નગર - 23 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

નગર - 23

નગર-૨૩

( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- એલીઝાબેથ નગરની લાઇબ્રેરીમાં પહોંચી હોલમાર્ક વિશે ખાંખાખોળા કરે છે ત્યારે તેને એક વૃધ્ધ વ્યક્તિ દ્વારા સોલોમન આઇલેન્ડ વિશે જાણકારી મળે છે... ત્યાંથી તે શંકર મહારાજ પાસે જવા નીકળે છે. બીજી એક અજીબ વાત એવી પણ છે કે દોઢસો વર્ષ પહેલા જે જહાજ નગરનાં કિનારે લાંગર્યુ હતું એ જહાજનાં કપ્તાનની પત્નીનું નામ પણ એલીઝાબેથ હોય છે. હવે આગળ વાંચો...)

ભારે ગડમથલનાં અંતે રીટાયર્ડ કર્નલ માથુરે ફરીથી દરિયા કિનારે જવાનું નક્કી કર્યુ. જે જગ્યાએથી આ કહાનીની શરૂઆત થઇ હતી એ જગ્યાએજ તેનું નિરાકરણ મળશે એવો એક વિચાર તેમના જહેનમાં રહી-રહીને ઉભરતો હતો. એક સૈનિક કયારેય હાર માનતો નથી એવી દ્રઢ માન્યતામાં આજદિન સુધી તેઓ જીવતા આવ્યા હતા. જ્યાં સુધી તેઓ લશ્કારમાં ફરજ બજાવતા રહયા હતા ત્યાં સુધી તેમણે દુશ્મનોનાં દરેક વારનો સામી છાતીએ સામનો કર્યો હતો. ગમે તેવી અણધારી આફતોમાં પણ તેઓ ડગ્યા નહોતા. તેમની રગોમાં દોડતા લોહીમાં આવી પરિસ્થતીઓનો સામનો કરવાની પ્રતિકારક શક્તિ આપમેળે ઉદ્દભવતી. દરેક સમસ્યાનો સામનો કરવો એ તેમનો સ્વભાવ બની ચુકયો હતો. તેઓ ઘરડા જરૂર થયા હતા પરંતુ તેમનો એ જુસ્સો હજુપણ બરકરાર હતો. એ જુસ્સાએ જ તેમને અંદરથી ફોર્સ કર્યો હતો કે તેઓ તેમની સાથે જે બિહામણી ઘટનાઓ બની રહી છે એનો તાગ મેળવવા પ્રયત્નશીલ બને... અને એ માટે તેમને નગરનાં દરિયાકાંઠે જવું જરૂર લાગતું હતું.

વિચારમગ્ન અવસ્થામાં જ તેમણે પોતાના ગાલ ઉપર હળવેથી હાથ ફેરવ્યો. ગાલ ઉપર ઉપસેલું ચકામું ( બળી ગયેલાનું નિશાન) ધીરે-ધીરે વિસ્તરતું જતું હતું. લગભગ આખા ગાલની ચામડી તરડાઇને ફાટી જવા આવી હતી અને તેમાંથી હવે લોહી નીકળવા લાગ્યું હતું. માથુર સાહેબે પોતાનો હાથ એ ફાટેલી ચામડી ઉપર પસવાર્યો. સામાન્યતહઃ શરીરના કોઇપણ ભાગમાં ચામડી કપાઇ જાય કે કોઇ ઘાવ પડે તો ત્યાં અડકવાથી અચાનક તેજ દર્દનો અહેસાસ થતો હોય છે...પરંતુ માથુર સાહેબે એવું કોઇ દર્દ અનુભવ્યુ નહી. તેમનો ચહેરો સદંતર વિકરાળ બન્યો હતો. ચહેરા ઉપર થયેલા ઘાવમાંથી લોહી પણ નીકળતું હતું પરંતુ એ છતાં તેમને ત્યાં અડકવાથી દર્દ થતું નહોતું. આવું કેમ શક્ય બને...? એ પણ તેઓ સમજી શકતા નહોતા. તેમનાં જેવીજ હાલત અત્યારે તેમના પત્ની નીલીમા દેવીની હતી. નીલીમાદેવી તો કયારનાં આ બધી ઘટનાઓથી ડરીને પોતાનાં કમરામાં ભરાઇ ગયા હતા. તેમણે અંદરથી દરવાજાને આગળીયો વાસીને પ્રભુ ભજન શરૂ કર્યુ હતું.

