નગર - 19 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નગર - 19

નગર-૧૯

( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- એલીઝાબેથને મોર્ગરૂમમાં ભયાનક ડરામણો અનુભવ થાય છે......ઇશાન વિભૂતીનગરમાં બનતી ઘટનાઓનો તાગ મેળવવાનું નક્કી કરી લે છે.......અને ઇશાનની કાર સાથે અચાનક જોરથી કોઇ ભટકાઇ પડે છે.....હવે આગળ વાંચો....)

એ કેમ બન્યુ એની તરત ખબર પડી નહી. એકસાથે ઘણીબધી ઘટનાઓ બની હતી. રોડ ઉપર જ્યાં આ ઘટનાઓ બની હતી ત્યાં પારાવાર આંધાધૂંધી ફેલાઇ હતી. જે વીજળીના થાંભલા સાથે ઇશાનની કાર અફળાઇ હતી એ થાંભલો વચ્ચેથી વળી ગયો હતો. ગનીમત એ હતું કે કારના બોનેટને વધુ નુકશાન થયું નહોતું. બોનેટની આગળ લગાવેલી ઝાળી અને બોનેટનું પતરું જ વળ્યું હતું, એન્જિનને કોઇ નુકશાન થયું નહોતું. બીજી તરફ એલીઝાબેથ લગાતાર ખીંચી રહી હતી. તેના મોંઢાની એકદમ નજીક આવીને શંકર મહારાજ હજુપણ એકધારું બબડી રહયા હતા “ખૂન કા બદલા ખૂન....ખૂન કા બદલા ખૂન.....” આ એકજ વાક્ય સતત તેઓ દોહરાવ્યે જતા હતા. ત્રીજી તરફ આકાશમાં ઘનઘોર વાદળોના ધાડેધાડા ઉમટી રહયા હતા. એ કાળા-ડરામણા-વિચિત્ર વાદળોનાં સમુહે જાણે સમગ્ર વિભૂતીનગરનાં આકાશને પોતાના અજગરે ભરડામાં જકડી લીધું હોય એમ નગર ઉપર છવાતા જતાં હતાં.

ઇશાન માંટે એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું કે તે પહેલા કોને સંભાળે...? તેને કંઇ સમજણ પડતી નહોતી. ઘડીભર માટે કદાચ તે શૂન્યતામાં ચાલ્યો ગયો હતો. પરંતુ બહુ જલ્દી તેણે સ્વસ્થતા મેળવી લીધી. સૌથી પહેલા એલીઝાબેથને ચિખતી બંધ કરવી જરૂરી હતી એટલે ઝડપથી કારનો દરવાજો ખોલીને તે બહાર નીકળ્યો અને કારની પાછળ પ્રદક્ષિણા ફરીને કારની બારીની અંદર ઝળુંબતા શંકર મહારાજની નજીક મહોંચ્યો. શંકર મહારાજ અચાનક અહી કયાંથી આવી ચડયા તેનું આશ્વર્ય તેને થતું હતું પરંતુ અત્યારે એ આશ્વર્ય વ્યક્ત કરવાનો સમય તેની પાસે નહોતો. ઝડપથી ધસીને તેણે શંકર મહારાજના બંને સોલ્ડરને પાછળથી પકડયા અને તેમને પાછળ, પોતાની તરફ ખેચ્યા. ઇશાન તાકતવર વ્યક્તિ હતો. તેના હાથમાં અસીમ તાકત હતા. શંકર મહારાજ ઇશાનનાં એકજ ઝટકાથી બારીમાંથી બહાર ખેંચાઇ આવ્યા. જો કે તેમના પગ દારૂ પીધેલા કોઇ દારૂડીયાની માફક ડગમગતાં હતા. તેઓ સરખા સ્થિર ઉભા પણ રહી શકતાં નહોતાં. ઇશાને તેમને સંભાળીને પોતાની તરફ ફેરવ્યા.

