તુમ બીન જીયા જાયે કૈસે Vihit Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુમ બીન જીયા જાયે કૈસે

તુમ બીન જીયા જાયે કૈસે.?

અફાટ, અતાગ અને અનંત સમુદ્ર હિલોળા લઇ રહ્યો હતો. ક્યાય દુર-સુદૂર સમુદ્રના કોઈ ખૂણેથી શરૂ થયેલા મોજાઓને કિનારે પહોંચતા પહોંચતા ફીણ આવી ગયા હતા. સમુદ્રના કિનારે આવેલા નાળિયેરીના ઉંચા ઉંચા વૃક્ષો જાણે સમુદ્રનો છેવાડો માપવા ઉચા થયા હોય એવા લાગતા હતા. સમુદ્રકિનારે ઠેરઠેર ખાણીપીણીના ખુમચાવાળાઓ અને ગુબ્બારાવાળાઓ દેખાઈ રહ્યા હતા. ત્યાં સંધ્યા સમયે ફરવા માટે તેમજ જોગીંગ કરવા માટે આવેલા લોકોની પણ ખાસ્સી એવી વસ્તી હતી. કેટલાક કુતરાઓ સમુદ્રકિનારે તણાઈ આવેલી માછલીને ખાવા માટે ઝગડો કરી રહ્યા હતા. ઢળતા સૂર્યનો કેસરી પ્રકાશ દ્રશ્યને કેસરી બનાવી રહ્યો હતો. આવા સમયે એક યુવક સમુદ્રના કિનારે બેઠો બેઠો હતાશ વદને સમુદ્રને નીરખી રહ્યો હતો. સમુદ્રની તેજ હવાઓના લીધે તેના વાળ વિખરાઈ ગયા હતા. તેનો પ્રોફેશનલ યુનિફોર્મ પણ અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. લાંબી બાંયના સફેદ શર્ટની બાંય ખુલ્લી પડી ગઈ હતી. ઇનશર્ટ પણ બહાર આવી ગયું હતું. બ્લેક કલરની ટ્રાઉઝર સમુદ્રની માટીના લીધે ગંદી થઇ ગઈ હતી. તેણે પોતાના બ્લેક કલરના લેધર શુઝ ઉતારીને બાજુ પર મૂકી દીધેલા હતા. તેના શોકસ (મોજા) વારંવાર અથડાતા સમુદ્રના પાણીના લીધે ભીના થઇ રહ્યા હતા. તેની બ્લેક કલરની ટ્રાઉઝર પણ પાણીના લીધે હવે ભીની થઇ રહી હતી છતાં તેને આવી કોઈ વાતની પરવાહ નહતી. તે કોઈ ઊંડા આઘાતમાં સરી પડેલો હોય એવું લાગતું હતું. આછી દાઢી ધરાવતો ગોરો ચેહરો લાલ બની ગયો હતો. ખુબ રોકી રાખવાના પ્રયાસો છતાં આંખોમાંના આંસુઓ છલકાઈ પડ્યા હતા. જાણે કોઈ પાણીનો જળધોધ ઉતરી રહ્યો હોય એમ આંખમાંથી આંસુઓ ટપકી રહ્યા હતાં. થોડીથોડી વારે તે એકાદો પથ્થર ઉપાડીને સમુદ્રમાં ફેંકતો હતો. જાણે સમુદ્રએ પોતાનું કશું બગાડ્યું હોય અને તે પાણીમાં પથ્થર મારીને સમુદ્રને સજા આપી રહ્યો હોય એવું લાગતું હતું. સમુદ્ર પણ વારેવારે પોતાના પાણી વડે તેના પગ પસવારીને તેની માફી માંગી રહ્યો હોય એવું દ્રશ્યમાન થતું હતું. પરંતુ તે સમુદ્રને હરગીસ માફ કરવા ન માંગતો હોય એમ પાણીમાં પથ્થર મારવાના ચાલુ રાખ્યા. અંતે થાકીહારીને ઊંડા આઘાતની લાગણીઓમાંથી શાતા મેળવવા તે પોતાના ભૂતકાળમાં સરી પડ્યો.

@ @ @

જ્ઞાનગંગા કોલેજમાં એડમીશન પુરા થયાને આજે એક-દોઢ મહિનો વીતી ગયેલો છતાં કોલેજમાં ફરીથી અમુક નવા વિદ્યાર્થીઓના ચેહરા દેખાઈ રહ્યા હતા. તેનું કારણ એવું હતું કે મેડીકલ અને એન્જીનીયરીંગની શાખાઓમાં છેલ્લું રીશફલીંગ પૂર્ણ થયેલું માટે મેડીકલ અને એન્જીનીયરીંગની શાખાઓમાં જવા માંગતા આ વિદ્યાર્થીઓની આશા પર પાણી ફેરવાઈ ગયું એટલે નછૂટકે તેમને B.Sc. જેવા કોર્ષમાં એડમીશન લેવા મજબુર થવું પડ્યું.

આવા એક દિવસે તરુણ અને તેના મિત્રોએ કોલેજમાં પ્રવેશ કર્યો. વાતોચીતો કરતા, એકબીજાની મસ્તી કરતા અને ટોળ-ટપ્પા મારતા કોલેજના વિદ્યાર્થીઓનું આ ગ્રુપ કોલેજમાં પોતાની યારી-દોસ્તી નિભાવવા માટે ખુબ જાણીતું હતું. ચાલતા-ચાલતા અચાનક તરુણ અને તેના મિત્રોની નજર ગુલાબી રંગના સલવાર-કમીઝ પહેરેલી એક યુવતી પર પડી. તેણે ઉંચી હિલ વાળા સુવર્ણ રંગના સેન્ડલ પહેરેલા હતા અને તે તરુણ અને તેના ગ્રુપથી થોડા અંતરે આગળ ચાલી રહી હતી. આકર્ષક એવા ગુલાબી રંગની કમીઝમાં પાછળનો ખાસ્સો એવો હિસ્સો ખુલ્લો હતો એટલે ગોરો વાન ધરાવતી એ યુવતીની ખુલ્લી અને ગોરી પીઠ તરફ તરુણ અને તેના મિત્રો તાકી રહ્યા.

“શુ માલ છે યાર.! આને પેલા કદીય જોઈ નહિ.” રક્ષિતએ કહ્યુ.

“એલા પેલા મોઢું તો જોઇ લે પછી કહેજે પેલા કદી જોએલી કે નહિ.” કંદર્પે કહ્યુ.

“ભાઈ હું આ બાબતમાં પેલાથી એક્સપર્ટ છું. સુંદર છોકરીના પગનો અંગુઠો બતાવને તો એ કહી દઉં કે પેલા જોએલી કે નઈ.!” રક્ષિતએ ટીખળ કરતા કહ્યું અને ગ્રુપમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. તરુણ આ દરમ્યાન મોં ખુલ્લું રાખીને પેલીને જોઈ રહ્યો.

“એ કદાચ B.Sc. માંથી નહિ હોય બીજા ક્લાસમાંથી હોવી જોઈએ.” પોતાના નંબરના ચશ્માને ઊંચા ચડાવતા ભાર્ગવે કહ્યું.

“જે ક્લાસની હોય એ ભગા આજે તો એની જોડે ફેરેન્ડશીપ કરવાનો છું દોસ્ત. ગજબનો માલ છે જાણે જન્નતની પરી હોય.” આટલું કહીને રક્ષિતએ પોતાનો ડાબો હાથ બાજુમાં ચાલતા તરુણના ખભા પર મુક્યો.

“શું યાર બદતમીઝ વાતો કરે છે. કૈક સારું બોલને. સ્ત્રીઓનું સમ્માન કરવાનું હોય.” તરુણે રક્ષિતનો હાથ પોતાના ખભા પરથી હટાવતા કહ્યુ.

“ઓકે ઓકે સ્ત્રી સશક્તિકરણના પ્રણેતા તરુણસર હું તમારું માન રાખું છું. ભવિષ્યમાં આવી ભૂલ નહિ કરું.” તરુણ સામે પોતાના બંને હાથ જોડીને રક્ષિતએ કહ્યુ. ત્યારબાદ બધા કોલેજના મેઈન ગેટમાંથી પ્રવેશીને ક્લાસરૂમ તરફ જવા લાગ્યા.

