પાપા કી પરી....... krupa Bakori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાપા કી પરી.......

પાપા કી પરી.....

Krupa Bakori

સૌમ્યા.... જેટલું નામ સુંદર એટલું જ એનું બેનમૂન સૌંદર્ય. આછા પિંક કલરના મિનિસ્કર્ટ સાથે આછા પિંક કલરની વાળને બાંધતી કિલપ. કિલપમાંથી સરકીને ગાલ પર આવતી નખરાળી એ લટ. આ ચહેરાને અનુપમ સૌંદર્ય આપતી એની મસ્તીખોર ભૂરી-ભૂરી આંખો... આંખોને કામણગાર બનાવતું તેનું કાજલ. ચહેરા પર ઉભરાતો ગુલાબી હોઠનો દરીયો.. આ ગુલાબી દરીયામાં ડુબકી લગાવા કોઇ પણ તૈયાર થઈ જાય તેવું તેનું સૌંદર્ય.

આ ખુશમિજાજ ચહેરા પર ચિંતાઓના બિંદુ છવાયેલા હતા. શાંત ચહેરો આજે અત્યંત નાજુક બાબત ઉપર સહેજમાં ઊકળી ઉઠયો હતો. કોઈ નાગણીની માફક ફૂંફાડો મારતી ઊભી થઈ ગઈ.

જો પપ્પા! હું આદેશ જોડે જ મેરેજ કરવાની છું એટલે કરીશ જ. તમને મારી પસંદ સામે વાંધો હોય તો તે તમારો પ્રોબેલ્મ મારો નહી. મારી જિંદગી છે અને હું મારી રીતે જીવીશ. મારે કોઈની જરૂર નથી. તમારી પસંદના છોકરા સાથે હું મારી જિંદગી જીવીશ નહી. કાલ સવારે તમે લોકો તો મરી જાશો પછી મારું કોણ? હું આદેશ સાથે મેરેજ કરીશ તમને પસંદ હોય કે ના હોય. આઈ ડોન્ટ કેર...

મારી જોબનો ટાઈમ થઈ ગયો છે. સાંજે ઘરે આવીશ પણ, જો આ ચર્ચા બીજીવાર કરશો તો હું ઘર છોડીને જતી રહીશ. ફરી કયારેય આવીશ નહી. આટલું ઓછું હોય તેમ ડાબા હાથથી ચપટી વગાડતા પૂછતી ગઈ.. “ઈઝ ધેટ કલીઅર?”

સૌમ્યા આટલું બોલીને ચાલી ગઈ. ડાબા ખભા પર ઓરેંજ કલરનું પર્સ અને જમણા હાથમાં ઓડી કારની દિલ આકારનાં કી-ચેઈનમાં ચાવી ગોળ-ગોળ ઘુમાવતી ઘરની બહાર નીકળી ગઈ. ઘરની અંદર એક સન્નાટો વ્યાપી ગયો.

45 વર્ષનાં વિજયભાઈ તો સાંભળ્યા જ કર્યા. પોતાની દિકરી આવું કહી શકે તેનો તો તેને સપનામાં પણ વિચાર નહોતો કર્યો. આ નાની અમથી છોકરી મને આવું બોલી ગઈ? તેને તેના આ બાપ પર દયા પણ ના આવી. જિગરના ટુકડાની જેમ એને સાચવી. એનો પડતો બોલ ઝિલ્યો. શું આવો દિવસ જોવા માટે મા-બાપ પોતાના સંતાનોને......???

તેની આંખમાથી આંસુઓ વહી રહયા હતા. પોતાના સંસ્કારો આટલા કાચા કંઈ રીતે હોય? શાયદ, મારા પ્રેમમાં કમી રહી ગઈ હશે....! મા વગરની દિકરીનું જતન હું ના કરી શકયો. વંસતી તો સૌમ્યાના જન્મ સમયે જ સ્વર્ગ સિધાવી ગઈ અને ફૂલ જેવી દિકરીને મને સોંપતી ગઈ.

મારો દિકરો, મારો દિકરો કહીને સૌમ્યાને સાતમાં આસમાને ચડાવી હતી. છોકરીની જાતને આટલો લાડ ના કરાય બધા જ એવું કહેતા તો પણ, હું મારી પરીને... બધો વાંક મારો જ છે.

