નગર - 20 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

નગર - 20

નગર-૨૦

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન શંકર મહારાજને ભાનમાં લાવે છે ત્યારે તેઓ નગર બહાર જતાં માર્ગ તરફ દોડી જાય છે......સખત રીતે ગભરાયેલી એલીઝાબેથ ઇશાનને ઘરે જવા જણાવે છે......દોઢસો વર્ષ પહેલા શું થયુ હતુ એ ઇતિહાસ ઉખળે છે....હવે આગળ વાંચો.....)

ઇશાન ઘરે પહોંચ્યો ત્યારે દેવધર દાદા ઘરે આવી ચુકયા હતા. તેઓ અગાસી ઉપર હતા. ઇશાન એલીઝાબેથને લઇ સીધો જ અગાસી ઉપર પહોંચ્યો. અગાસી ઉપર ઘોર અંધકાર છવાયેલો હતો. હજુ સાંજ ઢળવાને વાર હતી છતાં આકાશમાં છવાયેલા ઘનઘોર વાદળોનાં કારણે ધરતી ઉપર અંધકારનો ઓછાયો ફેલાયો હતો. તેના દાદા અગાસીની પાળી નજીક પીઠ પાછળ હાથ વાળીને દુર લહેરાતા ખેતરો તરફ જોતા ઉભા હતા. ઇશાન ખામોશીથી તેમની નજીક જઇ ઉભો રહયો. પીઠ પાછળ કોઇક આવ્યુ છે એવો અણસાર થતા દેવધર દાદા પાછળ ફર્યા.

“ અરે....ઇશાન. તું કયારે આવ્યો.....?” તેમણે હેતાળ અવાજે ઇશાનને પુછયું. એ સાથે તેમની નજર ઇશાન સાથે આવેલી યુવતી ઉપર પડી. તેઓ થોડા ખચકાયો. “ નિર્મળાએ મને જણાવ્યુ હતું કે ઓસ્ટ્રેલીયાથી તારા કોઇ મહેમાન આવ્યા છે. એ મહેમાન આ જ છે ને....?”

“ જી દાદાજી. આ એલીઝાબેથ છે. ઓસ્ટ્રેલીયામાં અમે એકજ યુનિવર્સિટીમાં ભણીએ છીએ. તે મારી મિત્ર છે....” ઇશાને કહયુ. એ દરમ્યાન એલીઝાબેથ આગળ આવી હતી અને તેણે બે હાથ જોડી, થોડા નીચા નમીને દેવધર દાદાને “ નમસ્તે” કર્યુ. દાદાએ હાથ ઉંચો કરી તેને આર્શિવાદ આપ્યા અને પછી ઇશાનને ઉદ્દેશીને બોલ્યા. “ તારી મિત્ર સુંદર અને સુશીલ છે. તેને આપણુ નગર દેખાડયું કે નહી.....?”

“મારે તમને એ જ પુછવું છે દાદા. ઇશાન ઉતાવળે બોલી ગયો. દેવધર તપસ્વીએ પ્રશ્નસૂચક નજરે ઇશાન સામુ જોયું.

“ શું પુછવું....?”

“ એ જ કે આપણા નગરમાં આ બધુ શું બની રહયુ છે.?”

“ શું બની રહયુ છે ઇશાન...?”

“ નગર ઉપર છવાયેલા આ વાદળો...! અત્યારે હજુ બપોરનાં ત્રણ વાગ્યા છે છતાં અચાનક કોણ જાણે ક્યાંથી આ બિહામણા ધુમ્મસના વાદળો આવી ચડયા જેનાં લીધે નગરમાં રાતનો અંધકાર છવાઇ ગયો છે. આ થોડુ વિચિત્ર નથી લાગતું તમને...?”

