એક પતંગિયાને પાંખો આવી - 42 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 42

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 42

વ્રજેશ દવે “વેદ”

‘જેનિફર’સ જંગલ’ની માલિક જેનિફરે હજુ તેની દુકાન ખોલી જ હતી. તે દુકાનને રાત ભરની નિંદ્રાથી જગાડી રહી હતી. દુકાનના ખુલ્લા દરવાજા પાસે એક કાર આવીને ઊભી રહી ગઈ. તેના પૈડાંની બ્રેકના અવાજે જેનિફરનું ધ્યાન તે તરફ ખેંચ્યું.

કારમાં બે છોકરાઓ હતા. બંને કારમાંથી ઉતરી સીધા જ ‘જેનિફર’સ જંગલ’ તરફ આવવા લાગ્યા. તેઓની ચાલમાં ગ્રાહકનો કોઈ પડછાયો નહોતો. બંને ખૂબ જ ઉતાવળમાં હોય તેવું લાગ્યું. થોડા રુક્ષ પણ લાગતા હતા. દુકાનનો દરવાજો હડસેલી રૂવાબભેર સીધા જ કાઉન્ટર પાસે ઊભેલી જેનિફર પાસે પહોંચી ગયા,

જેનિફર કશું જ સમજે, તે પહેલાં જ તેમાંથી એકે પૂછ્યું,” પરમ દિવસે તમારી દુકાનમાં બે યુવાન છોકરીઓ આવી હતી?”

જેનિફરે તેના તરફ નજર કરી. તે તરત જ સમજી ગઈ કે મામલો કોઈ ગંભીર છે, અને પેલી બે છોકરીઓ પર કોઈ ખતરો લાગે છે. આ બન્ને છોકરાઓ તેના મિત્ર હશે કે દુશ્મન? તેને હાનિ પહોંચાડવા માંગતા હશે કે મદદ કરવા માંગતા હશે? તે નક્કી ના કરી શકી. પણ, તેણે એટલું નક્કી કરી લીધું, કે આ છોકરાઓ જોડે પેલી બે છોકરીઓ વિશે વાત કરવામાં અને માહિતી આપવામાં સાવધ રહેવું પડશે. તે થોડી વાર માટે મૌન જ રહી.

તેના મૌનથી બન્ને અક્ળાયા. તેણે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો, ” પરમ દિવસે તમારી દુકાનમાં બે યુવાન છોકરીઓ આવી હતી?”

“કેમ? તમે એ બધું કેમ પુછો છો? તમે કોણ છો?” જેનિફરે ચહેરા પર કરડાકી સાથે તેઓની આંખમાં આંખ નાંખી સામો સવાલ કર્યો.

જેનિફરના આવા જવાબી વર્તનની તેઓને અપેક્ષા નહોતી. શું કહેવું કે કરવું તે તેઓને ના સમજાયું.

“અમે તેઓના દોસ્ત છીએ. અમદાવાદમાં સાથે રહીએ છીએ. હું નરેશ પટેલ અને આ વિશાલ. અમે ટ્રેન ચૂકી ગયા હતા, એટલે બે દિવસ મોડા પડ્યા. અમે તેની પાસે પહોંચવા માંગીએ છીએ. જો તમે અમારી મદદ કરશો તો અમે જલ્દીથી તેની પાસે પહોંચી જઇશું.”

“તેઓના નામ તમને ખબર છે?” જેનિફરે ફરી એક સવાલ કર્યો.

“હા, કેમ નહીં. એક વ્યોમા અને બીજી નીરજા. બરોબર ને?”

જેનિફરને ખાત્રી થઈ ગઈ, કે આ છોકરાઓ પેલી બે છોકરીઓ વિશે જાણે છે. કદાચ તેના મિત્ર જ હશે. છતાં પણ સાવચેત રહેવું પડશે, એવી કોઈ માહિતી ના આપી દેવાય કે જેનાથી પેલી બન્ને છોકરીઓ પર કોઈ સમસ્યા આવી પડે. તેઓએ મારા પર ભરોસો કર્યો છે. મારે તે તોડવો નથી.