પત્નીની યાદમાં વીતેલી જિંદગીના વિચારોમાં ખોવાઈ ગયા. જોવો, તમે મારી દિકરીને કયારેય કશું જ ના કહેતા. એક મિત્રની જેમ એની સાથે રહેજો. અરે, હા, હા તમારી દિકરીને એક પરીની માફક સાચવીશું અને ત્યાં તો અચાનક જ વંસંતીનું મોત થાય છે. આ નાનકડી ફૂલ જેવી દિકરીને બધાએ અભાગી કહી તો પણ કયારેય કોઈનું જ ના વિચારતા તેને લાડ-કોડથી ઉછેરી.

મારી સૌમ્યાને નાનપણથી જ એટલો પ્રેમ લાડ કર્યો કે કોઈ પણ બાળક બગડી જાય. રોજ સવાર-સાંજ તેની સાથે સમય વિતાવતો. અસંખ્ય નોકરો હોવા છતાં મારી પરી માટે દૂધ હું જાતે બનાવી આપતો. પાંચ વર્ષની થઈ ત્યાં સુધી સ્નાન પણ રોજ કરાવતો. મારી ઢીંગલીને હું બાથટબમાં મસ્તી કરતાં કરતાં નવડાવતો. તેના માટે રોજની એક ડેરી-મિલ્ક લઈ આવતો જે દિવસે ચોકલેટ ના આવે તે દિવસે જમતી નહી. મારી લાડલીને કોઈ કમીનો એહસાસ નથી કરાવ્યો.

મારી પરીને જમતાં-જમતાં વાર્તા સંભાળવાતો. જો વાર્તા ના સંભાળવું તો રિસાઈ જતી. મારી લાડલીને બંને ગાલ પર ચૂમી કરીને મારા દિકરાને પ્રેમથી જમાડતો. ધોડો-ઘોડો બનીને રમાડતો. રોજ સુવા ટાઈમે મારી પરીને ચોકલેટ કેન્ડી તો જોઈએ જ. જો ના હોય તો કહેતી પપ્પા હું નહી બોલું અને પપ્પા અડધી રાત્રે પણ તેની લાડલીની ઈચ્છા ખાતર ચોકલેટ કેન્ડી લેવા જતાં અને આવીને ખવડાવતાં.

આ વાત ને વર્ષો વીતી ગયાં. મારી નાનકડી ઢીંગલી મટીને મારી પરી એક જુવાન બનતી ગઈ. એની ખુબસૂરતી તો દિવસે-દિવસે વધતી જતી.

કોલેજમાં તો સૌ એને મિસ બ્યૂટીફુલ કહેતા. કોલેજની સૌથી સુંદર પરી મારી હતી. બંગલામાંથી જયારે સૌમ્યા બહાર નીકળતી ત્યારે તો એનો કોઈ રાજકુમારી જેવો વટ પડતો. મિસ ફેશનીસ્ટના કપડા તો કોઈ જોઈને જ દંગ રહી જાય. સલવાર-કમીઝ તો કયારેય પહેરતી જ નહી તેને તો વેસ્ટર્ન કપડા જ ગમતા. તેનો વોર્ડરોબ જોઈને તો હું અંચબિત થઈ જતો કે આટલા-આટલા કપડા, શુઝ, જવેલરી અને કહેતો કે સાસરે જઈશ ત્યારે શું થશે? તો મારી ઢીંગલી કહેતી, હું તો કયાંય જવાની નથી અને જઈશ તો મારા પપ્પાને સાથે લઈને જઈશ. હું પણ કયારેક બોલી જતો કે કાશ આવું કરાતું હોત તો કેટલું સારું હોત !

કોઈ છોકરો સૌમ્યાને પ્રપોઝ કરતો તો આવીને કહેતી પપ્પા, આજે તો મેં એક છોકરાને તમાચો માર્યો, ત્યારે હું રાજીનો રેડ થઈ જતો ને મારા દિકરાને ગળે લગાવી લેતો. બધા કહેતા કે આટલી છુટ-છાટ પર રોક-ટોક લગાવો નહીતર એક દિવસ ભાગી જશે.

સાચે જ આજે આ જ થયું. કોલેજ બાદ સૌમ્યાએ જોબ કરવાની ઈચ્છા વ્યકત કરી તો માત્ર શોખને લીધે એક કંપનીમાં પંદર હજારના પગારની જોબ કરતી. ઘરમાં પૈસાની રેલમ-છેલમ હતી તો પણ અનુમતી આપી.

