વાત હ્રદય દ્ધારેથી
ભાગ-4
હીના મોદી
બેટા નિર્વિઘ્ન અને નૈવેધ,
તમારી મમ્મી પ્યારી પ્યારી ચૂમીઓ. નિર્વિઘ્ન અને નૈવેધ આજે હું મારી ખુશીઓ વર્ણવી શક્તી નથી. મારા આખા જીવનની તપશ્ચર્યાનું ફળ તમે બંને ભાઇઓ મને આપ્યું છે. રાત્રે દોઢ વાગ્યે તમારો E-mail આવ્યો. તમે બંને ભાઇઓ એરફોર્સની સર્વોત્તમ પોસ્ટ અનુક્રમે માર્શલ ઓફ ધ એરફોર્સ અને એર ચીફ માર્શલ માટે નિયુક્ત થયા. મારું જીવન ધન્ય થઇ ગયું. મેં તમારા ડેડી વીંગ ક્માન્ડર મિ.અવયુતને વચન આપ્યું હતું કે તેમની ચાતરેલી કેડી પર તેમના સંતાનોને કંડારીશ. આજે એમનું સપનું પરિપૂર્ણ થયું. કાશ..... આ દિવસનાં આનંદ માટે આપણી વચ્ચે અવયુત હોત!... એમનાં તરફ્થી મારાં તમને બંનેને ઓવરણ!
બેટા! હું આખી રાત ભૂતકાળમાં સરી પડી. 35 વર્ષ પૂર્વે અમે મિત્રો ચીન અને ભારતની બોર્ડરની મુલાકાતે ગયા હતા. ત્યાં અમારી મુલાકાત વીંગ કમાન્ડર મિ. અવયુકત સાથે થયેલી. અમે એમની સાથે આઉટીંગ કરેલું અને એ ટૂંકી મુલાકાતમાં અમારાં દિલ એક થઇ ગયેલાં. બેટા નિર્વિધ્ન અને નૈવેધ! તમારાં ડેડી સાથે જીવનના કુલ મળીને 876 કલાક, 56 મિનિટ અને 34 સેકેન્ડ જીવી છું. પરંતુ એ ટૂંકા સમયમાં મેં આખું જીવન ખૂબ સુંદર રીતે જીવી લીધું હતું. એમનાં સંપર્કમાં હું જાણી શકી કે જીવન શું છે ? ધ્યેય વિનાનું જીવન પાયા વિનાની ઇમારત સમાન છે. દેશ પ્રત્યેનો એમનો અગાધ પ્રેમ અને દેશ પ્રત્યેની એમની દાઝ આજે પણ મારા રોમરોમમાં જીવંત છે.
એક ચાંદની રાત્રે હેડક્વાર્ટર્સમાંથી એમનો કોલ આવ્યો અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના અવયુત બોર્ડર પર જવા નીક્ળી ગયા. એ સમયે અમને બંને ને ખ્યાલ પણ ન હતો કે એ મને તમારા બંને સ્વરૂપ સુંદર ગીફ્ટ આપીને ગયા છે. પરંતુ એ સાડત્રીસ દિવસમાં એમણે મને અનેક્વાર કહ્યું હતું કે આપણે ત્યાં પારણું બંધાશે. શહીદ અવયુતની આ મહેચ્છા ને મૈં મારા દિલમાં સુવર્ણ અક્ષરે કોતરી લીધી હતી. તમારા ડેડીનું લોહી તમારામાં દોડતું રહયું અને ગળથૂથીમાંથી જ એમનાં ચીંધેલ રસ્તે મેં તમારી પરવરિશ કરી જેનાં ફ્ળસ્વરૂપે માભોમ કાજે આજે બે યોધ્ધા તૈયાર છે. બેટા નિર્વિઘ્ન અને નૈવેધ તમને બંનેને તમારી મમ્મીનાં સેલ્યુટ. આખું જીવન હું વીંગ કમાન્ડર શહીદ અવયુતની પત્નિ હોવાનાં સંતોષથી ગર્વભેર જીવી છું પરંતુ હવેથી દુનિયાની સૌથી જાજરમાન મા હોવાનો દબદબો અનુભવી રહી છું.
બેટા! આજે પત્ર લખવા દિલ ખેંચાયું જેથી તમે બંને જ્યારે સમય મળે ત્યારે વંચી શકો. બેટા! તમને બંનેને યાદ હશે તમારો બેચમેટ આવિષ્કાર. જેની મમ્મી લક્ષધા સાથે મને સારું ટ્યુનિંગ રહયું છે. જેથી અમે બંને એક્બીજાનાં સંપર્કમાં રહીએ છે. હમણાં ઘણાં સમયથી ન’તો એમનો ફોન કે ન’તો એમનો કોઇ મેસેજ. મેં એમને ગયા અઠવાડિયે ફોન કર્યો. તો, એમનાં અવાજમાં દર્દ હતું, ગળે ડૂમો ભરાયો હતો. એમણે મને જ્યારે આવિષ્કાર સાથે ઘટેલ ઘટના કહી તો હું કંપી ગઇ. આવિષ્કાર નેવીમાં એડમાઇરલ ઓફ ધ ફ્લીટ પોસ્ટ પર છે. એની સૂઝબૂઝ અને કાબેલિયતને કારણે ટૂંકા સમયમાં એણે ઘણો સારો પ્રોગ્રેસ કર્યો છે. એ સમયગાળા દરમ્યાન ફેઇસબુક દ્ધારા એની મુલાકાત અમેરિકન એવી ફરીહાસાથે થઇ. એમની મિત્રતા વધતી ગઇ અને મેરેજ સુધી વાત પહોંચી. આવિષ્કાર ગઇ દિવાળીમાં જ્યારે એનાં ઘરે દિલ્હી આવ્યો ત્યારે ફરીહા ને પણ સાથે દિલ્હી આવવા આમંત્રણ આપ્યું. ખૂબ સુંદર,ચપળ ફરીહા એ ઘરમાં બધાનાં દિલ જીતી લીધાં. ફરીહાએ એમના પેરેન્ટસને બોલાવી લીધાં. હોંશેહોંશે હિન્દુ વિધિ પ્રમાણે એ બંનેના લગ્ન થયા. આવિષ્કારની રજા પૂરી થતા ફરીહાને લઇ હેડ્ક્વાટર ગયા. આવિષ્કારે નોટીશ કર્યુ કે લગ્ન પછી ફરીહામાં કંઇક ચેઇન્જ આવવા માંડ્યો છે. ફરીહા પર્સનલ ટાઇમમાં પણ નોર્મલ પત્ની જેવું જીવન જીવવા કરતા આવિષ્કર્ની ડયુટી વિશે જાણવામાં વધારે રસ લઇ રહી છે. ભારતીય સૈન્યની, ડિફેન્સની વાતો યેનકેન પ્રકારે પૂછતી જ રહેતી. એક દિવસ આવિષ્કારને કુદરતી ભાસ થયો. ફરીહાનું વર્તન કંઇ વિચિત્ર લાગે છે. એ મનમાં મૂંઝાવવા માંડ્યો પોતાની પસંદગીની પત્નિ ! વાત કરે તો પણ કોને કરે ?! એના દિલ અને દિમાગ વચ્ચે ગડમથલ થવા લાગી. દિવસે-દિવસે આવિષ્કારની શંકા ગાઢ બનતી ગઇ પરંતુ ફરીહા પર આક્ષેપ કરી શકાય એવો કોઇ પુરાવો એના હાથમાં આવ્યો ન હતો. આવિષ્કારે એનાં નજીક્નાં મિત્ર કર્નલ મિ. જન્મેજય અને પોતાનાં મમ્મી ડેડી ને પોતાનાં મનની વાત કહી. એમણે કહ્યું “ફરીહા ભણેલી ગણેલી હોશિયાર યુવતી છે. એને તારા કામમાં રસ હોય એ સારી નિશાની છે. જેથી તું વધુ એપ્રિસિએટ થઇ શકે. એ તારી કાળજી પણ ખૂબ રાખે છે. પ્રેમથી નીતરતી મળતાવડી છોકરી છે. આવિષ્કાર! સંબંધ વિશ્વાસ પર ટકે નહીં કે શંકાથી. આથી ખોટી શંકા કરવાનું છોડી દે. અને, તારુ વિવાહીત જીવન આનંદથી માણ. નાહકનુ આવા સુંદર જીવનમાં વાવાઝોડું આવી જશે.”
સ્નેહીઓની સલાહ સ્વીકારી આવિષ્કાર થોડા દિવસ શાંત થયો. પરંતુ એનું સબકોન્સીયસ માઈન્ડ તો ફરીહાનુ નિરીક્ષણ કરતું રહેતું. ક્યારેક એને પોતાના પર ગુસ્સો આવી જતો કે પોતે શ્રેષ્ઠ પતિ નથી. પોતાની પત્નિ પ્રત્યે શંકાશીલ રહે છે. તો કયારેક ક્યારેક એને થતું દાળમાં કાળુ છે જ. એમ કરતાં-કરતાં સમય વીતતો ગયો. પરંતુ આવિષ્કાર સાવધાનીપૂર્વક જ રહેતો. અને એક દિવસ આવિષ્કાર સત્યનાં મૂળમાં પહોંચીને જ ઝંપ્યો. ફરીહા એ એક ફ્રોડ યુવતી હતી. એ જે ફેમિલિ બતાવતી હતી એ પણ ફ્રોડ હતું. એ કોઇક આતંક સંગઠન દ્ધારા મોક્લાયેલ, ટ્રેઇન થયેલ સ્માર્ટ યુવતી હતી. એનો મક્સદ આવિષ્કાર પાસેથી ભારતીય નેવીની માહિતી મેળવી આતંકી સંગઠનને પહોંચતી કરવાનો હતો. પરંતુ આવિષ્કારની સૂઝબૂઝ ઇન્ટેલીજન્સી, કૌશલ્ય અને ખાસ તો સીક્સ્થસેન્સને કારણે બાલ-બાલ બચી ગયો. દેશને એક મોટી ગર્તામાં ધકેલતાં પહેલાં હેમખેમ બચાવી શક્યો. આવિષ્કારની મમ્મી લક્ષધા કહેતા હતા આવિષ્કાર હજુ પણ કંપી જાય છે એના થકી દેશને એની ગફલતને કારણે દેશને ખૂબ મોટું મૂલ્ય ચૂકવવું પડ્યું હોત. પરંતુ એણે પોતની સૂઝબૂઝથી ફરીહાને એરેસ્ટ કરાવી શક્યો. આ આખી ઘટનામાં આવિષ્કાર કેવો ભીંસાયો હશે !!!! એ વાત સમ્જી શકાય એવી છે. દિલનાં પ્રેમ કરતા દેશપ્રેમને પ્રથમ પ્રાધાન્ય આપ્યું. પોતાનાં ઇમોશન્સને કંટ્રોલ કરી દેશને મોટી આફતમાંથી ઊગારી લીધો. આવિષ્કારની સમયસુચકતા અને પ્રમણિક્તાને હું સૌ ભારતીયો વતી પ્રણામ કરું છું. આને કહેવાય ભારતમાતાનો સપૂત.
બેટા ! નિર્વિઘ્ન અને નૈવેધ. ખરેખર, દેશના માથેથી ઘાત ગઇ. સૂડીનો ઘા સોયથી ટળ્યો. પરંતુ તમે આવિષ્કાર સાથે ઘટેલ ઘટના જણાવવી એટલા માટે જરૂરી સમજી કે તમારા હાથમાં દેશની સુરક્ષા છે. તમારે ભરોસે દેશની 120 કરોડની પ્રજા શાંતિથી ઊંઘી શકે છે. આવા સંજોગો ક્યારેય, ક્યાંય પણ આવી ચડે તો ગફલત થઇ ન જાય એ માટે હંમેશા સાવચેત રહેવું. તમારે પણ સોશીયલમીડિયા પર અનેક દેશ-વિદેશના પુરુષમિત્રો અને સ્ત્રીમિત્રો હોય. મેં તમને શીખવ્યું હતું કે સ્ત્રીને સન્માન આપવું પરંતુ ખોટા ઇરાદાવાળી સ્ત્રીઓની ચુંગલમાં ફસી ન જવાય એ માટે હંમેશા ત્રીજું નેત્ર ખુલ્લું રાખવું. જો કે તમે બંને ખૂબ ચપળ છો. એટલે ચિંતાને કોઇ અવકાશ નથી. આમ છતાં ક્યારેક કોઇ નબળા સમય, સંજોગો આવું કંઇક ન ઘટે એની પુરેપુરી તકેદારી રાખવી. રૂપાળી, ચપળ સ્ત્રીઓ દ્ધારા દુશ્મનો કે હરીફો નુકશાન પહોંચડ્તાં હોય એ વાત કંઇ નવી નથી. તમે જાણો છો કે ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો મળી આવે છે. વિષકન્યા સુધીના ષડ્યંત્રના અનેક ઉદહરણો તમે જાણો જ છો. આ ઉપરાંત તમારી પોસ્ટ પણ એવી જ છે જ્યાં ડગલે ને પગલે મોહમાયા,લાલચ જેવાં રાક્ષસો સફેદ વસ્ત્રોમાં તમારી સામે ઊભા હશે. પરંતુ હરહંમેશા છેલ્લા શ્વાસેશ્વાસે લખી દેવું પડશે કે તમારો જન્મ જ મા ભોમ કાજે થયો છે. દેશનુ રક્ષણ તમારા હાથમાં છે. દેશનુ ભવિષ્ય તમારે સુરક્ષિત કરવાનું છે. જો વાડ ચીંભડા ગળે તો......? જો રક્ષક જ ભક્ષક બને તો ......? તમારા ખભા પર ભારતમાતાના તમામ દેશવાસીઓની જવાબદારી છે. આથી ક્યારેય પણ તમારી ફરજ અને કર્તવ્યથી અભાન કે સભાન અવસ્થામાં પીછેહઠ કરશો નહિં.
તમારા ડેડી અવયુતનાં આત્માને ત્યારે જ શાંતિ મળશે જ્યારે દેશની 120 કરોડ વાસીઓ નિશ્ચિંતપણે ઊંઘી શક્શે. પ્રજા નિશ્ચિંત હશે તો દેશને પ્રગતિ હરણફાળ ભરશે જ. અને, સમગ્ર વિશ્વમાં ભારતનો તિરંગો લહેરાશે જ. ભારતમાતાને આ ગૌરવ પ્રાપ્ત કરાવવું એ તમારા હાથમાં છે. આથી નિર્મોહી થઇ છેલ્લા શ્વાસ સુધી ભારતમાતાની સેવા કરવી એ જ તમારો ધર્મ છે. અને ત્યારે જ સાચા અર્થમાં અવયુતને શ્રધ્ધાંજલી આપી ગણાશે.
દેશના ઇતિહાસમા અવયુત એક ઝળહળતો સિતારો છે. પણ, દેશના આકાશમા ચાર ચાંદ લગાવવા હજુ બાકી છે અને જે જવાબદારી તમારી મમ્મી એક ભારતીય નાગરીક તરીકે તમને સોંપે છે.