નગર-૨૨
( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- પોલીસ ચોકી ઉપર ત્રાટકેલી વીજળીએ ચોકીના મકાનનો ભૂક્કો બોલાવી દીધો હતો. જેમા પેલી તલવાર પણ નષ્ટ પામી છે...ઇશાન અચાનક શંકર મહારાજને મળવા નીકળી પડે છે.....અને એલીઝાબેથ નિર્મળાફઇને સાથે લઇ નગરની લાઇબ્રેરીમાં આવે છે....હવે આગળ વાંચો....)
જયસીંહે કણસતા રધુરામને એમ્બ્યુલન્સમાં ચડાવ્યો. તેની પાછળ પેલા ચા-વાળા મુન્નાભાઇની ડેડબોડીને એમ્બ્યુલન્સમાં સાથે આવેલા ચપરાશીઓએ સ્ટ્રેચરમાં ગોઠવી ચડાવી હતી અને મારં-માર કરતી એમ્બ્યુલન્સ નગરની હોસ્પિટલ ભણી ઉપડી ગઇ હતી.
જયસીંહ સ્તબ્ધતા અનુભવતો કયાંય સુધી ત્યાંજ ઉભો રહયો. તેની સમજણશક્તિ જાણે બહેર મારી ગઇ હોય એમ તે હજુપણ ફાટી આંખે તબાહ થયેલી પોલીસચોકીની ઇમારતને નીરખી રહયો હતો. તેનાં માટે આ દ્રશ્ય કોઇ ભયાનક અકસ્માતથી કમ નહોતું. તેણે વરસાદી મોસમમાં ખેતરોમાં અને મકાનો ઉપર વીજળી ત્રાટકવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હતા, ન્યૂઝપેપરમાં એવી ઘટનાઓ પણ વાંચી હતી. ત્યારે તેને એ બધું બહુ સ્વાભાવિક લાગતું કારણકે એવી ઘટનાઓ તો વર્ષોથી કુદરતી મોસમ પ્રમાણે બનતી આવતી હતી. પરંતુ...અહી જે થયુ, જે સંહાર તેણે પોતાની સગ્ગી આંખોએ નિહાળ્યો, એ કોઇ કુદરતી ઘટના હોય એવી દલીલ તેનું મન સ્વીકારવા રાજી થતું નહોતુ. વારંવાર તેના જીગરમાં અજીબ થડકારાઓ ઉદ્દભવતા હતા. નગર ઉપર જરૂર કોઇ મોટી આફત ત્રાટકવાની છે એવા ભણકારા તેને થતા હતા.
***
એલીઝાબેથે ખુરશી પર બેઠક લીધી અને હાથમાં ઉપાડેલું પુસ્તક ટેબલ પર મુકયુ. તેની પાછળ-પાછળ ચાલતા નિર્મળાફઇને આ છોકરી શું કરી રહી છે એ સમજાતું નહોતું પરંતુ તેમના દિલમાં એક હરખ ઉદ્દભવતો હતો. તેમને ઇશાનની પસંદગી ખરેખર ગમી હતી. એલીઝાબેથ ભવિષ્યમાં તપસ્વી કુટુંબની વહુ બનીને આવશે એ વિચારે તેઓ ભારે ઉત્સાહ અનુભવતા હતા. એલીઝાબેથ ખુરશીમાં ગોઠવાઇ એટલે તેઓ પણ તેની બાજુમાં બેઠા.
એલીઝાબેથની આંખો ટેબલ પર મુકાયેલા પુસ્તકની ઉપર ફરતી હતી. સામે...મ્યુઝીયમની દિવાલ ઉપર ટીંગાડેલા એક ચિત્રને જોઇને તેને અચાનક એક ધક્કો લાગ્યો હતો અને તે લાઇબ્રેરી ભણી વળી હતી. આવું કેમ કરતા થયુ, એ તો તે ખુદ પણ સમજી શકી નહોતી. એ ચિત્ર, અને અત્યારે તેની સામે પડેલા પુસ્તક વચ્ચે શું ક્નેકશન છે એની પણ જાણ તેને નહોતી.
