો એ હતો જ.! વાત કરવાની સ્ટાઈલ પણ વ્યવસ્થિત હતી. કોઈ પણ લગ્નોત્સુક યુવતીને ગમી જાય તેવો. વળી પાછો કરોડપતિ પણ હતો.. લગ્ન માટે યોગ્ય પાત્ર શોધતી એક છોકરીને એનાથી વધારે શું joeaજોઈએ.! પણ પોતાને ક્યાં વર જોઈતો હતો.? એને તો એક એવો મિડલ-મેન જોઈતો હતો જે એને ફિલ્મોમાં હીરોઈનનો રોલ અપાવી શકે. બદલામાં ચાહે તે ગમે તે માંગી લે.

એક વખત ફરીથી મળવું તો પડશે જ એને..!

એ પછીના આખા અઠવાડિયાના શો લગભગ હિટ ગયા. વિશ્વનાથ બહુ ખુશ હતો બધા પર. બીજા અઠવાડિયે થિએટર ખાલી ન હોવાથી તેણે બધાને ગોવા લઇ જઈ પાર્ટી આપવાની જાહેરાત કરી નાખી.

‘એ પછી તે રાજન સાથે વાત કરી કે નહિ?’ તે દિવસે વિશ્વનાથે એને પૂછ્યું.

‘ના, આ આખું વીક તો આપણા ડ્રામાનું શિડ્યુઅલ ફિકસ હતું એટલે વિચાર્યું કે પછી નિરાતે કરીશ.’

‘મોડું ન કરતી. આ બધા લોકો બહુ બીઝી માણસો હોય. લાંબા ગાળે એ વાત ભૂલી જાય. કાલે ફ્રી છો તો વાત કરી જ લેજે. વીક એન્ડમાં આપણે પાછું ગોવા જવાનું છે અને એ પછી પંદર દિવસ રોજ શો છે

બીજા દિવસે વહેલી સવારમાં શેફાલીનો મોબાઈલ રણક્યો. અરધી-પરધી ઊંઘમાં તેણે સ્ક્રીન પર જોયું. કોઈ અજાણ્યો નંબર દેખાયો. કોણ હશે ? ગ્રીન બટન દબાવી કોલ ઊપાડ્યો.

‘હલ્લો, શેફાલીજી....?’ સામેથી પ્રશ્ન પૂછાયો.

‘યેસ, હુ આર યુ’ ? કંટાળાભર્યા સ્વરે તેણે પ્રતિપ્રશ્ન કર્યો.

‘સોરી ટુ ડીસ્ટર્બ યુ. હું રાજન વાગલે બોલું છું.

અને એ જ પળે એક હજાર વોટનો ઝટકો વાગ્યો હોય તેમ એ પથારીમાં સફાળી બેઠી થઇ ગઈ. ઘડીભર તેને પોતાના કાન પર જાણે કે ભરોસો ન પડતો હોય તેમ બાઘાની જેમ મોબાઈલ સામે જોઈ રહી.

‘હલ્લો, શેફાલીજી...હલ્લો..હલ્લો..’ મોબાઈલના રિસિવરમાંથી આવતાં અવાજે તેને ભાનમાં આણી.

‘હલ્લો..યસ સર, શેફાલી બોલું છું.‘

‘પ્રશ્ન પૂછીને ક્યાં ખોવાઈ ગયા હતા.?’

‘આઈ..આઈ એમ સોરી. આઈ વોઝ સો સરપ્રાઈઝ્ડ બાય લિસનીગ યોર નેઈમ....ગુડ મોર્નિંગ સર..’ શેફાલીના અવાજમાં હજુ પણ હડબડાહટ હતી.

‘ગુડ મોર્નિંગ, તમે હજુ સૂતા હોવ તો પછી ફોન કરું ?’ રાજનના અવાજમાં સૌજન્ય હતું. તેને લાગ્યું કે ફોન થોડો વહેલો થઇ ગયો હતો એનાથી.

‘નો નો સર, ઈટ્સ ઓ.કે., બોલો’ ભાગ્ય દરવાજો ખખડાવી રહ્યું હોય ત્યારે સૂતા રહેવાનું શેફાલીને પાલવે તેમ નહોતું.

‘આપણે છેલ્લે વાત થઇ હતી ત્યારે તમે મને જણાવ્યું હતું કે તમે ફિલ્મોમાં આવવા માંગો છો. અને એ વખતે મેં તમને ના પણ કહી હતી, પરંતુ મારો એક ખૂબ જાણીતો પ્રોડ્યુસર છે બસુ ગાંગુલી નામ છે. જે એના પ્રોડક્શન હાઉસ હેઠળ એક જબરદસ્ત પિક્ચર બનાવી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી ખૂબ સારી છે. તેમાં ફાઈનાન્સ પણ મારું જ છે. પિક્ચર હીટ થશે જ. સૌથી મોટી વાત એ છે કે વ્યક્તિ તરીકે એ માણસ ઘણો ટ્રસ્ટેબલ છે. ગઈકાલે જ મેં તેને તમારી વાત કરી. તેણે હા પાડી પણ આખી વાતમાં એક મુશ્કેલી છે.’

‘શું પ્રોબ્લેમ છે સર..?’

‘પ્રોબ્લેમ એ છે કે તેણે હીરોઈન પસંદ કરી લીધી છે અને તેને સાઈનિંગ એમાઉન્ટ પણ અપાઈ ગઈ છે. હા, તેમાં એક બીજો રોલ છે જે મુખ્ય હીરોઈનના રોલ સાથે લગભગ સમાંતર છે. જો તમે ઈચ્છો તો એ રોલ માટે કશુંક થઇ શકે.’

વાત સાંભળી શેફાલી થોડી વિચારમાં પડી ગઈ.

‘એક કામ કરો, તમે આજનો દિવસ વિચારી લો, મને સાંજે ફોન કરજો. બાય..’ કહી રાજને ફોન મૂકી દીધો.

( ક્રમશ:)