એ દરમ્યાન એલીઝાબેથ કારમાંજ બેસી રહી હતી. હાં.....તેના ગળામાંથી નીકળતી ચીખો જરૂર બંધ થઇ હતી પરંતુ તેનું હ્રદય હજુપણ જોર-જોરથી ધડકી રહયું હતું. એક અજાણ્યા વ્યક્તિએ ( શંકર મહારાજે) આવીને તેને સખત રીતે ડરાવી દીધી હતી.

ઇશાને શંકર મહારાજને પોતાની તરફ ફેરવ્યા ત્યારે શંકર મહારાજ જાણે ક્ષીતીજમાં જોઇ રહયા હોય એમ તેમની આંખો ઇશાનની પાછળ, દુર અનંત તરફ મંડાઇ. તેમનાં દિદાર જોતાં લાગતું હતું કે તેમને ખુદને પણ પોતાના હોશ નહોતાં. તેઓ ચાવી દીધેલા કોઇ રમકડાની જેમ વર્તી રહયા હતા.

ઇશાનને બીજીપણ એક વાતની તાજ્જૂબી થઇ હતી અને તે એ કે વિમાનમાં જે વ્યક્તિને તે મળ્યો હતો એ શંકર મહારાજ અને અત્યારે તેની સામે ઉભેલા શંકર મહારાજમાં જમીન-આસમાનનો તફાવત દેખાતો હતો. કયાં તે એકદમ વ્યવસ્થિત, અપ ટુ ડેટ વ્યક્તિ અને કયાં આ સાવ અસ્તવ્યસ્ત અને ઓઘરાળા વાળો માનવી. બંને તદ્દન ભિન્ન વ્યક્તિ હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. “ ખૂન કા બદલા ખૂન.....” બસ, આ એકજ વાક્ય સતત તેઓ બોલ્યે જતાં હતા. ઇશાને બંને હાથે તેમને હલબલાવીને ભાનમાં લાવવાની કોશીષ કરી. ઇશાનનાં એ પ્રયત્નથી શંકર મહારાજનું ધ્યાન ભંગ થયુ અને અચાનક તેઓ ગહેરી ઉંઘમાંથી જાગ્યા હોય એમ વર્તમાનમાં આવ્યા. પહેલા તો આંખો ફાડી-ફાડીને તેમણે પોતાની આજુ-બાજુ જોયું, પછી સામે ઉભેલા ઇશાનને તેમણે જોયો.... “ ઇશાન...” તેમના મોંમાં શબ્દો સ્ફુર્યા. આ સમય દરમ્યાન ત્યાં માણસોનું નાનકડુ એવું ટોળું જમા થઇ ચુક્યુ હતું. એ ટોળામાં જબરી કુતુહલતા ફેલાઇ રહી હતી. ટોળામાં થતી વાતચીતનો વિષય ઉપર આકાશમાં છવાયેલા વાદળોનો અને સાથોસાથ ઇશાનની કારનાં એક્સિડન્ટનો હતો. બધા એ જાણવા ઉત્સુક હતા કે આખરે અહી થઇ શું રહયુ છે.....? અને ઉપર આકાશમાં ઉમટેલા વાદળો આજે આટલા ડરામણા કેમ લાગે છે....?

“ મહારાજ....તમે અહી શું કરો છો....? આ શું માંડયુ છે બધુ....? તમે પેલી છોકરીને ડરાવી દીધી.” ઇશાને ઉંચા અવાજે મહારાજને ખખડાવ્યા. પહેલા તો મહારાજ કંઇ સમજ્યા નહી.....અને પછી તાજ્જૂબીથી ઇશાન સામે જોઇ રહયા.

“ મહારાજ....હોંશમાં તો છો ને.....? કે નશો કરીને આવ્યા છો....”

“ હેં.....હા.....હા...” મહારાજે માથુ ધુણાવ્યું.

