સિદ્દીભાઈને સિદકાં વહાલાં.
કે.જી. ના શાળા પ્રવેશ અંગે આજે મુન્નાનો, સોરી, એટલે કે રાહુલનો થર્ડ ઈંટરવ્યુ હતો. મુન્નાના મમ્મી પપ્પાને મતે, પહેલા બે ઈંટરવ્યુમાં મુન્નાનો દેખાવ સારો રહ્યો હતો. જો કે પહેલા ઈંટરવ્યુમાં તો ૯૦% સવાલો મુન્નાના મમ્મી-પપ્પાને પૂછવામાં આવ્યા હતાં. તમારી બન્નેની જોબ છે કે બીઝનેસ? ફેમિલીની ટોટલ વાર્ષિક આવક કેટલી છે? ઘરમાં કેટલા મેમ્બર્સ છે? ઘરમાં કયા કયા સાધનો ( ટી.વી., ડીવીડી પ્લેયર, ફ્રીઝ, ઓવન, વોશિંગ મશીન, કોમ્પ્યુટર, એ.સી.) છે? વીહીકલ કેટલા છે, કયા કયા? કાર કઈ વાપરો છો? કોઈ લોન લીધેલી છે કે કેમ? ( આ તે સ્કુલ ના એડમિશન માટેનો ઈંટરવ્યુ છે, કે કોઈ ઇંકમટેક્સ ઓફિસરની પૂછપરછ ?) બધાંજ સવાલોના જવાબો મુન્નાના મમ્મી પપ્પાએ કચવાતા જીવે અને હસતા મોંએ આપ્યા હતા. (છૂટકો જ નહોતો)
ફક્ત રાહુલના મમ્મી પપ્પા જ નહીં, બધા જ બાળકોના મા-બાપ બિચારા થઈને ચુપચાપ ઈંટરવ્યુ આપી રહ્યા હતાં, કારણ? સ્કુલનું નામ ઘણું ફેમસ હતું. ‘અમારો રાહુલ, “…” સ્કુલમાં ભણે છે,’ એમ કહેવાથી વટ પડે એમ હતો. સ્કુલ પછી એને સંલગ્ન કોલેજમાં એડમીશન સહેલાઈથી મળે એમ હતું, એટલે લાંબા ગાળે ફાયદો થાય એમ હતો. સ્કુલમાં સીટના પ્રમાણમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા પ્રમાણમાં ઘણી વધારે હતી. એટલે મનમાની - તગડી ફી હોવા છતાં અહીં ધસારો ઘણો જ હતો. બાળકો તો બિંદાસ રમવા માંગતા હતાં, પણ મા-બાપે એમને એવી રીતે બાંધી રાખ્યાં હતાં, જાણે કોઈ ધસમસતી નદી પર કોઈએ પૂલ બાંધી દીધો હોય, કોઈ જંગલના સિંહને કોઈએ ઝૂ માં પીંજરે પૂરી દીધો હોય, કોઈ મસ્ત સુગંધી દાર ફૂલને કોઈએ બૂકેમાં બાંધી દીધું હોય.
ગઈ કાલે મોડી રાત સુધી મુન્નાની એટલે કે રાહુલની લેફ્ટ-રાઈટ લેવાઈ હતી. સંભવિત પ્રશ્નોની મમ્મી-પપ્પા દ્વારા યાદી બનાવાઈ હતી. અને એ તમામ પ્રશ્નોના જવાબો રાહુલને ‘લર્ન – બાય - હાર્ટ’ કરાવાયા હતા. ‘વોટ ઇઝ યોર નેઈમ? વોટ ઇઝ યોર એજ? વોટ ઇઝ યોર સરનેમ? વીચ કલર ડુ યુ લાઈક મોસ્ટ? થી શરૂ કરીને એનીમલ’સ નેઇમ, બર્ડ્સ નેઇમ, વેજીટેબલ’સ નેઇમ, એ-બી-સી-ડી, વન-ટુ-થ્રી-ફોર વગેરે વગેરે. આમ તો આ બધું યાદ રાખવાની કસરત રાહુલને છેલ્લા પંદર દિવસથી કરાવાતી હતી એટલે એનું ફાઈનલ પરફોર્મન્સ જોઈને મમ્મી-પપ્પા રાજી હતાં. વળી રાહુલને વારંવાર ‘બધા સાચા જવાબ આપશે તો પપ્પા ગાર્ડનમાં રમવા લઈ જશે, અને મમ્મી ખુબ બધી ચોકલેટ્સ અપાવશે’ એવી વાત ઠસાવવામાં આવી હતી,(નેતાઓ ચૂંટણી વખતે મોટા મોટા વચનો આપીને પ્રજાના ગળે ગાજર લટકાવે તેમ) એટલે રાહુલે પણ લસરપટ્ટી – હીંચકા અને ચોકલેટની લાલચમાં પોતાની ઉંમરના પ્રમાણમાં સારું એવું હોમવર્ક કર્યું હતું.
