બે લઘુકથાઓ Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

બે લઘુકથાઓ

લધુવાર્તાઓ

હિના મોદી

વેધક પ્રશ્ન

(‘પરંતુ... ઝાંખીના દિલોદિમાગ પર એક વેધક પ્રશ્ન છવાયેલો રહ્યો કે.....’)

ઝાંખીએ અતિ મૃદુ સ્વરે, સ્વભાવે શાલીન પરંતુ અતિ વ્યસ્ત એવાં પતિ દેવમને કહ્યું “હેલો દેવમ! જીવનના આ તબકકે મારે તમારી સાથે કેટલીક અંતરંગની વાતો કરવી છે. તો, તમે તમારો સમય મને ફાળવી આપશો?”

“”હા, હું ચોકકસ સમય આપીશ, અને હા, તારું લાંબુલચક લેકચર નહીં. ટુ ધી પોઈન્ટ વાત કરીશું. આવતા મહિનાની સાતમી તારીખે વી વીલ મીટ.” કહી દેવમ પોતાના કંપની પ્રોજેકટ માટે ચાઈના જવા રવાના થયા. ઝાંખીએ મનમાં ગણગણાટ કર્યો. ‘આ માણસ કયારે કંઈક સમજી શકશે? આમ તો આઈ.કયુ ઘણો હાઈ છે. પરંતુ ઈમોશનલ કવોસન્ટ અને સોશિયલ કવોસન્ટ નોર્મલ લેવલમાં હોય તો જીંદગી ધન્ય બની જાય. વેલ, સત્તર દિવસ પછીની એપોઈન્ટમેન્ટ તો મળી! આ વખતે ધાર્યા કરતાં વહેલાસર એપોઈન્મેન્ટતો મળી હાશ, ૯૦ ટકા તો અહીં જ બેડો પાર ઉતર્યો.”

સત્તર, સોળ, પંદર... દિવસ ગણાતાં ગયા આજે એ દિવસ આવી પહોંચ્યો જેનો ઝાંખીને બેહદ ઈંતેજાર હતો. પરંતુ આ શું થઈ રહ્યું છે! ઝાંખી ઊંઘમાંથી સફાળી જાગી ગઈ. “શું આજે એ જ દિવસ જેની હું રાહ જોઈ રહી હતી. દેવમ સાથે વાત છેડું કે નહીં છેડું? વાતની શરૂઆત કઈ રીતે કરીશ? હું પોતે જ આ વાતથી ખુશ છું કે નહીં? મારો પોતાનો નિર્ણય શું છે? દીકરીને સાસરે વળાવવી એ તો દરેક મા માટે ખુશીની વાત છે. છતાં હું અંદરથી કેમ ગભરાઉં છું!’ વિચારોના વમળોમાં ઝાંખી વિહવળ થઈ ગઈ. “પાંપણની પલકો પર ઉછરેલી દીકરીની સાસરામાં હરપળ અગ્નિપરીક્ષા લેવાતી હોય. એના આત્મસન્માનને વારંવાર ઠેસ પહોંચતી હોય તો પણ દીકરીને સાસરે વળાવવી જ પડે! હ્રદયનાં તાણાં વાણાં સમાન દીકરી બીજાને સોંપી દેવી! આ તે કેવો સામાજીક અન્યાય!?” ઝાંખીએ પોતાની જાતને ટકોરતા કહ્યું- અરે! આ તું શું વિચારી રહી છે? કમ ઓન ઝાંખી, કમ ઓન. આને જ જીવન કહેવાય. આ જ તો સંસારચક્ર છે. વિચારોનાં વમળોમાં ગાંડી થયા વિના ઊભી થા. તારે મા તરીકેની ફરજ, કર્તવ્ય પૂર્ણ કરવાનો સમય આવી ચૂકયો છે. દિલ-દિમાગથી દ્ધિઘા વચ્ચે ઝાંખી પુનઃ સ્વસ્થ થઈ ગઈ.