“ શું હેં.....! હું કંઇક પુછુ છું તમને.....” ઇશાને ફરીથી ઘાટો પાડીને કહયું. આ સમય દરમ્યાન એલીઝાબેથ કારમાંથી નીચે ઉતરી ઇશાનની પડખે આવીને ઉભી રહી. તેની આંખોમાં હજુપણ ડર તરવરતો હતો.

શંકર મહારાજને ઇશાન શું પુછી રહયો છે એ કદાચ તેમને સમજાયું જ નહોતું. તેઓ હજુપણ કોઇ હિપ્નોટિઝમનાં ટ્રાન્સમાં ખોવાયેલા માણસની જેમ વર્તી રહયા હતા. કોણ જાણે તેમના મગજમાં શું ચાલી રહયું હતું..? “ ઓ મહારાજ....” ઇશાને બંને હાથે તેમના ખભા પકડીને હલબલાવ્યા. “ તમને સંભળાય છે....!”

અને....જાણે કરંટ લાગ્યો હોય એમ મહારાજ ઉછળ્યા. એકદમજ તેમણે ત્યાં એકઠા થયેલા ટોળા તરફ દોડવાનું શરૂ કર્યુ. “ ખૂન કા બદલા ખૂન....” જોર-જોરથી તેમણે બુમો પાડવી શરૂ કરી અને ટોળાને વીંધી તેમણે નગરની બહાર તરફ જતાં રસ્તા ઉપર દોટ મુકી. અચંબીત બનીને ત્યાં એકઠા થયેલા લોકો મહારાજને દોડતા નિહાળી રહયા. મહારાજ અચાનક આવું પાગલપન કેમ કરતા હતા એ કોઇની સમજમાં આવતું નહોતું.

“ કમાલ છે....” ઇશાને આશ્ચર્યભર્યો ઉદ્દગાર કાઢયો.

“ ચાલ અહીથી જઇએ...” ઇશાનની બાજુમાં ઉભેલી એલીઝાબેથ અચાનક બોલી ઉઠી અને તેણે ઇશાનનો હાથ ખેંચ્યો.

“ અરે પણ....! પહેલા જાણવું તો પડશેને કે આપણી કાર સાથે શું અફળાયુ.......? અને આ વાદળો, આ શંકર મહારાજ....! તને નથી લાગતું કે આમાં જરૂર કંઇક રહસ્ય છે.....?”

“ હશે, જરૂર હશે. પણ મને બીક લાગે છે. મારે કોઇ રહસ્યની તપાસ નથી કરવી. અને તને પણ હું આમાં નહી પડવા દઉં. તારે મારી સાથે આવવું જ પડશે.....” જીદ કરતાં એલીઝાબેથ બોલી ઉઠી.

“ ઓ.કે...ઓ.કે....રીલેક્ષ....પણ એ માટે પહેલા આપણે કાર સુધી તો જવું પડશેને. જોઇએ તો ખરાં કે તે ચાલુ છે કે નહી....?” ઇશાને તેને સમજાવતા કહ્યુ. તે સમજતો હતો કે અત્યારે એલીઝાબેથ સાથે માથાકુટમાં પડવા કરતાં તેને સમજાવીને તપસ્વી મેન્શન પહોંચાડવી વધુ જરૂરી હતી.....અને એથી પણ વધુ જરૂરી કાર સાથે શું અથડાયું, એ જાણવાનું હતું. તે એલીઝાબેથની પાછળ કાર તરફ ચાલ્યો. ત્યાં એકઠા થયેલા લોકોમાંથી બે-ત્રણ જણા તેમની પહેલા કાર પાસે પહોંચી ગયા હતા અને કારની કંન્ડીશન જોઇ રહયા હતાં. ઇશાન અને એલીઝાબેથ ત્યાં પહોંચ્યા.

