Vaat Hruday dwarethi Part - 1 books and stories free download online pdf in Gujarati

વાત હ્રદય દ્વારેથી ભાગ-1

વાત હ્રદય દ્વારેથી

ભાગ-1

હિના મોદી

નિવેદન

વારંવાર મારું હ્રદય પ્રશ્નથી વલોવાય છે. હું દીકરા-દીકરીને જન્મ આપી મા તો બની શકી પરંતુ હવે એમને વારસામાં શું આપી શકું? અને પછી મને અંત:સ્ફૂરણા થઈ કે સમજણ અને સંવેદનાના સૂરનું ભાથું જ યોગ્ય રહેશે અને તે ભાથું આ ‘વાત હ્રદય દ્વારેથી’ નામક ટિફિનબોક્ષ છે..

વ્હાલી ઢીંગલી

આજના શુભ દિને તું એકવીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. તને મારા રોમેરોમમાંથી આશીર્વાદ પાઠવું છું. તું મારો અંશ છે. આજથી ૨0 વર્ષ પહેલાંના શુભદિને તારા પગલે મેં માતૃત્વ પ્રાપ્ત કર્યું હતું અને એક સંપૂર્ણ સ્ત્રીનું અહોભાગ્ય મને પ્રાપ્ત થયેલું. તું મારા હદય ઉપવનનું મધમધતું ફૂલ છે. મારી પાંપણોનાં પ્રાંગણમાં શોભતી રંગોળી છે. મારા જીવતરનાં ઘેઘૂર વડલાંની ગોખમાં ટહુકતું પંખી છે. ૨૧ના ઉંબરે ઊભેલી એક પ્રતિભાશાળી યુવતી છે. છતાં, મારા માટે નાનકડી નટખટ કાનુડી.

ઢીંગલી, આજે મારા માટે મા તરીકેનાં કર્તવ્યમાં તને સ્ત્રીત્વનો પાઠ શીખવવાનો સમય આવી ગયો છે. બેટા, તારી ઉંમરે હું પરણીને સાસરે આવી હતી. તું પણ થોડા વર્ષો પછી સાસરે જઈશ. વ્યકિતત્વવિકાસની વેલીએ વેલીએ પ્રગતિ કરનારી, કપરા સંજોગોને પણ હિંમત અને સૂઝબૂઝથી પાર પાડનારી મારી દીકરી આજે મારે તને કંઈક કહેવું છે. હું જાણું છું, સહદેવની આંખે હું તને જોઈ શકું છું. તું ભવિષ્યની એક કુશળ ડોકટર હશે. પરંતુ બેટા, એ કયારેય ન ભૂલીશ કે તું એક સ્ત્રી પણ છે. મેડીકલ સાયન્સ કોલેજની લાઇબ્રેરી કમિટિમાં જયારે તારું નામ સિલેકટ થયું ત્યારે મારી છાતી ગદ્દગદ્દ થઈ ગઈ હતી. મારા ધાવણ પર મને ગર્વ થયો. પરંતુ બેટા જીવનની લાયબ્રેરી કંઈક અલગ છે. આજે તારી મા એક સ્ત્રીના રૂપમાં એક થનગન થતી સ્ત્રીને કશુંક કહેવા માંગે છે, જીવનનાં અનુભવો વહેંચવા માંગે છે,જીવનનું ગણિત સમજાવવા માંગે છે. બેટા, ભવિષ્યમાં કયાંક, કયારેક આ સ્ત્રીત્વની મુસાફરીમાં અવઢવ થાય, અકળામણ થાય, મુંઝવણ થાય, ચાર રસ્તે ઊભી હોય અને રસ્તો નહીં જડે ત્યારે ભીતરમાં ડોકિયું કરજે. તને આ ભાથું બળ પૂરું પાડશે.

બેટા, સ્ત્રી કોને કહીશું? સ્ત્રીનું બીજું નામ છે વેદના, વ્યથા,પીડા!!! બેટા, સ્ત્રીત્વ શું છે? સમજણ, સમર્પણ, ત્યાગ, સહનશીલતા, નમ્રતા, પરિપકવતા, પ્રમાણિકતા, આત્મવિશ્વાસ વિગેરેની પરિભાષા એટલે સ્ત્રીત્વ. વિશ્વનાં માનવતાનાં મૂલ્યો સાથે જે અતિ ઉચ્ચ સ્થાને અપેક્ષાવિહિન શોભતો થાકેલો-પાકેલો હારેલો શિરોમણી એ જ છે સ્ત્રી!!!

બેટા આજે જ્યારે વાત નીકળી જ છે ત્યારે એક સ્ત્રી તરીકે હું તને ઈતિહાસનાં પ્રવાસે લઈ જવા માંગુ છું. જેથી આવનાર સમયની સફળ સ્ત્રી તરીકે તું તારું જીવન આત્મવિશ્વાસથી જીવી શકે.

દીકરી, ઈતિહાસની શ્રેષ્ઠ, સફળ, જાજરમાન, બુદ્ધિમાન, પ્રતિભાધારી, કુશાગ્ર સ્ત્રીઓનાં જીવનકાળથી કંઈક સમજવાનો, શીખવાનો પ્રયાસ કરીશું. બેટા, હું તને જે સ્ત્રીઓની વાત કહેવા જઈ રહી છું. એ સ્ત્રીઓને તું જાણીતા, લોકપ્રિય પાત્ર તરીકે તું જાણે જ છે પરંતુ બેટા, આજે આપણે તેમને ઓળખવાનો પ્રયત્ન કરીશું. એમનામાંથી સતત ઘણું શીખવાનું જ હોય આમ છતાં એકાદ માનવીય નબળાઈઓને કારણે એમણે કેવી કેવી વેદનાની ખીણ ધકેલાવું પડયું હતું. એ સમજવાનો પ્રયત્ન કરીશું. બેટા, પહેલું ઉદાહરણ હું તને સીતાજીનું આપીશ. એમના પાત્રથી આપણે આત્મવિશ્વાસના ઉત્તમ ગુણ શીખી શકીશું. એમનો આત્મવિશ્વાસ તો તું જો એક તણખલાથી સશકત, બળવાન, મહાસત્તાધારી રાજા રાવણને હરાવી શકી હતી. આત્મવિશ્વાસ અડગ રાખી પરપુરુષને ઝુકવું નહીં. એ વાત શીખીશું. મહેલોની મહારાણી ઘોર જંગલમાં બાળકને જન્મ આપી શકે છે. દરેક શાસ્ત્ર, શસ્ત્ર, કલા, વિજ્ઞાન, ધર્મમાં બાળકને પારંગત બનાવી શકે છે. ખુદ ભગવાનને પણ હરાવી શકે એવાં બાળકોનું લાલન-પાલન સિંગલ હેન્ડેડ કરી શકે છે. ખરેખર એમનું પેરેન્ટીંગ વંદનીય છે. આમ છતાં સંસ્કારી, સુશીલ, ગુણિયલ સીતાજીએ પણ કોન્ફીડન્સ અને ઓવરકોન્ફીડન્સ વચ્ચેની પાતળી ભેદરેખા પારખવામાં ગફલત કરી નાંખેલી. હું એમની ભૂલ એવું કયારેય નહીં કહીશ. આવા સુશિક્ષિત દરેક કપરા સંજોગોને પહોંચી શકનાર સીતાજીએ પણ એક નાનો સરખો નિર્ણય લેવામાં ગફલત કરી અને અગ્નિપરીક્ષા સુધીનો સંઘર્ષ કરવો પડયો. આમ, બેટા! આપણે એમનામાંથી સેલ્ફ કોન્ફીડન્સ વિશે શીખી શકીએ. વિપરીત સંજોગોમાં એડજેસ્ટમેન્ટ કરવાનું શીખી શકાય અને નિર્ણય લેવામાં ગફલત ન થઈ જાય એનું ધ્યાન રાખી શકાય

બેટા, હવે બીજું ઉદાહરણ હું તને દ્રૌપદીનું આપીશ. તેના સમયકાળની અતિ જાજરમાન અને અતિબુદ્ધિમાન સ્ત્રી તે દ્રૌપદી એનો આઈ.કયુ. લેવલ ખુદ ઈશ્વરના લેવલનો હતો. તેથી જ ખુદ શ્રી કૃષ્ણ તેમના પરમ મિત્ર હતા. જેમ કોઈ સંપૂર્ણ નથી હોતું તેમ દ્રૌપદીના વ્યક્તિત્વવિકાસમાં પણ કેટલીક ઉણપ હતી. કયાં કેટલું બોલવું, કેવું બોલવું, શું બોલી શકાય, શું નહિ બોલવું જોઈએ એ ગુણ નહીં વિકસાવી શકેલી. તમારી પેઢી એને મેનર્સનું ભાન નહીં એવું કહી શકે એનું પરિણામ તું પણ જાણે છે. થયું મહાભારત. પાંચ-પાંચ પતિઓને એક માળામાં પરોવી શકનારી કુનેહબાજ, વ્યવહારિક, પ્રમાણિક સ્ત્રીનું આખું જીવન હોમાય ગયું. અતિ બુદ્ધિશાળી હોવા છતાં જે સમયે જે વાતનો ખુલાસો કરવો જોઈતો હતો એ નહીં કરી શકેલી. એણે એની સાસુમાં કુંતીને કહેવું જોઈતું હતું કે ‘હે માતે! તમારી કોઈ ગેરસમજ થઈ લાગે છે. તમે તમારા દીકરાઓને જે વહેંચવા કહો છો તે હું એક સ્ત્રી છું, વહેંચવાની વસ્તુ નથી.’ તો ત્યારે જ વાતનો નિકાલ આવી શકયો હોત અને એણે પાંચ પતિઓને ભોગવનારી એવું લાંછન ભરી સભામાં નહીં સાંભળવું પડયું હોત. પબ્લીકપ્લેસ પર એનાં ચારિત્ર્ય પર આંગળી નહીં ચીંધાઈ હોત. તો બેટા દ્ધ્રોપદી પરથી તું એટલું જરૂર સમજી શકી હશે કે યોગ્ય સમયે યોગ્ય સ્થળે, યોગ્ય વાતને યોગ્ય શબ્દો દ્રારા રજૂ કરવું. સમયસૂચકતાનાં પાઠ શીખી શકાય.