એ પુસ્તક દુનિયામાં વિવિધ સમયે, વિવિધ કાળખંડે લોકો દ્વારા ઉપયોગમાં લેવાયેલા અત્યાર સુધીના મોટાભાગનાં હોલોગ્રામ વિશેનું હતું. દુનિયામાં અત્યાર સુધીમાં જેટલા પણ હોલોગ્રામ વપરાયા હતા તેની સંક્ષીપ્ત માહિતી આ દળદાર પુસ્તકમાં હતી. પુસ્તક અંગ્રેજીમાં હતું એટલે એલીઝાબેથને એ વાંચવામાં પરેશાની થવાની નહોતી. તેણે પુસ્તક ખોલ્યું અને તે ધ્યાનપૂર્વક એક પછી એક પાના પલટાવા લાગી....
સો નંબરનાં પાના ઉપર આવીને અચાનક તે અટકી ગઇ. તેની ભુખરી આંખો એ પાના ઉપર દેખાતા એક હોલોગ્રામના નીશાનને જોઇને ચમકી ઉઠી. પુસ્તકમાં અદ્દલ એવીજ નિશાનીઓ દોરેલી હતી જેવી નિશાનીઓ(હોલોગ્રામ) અત્યારે સામે દિવાલ ઉપર કાચના ફોટોફ્રેમમાં મઢેલી હતી. એલીઝાબેથનું મોં આશ્ચર્યથી પહોળુ થયું. અચાનક તેને લાગ્યુ કે તે જાણે કોઇ અલગ જ દુનીયામાં પહોંચી ગઇ છે. તે અહી સમય પસાર કરવા માટે એક લટાર મારવા આવી હતી. તેમાં તેનો કોઇ ખાસ ઉદ્દેશ્ય નહોતો...પરંતુ અહી આવ્યા બાદ તેણે એક ચિત્ર જોયું....અને એ ચિત્રને હજુ તે પૂરેપૂરું જૂએ, એ પહેલા તો તે આપમેળે ચાલતી લાઇબ્રેરીમાં આવી પહોંચી હતી, અને તેણે જીંદગીમાં કયારેય ન જોયેલું એક ચોક્કસ પુસ્તક ઉઠાવ્યુ હતું. એજ પુસ્તક જેમાં વિવિધ હોલોગ્રામ દોરેલા હતા, અને હોલોગ્રામની નીચે તેનો ઉપયોગ ક્યારે અને કોણે કર્યો હતો એની માહિતી સંક્ષીપ્તમાં લખેલી હતી. તેણે આવું કેમ કર્યુ એ તે ખુદ સમજી શકતી નહોતી. જાણે કોઇ અજાણી શક્તિ તેને પોતાની અંદરથી હુકમ આપતી હોય, અને તે દોરાતી હોય એવુ તેણે અનુભવ્યુ હતું. તેની ત્રાટક નજરો સો નંબરનાં પાના ઉપર દેખાતી પેલી સંજ્ઞાઓને જોઇ રહી. તેમાં નાનકડા લંબચોરસ બોક્ષમાં એક મુગટ, એક હાથી અને એક ત્રાજવાની નિશાનીઓ અંકીત હતી. એલીઝાબેથને એ નિશાનીઓ જાણીતી લાગતી હતી. આ પહેલા પણ આ નિશાનીઓ તેણે કયાંક જોઇ હોય એવું મહેસૂસ થતું હતું. પણ કયાં....? એ યાદ આવતું નહોતું. બહુ સારી રીતે આ નિશાનીઓ વિશે જાણતી હોવાનો ભાસ તેના મનમાં ઉભરતો હતો.
તેણે એ હોલમાર્કની નીચે લખેલી માહિતી વાંચી.” “ સોલોમન ” ટાપુ. વર્ષ ૧૮૩૦ થી ૧૮૬૬. મતલબ કે....આ હોલમાર્ક સોલોમન ટાપુનાં રહેવાસીઓ ઉપયોગમાં લેતા હશે. ૧૮૩૦ થી ૧૮૬૬ના સમયગાળા દરમ્યાન સાલોમન ટાપુના રહીશો પોતાની ચીજો ઉપર આ હોલમાર્કનું ચિન્હ છપાવતા હશે અને તેનો વ્યાપક પ્રમાણમાં ચલણમાં ઉપયોગ લેતા હશે. એક મુગટ, એક હાથી અને એક વિચિત્ર ત્રાજવાની સંજ્ઞા સોલોમન ટાપુના રહીશોની દેન હશે. તેઓએ આ હોલમાર્કનો ભરપુર ઉપયોગ કર્યો હશે, કારણ કે તોજ તેને આ પુસ્તકમાં આવરી લેવાયો હોય.
