એમ. કે.
જ્યોતિ ભટ્ટ
મને ખબર છે એમ.કે. કે તું મને ઝંખે છે. તારી મારા માટેની ઝંખના દિન-પ્રતિદિન વધતી જ રહે છે. મને યાદ છે એમ.કે. તે પ્રથમ મારા તરફ આંખ ઉઠાવીને જોયું ત્યારે તારા રોમરોમમાં આનંદના દીવા પ્રગટી ઊઠયા હતા. તે ન કહીને પણ મારી સામે જોઈ મને ઘણું ઘણું કહી દીધું હતું. તારા હૃદયમાં મને જોવા માત્રથી સ્નેહના સાત રંગો એકસામટા ખીલી ઊઠયા હતા. તું મ્હોરી ઊઠયો હતો મને નીરખવા માત્રથી અને એ સમયે હું કલ્પના કરી શકેલી કે તું મને મળવા, મારી સાથે વાત કરવા કયારનો ય તલપાપડ થઇ ઊઠયો છે અને છતાં ય તારી નજરનો કોઈ જ પ્રતિભાવ મે એ સમયે નહોતો જ આપ્યો. છતાંયે ૠણાનુબંધ તો જો... ... આપણે અનેક સમારંભોમાં મળતા રહ્યા.. ... એકબીજાની સામે જોઈ રહેલા અને વગર વાત કર્યે જ ઘણીબધી વાતો પછી તો કરતા રહેલા. મને બરાબર યાદ છે એ દિવસ જયારે તું અચાનક જ મને શોધતો શોધતો મારા દ્વાર સુધી આવી પહોચેલો.
સાચું કહું તો જયારે તે મને પહેલીવાર જોઈ ત્યારથી મને અનુમાન હતું જ કે તું જરૂર મને શોધી કાઢવાનો. કદાચ મારામાં તને કોઈ આત્મીયતાના દર્શન થયેલાં એ તારી નજર પરથી જ હું પારખી ગયેલી પણ જાણવા છતાંયે હું તદ્દન અજાણ રહી તારા આ મનોભાવોથી, કારણ હું જાણતી હતી કે મને વળગણ પરવડે જ નહિ. મને એ પણ ખબર હતી કે દરેક સમારંભોમાં તું તારી જાતને એકલો અટૂલો અનુભૂત કરે છે અને કદાચ એ એકલતા ટાળવા જ તું મને ઝંખે છે... પણ તને કયાં ખબર હતી કે વળગણ મને પરવડતું જ નથી. કદાચ તારી એકલતા ટાળવા તને સાથ જરૂર આપી શકું, પણ વારંવાર તને મળી ને, તારી સાથે વાતો કરીને તારામાં હું મન તો ન જ પરોવી શકું. વ્યસ્તતામાં હું એટલી વહેચાયેલી છું કે હું મને જ મળી શકતી નથી તો તને તો કેવી રીતે મળી શકું કહે જોઉં? અને તેમ છતાં આપણે મળ્યાં, તું અચાનક જ મારા દ્વારે આવી ઊભો રહ્યો અને આંગણે આવેલ અતિથિને મારાથી જાકારો તો કઈ રીતે દઈ શકાય? કદાચ મારી આતિથ્યભાવના બળવત્તર બની ઊઠી., કદાચ મારી સૂની પડેલી લાગણીઓ ઝંકૃત બની ઊઠી કે પછી કદાચ તારી અકથ્ય વેદનાએ મને ખળભળાવી મૂકી શી ખબર કેમ મારાથી આવકાર અપાઈ જ ગયો.
મને ખબર છે એમ.કે. કે તારી હતાશા ને તારી વ્યથા તને કોશેટામાંના કીડાની જેમ કોરી ખાતી હતી. તારી એકલતા તને ડસી રહી હતી ને એ એકલતા ટાળવા જ કદાચ તું મારો સાથ ઝંખતો હતો. તેં જ તો કહ્યું હતું...
"મૈત્રી! તારી મૈત્રી ઝંખું છું" અને હસીને મેં જવાબ આપ્યો હતો - "મૈત્રી તો હંમેશાં મને ગમે છે."
"તું મારા ઝખમો રુઝાવી શકીશ?"
"તારી વ્યામાં હું આનંદ બનીને લહેરાઈ ઊઠીશ."
"શું તું આજીવન દોસ્તી રાખીશ મારી સાથે?"
"એ તો અન્યોઅન્ય છે."
"હું તો આજીવન દોસ્તી ઝંખું છું... પણ સમાજ..."
"લાગણી અને સમાજને કયારેય બન્યું જ નથી."
"છતાંય તું સ્ત્રી છે, તારે મર્યાદાઓ હોઈ શકે."
"મર્યાદા સાથે સાથ નિભાવવાની મારી શકિત પર મને અતૂટ વિશ્વાસ છે."
"તારી હૂંફ મને નવું બળ આપશો."
