નગર-૨૧
( આગળના પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાનની જેમ તેના દાદા દેવધર તપસ્વી પણ નગરમાં ઘટતી અનહોની ઘટનાઓ વિશે કંઇ જાણતા નથી....શંકર મહારાજ ભગવાનને નગર બચાવી લેવા પ્રાર્થના કરે છે.....ઇન્સ.જયસીંહ રાઠોડના પોલીસ સ્ટેશન બહાર એક જોરદાર ધમાકો થાય છે....હવે આગળ વાંચો....)
કોઇ કાચાપોચા માણસે એ દ્રશ્ય જોયું હોત તો જરૂર તે બેભાન થઇને જમીન ઉપર ઢળી પડયો હોત, કારણ કે જયસીંહ જેવો કઠણ દિલનો આદમી પણ એક વખત તો ત્યાં સર્જાયેલો અકસ્માત જોઇને ધ્રુજી ઉઠયો હતો.
ચાની લારી ભડભડ સળગી રહી હતી. તેમાંથી ઉઠતો ધુમાડો વાતાવરણને ઓર બીહામણુ બનાવતો હતો. દિવાલના ટેકે સળગી રહેલા ચા-વાળા મુન્નાભાઇનો દેખાવ ભયાનક બન્યો હતો. જયસીંહ હિંમત કરીને એ તરફ ચાલ્યો. મુન્નાભાઇનો ચહેરો સૌથી વધારે દાઝયો હતો, અને તેના કારણેજ કદાચ તેનું મોત નિપજ્યુ હતુ. તેના ચહેરાની ચામડી સંપૂર્ણપણે બળી ચુકી હતી જેનાં લીધે ચહેરા અંદરની સફેદ ચરબી બહાર નીકળી આવી હતી. તેના વાળ ગુંદર બનીને માથાની ખોપરી ઉપર ચોંટી ગયા હતા. નાક, ભ્રમર, આંખો, લગભગ બધુંજ બળી ગયુ હતું. જયસીંહને તેનો દેદાર જોઇ કંપારી વછૂટી ગઇ. તેના પેટમાં ચૂંથારો ઉપડયો અને ઉબકા આવવા લાગ્યા. તેણે તરત પોતાની નજર મુન્નાનાં ચહેરા ઉપરથી હટાવી લીધી. જો વધુ વાર તેણે તેના ચહેરાને તાકયો હોત તો જરૂર તેને ઉલટી થઇ હોત.
ખ્યાલ નહોતો આવતો કે આખરે અહી ધમાકો શેનો થયો હતો....? અને એકાએક આગ કેમ લાગી હતી...? જયસીંહે પ્રથમ અનુમાન તો એ લાગાવ્યુ કે જરૂર ચાનો પ્રાયમસ ફાટયો હશે અને તેની ચપેટમાં કોન્સ્ટેબલ રઘુરામ અને ચાની લારી ચલાવતો મુન્નો આવી ગયા હશે. એ અનુમાન તેને બંધબેસતું લાગતું હતું. કારણકે એ સીવાય કોઇ બીજી શકયતાઓ તેને નજરે ચડતી નહોતી. જયસીંહે ત્યાં વેરાયેલી ભયાનક તબાહીની છાનબીન શરૂ કરી. સૌ પ્રથમ તેનું ધ્યાન ચા નાં પ્રાયમસ તરફ ખેંચાયું. લારીમાંથી ઉઠતી અગનજવાળાઓ વચ્ચે એ પ્રાયમસ તેને દેખાતો હતો...પ્રાયમસ અકબંધ હતો. લારીનું લાકડાનું પ્લેટફોર્મ સળગી રહયું હતું અને એ સળગતા પ્લેટફોર્મ ઉપર ચા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો પ્રાયમસ સહી-સલામત પડેલો દેખાતો હતો. જયસીંહ તાજ્જૂબીથી એ પ્રાયમસને જોઇ રહયો. ધમાકા વિશે તેણે જે અનુમાન લગાવ્યુ હતુ એ અનુમાનનો છેદ તેનાથી ઉડી જતો હતો. તો આખરે ધમાકો થયો કયા કારણે....?” તેના જહેનમાં પ્રશ્ન ઉઠયો. આશ્ચર્યોનાં વમળમાં અટવાતો જયસીંહ થોડી ક્ષણો પુરતો ત્યાં જ, સ્થિર ઉભો રહી ગયો. કઇ દિશામાં તપાસ કરવી, શું એક્શન લેવું એ તેની સમજમાં આવતું નહોતું.
