વાત હ્રદય દ્વારેથી
ભાગ-2
હિના મોદી
પ્રિય બહેન ઘટા,
કરુણાના ગર્ભમાં પાંગરતી, હદયને ચીરી નાંખતી, ફાડી નાંખતી વેદનામાંથી જયારે પીડાનાં ડંખો ભોંકાય છે ત્યારે લાગણીનાં ખાબોચિયામાં વેદના અને પીડાનાં દેડકા આમથી તેમ કૂદાકૂદ કરી વિહવળ કરી નાંખે છે. આજે સવારથી જ મારો મૂડ ડાઉન મોડ પર છે. મારી હદયવેદનામાંથી અંકૂરો ફૂટી વિચારોનાં વટવૃક્ષનું મહાકાય સ્વરૂપ ધારણ કરી લીધું છે.
ઘટુ, ગઈકાલે તેં મને ફોન પર પૂછયું, ‘દીદુ! ઊર્મિલા કોણ?’ રામાયણમાં વાલ્મિકીજીએ કેમ ઊર્મિલાના પાત્રનું વર્ણન ખૂબ જ ટૂંકમાં કર્યું છે?” કેટલો હદયદ્રાવક પ્રશ્ન તેં મને પૂછી નાખ્યો. આખી રાત હું વિચારોના વમળોમાં ચકરાવે ચડી ગઈ.
બહેના, હું જે સમજું તે પ્રમાણે ઊર્મિલા એટલે ઊર્મિઓ મતલબ લાગણીઓથી ધબકતું જીવંત પાત્ર. જે બીજાની લાગણીઓ સમજી શકે. બીજાની હદયભાવનાને સન્માન આપી શકે. સામાપક્ષની લાગણીને બિરદાવવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી શકે તે ઊર્મિલા. ઊર્મિલા એટલે તારા, મારા અને અન્ય અસંખ્ય સ્ત્રીઓ જેવું એક પાત્ર. તું ડોકટર હોવાને કારણે અતિવ્યસ્ત રહે છે છતાં ઊર્મિલા વિશે તને જાણવાની ઉત્કંઠા થઈ એ પુરવાર કરે છે કે એક ડોકટરની સાથે સાથે તું એક સ્ત્રી છે અને તારામાં પણ એક ઊર્મિલા વસેલ છે. તો આ સ્ત્રી શું છે? જેને કોઈ અપેક્ષા નથી તે સ્ત્રી. જોને, સ્ત્રીને તો કોઈ અપેક્ષા જ નથી. સ્ત્રી અપેક્ષાવિહિન છે. તો જેને કોઈ અપેક્ષા ન હોય એની ઉપેક્ષા આ પુરુષવર્ગ શા માટે કરતો આવ્યો છે? અને કરી રહ્યો છે? તને યાદ હશે રવિન્દ્રનાથ ટાગોર એમની એક કૃતિમાં લક્ષ્મણની ધર્મપત્ની ઉર્મિલાને ‘ઉપેક્ષિતા’ નામથી સંબોધે છે. ઉપેક્ષિતા સંબોધન માત્રથી જ હદય દ્રવી ઊઠે છે. ઉપેક્ષિતા સંબોધન પરથી જ સ્ત્રીનું ઊંડાણ અને ઊંચાઈ સમજી શકાય. એક સ્ત્રીની વ્યથા, વેદના, પીડા, સહનશીલતા, સહિષ્ણુતાનું માપદંડ ‘ઉપેક્ષિતા’ નામ પરથી જ અનુભવી શકાય છે.
મારા મતે વાલ્મિકીજી ઉર્મિલાનાં પાત્રનું સવિસ્તાર વર્ણન ન કરી શકયાનું કારણ એ હશે કે ઊર્મિલા એટલે સ્ત્રીની પીડા.
