દૌડ Harish Thanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૌડ

નવલકથા- દૌડ

પ્રકરણ-૧

‘એન્ડ ધ એવોર્ડ ગોઝ ટુ...’

ભારતના ઓસ્કાર સમકક્ષ ગણાતા એ ફિલ્મ એવોર્ડ સમારંભમાં બેઠેલી તમામ ફિલ્મી હસ્તીઓના શ્વાસ થંભી ગયા. સામે રોશનીથી ઝળાહળાં વિશાળ સ્ટેજ પર ‘બેસ્ટ એક્ટ્રેસ’ કેટેગરી માટેનો એવોર્ડ આપવા આવેલા હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રાજરત્નમની સાથે પોતાના હાથમાં ‘બેસ્ટ એક્ટ્રેસ વિનર’ના નામનું ફોલ્ડર પકડી ઊભેલી એક જમાનાની બ્યુટીક્વિન ગણાતી હિરોઈન સાયના દિવાને સમગ્ર ઓડિયન્સ તરફ એક સરાસરી નજર ફેરવી અને પછી ટીપીકલ હિન્દી હિરોઈનની અદાથી જોરથી ઊછળી પડતા બોલી : ‘એવોર્ડ ગોઝ ટુ માય ફેવરીટ, મોસ્ટ બ્યુટીફુલ શેફાલી આનંદ...

એ પછીના તેના શબ્દો તાળીઓની ગૂંજમાં દબાઈ ગયા.સફેદ સ્પોટ લાઈટનો શેડો સીધો શેફાલી જ્યાં બેઠી હતી ત્યાં સર્યો. શેફાલી જાણે કે કોઈ સપનું જોઈ રહી હોય તેમ સ્તબ્ધ બની ગઈ ! એને પહેલાં તો પોતાના કાન પર વિશ્વાસ જ ન બેઠો. એ પોતાની બંને હથેળી ગાલ પર દબાવી આસપાસ જોવા લાગી. તેની બાજુમાં બેઠેલા તેના કો-સ્ટાર અલતાફ્ખાન અને દિગ્દર્શક રાઘવેન્દ્રએ તેને અભિનંદન આપ્યા અને સ્ટેજ પર જવા ઈશારો કર્યો એટલે શેફાલી જાણે કે હોશમાં આવી હોય તેમ ઝડપભેર ઊભી થઇ ગઈ. એ સ્ટેજ પાસે પહોચી ત્યાં સુધીમાં તો તેની આંખો લગભગ છલકાવાની તૈયારીમાં હતી. મહામહેનતે તેણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો અને ઝડપથી આંખોના ખૂણા સાફ કરી, એક ઊંડો શ્વાસ લીધો. પોતાના સિલ્વર કલરના શરારાને બંને હાથો વડે હળવેથી સહેજ અધ્ધર કરી સ્ટેજના પહેલા પગથીયે પગ મૂક્યો અને કોઈ પણ વ્યક્તિને ઘાયલ કરી મૂકે તેવી અદાથી પાછળ વળીને જોયું. સમગ્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેનું તાળીઓથી અભિવાદન કરી રહી હતી. કાંઈક ગર્વ અને ભવ્ય ગુમાનથી તેણે પોતાની ગરદન ટટ્ટાર કરી અને પછી ધીમા પગલે એવોર્ડ લેવા પહોચી. પ્રોડ્યુસર-ડાયરેક્ટર રાજરત્નમના હાથે એવોર્ડ સ્વીકારી ‘થેન્ક્સ ગિવિંગ સ્પિચ’ આપવા તેણે માઈક સામે પોતાનો ચહેરો ગોઠવ્યો.

‘શેફાલી..એ શેફાલી..’ જાણે કે કોઈ ઊંડા બોગદામાંથી આવતો હોય તેવો એક અવાજ તેના કાને અથડાયો. હજુ તો એ સ્પિચ આપવાની શરૂઆત કરે એ પહેલાં કોઈક તેને ડીસ્ટર્બ કરી રહ્યું હતું. ત્યાંથી ધ્યાન હટાવી તેણે બોલવાનું ચાલુ કર્યું.