ઇશાનની સ્વિફ્ટ કારનો આગળનો ભાગ વચ્ચેથી ચપ્પટ થઇ ગયો હતો. ઇલેકટ્રીકનાં થાંભલાનો જે ભાગ કારનાં બોનેટ સાથે અથડાયો હતો એ જગ્યાએથી થાંભલો વળીને થોડો આગળ, કાર તરફ ઝૂકયો હતો અને કાર ઉપર ઝંળૂબી રહયો હતો. સ્વિફ્ટના બોનેટની આગળની ઝાળી અને બોનેટનું ઉપરનું ફાઇબરનું ઢાંકણ, બંનેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગનીમત એ હતું કે કારના એન્જિનને કંઇ નુકશાન થયું નહોતું. ઇશાન કારનાં બોનેટ પાસે આવ્યો. તેણે આગળનાં કાચ ઉપર નજર કરી. કારનાં ફ્રન્ટ કાચની બરાબર વચ્ચોવચ્ચ કોઇએ મોટા હથોડાથી પુરી તાકત લગાવીને વાર કર્યો હોય એવું નિશાન પડયું હતું. એ નિશાનીની જગ્યાએ કાચમાં ગોળાકાર તડો પડી હતી. કાચને વધુ નુકશાન તો નહોતું થયુ પરંતુ એકાએક કોઇ ચીજ કાચ સાથે અથડાવાના કારણે ઇશાને તેનું બેલેન્સ ગુમાવ્યુ હતું અને કાર થાંભલા સાથે ભટકાઇ પડી હતી. ઇશાને એ ચીજ અથવા વસ્તુ, જે કાચ સાથે અથડાઇ હતી, તેને શોધવા આજુ-બાજુ નજર ઘુમાવી. ત્યાં એવું કંઇ તેની નજરે ચડયું નહી. “ બટ હાઉ....? એવું કેમ બને....?” તેના મનમાં પ્રશ્ન ઉઠયો. જો કે અત્યારે ઘણું એવું બની રહયુ હતું જે તેની સમજ બહારનું હતું. તે આ વિષય ઉપર નિરાંતે વિચારવા માંગતો હતો. નગરમાં ઘટતી અનહોની ઘટનાઓનો તાગ મેળવવાનું મન તો તેણે કયારનું બનાવી જ લીધુ હતુ તેમાં અત્યારની ઘટનાએ તેના એ નિર્ણયને વધુ મજબુત બનાવી દીધો હતો. દરવાજો ખોલીને તે કારમાં બેઠો અને સેલ માર્યો. તેના આશ્ચર્ય વચ્ચે એન્જિન ચાલુ થયું. એલીઝાબેથ પણ તરત કારમાં ગોઠવાઇ. ઇશાને કારને રીવર્સ ગીયરમાં નાંખી પાછળ લીધી અને પછી કારને તપસ્વી મેન્શન ભણી મારી મુકી.

@@@@@@@@@@@@@@

ઇ.સ. ૧૮૬૬.

આજની તારીખથી બરાબર ૧૫૦ વર્ષ પહેલાનો એક દિવસ.

ત્યારે આજના જાહો-જલાલી ભર્યા વિભૂતી નગરનું નામ વિભૂતી નગર નહોતું. એમ કહોને કે તેનું કોઇ નામ જ નહોતું. એક ગંદી, સડેલી માછીમારોની નાનકડી એવી વસાહત હતી, જેમાં રહેતા લોકો એકદમ કંગાળ અને બદહાલી ભર્યુ જીવન જીવતા હતા. માત્ર થોડા ઝૂંપડાઓ હતા અને એ ઝૂંપડાઓમાં આદીવાસી માનવીઓ જેવું જીવન જીવતા અતી કંગાળ પરીવારો હતા. દુનીયાથી સાવ અલગ-થલગ એ વસાહતમાં તે દિવસે થોડાક વ્યક્તિઓ એકઠા થઇને કોઇ અતિ ગંભીર ચર્ચામાં જોતરાયા હતા.

“ વિરમ...તને શું લાગે છે....? એ લોકો આપણી શરતોને માન્ય રાખશે....?” એક વ્યક્તિએ બીજા વ્યક્તિ, કે જેનુ નામ વિરમ હતું તેને પુછયું.