થોડી વાર વિચારી તેણે પૂછ્યું, ” બોલો શું કામ હતું તમારે તેનું?”

“ખાસ કાંઇ નહીં. બસ એટલું જ કહો, કે તેઓએ અહીંથી કોઈ સામાન ખરીદ્યો હતો?”

“તેમને અહીંની સ્થાનિક છોકરીઓ પહેરે છે તેવો ટ્રેડિશનલ ડ્રેસ જોઈતો હતો.“

“તો તેઓને તે ગમ્યો? તેઓએ તે ખરીદ્યો?”

“હા, બન્નેએ એક એક ડ્રેસ ખરીદ્યો.”

“અમે તે બિલ જોઈ શકીએ?“

“ના, અમે આવી વસ્તુઓના બિલ નથી આપતા.“ જેનિફરે તેની વાત ટાળી દીધી.

“કશો વાંધો નહીં. તેઓ કઈ દિશા તરફ ગયા હતા?” નરેશે પૂછ્યું.

“મે પૂછ્યું નહોતું. અને તેઓએ પણ કહ્યું ન હતું.”

“તેઓની પાસે કોઈ વાહન હતું ખરું?” વિશાલે પૂછ્યું.

જેનિફરે થોડો સમય વિચારવા લીધો. પછી જવાબ આપ્યો, ” તેઓ કદાચ કોઈ વાહન પર હતા. પાક્કી ખબર નથી. પણ તેઓ કોઈ જીપ વિશે વાત કરતાં હતા. મને તેઓની ભાષા સમજાઈ નહોતી.”

નરેશ અને વિશાલ બન્ને ‘જેનિફર’સ જંગલ’ પર એક નજર નાંખી, ઝડપથી બહાર નીકળી ગયા. ગાડી જંગલ તરફ દોડવા લાગી. તેની પાછળ પાછળ બીજી ત્રણ ચાર ગાડીઓ પસાર થઈ ગઈ. જેનિફરને નવાઈ લાગી. આ રીતે ક્યારેય અહીં ગાડીઓ આવતી નથી.

જેનિફર જતી ગાડીઓની દિશામાં જોતી રહી. થોડી વારમાં બીજી ત્રણ ગાડીઓ તેની દુકાન પાસેથી થઈને એ જ રસ્તે સડસડાટ નીકળી ગઈ. જેનિફરને કશું જ ના સમજાયું. તેને નિરજા અને વ્યોમાને ફોન જોડ્યો, ના લાગ્યો. મોબાઈલ સ્વિચ ઓફ હતો. તેણે પ્રયાસ ચાલુ રાખ્યો.

********

પંખીઓ હવે ખૂબ જ નજીક આવી ગયા. વ્યોમા અને નીરજા પાસે આવી ગયા. તેઓને ચારે તરફથી ઘેરવા લાગ્યા. તેઓની ચારેબાજુ ગોળ ગોળ ફરવા લાગ્યા. ઉડવા લાગ્યા. નીરજા અને વ્યોમાને કોઈ જ સમજ ના પડી, કે પંખીઓ શું કરી રહ્યા છે. પણ એટલું સમજાઈ ગયું કે તે પંખીઓ તેઓને નુકશાન કરવા નથી માંગતા.

ચારે તરફ પંખીઓ ઉડતા હતા. અસંખ્ય પંખીઓ. જાણે તેઓનું લશ્કર આવી ચડ્યું. ઉડતા ઉડતા અવાજ કરતાં હતા. ચિચિયારીઓ પાડતાં હતા. કોલાહલ કરતાં હતા. કોઈ તો નીરજાના અને વ્યોમાના શરીર પર બેસી જતાં હતા. ફરી ઊડી જતાં હતા. ફરી કોઈ નવું પંખી આવીને બેસી જતું હતું.

“વ્યોમા, આટલા બધા આ પંખીઓ, તેઓનું આમ ઉડવું, આવા આવજો કરવા, આપણાં શરીર પર બેસવું, ફરી ઉડવું, આ કોલાહલ, આ ચિચિયારીઓ, ... શું કરવા માંગે છે? કશી જ ખબર પડતી નથી.”

