ઊર્મિનાં આકાશે - ૧ Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઊર્મિનાં આકાશે - ૧

સ્ત્રીની કવિતા

એક સ્ત્રીને મન,

કવિતા એટલે-

કપડાં ધોતી વેળા ખળખળ વહેતા પાણીમાં

ઝરણાંનો નિનાદ...

રસોઈ કરતી વેળા કૂકરની સીટીમાં

શ્રીકૃષ્ણનાં બંસરીનાં સૂર...

ઘરની સારસંભાળમાં

ઈશ્વરની ભક્તિનો અનુનાદ...

પતિદેવની આજ્ઞામાં

સંપૂર્ણ ભાગવદગીતાનો સાર...

પુરુષને મન,

‘સ્ત્રીની કવિતા’ એટલે

પસ્તીનાં કાગળનો એક ડૂચો!

હિના મોદી, સુરત

99256-60342

નિજાનંદ

મારે,

ક્ષણને તોડવી નથી,

સમયને બાંધવો નથી;

ચાંદને ચંદરવાની શી જરૂર?

મારે,

નદી-પર્વત ખૂંદવા નથી,

અરણ્યમાં ભટકવું નથી;

સૂર્યને પ્રતિબિબિંત કરવાની શી જરૂર?

બસ!

મારે-

નિજાનંદમાં રમી લેવું છે, ભમી લેવું છે.

મનની આંખ અને પાંખ વડે જીવી લેવું છે.

હિના મોદી, સુરત

99256-60342

એકલતા

એકલતા મને સદી ગઈ,

સગપણની બધી નદીઓ સુકાઈ ગઈ;

તોયે, હું તો દરિયો ભરી ભરી જીવી.

મારી આંખોમાં વાદળી ધેરાઈ ગઈ,

દિલ પર દર્દની ઉલ્કાઓ વેરાઈ ગઈ;

તોયે, હું તો ગગને ઊંચે ઊંચે ઊડી.

લીલેરી ટહુકી પંખીથી રિસાઈ ગઈ,

કંઠની વળગણ પંખીથી વિલાઈ ગઈ;

તોયે, હું તો ઝાડવે ઝાડવે હિંડોળા ઝૂલી.

રસ્તાના વળાંકે જીંદગી વિખૂટી થઈ ગઈ,

એકલતાની આરપાર પ્રેમની નદી સૂકાઈ ગઈ;

તોયે, મેં તો ખાબોચિયે હોડી હંકારી.

હિના મોદી, સુરત

99256-60342

ધન્યતા

મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ

ને, મળી મને આખી કવિતા.

મારા જીવનની ધન્યતા છે મારી કવિતા,

ભળું છું હું કવિતાના સાગરમાં થઈ સરિતા.

મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ

ને, મળી મને આખી કવિતા.

જેમ ફૂલમાં સળવળે પાંદડી,

તેમ કવિતામાં સળવળે મારી લાગણી;

મારી કવિતાનાં કૂંડા પર ભ્રમર કરે ગુંજન,

રચું છું હું લાગણીની સમૃદ્ધિનું ઉપવન.સમૃદ્ધિ

મેં માંગ્યો પ્રભુ પાસે એક શબ્દ

ને, મળી મને આખી કવિતા.

મારા જીવનની ધન્યતા છે મારી કવિતા.

હિના મોદી, સુરત

99256-60342

હસ્તરેખા

હું,

તને પૂછું-

હસ્તરેખા!

તું કરે કે નહિ પ્રેમ?

શું છે

મારી હથેળીમાં?

ઉછળતો સમંદર કે સરકતી રેત???

હું, છું –

અપેક્ષાઓની ઉપાસક....

કોરી એવી મારી હથેળીમાં ભરી દે

ભૂરું આકાશ.

સૌરભ વિહોણા મારા શ્વાસમાં ભરી દે-

પીળું પલાશ.

હે હસ્તરેખા!

સૂકી ભઠ રણ જેવી મારી હથેળીમાં ભરી દે

સર્વ રંગતણા સબરસ.

જો ને,

હસ્તરેખા!

આ સમંદરની રેત

ભીની-ભીની

છતાં, રહે

મારી ઝંખનાઓ ઉદાસ!!!

કહી દે

મને,હિના મોદી, સુરત

સોણલાં ભરેલી મારી આંખોમાં 99256-60342

શું છે?

વૈશાખ

વારંવાર વારંવાર......

સૂના હ્રદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને-

અષાઢ કયારે આવશે?

ગગન ગજાવવાને મલ્હાર કયારે આવશે?

