જ્યોતિલિઁગ
Krupa Bakori
શ્રી સોમેશ્વર સોમનાથ જ્યોતિલિઁગ
જ્યોતિલિઁગમાં ‘સોમનાથ’નું નામ સૌપ્રથમ આવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે સમયની આ કથા છે. પ્રજાપતિ દક્ષની 60 કન્યાઓ પૈકી 27 કન્યાનોને ચંદ્ર સાથે પરણાવી હતી. આ સર્વ કન્યાઓમાં ‘રોહિણી’ ચંદ્રને વધુ પ્રિય હતી. આથી બીજી સ્ત્રીઓએ પિતાને ફરિયાદ કરી. દક્ષે અભિશાપ આપ્યો, “હે ચંદ્ર ! તું રોહિણી પ્રત્યે પક્ષપાત રાખી બીજી પત્નીઓને સમાન આદર આપતો નથી. માટે તને ક્ષયરોગ થાઓ.”
પ્રસ્તુત અભિશાપને લીધે ચંદ્ર ક્ષયરોગ બની ગયો. એના ક્ષીણ થવાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. એના નિવારણ માટે સર્વ દેવો અને મુનિઓ એકત્ર થઈ ઈન્દ્રની આગેવાની લઈ બ્રહા પાસે ગયા. બ્રહાજીએ શાપના નિવારણ માટે કહ્યું, “ તમે મહાપવિત્ર પ્રભાસક્ષેત્રમાં જઈ મહામૃત્યુંજય મંત્રનું શાસ્ત્રોક્ત વિધિઅનુસાર અનુષ્ઠાન કરી ભગવાન શિવની આરાધના કરો અને શિવલિંગનું સ્થાપન કરી ત્યાં તપસ્યા કરો. આથી શિવજી પ્રસન્ન થઈ ચંદ્રના ક્ષયરોગનું નિવારણ કરશે. ચંદ્રને પણ આ પ્રમાણે તપ કરવા અનુરોધ કરજો.
ચંદ્રએ છ માસ સુધી તપ કર્યું. તેથી શિવે પ્રસન્ન થઈ કહ્યું, “ મહિનાના એક પક્ષમાં તારી કળા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુન: તે હંમેશાં અભિવૃઘ્ઘીને પામતી રહેશે.”
આ રીતે ચંદ્રના તપથી પ્રસન્ન થઈને શિવે તેનો ક્ષય મર્યાદિત કરી દીધો. દેવો અને ચંદ્રની પ્રાર્થના અનુસાર શિવજી જ્યોતિલિઁગ સ્વરૂપે આ પવિત્ર ક્ષેત્રમાં રહ્યા. ચંદ્ર અને રોહિણીએ જે શિવલિંગની પ્રતિષ્ઠા કરી આરાધના કરી હતી તે જ્યોતિલિઁગ બની ગયું. ત્યારથી ભગવાન શિવજી ‘સોમેશ્વર’ કહેવાયા અને ‘સોમનાથ’ તરીકે પ્રસિધ્ધિ પામ્યા. આ રીતે સોમેશ્વર લિંગનો પ્રાદુર્ભાવ થયો. જે મનુષ્ય શ્રી સોમનાથની ઉત્પતિની આ કથા સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સર્વ અભીષ્ટ ફળને પ્રાપ્ત કરી સર્વ દુ:ખથી મુક્ત થાય છે.
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિલિઁગ
દુ:ખ હિ દૂરતો યાતિ શુભમાત્યન્તિક લભેત્ ।
જનની ગર્ભસંભૂતં કષ્ટં નાપ્નોતિ વૈ પુન: ।।
અર્થાત શ્રી શૈલ શિખરનાં દર્શન કરવા માત્રથી જ સર્વ દુ:ખો દૂર થઈ જાય છે અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તેને મુક્તિ મળે છે અને પુન:જન્મ લેવાની જરૂરત રહેતી નથી.