ક્લાસરૂમમાં પ્રવેશ્યા બાદ બધાની નજર ક્લાસની પહેલી બેંચ ઉપર પડી. ત્યાં પેલી યુવતી કે જેના વિષે થોડા સમય પહેલા તરુણ અને તેના મિત્રોએ કોમેન્ટ પસાર કરેલી એ બેઠી હતી. ક્લાસમાં પ્રવેશ્યા બાદ તરુણની નજર અને પેલી યુવતીની નજર એક થઇ એટલે બંનેએ એકબીજાને એક આછું સ્મિત આપ્યું. આ સ્મિતે તરુણને તે યુવતીની પાસે બેસવાનો જાણે પરવાનો આપી દીધો હોય તેમ તરુણ પહેલીવાર પહેલી બેંચ પર પેલી યુવતીની પાસે બેગ મુકીને બેસવા લાગ્યો. તરુણના આ પગલાનો તેના મિત્રો જાણે પ્રત્યાઘાત આપતા હોય એમ તેની ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યા.

“હેલ્લો.” વાતચીતને શરૂ કરવાની ઔપચારિકતા પેલી યુવતીએ નિભાવી.

“હાય...ન્યુ એડમીશન.?” બેંચ પર બેઠક લેતા તરુણે પૂછ્યું. પેલીએ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું.

“એલા આ ફકીરચંદ તરુણીયો તો ફૂલ ફોર્મમાં લાઈન મારે છે.!” તરુણ અને પેલી યુવતીની બેંચથી બે બેંચ પાછળ બેઠેલા કંદર્પે કહ્યું.

“એને લડી લેવા દે ભાઈ. આજે એનો દિવસ લાગે છે.!” રક્ષિતએ કહ્યું.

તરુણ અને પેલી યુવતી હવે થોડી વધારે વાતો કરી રહ્યા હતા. તેમની વચ્ચે સારી એવી ઓળખાણ થઇ ગઈ હોય એવું લાગી રહ્યું હતું.

“બાય ધ વે તમારું નામ પૂછવાનું તો ભુલાઈ જ ગયું.!” તરુણે વાત વધારવાના પ્રયાસ ચાલુ રાખતા કહ્યું.

“તૃષા...તૃષા દેસાઈ અને તમારું.?” પેલી યુવતીએ પોતાનો હાથ આગળ ધરતા કહ્યું.

“તરુણ...તરુણ દવે.” તરુણે એ યુવતી તૃષાનો કોમલ અને ગુલાબી હાથ પોતાના હાથમાં લેતા કહ્યું. આ રીતે બંને વચ્ચે દોસ્તીનો એક પુલ બંધાવવાનું કામકાજ ચાલુ થઇ ગયું.

“એલા એય... સ્ત્રી સન્માનની વાતો કરતો તો ને.! પેલીને જોઇને આપણી બેન્ચનું એડ્રેસ ભૂલી ગયો કે.?” કેન્ટીનમાં કંદર્પે તરુણના ખભે હાથ મુકીને સવાલ કર્યો. તરુણે કશો જવાબ ન આપ્યો અને ફક્ત કંદર્પનો હાથ પોતાના ખભેથી હટાવ્યો.

“સાચે સાચું કહેજે તરુણ વાત શું છે. તને આની પહેલા આમ કોઈ છોકરીની નજીક જતા નથી જોયો. તું એવો નથી. તું અમારી જેવો નથી.” રક્ષિતએ થોડા ગંભીર થતા સવાલ કર્યો. તેના છેલ્લા વિધાન પર સૌ હળવું હસવા લાગ્યા.

“કદાચ મને એ ગમે છે. એની સાથે વાતો કરવાની મજ્જા આવે છે.” ગોરો ચહેરો લાલ બની ગયો અને આવું બોલતા તરુણનો ચેહરો નીચે ઝુકી ગયો. તે ખરેખર કોઈ દુલ્હનની માફક શરમાઈ રહ્યો હતો.

“બાયલાંની માફક શરમાયે છે શું.? જા એને કઈ દેને આઈ લાઇક યુ.” ભાર્ગવે કહ્યું.

“અરરે હજુ અમારી દોસ્તી તો થવા દો. પછી બધું જોયું જશે.” તરુણે કહ્યું.

“જલ્દી રાખજે ભાઈ આ બધા ચિતા લાઈન મારવા માટે લાઈનમાં ઉભા જ છે.” રક્ષિતએ કહ્યું અને તેના વિધાન પર સૌ જોરજોરથી હસવા લાગ્યા.

ત્યારબાદ દિવસો પસાર થવા લાગ્યા. તરુણ અને તૃષા વચ્ચે તેમના મતાનુસાર કેવળ સારી મૈત્રી જન્મી હતી અને ક્લાસના બીજા સૌ કોઈના મતાનુસાર એ બંને વચ્ચેના તારામૈત્રકની શરૂઆત હતી. ક્લાસની પ્રથમ હરોળની એ પહેલી બેંચ પર તરુણ અને તૃષાનું વણલખ્યું આરક્ષણ હતું. એકબીજાની ગેરહાજરીમાં પણ તેઓ બીજા કોઈને બેસવા દેતા નહિ. થોડા સમયે ક્લાસના સૌ કોઈને એ વાતનો અણસાર પણ આવી ગયો એટલે કોઈ પ્રથમ હરોળની એ પહેલી બેંચ પર બેસવાની કદી કોશિશ પણ ન કરતુ.

દોસ્તીનું લેવલ એટલું ઊંચું આવી ગયેલું કે નોટ્સની આપ-લે કરવાના બહાને બંને બગીચામાં મળવા લાગેલા. અમુક સ્ટડી મટેરિયલની ફક્ત આપ-લે કરવાની હોવા છતાં બગીચામાં બેઠા બેઠા વાતો કરતા કરતા તેઓ કલાકોની કલાકો કાઢી નાખતા અને સુરજ ન ઢળે ત્યાં સુધી તેઓ ત્યાં સાથે બેસી રહેતા.

“એલા તું આપણી બેંચની સાથે સાથે આપણી હોસ્ટેલનું એડ્રેસ પણ ભૂલી ગયો કે શું.?” તરુણે જ્યારથી હોસ્ટેલથી કોલેજ અને કોલેજથી હોસ્ટેલનો માર્ગ તૃષાના એકટીવા પાછળ બેસીને જવાનું શરૂ કર્યું ત્યારથી તે તેમના મિત્રોથી વધારે અળગો થવા લાગ્યો. અંતે એક દિવસ મજાક મજાકમાં કેન્ટીનમાં કંદર્પે પૂછી લીધું.

“કંદર્પ, આજે એને પ્રોપોસ કરવું છે. તારી પાસે કઈ આઈડિયા છે.?” કંદર્પનો સવાલ અવગણતા તરુણે સામો સવાલ કર્યો.

“આઈડીયા તો ઘણાએ છે પણ એનાથી અમને શું મળશે.?” ટેબલની સામેની ખુરશી પર બેઠેલા રક્ષિતએ કહ્યું.

“એની બર્થડે પાર્ટીમાં સામેલ થવાનો મોકો.!” તરુણે જવાબ આપ્યો. તેનો જવાબ સાંભળીને રક્ષિત ઉભો થયો અને સીધો કેન્ટીનની બહાર નીકળી ગયો. થોડીવારે તે તૃષાને લઈને આવ્યો.

“સાલા રક્ષિત તે તો મને ગભરાવી જ મૂકી.” હાંફતા સ્વરે તૃષાએ કહ્યું.

“કેમ શું થયું તૃષા.?” તરુણે સવાલ કર્યો.

“આ તારો ભાઈબંધ મને કહે તરુણનું જોરદાર એક્સીડેંટ થયું છે એને કેન્ટીનમાં અમે પ્રાથમિક સારવાર આપી રહ્યા છીએ તું જલ્દી આવ. પણ તરુણ તું તો અહી સાજોમાજો ઉભો છે. સાલા રક્ષિત, તું જો હવે તૃષા કઈ બલાનું નામ છે.” તૃષા બાકીનું વિધાન બોલતા બોલતા પોતાનું હેન્ડબેગ લઈને રક્ષિત પાછળ દોડવા લાગી.

“અરે પણ એ તો તને સરપ્રાઈઝ આપવા માટે તરુણનું પ્લાનિંગ હતું.” રક્ષિત આગળ ચાલતા ચાલતા તૃષાના હેન્ડબેગની ધોલાઈ સહન કરી રહ્યો હતો. તૃષા તેને ભગાડતા ભગાડતા કેન્ટીનના છેડે લઇ ગઈ. કંદર્પ અને તરુણ પણ તે બંનેની પાછળ પાછળ ચાલતા ચાલતા છેડે પહોંચી ગયા.

“કેવું સરપ્રાઈઝ.?” થોડીવાર ધોલાઈ બંધ કરીને તૃષાએ પ્રશ્નાર્થભાવે પ્રશ્ન કર્યો.

“હા હા કેવું સરપ્રાઈઝ.?” કંદર્પ અને તરુણ બંને એકી સાથે બોલી ઉઠ્યા. રક્ષિતએ આંખો જીણી કરીને બંનેને ચુપ કરી દીધા.

“સરપ્રાઈઝ અહિયાં છે અને હવે તૈયાર છે.” ભાર્ગવે કહ્યું. તે કેન્ટીનના છેલ્લા ટેબલ પર એક કેક અને તેના પર અમુક મીણબતીઓ સળગાવીને ઉભો હતો. આ કદાચ રક્ષિત દ્વારા પૂર્વનિયોજિત પ્લાનિંગ હતું જેની તૃષા સહીત તરુણ અને કંદર્પને પણ જાણ નહતી. ત્યારબાદ બધા બોયસ જોર-જોરથી હેપ્પી બર્થડેની બુમો પાડીને તૃષાને વિશ કરવા લાગ્યા. ચેહરા પર ખુશી સાથે તૃષા તેઓની ગતિવિધિ નિહાળી રહી.

“ભાઈ આજે કદાચ હું પ્રપોસ કરીશને તો મારાથી પણ માની જશે. તું મારો દોસ્ત છે એટલે તને એક ચાંસ આપું છું. જા મારી પહેલા તું કહી દે.” રક્ષિતએ તરુણના કાનમાં ધીમેકથી કહ્યું અને ત્યારબાદ તેના હાથમાં લાલ ગુલાબનું ફૂલ પકડાવીને તેને હળવેકથી તૃષા તરફ ધકેલ્યો.

“તૃષા આઈ લવ યુ.!” તૃષા પાસે પહોંચીને થરથરતા સ્વરમાં તરુણ ફક્ત આટલું બોલ્યો.

“તૃષા માની જા નહીતર કેકના પૈસા તારે આપવાના થશે.!” કંદર્પે એક બુમ પાડીને કહ્યું. આંખોમાં ખુશીના આંસુઓ સાથે તૃષાએ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું. તરુણે તેને આલિંગનમાં લીધી. હીપ હીપ હુર્રેયના નાદથી બાકીના છોકરાઓએ કેન્ટીન ગજવી નાખી.

કોલેજકાળમાં સારા મિત્રો હોય અને પોતાની એકાદી લવ સ્ટોરી હોય તો આવો સમય ક્યારે પસાર થઇ જાય એની કોઈને ખબર જ નથી રહેતી. તરુણ અને તેના ગ્રુપનું કંઇક એવું જ બન્યું. તરુણની ગર્લફ્રેન્ડ બન્યા બાદ તરુણના ગ્રુપના અન્ય બોયસ સાથે પણ તૃષાને સારી એવી મિત્રતા થઇ ગયેલી. ગ્રુપમાં બીજી કેટલીક ગર્લ્સની એન્ટ્રી થઇ એટલે ગ્રુપ મોટું થઇ ગયું. તેઓ રેગ્યુલર પિક્ચર જોવાનો, ફરવા જવાનો અને ખાણીપીણીનો પ્રોગ્રામ કરતા જ રહેતા. જોતજોતામાં ક્યારે ફાઈનલ વર્ષ આવી ગયું એની પણ કોઈનેય ખબર ના રહી.

“દોસ્તો આપણે આ વર્ષે ક્યાંક દુર જવાનો પ્લાન કરીએ. આમે આ છેલ્લું વર્ષ છે. આ વર્ષ પછી કોણ ક્યાં જશે એની કોને ખબર.?” કેન્ટીનમાં ખુરશી પર ઉંધા થઈને બેઠેલા રક્ષિતએ કહ્યું.

“કોઈ ક્યાય નથી જવાનું બધા અહિયાં જ છીએ.” રક્ષિતની ગર્લફ્રેન્ડ હેલીએ કહ્યું.

“એ તો ડાર્લિંગ તને અને મને કોઈ નહિ સાચવે બાકી આપણા આ વિરલાઓ તરુણ અને તૃષા તો કોઈ IITમાં જોડાવા જશે ને. એમને આવતા વર્ષે આપણી યાદ અપાવે એવી ટ્રીપ ગોઠવી દઈએ.”

“સાચી વાત છે રક્ષિત.!” તૃષાએ કહ્યું.

“ચાલો આપણે દિવ જઈએ.” ભાર્ગવે કહ્યું.

“ના ના આપણે ત્યાં નથી જવું. દિવ તો અમારા ગામથી અડધો કલાક જ થાય. મને ત્યાં મજા નહિ આવે.” ભાર્ગવની ગર્લફ્રેન્ડ પ્રીતિએ કહ્યું.

“આપણે ગોવા જઈએ.” રક્ષિતએ કહ્યું.

“બિન્ગો.! એ સૌથી સરસ રહેશે.” કંદર્પ અને તરુણ એકસાથે બોલ્યા. સૌએ હકારમાં માથું ધુણાવ્યું.

“તો ફાઈનલ, આવતા મહીને દિવાળીની રજાઓ પડે એટલે જતા આવીએ.” રક્ષિતએ કહ્યું અને સૌ ઉભા થઇ કેન્ટીનમાંથી ક્લાસ તરફ જવા લાગ્યા.

કેટલાક દિવસો બાદ પ્રિ-ફાઈનલ સેમેસ્ટરની એક્ઝામો શરૂ થઇ ગઈ. દિવાળીની રજાઓની રાહ જોતા અને ગોવાની ટ્રીપની તૈયારી કરતા તરુણના ગ્રુપમાં સૌ કોઈ એકવાર પરિક્ષામાંથી પસાર થઇ જવા સજ્જ બન્યા. પરિક્ષાની પુર્ણાહુતી થયા બાદ સૌ કોઈએ ટ્રીપ પર જવાની પોતાની તૈયારીઓ પૂરી કરી અને ગોવા જવા નીકળી પડ્યા.

ગોવા પહોંચ્યા બાદ સૌ કોઈ પોતપોતાના પ્રેમી સાથે એકાંત શોધી દુનિયાદારીની પળોજણને બે ઘડીક બાજુએ મુકીને યુવાનીની મોજ માણવા લાગ્યા. તરુણ અને તૃષા સમુદ્રના દરિયાકિનારે બેઠા બેઠા વાતો કરતા હતા. તૃષાએ પોતાના બંને હાથ વડે તરુણનો ખભો સજ્જડ રીતે પકડી રાખેલો. જાણે પોતાની પાસેથી તરુણને કોઈ લઇ ન જાય એની તકેદારી રાખતી હોય એટલી તૃષાની પકડ મજબુત હતી. તરુણ પણ તૃષાને કદી ગુમાવવા ન માંગતો હોય એમ પોતાના બંને હાથને તૃષાની કમર પર જકડી રાખીને બેઠેલો.

“ઓય પ્રેમી પંખીડાઓ.! સમુદ્રની સફરે આવવું છે.?” દુરથી બુમો પાડતો પાડતો કંદર્પ તરુણ અને તૃષાની નજીક આવી રહ્યો હતો. તરુણ અને તૃષા બંને તેને એકીટસે જોઈ રહ્યા.

“ઓય મૂંગા પ્રાણીઓ હા કે ના તો બોલો.! આ એક વોટર સ્કુટર ભાડે કર્યું છે. તમે બંને એમાં દરિયાની સફર માણતા આવો.” જવાબમાં બંનેએ હકારમાં માથું ધુણાવ્યું. નજીક આવ્યા બાદ કંદર્પનો અવાજ તેઓને સાંભળવાલાયક બન્યો હતો.

સ્કુટર જેવી એક વોટર રાઈડમાં તૃષાએ આગળ બેઠક લીધી અને તરુણે પાછળ બેઠક લીધી તથા સ્કુટરનું હેન્ડલ પોતાના હાથમાં લીધું અને દરિયામાં તેને દુર સુધી હંકારી મુક્યું.

“જો જો સંભાળીને. આ તૃષાની એકટીવા નથી હો...”કંદર્પ બુમો પાડીને કહી રહ્યો હતો પણ તરુણ અને તૃષા ક્યાય આગળ નીકળી ગયા હતા. સમુદ્રના એકાંતમાં પ્રેમભરી વાતો કરતા કરતા બંને ક્યાય નીકળી ગયા એનું કોઈનેય ભાન ન રહ્યું.

“કંદર્પ, ખાસ્સો સમય નીકળી ગયો છે. આપણે તપાસ કરવી જોઈએ.” તરુણ અને તૃષાને સફર પર ગયે આશરે બે કલાક જેટલો સમય વીતવા આવ્યો એટલે રક્ષિતએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

“આપણે એક બીજું સ્કુટર લઈને નીકળી પડીએ. ગાયસ તમે બધા મારી અને રક્ષિતની રાહ જુઓ. અમે તરુણ અને તૃષાને શોધીને લાવીએ.” કંદર્પે કહ્યું.

“આમ કરવું ખતરનાક થઇ શકે. ગાયસ આપણા બે મિત્રો ઓલરેડી ક્યાંક કોઈ મુસીબતમાં ફસાયા હોય એવું લાગે છે આવામાં તમે લોકો સ્કુટરથી જવાનો આગ્રહ ન કરો પરંતુ કોઈની મદદ લઇ લો.” હેલીએ કહ્યું. તેની વાત પર સહુએ સહમતી દર્શાવી. હેલીની સલાહ માનીને રક્ષિત અને કંદર્પ એક પ્રાઇવેટ બોટની મદદથી દરિયામાં દુર સુધી તરુણ અને તૃષાને શોધવા લાગ્યા. લાંબી સફર ખેડ્યા બાદ સમુદ્રમાં એક જગ્યાએ તેમને એક યુવાનના ડૂબતા હોવાનું દ્રશ્ય દેખાયું એટલે તરત બોટમાંના માછીમારો તેને બચાવવા કુદી પડ્યા. માછીમારો તે યુવાનને બોટ પર લઇ આવ્યા. બોટ પર લાવ્યા બાદ મૂર્છિત બનેલો એ યુવાન તરુણ હતો અને તૃષાનો હજુ સુધી કોઈ પતો નહતો.

“તૃષા ક્યાં છે.?” હોસ્પિટલમાં જયારે તરુણે આંખો ખોલી ત્યારે સામે ઉભેલા રક્ષિતને તેણે પહેલો સવાલ પૂછ્યો.

“દરિયામાં જ્યાંથી તું મળ્યો, તૃષા એના તળિયે પહોંચી ગઈ હતી....” ભારે અવાજે રક્ષિતએ કહ્યું. “...કાલે એના શબને રાજકોટ લઇ જવામાં આવ્યું.” ભીની પાંપણે રક્ષિતએ બાકીનું વિધાન પૂરું કર્યું.

“નહિ....” તરુણે એક મરણતોલ ચીસ નાખી અને બેભાન બની ગયો.

@ @ @

પેલા યુવાન-તરુણે ફરી એક પથ્થર ઉપાડીને સમુદ્રમાં ફેંક્યો. સાંજે આ રીતે દરિયાકિનારે પથ્થરો મારવા આવવાનો તેનો આ નિત્યક્રમ હતો. તેના ખભે પાછળથી કોઈકે હાથ મુક્યો. તરુણે પાછુ વળીને જોયું તો ત્યાં રક્ષિત ઉભો હતો.

“રક્ષિત એ મને છોડીને જતી રહી. દરિયો એને લઇ ગયો.!” રક્ષિતને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડતા તરુણ બોલી રહ્યો.

“એ પાછી આવશે દોસ્ત. એને આવવું પડશે. તું બસ આશા નહિ ગુમાવતો.” રક્ષિતએ કહ્યું.