પરિવાર.. krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિવાર..

પરિવાર

Krupa Bakori

જો મમ્મી, સુરાહીને તારી સાથે બનતું નથી ને એ અવારનવાર તમારી ફરીયાદ કરે છે. એ મારી જીવનસંગિની છે તેને હું સમજાવું છું પણ, એ તમારી સાથે આ ઘરમાં રહેવા એક મિનિટ પણ તૈયાર નથી. હું તેની સાથે રહીશ તો પ્લીઝ તમે બીજે રહેવા ચાલ્યા જાવ તો વધારે સારું.... જો આજ સાંજ સુધીમાં તમે નહી જાવ તો મારી સુરાહી આ ઘરમાં આવશે નહી સમજો છો ને તમે.....? આટલું કહીને તે તો ચાલ્યો ગયો.

ચાલીસ વર્ષના જયાબેન તો આટલું બોલતાની સાથે જ હાંફી ગયા અને હતાશાનું પોટલું બનીને સોફામાં ફેલાઈ ગયા. પત્નીની સામે જોઈ ને હાથમાં હાથ લઈને કહ્યુ, જોયું ને, જયા! આ છોકરો શું ને શું બોલીને ગયો... એની વહાલસોયી માને કેવાં વેણ સંભળાવી ગયો? જિગરના ટુકડા જેવા દિકરાએ કેવાં-કેવાં ઝખમ આપ્યા.

શરદભાઈ ઝડપથી રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરી લાવ્યાં. પત્નીને આપ્યો અને કહ્યું, બધો વાંક તારો જ છે. મારો અમન, મારો લાડલો કહી-કહીને હદથી પણ વધારે પ્રેમ આપ્યો. હવે તારા કર્યાં તું જ ભોગવે છે...... પતિના આવા શબ્દ સાંભળીને ભૂતકાળની યાદો મન પર છવાઈ ગઈ.

મારો અમન તો મારો અમન..... મારું પ્રતિબિંબ તો મારો અમન જ છે. મને એક બાળકની ઝંખના મારી તીવ્ર ઈચ્છા મારા અમનને મળી પુરી થઈ હતી. હું તો ઈશ્વરને રોજ પ્રાર્થના કરતી કે, મને એક દિકરો આપો. હું એક દિકરી, બેન, પત્ની હતી. અમનના આવ્યા પછી એક માતા બનીને મારો નવો જ જન્મ થયો હતો. એ મને મમ્મી-મમ્મી કહેતો... ત્યારે તો જાણે મનને અનહ્દ ખુશી મળતી. અમનને રમાડતી, તેની સત્તત કાળજી તેની સંભાળ જાણે નવું જ જીવન મને મળ્યું હતું. રોજ-રોજ નવાં હાલરડાંઓ શીખતી. મારા કાનાને કોઈ વાતની કમીનો અહેસાસ ના થાય તે ધ્યાન રાખતી. જુદા-જુદા લયમાં એકડાઓ બોલીને શીખવાડતી. કયારેક તો અડધીરાત્રે રોડ પર જઈને કેન્ડી ખાવાની ઈચ્છા વ્યકત કરતો. અમે સાથે બહાર જતાં અને મારો લાડલો કહેતો લવ યા મમ્મી... ત્યારે હું ખુશ થઈને તેને ચૂમી કરી લેતી.

મારો દિકરો એક-એક કોળીએ એક-એક વાર્તા કરાવતો. માંડ-માંડ એક કલાકે અમન જમી લેતો હતો. અમનના પપ્પા તો ગુસ્સો કરતાં કે આવું તે હોતું હશે? હું બસ મારા લાડલાની જીદ પૂરી કરતી. સવારે ઊઠે ત્યાંથી તેની વાતો શરૂ થાય ને રાત્રે સુતી વખતે પણ મારા દિકુને વાર્તા કહીને જ સુવડાવતી. મારા જીવનનો એકમાત્ર સહારો મારો અમન જ હતો.