“ ભૂપત.....આપણે વાટાઘાટો કરી જોઇએ. જો તેઓને અહી આવવું હશે તો આપણી શરતો સ્વિકાર્યા વગર તેમનો છૂટકો નથી...” વિરમે પ્રશ્ન પુછનાર ભૂપત નામના શખ્શને કહયું. “ ઇશ્વર, ત્રિભુવન. તમે બંને શું કહો છો....?” તેણે ત્યાં ઉભેલા અન્ય બે શખ્શો તરફ ફરીને પુછયું.

“ આપણે જે પણ કરી રહયા છીએ તે આપણાં પરીવારોના સુખી ભવિષ્ય માટે કરી રહયા છીએ. તેમાં થોડી બાંધછોડ કરવી પડે તો પણ એકવાર શરતો હળવી કરીને પણ એ લોકોને સ્વિકારી લેવા જોઇએ.” ત્રિભુવન નામનો શખ્શ બોલ્યો. “ તું શું કહે છે ઇશ્વર.....? બરાબર છે ને મારી વાત....?”

“ હું શું કહું.....? તમે જે નિર્ણય લેશો એમાં મારો સંપૂર્ણ સહયોગ રહેશે. આપણા ગામના ઉત્સ્થાન માટે હું ગમે તે ભોગ આપવા હંમેશા તૈયાર છું.” ઇશ્વરે કહ્યું.

“ ઠીક છે....તો એ ફાઇનલ રહયુ કે આપણે એ લોકો સમક્ષ આપણી શરતો મુકીશું. જો તેઓ તેને સહર્ષ સ્વીકારી લેશે તો કોઇ તકલીફ થવાની નથી. પરંતુ જો તેઓ આનાકાની કરશે તો આપણે શરતો થોડી ઢીલી કરીને પણ તેમને મનાવીશું. આખરે આ આપણા ભવિષ્યનો સવાલ છે. તમે બધા સહમત છો મારી વાત સાથે....?”

“ જી હાં....જી હાં....સહમત...સહમત...” બધા એકી અવાજે બોલી ઉઠયા. વિરમનાં ચહેરા ઉપર એ સાંભળીને સ્મિત છવાયું. “ઠીક છે ત્યારે, કરીએ ફતેહ....” તેણે મોટા અવાજે હાંકલ મારી.

“ એક મિનિટ ઉભા રહો. મારે કંઇક કહેવું છે.” એકાએક ત્રિભુવનને જાણે કંઇક યાદ આવ્યુ હોય એમ તે બોલી ઉઠયો. પેલા ત્રણેયે ત્રિભુવન સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

“ શું વાત છે ત્રિભુવન...!” વિરમે પુછયુ. ત્રિભુવન ઘડીક કંઇ બોલ્યો નહી. કદાચ તેના મનમાં અવઢવ ચાલતી હતી કે તે જે કહેવા માંગે છે એ કહે કે નહી...? તેના ચહેરા ઉપર એ ભાવો સ્પષ્ટ વંચાતા હતા. પરંતુ આખરે થોડુંક વિચારીને તે બોલ્યો.

“ તમે બધાએ એ વ્યક્તિનો ચહેરો ધ્યાનથી જોયો હતો....? તેનો ચહેરો થોડો વિચિત્ર નહોતો લાગતો....?” તેણે દબાતાં સ્વરે પુછયું. અહીં ઉપસ્થિત ચારેય વ્યક્તિઓમાં તે સૌથી નાનો હતો એટલે તે થોડો અચકાઇ રહયો હતો.

“ વિચિત્ર મતલબ....?” ભૂપતે આંખો ઝીણી કરતાં પુછયુ.