“ સોલોમન “ ટાપુ ઉપર આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા ઉપયોગમાં લેવાતા હોલમાર્ક વિશે બસ આટલુંજ વિવરણ છાપ્યુ હતું પુસ્તકમાં. તેનાથી વિશેષ બીજુ કોઇ લખાણ નહોતું જેનાથી એલીઝાબેથ એ જાણી શકે કે એ ટાપુ કયાં આવેલો હતો અને અત્યારે પણ તે દુનિયાનાં નક્શામાં છે કે નહિ.....? “ આ લોકોએ થોડુંક વધું લખવું જોઇતુ હતુ....” તે મનોમન બબડી ઉઠી. તો બીજી તરફ તેની ઉત્કંઠા વધી ગઇ હતી. સોલોમન ટાપુ વિશે તે વધુ જાણવા માંગતી હતી પરંતુ પુસ્તકમાં છપાયેલા માત્ર બે લીટીના વિવરણે તેને ભારોભાર નિરાશ અને બેચેન બનાવી દીધી.
“ ડેમ ઇટ....” તે મોટેથી બોલી ઉઠી, અને ધુંધવાઇને તેણે પુસ્તક જોરથી બંધ કર્યુ. “ ધફ્ફ...” કરતો પુસ્તક બંધ થવાનો અવાજ આવ્યો. એ અવાજથી લાઇબ્રરીમાં તેની સામેના ટેબલ ઉપર બેસેલા એક વયોવૃધ્ધ વ્યક્તિની નજર એ તરફ ખેંચાઇ, પણ એલીઝાબેથને તેની કોઇ પરવા નહોતી. અચાનક જાણે કંઇક યાદ આવ્યુ હોય એમ તેણે પુસ્તક ફરીથી ખોલ્યુ અને સો નંબરનું પાનું ફરીથી ઉથલાવ્યુ. પછી તેણે પોતાના પોકેટમાંથી મોબાઇલ ફોન કાઢી એ પાના ઉપર દેખાતા પેલા હોલમાર્કની નિશાનીનો ફોટો પાડયો. હોલમાર્કનું પીકચર લીધા બાદ પુસ્તક બંધ કર્યુ.....આ સમય દરમ્યાન તેની સામે બેઠા હતા એ બૂઝૂર્ગ વડીલ પોતાની ખુરશી ઉપરથી ઉઠીને એલીઝાબેથની નજીક આવ્યા હતા.
“ શું થયુ બેટા....? ” તેમણે ધ્રુજતા અવાજે એલીઝાબેથ સામુ જોઇને પુછયું. “ કેમ આટલી વ્યગ્ર થઇ ગઇ.....? હું કંઇ મદદ કરી શકુ...? ” તેમનાં ધ્રુજતા અવાજમાં એક પિતા જેવી પ્રેમાળ લાગણી છવાયેલી હતી.
એલીઝાબેથે નજર ઉઠાવી. તે વૃધ્ધ વ્યક્તિ લગભગ ૯૦ વર્ષની આસપાસની ઉંમરના જણાતા હતા. તેમના કરચલી મઢયા ચહેરા ઉપર આછુ, મંદ સ્મિત છવાયેલું દેખાતું હતું. “ મેં જોયું....તું પુસ્તકમાં કંઇક શોધી રહી હતી....! ” તેઓ ફરીથી બોલ્યા.
“ તમે સોલોમન ટાપુનું નામ ક્યારેય સાંભળ્યુ છે...? તેના વિશે કંઇ જાણો છો...?” એકાએક એલીઝાબેથે પુછી લીધું.
“ સોલોમન ટાપુ....? ” બુઝૂર્ગની બુઢ્ઢી આંખો કંઇક યાદ કરવાની કોશીષમાં થોડી વધુ સંકોચાઇ. તેની આંખોના ખૂણે પાણી ઝમતું હતું. એલીઝાબેથ જોઇ રહી. પણ એ વ્યક્તિને તરત કંઇ યાદ આવ્યુ નહી.