વર્ષો પસાર થતાં રહ્યા. નાનકડો અમન આજે કરોડોનો બિઝનેસ કરતો હતો. અમન એ તેના જ કોલેજની એક છોકરી સાથે પ્રેમલગ્ન કર્યાં. સુહારી તો મારા અમનને પામીને ધન્ય ધન્ય થઈ ગઈ. અમન અને સુહારી એકબીજાને દિલથી ચાહતા એ જોઈને મારા મનને આંનદ થતો. મારી દિકરી કહી-કહીને અપાર પ્રેમ આપ્યો. સુહારીને તો જાણે સ્વર્ગ મળી ગયું. મેં તેને લાડકોડથી રાખી. આખો દિવસ પાર્ટીઓમાં જ જતી. શરૂ-શરૂમાં તો સુહારીને ખૂબ મજા આવી ગઈ, પણ પછી એને કંટાળો આવવા લાગ્યો. સંયુક્ત કુટુંબના મેળામાં એનો દમ ધુંટાવા લાગ્યો. એને લાગ્યું જાણે કોઈ સ્વતંત્રતા જ નથી. કોઈ એકાંત જ નથી મળતું. જયારે જુઓ ત્યારે લોકો સામે ને સામે જ. આ માહોલ થી કંટાળીને તેને અમનને અલગ થવા કહ્યું.

ક્યાંય સુધી અમનનાં આ વાકયોનો આપેલો આધાત પામીને જયાબેન તરફડતા રહ્યા. બપોરે ભોજન પણ ના લીધું. ઘર છોડીને એક મંદિરમાં બંને પતિ-પત્ની બેઠા હતા. જીવનમાં ચારેકોર અંધારું હતું. કોઈ પણ કિરણની આશા દેખાતી નહોતી. દિકરાએ આપેલો આધાત જીરવી શકાતો નહોતો. રડી-રડીને જયાબેનની તો હાલત ખરાબ થઈ ગઈ હતી. જે દિકરો જીવનનો સહારો હતો તેને જ ઘડપણમાં દગો કર્યો.

ત્યાં જ અચાનક એક નવી જ રોશની લઈને એક યુવતી મંદિરમાં પ્રવેશી.

મમ્મી.... પપ્પા... તમે અંહીયા... શું કરો છો અને આ હાલાતમાં... મમ્મી તારા આંખમાં આંસુ ? ભાઈ કયાં છે? પપ્પા આ સામાન... પોતાના વહાલા મમ્મી-પપ્પાને આ હાલતમાં જોઈને છાતીમાં મૂંઝારો થઈ આવવાને કારણે વધું કંઈ બોલી શકાયું નહી.

કેમ કંઈ બોલતા નથી, પપ્પા? શું વિચારો છો? આજે છ મહીનાના અંતરાલ પછી અચાનક જ આવી રીતે મળતાં શરદભાઈ તો ગળગળા થઈ ગયા.

હેં? હું? હા, આ.. શિકા બેટા, તું મઝામાં?

હા, પપ્પા હું મઝામાં પણ તમે અને મમ્મી....?

શરદભાઈ પોતાની લાડલી દિકરીને જોઈને આંસુને ના રોકી શક્યા. ચોધાર આંસુએ બાપ-દિકરી રડી પડ્યા. શરદભાઈએ બધું જ દિકરીને કહ્યું.

પપ્પા-મમ્મી તમારે કયાંય પણ જવાની જરૂર નથી. તમે બંને મારી સાથે જ રહેશો. જે પણ થઈ ગયું તે ભૂલી જાવ.

બેટા, તારી સાથે અમે ના રહી શકીએ. દિકરીના ઘરનું તો પાણી પણ ના પીવાય અને અમે તારી સાથે.... ના મારા દિકરા તારી સાથે નહી તારા પપ્પા ને થઈ શકે તો માફ કરી દેજે. આખરે દિકરીના પ્રેમ સામે બંને ઝુકી ગયા અને પોતાની દિકરીને સાથે રહેવા ગયા.