“ કોઇ રોગિષ્ઠ વ્યક્તિના ચહેરા જેવો.....! જાણે તેને કોઇ મહા-ભયાનક રોગ થયો હોય એવો. એ વ્યક્તિ તેનો ચહેરો તેણે પહેરેલા ડગલા જેવા કોટ નીચે છુપાવાની કોશીષ કરતો હોય, મને તો એવું લાગ્યું”

તેની વાત સાંભળીને ઘડીભર એ સભામાં સન્નાટો છવાઇ ગયો. બધા વિચારમાં પડયા. જે ઉત્સાહથી તેઓ છલકાઇ ઉઠયા હતા તેમાં એકાએક ઓટ આવી. ઇશ્વરે જે મુદ્દો રજુ કર્યો હતો એ યોગ્ય હતો.

“તારી વાત તો ખરી છે. મને પણ એ ખ્યાલ આવ્યો જ હતો કે તે જહાજમાં આવનાર વ્યક્તિ પ્રયત્નપૂર્વક તેનો ચહેરો આપણાથી છુપાવતો હતો. મેં ત્યારે આ બાબતને બહુ પ્રાધાન્ય આપ્યું નહોતું. જો કે એ સમય જ એવો હતો કે બીજુ કંઇ વિચારવા મન તૈયાર જ નહોતું. અચાનક લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવતી હોય ત્યારે કોઇ વ્યક્તિ બીજું વિચારી પણ કેમ શકે....?” વિરમ બોલ્યો.

“ પણ એવું કેમ ન બને કે તેને કોઇ દરીયાઇ બિમારી લાગું પડી હોય અને એનો ઇલાજ પણ તે કરાવતો હોય....?” ભૂપતે તેનો બચાવ કરતો હોય એમ કહયું.

“ એક જહાજ, અચાનક આપણા ગામનાં દરીયાકાંઠે આવીને ઉભુ રહે....તેમાંથી એક વ્યક્તિ, જે કદાચ એ જહાજનો કેપ્ટન હશે....એ વ્યક્તિ આપણા ગામમાં આવીને અહી રહેવાની આપણી પાસે પરમીશન માંગે, સાથોસાથ તેનાં બદલામાં એ આપણને મબલખ હિરા-ઝવેરાત અને સોનું આપવાની ઓફર કરે....અને આટલું કર્યા પછી પણ તે વ્યક્તિ તેનો ચહેરો આપણાથી છુપાવવાની વ્યર્થ કોશિષ કરતો હોય, આ બધુ થોડુ વિચિત્ર નથી લાગતું તમને બધાને.....?” ઇશ્વરે તર્કબધ્ધ દલીલો કરી. તે ઉંમરમાં ભલે નાનો હતો, પરંતુ તેનું દિમાગ બધા કરતા તેજ વિચારતું હતું. આ પ્રશ્ન તેના મનમાં કયારનો ઉદ્દભવ્યો હતો જે તેણે આખરે બધા સમક્ષ ઉઠાવ્યો હતો.

“ એ બાબતની આપણે તેની સમક્ષ ચોખવટ માંગીએ તો....? અથવા આપણે આપણી રીતે તપાસ કરીએ. ભૂપતે પોતાનો વિચાર રજૂ કર્યો. તે સામેથી આવેલા આ સોનેરી મોકાને કોઇપણ સંજોગોમાં ગુમાવા માંગતો નહોતો. ઇશ્વરની દલીલ તેના ગળા હેઠે ઉતરતી તો હતી પરંતુ તે પોતાના બદહાલ વર્તમાનને બદલવા પણ માંગતો હતો.

“ આપણે એક કામ કરીએ....! સૌથી પહેલા એ જહાજમાં જઇને આપણે તપાસ કરી આવીએ કે તેમાં કેટલા લોકો છે.....? કેવા લોકો છે.....? કયાંથી આવ્યા છે.....? તેમની સાથે કોઇ બીમારી તો નથી લાવ્યાને.....? અને સૌથી મોટો પ્રશ્ન , કે એ લોકો પોતાનું વતન છોડીને આપણા દેશમાં શું કામ ઠરીઠામ થવા માંગે છે.....? વગેરે..... જો આ બધા પ્રશ્નોનાં સંતોષપૂર્ણ ઉત્તરો આપણને મળી જાય, અને તેઓ અહી રહેવા માટે આપણી કેટલીક શરતો માનવા તૈયાર થઇ જાય તો પછી અન્ય કોઇ બાબતે શંકા રાખવાનું આપણી પાસે કોઇ કારણ બચશે નહી. બોલો, શું કહેવું છે તમારુ.....?” વિરમે આખરે વચલો રસ્તો વીચારતા તમામને પુછયું. બધાને તેમાં કોઇ વિરોધ ઉઠાવવા જેવું લાગ્યું નહી એટલે તેઓએ એક મતે વિરમની વાત કબુલ રાખી... અને પછી એક પ્લાન ઘડાયો....