આખરે એ કયામતની ઘડી આવી પહોંચી, રાહુલને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો. મમ્મી - પપ્પાએ એને રૂમમાં લઈ જતાં પહેલાં ‘ઓલ ધ બેસ્ટ’ કહ્યું. મમ્મી પપ્પાના ચહેરા જોતાં ખરેખર તો એમને પોતાને આવી શુભેચ્છાની ખાસ જરૂર હતી એવું લાગતું હતું. પછી રાહુલનો ઇંટરવ્યુ થયો, જે મમ્મી-પપ્પાને હિસાબે એકદમ સક્સેસફુલ રહ્યો. રાહુલે એને પૂછાયેલા બધા જ પ્રશ્નોના જવાબો પૂરતી ગંભીરતાથી (એના ચંચળ સ્વભાવની વિરુધ્ધ જઈને) સાચા આપ્યા. ઇંટરવ્યુ લેનાર એક મેમ્બરે તો ‘ગુડ - વેરી સ્માર્ટ બોય - હી વીલ બી અ જેમ ઓફ અવર સ્કુલ’ એવી રીમાર્ક પણ આપી, જે સાંભળીને મમ્મી-પપ્પાના ચહેરા ‘લાપસી’ખાતા હોય એવા મલકાયા, ચાતી ગજ ગજ ફૂલી અને પછી એમને હૈયે ધરપત થઈ કે ‘ચાલો, હવે આ સ્કુલમાં રાહુલનું એડમિશન તો પાકું.’ બહાર નીકળીને મમ્મી પપ્પાએ રાહુલને ‘વેલ ડન માય બોય’ કહ્યું એટલે રાહુલ ખુશ થઈને કૂદતાં કૂદતાં બોલ્યો, ‘મમ્મી, હવે તું મને ચોકલેટ્સ અપાવશે ને? અને પપ્પા, તમે મને ગાર્ડનમાં ફરવા લઈ જશોને?’ ખુશહાલ મમ્મી-પપ્પાએ પોતાનું વચન નીભાવ્યું.
ઇંટરવ્યુના રીઝલ્ટના ઈંતેઝારમાં પાંચ દિવસો જરા અધીરાઈમાં પસાર થયા. જે દિવસે રીઝલ્ટ હતું એ દિવસે ઘરમાં સવારથી જ જોરદાર એક્સાઈટ્મેંટ હતું.પણ આશું? રીઝલ્ટ ડિક્લેર થયું ત્યારે એમાં રાહુલનું નામ નહોતું. મમ્મી-પપ્પા બન્ને ને સોલીડ આશ્ચર્ય થયું. સ્કુલ મેનેજમેન્ટવાળા જોડે બહુ આર્ગ્યુમેન્ટ કરી, ‘અમારા રાહુલે બધા જ સવાલોના સાચા જવાબો તો આપ્યા પછી તમે રાહુલને એડમિશન માટે ના કેવી રીતે કહી શકો?’ મેનેજમેન્ટવાળા કહે, ‘એવા સાચા જવાબો તો ૧૦૦૦ છોકરાઓએ આપ્યા તો શું અમારે એ તમામ ને એડમિશન આપી દેવાનું?’ મમ્મી-પપ્પા કહે, ‘ અમારી મહેનત તો જુઓ, કેટલો સમય આપ્યો આ તૈયારી માટે? અને તમે પોતે જ કહ્યું હતું – ‘હી વીલ બી અ જેમ ઓફ અવર સ્કુલ.’ ’મેનેજમેન્ટવાળા કહે, ‘તમારી સાથે અમારી સંપૂર્ણ સહાનૂભુતિ છે, પણ અમારી મર્યાદા પણ તો સમજો તમે.’ મમ્મી-પપ્પા હતાશ થઈને જરા ગુસ્સાથી કહ્યું, ‘ પોતે જ કહીને પોતે જ ફરી જવું એ ક્યાંનો ન્યાય? આટલા સ્માર્ટ છોકરાંને એડમિશન ન આપવું એ હળાહળ અન્યાય છે, આવું તો કેવી રીતે ચલાવી લેવાય?’ મેનેજમેન્ટવાળા કહે, ‘એ જે હોય તે, તમારાથી થાય તે કરી લો, જાવ.’