માથુર સાહેબ બહાર, બંગલાના પોર્ચમાં આવ્યા. બહાર ઘોર અંધકાર છવાયેલો હતો. વાતાવરણ બિહામણુ બન્યુ હતું. આકાશમાં ઘેરાયેલા વાદળો ગમે ત્યારે નગર ઉપર તૂટી પડશે એવું લાગતું હતું. તેમણે પોતાની કારમાં બેઠક લીધી અને કારને પોર્ચમાંથી હંકારી દરિયા ભણી ભગાવી મુકી. દરિયા કિનારે જઇને તેઓ શું કરશે...? એ સવાલનો જવાબ તેમની પાસે નહોતો. તેમ છતાં રહી-રહીને તેમને એવી પ્રતિતિ થતી હતી કે જરૂર નગર ઉપર મંડરાતા ખૌફનું રહસ્ય નગરનાં દરિયા સાથે જોડાયેલું છે. કયાંક ને કયાંક આ દરિયોજ તેમનાં બધા સવાલોનાં જવાબ આપશે. કાર ચલાવતા તેઓ જબરું મનોમંથન અનુભવતા હતા. તેમને જાણે કોઇ યુધ્ધ મોરચે લડાઇ કરવા નીકળ્યા હોય એવું પ્રતિત થતું હતું.

જો કે... તેઓ પોતાનું ભવિષ્ય જાણતાં નહોતા. જો તેમને જરા સરખો પણ અંદેશો હોત કે દરિયા તરફની આ સફર તેમની અંતિમ સફર બની રહેવાની છે, તો તેમણે કયારનીય કારને પાછી વાળી લીધી હોત...

***

માથુર સાહેબની બરાબર બાજુમાં આવેલો બંગલો નગરનાં સેક્રેટરી નવનીતભાઇ ચૌહાણનો હતો. હમણા થોડીવાર પહેલાંજ આંચલે ઘરે ફોન કરીને તેનાં નોકર જીવાને સખત શબ્દોમાં કહયું હતું કે તે મોન્ટુને ઘરની બહાર નીકળવા ન દે. મોન્ટુ એ સમયે પોતાનાં રૂમમાં રમતો હતો એટલે જીવાને ધરપત હતી કે તે ઘરની બહાર કયાંય નહી જાય.

પરંતુ... મોન્ટુએ હમણાં થોડીવાર પહેલાં તેના કમરાની બારીમાંથી માથુર અંકલની કારને દરિયા તરફ જતાં રસ્તા ઉપર જતી જોઇ હતી. તેનાં નાનકડા અમથા દિમાગમાં એ જોઇને કુતુહલ ઉદ્દભવ્યુ હતું. “ અંકલ જરૂર કોઇ નવી વસ્તુ ખોજવા દરિયા કાંઠે જતાં હશે...” એવો એક વિચાર તેનાં જહેનમાં આવ્યો...અને “ હું પણ ત્યાં જઇને કંઇક શોધીશ...” એવી એક બાળ સહજ વૃત્તિ તેના મનમાં ઉદ્દભવી. તે પોતાના કમરામાંથી બહાર નીકળી નીચે ડ્રોઇંગરૂમાં આવ્યો ત્યારે ત્યાં કોઇ નહોતું. નોકર જીવો રસોડાનાં કોઇ કામમાં ખોવાયેલો હતો એટલે તેને મોન્ટુ કયારે ઘરની બહાર નીકળી ગયો એ વાતનો કોઇ ખ્યાલ રહયો નહી.

મોન્ટુએ પોતાની સાયકલ ઉઠાવી હતી અને માથુર અંકલની મોટર ગઇ હતી એ રસ્તે મારી મુકી હતી.