તેની એ અનિર્ણયાત્મક દશા અને તેના મનમાં ઉઠતા હજારો સવાલોનાં જવાબ તેને તરત જ મળ્યા હતા. એ જવાબ ખુદ કુદરતે તેને આપ્યા. પોલીસ ચોકીની બહાર તે કોઇ સ્થિતપ્રજ્ઞ જોગીની જેમ વિચારતો ઉભો હતો ત્યારે ઉપર અવકાશમાં ઉમટેલા ઘેઘુર વાદળોનાં સમુહમાં અચાનક ભારે ગડમથલ થવા લાગી...એ વાદળોએ અચાનક ગતી પકડી હોય એમ આકાશમાં ભાગદોડ મચી ગઇ. દરિયા તરફથી ઉમટતા વાદળો તેજ ગતીએ નગરની બહાર તરફ જવા લાગ્યા. જાણે ત્યાં કોઇ ચક્રવાત ઉમટયો હોય, એકાએક કોઇકે હલ્લો બોલાવી દીધો હોય તેમ વાદળોનાં આપસમાં અથડાવાના બિહામણા અવાજો વાતાવરણમાં પડઘાઇ ઉઠયા. જયસીંહ અને કોન્સ્ટેબલ તાવડે બધું ભુલીને આકાશમાં મચતાં તાંડવને જોઇ રહયા. આવું દ્રશ્ય તેમણે કદાચ પોતાની જીંદગીમાં ક્યારેય જોયું નહોતું. જથ્થાબંધ વાદળોના ધાડ-ધાડા આપસમાં ટકરાઇ રહયા હતા અને એ ટકરાવથી આકાશમાં જાણે ધમાસાણ યધ્ધ થતું હોય એવું દ્રશ્યો સર્જાતા હતા. એ ટકરાવથી વાદળોનાં પેટાળમાં વીજળીઓ પેદા થતી હતી. જોત-જોતામાં તેમાંથી એક વીજળીની સેર સીધી પોલીસ ચોકીના મકાન ઉપર ખાબકી, એક જોરદાર ધમાકો થયો....એવો જ ધમાકો જે હમણા થોડીવાર પહેલા ચા ની લારી પાસે થયો હતો. ઇન્સ.જયસીંહ રાઠોડ ક્ષણભરમાં સમજી ગયો કે ચાની લારી ઉપર પણ જરૂર આકાશમાંથી વીજળી ત્રાટકી હશે.