“નીરજા, મને લાગે છે કે તેઓ કોઈ સંકેત આપી રહ્યા છે. તેઓ આપણને કાંઈક કહેવા માંગે છે. પણ..’

“પણ તેઓની ભાષા આપણે સમજી શકતા નથી.” નીરજા ઉદાસ થઈ ગઈ.

“પણ નક્કી કોઈ અગત્યની વાત છે. નહીંતર આટલા બધા પંખીઓ અહીં ના આવે.”

“કદાચ તેઓ આપણને રોકવા માંગે છે...” નીરજા બોલતી અટકી ગઈ. એક પંખી તેની ચાંચ વડે નીરજાના કપડાં ખેંચવા લાગ્યું. બીજું પંખી વ્યોમાના પણ કપડાં ખેંચવા લાગ્યું. કપડાં ખેંચતા ખેંચતા તે કોઈ દિશા તરફ ઈશારો કરતું હતું.

વ્યોમા તેના ઇશારાની દિશા તરફ ચાલવા લાગી. પંખીઓ પણ તે તરફ જવા લાગ્યા. નીરજાને સમજાયું કે પંખીઓ તેઓને ક્યાંક લઈ જવા આવ્યા છે. તે પણ તે દિશામાં ચાલવા લાગી. બધા જ પંખીઓ એ દિશા તરફ જવા લાગ્યા. પંખીઓનો અવાજ બદલાઈ ગયો. કર્કશ ચિચિયારીઓ બંધ થઈ ગઈ.

ચારે તરફ પંખીઓ અને વચ્ચે નીરજા અને વ્યોમા. એક આખું ટોળું ચાલતું રહ્યું. પંખીઓથી ઘેરાયેલ બન્નેને ખબર નહોતી પડતી, કે તેઓ કયાઁ જઇ રહ્યા છે. તેઓ રસ્તાને પણ જોઈ નહોતા શકતા. તેઓ બસ ચાલતા રહ્યા.

થોડી વારે પંખીઓ રોકાયા. લગભગ બધા જ ઉડીને ઝાડ પર ચડી ગયા. માત્ર દસ બાર પંખીઓ જ નીચે હતા. તેઓ હજુ પણ નીરજા અને વ્યોમાને અડીને ઊભા હતા. નીરજા અને વ્યોમા હવે રસ્તો જોઈ શકતા હતા. તેઓની નજર એક ઝાડ પર પડી.

“ઓહ, આ તો એ જ ઝાડ અને એ જ જગ્યા છે, જ્યાં આ પંખીઓ સાથે દોસ્તી થઈ હતી.” નીરજાએ જગ્યા ઓળખી લીધી.

નીચે રહેલા પંખીઓએ ફરી નવો ઈશારો કર્યો. આ વખતે તેઓ તેના ઈશારાને સમજી ગયા. સામાન સાથે ફટાફટ ઝાડ પર ચડવા લાગ્યા. એક મોટી અને મજબૂત ડાળી પર બેસી ગયા.

તે ડાળી ગીચ પાંદડાઓથી ઘેરાયેલી હતી. રસ્તા પરથી પસાર થનારની નજરે પણ ના ચડે કે તેની પાછળ કોઈ છુપાઈને બેઠું છે. પણ, તે ડાળ પર બેસેલી વ્યક્તિ રસ્તા પર જોઈ શકે અને તેની હલચલ પર પૂરી નજર પણ રાખી શકે.

બન્ને ત્યાં બેસી ગયા. બધા જ પંખીઓ પોતપોતાની ડાળી પર બેસી ગયા. તેઓનો કોલાહલ શાંત થઈ ગયો. તેઓના ગીતો પણ. બધા જ પંખીઓ મૌન. જાણે આ ઝાડ પર કોઈ પંખી રહેતું જ ના હોય. ઝાડ પણ શાંત.

નીરજા અને વ્યોમા પણ શાંત થઈ ગયા. તેઓને હજુ પણ સમજાતું નહોતું, કે શું થઇ રહ્યું છે. બસ બેસી ગયા ડાળ પર. જોતાં રહયા પંખી, ઝાડ, હવા અને જંગલના મૌનને.