સૂના હૈયામાં લહેરાશે ગુલમહોર;

મલકાશે લજ્જાશીલ લજામણી,

ત્યારે…….?

સૂની આંખોમાં થશે સપનાનાં વાવેતર;

સૂરના સરોવરમાં પ્રણય કરતી હશે સારસ બેલડી,

ત્યારે......?

હૈયાથી આંખો સુધીનાં વિરહ પથ પર;

અશ્રુનાં બે બિંદુ વચ્ચે હશે પૂનમની રાતલડી,

ત્યારે.....?

સૂના હ્રદયમાં બેઠેલ વૈશાખ પૂછે મને-

વારંવાર વારંવાર......

હિના મોદી

9925660342

સ્વપ્ન જાગે

આ....

પર્વત સમા માણસનું મન જાગે,

શ્વસતાં શ્વસતાં મનોરથ જાગે;

આકાશ બનવાનું સ્વપ્ન જાગે.

દૂર...સ...દૂર રહેવાનું,

જ્યાં ન કોઈ પ્હોંચે;

પોતે પોતાના મનનો રાજા...

ન કોઇની તમા,

ન કોઈના ગમા-અણગમા.

સૂર્યકિરણથી ઝળહળવાનું,

ચાંદની સાથે વિહરવાનું;

પંખીઓના ટહુકાનું તળાવ ભરી લેવાનું.

ન થાય ત્યારે...

વરસી લેવાનું,

સરોવરમાં છબછબિયાં રમી લેવાનું;

લીલી વનરાઈઓને મળી લેવાનું.

અણગમો થાય ત્યારે....

વાદળમાં છુપાઈ એક સ્થળેથી

બીજા સ્થળે લપાઈ જવાનું,

ન કોઇની રોક;

ન કોઇની ટોક.

ન બીજા કરે ઉપેક્ષા,

ન આપણને બીજાની અપેક્ષા.

આમ,

પર્વત સમા માણસનું મન જાગે,

શ્વસતાં શ્વસતાં મનોરથ જાગે;

આકાશ બનવાનું સ્વપ્ન જાગે.

હિના મોદી

9925660342

કરફયું

આંખની ગોખલીમાં

લપાયેલા સગપણ

ક્યારેક

મન ઝરૂખે ડોકિયું કરી લે છે.

પરંતુ,

પાંપણે કરફ્યું જાહેર કરી દીધું-

ખબરદાર!

જો,

કોઈપણ સગપણ

બ્હાર ફરક્યું સુદ્ધાં છે તો....!

હિના મોદી

9925660342


શીતળતાનું સરનામું

પોસ્ટમેને પૂછ્યું,

‘ફલાણું સરનામું કયાં?’

મેં આંગળી ચીંધી

ને,

આવી બેઠું મારી આંગળી પર

પરસેવે રેબઝેબ એક સૂર્યકિરણ.

પછી;

ધીરેથી,

એણે મને પૂછ્યું,

‘શીતળતાનું સરનામું ક્યાં???’

હિના મોદી

9925660342

માણસ

વેશભૂષાની

રમત રમતાં રમતાં......

આમ,

અચાનક

મને આજે,

‘માણસ’ બનવાનું મન થઈ આવ્યું

કોઈ મને કહેશો-

આ ‘માણસ’ નાં

વાધા મને ક્યા મોલમાંથી મળશે????

હિના મોદી

9925660342

સંવેદના

સંવેદનાના ભોંકાય છે છાતીએ શૂળા

ત્યારે,

માણસ ગોતે છે શબ્દોનાં શહેરમાં સથવારા

પણ...

બિચારો માણસ...!

સથવારાનાં સાથમાં એવડો ને એટલો અથડાય

કે,

તેની સંવેદનાઓ પરિણમતી જાય છે વેદનામાં

ને,

બિચારો માણસ...!

ભૂલો પડતો જાય છે શબ્દોનાં શહેરમાં.

શબ્દોના સાથ

કે પછી....

સાથમાં શબ્દો

શબ્દોના શહેરમાં

કે પછી....

શહેરમાં શબ્દો!!!

બિચારો માણસ...!

ભૂલો પડતો જાય છે

ફૂલો શોધે સુગંધ

સુગંધ શોધે ફૂલ

શું બિચારો માણસ....

શોધે સંવેદનાના સૂર એ જ એની ભૂલ!

સંવેદનાનાં સૂરમાં

વેદનાની વેદીમાં

શબ્દોના શહેરમાં

માણસ માણસ શોધે!

માણસ માણસ શોધે!

પણ...શું...!

પોતે માણસ રહ્યો છે ખરો!

કે તે માણસમાં માણસ શોધે!