***

નગરની સીમા પુરી થતાં સામે... દુર સુધી ફેલાયેલો સમૃદ્રનો વિશાળ પટ દેખાતો હતો. માથુર સાહેબે પોતાની કાર ત્યાં પાર્કિંગ માટે બનાવેલી અલાયદી જગ્યામાં પાર્ક કરી અને નીચે ઉતર્યા. પાર્કિંગ એરિયાથી લગભગ પાંચસો-એક વાર દુર દરિયાના પાણી ઘુઘવાતાં હતાં. દુર... દરિયાનાં પેટાળમાંથી પવનનાં કારણે સર્જાતી પાણીની લહેરો કાંઠે પથરાયેલી ઝીણી ગીરદમાં આવીને સમાઇ જતી હતી. માથુર સાહેબે પાણી ભણી પગ ઉઠાવ્યા. ઉંમરનાં કારણે કયારેક તેમને ચાલવામાં તકલીફ થતી, એટલે ઘણી વખત તેઓ ચાલવામાં સહાયતાં માટે છડી વાપરતા. આજેપણ તેઓ પોતાની છડી સાથે લાવ્યા હતાં, અને તેના ટેકે-ટેકે તેઓ આગળ ચાલતા હતા. ઉપર આકાશમાં છવાયેલા ધુમ્મસીયા કાળા વાદળોએ ક્યારનો સમગ્ર વિસ્તારમાં ડરામણો ઘોર અંધકાર પાથરી દીધો હતો. તેમ છતાં એ વાદળો પાછળ ચમકતા સૂર્યનું સાવ આછું અજવાળું ધરતી ઉપર પથરાઇને થોડુ અજવાળુ ફેલાવતું હતું. અત્યારે માથુર સાહેબ સીવાય અહી કોઇ નહોતું. દુર સુધી સ્તબ્ધ, નિરવ સુનકાર વ્યાપેલો હતો. દરિયો, અને દરિયામાંથી ઉઠતાં મોજાનાં અવાજ સીવાય બીજી કોઇ ચીજની ત્યાં હાજરી વર્તાતી નહોતી.

ભલે તમે પ્રકૃતિની સંગાથે હોવ, કુદરતનાં સાનિધ્યમાં હોવ...પરંતુ આવી જગ્યાઓએ પણ કયારેક સાવ એકલા હોવાનો ખ્યાલ મનમાં ડર જન્માવતો હોય છે. લાકડીના સહારે દરિયાના પટમાં આગળ વધતા માથુર સાહેબને પણ થોડીવારમાં લાગવા માંડયું હતું કે તેઓએ અહીં આવવું જોઇતું નહોતું. તેમનાં મનમાં સામે ઘુઘવતા દરિયાનાં પાણીને જોઇને અજીબ-સી અનુભુતી થતી હતી. રહી-રહીને તેમને થતું હતું કે તેમણે પાછા વળી જવું જોઇએ...પરંતુ...જે મક્કમ નિર્ધાર કરીને તેઓ ઘરેથી નીકળ્યા હતાં એ નિર્ધાર ધક્કો મારીને તેમને આગળ વધારતો રહયો. પેલી ઘડીયાળ, જે તેમને અહીની રેતીમાંથી મળી હતી, એ તેઓ સાથે લેતાં આવ્યા હતા. તેમનાં કોટના ખિસ્સામાં એ ઘડીયાળ હતી. ધીમે-ધીમે ચાલતાં તેઓ દરિયાની લહેરો સુધી આવ્યા અને ઉભા રહયા. આંખો ઉપર હાથનું નેજવું કરીને દરિયાની સતહને દેખાય ત્યાં સુધી તેમણે પોતાની નજરમાં આવરી લીધી. બંધ બાથરૂમમાં એકદમ ગરમ પાણીની ડોલ મુકવામાં આવે...અને એ ગરમ પાણીમાંથી ઉઠતી વરાળની ધુંધ જેમ સમગ્ર બાથરૂમમાં છવાઇ જાય...બસ એવી જ આછી ઘુંધની પરત અત્યારે દરિયાની સપાટી ઉપર ફેલાયેલી હતી. જાણે આછા-પાતળા સફેદ વાદળોની હલકી-સી પરત સમગ્ર દરિયાને પોતાની આગોશમાં સમાવી રહી હોય...