એલીઝાબેથે પેલું પુસ્તક ખોલ્યુ અને ત્રાજવા વાળુ હોલમાર્કનું નિશાન પેલા બૂઝુર્ગને દેખાડયું. “ આ નિશાનીઓ વિશે કોઇ જાણકારી છે તમારી પાસે....? ”
એ બૂઝુર્ગ વ્યક્તિએ પુસ્તક પોતાની તરફ ફેરવ્યું અને થોડુ ઝૂકીને એલીઝાબેથે બતાવેલી સંજ્ઞાઓ જોવાની કોશીષ કરી. તેમને એ સંજ્ઞાઓ બરાબર દેખાતી નહોતી. ઉંમરના હિસાબે આંખોમાં મોતિયો આવી ચુકયો હતો એટલે બધા ચિત્રો ધૂંધળ દેખાતા હતા. “ એક મિનીટ.....હું જોંઉ.... ” તેઓ બોલ્યા અને તેમણે પહેરેલા સુટનાં ઉપરના ખિસ્સામાંથી પોતાના ચશ્મા કાઢી આંખો ઉપર ચડાવ્યા. તેનાથી તેમની દ્રષ્ટી થોડીક સુધરી અને પેલું ચિત્ર વધુ સ્પષ્ટ રીતે દેખાયું.
“ અરે હાં....! સોલોમન ટાપુ....! ” તેમના ગળામાંથી આનંદ મિશ્રિત ઉદ્દગાર નીકળ્યો. “ આ નિશાનીઓ જોઇ એટલે સોલોમન ટાપુ એકાએક યાદ આવ્યો.” તેઓ અટકયા.
“ આજથી લગભગ દોઢસો-બસો વર્ષ પહેલા આ ટાપુ અસ્તિત્વમાં હતો. મેં મારા બાળપણ અને જવાનીનાં દિવસોમાં સોલોમન ટાપુ વિશે કયારેક-કયારેક સાંભળ્યું હતું.”
“ શું સાંભળ્યું હતું દાદા....? ” અચાનક આવેશમાં આવી જતાં એલીઝાબેથ બોલી ઉઠી.
“ સોલોમન ટાપુ વિશે આપણા નગરમાં ઘણી વાયકાઓ પહેલાનાં સમયમાં સંભળાતી, પરંતુ સમય જતાં એ બધુ ભુલાતું ગયં, અને હવે તો કોઇ તેને યાદ પણ કરતું નથી....”
“ મારે એ ટાપુ વિશે જાણવું છે દાદા....! તમે મને જણાવશો...? ”
“ અરે કેમ નહી...! ચોક્કસ જણાવીશ. મને વધુ તો કંઇ યાદ નથી પરંતુ જેટલુ મેં સાંભળ્યુ હતુ એ પ્રમાણે એ સમયમાં આ ટાપુ ખુબ સમૃધ્ધ હતો. સોલોમન દ્વિપના રહીશો ખુબજ જાહોજલાલી ભોગવતા. તેઓ મહેનત પણ ખુબ કરતા. એ લોકો તરેહ-તરેહની ચીજો બનાવતા અને જહાજ દ્વારા પૂરા વિશ્વમાં એ ચીજોનો વેપાર કરતા. એનાંથી તેમને મબલખ આવક થતી. આમને આમ એ ટાપુ સમૃધ્ધ બનતો ગયો હતો. તેઓ જે ચીજ-વસ્તુઓ બનાવતા હતા એ તમામ વસ્તુઓ ઉપર આ પુસ્તકમાં દેખાય છે એવો હોલમાર્ક કોતરાવતા. જેથી તેમની ઓળખ આ હોલમાર્ક દ્વારા જળવાઇ રહેતી....”
“ અચ્છા....! ” એલીઝાબેથે ઉદ્દગાર કાઢયો. “ તો પછી અચાનક ૧૮૬૬માં આ હોલમાર્ક બંધ કેવી રીતે થયો....? ” તેણે પુછયું. તેણે પુસ્તકમાં એ હોલમાર્કના નિશાન નીચે હોલમાર્ક કઇ સાલમાં ચલણમાં આવ્યો અને કઇ સાલમાં તે બંધ થયો (૧૮૩૦થી ૧૮૬૬) એ જોયુ હતું.