કૈલાસમાંથી શંકર શા માટે શૈલ ઉપર પધાર્યા તેની કથા આ પ્રમાણે છે.
શિવજીના કહેવાથી કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા. કૈલાસમાં આવ્યા ત્યારે ગણપતિના વિવાહની વાત સાંભળી તેમને બહુ ખેદ થયો અને રિસાઈને દક્ષિણમાં ‘ ક્રૌચ ’ પર્વત પર ચાલ્યા ગયા. પાર્વતીજી અતિ દુ:ખી થયાં. શંકરે કાર્તિકેય પાસે દેવર્ષિઓને મોકલ્યા, પરંતુ કુમાર આવ્યા નહિ.
આખરે તેમને મનાવવા પાર્વતી અને શિવજી ક્રૌચ(શૈલ) પર્વત પર ગયાં. તેમેને ખૂબ જ સમજાવ્યા પરંતુ તેઓ શૈલ પર્વતથી ત્રણ યોજન દૂર જતા રહ્યા. આથી શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરી શૈલ પર્વત પર જ રહ્યા.
આ મલ્લિકાર્જુન જ્યોતિલિઁગ દક્ષિણ ભારતમાં તમિલનાડુ પ્રદેશમાં કૃષ્ણા નદીના તટ ઉપર શ્રીશૈલ પર્વત ઉપર આવેલા છે. પ્રસ્તુત પર્વત ‘ દક્ષિણના કૈલાસ ’ તરીકે પ્રસિધ્ધ છે. અહીં જે શિવપૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. આ જ્યોતિલિઁગનું અર્ચન-પૂજન શ્રધ્ધા અને ભક્તિપૂર્વક કરનારનું કલ્યાણ થાય છે. આ સ્થળ નૈસર્ગિક વાતાવરણથી સભર અને નયનરમ્ય છે.
શ્રી મહાકાલ – મહાકાલેશ્વર જ્યોતિલિઁગ
અયોધ્યા મથુરા , કાશી કાંચી અવંતિકા ।
પુરી દ્વારાવતી ચૈવ, સપ્તોતા મોક્ષ દાયકા ।।
‘ઉજ્જૈયનિ’ નગરી શિવજીને અત્યંત પ્રિય હતી. શ્રી મહાકાલી નગરી ઉજ્જૈન અથવા ‘ઉજ્જૈયનિ’ અવંતિ નામે જાણીતી છે. મધ્ય પ્રદેશમાં ક્ષિપ્રા નદીના તટ પર આવેલી આ ઐતિહાસિક અને પ્રાચીન નગરી છે. પવિત્ર સાત પુરિઓમાં તેની ગણના થાય છે.
અહીં શિવનું પ્રાગ્ટય થયેલું હોવાથી તે ‘મહાકાલ’ કહેવાય છે. જ્યોતિલિઁગના પ્રાગ્ટયની કથા આ પ્રમાણે છે.
આ નગરીમાં વેદપ્રિય નામનો એક બ્રાહણ રહેતો હતો. આ અગ્નિહોત્રી બ્રાહણ શિવપૂજામાં તલ્લીન રહેતો. તેણે ભગવાન શિવજીને પ્રસન્ન કરીને ચાર સુપુત્રો પ્રાપ્ત કર્યા હતા: દેવપ્રિય, પ્રિયમેઘા, સુવ્રત અને સુકૃત એમના ભક્તિભાવને લીધે સમગ્ર અવંતિ બ્રહતેજથી વ્યાપત બની ગઈ હતી. એ સમયમાં ‘ દૂષણ ’ નામનો દૈત્ય બ્રહા પાસેથી વરદાન પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તેણે વેદધર્મો અને સ્મૃતિધર્મોનો ધ્વંસ કરી નાખ્યો હતો. તેની નજર હવે અવંતિ નગરી પર હતી. આથી આ ચાર પુત્રોએ વિધિપૂર્વક શિવલિંગની પૂજા કરી. એ અરસામાં દૂષણ સૈન્ય સાથે આવ્યો. એ વખતે પાર્થિક શિવલિંગના સ્થાને પ્રચંડ અવાજ સાથે એક ખાડો થઈ ગયો. આ ખાડામાંથી વિકટ રૂપધારી ભગવાન શંકર પ્રગટ થયા, જે ‘ મહાકાલ ’ નામે પ્રસિધ્ધ છે.