નીરજાએ વ્યોમાની આંખમાં નજર કરી. વ્યોમાએ પણ જવાબી નજર કરી. બન્નેની આંખમાં પ્રશ્નો હતા. બન્ને પાસે તેના જવાબ નહોતા. બન્ને એકબીજાને પ્રશ્ન પૂછવા માંગતા હતા, પણ પંખીઓનું મૌન તેઓને બોલતા રોકતું હતું. પંખીઓની ભાષા નહીં, પણ તેઓનું મૌન તેઓ હવે સમજવા લાગ્યા હતા.

થોડો સમય એમ જ વિતી ગયો. કદાચ અડધો કલાક. કદાચ થોડો વધુ. અચાનક ખામોશ જંગલમાં કોઈ વાહનનો અવાજ આવતો હોય તેવું લાગ્યું.

“નીરજા, આજે ત્રીજો દિવસ છે આ જંગલમાં, પણ ક્યારેય કોઈ વાહન આ રસ્તે આવતું જોયું નથી. આ અવાજ નક્કી વાહન ...”

નીરજાએ હોઠો પર આંગળી મૂકી મૌન રહેવા કહ્યું. વ્યોમા ચૂપ થઈ ગઈ. બન્નેએ દૂર દેખાતા રસ્તા પર નજર માંડી, કાન પણ માંડ્યા. અવાજ હવે નજીક, વધુ નજીક આવી રહ્યો હતો. અવાજની દિશા એ જ હતી જ્યાંથી બન્ને ચાલીને અહીં સુધી પહોંચ્યા હતા.

“એક કરતાં વધુ વાહન હોય તેવું લાગે છે ..” નીરજાએ વ્યોમાના કાનમાં કહ્યું. વ્યોમાએ પાંપણો નમાવી. નીરજાએ પણ જવાબી પાંપણો નમાવી. ફરી બન્નેના આંખ અને કાન વાહનોના અવાજ તરફ મંડાયા.

તેઓ દ્વારા કપાઈ ચૂકેલી કેડી પર અવાજો વધુ નજીક આવી ગયા. કેડી 300 મીટરના અંતરે વળાંક લેતી હતી. એ વળાંક પર વાહન આવી ગયા. પહેલું વાહન તે વળાંક પસાર કરી કેડી પર આવી ગયું. ઝાડની ડાળી પરથી તે સ્પષ્ટ દેખાવા લાગ્યું. તે કાર હતી. તે કાર કેડી પર ધીમે ધીમે આગળ વધતી હતી. નીરજા તે કારને ઓળખી ગઈ. “આ તો નરેશની કાર છે...” ખૂબ ધીમેથી નીરજા ગણગણી.

બન્ને ચોંકી ગયા. બન્ને સાવધ થઈ ગયા. નીરજા અને વ્યોમાએ પોતાની જાતને સંકોરી. ડાળી કે પાંદડાઓનો જરા પણ અવાજ ના થાય તેમ, પૂરેપૂરા છુપાઈ ગયા એ ઝાડીઓમાં. સાવ સ્થિર થઈ ગયા. શ્વાસનું હલનચલન પણ નહીં. શ્વાસનો અવાજ પણ નહીં. આંખ સ્થિર, રસ્તા પર મંડાયેલી. કાન પણ વાહનોના અવાજ પર. જાણે ખુલ્લી રહી ગયેલી આંખો વાળી, જીવતી બે પ્રતિમાઓ.

નરેશની ગાડી પાછળ બીજી 4 ગાડીઓ પણ તે કેડી પર આવી ગઈ. કુલ 5 ગાડીઓ. બધામાં માણસો ભરેલ હતા. બધા પુરુષો જ હતા. ઊંચા અને ખડતલ. ચહેરાઓ પરની રેખાઓ કહેતી હતી કે તેઓ કોઈ યાત્રીઓ નહોતા પણ ટ્રેઇન્ડ કમાન્ડો હશે. નરેશ અને વિશાલની નજર જંગલના એક એક ખૂણાને ધ્યાનથી જોઈ રહ્યા હતી. તેઓની નજર કશુંક શોધી રહી હતી. બન્નેને સમજાઈ ગયું કે તેઓની નજર તેમને જ શોધી રહી છે.