પીડા અનુભવવાની હોય. વ્યથા હોય તો વ્યકત થાય. વેદનાને થોડેઘણે અંશે વાચા આપી શકાય. પણ પીડા! એ અનુભૂતિ છે. અનુભૂતિને શબ્દોથી ન શણગારી શકાય. આથી, આ જ સુધી કોઈ પણ ચિંતક ઊર્મિલાનાં પાત્રને પૂરતો ન્યાય ન આપી શકયા હોય.
આપણી સંસ્કૃતિમાં શ્રી રામ અને લક્ષ્મણ આદર્શ પાત્રો છે. શ્રી રામ પિતાની આજ્ઞાનું પાલન કરી વનવાસ ભોગવે છે તો લક્ષ્મણ ભાઈની સેવા અર્થે સહર્ષ વનવાસ સ્વીકારે છે. તેઓની કુટુંબભાવના ખરેખર પ્રશંસનીય છે. દરેકની લાગણીઓની કદર કરનારી ઊર્મિલા સ્વેચ્છાએ ત્રણ-ત્રણ સાસુઓની તન-મન, ધર્મ-વચનથી સેવા સુશ્રુષા કરે છે. એના જીવનકાળ દરમિયાન એને પણ પતિનાં સાથ-સહકાર, પ્રેમ-હુંફની જરૂર પડી હશે. તો, ઊર્મિલાનું શું? એવો વિચાર માત્ર કેમ ન આવ્યો? ઊર્મિલાનાં ત્યાગ, સમર્પણની સમાજ કેમ નોંધ નથી લઈ શકતો?! શું આપણાં સમાજનું માળખું આ જ છે? સમાજ સ્ત્રીની ઉપેક્ષા કરવા માટે જ સર્જાયો હશે?
રાજયનું તંત્ર સુપેરે ચલાવવા રાજારામે દરેક પ્રજાની લાગણી-માંગણી સંતોષવી પડે એ સમજી શકાય એવી વાત છે. ફરજ પર રહેલ કર્તવ્યનિષ્ઠ રાજા તરીકે એમની મૂંઝવણ સમજી શકાય. પણ જે રાજયમાં એક ધોબી કે જેની વિચારધારા કે સોચ નબળી હોય, પોતે જ શંકાશીલ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતો હોય. એવી વ્યકિત કોઈ નિર્દોષ, સંસ્કારી સ્ત્રી પર લાંછન લગાવી એને અન્યાયની ગર્તામાં ધકેલી શકે. એ રાજયમાં શું સ્ત્રીને એનાં વિચારો વ્યક્ત કરવાનો કે ન્યાય મેળવવાનો હકક ન હોય? એક સ્ત્રી તરીકે પીડિત હોવા છતાં ઊર્મિલા નીડર હતી. પોતાની મોટી બહેનનું અપમાન એ સહી ન શકી. રાજયસભામાં એણે ન્યાય માંગ્યો. પરંતુ રાજાએ ધોબીની તરફેણમાં ચુકાદો આપ્યો. જો નબળી વિચારધારા ધરાવનાર શંકાશીલ ધોબીને ન્યાય મળી શકતો હોય તો ઊર્મિલાને કેમ નહીં? કારણ, ઊર્મિલા સ્ત્રી છે એટલે? ઊર્મિલાની માંગણી અને લાગણી પ્રત્યે કેમ ધ્યાન ન અપાયું કારણ એ સ્ત્રી હતી એટલે?
ઊર્મિલા કહે છે સીતા સહિત અમને ચારેય બહેનોને શ્રી રામ અને લક્ષ્મણ પ્રત્યે વિશ્વાસ છે. શ્રદ્ધા છે. આખા સ્ત્રી સમાજને બંને ભાઈઓની મર્યાદા અને ચારિત્ર્ય પર આસ્થા છે. ગર્વ છે, અમે અમારાં પતિઓને પરમેશ્વર તરીકે પૂજીએ છીએ.