દેવમ આવી પહોંચ્યા, “હાય ઝાંખી! તારી મીટીંગનો એજન્ડા શું છે?” ઝાંખીએ વાતનાં શ્રીગણેશ કર્યા. “જુઓને દેવમ! જોતજોતમાં આપણાં લગ્નના પચ્ચીસ વર્ષ પૂર્ણ થયાં અને આપણી દીકરી હૂંફ પણ ચોવીસની થઈ ગઈ. હું જાણું છું કે મારા કરતાં તમે જ હૂંફના હિતમાં વધારે વિચારો છો. સમજો છો, પ્લાન કરો છો. પણ... હવે એનાં લગ્ન વિશે પણ વિચારવું જોઈએ. દરેક કાર્ય યોગ્ય સમયે થાય એ જ સારું.”

દેવમ બોલ્યા ઝાંખીની વાતને હસી કાઢી અને બોલ્યાં “ઝાંખી! તું હૂંફની બાબતે પહેલેથી જ અલ્ટ્રા સેન્સિટીવ છે. હૂંફનાં જન્મના દિવસથી એના લગ્નની તૈયારી શરૂ કરી દીધેલ. પરંતુ, ઝાંખી હવે જમાનો બદલાયો છે. હજુ તો આપણી દીકરી હૂંફે માસ્ટર્સ કરવાનું, કરિયર બનાવવાનું... હજું ઘણું કરવાનું બાકી છે. ફકત લગ્ન જ જીવન નથી. જીવનમાં ઘણાં ધ્યેય પાર કરવાના હોય છે. એને એની રીતે આગળ વધવા દે.’ ટૂંકીને ટચ વાત કરવાવાળા દેવમે આજે પહેલી વખત વાતમાં રસ લીધો તેમણે વાત આગળ વધારી. જો ઝાંખી પતિપત્નીના જોડાં તો ભગવાને બનાવેલ હોય. જો ને, ઝાંખી - દેવમની અદભૂત જોડી! સમાજમાં બધાને પ્રતીતિ કે ઝાંખી અને દેવમ એટલે ઝાંખી અને દેવમ ! કેવું અદભૂત દંપતિ! બસ એવું જ આપણી હૂંફનું પણ હશે. આપણી હૂંફ માટે સાત અસવારે દેવનાં દીધેલ જમાઈ આપણું બારણું ખટખટાવશે. મને વિશ્વાસ છે મારી દીકરીને મારો જમાઈ હ્રદયમાં બિરાજમાન કરશે અને સાક્ષાત લક્ષ્મી નારાયણનું જોડું બનશે.”

આજે તો ઝાંખીએ હિંમત ભેગી કરી કહી જ નાખ્યું “દેવમ! હું તમને કેવી રીતે સમજાવું કે સામાજીક સ્તરની આપણી પ્રતિષ્ઠા એ ફકત મારા લેટ ગો અને કોમ્પ્રોમાઈઝ નેચરને કારણે છે. બાકી... તમારા વાણી વર્તનથી મારો આત્મા અનેક વખત ઘવાયો છે. અને ફક્ત હું જ નહીં દુનિયાની દરેક સ્ત્રીની આ જ હાલત હોય છે જે તમે પુરુષો નહીં સમજી શકો. અરે હૂંફની જ નહીં મને તો દુનિયાની દરેક દીકરીઓ માટે વેદના થાય છે. દેવની દીધેલ દીકરી, મા-બાપનાં હદયનો ટુકડો જયારે કોઈની પત્ની બને ત્યારે એમનાં આત્માને સન્માનિત કરી શકે એવો પુરુષ અવતર્યો છે ખરો? ભગવાન પોતે જ સ્ત્રીનું સન્માન કરી શકે એવા પુરુષ બનાવવાનું ભૂલી ગયા હશે!!!”

થોડાં કડક અને મિજાજી અવાજે દેવમ બોલ્યા “બસ, બધી જ સ્ત્રીઓ રોતલ જ હોય. ગમે તેટલું સારી રીતે રાખે તો પણ અસંતોષી રહેવાના. તમે સ્ત્રીઓને શેની ઉણપ કે તમારો આત્મા ઘવાય? આ તો અમારા પુરુષવર્ગ પર તમારો ઈમોશનલ અત્યાચાર છે.”

ઝાંખીએ પણ મનમાં ગાંઠ વાળી જ લીધી આજે તો મનની થોડી વાતો કરી જ લેવી છે. ‘દેવમ! જીવનની જરૂરિયાતનાં લીસ્ટમાં ફક્ત વસ્તુઓ જ ન હોય. એ ઉપરાંત પણ પ્રેમની વાચા, આંખોની ભાષા, લાગણીના પૂર, સમજણનાં સૂર, એક-મેકને ટેકે ટેકે....”