બીજા બધાની નજર પણ એ જ રીતે જંગલમાં, નીરજા અને વ્યોમાના કોઈ અસ્તિત્વને શોધી રહી. નીરજા અને વ્યોમા સતત કેડી પર અને વાહનો પર નજર રાખી જોઈ રહ્યા હતા. જો જરા પણ હલનચલન થયું તો તરત જ પકડાઈ જવાના. તેઓ સ્થિર જ રહ્યા.

જંગલના અણુંએ અણુંમાં તેઓની નજર, નીરજા અને વ્યોમાના અસ્તિત્વના અંશોને તપાસતી રહી. પણ તેઓને કોઈ અંશો મળતા નહોતા. તેઓની નજરમાં નિરાશા વ્યક્ત થતી દેખાઈ રહી હતી.

ગાડીઓ ધીરે ધીરે, ખૂબ જ ધીરે ધીરે આગળ વધતી હતી. ગાડીઓ જાણે પગપાળા પ્રવાસે ના નીકળી હોય. ગાડીઓની ધીમી ગતિ નીરજા અને વ્યોમાને અકળવતી હતી. પણ તેઓ વિવશ હતા. સમયને પસાર થવા દેવા સિવાય, કોઈ ઉપાય જ નહોતો. બસ, એમ જ બેસી રહયા.

ગાડીઓ હવે બિલકુલ સામે જ આવી ગઈ. જે ઝાડ પર તેઓ બેઠા હતા, ત્યાંથી 70 ફૂટ દૂર કેડી પર આવી ગઈ. બંનેના ધબકારા વધવા લાગ્યા. નરેશની ગાડી ત્યાંથી પસાર થઈ ગઈ. બીજી, ત્રીજી, ચોથી અને છેલ્લી ગાડી પણ ત્યાંથી પસાર થઈ, આગળ નીકળી ગઈ. અપલક નજરે તેઓને જતાં જોઈ રહી ચાર આંખો. ગાડીઓ લગભગ 50 ફૂટ દૂર આગળ નીકળી ગઈ. હજુ પણ ધીરે ધીરે આગળ જઇ રહી હતી. બીજા 30-35 ફૂટ આગળ જઈને ગાડીઓ ઊભી રહી ગઈ.

નીરજા અને વ્યોમાએ પરસ્પરની આંખોમાં જોયું. બન્નેની આંખો વિસ્મય અને ભયના સંયુક્ત ભાવો લઈને પહોળી થઈ ગઈ. ગાડીઓના ઊભા રહી જવાનો અર્થ તેઓને પાક્કો ખબર હતો. નક્કી તેઓના હાથમાં કે ધ્યાનમાં કોઈ એવી વાત કે વસ્તુ આવી છે, જે નીરજા અને વ્યોમાના અહીં અસ્તિત્વ હોવાની ચાડી ખાતી હશે. અને જો એમ હશે તો નક્કી તેઓ જંગલના એક એક પાંદડાઓને ખૂંદી વળશે અને તેઓ પકડાઈ જશે.

નરેશ ગાડીમાંથી નીચે ઉતર્યો. કેડીની જમણી બાજુએ 8-10 ડગલાં ચાલીને ઊભો રહી ગયો. વાંકા વળી તેણે કશુંક હાથમાં લીધું. તેના હાથમાં એક ડબ્બો હતો. નીરજા અને વ્યોમા તે ડબ્બાને જોઈ ચોંકી ગઈ. ઝરણાંમાં સ્નાન કરતાં હતા ત્યારે નાસ્તાનો જે ડબ્બો લઈને વાંદરો ભાગી ગયો હતો, તે જ ડબ્બો. નરેશના હાથમાં તે ડબ્બો આવી ગયો હતો.

નરેશ તે ડબ્બાને ધ્યાનથી જોવા લાગ્યો. તે ગાડી પાસે આવી ગયો. વિશાલને તે ડબ્બો તેણે આપ્યો. વિશાલની આંખોમાં ચમક આવી ગઈ.

“આ ડબ્બો ચોક્કસ અમદાવાદની દુકાનનો છે. ગુજરાતી સ્ટાઈલનો છે.“ વિશાલ ગાડીની બહાર આવી ગયો.