“ સાહેબ....આ બધુ શું થઇ રહયું છે...? તાવડેના સ્વરમાં ડર છુપાયેલો હતો. તેની એ વાતનો કોઇ ઉત્તર જયસીંહે આપ્યો નહી. તેની નજર સામે દેખાતી પોલીસ ચોકીની ઇમારત ઉપર ટકેલી હતી. આકાશમાંથી ત્રાટકેલી વીજળીએ આખી ઇમારતને ભાંગીને ભુક્કો કરી નાંખી હતી. જયસીંહે પોતાની આખી લાઇફમાં આવું વરવું દ્શ્ય કયારેય જોયું નહોતું. તેની નજરો સમક્ષ જોત-જોતામાં જ પોલીસ ચોકી તબાહ થઇ ગઇ હતી અને હવે તેમાં આગની જ્વાળાઓ ભભૂકી રહી હતી. ચોકીનો આર.સી.સી.સ્લેબ વચ્ચેથી તૂટયો હતો અને તે બે ભાગમાં વહેંચાઇ ગયો હતો. જાણે કોઇ જંગી કુહાડીથી પોલીસ સ્ટેશનનાં બે ફાડયા કરી નાંખવામાં આવ્યા હોય તેમ વીજળીનાં એક ઝાટકે ચોકી બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. ઉપરનો સ્લેબ તૂટવાથી ચોકીની અંદર આંધાધૂધી મચી હતી અને પછી તેમાં આગ ફાટી નીકળી હતી. જોત-જોતામાં આગે ચોકીનાં સમસ્ત ફર્નીચર, કબાટ, તેમાં રખાયેલા રેકોર્ડસની ફાઇલોને, ત્યાં હતી એ સમસ્ત સામગ્રીને બાળીને ખાખ કરી નાંખી હતી. આગની તીવ્રતા એટલી તો ભયાનક હતી કે દુર-દુર સુધી તેની લપટો ઉઠતી દેખાતી હતી. એ આગમાં પેલી તલવાર પણ નષ્ટ થઇ ચુકી હતી, જે “જલપરી” ના ડેક ઉપર માર્ગીની છાતીમાં ધસેલી મળી આવી હતી. નગરમાં છવાયેલા તાંડવની એ તલવાર એક માત્ર સબૂત હતી જે અત્યારે નષ્ટ પામી હતી....કદાચ.....કદાચ એ તલવારને નષ્ટ કરવા માટે જ પોલીસ ચોકી ઉપર વીજળી ત્રાટકી હતી.
ચોકીના વરંડા બહાર અને અંદર, બધે જ તબાહી મચી હતી. ઇન્સ.જયસીંહ રાઠોડ અને કોન્સ્ટેબલ સુરેશ તાવડે એ બિહામણા મંજરને ફાટી આંખે તાકી રહયા હતા. તેઓ પોતાની જગ્યાએથી હલવાનું સુધ્ધા ભુલી ગયા હતા. બરાબર એ સમયે જ સાયરન વગાડતી એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી.
@@@@@@@@@@@@@@@@@
ઇશાન ભારે ગડમથલ અનુભવતો હતો. તેના દાદાએ જે કહયુ તેનાથી તો તે ઓર વધુ ગુંચવાયો હતો. તેના દાદાની વાતો પરથી એટલું તે જરૂર જાણી શક્યો હતો કે તેમને પણ આ મામલામાં વધુ કંઇ જાણકારી નથી. તેનાથી પણ વધુ હેરાની તેને શંકર મહારાજને અહી નગરમાં જોઇને, તેમની હાલત જોઇને થઇ હતી. અચાનક તેઓ જે રીતનું વર્તન કરતા હતા, એ વર્તને એલીઝાબેથને તો ડરાવી જ દીધી હતી પરંતુ સાથોસાથ તેને પણ વિચારતો કરી મુકયો હતો. તેઓ કોઇ પાગલ આદમીની જેમ વરત્યા હતા અને પેલા શબ્દો.... “ખુન કા બદલા ખુન.....” બહુ ભયાનક હતા. ઇશાનને અચાનક શંકર મહારાજને મળવાનું મન થયું. તેના દાદાએ પણ એ જ કહયુ હતું ને કે જો કોઇ વ્યક્તિ આ બાબત ઉપર રોશની પાડી શકે તો એ ફક્ત શંકર મહારાજ પાડી શકે. શંકર મહારાજ આવી બધી બાબતોમાં બહું ઉંડુ જ્ઞાન ધરાવતાં હતા.
એલીઝાબેથને તપસ્વી મેન્શનમાં જ રહેવા દઇ ઇશાને ગાડી સ્ટાર્ટ કરી અને નગરનાં શીવ મંદિર ભણી મારી મુકી.