ખુશી સંસારમાં એક દિવસ વિસ્ફોટ જેવા સમાચાર આપ્યાં, પપ્પા હું મારી કંપનીમાં કામ કરતો એક છોકરો આદેશ ને પ્રેમ કરું છુ અને તેની સાથે જ મેરેજ કરીશ.

આદેશ વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે છોકરીઓને ફસાવીને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવે છે. પૈસા ખાતર પોતાના મા-બાપને મારી નાખ્યાં. તેને સોળ વર્ષની જેલ પણ થઈ હતી. આ બધી વાતની જાણ હોવા છતાં..... મેરેજ તો હું પપ્પા આદેશ સાથે જ કરીશ કહીને ચાલી ગઈ.

સૌમ્યાના વાકયોએ આપેલો આઘાત મનને ચંચળ કરી દેતું. આખો દિવસ એના વાકયોએ અનહદ પીડા આપી. આખો દિવસ આમ-તેમ આંટા માર્યા. સવારે-બપોરે ભોજન પણ ના કર્યું બસ, સૌમ્યાની કાગડોળે રાહ જોઈને સોફા પર જ બેઠા રહયા.

જેવી સૌમ્યા ઘરે આવી કે તેને હાશકારો થયો. સૌમ્યા આ લે,... આ શું છે?... ઓહ ગોડ મારી અને આદેશની સગાઈનું ઈન્વીટેશન કાર્ડ.... થેંક્સ પપ્પા... મને ખબર જ હતી તમે મારી લાગણીને કયારેય ઠેંસ નહી પહોચાડો.

ઘરમાં ફરીથી ખુશહાલી આવી ગઈ. સૌમ્યાના ચહેરા પર તેજ ઝળહળતું હતું. એક નવી જ ચમક આવી ગઈ. પપ્પાના નિર્ણયથી ખુશ થઈને બોલી મારા પપ્પા તો હજારો લાખોમાં એક છે અને મેં કહયું મારી પરી તો કરોડોમાં એક છે.

સૌમ્યા અને વિજયભાઈ ડાઈનિંગ ટેબલ પર જમવા બેઠા. સૌમ્યા બેટા, આ હોટ ચોકલેટ મેં તારા માટે મારા હાથે બનાવ્યું. તને રોજ હોટ ચોકલેટની આદત છે ને જમતા પહેલા.... હા, પપ્પા સો સ્વીટ ઓફ યુ. બેટા, મને આદેશના મોબાઈલ નંબર આપજે મારે તેની સાથે અમુક વાતો કલીયર કરવી છે. હા, પપ્પા....

પપ્પા, મને કાંઈક થાય છે. કાંઈક કરો..... કહેતા કહેતા જ બેહોશ થઈ ગઈ... વિજયભાઈની આંખમા તો આંસુ આવી ગયા. તેને તરત મુંબઈની પ્રખ્યાત સ્ટીવન હોસ્પિટલમાં દાખલ કરી.

બે કલાક સુધી બેભાન રહેલી સૌમ્યા સામે વિજયભાઈ તો આંખનો પલકારો પણ પાડયા વિના બેસી રહયા. બે કલાક પછી જયારે તેને આંખો ખોલી ત્યારે તેને આ દુનિયામાં બીજું કોઈ જ ભાગ્યશાળી નથી એવું લાગ્યું.

ડોકટરે કહયું કે તમે તમારું ધ્યાન રાખો. હવે તમારી સૌમ્યાને તમારી વધારે જરૂર પડશે..... કેમ?? મારી સૌમ્યાને શું થયું ડોકટર? આદેશ વચ્ચે જ બોલી પડ્યો. જોવો મિ. આદેશ સૌમ્યાને સેકન્ડ સ્ટેજ કેન્સર છે આઈ એમ સોરી... અમે કોશિશ કરશું કે બનેં તેટલી જલ્દી તે સાજી થઈ જાય પણ, ત્યાં સુધી તમારે લોકોએ ધીરજ રાખવી જોશે એન્ડ હા, મિ. આદેશ સૌમ્યાનું નવું જીવન હવે તમે જ છો... સો ટેક કેર.

ઓહ માય ગોડ... શીટ, કેન્સર... મારી મહેનત તો પાણીમાં ગઈ. સોનાની મુર્ગી હાથ આવતાં આવતાં રહી ગઈ. હવે, આ કેન્સરવાળીથી બચવું જોશે. પૈસાની લાલચમાં મને કંઈ થઈ જાશે તો.....