“એનો અર્થ એ છે, કે એ બંને અહીં જ ક્યાંક છે અથવા અહીંથી થોડી વાર પહેલાં જ પસાર થયા છે.” નરેશે જંગલમાં ચારે તરફ નજર ફેરવી.

“તો લાગી જાઓ કામે...” વિશાલે બીજી ગાડીઓના સાથીદારોને ઈશારો કરી દિધો. ફટાફટ બાકીની ચાર ગાડીઓમાંથી તેના સાથીદારો ઉતરી ગયા અને જંગલમાં જુદી જુદી દિશાઓ તરફ જવા પોઝિશન લઈ લીધી.

નરેશે ફરી એક નજર કરી જંગલ તરફ. સાથીઓને બધી દિશામાં ફેલાઈ જવા ઈશારો કર્યો. તેના સાથીદારો ઝડપથી એક્શનમાં આવી ગયા. તેઓના મજબૂત કદમ જંગલને ઘમરોળવા માટે ઉપડવા લાગ્યા. હજુ 10-15 પગલાં જ તેઓ આગળ વધ્યા હશે ત્યાં તો 25-30 વાંદરાઓનું ટોળું કેડી પર આવી ગયું. નરેશના માણસોને તેઓએ ઘેરી લીધા. તેઓની સામે ઘુરકીયા કરવા લાગ્યા.

નરેશે તેઓને જંગલના સામાન્ય વાંદરા માની ભગાડવા પ્રયાસ કર્યો. પણ એક પણ વાંદરો તેની જગ્યાએથી ભાગ્યો નહીં. ઊલટાના તેઓ નરેશની વધુ નજીક આવી ગયા. એક બંદરે વિશાલ પર હુમલો કરી દીધો. અચાનક હુમલાથી વિશાલ તેનું સંતુલન ખોઈ બેઠો. ગબડી પડ્યો. તેણે તેના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને તે બંદર પર ગોળી છોડી દીધી. બંદર બાજુ પર હટી ગયો, પણ તે ગોળી તેના ડાબા પગને ઘસરકો આપી નીકળી ગઈ. તે ઘાયલ થઈ ગયો. થોડું લોહી પણ વહેવા લાગ્યું. તેણે એક ચીસ પાડી.

તેના જવાબમાં બીજા બધા વાંદરાઓ નરેશના માણસો પર તૂટી પડ્યા. બે ત્રણ વાંદરાઓએ ભેગા મળીને વિશાલને ઘાયલ કરી દીધો. વાંદરાઓ હવે જંગલના ઝનૂન પર આવી ગયા હતા. વાંદરાઓના આક્રમણને તેઓ સમજે તે પહેલાં તો પેલા ઝાડ પરથી અસંખ્ય પંખીઓ પણ આવી ગયા. તેઓએ શોરબકોર મચાવી દીધો. કેટલાક પંખીઓ તો નરેશના માણસોને ચાંચ મારવા લાગ્યા.

એક તરફ વાંદરાઓ અને બીજી તરફ પંખીઓ. બંનેના અણધાર્યા અને આક્રમક હુમલાથી નરેશ અને વિશાલ ડઘાઈ ગયા. તેઓને સમજાઈ ગયું, કે જંગલમાં તો જંગલના પશુ પંખીઓનું જ રાજ ચાલે. આ સમયે તો અહીંથી ભાગી જવું જ ઉચિત છે. તેણે તેના સાથીઓને ઈશારો કર્યો. બધા ઝડપથી ગાડીમાં બેસી ગયા. નરેશ અને વિશાલ પણ ગમે તેમ જીવ બચાવી કારમાં બેસી ગયા. કારના દરવાજા અને કાચ સજ્જડ બંધ કરી દીધા અને ભાગી છૂટ્યા.

ભાગી જતી પાંચેય કારનો વાંદરાઓ અને પંખીઓએ ઘણે સુધી પીછો કર્યો. જ્યારે ખાત્રી થઈ ગઈ કે તેઓ ખૂબ દૂર સુધી નીકળી ગયા છે, તે પછી જ તેઓ સૌ પેલા ઝાડ પાસે પરત ફર્યા.