પિન કોડ - 101 - 32 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 32

પિન કોડ - 101

પ્રકરણ-32

આશુ પટેલ

‘એ છોકરી નીકળી હૉટેલમાંથી?’ ઓમર મોહસીનને ફોન પર પૂછી રહ્યો હતો.
‘ના. હજી એ હૉટેલમાં જ છે.’ મોહસીને જવાબ આપ્યો.
‘અરે! એક વાગ્યે તો એ છોકરી ઑફિસમાં આવવાની હતી.’
‘હા ભાઇ. તમે એ કહ્યું હતું, પણ એ હજી હૉટેલમાંથી બહાર આવી જ નથી.’
‘તું કેટલી વારથી ત્યાં છે?’ ઓમરે પૂછ્યું.
‘હું સાડા બાર વાગ્યાથી આવી ગયો છું અહીં.’
‘સલીમે તેને નીકળતા નહોતી જોઇ ને?’
‘ના ભાઇ. હું તેને રીસિવ કરવા આવ્યો ત્યારે તેણે મને કહ્યું કે એ છોકરી હજી હૉટેલમાં જ છે.’
‘એ હૉટેલમાંથી પાછળની બાજુએથી બહાર નીકળવાનો બીજો કોઇ રસ્તો નથી ને?’
‘નહીં, ભાઇ.’
ઓકે. તું બરાબર નજર રાખ. એ છોકરી જેવી હૉટેલમાંથી બહાર નીકળે કે તરત જ મને કોલ કરજે અને તું તેની પાછળ ઑફિસ પહોંચજે.’ ઓમરે સૂચના આપી.
***
‘સલીમ, તું એ હૉટેલની બહાર હતો ત્યાં સુધી એ છોકરી સો ટકા હૉટેલમાંથી બહાર નહોતી નીકળી ને?’ ઓમર સલીમ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેના અવાજમાં થોડો તનાવ વર્તાતો હતો.
નહીં ભાઇ. એ છોકરી હૉટેલમાં જ હતી. જો કે, સાડા બાર વાગ્યે મોહસીન આવ્યો એટલે હું નીકળી ગયો હતો. એ પછી તે નીકળી હોય તો મોહસીનને ખબર હશે.’
મોહસીન સાથે મારી વાત થઇ. તે પણ કહે છે કે છોકરી હજી હૉટેલમાથી નથી નીકળી. તું ક્યા છે અત્યારે?’
‘હું અહીં અપના બજારની નજીક જ એક ઉડિપી હૉટેલમાં ખાવા આવ્યો છું.’
તું ફટાફટ પાછો જા. અને તું પહોંચે ત્યારે પણ તે છોકરી ના નીકળી હોય તો મોહસીનને પણ કહેજે કે ત્યાં જ રહે.’
***
‘સલીમ, એ છોકરી હૉટેલમાંથી નીકળી નથી ને?’ સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રેય વાઘમારે ફોન પર પૂછી રહ્યા હતા.
‘નહીં, વાઘમારેસા’બ. એ હજી હૉટેલમાં જ છે. લાગે છે કે તેને મારી વાત પર ભરોસો બેસી ગયો છે એટલે તે કદાચ ઓમરની ઑફિસમાં નહીં જાય.’
‘તું એ હૉટેલની બહાર જ ઊભો છે ને?’
‘હા. જો કે, મારી જગ્યાએ મોહસીન આવી ગયો છે. ઓમરે અમને વારાફરતી તે છોકરી પર નજર રાખવા માટે કહ્યું છે. પણ હું એવી જગ્યાએ ઊભો છું કે તે છોકરી બહાર નીકળે તો હું તેને જોઇ શકીશ.’
તું ત્યાં જ રહેજે સલીમ. તે છોકરી બહાર નીકળે તો મને તરત જ કહેજે, પણ તે બહાર નીકળે તો તારે બીજું એક કામ કરવાનું છે...’ વાઘમારેએ સૂચના પૂરી આપવા માંડી.
‘જી વાઘમારેસા’બ. સમજી ગયો. કામ થઇ જશે.’ સલીમે ખાતરી આપતા કહ્યું.
***
‘ભાઇ, એ છોકરી હજી સુધી હૅાટેલમાંથી બહાર નીકળી નથી.’ ઓમર ઇકબાલ કાણિયાને ફોન પર કહી રહ્યો હતો.
તારો માણસ બરાબર નજર રાખી રહ્યો છે ને?’ કાણિયાએ પૂછ્યુ.
‘જી ભાઇ, પણ એ છોકરી એક વાગ્યે મારી ઑફિસમાં આવવાની હતી એને બદલે હજી સુધી તે ત્યાંથી નીકળી જ નથી.’
તારા માણસને કહે કે પાકી નજર રાખે. કોઇ ગરબડ ના થાય. કામ આજે જ કરવાનું છે. આપણે દસ-પન્દર મિનિટ પછી ફરી વાત કરીએ. ત્યાં સુધીમાં એ છોકરી બહાર નીકળે તો મને કહેજે.’
***
નતાશા શૂન્યમનસ્ક બનીને હૉટેલના રૂમમાં બેઠી હતી. તેણે સાહિલનો સમ્પર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સાહિલે તેનો કોલ કાપી નાખ્યો હતો અને પછી સેલ ફોન સ્વિચ ઓફ્ફ કરી દીધો હતો. નતાશાને કશું સમજાતું નહોતું. તેનું દિમાગ બહેર મારી ગયું હતું. તે ઘણી વાર સુધી હતપ્રભ બનીને બેસી રહી. તેને કોઇ અજાણી વ્યક્તિએ હૉટેલના ફોન પર કોલ કર્યો હતો તે વ્યક્તિને ખબર હતી કે તેનું નામ શું છે અને તે કઇ હૉટેલમાં અને એ હૉટેલના કયા નમ્બરના રૂમમાં રોકાઇ હતી. તે વ્યક્તિને એ પણ ખબર હતી કે તે એક વાગ્યે ઓમાર હાશમીને મળવા તેની ઑફિસમાં જવાની હતી! એનો અર્થ એ થયો કે સાહિલની શંકા સાચી હતી કે કોઇ તેનો પીછો કરી રહ્યું હતું. સાહિલને ઓમર પર શંકા હતી. જો કે, ઓમર તો તેની સામે આવી ગયો હતો, પણ તેને કોઇ અજાણી વ્યક્તિએ કોલ કર્યો હતો. એટલે કે ઓમર સિવાય બીજું કોઇ પણ તેના પર નજર રાખી રહ્યું હતું. અને તેના પર નજર રાખનારી વ્યક્તિએ તેને ચેતવણી આપી હતી કે તું ઓમર હાશમીને મળવા ના જતી. તું તેની ઑફિસમાં જઇશ તો મોટી મુશ્કેલીમાં ફસાઇ જઇશ!
નતાશા ગૂંચવણમાં પડી ગઇ કે તેણે શું કરવું જોઇએ. આવી સ્થિતિમાં કોના પર ભરોસો મૂકવો જોઇએ. તેણે મુંબઇમાં તેના પરિચયમાં આવેલી ઘણી વ્યક્તિઓના નામ વિચારી જોયા, પણ તેને એવું એક પણ નામ ના લાગ્યું કે જેની સાથે તે આ સંજોગોમાં મદદ કે સલાહ માગવા માટે વાત કરી શકે.
તેણે ફરી વાર પાગલની જેમ સાહિલનો સમ્પર્ક કરવાની કોશિશ કરી, પણ દરેક વખતે પેલો રેકોર્ડેડ મેસેજ જ સંભળાયો કે આ નંબરનો હમણાં સમ્પર્ક થઈ શકશે નહીં, થોડી વાર પછી ફરી કોશિશ કરો. તેણે સાહિલના સેલ ફોન પર એસએમએસથી મેસેજ કર્યો કે મને તરત જ કોલ કર, પ્લીઈઇઇઇઇઝ.’
આ દરમિયાન હૉટેલના રિસેપ્શન પરથી તેને ચેક આઉટ માટે કોલ આવી ગયો હતો. પેલી અજાણી વ્યક્તિના કોલ પછી પહેલી વાર હૉટેલના રિસેપ્શન પરથી આવેલા કોલની રિંગ વાગી એ વખતે તો નતાશા કોલ રિસિવ કરવાની કે કઇ બોલી શકવાની સ્થિતિમા જ નહોતી. તેને ડર લાગ્યો હતો કે કદાચ ફરી વાર પેલી અજાણી વ્યક્તિનો જ કોલ ના આવ્યો હોય! પણ સતત રિંગ વાગતી રહી ત્યારે તેણે ડરતા ડરતા રિસિવર ઊંચકીને કાને માંડ્યું હતું. એ વખતે હૉટેલના રિસેપ્શન પર ફરજ બજાવતી કોઇ છોકરીએ તેને કહ્યું હતું કે અમારી હોટેલનો ચેક આઉટ ટાઇમ બાર વાગ્યાનો છે. ત્યારે તેણે વિનંતી કરીને થોડો વધુ સમય માગ્યો હતો, પણ ફરી વાર કોલ આવ્યો ત્યારે પેલી છોકરીએ કહ્યુ કે મેડમ, એક વાગવા આવ્યો છે. એ વખતે નતાશાને બીજું કઇ ના સૂઝ્યું એટલે તેણે કહી દીધું કે હું આજે પણ અહીં રોકાવાની છું. તેના સદ્ભાગ્યે તેણે એવું ના સામ્ભળવું પડ્યું કે આ રૂમ માટે આજે બીજા કોઇનુ બુકીંગ છે, પણ એ વખતે છોકરીએ તેને સમયનું ભાન કરાવ્યું ત્યારે નતાશાને સમજાયું કે તે ક્યારની મૂઢની જેમ બેસી રહી છે. દિશાહીન અવસ્થામા હૉટેલના રૂમમા પૂરાયેલી નતાશાએ ફરી એક વાર સાહિલને કોલ કરવા માટે સેલ ફોન હાથમા લીધો. એ વખતે તેને સમજાયું કે પેલી અજાણી વ્યક્તિના કોલને કારણે તે એટલી ડરી ગઇ હતી કે એ કોલ હૉટેલના લેન્ડલાઇન ફોન પર આવ્યો હતો, પણ તેણે ડરના માર્યા પોતાનો સેલ ફોન બંધ કરી દીધો હતો! પોતે સેલ ફોન ક્યારે બંધ કરી દીધો હતો એ બહું કોશિશ કરવા છતા નતાશાને યાદ ના આવ્યું.
તેણે સેલ ફોન ચાલું કર્યો. તે સાહિલનો નમ્બર લગાવે એ પહેલા જ તેના સેલ ફોનની રિંગ વાગી. સાહિલનો જ કોલ હશે એમ માનીને નતાશાના મનમા એક સેકંડ માટે હાશકારાની લાગણી જન્મી, પણ સેલ ફોનના સ્ક્રીન પર ફ્લેશ થયેલું નામ જોઇને તે છળી પડી!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 4 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Leena

Leena 2 વર્ષ પહેલા

Toral Patel

Toral Patel 2 વર્ષ પહેલા

Bipin vankar

Bipin vankar 2 વર્ષ પહેલા