ઉચ્ચશિક્ષિત, જાજરમાન, સુંદર, સાધનસંપન્ના વ્યકિતત્વ એટલે કુંતીજી. કુંતીએ યુવાનીની ઉત્સુકતા અને સમય કરતાં વહેલાં ચાલવાની જિજીવિષા પર સંયમ રાખવો જોઈતો હતો. સમયને વહેલા ભોગવવાથી ભવિષ્ય ભડથું થઈ જાય છે. સંયમ ગુમાવી બેસવાથી આજીવન સંયમના રફડામાં ડંખ સહેવા પડે છે. એક મા પોતાના દીકરાને દીકરો કહી શકતી નથી. આથી વિશેષ જીવનમાં બીજું કયું દૂ:ખ હોઈ શકે! પોતાના તેજસ્વી પુત્રને સૂતપુત્રની ઓળખથી અને અપમાનથી જીવતો જોઈ ‘મા’ પર શી વીતી હશે? એની પીડાની સહનશીલતાની પરિકાષ્ઠા તું સમજી શકતી હોઈશ. માતૃત્વનું ગળું ઘૂંટવું પડયું. સંવેદનાની સૂડીએ માથું મૂકી જીવવું પડયું. આ જીવન ત્યાગ, બલિદાન આપવા છતાં કુંતીનું જીવન સંઘર્ષમાં પસાર થયું. મન અને આત્માના દ્રન્દ્ર યુદ્ધમાં જીવવું પડયું. મન-હદયની વાત, વેદના કોઈની સમક્ષ વ્યકત કરી શકી નહીં અને મૂક બની જીવનને સહેવું પડયું. ક્ષણભર સંયમ ન રાખનાર સ્ત્રી ફકત હાડમાંસનું પિંજર બનીને રહી જાય છે. આમ, ઉત્સુકતા, ઈચ્છા પર કાબૂ રાખવાનાં પાઠ શીખી શકાય.

બેટા એક સ્ત્રીના જીવનમાં અનેક પ્રકારનાં પુરુષો આવતા હોય છે. સજ્જન, દુર્જન, સારા-નરસાં, કોઈ સાચા અર્થમાં મદદગાર પણ નીવડી શકે તો કોઈ છેતરી પણ જાય. બેટા, એટલે પુરુષની પરખ કરતાં શીખવું એ અતિઆવશ્યક છે. નહિ તો અહલ્યામાંથી શલ્યા બની કઠોર જીવન જીવવું પડે છે. એનાં પતિએ સમજવું જોઈતું હતું કે ‘એમાં એનો શું વાંક? એ તો મને જ તૃપ્તિ અને આનંદ આપવા માટે લાગણીના ધોધમાં વહી ગઈ.’ પણ નહિ... એને યુગો સુધી પથ્થર બનાવી દીધી. વગર વાંકે! બેટા, આ આપણો સમાજ અને પુરુષ વર્ગ સ્ત્રીનો વાંક હોય કે નહોય પણ સ્ત્રીને સજા ફટકારતાં અચકાતો નથી. બેટા, અહલ્યાનો શો વાંક? નિરીક્ષણશકિતનો અભાવ, તો બેટા અહલ્યાનાં પાત્રથી શીખી શકાય કે સ્ત્રીએ નિરીક્ષણશકિત પણ વિકસાવવી જ રહી. લાગણીવેડામાં, આવેશમાં તણાવું નહી. પોતાના સ્વાર્થને સાધવા માટે પુરુષો સ્ત્રીઓને છેતરતા કયારેય અચકાતા નથી. વૃંદાનો શું વાંક? વિષ્ણુએ એને છેતરી સજા ભોગવી વૃંદાએ. આથી આપણે વૃંદાના પાત્રથી પરિસ્થિતિનો તાગ મેળવતા શીખી શકીએ.