‘ફર્સ્ટ ઓફ ઓલ, આઇ થેન્ક્સ માય મોમ, વિધાઉટ ધ ગ્રાંડ સપોર્ટ ઓફ હૂમ, ધીસ વુડ નોટ હેવ બિન પોસિબલ..’ કહી તેણે પોતાના હાથમાં રહેલો એવોર્ડ થોડો અધ્ધર કર્યો. ફરીથી તાળીઓ..’ફરધર આઇ વોન્ટ ટુ થેન્ક્સ..’

ત્યાં તો..

‘શેફાલી, ઊઠજે હવે, નહીતર તારે રિહર્સલમાં જવાનું મોડું થશે બેટા..’ હવે અવાજ એકદમ સ્પષ્ટ સંભળાયો અને તે સાથે જ શેફાલીની આંખો ખૂલી ગઈ. સામે ઊભેલી મમ્મી તેને જગાડી રહી હતી.

‘ઓહ મોમ, હું હમણાં તારો જ આભાર માની રહી હતી સપનામાં. થોડીવાર વધુ ઊંઘવા દીધી હોત તો જાગ્યા પછી પણ તારો આભાર માનત’ શરીર પરથી ચાદર ફગાવી ઊંઘરેટી આંખે બાથરૂમ તરફ જતા શેફાલી બોલી. આ તેની આદત હતી. સવારમાં ઊઠતાવેંત વાસી મોઢે તે બોલવાનું ચાલુ કરી દેતી. માલતીબેન તેની આ ટેવ સામે ગુસ્સો કરતા. ’પહેલાં બ્રશ તો કર, પછી વાતો કરજે ‘ એમ બોલતાં પણ ખરાં.

‘શેનો આભાર..ક્યારે આભાર માનતી હતી મારો ?’

વોશબેશીન તરફ આગળ વધતી શેફાલી માલતીબેન તરફ પાછી ફરી અને તેના કાનમાં બોલી ‘બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ લઈ રહી હતી ત્યારે’

‘ફરી પાછું એ જ સપનું આવ્યું આજે ? રોજ એકનું એક સપનું શું જોતી હોઇશ ?’ માલતીબેને લાડલી દીકરીના માથા પર હાથ ફેરવતા કહ્યું.

‘શું કરું ? આ એક સપનું સાચું પડે પછી બીજું સપનું જોઉને..?’ શેફાલી ફરિયાદભર્યા સ્વરે બોલી.

‘મારું પણ એક જ સપનું છે, તારા હાથ પીળા કરવાનું. કોઈ સારું પાત્ર મળી જાય એટલી જ વાર છે. તારા આ નાટક-ચેટક બધું બંધ કરાવી સાસરે વિદાય કરી દઉં પછી મને શાંતિ. આજે તારા પપ્પા હયાત હોત તો મારે એકલીએ આ બધી ઉપાધિ ન કરવી પડત..’ ફિલ્મી હીરોઇન બનવાના સપના જોતી દીકરીને આ વાત નહિ ગમે તેમ વિચારી મનમાં આવેલા આ વિચારને હોઠથી જ પાછો વાળી દીધો માલતીબેને, અને પછી બોલ્યા ‘રાતભર જોયેલા સપના સાચા પાડવા સવારે વહેલા ઊઠી કામે વળગી જવું બહુ જરૂરી હોય છે બેટા ! હવે તું ઝડપથી તૈયાર થા. તારો હીરો તને લેવા આવતો જ હશે. એ બહાર ઊભો રહીને આખી શેરી સાંભળે તેમ બાઈકના હોર્ન વગાડશે પાછો..’ માલતીબેનના છેલ્લા શબ્દોમાં થોડી કડવાશ ભળી.