જયાબેનની ઉદાસીનો પાર ન હતો. આ આઘતમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું. હતાશાની ખીણમાં સરી ગયા. વારંવાર એમ જ કહેતી: “ આશિકા આમાં મારો શું વાંક? મારી કંઈ ભૂલ કે જેના કારણે અમન એ આવું કર્યું? શું મારા પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હશે?

મમ્મી જીવન આખરે તો એક ખેલ જ છે ને! એન્ડ ધી શો મસ્ટ ગો ઓન.... તારા ઉદાસ રહેવાથી કશું જ નહી બદલે. તારી આ દિકરી તને કયારેય દુ:ખી નહી થવા દે. મમ્મી તું થોડી વાર આરામ કર.

***

મારી લાડલી.... મારો દિકરો એક દિવસ પણ એવો નહી હોય જયારે તને યાદ કરી ના હોય. જયારે પણ આ મા-દિકરાનો પ્રેમ જોતો ત્યારે તું અચૂક યાદ આવી જા. મારી ઢીંગલી... આજે પણ મારી પરી એવી ને એવી જ છે.

જયારે તું ઘરમાં આવી ત્યારે આ મહેતા ફેમિલીના વૈભવમાં વધારો થયો હતો. આજે પણ મારી રમતિયાળ દિકરી એવી જ વહાલી જ લાગે છે. સૌથી મોટું વાવાઝોડું તો મારી આશિકા હતી. કાબરની જેમ કલબલાટ કરતી. બુલબુલ જેવું ગાતી. આખો દિવસ પતંગિયાની જેમ ઊડાઊડ કરતી. જ્યાં સુધી ઘરમાં હાજર હોય, ત્યાં સુધી ઉદાસી બહાર જ રહેતી. તને પગમાં કાંટો વાગ્યો હતો ત્યારે તને યાદ છે મેં બધા જ નોકરોને રજા આપી નવા નોકરો રાખ્યા હતા. તને યાદ છે આપણા ઘરની બાજુમાં જ ગાર્ડન હતો ત્યાં હું તને રોજ લઈને જતો. થોડાંક ફૂલછોડ હતાં. ધાસ હતું. બે બાંકડા હતા. એમાંથી એક બાંકડા ઉપર રોજ તારે છથી સાત વાગ્યા સુધી બેસવા જવાનો વણલખ્યો નિયમ હતો. રોજ તને મારે ફુગ્ગો તો લઈ જ દેવાનો નહીતર તું રિસાઈ જતી.

હા, પપ્પા આ બધું કેમ ભુલાય? એ પહેલાનો સમય પપ્પા અનમોલ યાદ બની દિલના એક ખુણામાં હમેંશા અવિરત રહેશે. હું અને અમનભાઈ તો હમેંશા સાથે જ રમતા નાની બાબતમાં ઝગડો કરી લેતા પણ મારી આંખમાં આંસુ એ જોઈ ના શકતા. નાની ચોકલેટ પણ શેર કરીને જ ખાતા. મને તો કંઈ જ સમજાતું નથી કે આખરે અમનભાઈ આવું કઈ રીતે કરી શકે? જો પત્ની આવી જાય તો શું એ મા-બાપને ભૂલી જવાના?

બેટા, તેમા અમનની ભૂલ નથી શાયદ અમારાથી જ કાંઈક ભૂલ થઈ ગઈ હશે.

અરે,પપ્પા તમે અંહીયા???

હા, બેટા....

આશિકા આરોહને બધી વાત સમજાવી દે છે અને ત્યાં જ આરોહ કહે છે પપ્પા તમે હવેથી અમારી સાથે જ રહેશો. પપ્પા તમારી કાંઈ જ ભૂલ નથી જો કોઈની ભૂલ છે તો અમનની. મા-બાપનો પ્રેમ બધાના નસીબમાં ના હોય. મારા મમ્મી-પપ્પાને તો મેં નાનપણથી જ જોયા નથી પરંતુ તમારી સેવા કરવાનો મોકો અમને નહી મળે. અમે બંને એ જરૂર કોઈ સારા કર્મો કર્યા હશે કે તમારો પ્રેમ અમને મળશે. તમારે અહીં જ રહેવાનું છે. જમાઈની વાત સાંભળી શરદભાઈ તો ગદ-ગદ થઈ ગયા.

