પારેવું
જ્યોતિ ભટ્ટ
સુંદર એરકન્ડીશન ઓફિસ... બહુમાળી બિલ્ડીગનો ત્રીજો માળ એરકન્ડીશન રૂમની બારીના બારણાં પર શ્વેત કબૂતર ઘૂ...ઘૂ... કરતું બેઠું છે, અને ઈઝીચેર બેઠેલા શ્વેતવસ્ત્રધારી, ખાદીધારી પુરુષની નજર એ કબૂતર પર વારંવાર મંડાયા કરે છે. કબૂતરનું ધવલ, રૂપાળું રૂપ તેની નજરમાં વસી ગયું અને પછી કબૂતર પરથી ખસીને તેની નજર ટેબલ પર પડેલી ફાઈલ પર પડી.
ફાઇલ ખોલતાં જ બી.એસ.સી., બી.એડ., એલ. એલ. બી. ના સર્ટીફીકેટ્સ પર આંખો સ્થિર થઈ, ફર્સ્ટ કલાસ ફર્સ્ટ એ યુવતીનું નામ પણ સુંદર હતું : મિસિસ માધવી શર્મા.
ખાદીધારી, પીઢ, ખુરશી પર બિરાજમાન બોસે બેલ મારી, પટાવાળો આદત મુજબ, યંત્રવત્ અંદર આવ્યો.
"મિસિસ માધવી શર્માને અંદર મોકલ."
"જી,સર...!"
"જો બારણું બહારથી..."
"સ...ર..."
"હું કહું તેમ કરવાનું સમજયો? નહીતર..." "જી...જી...સર!"
થોડી પળો પસાર થઈ ગઈ, ફરી બારણું ખૂલ્યું અને મીઠો અવાજ ગૂંજયો :
"મે આઇ કમ ઇન સર?"
"યસ કમ ઈન એન્ડ સીટ ડાઉન પ્લી...ઝ..."
ફરી ચૂપકીદીથી થોડી પળો પસાર થઈ ગઈ અને બોસની નજર પેલા કબૂતર પર ગઈ. નજરને વાળી લેતાં તેમણે પૂછયું - "બી. એસ. સી., બી. એડ., એલ. એલ. બી. ખરું?"
"હા."
"અખબારમાં જાહેરખબર વાંચી અરજી કરી ખરું ને ?" "જી...જી હા સર..."
"પણ જગ્યા તો ટાઈપિસ્ટની છે."
"સર...તમે જો સર્વિસ આપતા હો તો ટાઈપ શીખી લેવા હું તૈયાર છું."
"ટાઇપ નહોતું આવડતું તો અરજી શા માટે કરી?"
"સંજોગોએ મજબૂર કરી."
"એવા કયા સંજોગો ઊભા થયા કે પરણેલા હોવા છતાં..." "પતિનો પગાર ઓછો, સાસુ - સસરાની બિમારી... બાળકોનો અભ્યાસ..."
"પગાર કેમ ઓછો?"
"પ્રતિકૂળ પિરસ્યિતિમાં લોન ઉપાડયા કરી તેથી કપાત વધારે ને ખર્ચા પણ કંઇ ઓછો તો નથી જ..."
"ઘેર બેઠાં કોઈક ગૃહ ઉધોગ થઈ શકે."
"મૂડી નથી."
"કમાતાં આવડે તો મૂડી જ મૂડી છે."
"મહેનત વગરાનો પૈસો નથી જોઈતો ને એટલે..."
"તો મહેનત કર..."
"ડીગ્રી છે, મહેનત કરવા તૈયાર છું પણ..."
"પણ ?... પણ શું?"
"કોઈ નોકરી આપવા તૈયાર નથી."
"શા માટે?"
"અનુભવ, ડોનેશન - એ બધું કયાંથી લાવું? સર્વત્ર અરાજકતા પ્રસરી છે, ભૂખમરો, બેકારી, બેરોજગારી જેવા દૂષણો હવે ઘર કરી ગયાં છે. જેની પાસે છે તેની પાસે અઢળક છે ને જેની પાસે નથી તેને ખાવાના ય સાસાં છે, આ તે કેવી લોકશાહી?"
"આટલો બધો આક્રોશ શેનો છે?"
"ભૂખનો, ત્રાસનો."
"કેટલા દિવસથી નથી ખાધું ?"
