પિન કોડ - 101 - 31 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિન કોડ - 101 - 31

પિન કોડ - 101

પ્રકરણ-31

આશુ પટેલ

‘સર, અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ કાણિયા કોઈ ભયાનક કાવતરું ઘડી રહ્યો છે.’
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરોના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ક્રિશ્નકુમારે સેન્ટ્રલ આઈ.બી.ના આઈજીપી પવન દીવાનને કહ્યું.
મુંબઇ પોલીસ તરફથી કોઇ ઇનપુટ છે?’ આઈજીપી પવન દીવાને ગુપ્તચર વિભાગની ભાષામાં પૂછ્યું.
ના સર, મારા સ્રોત પાસેથી બાતમી મળી છે.’ ક્રિશ્નકુમારે જવાબ આપ્યો અને પછી તરત જ ઉમેરી દીધું: આ વખતે વાત માત્ર તેની અન્ડરવર્લ્ડની પ્રવૃુત્તિ પૂરતી મર્યાદિત નથી. તે કોઇ દેશવિરોધી કાવતરું ઘડી રહ્યો હોય એવુ લાગે છે. મારો ખબરી ખાતરીપૂર્વક કહે છે કે કાણિયાએ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આરડીએક્સ મગાવ્યું છે અને મુંબઇમાં કોલાબા નજીક ઉતાર્યુ છે.’
ઓહ માય ગોડ!’ આઇજીપી પવન દીવાન સડક થઇ ગયા. પણ ત્રીજી સેકંડે જ તેમણે સ્વસ્થતા મેળવી લીધી. ઇન્ટેલિજન્સ ઓફિસર ક્રિશ્નકુમાર આગળ માહિતી આપી રહ્યો હતો એ દરમિયાન જ તેમનું દિમાગ દોડવા માંડ્યું હતું.
તેણે ક્યારે આરડીએક્સનુ ક્ધસાઇનમેંટ ઉતાર્યું છે એ વિશે માહિતી મળી છે?’ તેમણે સવાલ કર્યો.
’મારા ખબરીના કહેવા પ્રમાણે કદાચ બે દિવસ પહેલા જ.’ ક્રિશ્નકુમારે કહ્યું.
‘કાણિયા પર તો મુંબઇ પોલીસની સતત નજર હોય છે!’
હા, સર. પણ આ આરડીએક્સ ઉતારવા માટે તેણે મુંબઇ પોલીસના જ કેટલાક દેશદ્રોહી કર્મચારીઓની જ મદદ લીધી છે એવું મારો ખબરી કહે છે.’
‘ઓહ નો!’ ગમે એવી સ્થિતિમાં પણ સ્વસ્થતા જાળવી રાખવા માટે જાણીતા પવન દીવાનથી બોલાઇ જવાયું. સિનિયર આઇપીએસ અધિકારી પવન દીવાન મુંબઇ પોલીસમાં પણ જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા હતા. એટલે તેમને ખબર હતી કે મુંબઇ પોલીસમાં અંડરવર્લ્ડ ડોન ઇકબાલ કાણિયાના ઘણા મળતિયા હતા, જેમને કાણિયા તરફથી દર મહિને ‘તગડો પગાર’ મળતો હતો. તેઓ તેમની કારકિર્દીના શરૂઆતના વર્ષો દરમિયાન મુંબઇ પોલીસમાં હાઇ પ્રોફાઇલ ગણાતા ડેપ્યુટી કમિશનર(ક્રાઇમ)ના હોદ્દા પર ફરજ બજાવતા હતા એ વખતે તેમણે મુંબઇના એવા ઘણા પોલીસ અધિકારીઓને ફરજમાંથી બરતરફ કરાવ્યા હતા એટલે કે કાયમી ધોરણે ઘરભેગા કરાવી દીધા હતા કે જે પોલીસ દળ અને દેશને બદલે ઇક્બાલ કાણિયા પ્રત્યે વફાદારી દાખવતા હતા. અને એ વખતે તો કાણિયા મોટે ભાગે અપહરણ અને ખંડણી ઉઘરાણી જેવા ગુનાઓ જ કરતો હતો. પણ તેણે મુમ્બૈના કેટલાક પાવરફુલ માણસોના ખૂન કરાવ્યા એ પછી તેનું નામ ડોન તરીકે કુખ્યાત થઇ ગયું હતું. શરૂઅતમાં તેનો ઘણો ખરો સમય જેલમાં વિતતો હતો, પણ પછી તેણે ગુના કરવાની પદ્ધતિ બદલી નાખી હતી. તેણે સગીર વયના છોકરાઓને શૂટર બનાવીને અને કાયદાની આંટીઘૂંટીઓનો ભરપૂર ફાયદો ઊઠાવીને તથા માનવાધિકારનો ઝંડો લઇને ફરતા કેટલાક હરામખોર અને કેટલાક બેવકૂફ ચળવળખોરોનો સીધો અથવા આડકતરો સહકાર મેળવીને પોતાની ગેંગની પ્રવૃત્તિઓ એ રીતે ચાલુ રાખી હતી કે તે મોટે ભાગે કાનૂનથી બચતો જ રહેતો હતો. એક બાજુ તેના પાળેલા અથવા મીડિયાનો ઉપયોગ કરી જાણતા ઓવર સ્માર્ટ પણ વાસ્તવમાં મંદબુદ્ધિના એવા કેટલાક માનવાધિકાર ચળવળખોરો તથા કેટલાક ખેપાની વકીલોની મદદથી પોતાને નડતા ઘણા પોલીસ અધિકારીઓને કોર્ટના ધક્કા ખાતા કરી દીધા હતા અને બીજી બાજુ તેણે ઘણા પોલીસ કર્મચારીઓને પોતાના પાળીતા બનાવી દીધા હતા.
તેમને યાદ આવી ગયું કે ૧૯૯૩માં પણ મુંબઇમા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ થયા એ વખતે આવા કેટલાક દેશદ્રોહી પોલીસ કર્મચારીઓ જ શ્રીવર્ધનના દરિયાકિનારેથી આરડીએક્સ ભરેલું વાહન એસ્કોર્ટ કરીને મુંબઇ સુધી લઇ આવ્યા હતા!
‘આ વખતે ૧૯૯૩ના આતંકવાદી હુમલાનું પુનરાવર્તન નથી થવા દેવું.’ તેઓ મનોમન બોલ્યા.
સર...’ પવન દીવાન થોડી સેકંડ સુધી કેં બોલ્યા નહીં એટલે ક્રિશ્નકુમારે કહ્યું.
‘આરડીએક્સ લેંન્ડિગની બાતમી સિવાય ઇક્બાલ કાણિયા વિશે લેટેસ્ટ અપડેટ શું છે?’ તેમણે પૂછ્યું.
‘કાણિયાએ હમણા તેના ગઢ સમા ડોંગરી વિસ્તારને બદલે વરસોવા વિસ્તારમાં ધામો નાખ્યો છે.’ અને હમણા થોડા દિવસોથી તેની વરસોવાના એક કોલગર્લ સપ્લાયર માણસ સાથે ઉઠબેસ વધી ગઇ છે.’
‘કાણિયાને છોકરીઓમાં ક્યારથી રસ પડવા લાગ્યો?’ પવન દીવાનને આશ્ર્ચર્ય થયું.
એ સમજાતું નથી, સર. ‘પણ કાણિયાને કોઇ છોકરીમાં રસ પડ્યો છે અને એ છોકરીનું પેલા કોલગર્લ સપ્લાયરની સાથે કંઇક ચક્કર ચાલે છે.’
‘સ્ટ્રેંજ! કાણિયો તો છોકરીઓથી દૂર રહેવા માટે જાણીતો છે. મેં વર્ષો પહેલા એક છોકરી પર બળાત્કારના કેસમાં તેને ઇંટરોગેશન માટે ઊંચકવાનો આદેશ આપ્યો હતો અને તેને મારી સામે લવાયો હતો એ વખતે તેણે કહ્યું હતું કે ‘હું ઔરતોને સખત નફરત કરું છું. એટલે કોઇ હૂર જેવી ઔરત મારી સામે ખુલ્લા બદન સાથે આવી જાય તો પણ હું તેને અડું નહીં! અલ્લાહ સાક્ષી છે કે મારી બીવી સાથે પણ ઔલાદ મેળવવા માટે જ હમબિસ્તર બન્યો છું! અને અત્યારે તેને કોઇ કોલગર્લમાં રસ પડ્યો!’
સર, ‘એ છોકરી ક્યારેય કાણિયા સાથે નથી દેખાઇ, પણ કાણિયાના પેલા નવા દોસ્ત સાથે તેનો સંબંધ છે, જે બોલીવૂડના મોટા માથાઓને છોકરીઓ પહોચાડે છે અને બોલીવૂડની નવીસવી હીરોઇનો કે મોડેલોના દલાલ તરીકે પણ કામ કરે છે. તેની ઓફિસ કાણિયાના નવા અડ્ડાથી નજીકમાં જ ક્યાંક છે.’
‘એ કોલગર્લ સપ્લાયરનું નામ અને તેની ઓફિસ ક્યાં છે એ વિશે કોઇ માહિતી મળી?’
‘તેની ઓફિસ ક્યાં છે એની તો મારા ખબરી પાસે માહિતી નથી પણ તે માણસનું નામ તેને જાણવા મળ્યું છે.’ કાણિયાના કોઇ માણસને તેણે પૈસા આપીને ફોડ્યો છે. મારા ખબરીએ કહ્યું કે મારી ‘બાતમીના પૈસાની સાથે મેં કાણિયાના માણસને મોટી રકમનું વચન આપ્યું છે એ પૈસા તમારે એક્સ્ટ્રા આપવા પડશે!’
‘શુ નામ છે એ કોલગર્લ સપ્લાયરનુ?’
‘ઓમર હાશમી.’
***
ઇકબાલ કાણિયાની બધી સૂચનાઓ સાંભળીને ઓમરે તેની રજા લીધી. તે એ મોટા રૂમના બંધ દરવાજા પાસે પહોંચ્યો. તેણે એ મજ્બૂત દરવાજાનુ લોક અન્દરથી ખોલ્યું એટલે તે એક નાનકડા પેસેજમાં આવ્યો. ત્યાં ઉપરની તરફ જતા પગથિયા હતા. પેસેજની જમણી બાજુની દીવાલમાં એક સ્વિચ હતી. તેણે એ સ્વિચ દબાવી એટલે પગથિયાની ઉપરની બાજુએ લાકડાનું એક પાટિયું એક તરફ સરકી ગયું અને થોડા ફૂટ જગ્યા ખૂલી ગઇ. તે પગથિયા ચડીને ઉપર ગયો. એ પગથિયા એક નાના રૂમમાં જતા હતા. એ રૂમમાં વૂડન ફ્લોરિંગ હતું. ઉપર ગયા પછી તેણે એક પિક્ચર ફ્રેમ હટાવીને એની પાછળની સ્વિચ દબાવી એટલે ફરી પેલું લાકડાનું પાટિયું એની જગ્યાએ સરકી આવ્યુ અને વૂડન ફ્લોરમાં એ રીતે ગોઠવાઇ ગયું કે કોઇને કલ્પના પણ ના આવે કે એ નીચેના રૂમમાં જવા માટેનો ગુપ્ત દરવાજો છે.
એ રૂમમાં પહોચ્યાં પછી તેણે ઇકબાલે આપેલા સિમ કાર્ડવાળા મોબાઇલ ફોન પરથી કોઇ નંબર પર કોલ કર્યો. સામેવાળાએ તરત જ તેનો કોલ કાપ્યો. ઓમર એ રૂમના દરવાજા પાસે પહોંચ્યો અને તેણે એ દરવાજો અંદરથી ખોલ્યો એ સાથે તેની સામે હેંગરમાં લટકાવેલા કપડાં દેખાયા. એ કપડાંને એક બાજુ ખસેડીને જગ્યા કરીને તે ઊભો રહ્યો. સામે વળી એક બીજો દરવાજો હતો. થોડી સેકંડ બાદ બહારની બાજુએથી કોઇએ એ દરવાજો ખોલ્યો. ઓમર દરવાજો ખોલનારા સામે હસ્યો. પેલાએ પણ સ્મિત કયુર્ં. પાછળના દરવાજાને બંધ કરીને ઓમર બહાર આવ્યો એટલે દરવાજો ખોલનારા માણસે હેંગરમાં લટકતા કપડાં ફરી વાર હતા એમ ગોઠવી દીધા. એ એક બાથરૂમ હતો. જે કોઇના બેડરૂમમા ખૂલતો હતો. ઓમર એ બેડરૂમના દરવાજામાંથી બહાર નીકળ્યો અને એક અતિ સાધારણ દીવાનખંડમા પ્રવેશ્યો. એ રૂમમાં ફરસ પર બિછાવેલી ચટાઇ પર એક મૌલવી બેઠા હતા.
ઓમર તેમની બાજુમાં ફરશ પર બેસી ગયો. તેણે કહ્યું: ‘,બાબા, કોઇ નેક કામ કરને જા રહા હૂં. મેરે લિયે દુઆ કરના.’
‘મેરી દુઆયે તુમ્હારે સાથ હી હૈ. લેકીન ઉસકી તુમ્હે જરૂરત નહી હૈ. વો સબ દેખતા હૈ ઔર હરદમ અપને બન્દો કા ખયાલ રખતા હૈ. ઔર તુમ તો મઝ્હબ કે લિયે કામ કરને જા રહે હો. વો તુમ્હારી હિફાજત કરેગા.’ મૌલવીએ કહ્યુ.
બહારથી અત્યંત સાદગીભર્યા જણાતા મકાનમાંથી ઓમર બહાર નીકળ્યો એ વખતે એ મકાનથી પચાસેક ફૂટ દૂર પાનના ગલ્લે બેઠેલા એક માણસે સેલ ફોન હાથમાં લઇને ઉતાવળે એક નંબર લગાવ્યો. પહેલી રિંગ વાગી એ સાથે જ કોઇએ સામેથી કોલ રિસિવ કરીને હલ્લો’ કહ્યું એ સાથે પાનના ગલ્લે બેઠેલા માણસે દબાતા અવાજે કહ્યુ: ‘વો અભી મૌલવી કે પાસ સે નીકલા હૈ.’

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 દિવસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Disha

Disha 9 માસ પહેલા

Hemanshu Shah

Hemanshu Shah 9 માસ પહેલા

Batuk Patel

Batuk Patel 11 માસ પહેલા