ઝાંખીની વાત અટકાવતા બદલાયેલા મિજાજે દેવમ બોલ્યા. “આ બધા સાહિત્યિક શબ્દોની યાદી તારી પાસે જ રહેવા દે. મને પણ ઘણુંય સમજાતું હોય છે. જેમ ભગવાન શિવજીએ એમનાં જમાઈરાજ પાસે લગ્નમંડપમાં વચન લીધેલું એવું જ વચન હું પણ મારા જમાઈરાજ પાસેથી લઈશ કે મારી દીકરીના આત્માને કયારેય ઠેસ પહોંચાડવાની નહી. હર પલ એને સન્માન આપવું.” મેં પણ દુનિયાદારી જોઈ છે હું કંઈ આમ જ મારી દીકરીને કોઈના હાથમાં નહીં સોંપી દઉં.

“દેવમ! એક પિતા તરીકે તમે હંમેશા શ્રેષ્ઠ રહ્યા છો એનો મને ગર્વ છે. પણ મારી જે ફરિયાદ છે તે એ છે કે સ્ત્રીનાં ‘એસ્ટીમ’નું શું? સભ્ય સમાજનાં દરેક પુરુષ સમજુ, શિક્ષિત અને સંસ્કારી હોવાના જ. એ દરેક દરજજાને ન્યાય આપી શકે છે અને શોભાવી પણ જાણે છે. પણ જયારે પોતાની પત્ની સામે પતિના વેશમાં હોય છે ત્યારે તેનું ‘પુરુષપણું’ છતું થયા વિના રહેતું નથી. પુરુષ તરીકે તેમનો અહમ છાપરે ચઢી પોકારે છે, સ્ત્રીનું ‘હોવાપણું’ તેને ઘાયલ કરી નાખે છે.” ઝાંખી પોતાના દિલનો બળાપો કાઢતી રહી અને દેવમ ઘસઘસાટ ઊંઘી ગયા.

પરંતુ...ઝાંખીના દિલોદિમાગ પર એક જ વેધક પ્રશ્ન છવાયેલો રહ્યો.‘શું તમે એક પતિ તરીકે તમારી પત્નીનાં પિતાને પત્નીનાં આત્મસન્માનની જાળવણી બાબતે કોઈ વચન આપ્યું હતું??? કે આપી શકો ખરાં???

શમણાંનું બજાર

( -એ છણકો કરી કહેતી .... )

તળાવની પાળે બેઠેલ મંગુએ લીલાને કહ્યું “લીલા! હું બજારે જાઉં છું. તારા માટે લાલ-લીલી બંગડીઓ, સિંદૂરની ડબ્બી અને આંખમાં આંજવાનું કાજળ લેતો આવું. તું અહીં જ તળાવની પાળે બેસી રહેજે. આઘી-પાછી થઈશ નહી. આપણે અહી તળાવની પાળે લગન કરીશું.’’

બે કલાક-ચાર કલાક, દિવસ-બે દિવસ, દિવસો પર દિવસો અને વર્ષો પર વર્ષો વીતતા ગયા. મંગુ ન આવ્યો તે ન જ આવ્યો. તળાવની પાળે બેસી લીલા કયારેક પગથી તો કયારેક હાથથી છબછબિયાં કર્યા કરતી. આંખોમાં શમણાં આંજી દૂર-દૂર સુધી નજર ફેરવ્યા કરતી. મંગુની વાત નીરખ્યાં કરતી. કોઈ કહેતું “અલી લીલા! હવે તારો મંગુ નહિ આવે.” તો છણકો કરી એ કહેતી ‘મારો મંગુ જરૂર આવશે. મારા માટે લાલ-લીલી બંગડીઓ, સિંદૂરની ડબ્બી અને આંખમાં આંજવાનું કાજળ લેવા બજારે ગયો છે. એ આવશે પછી અહીં તળાવની પાળે અમે લગન કરીશું.’ આખું આયખું લીલા શમણાં લઈ બેસી રહી તળાવની પાળે... બજારે ગયેલ મંગુની રાહ જોતી...