બેટા, આજની પેઢી અમારા કરતાં વધુ જ્ઞાન, માહિતી ધરાવો છો. ચપળ છો, હોશિયાર છો. પરંતુ દીકરા, અમારા અનુભવના ચશ્મામાંથી તમારી ઊભેલી પરિસ્થિતિને જુઓ, સમજો, વિચારો, નિરીક્ષણ કરો, સંશોધન કરો પછી જ અંતિમ નિર્ણય પર પહોંચો. તો જે ભૂલો ભૂતકાળમાં થઈ છે એ તમારાં જીવનમાં પુનરાવર્તન ન થાય. તમારે સીતાજીની જેમ અગ્નિપરીક્ષા ન આપવી પડે. દ્રૌપદીની જેમ પબ્લિક પ્લેસ પર બદનામ ન થવું પડે. કુંતીની જેમ ભીંસાવું ન પડે. વૃંદાની જેમ આત્મહત્યા ન કરવી પડે. અહલ્યાની જેમ પથ્થર ન બનવું પડે. આમ કઠોરતાના કારાવાસમાં ગૂંગળાવું ન પડે. સ્ત્રીજીવનમાં અભિશાપ નહીં પણ આશીર્વાદનું અમૃતફળ ચાખી શકો, માણી શકો.

દીકરા તું નાની હતી ત્યારે મને પૂછતી, ‘રામાયણ, ભાગવદગીતા જેવાં ધર્મગ્રંથો ઘરમાં કેમ રાખવા જોઈએ? એને રોજ કેમ વાંચવા જ જોઈએ?’ ત્યારે હું તને જવાબ આપતી, ‘તું મોટી થઈશ ત્યારે તને સમજાઈ જશે. અત્યારે એટલું યાદ રાખ ભગવાનનાં છે એટલે.’ વળી, તું સામો પ્રશ્ન કરતી, ‘ન વાંચીએ તો ભગવાન પનીશ્મેન્ટ આપે?’ હું ફરી કહેતી, ‘તું મોટી થશે એટલે બધુ સમજાઈ જશે.’ બેટા, હવે તું મોટી થઈ ગઈ. તું સમજી શકે છે. જેમ વિવિધ વિજ્ઞાનો છે. તેમ ધર્મ પણ એક વિજ્ઞાન છે. આ ધર્મરૂપી વિજ્ઞાન વ્યવહારિક વિજ્ઞાન છે. જેમ રોજ વાંચવાથી સમજવાથી પરિસ્થિતિરૂપી મહાસાગરને યોગ્ય નિર્ણય રૂપી જહાજથી નિર્વિઘ્રે પાર પાડી શકીએ. અને નાની-મોટી ઉપાધિઓ જેમકે, કૌટુંબિક સમસ્યાથી લઈ વિશ્વયુદ્ધ સુધી ટાળી શકીએ.

બેટા, હવે તું સમજી ગઈ સમજણનાં સૂર એ જ ભગવાન છે. ઈશ્વર છે. જેને આપણે પોતે આપણાં આંતરમન સાથે જોડી શકીએ. યાદ રાખ બેટા, સમજણ ધર્મવિજ્ઞાનથી મળે. એટલે જ તો યુગોથી સતત નિરંતર આપણે એનું અધ્યયન કરતાં આવ્યા છીએ. બેટા, આજના શુભદિને આપણે સ્ત્રીનું જીવન સમજવાનો અને એમનામાંથી શું શીખવું અને કઈ ગફલત ન કરવું એ માટેનાં પ્રયત્ન કર્યા. પરંતુ બેટા, આવી રીતે દરેક પાત્રનું એનાલીસીસ કરી આપણે આપણું જીવન સાર્થક બનાવવા તરફ પ્રયાણ કરી શકીએ. કોઈક વખત બીજા પાત્રોને પણ જાણવાનો, સમજવાનો પ્રયાસ કરીશું. ઇતિહાસનાં પાનાંઓમાંથી આ વિશેષ ગુણ અને નબળાઈઓ જયારે આપણે પારખતાં શીખી જઈશું ત્યારે આપણું જીવન સરળ અને સફળ બની જશે. બેટા, ફરીથી આજના શુભ દિને મેની મેની હેપ્પી રિટનર્સ ઓફ ધ ડે.

લિ.

તારા સફળ સ્ત્રીત્વની અભિલાષી....

મમ્મી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED