પૂર્ણતા Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૂર્ણતા

પૂર્ણતા

છોટાઉદેપુર જીલ્લાનાં અતિ અંતરિયાળ ગામમાં ચકોરીબેન એમનાં સમૃધ્ધ પરિવાર સાથે જીવનનો આનંદ માણી રહયા હતા. એમનાં પરિવારમાં પતિ પરસોતભાઈ, બે દીકરીઓ અને એક દીકરો એવી ચકોરીબેનની લીલીવાડી. બંને દીકરીઓને એક જ માંડવે એક જ પરિવારનાં બે ભાઈઓ સાથે હાથ પીળાં કરાવી ચકોરીબેન નિશ્રિવંત થઈ ગયા હતા. દીકરા વિજયને ભણવામાં રસ એટલે એ ભણતો હતો. બારમા ધોરણમાં ૫૬% સાથે આખા ગામમાં પહેલે નંબરે પાસ થયો એ સમયે ચકોરીબેનની છાતી ગર્વથી ફાટફાટ થઈ ગઈ હતી આખાયે ગામમાં પોતાનાં હાથે બનાવેલી સુખડીઓ વ્હેંચી હતી. વિજય જ્યારે વધુ અભ્યાસ માટે રાજપીપળા ગયો ત્યારે આખું ગામ ઢોલનગારા સાથે ગામને પાદરે વિજયને વળાવવા ગયા હતા.

જોતજોતમાં ત્રણ વરસ નીકળી ગયા. પણ, હા દર અઠવાડિયે ચકોરીબેન ગામનાં કોઈ પણ માણસ સાથે સુખડી, ગાંઠિયા, ઢેબરાં જેવા નાસ્તાઓનાં ડબ્બા અવશ્ય વિજયને મોકલતા. ગામમાં ગ્રેજ્યુએટ થનાર વિજય પહેલો યુવક હતો. આજુબાજુનાં ગામોમાંથી પણ ધણા જમીનદારો પોતાની દીકરીના હાથે વિજયનાં નામની મહેંદી મૂકાવવા તત્પર હતા. ચકોરીબેન પણ વટથી ખોંખારો દઈ કહેતાં “મારા વિજય માટે એનાં જેવી ભણેલી વહુ ગોતવી પડશે.” અને, એક શુભદિને સોના નામક સુશીલ કન્યા સાથે શરણાઈનાં સૂર રેલાઈ ગયા. લગ્નની વિધિઓ રંગેચંગે હોંશેહોંશે પાર પડી. સ્નેહી-સંબધીઓ પોતપોતાનાં ધરે વિદાય થયા. વિજય અને વહુ સોના શહેર દર્શન કરવા અમદાવાદ ફરવા ગયા. ચારેકોર આનંદઉલ્લાસ ભર્યું સુમધુર વાતાવરણ મહેંકતું હતું. ચકોરીબેનનાં આનંદનો પાર ન હતો. એમને જીવનનાં સામાજીક જવાબદારીઓ પૂર્ણ થયાનો આનંદ હતો. તેઓ કહેતાં_ “ “હું તો પ્રભુમય જીવન જીવતાં-જીવતાં પ્રભુને દ્ધાર જઈશ.””

વીસદિવસીય પ્રણયપ્રવાસથી નવયુગલ ધરે આવી પહોચ્યાં. નવયુગલ સાથે આખો પરિવાર અલકમલકની વાતો કરતાં થાકતા ન હતા. નવવધુનાં ઝાંઝરનાં ઝણકાર અને ધરેણાંનાં રણકારથી આખું ફળિયું જાણે સંગીતમય બની ગયું હતું. એક દિવસ બપોરનું ભોજન પતાવી નવયુગલ સાથે ફળિયાનાં યુવાનો વડલા નીચે ખાટલો ઢાળી ગમ્મ્તે ચડ્યા હતા અને ત્યાં, ખેતરથી સંદેશો આવ્યો ‘ટ્રેક્ટર બંધ પડી ગયું છે.’ અતિ ઉત્સાહી વિજય મારતી સાયકલે ખેતરે પહોંચ્યો. થોડી મરમ્મત બાદ અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ ગયું અને ધડીના છઠ્ઠાભાગમાં કૂવા સાથે જઈ ભટકાયું. વિજય ઊછળીને કૂવામાં પડ્યો, માથામાં ઊંડી ઇજા થઈ અને ધટના સ્થળે જ વિજયનું પ્રાણપંખેરું ઊડી ગયું. ભલભલાનાં કાળજા કોરાય જેવું કલ્પાંત થયું. ચકોરીબેન અને પરસોતભાઈ એમનું શાનભાન ભૂલી ગયા. સોના તો રડી પણ નહીં શકી ગૂમશૂમ થઈ ગઈ. કોણ કોને સાચવે ! કોણ કોને હુંફ આપે ! કોઇની પણ પાસે ન હતા શબ્દો કે ન હતી હિંમત. આખા ગામમાં ભયાનક વિકરાળ શાંતિ પ્રસરાઈ ગઈ. નહીં તો કોઈ પક્ષી ટહુકે કે નહીં તો કોઈ ઢોર ભાંભરે કે નહીં તો કોઈ વૃક્ષનું એકાદ પાન હલે. કલાકોની ઉપર કલાકો ને દિવસો ની ઉપર દિવસ ચડતા ગયા પરંતુ વાતાવરણમાં હળવાશનું કોઈ નામોનિશાન નહીં.

એક દિવસ વહુ સોનાને સવારમાં ઊલટીઓ શરૂ થઈ. અનુભવી પણ ગુમશુમ થયેલ ચકોરીબેન કઈ સમજ્યા નહીં. પણ સોનાને ઊલટીઓ થવી એ હવે રોજનો ક્રમ થઈ ગયો હતો. અડોશપડોશની બહેનોને અણસાર આવી ગયો. મોકો જોઈ બધી બહેનો ભેગી મળી ચકોરીબેનને મળવા ગઈ અને વહુ સોના બાબતે ધ્યાન દોર્યું. ચકોરીબેનનાં હ્રદયમાં કઈંક હિલચાલ તો થઈ પણ આગળ કઈંક વિચારવા સક્ષમ ન હતા. ઉંમરવાળી અમુક સ્ત્રીઓએ કહ્યું “હજુ આ છોરીની ઉંમર જ શું છે!!! નાજુક કળી જેવી દીકરી પર ઈશ્વરે કેવો ધા કર્યો છે!!! તો કોઇકે કહ્યું “ભગવાનનાં ધરે અજવાળા છે અંધારા નહીં. તેથી જ તો એની કુખ ઊજળી કરી. જરૂર દીકરો આવશે અને એ પણ કાલે મોટો થઈ જશે. ભગવાન દયાળું છે કૃપાળુ છે સોનાને જીવવાનો સહારો આપ્યો.” સમય-સંજોગનો તાગ જોઈ ગામની એક યુવાન વહુએ સોનાને પોતાનાં પાલવમાં સંતાડેલ ડબ્બો આપ્યો અને કહયું “આ ડબ્બામાં પપૈયું છે તું ખાશે તો આ પરિસ્થિતી માંથી મુક્તિ મળી જશે. એકલ પંથે આ પહાડ જેવું જીવન જીવવું સરળ નથી અને એમાય જો દીકરી અવતરશે તો તું શું કરીશ? આખું આયખું કેવી રીતે પાર પાડીશ???”

બાજુનાં ઓરડામાં પલંગડી પાર ગુમશુમ પડી રહેલ ચકોરીબેનનાં કાન સરવા થયાં. એમણે પોતાનાં હોંશકોશ સંભાળી લીધા. પરસોતભાઈ સાથે કઈંક ગુફતુંગુ કરી વડોદરા નોકરી અર્થે ગયેલ પોતાનાં ભત્રીજા વિનયને તાબડતોડ બોલાવી લીધો.