માથુર સાહેબ થોડી ક્ષણો એમજ સ્થિર ઉભા રહયા. હવે શું કરવું જોઇએ...? એ તેમને સમજાતું નહોતું. થોડીવાર રહીને તેમણે ખિસ્સામાં હાથ નાંખ્યો અને પેલી ઘડીયાળ બહાર કાઢી. હળવેક રહીને ઘડીયાલનું ઉપલું ઢાંકણ ખોલ્યું....કિનારે વહેતા શાંત પવનમાં ઢાંકણ ખુલતાંજ એક સુ-મધુર સંગીતની ધૂન ગુંજી ઉઠી...એકદમ શાંત અને સૌમ્ય સંગીત. સંગીતની એ ધુન ઘડીયાલના ડાયલ કેસમાંથી બહાર રેળાતી હતી. જાણે કોઇ મધૂર લયમાં પીયાનો વગાડી રહયું હોય એવી એ ધુન હતી. માથુર સાહેબે બે-ઘડી એ ધુન સાંભળી અને પછી તેમણે ઘડીયાલનું ઉઘાડું ડાયલ બંધ કર્યુ. ધુન રેળાતી બંધ થઇ....તેમણે નજર ઉઠાવી દરિયાનાં પાણીને તાકયુ અને પછી કિનારા ભણી નજર વાળી...એ સાથેજ તેમનાં હ્રદયે એક ધ્રાસકો અનુભવ્યો. ઓચિંતુંજ ભયાનક ડરનું એક લખ-લખું તેમનાં શરીરમાંથી પસાર થઇ ગયું અને આપમેળે તેઓ બે-ડગલા પાછળ હટયાં. આવું થવાનું કારણ એક ચીજ હતી જેને તેઓ ફાટી આંખે જોઇ રહયા હતા. તેમનાં ડાબા હાથ તરફ...દરિયાની ભીની રેતીમાં...અડધે સુધી રેતીમાં અંદર ખૂંપેલું એક કલાત્મક, પુરાણું લાકડાનું બનેલું ડાયનીંગ ટેબલ પડયું હતું. તેમને ચોક્કસ ખ્યાલ હતો કે તેઓ જ્યારે અહી આવ્યા ત્યારે અહી એવી કોઇ ચીજ તેમણે ત્યાં જોઇ નહોતી. તો પછી અચાનક આ ડાયનીંગ ટેબલ કયાંથી પ્રગટ થયું...? ડાયનીંગ ટેબલ ઉપર વ્યવસ્થિત રીતે એક સફેદ કલરનાં ફ્રીલવાળી ટેબલ-મેટ બીછાવેલી હતી. તેના ઉપર બરાબર વચ્ચે એક મીણબત્તી સ્ટેન્ડ મુકાયેલું નજરે પડતું હતું. જેમાં ગોઠવેલી જાડી મીણબત્તી કિનારે વિંઝાતા પવન વચ્ચે પણ એકદમ સ્થિર રીતે સળગતી હતી. તે ટેબલની બંને બાજુ, સામ-સામે એક-એક ડાયનીંગ ખુરશી ગોઠવેલી હતી. જાણે હમણાં જ કોઇ જમવા આવવાનું હોય એવી તૈયારીઓ એ ટેબલ ઉપર થઇ હોય એવું લાગતું હતુ.

