શબ્દોની રમત krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબ્દોની રમત

શબ્દોની રમત

Krupa Bakori

મનુષ્યમાં બીજા પ્રાણીઓ કરતાં એક ખાસ વિશેષતા છે કે તે વાણીથી પોતાના અનુભવ અને ભાવના વ્યકત કરીને બીજાને પોતાની વાત કરી શકે છે. ઈશ્વર એ આપેલી અનમોલ ભેટ છે, અફસોસ કે આ વરદાનનો કોઈ લોકો સારી રીતે ઉપયોગ કરી શકે છે તો કોઈ લોકો બિનઉપયોગ. જીભ દરેકના મુખમાં હોય છે પણ, બોલતા કોઈકને જ આવડે છે. વાણીનો સદુપયોગ કોઈક જ લોકો કરી શકે છે.

શબ્દના ધા તલવાર કરતાં પણ વધારે ઊંડા હોય છે. ધણી વાર કોઈનો કહેવાનો અર્થ ખરાબ નથી હોતો, પરંતુ અજાણતા જ એવા શબ્દો નીકળી જાય છે કે વાતનું વતેસર થઈ જાય. આપણે આપણી વાત એ રીતે કહેવી જોઈએ કે સામી વ્યક્તિને કટાક્ષ ના લાગે. વાત એક જ હોય પણ લોકોની કહેવાની રીત અને શબ્દ યોગ્ય ના હોય તો.... નાની એવી વાતમાં પણ મનભેદ થઈ જાય. સમજી વિચારીને બોલવું જોઈએ.

ઘણા લોકો કાતરની માફક આખો દિવસ બોલીને બકવાસ કરે છે. તે લોકો પરિસ્થિતિનો તાગ મેળવીને બોલવાને બદલે ગમે તેવા સંજોગોમાં પોતાનો કક્કો બોલ્યા કરે છે. ખરાબ શબ્દો બોલી લોકો પોતાના રસ્તામાં જ કાંટા વેરે છે. અનિયંત્રિત બકવાસ તો આપણી શક્તિનો નાશનો કરે છે. અયોગ્ય વાણી બીજા લોકોને તીરની માફક ઘાયલ કરી દે છે.

પગ ખસી જાય તો મૂળ સ્થાને લાવી શકીએ પણ, જીભ આડીઅવળી બને તો તેને સીધી કરી શકાય નહી. એક મહાપુરુષનું કહેવું છે કે , ‘મને બોલવા દો, હું વિશ્વવિજય કરી લઈશ.’ વાણી જેવું ઉપયોગી કોઈ જ હથિયાર નથી.

જે રીતે બીજાના કડવા શબ્દોથી આપણને દુ:ખ થાય છે તેમ આપણા કડવા શબ્દોથી બીજાને દુ:ખ પહોંચે. બોલવામાં જરા સરખી સાવધાની રાખીએ તો બોલનારની છાપ સારી પડે. સારું, મધુર તથા જરૂર પડે ત્યારે કડવું બોલવું. વિચારીને બોલશું તો જ બીજાને પ્રિય બનીશું. ગમે તેવી બકવાસ કરી સંબંધોમાં કડવાશ પેદા ના કરો.

મરઘી ઈંડું મૂક્યા પછી એવી જ મૂર્ખતા કરે છે કે તે મોટે મોટેથી બોલે છે. તેનો અવાજ સાંભળીને કાગડો આવે છે અને ઈંડાં ને ખાઈ જાય છે કે જે તેના પોતાના સંતાનો હોય છે. માટે જેટલું જરૂરી હોય તેવું જ બોલો.

શબ્દનું રહસ્ય જે સમજે તેની પ્રગતિના દ્વાર ખુલી જાય છે. સાંત્વન અને પ્રેરણાદાયક શબ્દો અમૃતબિન્દુ જેવા છે, જેના થોડાંક ટીપાં પીનારા હર્ષથી પુલકિત થઈ જાય છે. કહેવાય છે પડે-ચડે જીભ વડે જ માનવી....... શબ્દને શિવ અને વાણીને શક્તિ કહેવામાં આવે છે. જેની કૃપા-દયા લોકો પર થાય તે ભાગ્યશાળી અમૃતને ભોગવી જાણે છે.

કાગડો કોઈનું પણ નુકસાન કરતો નથી પણ તેનો કર્કશ અવાજ કોઈને ગમતો નથી. બીજી બાજુ કોયલ કોઈને કંઈ જ આપતી નથી, છતાં પોતાની મીઠાશભરી વાણીની મધુરતાને કારણે લોકોની પ્રિય બને છે. બોલતી વખતે શબ્દો પસંદ કરીને બોલવા જોઈએ.

દુર્યોધનને દ્રોપદીએ કેટલાક અપમાનભર્યા શબ્દો સંભળાવ્યા.તેનું પરિણામ મહાભારત સ્વરૂપમાં આવ્યું.

જેમના માટે આપણે સારો ભાવ પ્રગટ કરીશું તે વ્યક્તિ આપણા માટે અજાણો પ્રેમ બતાવશે. તેની બીજી બાજુ જેમના માટે આપણા ખરાબ વિચાર અને શબ્દો ખરાબ હશે તેઓ આપણું બૂરુ ઈચ્છશે. ધન વગેરેની મદદને લોકો ભૂલી જાય છે, પણ મીઠો વ્યવહાર કદી ભૂલાતો નથી. દુષ્ટો પણ એને વશ થઈ જાય છે. અમુક લોકો હમેંશા સારી, મીઠી, શાંત, પવિત્ર વાણી બોલે છે તેનું અનુકરણ કરવું જોઈએ.

તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે કે, ‘હે ઈશ્વર! મારી જીભ હંમેશાં મીઠા શબ્દો બોલે, હું કદી કડવાં, કલેશકારી કુવચન બોલીને મારી જીભને કંલકિત કરું નહીં’.

મનમાં હમેશાં સારા સંકલ્પો કરો તથા વાણીમાં મીઠાશ રાખવી જોઈએ. લાભકારી વચન જ બોલો. મનને હમેશાં સારા સન્માર્ગે લઈ જાઓ. શબ્દ અમૃત અને ઝેર બંનેનુ કામ કરે છે. બીજાને માટે બોલાયેલા ખરાબ શબ્દો ઝેરરૂપી અને હાનિકારક ના બને તેનું ધ્યાન રાખવું. જેટલાં નકામા શબ્દો બોલીએ છીએ તેનો જો સદુપયોગ કરીએ તો નવો હિમાયલ પહાડ ઉભો કરી શકીએ.

સમર્થ ગુરુ રામદાસે કહ્યું છે કે, ‘દુનિયાભરમાં આપણા મિત્રો પણ છે અને શત્રુઓ પણ છે, પણ એમને મેળવવાની કૂંચી જીભના પટારામાં રહેલી છે.’ મીઠાશભર્યાં વચનો બોલી સામેની વ્યક્તિનું દિલ જીતી લેવું જોઈએ. સારી વાણીથી તો દુશ્મન પણ મિત્રો બને છે. વ્યંગભર્યા શબ્દો બોલવાથી મિત્ર પણ શત્રુ બને છે.

તુલસીદાસનું કથન છે કે,

તુલસી મીઠે વચન તે, સુખ ઉપજન ચહુ ઓર |

વશીકરણ એક મંત્ર હૈ, તજ દે વચન કઠોર ||

અર્થાત મીઠાં અને હિત કરનારાં વચનો વાસ્તવમાં એવો વશીકરણ મંત્ર છે કે જેનાથી આપણા મિત્ર, સ્વજન કે કુટુંબી સાથે આખા સંસારના લોકો આપણા તરફ ખેંચાઈને આપણને સ્નેહ કરે.

કોઈની સાથે લડાઈ ઝગડા થાય એ મોટી વાત નથી, પણ ઈર્ષાથી બીજાની બૂરાઈ કરવી કે એનો પ્રચાર કરવો એ સારી વાત નથી. પ્રયત્ન એવો કરવો જોઈએ કે લડાઈ થાય જ નહી. મતભેદ દૂર કરી મનમેળ કરી લેવો જોઈએ. આપણી કોઈ ભૂલ થાય તો વિના સંકોચે દિલથી માફી માગી લેવી જોઈએ.

કોઈને પણ વણમાગી સલાહ આપવી નહી. લોકો પોતાને જે સારું લાગે તે પ્રમાણે કરે છે. કોઈને આજ્ઞા કે હુકમ કરવાની ટેવ ન રાખવી. વાતચીત કરવામાં પોતાની વાત ના કરતા બીજાની વાતને મહત્વ આપવું. જો સામાપક્ષની વાત સાચી હોય તો હઠ છોડીને તેની વાત માની લેવી જોઈએ.

મહાભારતમાં ભીષ્મ કોઈનાથી પણ હારતા નહી ત્યારે પાંડવોએ કોઈપણ રીતે ભીષ્મને એમની યુક્તિ પૂછી લીધી. ભીષ્મએ કહ્યું કે ‘ હું હથિયાર વગરનો, ઘાયલ થઈને પૃથ્વી પર પડેલો, નાસી જતો, શરણે આવેલો,અંગનો ભંગ થયેલો હોય અને સ્ત્રી તથા નપુંસક હોય તેના પર હથિયાર ચલાવતો નથી.’ આ જાણીને પાંડવોએ શિખંડી નામના નપુંસકને ભીષ્મ સામે ઊભો રાખ્યો અને બીજી બાજુ અર્જુને ભીષ્મ પર બાણમારો કરી ઘાયલ કરી નાખ્યા. સત્યને જરૂર વગર પ્રગટ ના કરવું.

ઘણીવાર દુષ્ટ લોકો સાચું બોલવાથી અયોગ્ય લાભ ઉઠાવે છે તેવા સમયે ખોટું બોલવું અનિવાર્ય છે. બીજાના સારા માટે બોલાયેલું ખોટું સત્ય સમાન જ છે. જૂઠું બોલવું જોઈએ નહી, પરંતુ એનો અર્થ એ નહી કે આપણી દરેક વાત બીજાને કહી દેવી. અમુક જરૂરી વાતો છુપાવવી યોગ્ય છે.

ખરાબ અને ગંદા શબ્દો બોલવાથી અબોધ બાળકો પર ઘણી ખરાબ અસર કરે છે. જેથી તેમનું ચારિત્ર્ય હલકું બની જાય છે. જેવું સાંભળે તેવું શીખે. તેના ગુપ્ત મન પર એ ખરાબ શબ્દોની અસર મૂળ નાંખીને અડ્ડો જમાવે છે. વાણીનો દુરુપયોગ અટકાવીને તેને સારી, સંસ્કારી, કલ્યાણકારી બનાવી શકીએ. શબ્દમાં અપાર શક્તિ છે. કોઈ પણ શબ્દ બોલીએ ત્યારે તેનો પ્રભાવ આપણા મન પર પડે છે.

વાણીનો દુરપયોગ ના કરતા સપ્તાહમાં એક વાર મૌન રાખવું. મૌનમાં અપાર શક્તિ છે. જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું.

ફ્રેંકલિન કહે છે કે, ‘ કિડિ કરતાં વધુ સારો ઉપદેશ બીજું કોઈ આપતું નથી, કેમ કે તે મૌન રહે છે.’

વધારે પડતું ના બોલો. આધ્યાત્મિક રીતે મૌનનું મહત્વ અનેકગણું છે. મૌનથી મનુષ્યમાં ગંભીરતાનો વધારો થાય છે. લોકોમાં વિશ્વાસ વધતો જાય. ‘ ના બોલવામાં નવ ગુણ ’ સમજી જરૂર હોય તેટલું જ બોલવું. થોડોબોલો સ્વભાવ રાખવાથી વ્યક્તિની ગરિમામાં વધારો થાય. મૌન રહેવાથી સૌમ્યતા અને સરળતા વધે છે.

ભગવાન વેદવ્યાસે જ્યારે મહાભારત લખવાનો વિચાર કર્યો. તે મોટા ગ્રંથના પ્રસંગો પર વિચાર અને લેખનક્રિયા એક સાથે કરી શકતા નહોતા. તેમા ધાર્યા કરતા અનેકગણો સમય લાગતો હતો. તે બોલતા જાય અને કોઈ લખતા જાય- તે રીતે તેને આ કાર્યમાં ગણેશજીનો સહયોગ પ્રાપ્ત કર્યો. જ્યારે મહાભારત લખાઈ ગયું ત્યારે વ્યાસજીએ પૂછ્યું કે તમે તો આની વચમાં બિલકુલ બોલ્યા નહી. ત્યારે ગણેશજી કહે છે કે જો હું વચ્ચે વચ્ચે વાત કરત તો તમારું કામ મુશ્કેલ બની જાત.

બોલવાથી મનુષ્યની કાર્યશક્તિ ઘટે છે, જયારે મૌન રહીને કાર્યમાં રુચિ આવે છે. મૌન એક દૈવી ગુણ છે. જેનો વિકાસ આપણે કરવો જોઈએ. પરંતુ મૌનનો અર્થ એ પણ નથી મનુષ્ય બિલકુલ વાત જ ના કરે. મૌનનું મૂળ મંતવ્ય એટલું જ છે કે જેટલું જરૂર હોય તેટલું જ બોલવું. બિનજરૂરી વાર્તાલાપ ના કરતા વાણીનો સંયમ રાખી બોલવું. આપણે જેટલા પણ ખરાબ શબ્દો બોલીએ છે તેનો યમરાજાને જવાબ આપવો પડશે. મૌન રહેવું વધારે ઉતમ છે.

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, ‘મૌન સર્વોતમ ભાષણ છે, જો બોલવાની જરૂર હોય તો ધણું ઓછું બોલો. એક શબ્દથી કામ ચાલે તો બે ન બોલો.’

શબ્દો શબ્દો ને કેવળ શબ્દોની જ દુનિયા છે. કોણ શબ્દોની રમત કેવી રમે છે તે આધાર તેના પર છે. કોઈ હારીને જીતે છે તો કોઈ જીતીને પણ હારી જાય છે.