અમને કોઈને પણ કયારેય એવો કુવિચાર નથી આવ્યો કે વનવાસ દરમિયાન એકલાં રહેલાં ભાઈઓનું ચારિત્ર્ય અખંડ હશે કે નહીં? કારણ અખૂટ વિશ્વાસ. જો સ્ત્રીઓને આવો અખંડ ભરોસો-વિશ્વાસ પુરુષો પર હોય. તો પુરુષોને કેમ સ્ત્રી પર નહીં? શા માટે સીતાએ અગ્નિપરીક્ષા પાર પાડ્યા પછી પણ કેમ સ્ત્રીનાં આત્મસન્માન પર ફરીથી પ્રશ્નાર્થ?” આમ ઊર્મિલાએ રાજયનાં દરવાજા ન્યાય માટે ખટખટાવ્યા પણ ન્યાય ન મેળવી શકી.
આમ, અપેક્ષા વિના નિરંતર ઊર્મિઓ વહેવડાવતી રહેતી તે ઊર્મિલા. ઊર્મિલા એટલે ઉપેક્ષિતા અને ઉપેક્ષિતા એટલે તારાં-મારાં જેવી સમગ્રસંસારની સ્ત્રીઓ.
લિ.
દીદુ-લાગણી
પ્રતિ મમ્મી,
મુ.પો. સ્વર્ગ,
આકાશ માર્ગ,
સૌથી તેજસ્વી સિતારાની બાજુમાં.
પ્રિય મમ્મી,
તું મજામાં હશે...!
તારી અધિક કુશળતા માટે,
તારી બાજુમાં જ બેઠેલાં પ્રભુજીને મારી પ્રાર્થના.
અહી દરેકનો વિકલ્પ મળી ગયો છે.
તારા સિવાય...
પણ, તારે ચિંતા કરવા જેવું અહી કશું જ નથી.
મમ્મી!
તને એક ખાનગી વાત કરું?
વારે-તહેવારે તારી છબી પર હાર બદલાય છે ને!
ત્યારે તું બ્યુટીફુલ લાગે છે.
મમ્મી!
તને યાદછે?
હું સ્કૂલની રીશેસમાં નાનાં-નાનાં પગરવે
તારની વાડ કૂદી તારા ઓફિસે તને મળવા આવતી હતી!
પરંતુ ...
હવે,
તારી યાદ આવતાં મારા મોટા-મોટા પગ
ક્ષણિક થંભી જાય છે.
ફકત ક્ષણિક જ
પછી તો...
હું પણ ખૂબ દોડું...ખૂબ દોડું... સમય સાથે
હાંફી જાઉં, પણ થાકું નહિ, સતત...સતત...દોડું.
કારણ...
તને ખબર છે?
મમ્મી!
અહીં એકવીસમી સદી ચાલે છે.
દુનિયાદારીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે.
મારામાં પણ...!
પણ મમ્મી!
અહીં નથી બદલાઈ તો-
છબીમાંની તારી સાડી
અને,
નથી મળી તો-
તારી દીકરીને ‘મમ્મી...’
લિ.
તારી દીકરી
સ્પૃહા
પૂ.મમ્મી,
આજે તારો નિર્વાણદિન, હૈયું ભારે થઈ ગયું. કદાચ તું હોતા! હું સ્ત્રીત્વને સમજું, વિચારું, અનુભવું એ પહેલાં આ મેળાવડામાં તું મને છોડીને અનંતયાત્રાએ ચાલી ગઈ. આ માણસોનાં જંગલોમાં હું કયાંક અટકી ન પડું એ બાબતે તને મારી ચિંતા તો થઈ જ હશે. આપણી માં-દીકરી વચ્ચે સ્ત્રીત્વનો કયારેય સંવાદ થયો નહીં. એક દીકરી સ્ત્રીત્વનાં પાઠ કોની પાસે શીખી શકે! સિવાય મા. આ સંસારની અથડાથડી વચ્ચે હું પણ ચાલીસીની ઉંબરો ઓળંગી ગઈ. મમ્મી! હું મારી આ સ્ત્રીમુસાફરીમાં જ જોઈ શકી, જે જાણી શકી, જે અનુભવી શકી એ ઉપરથી હું એક નિષ્કર્ષ પર પહોંચી- સ્ત્રી એટલે