માથુર સાહેબ ફાટી આંખે એ મંજર જોઇ રહયા. એક વાતની ચોક્કસ ખાતરી તેમને થતી જતી હતી કે જરૂર કોઇ અગોચર શક્તિ, કોઇ ભૂત-પ્રેતનો ઓછાયો અત્યારે અહી મંડરાઇ રહયો છે. એ ખ્યાલ જહેનમાં ઉભરતાંજ તેમના શરીરમાં ભયંકર રીતે પરસેવો ઉભરાવા લાગ્યો...હ્રદયની ધડકનો જાણે છાતીની પાંસળીઓ સાથે અફળાઇ રહી હોય એમ જોર-જોરથી ધડકવા લાગી. ડરનાં માર્યા તેમનું ગળું સૂકાવા લાગ્યું. અફાટ ખૂલ્લા આકાશ નીચે, દુર-દુર સુધી ખામોશી મઢયા કિનારે તેઓ સાવ એકલા ઉભા હતાં. તેમને એક વાત બરોબર સમજાઇ હતી કે જરૂર કોઇ પ્રેતાત્માનો ઓછોયો તેમની આસ-પાસ ઘુમી રહ્યો છે. પરંતુ તેમની આસ-પાસ જ શું કામ...? એ સમજવા, વિચારવા જેટલા હોશ પણ હવે બાકી રહયાં નહોતાં

અને...આટલું અધૂરું હોય તેમ...પેલી ધૂન હવામાં ફરીથી લહેરાઇ. એ જ ધૂન, જે હમણાં થોડીવાર પહેલાં પેલી ઘડીયાલમાં વાગતી હતી...સુ-મધુર તર્જ ઉપર વગાડાતા પીયાનોની ધુન. માથુર સાહેબને ખરેખર બહુંજ ડર લાગવા માંડયો હતો. તેમનાં બુઢ્ઢા- ખખડી ગયેલા શરીરની અંદર નસે-નસમાં જાણે ભયાનક ખૌફ વ્યાપતો જતો હતો. કપાળમાંથી ઉભરતા પરસેવાનો રેલો ગરદન ઉપરથી રગડીને છેક તેમની પીઠે પહોંચ્યો હતો. થર-થર કાંપતા તેમને ત્યાંથી ભાગી જવાનું મન થતું હતુ...એ જ હાલતમાં, ફાટી નજરોએ રેતીની અંદર અરધાં ખૂંપેલા પેલા ડાયનીંગ ટેબલને જોતા તેમણે પાછળ ડગલા ભર્યા. હજુ માંડ થોડા ડગલાંજ તેઓ પાછળ ખસ્યા હશે કે એકાએક કોઇ વસ્તુ તેમનાં પગની પાનીએ ટકરાઇ. કોઇ ચીજ તેમનાં પગ નીચે દબાણી હતી. તેમની નજર પોતાના પગ ભણી વળી...દરિયામાંથી ઉઠતાં પાણીનાં મોજાની આછેરી છાલક તેમનાં પગ સુધી આવીને પાછી વળી જતી હતી. જેના કારણે ત્યાંની ભીની રેતીમાં ચાલવાથી પાછળ પગનાં પંજાના નિશાન છપાતા હતા. એ ભીની રેતીમાં કંઇક હતું જે રેતીની અંદર ખૂંપેલું હતું અને અત્યારે તેમના પગે અથડાયું હતું. માથુર સાહેબે એ શું છે એ જોવા હાથમાં પકડેલી છડીથી જ રેતીમાં થોડું ખોતર્યું...તેમના આશ્ચર્ય વચ્ચે રેતીમાં એક જાડા દોરડા જેવું કંઇક ધરબાયેલું દેખાતું હતું. જે છડીથી તેની આસ-પાસની રેતી ખોતરતાં થોડું બહાર નીકળી આવ્યું.એક પછી એક આશ્ચર્ય અને ડરનાં ઝટકા માથુર સાહેબને લાગી રહયાં હતાં. તેમણે થોડા નીચા નમીને રેતીમાં ખૂંપેલા એ દોરડા જેવી ચીજને સ્પર્શ કર્યો...તે એક દોરડુ જ હતુ એવો ખ્યાલ તરત તેમને આવ્યો. તેમણે છડી નીચે મુકી અને બંને હાથોએથી દોરડાની આસપાસની ભીની રેતી હટાવવા માંડી. ચંદ સેકન્ડોમાંજ એક જાડુ, મજબુત દોરડું તેમના હાથમાં આવ્યુ. દોરડું તેમની મુઠ્ઠીઓમાં પણ માંડ-માંડ સમાય એટલુ જાડુ હતું. બળ કરીને તેમણે રેતીમાં ફસાયેલા એ દોરડાનો છેડો ખેંચ્યો. દોરડાનો થોડાક ભાગ રેતીમાંથી બહાર ખેંચાઇ આવ્યો. તેનાં ઉપર પથરાયેલી ભીની રેતીમાં દોરડું ખેંચવાથી એક નાના ધોરીયા જેવી લાઇન થઇ અને તેમાં પાણી ભરાયું. એ દોરડું કદાચ બહુ લાંબુ હશે...અને તેનો બીજો છેડો દરિયા તરફ ધરબાયેલો હશે એવું એક અનુમાન માથુર સાહેબનાં મનમાં ઉભરતું હતું, કારણકે તેઓ જેમ-જેમ દોરડું ખેંચતા જતા હતા તેમ-તેમ દરિયા તરફ આગળ ખેંચાતા જતા હતા. આગળ વધતા સૌથી પહેલા તેમના પગના પહોંચા પાણીમાં ડૂબ્યા. સપાટ બીચ ઉપર એકદમ હળવે આવતી દરિયાની લહેરો વચ્ચે એ દોરડું પાણીમાં ઘણે ઉંડે સુધી ડુબેલું જણાતુ હતું. નીલેશ માથુરને જાણે એ દોરડાનાં છેડે નગરની તમામ સમસ્યાઓનો, તમામ રહસ્યોનો તાગ મળી જવાનો હોય એમ તેઓ ઝનૂનપૂર્વક તેને ખેંચવામાં પરોવાયા હતા... અને સાથોસાથ તેઓ દરિયાનાં પાણીમાં અંદરને અંદર જઇ રહયા હતા. થોડીજ ક્ષણોમાં દરિયાની લહેરો તેમની કમર સુધી આવવા લાગી હતી. પાણીની ઉછળતી લહેરો તેમના શરીર સાથે અફળાઇને તેમને ભીંજવી ફીણ-ફીણ થઇ વિખેરાઇ જતી હતી.