‘તેને મારો હીરો ન કહે અને માત્ર દર્શન કહે તો ન ચાલે?’ શેફાલીના અવાજમાં નારાજગી વર્તાઈ. દર્શન શેઠ તેની સાથે ડ્રામામાં કામ કરતો યુવાન હતો. રોજ રિહર્સલમાં જતી વેળા એ શેફાલીને ઘરેથી પીક-અપ કરી જતો. માલતીબેનને આ દર્શન બહુ નહોતો ગમતો એવું નહોતું, પરંતુ યુવાન પુત્રી આજુબાજુવાળા બધા જુવે તેમ રોજ ઘરેથી અજાણ્યા પુરુષની બાઈકમાં પાછળ બેસી બહાર જાય એ તેમને અખરતું. એક બે વખત તો તેણે શેફાલીને ટોકી પણ હતી પરંતુ યુવાન દીકરીને કહી કહીને કેટલું કહી શકાય ?

‘હવે ચા પીવી છે કે માત્ર દલીલો કરવી છે ?’ માલતીબેને કંટાળીને પૂછ્યું.

ચાનું નામ સાંભળી શેફાલી ઝડપથી બાથરૂમ તરફ ભાગી. માલતીબેનના પગ રસોડા તરફ વળ્યા.

બરાબર પોણો કલાક પછી બહાર બાઈકનું હોર્ન સંભળાયું એટલે શેફાલી ખભે થેલો ભેરવી ‘મોમ, હું જાઉં છું. આવતીકાલના અમારા ‘શો’નું આજે ગ્રાન્ડ રિહર્સલ છે. રાત્રે વહેલા મોડું થશે. ચિંતા ન કરતી’ કહી પરશાળ વટાવી ગઈ.

‘ભલે, પણ બહુ મોડું થાય તો મારા મોબાઈલમાં ફોન કરવાનું ભૂલતી નહિ’ માલતીબેન બોલ્યા.

જવાબમાં હકારમાં મોઢું હલાવી શેફાલી દર્શનના ખભે હાથ મૂકી બાઈક પર બેસી ગઈ. માલતીબેનનું મન ફરીથી થોડું કોચવાયું. શેફાલી દર્શનને બદલે તેના પતિની બાઈકમાં આમ પાછળ બેસીને જતી હોય તેવું દ્રશ્ય ભગવાન પોતાને ક્યારે બતાવશે..! શેફાલી લગ્ન માટે હા જ ક્યાં પાડતી હતી. બહુ મોટું સપનું હતું શેફાલીનું.. એને તો હિન્દી ફિલ્મોમાં હીરોઈન બનવું હતું..બહુ મોઢે ચડાવી હતી તેના પપ્પાએ..સદગત પતિનું સ્મરણ થતા માલતીબેનનું મન ભૂતકાળમાં સર્યું.

એ દિવસે ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. ત્રણમાંથી કોઈ જમ્યું નહોતું. આવું પહેલી જ વખત બન્યું હતું.

‘માલતી, શેફાલી હવે મોટી થઇ છે. તેને પણ પોતાના સપના હોય. અને આમ જો તો એમાં ખોટું પણ શું છે.? કોલેજ લેવલે તે ડ્રામામાં કેટલા ઇનામો જીતી લાવી છે..? ઇન્ટર કૉલેજ ડ્રામા કોન્ટેસ્ટમાં એની કૉલેજનું નાટક ફર્સ્ટ આવ્યું ત્યારે તેમાં શેફાલીની એક્ટિંગનો બહુ મોટો ફાળો છે તેમ બધા નહોતા કહેતા..? વળી સરગમ નાટ્યસંસ્થાનું બહુ મોટું નામ છે. જો તેને એમાંથી ઓફર આવી હોય તો આપણે તેને ત્યાં નાટકમાં કામ કરવા જવાની મંજૂરી આપવી જોઈએ. એનાથી તેને આગળ વધવાની મોટી તક પણ મળી શકે. એ સંસ્થાના ઘણાં કલાકારો આજે હિન્દી ફિલ્મો સુધી પહોચી ગયા છે. તું જીદ છોડી અને તેને રાજીખુશીથી જવા દે.’ એ દિવસે બેડરૂમના બંધ દરવાજાની પાછળ પતિ સુદેશે તેને રાત્રે બે વાગ્યા સુધી સમજાવી હતી. મન જ નહોતું માનતું તેનું. એકની એક દીકરી છે અને આ તો બધી લપસણી ભૂમિ..ઘી એ સતત અગ્નિ સાથે રહેવાનું અને પાછું ઓગળવાનું પણ નહિ..! કેમ બનશે..! સુદેશ કેમ નહિ સમજતો હોય આટલી સરળ વાતને ?