જીવતરનો એક ખાલીપો અને સ્ત્રીત્વ એટલે ખલીપાનાં ખેતરમાં લાગણી, પ્રેમનું ખાતર આપી સુંદર મધમધતો બગીચો ઉગાડવો અને સૌને સમૃદ્ધિમય જીવન બક્ષવું. એની પાસે પોતાની કોઈ સમૃદ્ધિ હોતી નથી. સૌની અપેક્ષા પાર પાડે તો, એનું કર્તવ્ય કહેવાય અને કયારેક નાની-સરખી ચૂક થાય તો એને ફરજચૂકનો ‘ખિતાબ’ આપતાં કયારેય કોઈ અચકાતું નથી. આમ છતાં જીવતરમાં ખાલીપા વચ્ચે મહાયોદ્ધિનીની જેમ જીવન જીવી જનાર આ સ્ત્રીને પ્રેરકબળ કોણ પૂરું પાડતું હશે??? અને મમ્મી, હું મને પોતાને જ ઉત્તર આપું છું. ખલીપાનાં મહાસાગરને ખાબોચિયાનું સ્વરૂપ આપી શકનાર આ મહાન આત્મ સ્વરૂપ સ્ત્રીનાં જીવતરનાં ખલીપાનાં કોઈક નાનકડાં ખૂણે એનો ઈશ્વર એનો ઈષ્ટદેવ વસેલો હોય છે. મેં એવું પણ અનુભવ્યું છે મહદ્અંશે સ્ત્રીહદયનાં ખૂણે એનાં ઈષ્ટદેવ સ્વરૂપે શ્રીકૃષ્ણ બિરાજમાન હોય છે. આ શ્રી કૃષ્ણના સહારે સ્ત્રી જીવન જીવી લેતી હોય છે. મમ્મી! મને યાદ છે તું આખો દિવસ કામ કરતી જાય, બધાનાં મન સાચવતી જાય, મોટી-મોટી પહાડ જેવી જવાબદારી નિભાવતી જાય, આધિ-વ્યાધિ, ઉપાધિ સામે સામી છાતીએ ટકકર ઝીલતી જાય અને શ્રીકૃષ્ણનાં ભજન ગણગણતી જાય. એ સમયે મારામાં આટલી મેચ્યોરીટી ન હતી કે હું તને સમજી શકું તેથી એ બાબતે મારું ધ્યાન ખેંચાતું પણ ન હતું. હવે જયારે હું સંપૂર્ણ પુખ્ત વયની સ્ત્રી છું ત્યારે હું તને અનુભવી શકું છું.
મમ્મી ! તો દરેક સ્ત્રીને પ્રેરકબળ પૂરું પાડનાર કૃષ્ણ કોણ હશે? તન-મનથી રાત-દિવસ જે તત્વોમાં દરેક સ્ત્રી લીન થઈ જાય છે એ કૃષ્ણતત્વ શું છે? એ કેમ દરેક સ્ત્રી હદયમાં બિરાજમાન છે. યુગો પહેલાં પણ, આજે પણ અને યુગો પછી પણ...! મમ્મી હું જે સમજુ છું તે પ્રમાણે સ્ત્રીની પીડાની અનુભૂતિને પારખનાર તે કૃષ્ણ. કૃષ્ણતત્વ એટલે વેદનાની પરાકાષ્ઠા. વાચા વિના એક મા કુંતીની વેદનાની વ્યાખ્યા સમજનાર તે કૃષ્ણ. સો પુત્રની માતા હોવા છતાં ઘડપણમાં નિરાધાર-વ્યાકુળ મા ગંધારીની પીડા પચાવનાર તે કૃષ્ણ. સાંસારિક અફડાતફડીથી ચિરાઈ ગયેલ દ્રૌપદીની પીડા અનુભવનાર તે કૃષ્ણ. પ્રેમરસની પિપાસુ રાધાનાં પ્રેમના સૂર રેલાવનાર તે કૃષ્ણ. ગોપીઓનાં હદયનાં તણા-વાણાં સાથે ગૂંથાયેલ સોળે કલાએ પાંગરતા શૃંગારની છોળો ઉજાળનાર તે કૃષ્ણ. મીરાંની ભાવનાત્મક ભવ્યતાનો ભકિતરસ તે કૃષ્ણ, આમ. સ્ત્રીનાં વિરહરસથી માંડી વૈરાગ્યરસ, ભકિતરસથી માંડી શ્રુંગારરસને સમજી શકનાર એક માત્ર કૃષ્ણ છે.