માણસનો ખાલીપો શૂન્યવત્

માણસની સંવેદના શૂન્યવત્

કે પછી...

પોતે શૂન્યવત્

કદાચ....

તેથી જ....

શૂન્યવત્ માણસ ખોવાયો ખાલીપામાં

સંવેદનાઓ પરિણમી વેદનામાં

ને પછી....

આખે આખું શબ્દોનું સમૃદ્ધ શહેર બન્યું ખાલીખમ્

માણસ રહ્યો યથાવત્

ને,

માણસનું મૌન બન્યું ભારેખમ્....!

હિના મોદી

9925660342

પ્રતિક્ષા

પ્રતિક્ષાની નદીના કિનારે,

તારાં આગમનનાં એંધાણે;

હું યુગોથી ઊભી છું.

પેલાં કમોસમી વરસાદનાં ઝાંપટાથી-

ભીંજાઇ જાઉં છું,

ત્યારે...

ફિનિકસની જેમ પાંખો ફફડાવી

ઉમંગી ઊઠું છું

ને પછી ફરી...

ધખધખતો આકારો તડકો!

આ બધુ...

હરહંમેશ શું આમ જ ચાલ્યા કરશે?

તેથી જ...હું નિરાશાનાં નગરમાં સૂતી રહું છુંકણસતી શ્વસી રહું છું

આમ છતાં...

આશાનાં ઉંબરેથી-

અનિમેષ મૃગજળ જોયા કરું છું.

કદાચ.... ક્યારેક....

ભીંતરમાં ડોકિયું કરતાં

નિશાનાં ઉજાગરે

દિલનાં કોઈક વળાંકે

બે કિનારાનાં મિલન શોધી શકું!

હિના મોદી

9925660342

લધુકાવ્યો

૧.

એય, બળાત્કારી!

આધો રહેજે.

એય, અત્યાચારી!

મર્દ હોય તો

ચેતી જજે.

સામે છે

ઊભી

ચારણકન્યા.

૨. જુઓને

પેલી ચકલીની ‘માણસાઈ’!

ખપ પૂરતું ચણીને,

આખે આખા ખેતરો

છોડી દે છે બીજા માટે

અને

હું માણસ.....!

૩. ઘંટીના બે પડ-

પારકી થાપણ અને

પારકીજણીની વચ્ચે

ઘઉંના દાણાની જેમ

પિસાતી સ્ત્રીનું કોણ?

૪. ચાલ્યો સુરજ

હથેળીમાં લઈ ચાંદ

ત્યાં તો સર્જાયું

ગ્રહણ....

૫. બારસાખે

બેઠી ચકલી

ને,

હ્રદય દ્વારે

રણકી ઊઠયો

ડોરબેલ.

૬. મધ્યાંતરે

મનમોહી ગયો મલકતો મોર

ને,

મ્હેકી ઉઠી

મુરલી

મધુવનમાં.

૭. આજે!

નથી હાથમાં છાપું

કે, નથી....

હાથમાં ચાનો કપ

લાગે છે....

શહેરના બધા બાળમજૂરો

હડતાળ પર ઉતર્યા છે !!!

૮. જુઓ,

અમારા શહેરમાં

વર્લ્ડકોર્ડ બ્રીજીસ

ફક્ત-

ચારસો બાળમજૂરોની

કરામત છે આ!

૯. નીકળી હતી-

હું,

ઈશ્વરને શોધવા

રસ્તે-

ટોળેબંધ

બાળમજૂરો મળી ગયા.

૧૦. લોકપાંચમના મેળામાં-

હું અને

મારી કવિતા

સાવ....

એકાકી.

૧૧. SMS

ના યુગમાં પણ;

ચબૂતરની ચાંચમાં,

ચબરખી જોવા મળે તો_

સમજી લેજો:

નિસ્વાર્થ પ્રેમ

હજી જીવે છે.

૧૨. ઝળહળતાં સૂર્યે,

નારંગી પ્રકાશે ;

કોયલ ટહુકે, અંબુવા ડાળે.

૧૩. શ્વેત અશ્વ હણહણે

રાતી ગાયો ધણધણે

મોભેદાર ગાડાઓ ઝણઝણે

ગામ સીમાડે.

૧૪.પતંગિયા ઉડે

ભ્રમર ગૂંજે

ખુશ્બૂ લ્હેરે

શહેર મધ્યે

૧૫. રે પંખી !

ચણવું, ઉડવું, બાંધવું, રચવું

એ છે તારું ‘હોવાપણું’

મારું ‘હોવાપણું’ મારા એકાંતમાં....

હિના મોદી

9925660342