માથુર સાહેબ પાણીમાં અરધા અંદર પહોંચ્યા ત્યારે બરાબર એજ સમયે મોન્ટુ સાઇકલ લઇને ત્યાં આવ્યો. સાયકલ છોડી દોડતો તે બીચ ઉપર આવ્યો. દુરથી તેણે પાણીમાં કંઇક ગડમથલ કરતા માથુર અંકલને જોયા અને એ તરફ તે લપકયો.

માથુર સાહેબની આંખોમાં પાણી જતું હતુ. તેઓ સંપૂર્ણપણે ભીંજાઇ ચુકયા હતા. મોંઢામાં, આંખમાં દરીયાનું ખારું પાણી જવાથી તેમને શ્વાસ ચડવો શરૂ થયો હતો અને આંખોમાં બળતરા ઉપડી હતી. તેમનાં પગ પાણીની અંદર પથરાયેલી રેતીમાં લસરતા જતા હતા જેના કારણે તેઓ વારે-વારે પાણીમાં ગરક થઇ પાછા બહાર નીકળતા હતા. માત્ર ચંદ મિનિટોમાં એવો સમય આવ્યો કે હવે તેઓ માત્ર પેલા દોરડાનાં સહારે જ પાણીમાં ટકી રહયા હતા...ઉછળતા પાણીમાં લગભગ તેઓ તરત હતા. અત્યારે તેઓ ચાહે તો પણ એ દોરડાનો છેડો છોડી શકે તેમ નહોતા કારણકે જો દોરડુ મુકી દે તો દરિયો તેમને પોતાની સાથે તાણી જાય એ નક્કી હતું. ખારું પાણી સતત તેમનાં મોંમાં આવતું હતું...દોરડાને ખેંચીને તેમણે ભયંકર ભુલ કરી હતી એ તેમને સમજાય એ પહેલા તો તેઓ દરિયામાં તણાવા લાગ્યા હતા. એ દોરડું પણ જાણે માથુર સાહેબને પોતાની સાથે ખેંચી જવા જ સર્જાયું હોય તેમ દુર ને દુર જતું હતું. તેનો સામેનો છેડો કોઇક ચીજ સાથે જોડાયેલો હતો... પરંતુ એ ચીજ શું હતી એ ગહેરા ધુમ્મસમાં કળાતું નહોતું.