“ એ તો મને નથી ખબર. તેના વીશે એ સમયમાં ઘણી લોકવાયકાઓ પ્રચલીત હતી. કોઇ કહેતું હતું કે એ ટાપુ ઉપર ત્સુનામી આવી અને આખે-આખો ટાપુ પાણીમાં ગરક થઇ ગયો. તો વળી કોઇ કહેતું હતું કે ટાપુ ઉપર ચાંચીયાઓએ હુમલો કરી આખા ટાપુને લૂંટી લીધો હતો અને પછી ત્યાં ભયંકર ખૂના-મરકી આચરી બધુ સળગાવી નાંખ્યુ હતું. વળી એક વાયકા એવી પણ સાંભળવામાં આવી હતી કે સોલોમનનાં રહેવાશીઓ ચીન સાથે વેપાર કરતા હતા તેમાં કોઇ ચીની બીમારી તેમને લાગુ પડી ગઇ હતી, અને તેમાંથી ભયંકર સંક્રમણ આખા ટાપુ ઉપર ફેલાયું હતું. જેમાં આખી બસ્તિનો સફાયો બોલી ગયો. આવી તો ઘણી કહાનીઓ મેં નાનપણમાં સાંભળી હતી. તેમાં સાચુ શું અને ખોટુ શું એતો રામ જાણે....! ”
“ ઓહ....! ”
“ પણ તને આ ચિન્હોમાં શું રસ છે...?”
“ નથી જાણતી....! પણ કોણ જાણે કેમ, મને લાગે છે કે આ નિશાનીઓ, આ હોલમાર્કનું ચિન્હ, પહેલા પણ મેં કયાંક જોયું છે. મને બસ તેનીજ ઉત્સુકતા થાય છે. ” એલીઝાબેથે કહયું.
“ આ તો બહુ જુની વાત છે. દસકાઓ પહેલાની...! તેં કદાચ કોઇ ફિલ્મમાં કે પુસ્તકમાં આને મળતા આવતા ચિત્રો જોયા હશે .હું નથી માનતો કે અત્યારના સમયમાં સોલોમન ટાપુને કોઇ યાદ પણ કરતું હોય....! અને એક અજાણ્યા, ગુમનામ ટાપુને કોઇ યાદ કરે પણ શું કામ...? ” તે બૂઝુર્ગ આદમીની કમજોર પડી ચુકેલી આંખોમાંથી સતત પાણી ઝમતું હતું. જેને તેઓ વારં-વાર રૂમાલથી લુંછી રહયા હતા. તેઓ હજુપણ એલીઝાબેથની બાજુમાં ટેબલ પાસે ઉભા રહીને વાતો કરતા હતા. નેવું વર્ષનો તેમનો ખખડધજ દેહ સતત હલતો હતો. “ અચ્છા દિકરા....હવે હું જાઉં. મારાથી વધુ વખત ઉભા રહેવાશે નહી.”
“ ઓહ...આઇ એમ સોરી દાદા. હું એટલી તો ગુંચવાયેલી છું કે તમને બેસવાનું કહેવાનું પણ ભુલી ગઇ. ” એલીઝાબેથ પોતાની ખુરશીમાંથી ઉભા થતા બોલી. તેણે ઝડપથી ત્યાં મુકાયેલી એક ખાલી ચેર તરફ પગ ઉઠાવ્યા.
“ નહિ...નહિ...! મારે બેસવું નથી. હવે હું જઇશ. આમ પણ મારા ઘરે જવાનો સમય થઇ ગયો છે. આ તો તને મુંઝાયેલી જોઇને હું અહી આવ્યો. જો તારે આ નિશાનીઓ વિશે વધુ જાણકારી જોઇતી હોય તો તું આપણાં નગરનાં શીવ મંદિરના પુજારી શંકર મહારાજને મળજે. તેના બાપા, રમણીક મહારાજ ઘણી વખત આ ટાપુ વિશે વાતો કરતા. તેમણે જરૂર એ વિશે શંકર મહારાજને જણાવ્યું હશે. તું એમને મળ, કદાચ તેમની પાસેથી કંઇક જાણવા મળી જાય....! ”
“ હું ચોક્કસ જઇશ તેમની પાસે...! ” એલીઝાબેથ બોલી.
“ ગોડ બ્લેસ યુ માય સન....! “ કહીને એ બૂઝુર્ગ વ્યક્તિ ફરી પોતાના ટેબલ તરફ વળ્યા. એલીઝાબેથ આભારભરી નજરે તેમની ઝૂકેલી પીઠને તાકી રહી. તે નિર્મળાફઇને તેમના વિશે પુછવા માંગતી હતી કે એ દાદા કોણ છે....? પરંતુ તેની ભાષા નિર્મળાફઇ સમજશે નહિ એવું વિચારીને તેણે એ વિચાર માંડી વાળ્યો.