સુદેશ ક્યાંથી સમજે.? નાનપણથી તેને પણ એકટીંગનો શોખ હતો પરંતુ ઓછી આવકવાળા પિતાના મોટા પુત્ર હોવાને નાતે તેને નાની વયે જ કામે લાગી જવું પડ્યું હતું. એમાંયે ઘરગૃહસ્થી સંભાળી એ પછી તેનો એ શોખ માત્ર સારી ફિલ્મો અને નાટકો જોવા પૂરતો મર્યાદિત થઇ ગયો હતો. આ બધામાં શેફાલી તેને કંપની આપતી એટલે શેફાલીને પણ અભિનય પ્રત્યે લગાવ થઇ ગયો હતો. શેફાલીને પિતા તરફથી વારસામાં મળેલો આ શોખ કૉલેજમાં થોડો ઘણો પોષાયો એટલે તેને ગ્લેમરની દૂનિયા પ્રત્યે આકર્ષણ જાગ્યું પરંતુ કૉલેજ પૂરી થતા એ બધું પૂરું થઇ ગયું. એવામાં ગઈકાલે જ તેને એક જાણીતી ડ્રામા કંપની તરફથી ઓફર મળી અને ફરીથી એ પીળી લાઈટો, તાળીઓના ગગડાટ, ચોતરફથી મળતી વાહવાહ...આ બધાની આકર્ષણે ફરીથી તેના ચિત પર કબજો જમાવી દીધો...પપ્પા એ તો હા પાડી દીધી પણ માલતીના તીવ્ર વિરોધને કારણે બધાના મન ઊંચા થઇ ગયા.

હજુ તો માલતી એ બાબતે કશો નિર્ણય લે તે પહેલાં બરાબર ત્રીજા દિવસે સુદેશને હાર્ટ-એટેક આવ્યો અને કશું જ થઇ શકે તે પહેલાં તેનું મૃત્યુ થઈ ગયું. છેવટે દિવંગત પતિની અંતિમ ઈચ્છાને માન આપી મને-કમને માલતીએ શેફાલીને ડ્રામાની લાઈન જોઈન કરવાની હા પાડવી પડી.

રાત્રે સાડા દસ વાગ્યે શેફાલી ઘરે આવી. આવતાવેંત ‘મારે જમવું નથી, તું જમી લેજે ’ કહી રડમસ ચહેરે બેડરૂમમાં જતી રહી. રોજ ઘરે પાછી ફરે ત્યારે આખો દિવસ રિહર્સલમાં બનેલી તમામ બાબતોનું રસપ્રચૂર વર્ણન કરતી શેફાલીને આમ મૂડલેસ જોઈ માલતીબેન તેની પાછળ બેડરૂમમાં ગયા. ત્યાં શેફાલી પલંગમાં બેસી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેને આમ અચાનક આટલી બધી રડતી જોઈ માલતીબેનના પેટમાં ફાળ પડી..

એમણે શેફાલીનો હાથ પકડી જોરથી પૂછ્યું ; ‘ શું થયું બેટા..?’

( ક્રમશ: )