શિવજીએ મહાકાલ સ્વરૂપે પ્રગટ થઈ દૂષણ દૈત્યનો સેના સહિત સંહાર કર્યો. આ ભગવાન શિવ ‘ મહાકાલેશ્વર ’ જ્યોતિલિઁગના નામથી ભૂતળ પર પ્રસિધ્ધ થયા. આ ત્રીજું જ્યોતિલિઁગ ગણાય છે.
શ્રી ઓમકારેશ્વર- મમલેશ્વર જ્યોતિલિઁગ
શ્રી ઓમકારેશ્વર જ્યોતિલિઁગ નર્મદા નદીની વચ્ચે વિધ્યમાન છે. સર્વ પાપનો નાશ કરનાર શિવનું ઓમકારમાં જે ચોથું જ્યોતિલિઁગ છે તેનું પ્રાગ્ટય આ પ્રમાણે છે.
એક સમયે દેવર્ષિ નારદ વિંધ્યાચલ પર્વત ઉપર ગયા. વિંધ્યાચળે નારદજીનું પૂજન કરી કહ્યું, “ મારે ત્યાં સઘળું ઐશ્વર્ય છે. હું ઘણો જ સુખી છું”
“ પરંતુ એક ખામી છે. તમારી ઊંચાઈ ઓછી છે. મેરુ પર્વત તમારા કરતા ઘણો ઊંચો છે.” નારદે કહ્યું.
આથી વિંધ્યાચળે પાર્થિવ લિંગ બનાવી શંકરની આરાધના સાથે છ મહિના તપ કર્યું. શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું.
“ મને જે ઈચ્છા થાય તે ઈચ્છાને સિદ્ધ કરનારી ઉત્તમ બુદ્ધિ આપો. ” શિવજીએ તથાસ્તુ કહ્યું.
આ સમયે દેવો તથા ઋષિમુનિઓએ ત્યાં આવી શિવજીની પૂજા કરી. પછી પ્રાર્થના કરી કે, “ આપ હવે આ જ સ્થળે રહો.”
અહીં ઓમકારનું જે લિંગ એક જ હતું તે બે પ્રકારે બની ગયું. એક પ્રણવ ઓમકારમાં રહ્યું અને બીજું ઓમકાર નામના સદાશિવરૂપ થયું. એક ઓમકારેશ્વર નદી વચ્ચે માંધાતા ઉપર છે અને બીજું અમલેશ્વર નદીના દક્ષિણ કિનારા ઉપર છે. ઓમકારમાં ત્રણ માત્રા છે તેમ આ પવિત્ર સ્થળે ત્રણેય દેવ સાથે રહ્યા છે: 1) શિવપુરી 2) બ્રહાપુરી અને, 3) વિષ્ણુપુરી. આ બંને શિવલિંગો ભાવિક ભકતોને ઈચ્છિત ફળ આપનારાં અને મોક્ષદાયી છે.
શ્રી કેદારેશ્વર જ્યોતિલિઁગ
નગાધિરાજ હિમાયલ પર આવેલા શ્રી કેદારેશ્વર જ્યોતિલિઁગનું માહાત્મય અનોખું છે. તે સર્વ પાપનો નાશ કરનાર અને મોક્ષ આપનાર છે.
શ્રી વિષ્ણુ બે અવતાર થયા: નર અને નારાયણ ત્યારે તેમણે બદરિકાશ્રમમાં તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. ‘હે દેવેશ્વર ! આપ જો પ્રસન્ન થયા હો તો આપ સ્વયં પોતાને સ્વરૂપે પૂજન માટે આ સ્થળે જ વસો.’
આથી ભગવાન શિવજી પ્રસન્ન ચિત્તે હિમના સ્થાનરૂપ કેદારક્ષેત્રમાં જ્યોતિલિઁગ સ્વરૂપે વસી રહ્યા. આ પાંચમું જ્યોતિલિઁગ ગણાય છે.
આ મંદિર મંદાકિની નદીના તટે આવેલું છે. અહીનું શિવલિંગ કંડાર્યા વિનાનું એક શિલા સ્વરૂપે છે. ગિરિરાજ હિમાલયમાં ‘પંચકેદાર’ કહેવાય છે. કારણ કે, મહિષ રૂપધારી મહાદેવજીના જુદા-જુદા અંગો અહીં પ્રતિષ્ઠિત થયાં છે. પ્રથમ કેદારનાથમાં પૃષ્ટભાગ અને મસ્તક છે. બીજા કેદાર મદમહેશ્વરમાં નાભિ છે. ત્રીજા કેદાર તુંગનાથમાં હાથ છે. ચોથા કેદાર રુદ્રનાથમાં મુખારવિંદ છે અને પાંચમાં કેદાર કલ્પેશ્વરમાં જટા છે. અહીં કેદારનાથમાં શિવજીનું સાંનિધ્ય રહેલું છે.
શ્રી ભીમશંકર જ્યોતિલિઁગ
સહાદ્રિ પર્વતોની હારમાળામાં ‘ભીમા’ નદીના મૂળ પાસે ‘શ્રી ભીમશંકર જ્યોતિલિઁગ ’ બિરાજમાન છે. ભગવાન શિવજીએ ત્રિપુરાસુરનો વધ કરી અહીં આરામ લીધો હતો. તે સમયે અહીં ‘ભીમક’ નામનો રાજા તપશ્વર્યા કરતો હતો. તેના પર પ્રસન્ન થઈ શિવજીએ તેને દર્શન આપ્યા અને તેની ઈચ્છા અનુસાર ત્યાં જ્યોતિલિઁગ સ્વરૂપે બિરાજમાન રહ્યા.
બીજી કથા એવી છે કે, અહીં સુતીક્ષણ નામે રાજા થઈ ગયો. તે અગત્સય ઋષિનો શિષ્ય હતો. કુંભકર્ણનો પુત્ર ભીમાસુર ઘણો બળવાન હતો. તેણે સુતીક્ષણને હાર આપી હતી, સુતીક્ષણે શિવની આરાધના કરી. શિવજીએ તેને વિરાટસ્વરૂપે દર્શન આપી ભીમાસુરને ધ્વંસ કર્યો. રાજાની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં જ્યોતિલિઁગ સ્વરૂપે સ્થિર થયા. ભીમાસુરનો ભગવાને સંહાર કર્યો તેથી તે ‘ભીમશંકર’ કહેવાયા. આ સ્થળ ગૌહત્તી પાસે આવેલ છે અને બીજું સ્થાનક નૈનિતાલ પાસે પણ બતાવાય છે.
શ્રી કાશીવિશ્વનાથ જ્યોતિલિઁગ શ્રી વિશ્વેશ્વર
કાશી વિશ્વનાથ જ્યોતિલિઁગનું માહાત્મ્ય અતિ ઉત્તમ અને કલ્યાણકારી છે. કાશીનગરી શિવજીનું ગૌપ્ય ક્ષેત્ર ગણાય છે. અહીં શિવનું જ્યોતિલિઁગ સ્વરૂપે સ્થાપન થયું છે. આ મહાપવિત્ર કાશી ક્ષેત્રમાં સર્વ વર્ણ અને સર્વ આશ્રમના લોકો મૃત્યુ પામે તો સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષગતિને પામે છે. સ્ત્રીઓ માટે પણ એવું જ છે. કોઈ પણ સ્ત્રીને અવશ્ય મોક્ષ મળે છે. આ ક્ષેત્ર ‘ અવિમુક્ત ’ કહેવાય છે.
જ્યોતિલિઁગ જેમ ધર્મનો સાર સત્ય છે, મોક્ષનો સમતા છે તેમ જ સર્વ તીર્થ ક્ષેત્રોનો સાર અવિમુક્ત કાશીતીર્થ છે. જે ભાવિક મનુષ્ય શુદ્વ ભાવનાથી કાશીક્ષેત્રમાં જઈ ગંગાસ્નાન કરે છે. તેના ક્રિયમાણ અને સંચિત કર્મનો લય થાય છે. આ કાશીક્ષેત્રમાં મૃત્યુ પામેલાનો પુનર્જ્ન્મ થતો નથી. શ્રી કાશીવિશ્વનાથનું માહાત્મય સાંભળનાર પણ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે.
અહીં શ્રી વિશ્વેશ્વર ભગવાન બિરાજે છે. કાશીપુરનો કદી લય થતો નથી. કારણ કે શિવજી તેને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી રાખે છે. મુક્તિપુરી કાશીને શિવની ‘ રાજધાની ’ નગરી કહેવામાં આવે છે.
રિંપુજય યાને દિવોદાસ રાજાને આશુતોષે પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું અને કાશીમાં પધારી નિવાસ કર્યો હતો. ત્યારથી ભગવાન આશુતોષ જ્યોતિલિઁગ સ્વરૂપે કાશીમાં બિરાજી સ્થિર થયા છે.
શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિલિઁગ
નાશિક નજીક આવેલા ત્ર્યંબકેશ્વર તીર્થ પાસે બ્રહાગિરિ પર્વત છે. આ પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે. ઉત્તરમાં ભગીરથે ગંગાનું અવતરણ કર્યુ અને દક્ષિણમાં ગૌતમ ઋષિએ ગોદાવરીનું અવતરણ કર્યુ.
ત્ર્યંબકેશ્વર જ્યોતિલિઁગ મંદિરમાં ત્રણ લિંગો વિધ્યમાન છે. આ ત્રણેય બ્રહા, વિષ્ણુ અને મહેશનાં પ્રતીક ગણાય છે. તેથી ત્ર્યંબકેશ્વર તરીકે પ્રખ્યાતિ પામ્યું છે.
શિવજી પાસે ગૌતમે ગંગાની માગણી કરી. શિવજીની ઈચ્છા અનુસાર ગંગાજળ સ્ત્રીરૂપે પ્રકટ થયું. શિવે તેમને આજ્ઞા કરી કે “ હે દેવી ! તમે ગૌતમ મુનિને પવિત્ર કરો અને પછી અઠાવીસમો વૈવસ્વત મનુ થાય અને જ્યાં સુધી કલિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું. તમારું માહાત્મય અભિવૃદ્વિને પામશે.
દેવો તથા ગૌતમ મુનિએ બંનેએ રહેવા માટે પ્રાર્થના કરી ત્યારે શિવજી તથા લોકમાતા ગંગા બંને ત્યાં પ્રેમથી રહ્યા. એ જ ગંગા ‘ ગોમતી ’ કહેવાયા અને એ જ શિવલિંગ ‘ ત્ર્યંબકેશ્વર જ્યોતિલિઁગ ’ નામે પ્રખ્યાત થયું, જે આઠમું જ્યોતિલિઁગ ગણાય છે. તેનું પૂજન કલ્યાણકારી છે.
શ્રી વૈધ્યનાથ-બૈજનાથ જ્યોતિલિઁગ
દક્ષિણ ભારતમાં આંધ્ર રાજ્યમાં પરલી વૈજનાથ નામે નગર આવેલું છે. રાવણે કઠોર તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. રાવણે બે કર જોડી કહ્યું: “ હૈ દેવેશ્વર ! મારી ઈચ્છા આપને લંકા લઈ જવાની છે, માટે આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો.”