***

જિંદગી પણ કેટલી ખુબસૂરત છે ને..... કયારેક કયારેક ખુશીઓની બરસાત હોય તો કયારેક ગમના કાળા વાદળા હોય... સમય-સમયનું કામ કરે છે. દિવસોના દિવસો વીતી જાય છે પણ અમન તેના મા-બાપના કોઈ જ ખબર લેતો નથી. આશિકા અને આરોહ સાથે મળીને તેની સેવા કરે છે. કયારેય કોઈ જ ફરીયાદનો મોકો નથી આપતા. રોજ સવાર-સાંજ ગીતાનો પાઠ કરીને સંભળાવે છે. તેની સેવા કરે છે.

એક દિવસ આશિકા અમનને ઘરે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે અમન તો...... એક હોસ્પિટલમાં છે. ડોકટરને પૂછતા ખબર પડે છે કે તેનું એક મેજર ઓપરેશન થયું હતું અને એ મરતાં-મરતાં બચી ગયો છે પણ એના સ્પાઈનલ કોડમાં ખુબ મોટી ઈજા થઈ છે અને એ લોકો એ શક્ય એટલી કોશિશ કરી છે પણ… અમન હમણાં પેરેલાઈઝ્ડ હાલતમાં છે. એનું મગજ, એનું મોં વગેરે કામ કરે છે પણ એ બોલી નહીં શકે તેને બધા જ કામમાં બીજાઓની સહારા ની જરૂર પડશે...... છેલ્લા એક મહિનાથી તે એકલો અહીંયા રહે છે. જ્યારે આશિકા તેને ઘરે લઈ આવે છે ત્યારે અમનનાં આંસૂ જોઈને આશિકા બધી વાત સમજી જાય છે અને તેની સાથે જ તે ઘરમાં રહે છે.

સુરાહી તેને છોડીને હંમેશા-હંમેશા માટે જતી રહે છે. કરોડોની સંપત્તિ લઈને એ ફરાર થઈ જાય છે. સુરાહી એ કેમ ભૂલી જાય છે કે કોઈ સ્ત્રીનાં જ્યારે લગ્ન થાય છે ત્યારે એ માત્ર પુરૂષને નથી પરણતી હોતી પણ એના પરિવાર સાથે પણ એનાં લગ્ન થતાં હોય છે.

પરિવારને સંભાળવવાની ફરજ સ્ત્રીની હોય છે. લગ્ન બાદ સ્ત્રીનો બીજો જન્મ થાય છે. આજની યુવતી એમ સમજે છે કે લગ્ન એટલે પતિ અને પત્નીનો સંબંધ, બસ આ જ કારણે આજની યુવતી સંયુક્ત પરિવાર સાથે એડજેસ્ટ કરી શકતી નથી.

એક દિકરી દિકરાની ભૂમિકા નિભાવે છે અને પોતાના પરિવારને સાચવે છે. અમનની સેવા કરે છે. સાથે-સાથે પોતાના વહાલા મમ્મી-પપ્પાને પણ કોઈ કમીનો અહેસાસ કરાવતી નથી.

કોઈ જ ક્ષેત્ર એવું નથી જ્યાં મહીલાઓ ના પહોંચી હોય. મહીલાઓ સર્વત્ર ફરીવળી છે. દિકરી પારકી થાપણ કહેવાય છે, છતાં આશિકા જેવી દિકરી જીવનપર્યંત દિકરી બનીને દિકરાની ફરજ અદા કરે છે.

આશિકા મમ્મીની દુલારી થઈને રહે છે, તો પપ્પાની પરી તો કયારેક ભાઈની લાડલી તો કયારેક પતિની ધર્મપત્ની. એક દિકરી જરૂર પડ્યે બધા જ પાત્ર નીભાવે છે.