એ પ્લાન પ્રમાણે એક નાનકડી હોડીમાં તે ચારેય જણાં બેસીને ગામના દરીયા કિનારે લાંગરેલા એ વિશાળકાય જહાજ સુધી જાય અને એક શુભેચ્છા મુલાકાતનાં રૂપે તેઓ જહાજમાં આંટો મારી આવે. જો જહાજની અંદર બધુ સમુ-સુંતરુ અને વ્યવસ્થિત હોય તો પછી તેમને એ જહાજમાં આવેલા લોકોને મબલખ દોલતનાં બદલામાં અહી અલગ વસાહત સ્થાપવા દેવામાં કોઇ વાંધો આવે તેમ નહોતો. એ દોલતથી તેમના ગામનો પણ ઉધ્ધાર થવાનો જ હતો. જો બંને તરફ ફાયદો થતો હોય તો એ કરવામાં વિરમ, ભૂપત, ઇશ્વર અને ત્રિભુવનને કોઇ વાંધો નહોતો. આખરે એ પ્લાન પ્રમાણે ચાલવાનું નક્કી થયું અને તે દિવસે રાત્રેજ એક હોડીમાં બેસી જહાજ સુધી જવાનું તય કરવામાં આવ્યું.

જો કે, તેમનો એ પ્લાન કેટલીય જીંદગીઓ તબાહ કરી નાંખવાનો હતો. એ વાત ત્યારે તેઓ નહોતા જાણતા. એક ભયાવહ ષડયંત્રનો પ્લાન ઓચિંતાજ ઘડાયો હતો. એ રાત બહુ ગોઝારી સાબીત થવાની હતી. એક રાતમાં વિભૂતીનગરના ઉત્સ્થાન અને પતન, બંનેનો ફેંસલો લખાવાનો હતો.

@@@@@@@@@@@@@

ધુમ્મસનાં જંગી સમુહે વાદળોનું રૂપ લઇ સમગ્ર વિભૂતીનગરને પોતાની ગીરફ્તમાં જકડી લીધુ હતું. એકાએક જાણે રાત પડી ગઇ હોય એવો નજારો સર્જાયો હતો. ભર-બપોરે સુરજ દાદા વાદળોની આડાશે ગુમ થઇ ગયા હતા અને એક ડરામણો માહોલ પેદા થયો હતો. નગરમાં રહેતા તમામ લોકો નગરની સડકો ઉપર ઉતરી આવ્યા હતા. આવું કેમ બની રહયું છે એ કોઇ સમજી શકતું નહોતું.

ઇશાને કારને ફુલસ્પીડમાં ભગાવી. માત્ર ચંદ મિનિટોમાં તે તપસ્વી મેન્શન પહોંચ્યો. તે તેના દાદા દેવધર તપસ્વી સાથે તેની પોતાની અને એલીઝાબેથ સાથે ઘટતી બિહામણી ઘટનાઓ વીશે ચર્ચા કરવા માંગતો હતો. ગમે તેમ, પણ તેને એક અંદેશો થતો હતો કે જરૂર તેના દાદા આ ઘટનાઓ વિશે કંઇક જાણતા હશે

(ક્રમશ.)

પ્રવિણ પીઠડીયા.

વોટ્સએપ નં- ૯૦૯૯૨૭૮૨૭૮

ફેસબુક – Praveen Pithadiya.