બાળપણ અને યુવાની, આપણો એક એવો વૈભવ કે જેનાથી આપણે આ ભવમાં તો છૂટી નથી જ શકતા ને છૂટવા પણ નથી માગતા . બાળપણની વાતો યાદ આવે એટ્લે જાણે બધી જ યાદોનો મોટો કાફલો હ્રદયમાંથી મન ને મનમાંથી બહાર દોડ્યા જ કરે જાણે અનંત આકાશમાં ...બચપણને એ મૂળિયાં આપણામાં અકબંધ સચવાયેલા જ રહે છે . ને ક્યારેક આવી જ વાતો યાદ આવતા મનોમન મલકાઈ જવાય છે અને આપણાં પોતાના જ પરાક્રમોને યાદ કરીને હસી લેવાય છે . આ હાસ્ય કયારેક એવું ખડખડાટ હોય કે એમ થાય કે આવું તો ક્યારેય ‘હસ્યા ‘ જ નથી . આવી કેટલીયે યાદો કે પ્રસંગો બધાનાના જીવનમાં એક મજાનું સંભારણું બનીને બેઠા હોય છે . ક્યારેક ક્યારેક આવી યાદોનો પટારો ખૂલે છે અને ‘ સીમ સીમ ખૂલ જા ‘ ની જેમ જ એમાંથી એક પછી એક યાદોનો જીન બહાર આવે છે . બસ આજે એવી જ એક યાદ . ... અથવા એમ કહો કે યુવાનીના દિવસોમાં કરેલ પરાક્રમો ....એ દિવસોમાં અમારા ગામમાં કોલેજ જ ન હતી એટ્લે આગળના અભ્યાસ પછી ફરજીયાત બહાર ભણવા જ જવું પડતું ને રાજકોટથી ૨૬ કિલોમીટરના અંતરે આવેલું મારૂ ગામ એટ્લે બધા જ વિદ્યાર્થીઓએ રાજકોટ ભણવા જવું પડે અને એટ્લે જ અપડાઉન કરવું પડે . મારે ભણવા ઉપરાંતના ઈતર પ્રવૃતિના ક્લાસ વધારે એટ્લે મારા નાનાજી ને મામાનો આગ્રહ કે હું એમને ત્યાં જ રહીને ભણું . એટ્લે હું રાજકોટ જ રહીને ભણતી. શનિવાર- રવિવારની રજાઓમાં ઘેર જાઉં. મારા અભ્યાસમાં મેં થોડો મોટો ઠેકડો મારેલો એટ્લે ૭ વર્ષની વયે હું ૪ ધોરણમાં ભણતી હતી ને એટ્લે મારી બહેનપણીઓ બધી મારાથી લગભગ ૩ કે ૪ વર્ષ મોટી હતી . એટલે બહેનપનીઓ કરતાં એમની નાની બહેનો સાથે વધુ ફાવતું . આમ તો રજામાં જ ઘેર જતી એટલે બધી બહેનપણીઓને મળવાનું થતાં તેઓ મને વાત કરતાં હતા કે અપડાઉનમાં કોઈ છોકરો બહુ બદમાશ છે ! મેં પૂછ્યું કેમ ? તો કહે બસમાં સૌથી છેલ્લો ચડે છે ને બધાને અડતો અડતો છેક છેલ્લે જાય છે . હવે જ્યારે વિદ્યાર્થીઓનાં સમયે બસ આવતી હોય તો સ્વાભાવિક એ બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જ હોવાની ને એ બસ ને જો જવા દે તો સ્કૂલ કે કોલેજનાં લેકચર છોડવા પડે . આ દ્વિધામાં જ બધી છોકરીઓ આ ત્રાસ ' સહન ' કરીને પણ જતી એ જ બસમાં . બીજી વાત ત્યારે વાહન વ્યવહારની એટલી સગવડ પણ નહોતી એટલે ફરજિયાતપણે આજ બસમાં મુસાફરી કરવી જ પડતી . હું એમને કહેતી કે , એક વખત એને ખુલ્લો પાડો બધાની સામે અથવા કોઈ મોટા છોકરાઓને વાત કરો . પણ ના ..ત્યારે એ વખતે આવી કોઈ જ હિંમત એ બહેનપણીઓમાં નહોતી ..અથવા એમ કહીયે કે આવી હિંમત કરીને તે કોઈને ‘ આંખે’ ચડવા માગતી ના હોય એવું પણ બને .