કોઈકે સાચું જ કહ્યું છે “આ સંસારના પુરુષોનો અહમ એની ઊંચાઈ કરતાં વધુ ઊંચો અને એના વજન કરતાં વધુ વજનવાળો હોય છે.” આ પુરુષોને ‘હુંપણા’ ને સંતોષતા સંતોષતા સ્ત્રીનાં ‘હોવાપણાં’ નું અસ્તિત્વ રહેતું જ નથી. સ્ત્રી હંમેશાં પુરુષના મસમોટાં ઉપકારનાં મસમોટાં પર્વત નીચે કચડાઈ જતી હોય છે. સ્ત્રીની એવી વિહવળતાનાં, પીડાનાં પ્રતિબિંબ શ્રી કૃષ્ણ એનાં હદયના અરીસામાં ઝીલી શકે છે. સ્ત્રીની મનોદશા, એની વેદના વેદીને શ્રી કૃષ્ણ અનુભવી શકે છે. સ્ત્રીનાં ચિરાતાં હૈયાની હોળીમાં આહુતિ શ્રીકૃષ્ણ આપી શકે છે. એને કોઈ મર્યાદા નડતી નથી. એ પુરુષોત્તમ છે. એ નખશીખ સ્ત્રીની ભાવનાનાં ભાવવિશ્વમાં વિહરી સ્ત્રીને સેફટી, પ્રોટેકશન, કેરીંગની ખાતરી આપે છે. જગતની જનની સ્ત્રીને શ્રીકૃષ્ણ કયારેય એકલું અનુભવવા દેતાં નથી. તેથી જ તે દરેક સ્ત્રીનાં હદયમાં બિરાજમાન છે.
હું તારામાં છું, હું તારી સાથે છું, હું અને તું એક જ છે. તું કયારેય એકલી નથી. તું મને બોલાવે કે ન બોલાવે હંમેશા તારા જીવનચક્રમાં હું તારી સાથે જ છું, એવું પ્રેરકબળ એક સ્ત્રીને શ્રી કૃષ્ણ જ પૂરું પાડી શકે. તેથી જ તો એક સ્ત્રી આખા ઘર, સમાજ, કુટુંબને સમૃદ્ધિવાન બનાવી શકે છે. તેથી જ તો એક સ્ત્રી જાજરમાન જીવન જીવી જાય છે. આ પુરુષોનાં પ્રદેશમાં પોતાનું અસ્તિત્વ નથી છતાં સ્ત્રી સંસારરથ ચલાવી શકે છે. કારણકે એની પાસે કૃષ્ણ છે. પોતાની પીડાને અવગણી સંસારની પીડાને લેપ લગાવી શકે કારણ એની પાસે કૃષ્ણ છે. પુરુષનાં કહેવાતાં ‘ઉપકાર’ ના બોજા હેઠળ દબાઈને પુરુષના અહંમને પોષી સંસારના આભમાં વિહાર કરાવી શકે છે, કારણ એની સાથે કૃષ્ણ છે. એક અશ્વાસી મકાનને લાગણી અને હૂંફથી સીંચી મધમધતા ઘરમંદિરમાં ફેરવી શકે કારણકે એની સાથે શ્રીકૃષ્ણ છે. આમ, સ્ત્રીનો આધાર જ શ્રીકૃષ્ણ છે, તેથી સ્ત્રીનાં હદયમાં શ્રીકૃષ્ણ છે. દરેક સ્ત્રી કૃષ્ણમય છે.
લિ.
તારી લાડલી કાન્હા