"મારી અંતરની ઊર્મિથી તને વધાવીશ, મારી અભિશાપ બનીને પથરાયેલી એકલતા પણ તારા થકી જ કલરવશે...પણ એમ. કે. શકય છે કે કયારેક લાગણીમાં ઓટ પણ આવી જાય..."
"મૈત્રી! તારી લાગણી એવો દરિયો છે જેમાં, ભરતી...માત્ર ભરતી જ હોય...ઓટ તેમાં સંભવી શકે જ નહી."
"એ તો સાચું એમ. કે. પણ શું તું મને સમજી શકીશ ખરો?"
"લાગણીને માપ-દંડ હોતા નથી, તને જોઈ ત્યારથી હું તને જ સમજવાનો પ઼યત્ન કરું છું. હું તારી સંવેદનશીલતાને આઘાત કયારેય નહી આપું, મારા અંત સુધી હું મૈત્રી નિભાવીશ... ને કદાચ ઈશ્વરે દીધેલ આ શરીર કદાચ છોડવું પડે તો તારા સંવેદનશીલ હૃદયમાં હું ગીત બનીને ગૂંજી ઊઠીશ."
આમ આપણે ખૂબ ખૂબ વાતો કરી. હું સમજી ગઈ કે તારી એકલતા જ તને કોરી ખાય છે ને એ એકલતા ટાળવા તું મારો સાથ ઝંખે છે, મારી દોસ્તીને તું તારું ગૌરવ સમજે છે. મારી દોસ્તીને, તારા મનમંદિરમા પ્રતિષ્ઠિત કરી, મારી ચિર સ્મૃતિને સદા કાળ પૂજવાની તારી વૃત્તિઓ મારાથી અજાણ નથી જ.
મને મળ્યા બાદ તું દિવસોના દિવસો સુધી મને ફરી મળવાની તીવ્રતામાં, મને મળવાના ઈતઝારમાં ઉદાસ ઉદાસ ફર્યા કરે છે. મારા વિરહમાં વ્યથિત એવો તું ખુદ તારી જ લાગણીઓમાં સ્પષ્ટ ન હોવાથી તારા મનમાં સતત એક જાતનો ડર રહ્યા કરે છે - "મૈત્રી મને છોડી દેશે તો?" તને ખુદ તારી જાતનો ડર છે, તું માને છે કે આટલા હર્યાભર્યા સંવેદનાયુકત હૃદયવાળું કોઇ માણસ મારા જેવા અકવિને ન્યાય ન જ આપે. પણ તું શું જાણે એમ કે મને કવિ કે ચિત્રકાર નહી, એક સાચા હૃદયના, સાચી લાગણીના વ્યકિતત્વની સતત ખોજ રહી છે. હું સતત એક એવી વ્યકિતને શોધતી રહી છું જેનું અંતર સાફ હોય, જે પોતાની જાત માટે જાગ્રત હોય ને બીજાની મર્યાદાઓનો વિચાર કરવાની વૃત્તિ પણ તેનામાં હોય જ. ટૂંકમાં દરેકનું એક વ્યકિતત્વ હોય છે, દરેકના એ અલગ વ્યકિતત્વને એક સમગ્ર વ્યકિતત્વ તરીકે મેં સ્વીકાર્યો છે, તેમને આદર આપ્યો છે પણ સાચું કહું એમ. કે. એ દરેકને મારી પ્રતિષ્ઠા, મારું પદ, સમાજે મને આપેલા માન-પાન માટે માન હતું - છે - તેઓને મારી સાથેના સંબંધમાં ગૌરવ હતું મારી પ્રતિષ્ઠાનું - મારું નહીં મને માન આપી, આદર આપી સૌ સતત મારી આસપાસ ઘૂમતા રહ્યા - પણ મારા સાચા વ્યકિતત્વની, મારી સંવેદનશીલતાની તેમને મન કોઈ જ કીંમત નહોતી. મને સતત થતું કે સૌ કોઈ મારી પાસે એક અપેક્ષા રાખતા રહ્યા, તેઓ ઇરછે તેમ સતત સૌ સાથે સંબંધ રાખવો, તેઓ ઈરછે તેમ દરેક સમારંભમાં હાજરી આપવી, તેઓ ઈરછે તેમ સતત સૌ સાથે વ્યવહાર કરવો... મને લાંબે ગાળે સમજાઈ ગયું કે તેઓ મારા દ્વારા ખુદ પોતાનું માન વધારે છે. મારી સાથે સંબંધ રાખી તેઓ સમાજમાં ઉન્નત મસ્તકે ચાલવા માંગે છે, પોતાની જાતને ગૌરવશાળી ગણાવવા માંગે છે. હકીકતમાં આ બધું માન, આ બધો આદર એક પ્રતિભાશાળી કલાકારને અપાતો હતો... મને નહીં, મારી અંદર ધબકી રહેલા હૃદયના ટુકડાને સમજવાની તેઓની તૈયારી ન હતી.