@@@@@@@@@@@@@@@@@
ચા વાળો મુન્નાભાઇ અતી બિભત્સ રીતે મૃત્યુ પામ્યો હતો. પોલીસ ચોકીની બહાર તેનું પ્રાણ-પંખેરુ ઉડી ગયું હતું. તેની ડેડબોડીને ત્યાંથી ખસેડવામાં ભારે જહેમત કરવી પડી હતી. એમ્બ્યુલન્સ સાથે આવેલા માણસો પણ એક વખત તો તેની હાલત જોઇને ધ્રુજી ઉઠયા હતા. આટલુ ભયાનક અને બિભત્સ મોત તેમણે આજ પહેલા કયારેય જોયુ નહોતું. દિવાલનો ટેકો લઇને બેઠેલા તેના સળગતા દેહને સૌ પ્રથમ ઠારવામાં અવ્યો હતો અને પછી એ જ હાલતમાં તેના ઉપર સફેદ કપડું ઢાંકવામાં આવ્યુ. પછી તેને સ્ટ્રેચર ઉપર નાંખી એમ્બ્યુલન્સમાં ચડાવવામાં આવ્યો.
કોન્સ્ટેબલ રઘુરામ જીવીત હતો. તે ફક્ત તેની પીઠના ભાગે દાઝયો હતો. જો જયસીંહે તેની સળગતી પીઠ ઉપર પાણી ભરેલી ડોલ ન નાંખી હોત તો જરૂર તે ગંભીર રીતે દાઝયો હોત.....પરંતુ જયસીંહની સમયસૂચકતાના કારણે તે બચી ગયો હતો. તે બેભાન હતો. કદાચ આઘાતના કારણે તે બેહોશ બની ગયો હતો. તેને પણ એમ્બ્યુલન્સમાં નાંખી હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો.
એ દરમ્યાન જયસીંહ રોઠોડે ફોન પર અહી ઘટેલી વારદાતની જાણકારી પોલીસ હેડક્વાટર્સ પર પોતાના ઉપરીને મોકલી આપી હતી અને ત્યાંથી મળેલી સુચનાઓ પ્રમાણે ફોલો કરવાનું શરૂ કર્યુ હતુ. જયસીંહ મુંઝાતો હતો. તે જાણતો હતો કે તેણે હમણા જે જોયુ એ કોઇ સામાન્ય દ્રશ્ય નહોતું. જરૂર આની પાછળ કોઇ આસૂરી શક્તિનો હાથ હતો. પરંતુ, એક પોલીસ અફસર તરીકે તેને આ ઘટનાને કાયદાકીય રીતે જ ટ્રીટ કરવાની હતી. તેણે પેલા ચિન્હો પણ જોયા હતા જે ચોકીના વરંડાની દિવાલ ઉપર આગની જ્વાળાઓનાં કારણે ઉપસી આવ્યા હતા. તેણે એ ચિન્હોને પોતાના મોબાઇલ ફોનમાં કેપ્ચર કરી લીધા. આ એવાજ નિશાનો હતા જે તેણે “જલપરી” બોટની નેવીગેશન કેબીનનાં કાચ ઉપર ચિત્રેલા જોયા હતા. અહી મચેલી તબાહી અને જલપરીમાં ઘટેલી ઘટના વચ્ચે કોઇક સામ્ય હોય એવું અચાનક તેને લાગવા લાગ્યુ હતું.
@@@@@@@@@@@@@
ઇશાનના ગયા પછી એલીઝાબેથે સમગ્ર તપસ્વી મેન્શનમાં એક આંટો માર્યો. તપસ્વી મેન્શનની બાંધણી, અહીનું શાંત વાતાવરણ તેને બહુ જ પસંદ આવ્યુ. ઇશાન તેને સાથે ન લઇ ગયો એ તેને ગમ્યું નહોતું પરંતુ અત્યારે તેને લાગતુ હતુ કે એ સારુ જ થયુ હતું. જો ઇશાન સાથે તે ગઇ હોત તો કદાચ આટલી મજા તેને ન આવી હોત. તપસ્વી મેન્શનમાં ફરી લીધા બાદ તે નિર્મળા ફઇ સાથે વાતોએ વળગી હતી. તેની એકપણ વાત ન સમજવા છતા ફઇ તેની વાતોમાં વારંવાર મુંડી હલાવ્યે રાખતા હતા. ફઇને ખરેખર અંદરથી હરખ થતો હતો કે ઇશાને યોગ્ય છોકરી પસંદ કરી છે. વિદેશી હોવા છતા એલીઝાબેથ ઘણી નમ્ર અને મળતાવડા સ્વભાવની હતી એ ફઇને ગમ્યુ હતુ અને તે દેખાવે કોઇ અપ્સરાને પણ ટક્કર આપે એટલી રૂપાળી હતી. ઇશાન અને એલીઝાબેથની જોડી ખુબ સરસ લાગશે એવી તેમને ખાતરી થઇ ગઇ હતી. તેમણે એલીઝાબેથને બહાર ખેતર બતાવ્યુ હતું. ગાયોનું ગમાણ બતાવ્યુ અને થોડેદુર દેખાતા દરિયાકાંઠે પણ તેઓ આંટો મારી આવ્યા. જે ભયાનક અનુભવ એલીઝાબેથને અહી આવ્યા બાદ થયો હતો તેમાં એકાએક ઓટ આવી હતી અને તે પ્રફુલ્લીત બની ગઇ હતી. નિર્મળા ફઇએ આગ્રહ કરી-કરીને તેને ભરપુર નાસ્તો કરાવ્યો હતો. એલીઝાબેથને પણ નિર્મળા ફઇનો પ્રેમાળ સ્વભાવ ખુબ જ ગમ્યો હતો.
આખરે કલાકેકના સમય બાદ તેણે વિભૂતી નગરની બજારમાં એક લટાર મારવાનું વિચાર્યુ. તેણે નિર્મળા ફઇને પણ સાથે લીધા અને તેઓ બંને નગરનાં ટાઉનહોલ તરફ નીકળી પડયા. તપસ્વી મેન્શનમાં ઘણી ફોરવ્હીલ ગાડીઓ હતી તેમાંથી એક મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાની જુના મોડેલની ખુલ્લી જીપ લઇને તેઓ નીકળ્યા હતા. જીપ એલીઝાબેથે જ ચલાવી. તેનું ડ્રાઇવીંગ ખરેખર સરસ હતું. ટાઉનહોલનાં રસ્તામાં એ સ્થળ આવ્યુ જ્યાં સવારે ઇશાને ગાડી થાંભલા સાથે અફળાવી હતી. ત્યાં બધુ હજુ એમનેએમ જ હતું. એલીઝાબેથે પેલા વળી ગયેલા વીજળીના થાંભલાને જોયો અને તેના દેહમાં એક ધ્રુજારી પસાર થઇ ગઇ. તેણે જીપનાં એક્સિલેટર ઉપર પગ દબાવ્યો અને સેકન્ડોમાં એ સ્થળથી તેઓ દુર નીકળી ગયા.
@@@@@@@@@@@@@@@
નગરનાં ટાઉનહોલમાં નિરવ શાંતી પથરાયેલી હતી. આમ પણ ટાઉનહોલમાં કોઇ પ્રસંગ હોય ત્યારે જ નગરનાં પરીવારો ભેગા મળતા. એ સિવાય અહી ખાસ કોઇ ચહલ-પહલ રહેતી નહી. જો કે ટાઉનહોલના ઉપરના માળે આવેલી લાઇબ્રેરીમાં લોકો પુસ્તકોની આપ-લે માટે આવતા ખરા....એલીઝાબેથે જીપને પાર્કિંગ એરિયામાં પાર્ક કરી અને તેઓ નીચે ઉતરી પ્રવેશદ્રાર તરફ આવ્યા. ટાઉનહોલનાં પરીસરમાં બંધાતા મંડપનું કામકાજ લગભગ પરીપૂર્ણ થઇ ચુકયુ હતુ એટલે ત્યાં કામ કરતા માણસો ચાલ્યા ગયા હતા. એલીઝાબેથે એ મંડપ તરફ જોયું. એ તરફ પણ એકદમ નિરવતા પ્રસરેલી હતી. એ મંડપની અંદર નગરનાં બુઝૂર્ગોની કાંસાની મુર્તિઓ સ્થાપિત થવાની હતી.
એલીઝાબેથ અને તેની પાછળ ચાલતા આવતા નિર્મળાફઇ ટાઉનહોલનો કાચનો વિશાળ ગેટ વટાવી ટાઉનહોલનાં ગ્રાઉન્ડ ફલોરમાં પ્રવેશ્યા. નિર્મળાફઇ એલીઝાબેથ સાથે ઘણી વાતો કરવા માંગતા હતા. તેને અહીની એક-એક ચીજથી વાકેફ કરવા માંગતા હતા, પરંતુ તેમની વચ્ચે ભાષાની અગવડતા નડતી હતી એટલે ખામોશ રહીને ફક્ત ઇશારાથી જ જેટલુ સમજાવી શકાય એટલુ સમજાવી રહયા હતા. જો કે એલીઝાબેથને તેમાં પણ મજા આવતી હતી. એક અજાણ્યા દેશમાં, સાવ અજાણ્યા સ્થળે તે ભારે ઉત્સુકતા અનુભવતી હતી. નીચેનો હોલ એકદમ ખાલી હતો. તેઓ દાદર ચડીને પહેલા માળે બનેલા લાઇબ્રેરીવાળા હોલમાં આવ્યા.
“ ઓહ વાઉ....ગ્રેટ....” લાઇબ્રેરીમાં પ્રવેશતાં જ એલીઝાબેથનાં મોં માંથી આનંદ મિશ્રિત ઉદ્દગાર નીકળ્યો. આટલા નાનકડા ટાઉનમાં આવી વેલમેઇનટેન્ડ લાઇબ્રેરી જોઇને તેને આશ્ચર્ય થયુ. હોલમાં પ્રવેશતા જમણા હાથે લાઇબ્રેરી હતી અને ડાબા હાથ બાજુ નાનકડું અમથુ મ્યુઝીયમ જેવું બનાવેલું હતું. એલીઝાબેથે નિર્મળાફઇનો હાથ પકડયો અને સૌ-પ્રથમ તેઓ એ મ્યુઝીયમ તરફ વળ્યા. મયુઝીયમની દિવાલે વ્યવસ્થિત ફોટોફ્રેમ કરેલા તરેહ-તરેહનાં ફોટોગ્રાફ્સ લટકાવેલા હતા. ઉપરાંત એ દિવાલ પાસે, નીચે ફર્શ ઉપર ટેબલો ગોઠવી તેની ઉપર કાચનાં બોક્સમાં વિવિધ મીનીએચરની પ્રતિકૃતી પ્રદર્શીત કરાઇ હતી. એવાજ થોડા ટેબલો હોલની બરાબર વચ્ચો-વચ્ચ પણ ગોઠવાયેલા હતા. એલીઝાબેથ દિવાલ ઉપર લટકતા ફોટોગ્રાફ્સને, ત્યાં ટેબલ ઉપર કાચના બોક્સમાં મુકાયેલી પ્રતિકૃતીઓને ધ્યાનપૂર્વક નિહાળતી આગળ વધી. એ ફોટોગ્રાફ્સ અને પ્રતિકૃતિઓ ઘણી પુરાની જણાતી હતી. એ તમામ ચીજો નગરનાં ભવ્ય ભુતકાળને ઉજાગર કરતી હતી. એલીઝાબેથને ખરેખર મજા પડી. તેને પુરાની ચીજો, જુના ઇતિહાસમાં ભારે રસ પડતો. આવી ચીજો જોઇને તે રોમાંચીત થઇ ઉઠતી. પહેલાનાં જમાનામાં લોકો કેવી રીતે રહેતા હતા, કેવી-કેવી ચીજોનો ઇસ્તેમાલ કરતા હતા, તેમનું જીવન-ધોરણ વગેરે વીશે જાણવાનો તેને ભારે શોખ હતો.
એ બધુ ધ્યાનપૂર્વક જોતા-જોતાં તે આગળ વધી રહી હતી કે અચાનક એક ફોટોગ્રાફને જોઇને તે અટકી. એ ફોટોગ્રાફ કંઇક વિચિત્ર લાગ્યો તેને. જાણે તેણે એ ફોટોમાં દેખાતી આકૃતિને આ પહેલા પણ કયારેક, કોઇ જગ્યાએ જોઇ હોય એવું લાગ્યુ. બે ડગલા આગળ ચાલીને તે એ ફોટોફ્રેમની એકદમ નજીક પહોંચી અને ધ્યાનપૂર્વક એ ફોટાની અંદર દેખાતા દ્રશ્યને નીરખી રહી. તે એક હોલોગ્રામનું ચીત્ર હતું. જેમાં ત્રણ અલગ-અલગ ચિત્રો એક લાઇનમાં દોરેલા હતા. એક ચિત્ર રાજવી મુકુટનું હતું, બીજુ ચિત્ર હાથીનું અને ત્રીજુ ચિત્ર કંઇક વિચિત્ર પ્રકારના ત્રાજવાનું હતું. એ હોલોગ્રામનો ફોટો નીરખીને એલીઝાબેથનાં હ્રદયમાં અચાનક એક ખળભળાટ ઉદ્દભવ્યો. એ નિશાનીઓ સાથે જરૂર તેને કંઇક સંબંધ છે એવું તેને લાગવા માંડયુ. તેણે એ ચિત્રનાં કાચ ઉપર હળવેથી હાથ ફેરવ્યો. એક કરંટ પસાર થયો તેના શરીરમાં...અને અચાનક તે ત્યાંથી થોડી પાછળ હટી. મ્યુઝીયમમાં હજુ ઘણુબધુ જોવાનું બાકી હતું પરંતુ એ બધુ છોડીને તે એકાએક લાઇબ્રેરી તરફ આગળ વધી. નિર્મળા ફઇ પણ એલીઝાબેથ પાછળ ખેંચાયા. જાણે કોઇ અદ્રશ્ય શક્તિ એલીઝાબેથને દોરી રહી હોય એમ તે લાઇબ્રેરીમાં પ્રવેશી એક પુસ્તકોથી ભરેલા કબાટ પાસે ઉભી રહી. એ કબાટ પુસ્તકોથી ખચોખચ ભરેલો હતો. એલીઝાબેથની નજર એ પુસ્તકોની વચલી “રો” માં દેખાતા એક દળદાર પુસ્તક ઉપર આવીને અટકી.
કોઇ યુવતીને પુસ્તકોનાં કબાટ પાસે ઉભેલી જોઇને લાઇબ્રેરીનાં કાઉન્ટર પાછળ બેસેલો યુવાન તેની જગ્યાએથી ઉઠીને તે યુવતી પાસે પહોંચ્યો.
“ મે આઇ હેલ્પ યુ મેમ....?” તેણે ખુબ જ સલૂકાઇભર્યા અવાજે એલીઝાબેથને પુછયું.
“ આઇ વોન્ટ ધીસ બુક.....” એલીઝાબેથે પેલા પુસ્તક ભણી આંગળી ચીંધી.
“ યસ...શ્યોર...મેમ....” તેણે પોતાની સાથે લાવેલા ચાવીનાં ઝુડમાંથી એક ચાવી પસંદ કરીને કબાટ ખોલ્યો. એલીઝાબેથે જે પુસ્તક ચીંધ્યુ હતુ એ પુસ્તક કાઢીને તેણે એલીઝાબેથનાં હાથમાં મુકયુ. પુસ્તક હાથમાં આવતા તેની આંખો ચમકી ઉઠી.
“ ટેક યોર ટાઇમ મેમ....” પેલો યુવાન લાઇબ્રેરીયન બોલ્યો અને કબાટ વાસી ફરી તે પોતાની જગ્યાએ ગોઠવાવા ચાલ્યો ગયો.
એ પુસ્તક લઇ એલીઝાબેથ ત્યાં વચાળે મુકાયેલા ટેબલ તરફ આગળ વધી.
( ક્રમશઃ )
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
“”””””””””
“ “”””””””””””””””””””””””””””””””””””
“””””””
“ “ “””””””””””””””””””””