મેં તો એવું સાંભળેલું કે, ‘Argument wins the situation, but loses the relationship / people.’ અહીં મેનેજમેંટ વાળાએ તો કંઈ જ ગુમાવવાનું નહોતું - ન સીચ્યૂએશન કે ન રીલેશન ન પીપલ. જે કંઈ ગુમાવવાનું હતું તે મમ્મી-પપ્પાને જ હતું. કેમ કે મમ્મી-પપ્પા માટે તો સીચ્યુએશન એટલે કે પરિસ્થિતિ પર તો વિજય નહોતો જ, અને રીલેશનશીપ એટલે કે સંબંધ તો બંધાય તે પહેલાં જ તૂટી ગયો હતો. હવે બીજી જગ્યાએ મમ્મી-પપ્પાએ પાછું નવેસરથી આખું નાટક ભજવવાનું હતું, ‘ચાલ જીવ ફરી કામે વળગ, બીજું શું? મમ્મી-પપ્પા થવું અને થયા પછી નીભાવવું એ કંઈ એટલું સહેલું થોડું જ છે?’ હવેના મા-બાપ આ વાત સમજી ગયા છે, એટલે સરકારે આપેલું કુટુંબ નિયોજન માટેનું સૂત્ર- ‘અમે બે – અમારા બે’, ના બદલે ‘અમે બે - અમારું એક’ નું સૂત્ર અપનાવી રહ્યા છે. કેટલાક મા-બાપ તો આથી ય આગળ વધીને, આ બધી ઝંઝટમાંથી બચીને રહેવા માટે, ‘ DINK’ (Double Income, No Kid. મતલબ કે પતિ - પત્ની બન્ને જણ કમાય, બાળકની ઝંઝટ નહીં અને જલસાથી રહે.)
રાહુલના મિત્ર ઉત્પલનું એડમિશન એ જ સ્કુલમાં થઈ ગયું. ઉત્પલનાં મમ્મી-પપ્પા પેંડા લઈને રાહુલના ઘરે આવ્યાં. રાહુલનાં મમ્મી-પપ્પાએ પૂછ્યું, ‘ ઉત્પલને કેવી રીતે અહીં એડમિશન મળ્યું?’ રાહુલનાં પપ્પાએ કહ્યું, ‘મારી જ્વેલરીની શોપ છે, મેં ઇન્ટરવ્યુ પછી તમામ મેમ્બર્સને સોનાની ચેઇન ગીફ્ટ આપી.’ ‘પણ આ તો લાંચ ન કહેવાય?’ રાહુલના પપ્પાએ આઘાતથી પૂછ્યું. ‘જો દોસ્ત, કામ આપણું છે, ને તે કરાવવાનું પણ આપણે જ છે, તો થોડો ખર્ચો તો કરવો જ પડે ને?’ ઉત્પલના પપ્પાએ કહ્યું. ‘એ વાત બરાબર, પણ આપણાં છોકરાં આટલાં સ્માર્ટ હોય તો સ્કુલવાળાએ એ વાત કંસીડરકરવી જોઈએ.’ રાહુલના પપ્પાએ કહ્યું. ઉત્પલના પપ્પાએ કહ્યું, ‘એક વાત સમજ, - ‘ સીદ્દીભાઇને સિદકાં વહાલાં’ ‘એટલે વળી શું? ‘ રાહુલના પપ્પાએ પૂછ્યું. ‘એનો મતલબ કે બધાંને પોતાનાં છોકરાં – કાળા હોય, ગોરાં હોય, હોંશિયાર હોય, ભોટ હોય, ડાહ્યા હોય , તોફાની હોય, શાંત હોય, અળવીતરાં હોય - એ જેવાં હોય તેવાં - વહાલાં જ હોય, પણ સ્કુલ મેનેજમેન્ટને એ સાથે શું લાગે વળગે? એમને મન તો બધાંય સરખા.’ ‘હં, હવે સમજ્યો, સિદ્દીભાઈને સિદકાં વહાલાં - ની વાત.’ રાહુલના પપ્પાએ હસીને કહ્યું.
Name: Pallavi Jeetendra Mistry
E-mail: hasyapallav@hotmail.com