અચાનક....એકાએક જાણે એ દોરડામાં જીવ આવ્યો હોય એમ તે દોરડાનો બીજી તરફનો છેડો પાણીમાંથી ઉપર ઉંચકાયો. સાથોસાથ, એ છેડા સાથે એક વિશાળકાય જહાજ પણ કોહરાની ધુંધ વચ્ચેથી સમુદ્રની સપાટી ઉપર પ્રગટ થયું. આ એ જ જહાજ હતું જે “ જલપરી ” બોટમાં સવાર જુવાનીયાઓને દેખાયું હતું. કાળા, ગહેરા ધુમ્મસમાં પ્રગટેલું જહાજ ભયાવહ લાગતું હતું. તેના વિશાળ તૂતક ઉપર લહેરાતા શઢમાં હવા ભરાતી હતી જેમાં શઢ ફરફરતો હતો. દોરડાના સહારે લટકતા માથુર સાહેબ અચાનક ત્યાં પ્રગટ થયેલા એ જહાજને જોઇ રહયા. તેમને વિશ્વાસ આવતો નહોતો કે તેઓ જે જોઇ રહયા છે એ સત્ય છે કે સ્વપ્ન...? હમણાં સુધી સમુદ્ર ઉપર માત્ર ધુમ્મસના વાદળોજ લહેરાતા હતા. તેમાં આ વિકરાળ જહાજ કયાંથી આવી ચડયું...? તેઓ હજુ કંઇ સમજે, કંઇ વિચારે એ પહેલા તે જહાજનાં તૂતક ઉપર એક આક્રૃતિ પ્રગટ થઇ. એ ભયાનક આક્રૃતિ એક વ્યક્તિની હતી. તેણે પોતાના શરીર ઉપર કાળો, લાંબો ડગલા જેવો ઓવરકોટ પહેર્યો હતો. તેનું માથું ગોળ લાંબી ટોપી હેઠળ ઢંકાયેલુ હતું, જેમાંથી નીકળતા વાળ તેની ગરદન સુધી લહેરાતા હતા. તે ઓળાની આંખોમાં અગ્નિ સળગતો હતો. “ ધમ...ધમ...ધમ...” અચાનક જાણે કોઇ મોટો હથોડો લઇને જહાજની લોખંડની પાળી તેને ઉપર ઠોકતું હોય એવા અવાજો આવવા લાગ્યા. અને...પેલા ઓળા જેવી વ્યક્તિના મોં માંથી ભયાનક અવાજે શબ્દો સર્યા... “ ખૂન કા બદલા ખૂન...ખૂન કા બદલા ખૂન... ” તેનાં અવાજમાં ભયાનક ચિત્કાર ભળેલો હતો. માથુર અંકલનાં છાતીનાં પાટીયા એ અવાજ સાંભળીને બેસી ગયા હતા. આવું ભયાવહ દ્રશ્ય તેમણે કયારેય જોયું નહોતું, કે નહોતો આવો અનુભવ કયારેય તેમને થયો. તેમણે મજબુતીથી જહાજના તૂતકની ટોચે લટકતા ભારેખમ જાડા દોરડાનો છેડો પકડી લીઘો.

( ક્રમશઃ-)

પ્રવિણ પીઠડીયા.

વોટ્સએપ- ૯૦૯૯૨૭૮૨૭૮.

ફેસબુફ- Praveen Pithadiya.

નગર - આપને કેવી લાગે છે...? આપના અભિપ્રાયો જણાવશો તો આનંદ થશે. ધન્યવાદ.

*****