"દિવસો પૂછો છો? મેં તો વર્ષો થી ધરાઈને ખાધું જ નથી."
"તો જીવે છે કઈ રીતે?"
"એક ટંક અર્ધું જમીને."
"એટલે નોકરી શોધવા નીકળી?"
"પતિને મદદરૂપ તો થવું જ જોઈએ ને?"
"તો મહેનત કરવાથી કશું જ નહિ વળે."
"કારણ...?"
"નોકરી એમ સહેલાઈથી ન મળે સિવાય કે... ..."
"પદધારી નેતાઓનો એ શોખ જ દેશને ડૂબાડવા બેઠો છે." "સમજે છે તો શીખતી કેમ નથી? આજકાલ તો એની જ ફેશન છે."
"પતિને મૂકીને પર પુરુષને અડકવું ? છી...છી...છી...આવી ગંદી વાત મારા મોંએ ન કરતા, મારે નથી જોઇતી તમારી નોકરી."
"સ્વભાવને કેળવવો પડે."
"મને એ મંજૂર નથી."
"કાચ જેવી લીસી, લીલ જેવી સુંવાળી-રૂપાળી આ કાયાને કરવાની શું ?"
"સુંદરતા અભિશાપ છે."
"એને વરદાનમાં ફેરવી શકાય."
"એ વરદાન ન કહેવાય."
"જમાનો બદલાતાં રૂઢિગત ખ્યાલો પણ બદલવા પડે."
"જમાનો તો એનો એ જ છે, માણસના મન બદલાયાં છે."
"તો માણસનું મન ઓળખતાં શીખ."
"ભૂખ વેઠીશ, અન્ન નહી મળે તો ઉપવાસ કરીશ... પણ"
"કેટલા દિવસ કરી શકીશ?"
"વર્ષોથી કરું છું, મારા માટે એ નવું નથી."
"અભિશાપને વરદાનમાં ફેરવતાં આવડે તો બધું સહેલાઈથી પ્રાપ્ત થાય."
"તમારી ફિલસૂફી તમને મુબારક"
"ગઈ કાલે જુગારમાં હું બે વાર હાર્યો."
"હારો કે જીતો મારે શું ? રમ્યા કરો. શોખ છે ને એ તો તમારો, લોકોને ખાવા ધાન પણ ન મળે તોય..."
"તું ઇચ્છે તો તને ઘણું આપી શકું."
"હું અહી નોકરીની આશાએ આવી છું. પણ કેવું છે તમારું પુરુષોનું માનસ... શોખથી પૈસો વેડફવો છે અને જરૂરિયાતવાળા બિચારા... ..."
"તમને રળતાં ન આવડે તો કોઈ શું કરે?"
"ઇચ્છો તો તમારા બાળકોને ટયૂશન પણ આપી શકું."
"ટયૂશન કરી કેટલું કમાઈશ?"
"એક ટંક પૂરતું ખાવાનું તો મળી જ રહેશે."
"તો ય મારી નજર તને નહી મૂકે"
"તમારી પત્ની પર કોઈ... ..."
"સાલી! મારી પત્ની વિશે બોલે છે ? શરમ નથી આવતી?"
"હું પણ કોઈકની પત્ની છું."
"તારો પતિ પૂરતું કમાતો નથી, તારી સાસુ બિમાર છે અને તારા બાળકોનો અભ્યાસ.. ..."
"લલચાઈશ નહી...સમજી લેજો, હા..."
"વાસ્તવિકતા બતાવી રહ્યો છું."
જેના ચહેરા પર પીઢતા દેખાય છે એવો તે પોતાની જગ્યાએથી ઊભો થઈ લટાર મારવા લાગ્યો. બારી બહાર નજર કરી. બારીના બારણાં પર બેઠેલું કબૂતર હજુ એમનું એમ જ હતું. ધીમે ધીમે થોડી થોડી વારે તે પોતાની પાંખોનું હલનચલન કરતું હતું. બોસ થોડી લટાર મારી માધવી જયાં બેઠી હતી તે તરફ આવ્યા અને માધવીના ખભે હાથ મૂકતાં જ, માધવી ગરજી...
"હાથ સીધા રાખો, નહિતર..."
"શું કરી લેવાની હતો? નહિ જ મૂકું તને"
"નાકરીની લાલચે બોલાવીને... ..."
"બધે એમ જ થતું હોય છે." બોસે માધવીને જકડી લીધી. "છોડો મને નહિતર... ..."
"નહિતર... ... નહિતર શું?"
"બૂમો પાડીને લોકોને ભેગા કરીશ."
"તારી બૂમો કોઈ નહી સાંભળે, આ કેબિનના કાચ સાઉન્ડપૂફ છે."
"દોડીને નાસી જઈશ..." - કહી માધવીએ છૂટવા પ઼યત્ન કર્યો. "બહારથી પટાવાળાએ બારણું..."
"હે, ભગવાન... ... આ હું કયાં આવી ચડી ? સાલા, બદમાશ મને છોડ."
"તારો એક પણ ભગવાન અહી નહી આવી શકે."
"તમને બચકાં ભરીશ...એ...લે..."
"કોઈ જ અસર નહી થાય, ટેવાઈ ગયો છું."
" સાલ્લા.. જાનવર... કહું છું મૂક મને...!"
"આજે તો નહી જ મૂકું. આજે તો તારા આ રૂપને ઘૂંટડે ને ઘૂંટડે પીશ."
"તને ભગવાન નહી જ છોડે."
"એ તો એ બેઠો મંદિરમાં, ત્યાંથી ઊઠીને એ અહી કઈ રીતે આવવાનો છે ?"
"તું સમજે છે શું તારી જાતને?"
"પુરુષ...માત્ર...પુરુષ..."
"તારા આ ખાદીનાં કપડાં ઉતારી નાખ, નથી શોભતાં." "તું પ્રેમથી ઉતારે તો બધાં જ ઉતારવા તૈયાર છું."
"તારા પદને શોભે છે આ બધું ? આવું બધું?"
"નીતિથી ચાલત તો ન શોભત"
"એટલે?"
"અનીતિનાં માર્ગે ચાલીને તો આટલે આગળ આવ્યો છું."
"એટલે મને પણ?"
"નીતિથી ચાલનારના ભાગે રિબાવાનું જ આવે."
"મને અનીતિ પસંદ નથી."
"એટલે તો વર્ષોથી ભૂખી છું."
"ભૂખ તો હવે કોઠે પડી ગઈ છે."
"પણ મને ભૂખે મારવાની આદત નથી."
"પૈસા ખરચતાં ઘણી યે મળી રહેશે."
"પણ સ્ત્રી નહી મળે."
"તને બીજું કોઈ ના મળ્યું?"
"મને રૂપ સાથે ગુણની પણ શોધ હતી."
"મારી સમજણને ફેકી દઉ બહાર..."
"તારી સાદગી મને ગમે છે."
"ફગાવી દઉ તને."
"તારા જેવી સીધી સ્ત્રી પછી મને નયે મળે."
"નાલાયક... નીચ... નફફટ... નિર્લજજ..."
"આહાહા... શું સુંદર લાગે છે?"
"હજી સાંભળવું છે વધારે?"
"તારા મોમાં તો ગાળ પણ જાણે ફૂલ બની જાય છે." "હે,ઇશ્વર... !"
"કોને મને કહે છે?"
"હા...ક... થૂ... તું અને ઈશ્વર?"
"તારું કે ડૂબાડું, અત્યારે તો તારો ઈશ્વર હું જ છું."
સાળુનો છેડો ખેચાતો ગયો, બ્લાઉઝના લીરે લીરા, સિસકારા, અમળાટ, વમળાટ, પછળાટ, અફળાટ... ચીસા...ચીસ...! પારેવું ફફડયું, દોડાદોડ, ઊડાઊડ કયાંકથી ઓચિંતાની બિલાડી આવી અને પારેવાને પકડમાં લઇ લીધું. માધવી શર્મા બેહોશ બની નીચે પડી ગઈ. હાંફતો પુરુષ ઊભો થયો. ખાદીના ઈસ્ત્રીબંધ ઝભ્ભા પર અસંખ્ય કરચલીઓ હતી. મોં પર પરસેવાના બૂંદ તરવરતા હતા. પટાવાળાએ બહારથી બારણું ખોલ્યું- ત્યાં જ વેરવિખેર પડેલા કબૂતરના પીંછા પવનમાં એક જ સપાટે બારણા તરફ ઘસ્યા અને કબૂતરનો નિશ્ર્ચેતન દેહ... ...!!!
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
મોબાઈલ નંબર – 9898504843