શિવજીએ કહ્યું હું ત્યાં નહીં આવું, પણ આ શિવલિંગ ઉત્તમ સારવાળું હોવાથી તેને તું લઈ જા. તેને જો ભૂમિ ઉપર મુકીશ તો તે ત્યાં જ સ્થિર થઈ જાશે.
રાવણ શિવલિંગ લઈને લંકા જવા રવાના થયો. પરંતુ માર્ગમાં તેને શિવજીની માયાને લીધે લઘુશંકાની ઈચ્છા થઈ. માર્ગમાં તેણે ગોવાળિયાને જોયો. તેને પોતાની પાસેનું શિવલિંગ રાખવા આપ્યું. પરંતુ આ ગોવાળિયો શિવલિંગના ભારથી અકળાઈ ઊઠયો અને તેણે શિવલિંગને ભૂમિ પર મૂકી દીધું. આથી એ જ સ્થળે શિવલિંગ સ્થિર થઈ ગયું.
પેલો ગોવાળિયો તો ત્યાંથી નાસી ગયો. રાવણે આવીને જોયું તો શિવલિંગ જમીન પર હતું. ઉપાડવા માટે તેણે અથાગ પ્રયત્ન કર્યો પણ તેની કારી ફાવી નહિ. એ શિવલિંગ શ્રી વૈધ્યનાથેશ્વર જ્યોતિલિઁગ નામે ત્રણેય ભુવનમાં પ્રસિદ્વ થયું. આ શિવલિંગ નવમું જ્યોતિલિઁગ ગણાય છે.
શ્રી નાગેશ્વર જ્યોતિલિઁગ
સૌરાષ્ટ્રમાં દ્વારકાથી બેટ તરફ જતાં શ્રી નાગેશ્વરનું મંદિર આવે છે. સુપ્રિય નામે વૈશ્ય ભક્ત હતો. તેણે શિવજીને પ્રાર્થનાકરી કે, “હે દેવ ,આ દુષ્ટ દારૂક રાક્ષસથી મારી રક્ષા કરો.” વૈશ્યની પ્રાર્થના સાંભળી ભગવાન શિવજી જમીનના પોલાણમાંથી ચાર દરવાજાવાળા ભવ્ય મંદિર સહિત પ્રગટ થયા.
વૈશ્યે હર્ષવિભોર બની પૂજન કર્યું. શિવજીએ પ્રસન્ન થઈ તેને પશુપતાસ્ત્ર નામનું અસ્ત્ર આપ્યું. શિવજીએ આ દારૂઅકાવનને વરદાન આપ્યું કે, આ વનમાં સર્વકાળ વર્ણોના ધર્મો રહો અને મુનિઓ વાસ કરો.
અહીં રાક્ષસો વસતા હતા. દારૂકા રાક્ષસી પાર્વતીની ભક્ત હતી. તેણે પોતાના વંશની રક્ષા કરવા વિનંતી કરી. પાર્વતીની ઈચ્છા જાણી શિવજીએ કહ્યું : હે ઊમે ! હું ભક્તોનું રક્ષણ કરવા આ વનમાં રહીશ. પોતાના વર્ણધર્મમાં રહેલો જે મનુષ્ય અહીં મારું પ્રેમપૂર્વક દર્શન કરશે તે ચક્રવર્તી થશે. શિવ-પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહ્યાં. એ બંને જ્યોતિલિઁગ સ્વરૂપે થયા. શિવજી ‘નાગેશ્વર’ નામે અને શિવા ‘નાગેશ્વરી’ નામે પ્રસિધ્ધ થયાં. આ દસમું જ્યોતિલિઁગ ગણાય છે.
શ્રી રામેશ્વર જ્યોતિલિઁગ
દક્ષિણ ભારતમાં સુવિખ્યાત શિવમંદિર રામેશ્વરના જ્યોતિલિઁગનું છે. શ્રી રામેશ્વર જ્યોતિલિઁગ ઉપર ગંગાજળ ચડાવવાનું માહાત્મય ઘણું છે, શ્રી રામે વેળુની લિંગમૂર્તિ બનાવી શિવનું પૂજન કર્યું હતુ. શિવજીએ પ્રસન્ન થઈ લંકા વિજય માટે વરદાન આપ્યું હતું. શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાર્થનાથી શિવજી અહીં જ્યોતિલિઁગ સ્વરૂપે વિરાજ્યા હતા. તુલસીદાસજીએ આ તીર્થનો મહીમા ગાયો છે.
જે રામેશ્વર દરસનુ કરિહહિ, તે તેનુ તજી મમ લોક સિધરિહહિં |
જો ગંગાજ્લુ આગ્નિ ચઢાઈહિ, સો સાયુજ્ય મુક્તિ નરુ પાઈહિ ||
શ્રીરામે રાવણ સાથેના યુધ્ધમાં પોતાનો વિજય થાય એવી ઈચ્છા વ્યક્ત કરી તેથી મહેશ્વરે કહ્યું :” હે રામ ! તમારો સર્વત્ર જય થાઓ.” શ્રી રામે પુન:શિવને પ્રાર્થના કરી, “ હે સ્વામીન ! લોકોના કલ્યાણઅર્થે આપ અહીં જ બિરાજો.” આથી શિવ લિંગરૂપ થઈ ગયા.અને શ્રી રામેશ્વર જ્યોતિલિઁગ નામે પ્રસિધ્ધ થયા. આ અગિયારમું જ્યોતિલિઁગ ગણાય છે.
શ્રી ઘુશ્મેશ્વર-ઘુનેશ્વર જ્યોતિલિઁગ
મધ્ય પ્રદેશમાં દોલતાબાદ સ્ટેશનથી બાર માઈલ દૂર વેરુલ ગામ નજીક ઘુશ્મેશ્વર જ્યોતિલિઁગ આવેલું છે. આ જ્યોતિલિઁગ પ્રાદુર્ભાવની કથા એવી છે કે, પ્રાચીન સમયમાં આ પવિત્ર સ્થળે સુશર્મા નામનો એક બ્રાહણ રહેતો હતો. પત્નીનું નામ હતું સુદેહા. તેમને નિ:સંતાનપણાનું દુ:ખ હતું. સુદેહાની સંમતિથી તેના પતિએ સુદેહાની નાની બહેન ઘુશ્મા સાથે લગ્ન કર્યા. શિવની કૃપાથી ઘુશ્માએ પુત્રને જન્મ આપ્યો. સુદેહાએ ઈર્ષ્યાને લીધે પુત્રને મારી નાખ્યો, ને તેના ટુકડા સરોવરમાં નાખી દીધા. ઘુશ્મા શિવનો મહિમા જાણતી હતી તેથી તે જરા પણ વ્યથિત થઈ નહિ.
એક દિવસ તેણે પુત્રને સરોવર કાંઠે જોયો. શિવે પ્રસન્ન થઈ પોતાના પુત્રને સજીવન કર્યો હતો. એ જ વખતે ત્યાં શિવ પ્રકટ થયા. જયોતિસ્વરૂપ મહેશ્વર સંતુષ્ટ થઈ તેને વરદાન માગવા કહ્યું. ઘુશ્માએ કહ્યું: “ હે દેવેશ્વર ! આપ પ્રસન્ન થયા હો તો આ સ્થળે મારા નામે વાસ કરો. આથી શિવજી લિંગરૂપે થઈ ઘુશ્મેશ્વર જ્યોતિલિઁગ નામે પ્રસિધ્ધ થયા, જે બારમું જ્યોતિલિઁગ ગણાય છે.
ઘુશ્માએ મોટી બહેન સુદેહાને ઉદારતાપૂર્વક ક્ષમા આપી. ભગવાન શંકર ભક્તવત્સલ છે. ભક્તો પર પ્રેમ રાખનાર છે.
જે મનુષ્ય ઉપર્યુક્ત 12 જ્યોતિલિઁગ કથાનો પાઠ અથવા શ્રવણ કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે અને મોક્ષગતિને પામે છે.