ખેર રજાઓમાં હું ઘેર આવી . સોમવાર આવ્યો ને પાછી હું રાજકોટ આવવા તૈયાર થઈ . મારી કોલેજ બપોરની હતી પરંતુ મેં સવારમાં મારી બીજી બહેનપણીઓ સાથે જ જવાનું નક્કી કર્યું . મનોમન નક્કી કરેલું કે જોઉ તો ખરી એ છોકરો ક્યો છે ને કેવી રીતે આ છોકરીઓને હેરાન કરે છે ..ને બની શકે તો કોઈ પણ રીતે આમાંથી કઈક માર્ગ તો કાઢી જ શકીશ . આવા વિચારો પાછળનું કારણ , મારો ઉછેર એકદમ સરસ વાતાવરણમાં મારા શિક્ષક માતા પિતાના હાથે થયેલો . વાંચનનો પૂરો પ્રભાવ મારામાં પહેલેથી જ હતો કે અન્યાય સહન કરવો જ નહીં ,કોઈ ખરાબ પરિસ્થિતીને આધિન નહીં જ થવાનું ... ક્યારેય કોઈ હેરાન કરે તો પૂરો વિરોધ કરવાની મારી તાકાત હતી અને મનોબળ પણ હતું . મારા મમ્મી પપ્પા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા એજ સ્કૂલની બાજુમાં બસસ્ટેન્ડ હતું ...ત્યાં પહોંચી વિચાર કર્યો કે આ છોકરાનું કરવું શું ? ત્યારે ખુલ્લા પાડવાની હિંમત મારામાં તો હતી જ પરંતુ બીજી છોકરીઓનાં માબાપને જો ખબર પડે તો બિચારીનું ભણવાનું બંધ કરાવી જ દે એ નક્કી ..એટલે ખૂબ વિચાર કરીને જ કોઈ પણ પગલું ભરવાનું હતું . ને એવામાં મને એક વિચાર આવ્યો સીધી સ્કૂલે ગઈ ,પટ્ટાવાળા ભાઈ ને કીધું થોડી ટાંકણીઓ આપો ને ..! એ લઈ લીધી ....રાબેતા મુજબ બસ આવી અમે બધા સાથે ચડ્યા ને પછી એની આદત મુજબ સૌથી છેલ્લે ચડ્યો પેલો હેરાન કરતો છોકરો .....!
એ ચડ્યો તો ખરા પણ છેલ્લે સુધી પહોંચતા સુધીમાં તો આ ..ઉં ...અરે ...લે નાં ફૂસફૂસિયા અવાજ કરતો માંડ માંડ પાછળ પહોંચ્યો . બીજા છોકરાઓએ તેને પૂછ્યું પણ ખરું કે , ‘હે ! અલ્યા તને થયું છે શું ? ‘ કેમ આવા અવાજો કરે છે ??? પણ શું જવાબ દે ? હા તો એના આવા અવાજો કરવાનું કારણ એ જ કે , એ ટાંકણીઓ મેં બધાના હાથમાં પકડાવી હતી ને જ્યાં એ 'અડવા ' આવે ત્યારે એ નાજુક હાથમાં રહેલી ટાંકણીઓ કેટલાય દિવસનું ખુન્નસ કાઢતી હતી ..ગર્દી એટલી હોય કે એ 'બિચારો' પારખી પણ ન શકે કે ક્યાંથી આ સોઈનાં ઘા વાગે છે ને બોલે તો કેવી રીતે બોલે ?
બસ ત્યારથી એ 'છોકરો ' આવતો બંધ થઈ ગયો ...હા એક ખુલાસો કે એ વિદ્યાર્થી ન હતો પરંતુ કામનાં કારણે અપડાઉન કરતો હતો.
આ વાતને લગભગ ૨૦થી ૨૨ વર્ષ થયા હશે .....! એટલે કે એ છોકરામાંથી 'મોટા ભાઈ 'બની ગયા... એ ભાઈ કડિયા કામ કરતાં કરતાં તેને સરસ કારીગર બની ગયા . અમે લોકો ઉજ્જૈનથી અમારા ઘરમાં રહેવા આવ્યા . રિનોવેશન માટે રાજકોટનાં જ ઓળખીતા ભાઈએ કોઈને મોકલવાનું નક્કી કર્યું .ક્યારે અને કેટલું કામ ક્યાં દિવસે કરવું એ બધુ જ નક્કી થઈ ગયું એ ભાઈ આવવાના હતા એના પહેલા અમારું સરનામું આપવામાં આવ્યું ને બસ ધડ દઈને ના પાડી દીધી !!!! પેલા અમારા ઓળખીતા ભાઈ કહે કે અરે ! ભાઈ વાંધો ક્યાં છે તને ?? પહેલા હા પાડી ને પછી ના પાડે છે . ... ? આટલું બધુ નક્કી કર્યું ત્યારે કઈ નહીં અને હવે તું ના પાડે છે એ કેમ ચાલે ? મહેતાસાહેબની દીકરીને ઘેર જ જવાનું છે તો યે કેમ ના પાડે છે ? છતાં પણ એ ના આવ્યો તે ના જ આવ્યો નાતે પેલા ભાઈનો મને ફોન આવ્યો કે એ કારીગર આવવાની ના પાડે છે શું કરવું ? અમેં કીધું કેમ ? આટલું બધુ નક્કી કરીને પછી કેમ ના પાડે છે ? કોણ છે એ ? હું ઓળખું છું ખરી ? ને તેને નામ આપ્યું પહેલા તો મને ટ્યુબલાઇટ ન થઈ પણ પછી તો હે રામ :) અને તે કારીગર ન આવ્યો તે ન જ આવ્યો ......કારણ જણાવવાની જરૂર ખરી ? પેલી સોઈના ઘા વાગ્યા હતા એનું સરનામુ એને મળી ગયેલું ....પેલા ટાંકણીઓનાં ' ઘા ' એને હજુ પણ દૂઝતા હતા .