ચકોરીબેન, પરસોતભાઈ અને ભત્રીજો વિનય બંધબારણે કઈંક ગુફતુંગુ કરી દોઢ-બે કલાકનાં સમયબાદ ઓરડાની બહાર આવ્યા. ત્રણેયનાં મુખારવિંદ પર શાંતિ, સંતોષ અને આનંદ સ્પષ્ટ વર્તાતો હતો. એક માણસને ચિઠ્ઠી લઈ સોનાનાં પિયરપક્ષ અને નજીકનાં સગાંસંબધીઓને તેડાવી લીધા. બધા આશ્ચર્ય સાથે શું થયાની ઉત્કંઠા સાથે ભેગાં થયાં.ચકોરીબેને પોતાનાં હાથે કંસાર બનાવ્યો બધાને આગ્રહ પૂર્વક જમાડયા અને પોતાનાં મનની વાત વહેતી મૂકી. અંદરોઅંદર સગાંસંબધીઓની ગડમથલ ચાલી અને અંતે દરેકે નવા વિચારને હર્ષભેર વધાવી લીધો. સોના અને વિનયનાં ગોળધાણા થયાં. નવી સોચ સાથે સગાંસંબધીઓ છૂટા પડ્યા. વિનય પણ વડોદરા ગયો પરંતુ રજાઓનાં સમયગાળામાં ફોઇબાને ત્યાં આવતો સોના સાથે સમય પસાર કરતો. સોના અને આવનાર બાળકની સારસંભાળ રાખતો. સમયને પસાર થતાં કયાં સમય જ લાગે છે! આંખનાં પલકારામાં નવમહિના વીતી ગયા અને એક સવારે સોનાએ હુષ્ટપૃષ્ટ દીકરાને જન્મ આપ્યો. સૌ સગાંસંબધીઓ રાજીનાં રેડ થઈ ગયા. ચકોરીબેનનાં પરિવારમાં એક નવા સૂર્યનો ઉદય થયો. ચકોરીબેને સોના અને પૌત્ર બંનેની ખૂબ માવજત કરી. વિનય પણ વધુને વધુ સોના અને નવજાત શિશુને મળવા આવતો. ત્રણ મહિનાનાં પ્રસુતિ વિશ્રામ પછી એક શુભદિને શુભ મુહૂર્ત જોઈ સોના અને વિનયનાં લગ્ન લેવાયા. હર્ષભેર સોનાને વિનય સાથે વિદાય આપી. જાણે પેટ જણી દીકરીને વિદાય આપતાં હોય એમજ ચકોરીબેને ઉત્સાહ અને ભારે હૈયાનાં મિશ્રિત ભાવથી સોનાને વળાવી.

હવે ચકોરીબેનનો પણ પૌત્ર અર્જુન સાથે એક મા તરીકે ફરીથી જન્મ થયો બાળક અર્જુન સાથે મા ચકોરીબેન ઓતપ્રોત થઈ ગયા. હવે એમનાં જીવનનો એક માત્ર ધ્યેય અર્જુનની માવજત હતો. માતૃત્વમાં ગળાડૂબ એવાં ચકોરીબેનની મમતા પરાકાષ્ઠાએ પહોંચી. એમને ધાવણ ચડ્યું દૂધની ધાર છૂટી એમણે પૌત્ર અર્જુનને છાતીએ ચાંપી દીધો. ચકોરીબેન એક નવપલ્લીત મા થઈ અર્જુનને ઉછેરવાં ઓતપ્રોત થઈ ગયા. સૌ કોઈ અવાક થઈ ગયા. ગામેગામ ચકોરીબેનના માતૃત્વની ગાથાઓ ગુંજતી થઈ. પણ ચકોરીબેનને અર્જુન સિવાય કયાં કોઈનો પણ વિચાર આવતો જ હતો! એક દિવસ ચકોરીબેન ઊંધમાંથી સફાળા જાગી ગયા એમણે વિચાર આવ્યો મારો દીકરો વિજય હયાત હોત તો અર્જુનને શહેરની અંગ્રેજી શાળામાં ભણાવત. હું અર્જુનને શહેરની શાળામાં ભણાવીશ તો એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. વિલંબ કર્યા વિના ચકોરીબેન અને પરસોતભાઈ બાળક અર્જુનને લઈ હમેંશ માટે સુરત વસવાટ કર્યો.

સોના અને વિનય પણ અવારનવાર આવતા-જતાં રહેતાં. ચકોરીબેન સોનાને પોતાની દીકરી હોય એવો જ પ્રેમ કરતાં. અર્જુનને સોના સાથે દીદીનો પરિચય કરાવતાં. સુરતમાં સ્થાયી થયેલ ચકોરીબેનને એક દિવસ મગજમાં સળવળાટ થયો એમણે શહેરની આધુનિક મમ્મીઓને જોઈ વિચાર આવ્યો, “અર્જુન સમજણો થશે પછી શરમ અનુભવશે. આથી, મારે પણ આધુનિક મમ્મીઓ જેવી રીત-ભાત, વાણી-વર્તન, બોલવું-ચાલવું શીખવું જોઈએ.” અડોશ-પડોશની આધુનિક મમ્મીઓને જોઈ ચકોરીબેન પણ એમનાં જેવી રીત-ભાત, વાણી-વર્તન, બોલ-ચાલ શીખવા મંડ્યા. અને, આધુનિક જીવનપધ્ધતિમાં ઢળવા મંડ્યા. ધૂંધટમાં જીવન વિતાવનાર પચાસનાં ઉંબરે ઉભેલ ચકોરીબેને ધૂંધટ ત્યજી કુર્તો, પંજાબી ડ્રેસ અપનાવ્યા. બાજુમાં ચીકીને ટયુશન આપવા આવતાં ટીચર પાસે એમણે પણ અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું જેથી અર્જુનને શીખવી શકે. ધણીવાર પરસોતભાઈ કહેતા-“ ચકોરી! તું વધારે પડતું જ કરે છે. આને ગાંડપણ કહેવાય ગાંડપણ.” પણ, ચકોરીબેનને ક્યાં કોઇની પડી જ હતી. એમનું વિશ્વ ફક્ત અર્જુન હતો. પોતાનાં ધાવણથી દોઢ વર્ષથી ઉછેરી રહેલા અર્જુનની મા –ચકોરીબેનનું માતૃત્વ એવું તે પરાકાષ્ઠા એ પહોચ્યું હતું કે તેઓ રાત-દિવસ અર્જુન વિશે જ વિચારતાં રહેતાં.એકાએક એમને વિચાર આવ્યો આવતાં વર્ષે અર્જુનનું સ્કૂલમાં એડમિશન લેવું પડશે. એને સ્કૂલે લેવા-મૂકવા મારે જવું પડશે આથી ચકોરીબેન સ્કૂટી ચલાવતા શીખી ગયા.

અર્જુન અને ચકોરીબેનનું બોન્ડીંગ એવું મજબૂત હતું કે વાસ્તવિકતા વિશે કોઈને પણ શંકા ન થાય. બહુ-બહુ તો એટલું વિચારે મોટી ઉંમરે ચકોરીબેનને ત્યાં પારણું બંધાયું હશે!! પરંતુ આવતાં-જતાં મારું મન અનાયાસે એમનાં તરફ ખેંચાતું . થોડાં દિવસનાં હાય-હેલો પછી અમારી વચ્ચે મિત્રતા બંધાય. દિવસો અને મહિનાઓ જતાં અમારી મૈત્રીએ ગાઢ સ્વરૂપ લીધું અમારી વચ્ચે લાગણીનાં તંતુઓ બંધાયા. મનની વાતો કરતાં. એક દિવસ ચકોરીબેને કોઈને કંઇપણ ન કહેવાની શરતે પોતાનાં દિલમાં છુપાવેલ દર્દીલો ખજાનો હર્ષભેર, ગર્વભેર મારી સમક્ષ ખુલ્લો મૂક્યો. હું સ્તબ્ધ થઈ ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારાં રોમરોમ માંથી ઝણઝણાટી પ્રસરી ગઈ. હું ધબકારા ચૂકી ગઈ. મેં કુંતી અને અભિમન્યુની જોડીને નમસ્કાર કર્યા. દિવસો સુધી હું એમનાં જ વિચારોમાં ધૂમ્યા કરતી.

એક સ્ત્રીમાં કેટલી સહજતા ! કેટલી કુશળતા ! કેટલી સરળતા ! કેટલી મમતા ! કેટલી પૂર્ણતા ! કેટલી પરિપક્વતા !!! એક નારીમાં મને નારાયણીનાં દર્શન થયા. પરિસ્થિતિ ગમે એટલી કરૂણ એ દારુણ કેમ ન હોય એક સ્ત્રી જ એ કુપરિસ્થિતિ કે અપરિસ્થિતિને પોતાનાં હાથે ધડીને સુંદર, સુઘડ, સુડોળ ધાટ આપી શકે છે. ખુદ ઈશ્વરને પણ હરાવી શકે છે. ચકોરીબેને એક નિર્દોષ બાળકને જીવન બક્ષ્યું અને યૌવનથી થનગનતી યુવતીને શાપિત જીવનથી મુક્ત કરી.

આજે પણ ચકોરીબેન નિયમતપણે અર્જુનની સ્કૂલે જાય છે. રાતદિવસની માવજત રાખે છે. એનાં ફળ સ્વરૂપે ૮૯% સાથે અર્જુને એસ.એસ.સી બોર્ડ પાસ કર્યું અને હમણાં ૧૧ માં ધોરણમાં સફળ એન્જીનીયર થવાનાં સપનાં સાથે અભ્યાસ કરે છે. આજે પણ ચકોરીબેનની સ્કૂટીનો અવાજ સંભળાય ત્યારે મારાં કાન સરવા થઈ જાય છે. અર્જુનની સ્કૂલે જતાં મા-દાદીને નિહાળવા મારા પગ ઝડપભેર મારી બાલ્કનીમાં પહોંચી જાય છે. અનાયાસે જ મારો હાથ ઊંચો થઈ જાય છે એક સ્ત્રીની પૂર્ણતાને સલામી અર્પવા.

સત્ય ધટના પર આધારિત...... વ્યક્તિ અને સ્થળના નામ બદલ્યા છે.