“ હું પણ કયારનો એજ વિચારુ છું. મને પણ તેનું આશ્ચર્ય છે, અને તેનાંથી પણ વધુ આશ્ચર્ય તું જે પ્રશ્ન મને પુછી રહયો છે એનાથી થાય છે. આ કુદરતી ઘટના છે, તેમાં હું શું જાણું...?” દેવધર તપસ્વી ઇશાનની આંખોમાં ઝાંકતા બોલ્યા.

“ તમે આને કુદરતી ઘટના કહો છો.....?” ઇશાને આશ્ચર્ય ઉછાળ્યું. “ જરા જુઓ આ વાદળોને...! વાદળોના પેટાળમાંથી ઉઠતા બિહામણા ગડગડાહટના અવાજને. નહી, આ કોઇ કુદરતી વાદળો નથી. એવું લાગે છે કે કોઇ શૈતાની શક્તિ વાદળોનું રૂપ લઇને વિભૂતી નગરને તહસ-નહસ કરવા આવી છે.”

“ શૈતાની શક્તિ...! મતલબ તું કહેવા શું માંગે છે....?” દેવધર બોલી ઉઠયા. તેમને ઇશાનની વાતોનો મર્મ સમજાતો નહોતો કે આખરે તે તેમની પાસે કોઇ વાતની ચોખવટ માંગે છે કે પછી કોઇ સામાન્ય જાણકારી મેળવવાની કોશીષ કરે છે. તેમનું પોતાનું મન પણ માથુરને મળીને આવ્યા બાદ ઉદ્દવિગ્ન થઇ ઉઠયુ હતું. તેમાં અત્યારે ઇશાનનાં પ્રશ્નો તેમની મુંઝવણ ઓર વધારી રહયા હતા. “પહેલા આપણે શાંતીથી બેસીએ. પછી નિરાંતે તું મને જણાવ કે આખરે તારા પ્રશ્નોનો મતલબ શું છે...?” દેવધર દાદાએ અગાશીમાં મુકાયેલા હિંડોળા તરફ ચાલતા કહયું. ઇશાન અને એલીઝાબેથ તેમની પાછળ ચાલ્યા. દાદાએ હિંડોળામાં બેઠક લીધી. ઇશાન તેમની બાજુમાં બેઠો અને એલીઝાબેથે ત્યાં મુકાયેલી વાંસની ચેર(ખુરશી)માં ઝંપલાવ્યું. દાદાએ પગની હળવી ઠેસથી હિંચકો ઝુલાવ્યો.

“ તમે માથુર અંકલને ત્યાં શું કામ ગયા હતા....? અને પેલા પિટર ડિકોસ્ટાની બોટ “જલપરી”માં શું હાદસો થયો હતો....? તેમનો છોકરો માર્ગી કેવી રીતે મરી ગયો.....?” ઇશાને એકસાથે તેના મનમાં ઉઠતા બધાંજ સવાલો પુછી નાંખ્યા. તે જાણતો હતો કે જો તે અત્યારે, આ સમયે દાદાને નહી પુછે, તો પછી તે કયારેય જાણી શકશે નહી કે નગરમાં શું બની રહયું છે. જોકે તેને એ વાતની ખાતરી નહોતી કે ખરેખર તેના દાદા આ બધી ધટનાઓ ઘટવા પાછળ કયુ પરીબળ કામ કરે છે એ જાણે છે કે નહી...? તેણે તો બસ, તેના મનમાં ઉઠતા સવાલોને વાચા આપી હતી. તેને લાગતું હતું કે જરૂર તેના દાદા કંઇક જાણતાં જ હશે.

“ મને ખરેખર નથી સમજાતું કે આ સવાલો તું મને શું કામ પુછે છે.....? જેટલું તું જાણે છે એટલુંજ હું જાણુ છુ. રહી વાત માથુરની....! તો તેણે મને એ માટે બોલાવ્યો હતો કે હમણા થોડા દિવસોથી તેના પરીવાર સાથે અજીબો-ગરીબ બનાવો બની રહયા છે. એ વાત તે મને જણાવવા માંગતો હતો એટલે તેણે ફોન કર્યો હતો.” દેવધર દાદા અટકયાં.

“ બસ, એટલુંજ કહેવા તેણે તમને બોલાવ્યા હતા....? ”ઇશાને પુછયુ.

“ તે બંને પતિ-પત્નીનાં ચહેરા કોઇ ભયાનક આગમાં ઝૂલસી ગયા હોય એવા બિભત્સ લાગતા હતા. તે બંને એક સરખી રીતે, એક તરફના ગાલે, કોઇપણ કારણ વગર આપમેળે દાઝયા છે એવું તેમણે મને કહયુ. અને નગરમાં થોડા દિવસોથી જે અનહોની ઘટનાઓ બનવા લાગી છે એ વિશે વાત કરી. મેં તેમને શીવ મંદિરનાં પુજારી શંકર મહારાજ નગરમાં આવે તે પછી તેમના દ્વારા હોમ-હવન કરાવવવાનું સુચન પણ કર્યુ છે.”

“ શંકર મહારાજ નગરમાં જ છે. હમણા જ અમારો ભેટો તેમની સાથે થયો. એમની હાલત જોતા મને નથી લાગતું કે એ તમારી કોઇ મદદ કરી શકે...” ઇશાન બોલ્યો. દેવધર દાદાને આશ્ચર્ય થયું. ખુબ ટૂંકા સમયમાં ઇશાન ઘણુંબધુ જાણી આવ્યો હતો તેનું અચરજ તેમને થયુ. તેમણે હળવો નિશ્વાસ નાંખ્યો.

“ જો ઇશાન...! એકજ દિવસમાં તને ધણી બધી બાબતોની જાણકારી મળી ચુકી છે એટલે મને લાગે છે કે મારે હવે તને હું જેટલુ જાણુ છુ એ બધુ કહી દેવુ જોઇએ..” હળવો શ્વાસ છોડતા તેમણે કહયું. ઇશાન ટટ્ટાર થયો. એલીઝાબેથ ખામોશ બેઠી હતી કારણકે તેને અહી થતી વાતચીતમાં કંઇ સમજ પડતી નહોતી. “ શરૂઆત માથુરનાં કુતરાથી થઇ હતી. તેનો કુતરો બ્રુનો નગરનાં બગીચામાં અર્ધ-બળેલી હાલતમાં પેલી રેડિયો-સ્ટેશન ચલાવે છેને, એ છોકરી આંચલને મળી આવ્યો હતો....ત્યારબાદ....” દેવધર દાદાએ જે-જે ઘટનાઓ નગરમાં આકાર પામી હતી તેનું વિગતવાર વિવરણ ઇશાન સમક્ષ કર્યુ. ઇશાન આભો બનીને એ કથની સાંભળી રહયો. દાદાએ વાત સમાપ્ત કરી ત્યારે ઇશાન ઉત્તેજીત થઇ ઉઠયો હતો. સમગ્ર નગર ઉપર કોઇ અજાણી અદ્રશ્ય શક્તિનો પંજો ફેલાઇ રહયો છે એ વાત તેના માનવામાં આવતી નહોતી. આજના આધુનીક જમાનામાં આવી ડરામણી ધટનાઓ બનવી એ તેના માટે કલ્પનાતીત હતું. તે વિચારમાં પડયો.

“ તું શંકર મહારાજ વિશે શું કહેતો હતો....?” દાદાએ ઇશાનનું ધ્યાનભંગ કરતા પુછયુ. ઇશાને હમણાંજ તેની અને એલીઝાબેથ સાથે જે ઘટના ઘટી હતી તેનું વર્ણન કર્યુ.

“ હે ભગવાન..! દેવધર દાદાએ ઉદ્દગાર કાઢયો. મારે શંકર મહારાજને મળવા જવુ પડશે.” તેમણે કહયુ. “ એ એક્સિડન્ટમાં તમને બંનેને કંઇ થયું તો નથી ને...?”

“ ના...અમે સલામત છીએ. બસ ગાડીને થોડુ નુકશાન થયુ છે. પણ દાદા, આ બધી ઘટનાઓ અચાનક કેમ બનવા લાગી....? રહસ્ય શું છે આની પાછળ...?” ઇશાને મુળ પ્રશ્ન દોહરાવ્યો. આ પ્રશ્નનો ઉત્તર તો ખુદ દેવધર તપસ્વી ધણા દિવસોથી શોધી રહયા હતા.

“ નથી જાણતો. આ પ્રશ્નનો ઉત્તર જો કોઇની પાસે હોય તો એ છે શંકર શુકલા. આવી બાબતો વિશે તેઓ બહુ ઉંડુ જ્ઞાન ધરાવે છે. જો તેમને પુછીએ તો કંઇક જાણવા મળે...” આ શબ્દો તેઓ ઇગ્લિશમાં બોલ્યા હતા એટલે એલીઝાબેથને પણ એ સમજાયુ હતું. ત્યારબાદ તેમની વચ્ચે ઘણી ચર્ચાઓ થઇ પરંતુ એ ચર્ચાનું કંઇ ઠોસ પરીણામ નીકળવાનું નહોતું

@@@@@@@@@

શંકર મહારાજની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. શિવમંદિરનાં ગર્ભગૃહની અંદર શીવલીંગ સમક્ષ તેઓ પલાંઠી વાળીને બેઠા હતા અને અપલક દ્રષ્ટિથી તેઓ શીવલીંગને તાકતા એકધારુ રડતા હતા. બે હાથ જોડીને મનમાં ને મનમાં જાણે કોઇ વાતની પ્રભુ સમક્ષ માફી માંગતા હોય એમ સતત કંઇક બબડી રહયા હતા. મંદિરમાં તેમના સિવાય અત્યારે બીજુ કોઇ નહોતું. એક તો મંદિર નગરની બહાર નાનકડા અમથા પહાડ ઉપર બનેલુ હતુ અને બીજુ, નગરમાં જે લોકો રહેતા હતા તેઓ સવાર, સાંજ આરતીના સમય સિવાય મંદિરે આવતા નહી એટલે સ્વાભાવિક છે કે ઢળતી બપોરે અહી કોઇ આવતુ નહી.

“ હે મારા પ્રભુ....હે ભોળાનાથ....હે દિન-દયાળ. અમારા ગુનાહોને માફ કરો પ્રભુ. નગર ઉપર જે આફત આવી છે તેનાથી બચાવો પ્રભુ. હું જાણુ છુ કે અમારા વડાવાઓએ જે અપરાધ કર્યા છે એ ક્ષમા યોગ્ય નથી. તેની સજા મળવીજ જોઇએ....પરંતુ પ્રભુ તેમાં આ આજ-કાલનાં છોકરડાઓનો શું વાંક....? તેમને તો ખ્યાલ પણ નથી કે નગરમાં અત્યારે શેનું તાંડવ મચેલુ છે...? પ્રભુ, એમને ક્ષમા આપો. જોઇએ તો મારા પ્રાણ લઇ લો પણ આ નગરને બચાવો પ્રભુ....” શંકર મહારાજ સતત, લગભગ અડધા-એક કલાકથી એકધારુ ભોળાનાથને વીનવી રહયા હતા. તેમનું મન આત્મગ્લાનીથી શીથીલ પડી ચકયું હતુ. તેઓ જાણતા હતા કે તે જે બોલી રહયા છે, જે કર્મોની માફી માંગી રહયા છે એ કર્મોની સજા તેમણે અને સમગ્ર વિભૂતી નગરનાં રહેવાસીઓએ ભોગવવની આવશેજ. તેમાં ભોળાનાથ પણ તેમની વહારે નહી આવે. કારણકે ભૂતકાળમાં જે જનન્ધ્ય અપરાધ નગરનાં વડીલો દ્વારા આચરવામાં આવ્યો હતો એ અપરાધની કોઇ માફી હતી જ નહી. ખુદ ભગવાન પણ કર્મનાં બંધને બંધાયેલા હતા. તમે જેવું કર્મ કરો, ભલે તે સારુ કર્મ હોય કે ખરાબ, તેનું ફળ તમારે કયારેક ને કયારેક તો ભોગવવુંજ પડતું હોય છે આ હકીકતથી શંકર મહારાજ સારી રીતે વાકેફ હતા.

તેમ છતા તેઓ ભોળાનાથને રીઝવી રહયા હતા. એક આશાએ કે કદાચ પ્રભુ તેની પ્રાર્થના સાંભળી લે અને નગરને શૈતાની શક્તિઓથી બચાવી લે. સાથોસાથ બીજી પણ એક વાત સતત તેમના મનમાં ઘુમરાઇ રહી હતી, તે એ કે....શું કોઇ પરીવારમાં વડીલો જે કૃત્ય કરે તેની સજા તેમનાં સંતાનોએ ભોગવવી પડે ખરી....? શું એમના કર્મોનો હિસાબ તેમનાં જીવન દરમ્યાન ન થઇ ચુકયો હોય...? અને ચાલો માની લઇએ કે એવું ન થયુ હોય તો પણ આટલા લાંબા અંતરાળ બાદ કેમ નગર ઉપર આફત આવી....? અત્યાર સુધી એ શક્તિઓ શું-કામ ખામોશ રહી હશે....? એકાએક એવું તો શું બન્યુ કે જેનાં કારણે નગર ઉપર સંકટ ઉદ્દભવ્યુ....? તેનાથી પણ મહત્વનો પ્રશ્ન તો એ હતો કે આખરે આનો અંજામ શું આવશે....? શું વિભૂતી નગરનું નામોનિશાન વિશ્વના નક્શા ઉપરથી ખતમ થઇ જશે....? ભારે દુવિધામાં અટવાતા શંકર મહારાજ જાણે તેમને સન્નેપાત ઉપડયો હોય તેમ સતત બબડી રહયા હતા.

@@@@@@@@@@@@@

ઇન્સ.જયસીંહ રાઠોડ જીપમાંથી નીચે ઉતર્યો અને તેણે ઉપર આકાશ તરફ નજર કરી. “અત્યારે વરસાદ આવવાનો છે કે શું....?” આકાશમાં છવાયેલા ધટાટોપ વાદળોને જોઇને તે પોતાની જાતને જ સવાલ પુછી બેઠો. તેનો એ બબડાટ જીપમાંથી ઉતરીને તેની પાછળ આવી પહોંચેલા સુરેશ તાવડેએ સાંભળ્યો.

“ સાહેબ...માણસોની જેમ હવે મોસમનો પણ કોઇ ભરોસો રહયો નથી. દિવાળી સાવ ઢૂકડી છે છતાં હજુ આ વાદળો જવાનું નામ લેતા નથી. પણ એક વાત ખરી હોં સાહેબ...કે છેલ્લા કેટલાય દિવસોથી આકાશમાં વાદળો છવાય તો છે પણ વરસતા બિલકુલ નથી. “

“ તાવડે....તારી આંખો કમજોર થઇ ગઇ લાગે છે. આ વરસાદના વાદળો નથી જણાતા. આ ધુમ્મસીયા વાદળો છે. એવું લાગે છે કે આ વાદળોનાં કારણે આપણા ઇલાકામાં જરૂર કંઇક આફત આવશે. કમોસમી વરસાદ થશે અથવા તો વાવાઝોડુ ફુંકાશે....” જયસીંહે ચોકીની અંદર દાખલ થતા કહયુ. ચોકી ઉપર અત્યારે એકજ કોન્સ્ટેબલ ઉપસ્થિત હતો. બીજા કોન્સ્ટેબલોને હેડકવાટરથી ઓર્ડર આવ્યો હતો એટલે ત્યાં મોકલવામાં આવ્યા હતા.

“ ચા ની વ્યવસ્થા કર તાવડે...” જયસીંહે ખુરશી ઉપર બેઠક લેતા કહયું અને તેણે કેપ ઉતારી ટેબલ ઉપર મુકી.

“ રઘુરામ...” તાવડેએ ચોકીમાં ફરજ પરનાં કોન્સ્ટેબલને હાંક મારી. તે કોન્સ્ટેબલ એક દિવાલ પાસે રખાયેલા કબાટમાં કંઇક ખાંખાખોળા કરતો હતો. તાવડેની હાંક સાંભળી તેણે કામ પડતું મુકયું અને સાહેબ સમક્ષ હાજર થયો. “ જરા જો તો, પેલો ચા વાળો આજે આવ્યો છે કે નહી....? આવ્યો હોય તો આપણાં ત્રણેય માટે ચા લેતો આવ.”

“ હો સાહેબ...” કહેતો રઘુરામ ચોકીની બહાર દોડયો. પોલીસ ચોકીને કવર કરતા વરંડાની બહાર એક ખૂણા ઉપર ચાની લારી હતી. એ ત્યાં પહોંચ્યો અને તેણે ચા વાળાને ચા બનાવવા કહયુ. ચા વાળાએ પ્રાયમસ ઉપર તપેલી ગોઠવી અને પ્રાયમસ ધમધમાવ્યો, અને સાથોસાથ રઘુરામ સાથે વાતોએ વળગ્યો.

“ તાવડે, તને શું લાગે છે...? આ રોશન પટેલ ખૂની હોઇ શકે ખરો...? જે રીતે બોટમાં મર્ડર થયા છે એ કોઇ સામાન્ય વારદાતની નિશાની નથી. કોઇ વ્યક્તિ આટલી ક્રુર રીતે કેમ કરતા કોઇકને મારી શકે...? અને એ પણ રોશન પટેલ જેવો સુંવાળો વ્યક્તિ. મને તો કંઇક અલગ ગંધ આવે છે. આ મામલો જરુર વિચિત્ર છે...” કોન્સ્ટેબલ ચા લેવા બહાર નીકળ્યો કે તરત જયસીંહે તાવડેને કહયું.

“ વિચિત્ર શું હોઇ શકે સાહેબ...?”

“ કંઇ સમજાતું નથી, પણ આપણે બીજા એંગલથી પણ વિચારવું જોઇએ એવું મારુ મન કહે છે...”

“ તો વિચારીએ ને સાહેબ. આમ પણ અહી કયાં કંઇ કામ હોય છે. આ ચોકી ઉપર પોસ્ટિંગ મળ્યા પછી આ પહેલા એવો કેસ છે જેમાં આપણે હાથ-પગ હલાવવાનાં આવ્યા છે. બાકીતો બેઠા-બેઠા આપણે ફકત વજન વધાર્યે રાખ્યું છે.” તાવડે બોલ્યો.

જયસીંહે હકારમાં માથુ હલાવ્યુ અને કંઇક બોલવા મોં ખોલ્યુંજ હતુ કે અચાનક બહારથી એક જોરદાર ધમાકાનો અવાજ આવ્યો. એ ધમાકો એટલો તો શક્તિશાળી હતો કે પોલીસચોકીની દિવાલો સુધ્ધા હલી ઉઠી. જયસીંહ અને તાવડે ખુરશીમાંથી ઉભા થઇ બહાર તરફ દોડયા.

બહાર, પોલીસ ચોકીના નાનકડા પ્રાગણના વરંડા પાસે, વરંડાની દિવાલને અઢેલીને ઉભી હતી એ ચાની લારી પાસે વરવું દ્રશ્ય સર્જાયુ હતું. ધમાકો એ લારીમાંજ થયો હતો. કેમ કરતા એ ધમાકો થયો એ તરત જયસીંહને સમજાયુ નહી પરંતુ તેની આંખો જે દ્રશ્ય જોઇ રહી હતી એ દ્રશ્ય રૂંઆડા ખડુ કરનાર હતું. તેની નજરો સમક્ષ ચાની લારી ભડ-ભડ સળગી રહી હતી...અને લારીથી થોડે દુર, જમીન ઉપર કોન્સ્ટેબલ રઘુરામ ઉંધા માથે પડયો હતો. તેની પીઠ ઉપર તેણે પહેરેલી વર્દીમાં આગ સળગતી હતી.

જયસીંહ અને તાવડે ઘડીભર સ્તબ્ધ બનીને ત્યાં મચેલુ તાંડવ જોઇ રહયા...અને પછી જયસીંહ દોડયો. ચોકીના વરંડાની અંદર થોડા ફુલ-છોડ વાવેલા હતા. એ છોડવાઓને પાણી નાંખવાની ડોલ ત્યાં પડી હતી. જયસીંહે સ્ફુર્તીથી પાણી ભરેલી ડોલ ઉઠાવી અને રઘુરામના સળગતા બરડા ઉપર ખાલી કરી નાંખી. પાણીના કારણે આગ તો ઓલવાઇ ગઇ હતી પરંતુ ત્યાથી ધુમાડો નીકળવો શરૂ થયો હતો. જયસીહે તરત નીચે બેસીને રઘુરામને ચત્તો કર્યો અને તેના નાકે આંગળી મુકી. રઘુરામના શ્વાસોશ્વાસ ચાહતા હતા એટલે તેને થોડી ધરપત થઇ.

“ તાવડે...જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ...” તેણે ઘાંટો પાડીને કહયું. તાવડે તેની પાછળ હતો. તેણે ખીસ્સામાંથી ફોન કાઢીને હોસ્પિટલે ફોન લગાવ્યો. “ તું આને સંભાળ....” કહીને જયસીંહ ત્યાંથી ઉઠયો. આ ધમાકો શા કારણે થયો છે એ કારણ જાણવું તેના માટે બેહદ જરૂરી હતું. તેણે અજુ-બાજુ નજર ઘુમાવી એ કારણ શોધવાની કોશીષ કરી. “ ઓહ ગોડ...” તેની નજર ચોકીની દિવાલે ચોંટી ગઇ. ચોકીની દિવાલ અને તે જ્યાં ઉભો હતો તેની વચ્ચે ભડ-ભડ સળગતી ચાની લારી આવતી હતી. તેમછતાં લપકતી આગ વચ્ચેથી પણ તેને દિવાલના ટેકે ખલાઇ રહેલા પેલા ચાની લારીવાળા વ્યક્તિ મુન્નાભાઇનો સળગતો દેહ દેખાતો હતો. જયસીંહનું હ્રદય એ દ્રશ્ય જોઇને કંપી ઉઠયુ. મુન્નાભાઇનો દેહ દિવાલના ટેકે પડયો હતો અને જાણે તેને કોઇએ કેરોસીન નાંખીને સળગાવ્યો હોય તેમ સળગી રહયો હતો. જયસીંહ સમજી ગયો હતો કે તેનાં બચવાનો કોઇ ચાન્સ નથી. તે વિવશ નજરે સળગતા મુન્નાભાઇને જોઇ રહયો.

બીજી પણ એક બાબત હતી જેનાં ઉપર હજુ તેની નજર પડી નહોતી....ચોકીની દિવાલે, જ્યાં ચાની લારીવાળા મુન્નાનો દેહ સળગતો હતો તેની ઉપર આગનાં કાળા ધુમાડાથી અજીબો-ગરીબ નિશાનીઓ થઇ હતી. એ નિશાનીઓ મુગટ, હાથી અને વિચિત્ર પ્રકારના ત્રાજવાની હતી.

( ક્રમશ )

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

વોટ્સએપ નઃ- ૯૦૯૯૨૭૮૨૭૮.

ફેસબુકઃ- Search..Praveen Pithadiya.