મને કહેવા દે એમ. કે. કે મારામાં રહેલા એક સમગ્ર વ્યકિતત્વને તેં પડકાર્યું તેને ઝંકૃત કર્યું, ખોટા, કહેવાતા માન - આદરથી ઉપર ઊઠી તેં એક મહોરા પહેરેલા વ્યકિતત્વનું મહોરું ઊતારી, તેને સ્વીકારવાની તૈયારી દર્શાવી. એક વ્યકિત તરીકે બીજી વ્યકિત સાથેના સંબંધ રાખવાની તેં જ પહેલ કરી. મારી ખૂબીઓ ને ખામીઓ સાથે તેં મારી સાથે દોસ્તી બાંધી ને હું મહોરી ઊઠી. આમેય એમ. કે. મેં સતત અનુભવ્યું છે કે માણસ બીજા માણસ સાથે જે સંબંધ રાખે છે, જે માન-પાન આપે છે તે તેના પદ અને પ્રતિષ્ઠાને જ આપે છે. સમાજમાં અગ્રેસર એવા વ્યકિત પાસે દરેકને એક અપેક્ષા હોય છે અને એ અપેક્ષા મુજબ એ કલાકારે વર્તવું પડે છે, જીવવું પડે છે. સમાજમાં માન-પાન પામેલી વ્યકિતએ પોતાની પળેપળ ને ક્ષણે ક્ષણ સતત જાગ્રત રહીને વિતાવવી પડે છે. કારણ કે આ એ સમાજ છે જે પોતે જેને ઓળખે છે તે દરેકની પળેપળનો ખ્યાલ રાખતો રહે છે. વગર માગ્યે સમાજ એ અધિકાર મેળવી લેતો હોય છે ને સમય આવ્યે એનો ઘટસ્ફોટ કરીને જણાવી દેતો હોય છે કે પોતે તેના અંગત જીવનથી કેવા ને કેટલા પરિચિત છે અને તેથી દરેક માન-મોભાદાર વ્યકિતત્વે જાગ્રત રહીને જીવવું પડે છે. કારણ માન મરતબો મળ્યા પછી તે માણસ પોતાનો ન રહેતાં સમાજનો બની જાય છે અને સમાજ ને લક્ષ્યમાં રાખીને જ તેણે સતત જીવવું પડે છે. સમાજ પાસે એક પારાશીશી હોય છે- જાહેર જીવનમાં પડેલી વ્યકિતના વ્યકિતત્વને માપવાની. પછી તે નેતા હોય, ચિત્રકાર હોય, સાહિત્યકાર હોય કે કવિ હોય - સમાજે દોરેલા ચોકઠાં પ્રમાણે, સમાજે બાંધેલી વ્યાખ્યાઓ પ્રમાણે તેણે જીવવું પડે છે - તેના પોતાના આગવા સંસારમાં પણ તેણે સમાજને લક્ષ્યમાં રાખવો પડે છે - આ બધું... હા... આ બધું જ મને કોઠે પડી ગયું છે એમ.કે. પણ મારું ભીતર ખળભળતું હતું મારી વ્યકિતગત ભાવનાઓને લક્ષ્યમાં રાખી જીવવાની મારી જિજિવિષા પ્રબળ હતી - તે પ્રમાણે અનુસરવા હું તલપાપડ હતી પણ મને જે કોઈ મળતું - સમાજની વ્યાખ્યાઓ ને સમાજે બાંધેલા નીતિ-નિયમો સાથે મળતું, સમાજની મારી પાસેની અપેક્ષાઓ સાથે મળતું, જયારે તું? તેં મને નહી, મારા સમગ્ર વ્યકિતત્વને ઝંખ્યું- મારામાં ધબકતી લાગણીઓને ને ભાવનાઓને ઝંખી - મને કહેવા દે એમ.... કે... તે મને - મારા એક સમગ્ર વ્યકિતત્વને ઓળખવાનો યથાર્થ પ્રયત્ન કયૉ. મારામાં રહેલી સમગ્ર ખૂબીઓ ને ખામીઓ સાથે તે દોસ્તીનો હાથ પસાર્યો અને ખૂબ વિચારના અંતે મેં તારા હાથમાં મારો હાથ થમાવ્યો. હું ઈરછું છું એમ. કે. કે આપણી વચ્ચે આ દોસ્તી કાયમ રહે. એક માણસ બીજા માણસ સાથે જે દોસ્તી રાખે એવી દોસ્તીની, મારી સુષુપ્ત ઝંખનાઓને જગાડયા પછી તું સમાજનું અંગ બનીને નહી પણ હંમેશ એક દોસ્ત બનીને રહીશ તેવી અચાનક જ મારા મનમાં શ્રધ્ધા જાગી છે - એ શ્રધ્ધાનો પાયો આપણે સાથે મળી વધુ મજબૂત બનાવશું...તારા હાથની ઉષ્મા મારા હાથથીઆગળ વધી મારા હૃદય સુધી પહોચી ગઈ છે અને એ ઉષ્મા જ મારા જીવનનું બળ રહેશે...વધુ તો શું કહું એમ. કે. ?