થોડીવાર રહીને તે ઉભી થઇ અને તે લાઇબ્રેરીના કાઉન્ટર ઉપર પહોંચી. તેણે પેલા યુવકને પુસ્તક જમાં કરાવ્યુ અને તેની પાસેથી શીવમંદિર અને શંકર મહારાજનું સરનામું લીધુ અને તેઓ લાઇબ્રેરીમાંથી બહાર નીકળ્યા. એલીઝાબેથની આગળની મંઝીલ નગરનું શીવ મંદિર હતું.
જો કે, તે એક વાત જાણતી નહોતી કે આ સમયે, ઇશાન એજ શીવ મંદિરમાં શંકર મહારાજ પાસે બેઠો હતો.
***
વર્ષ ૧૮૬૬....
આજથી બરાબર દોઢસો વર્ષ પહેલા...
ગુજરાતનાં પશ્ચિમ કાંઠાને પખાળતા અરબી સમૃદ્રના પાણીના વિશાળ પટ ઉપર એક વિશાળકાય જહાજ લાંગરેલું હતું. કાંઠાથી લગભગ બે માઇલ દુર, સમૃદ્રના ઘુઘવાતા જળ વચાળે ઉભેલા એ જહાજમાં અત્યારે ખામોશી છવાયેલી જણાતી હતી. જે અવાજ હતો એ જહાજનાં તોતીંગ શઢના કાપડમાં સમૃદ્ર ઉપરથી વાતો પવન ભરાતો હતો જેનાં લીધે શઢનું કાપડ ફરફરતું હતુ તેનો હતો. જહાજ કદમાં એટલું તો મોટં હતુ કે છેક કિનારેથી પણ તેને જોઇ શકાતું હતું. આટલે દુરથી પણ તેની ભવ્યતા સ્પષ્ટ નજરે ચડતી હતી. નજદીકથી જોતા તો તેની ખૂબસુરતી અને ભવ્યતા આંખોને ચક-ચૌંધ કરી નાંખતી. એ જમાનામાં આવા જહાજો બહુ ઓછા બનતા, એટલે જે કોઇપણ આ જહાજને જોતું તે બસ, અભિભૂત થઇને તેને તાકયે જ રાખતું. તેના મોં માંથી બસ એક જ શબ્દ નીકળતો.... “ વાહ...”
“ એલીઝાબેથ....! બસ હવે થોડા કલાકો. એ લોકો તરફથી સંદેશો આવ્યો છે કે તેઓ રાત્રે એક હોડીમાં આપણા જહાજની શુભેચ્છા મુલાકાત લેવા આવે છે. આપણે કોઇપણ ભોગે તેમને મનાવવાના છે. જો એક વખત તેઓ રાજી થઇ જાય તો પછી આપણને એક નવી ધરતી ઉપર નવું વિશ્વ મળશે...! તું તૈયાર છે ને....? ” જહાજના એક બેહદ આરામદાયક- સુંદર કમરામાં જહાજનાં કેપ્ટને પોતાના પ્રાણથીય અધીક પ્રીય પત્નીને કહયું.
“ હું એ ઘડીની બેસબ્રી થી રાહ જોઇ રહી છું. ” કેપ્ટનની પત્ની, કે જેનું નામ એલીઝાબેથ હતું તે બોલી. તેઓ કમરામાં બીછાવેલા સુંવાળા પલંગ ઉપર આમને-સામને બેઠા હતા. તેની વાત સાંભળીને કેપ્ટને થોડા આગળ ઝૂકી એલીઝાબેથના પરવાળા-સા મુલાયમ હોઠ ઉપર એક મૃદુ ચુંબન કર્યું.
***
ઇશાનની એલીઝાબેથે, જો આ સમયે જહાજના કપ્તાનની પત્ની એલીઝાબેથને જોઇ હોત તો જરૂર તે ચક્કર ખાઇને બેહોશ થઇ ગઇ હોત....કારણ કે બંનેના ચહેરા અને બંનેનાં નામ તદ્દન એક સરખા જ હતાં. ગજબનું સામ્ય હતુ તે બન્નેમાં. ખરેખર ફાંટેબાજ કુદરતે ધણી કરામાતો કરી હતી.
( ક્રમશઃ-)