આદેશ.... આદેશ... ચાલો બેટા, આપણે સૌમ્યાને રૂમમાં મળવા જવાનું છે.. અત્યારે સૌથી વધારે એને તારી જરૂર છે. હા પપ્પા,……

એક મોટા રૂમમાં પ્રવેશી જોયું કે સૌમ્યા તો એક વાઈટ કલરનાં બેડ પર સુતી હતી. બાજુમાં કોઈક નર્સ હતી જે તેનું ધ્યાન રાખતી હતી. એક બાટલો ચડી રહયો હતો. જેમાં કાંઈક વાઈટ કલરનું પ્રવાહી નસની અંદર જતું હતું. એ વાઈટ કલરનું પ્રવાહી ગ્લુકોઝનું હતું. જાણે ભંયકર બિમારીથી તેની હાલત બગડી ગઈ હતી. મૂરજાયેલા ચહેરા પર આંસુઓના થર જામેલા હતા. રૂપ-રૂપની પરી અત્યારે બદસૂરત લાગી રહી હતી.

આઈ એમ સોરી સૌમ્યા પણ, હવે હું તારી સાથે મેરેજ નહી કરી શકું. બટ વાય આદેશ.... ??? તને બ્લડ કેન્સર છે અને હું નથી ઈચ્છતો કે હું તારી સાથે......

સૌમ્યાની આંખમાંથી દડ- દડ આંસુ વહી રહયા હતા. આંસુઓનો જામેલો થર પીગળી રહયો હતો. આંસુ લુછતા-લુછતા પણ બોલી, આદેશ હમેંશા સાથે રહેવાનું પ્રોમિસ કર્યું હતું તે અને તું જોઈ લેજે હું જલ્દી સાજી થઈ જાઈશ. તું મને છોડીને ના જા. ... તું પ્રોમિસ ના તોડ...

ગુડ બાય સૌમ્યા, હું ના કરી શકું. એક મિનિટ આદેશ, સ્ટોપ...

સૌમ્યા આઈ એમ સોરી બેટા, તને કાંઈ જ નથી થયું. તારી હોટ ચોકલેટમાં બેહોશીની દવા મેં જ ઉમેરી હતી. મને થઈ શકે તો માફ કરી દેજે. તારા પ્રેમનું ભૂત ઉતારવા... આ મારું જ રચેલું નાટક છે. જે આદેશ માટે તું મને પણ છોડવા તૈયાર હતી એ જ આદેશ નાની એવી મુશ્કેલીમાં જો તારો સાથ ના આપે તો, શું જીવનભર તારો સાથ નિભાવશે??

લગ્ન એક પવિત્ર સંબંધ છે. જન્મજન્માંતરનો સંબંધ છે. લગ્ન એક સાગર છે. એ સાગર પાર કરવો હોય તો પ્રેમ, સમર્પણ જેવા હલેસાં જોઈએ. લગ્નસંબંધ તો વિશ્વાસના તાંતણે ટકી રહે છે. બે આત્માનું મિલન છે એવા સંબંધ ને આદેશ જેવા લોકો રમતનું સાધન બનાવે છે. જીવનમાં છેલ્લે સુધી સાથ નિભાવે એવો સાથી જોઈએ ના કે થોડી મુશ્કેલી જોતા જીવનસાથીનો સાથ છોડી દે.

જો સૌમ્યા... મને માફ કરી દે... તારા પપ્પાને લીધે જ આ બધું થયું. આપણે ફરીથી એક નવું જીવન શરૂ કરીશું. હું પ્રોમિસ કરું કે હું બધા જ વચન નિભાવીશ. એક મોકો આપ.

સૌમ્યા બેટા, હવે નિર્ણય તારે કરવાનો છે કે તારે શું કરવું. જો હજી પણ તું આદેશ સાથે મેરેજ કરવા રાજી હોય તો હું તને રોકીશ નહી. હવે તારું ભવિષ્ય તારા હાથમાં છે.

સૌમ્યાની આંખમાંથી આંસુ સરી પડયા. વિજયભાઈને વળગી પડી. પપ્પા મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. આદેશ જેવા બદમાશ, લુચ્ચા, લંપટ જેવા લોકો સાથે રહી ને હું મારી જિંદગી બરબાદ નહી કરું. તમને અને મને બંનેને જે છોકરો પસંદ હશે તેની સાથે જ હું મેરેજ કરીશ. મારી જિંદગી પણ તમારી જ તો છે.

કહેવાય છે.... છોરું-કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય.