એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 31
વ્રજેશ દવે “વેદ”
એકાદ કલાક ચાલ્યા બાદ દૂરથી ‘જેનીફર’સ જંગલ’ નામની દુકાન દેખાઈ. બંનેના ચહેરા પર ચમક આવી ગઈ. તેઓ સાચા રસ્તા પર ચાલી રહ્યા હતા, તેવો તેઓને અહેસાસ થવા લાગ્યો.
“અમે લોકો જંગલમાં ટ્રેક કરવા માંગીએ છીએ. 6 થી 7 દિવસ ટ્રેકિંગ ચાલશે. તો રસ્તા માટે જરૂરી સામાન જોઈએ ...” નીરજાએ દુકાનદાર મહિલાને વાત સમજાવી.
તે જેનિફર હતી. તેણે એક સ્મિત આપ્યું. જરૂરી બધી વસ્તુઓ બતાવવા લાગી અને પેક પણ કરવા લાગી. દુકાનમાંથી રસ્તા માટે જરૂરી બધો જ સામાન, રાત્રિ માટે ટેન્ટ, કેટલીક સૂચનાઓ અને માહિતી મળી ગયા.
“ક્યાંથી આવો છો?” જેનિફરે કામ કરતાં કરતાં પૂછી લીધું.
“અમદાવાદથી.” નીરજાથી બોલી જવાયું. તરત જ વ્યોમાએ નીરજાનો હાથ પકડી લીધો. નીરજા સમજી ગઈ,”અમદાવાદથી કેટલાક લોકોની ટુકડી ટ્રેકિંગ માટે આવવાની છે અને અમો તેઓ સાથે જોડાઈ જવાના પ્લાનમાં છીએ.” નીરજાએ વાતને બીજી દિશા આપી દીધી.
પણ જેનિફરની ચકોર અને અનુભવી આંખોએ નોંધી લીધું કે નીરજા ખોટું બોલી રહી છે. કારણ કે અમદાવાદથી કોઈ જ ટુકડી જંગલમાં ટ્રેકિંગ માટે આવવાની નહોતી.
તે જાણતી હતી કે વરસાદના દિવસોમાં જંગલમાં ટ્રેકિંગ માટે કોઈ ટુકડીઓ નથી આવતી હોતી.
“ટ્રેકિંગ ક્યાથી શરૂ કરીને ક્યાં પૂરું થવાનું છે?” જેનિફરે પૂછ્યું.
“શિલોંગથી શરૂ થવાનું છે એટલી જ ખબર છે. ક્યાં પૂરું થશે એ નથી ખબર.” વ્યોમાએ ટૂંકો ઉત્તર આપ્યો.
“ગુડ. શું નામ છે તમારા બંનેના?”
“હું નીરજા અને આ મારી મિત્ર વ્યોમા.”
“ઠીક છે, આ મારૂ કાર્ડ રાખો. રસ્તામાં કોઈ તકલીફ પડે, કે માર્ગદર્શનની જરૂર પડે, તો મને તમે કોલ કરી શકો છો. ગમે ત્યારે. તમને મદદ કરવાનું મને ગમશે, મિસ નીરજા અને મિસ વ્યોમા.” જેનિફરે એક સ્મિત આપ્યું. તેના સ્મિતમાં સહજ સરળતા હતી. બંનેનેતેની સહજતા સ્પર્શી ગઈ.
“અને હા, તમારા મોબાઇલમાં જે પણ સિમ કાર્ડ હોય તે અહીં જંગલમાં નહીં ચાલે.” જેનિફરે ઉમેર્યું.
“તો જંગલમાંથી કોઈને ફોન કરવો હોય તો?“ નિરજાએ પ્રશ્ન કર્યો.
તો તમારે નવા સિમ કાર્ડ લેવા પડશે. નિરજા અને વ્યોમા વિચારવા લાગી. એકબીજા સામે નજર કરી નિર્ણય કરી લીધો.
“ઠીક છે, ક્યાં મળશે એ સિમ કાર્ડ?” વ્યોમાએ પૂછ્યું.
“મારી પાસેથી જ મળી જશે, બોલો આપું?” સ્મિત સાથે જેનિફરે ઓફર કરી.
“બે કાર્ડ આપી દો. પણ, એક્ટિવેટ ક્યારે થશે?” નિરજાએ ફરી પ્રશ્ન કર્યો.
જેનિફરે બે સિમ કાર્ડ એક્ટિવેટ કરી આપ્યા.
તેણે બીજું ખાસ કાંઇ ના પૂછ્યું. બંને જણ સામાન અને જેનિફરનું કાર્ડ લઈ જંગલ તરફ ચાલવા લાગ્યા. જેનિફરે ખૂબ જ ઓછો, જરૂરી અને જંગલમાં સરળતાથી સાથે રાખી શકાય, તેમ સામાન પેક કરી દીધો હતો એટલે સામાનનો કોઈ ભાર નહોતો લાગતો.
બંને જંગલની વધુને વધુ અંદર અને શહેરથી વધુ દૂર જવા લાગી.
“હવે મોબાઈલ પર GPRS ચાલુ કરી દે. રસ્તો ભટકી ના જવાય તે જોવાનું છે.” વ્યોમાએ નીરજાને સૂચના આપી.
“પણ, 5 થી 6 દિવસ આ મોબાઇલની બેટરી ચાલે તે રીતે જ તેનો ઉપયોગ કરવાનો છે. રસ્તામાં ક્યાંય ફોન ચાર્જ નહીં કરી શકાય.”
“હા, જરા વાર રસ્તો ચેક કરવા પુરતો જ મોબાઈલ ચાલુ કરવાનો અને પછી તદ્દન બંધ. જંગલની સાથે હોઈએ ત્યારે જંગલ સિવાય કોઈ પણ સાથે ના જોઈએ.”
“તું સાચું જ કહે છે.“ નીરજાને ગમતી વાત વ્યોમાએ કહી હતી.
નીરજાએ આગળનો રુટ GPRS પર ચેક કરી લીધો. વ્યોમાએ તે નોટ પર ઉતારી લીધો.
મોબાઈલ બંધ. સમગ્ર દુનિયા સાથેનો સંબંધ કપાઈ ગયો. જોડાઈ ગયા જંગલ સાથે. પ્રકૃતિના અદભૂત પાલવ સાથે.
હવે તેઓ જંગલના રસ્તા પર ચાલવા લાગ્યા. જંગલ ગાઢ હતું.
ફરી ઝરણાં દેખાવા લાગ્યા. લીલો પવન વાઇ રહ્યો.
જંગલના પ્રવેશ પર, હવા બંનેના શરીરને સ્પર્શીને, તેના શરીરની સુગંધને લઈને આખા જંગલમાં ફેલાઈ ગઈ. તેઓના આગમનની વધામણી આપી દીધી. આખા જંગલને ખબર પડી ગઈ, કે બે સુંદર મહેમાન જંગલમાં આવી રહ્યા છે.
“હાશ. કેટલું રિલેક્સ લાગે છે.” વ્યોમાના ચહેરા પર ખુશી હતી.
જંગલના રસ્તા પર ચાલવા લાગ્યા. ચાલતા રહ્યા. ચાલતા ચાલતા બપોરનો સુરજ માથે આવી ગયો.
આકાશમાં સૂરજને હંફાવવા ધીરે ધીરે કાળા વાદળો પ્રવેશ કરવા લાગ્યા. નીરજા અને વ્યોમા તો પહેલાંથી જ ભૂખ અને થાકથી હાંફી ગયા હતા.
“જો ત્યાં કોઈ ઢાબા જેવુ લાગે છે. ચાલ કશુંક ખાઈ લઈએ.” નીરજાના મુખ પર ભૂખ રમતી હતી.
“ચાલ, ફટાફટ ત્યાં પહોંચી જઈએ. હું પણ ભૂખથી પિડાઉ છું. અને આકાશમાં કાળા વાદળો પણ આવી રહ્યા છે. નક્કી વરસાદ તૂટી પડશે.” વ્યોમા ઝડપથી ચાલવા લાગી. નીરજા પણ તેની પાછળ ચાલવા લાગી. તેઓ જંગલ છોડી નજીકથી જ પસાર થતાં ગ્રામીણ રસ્તા પર થઈને, પહોંચી ગયા ઢાબા પર.
નાના પણ સ્વચ્છ પંજાબી ઢાબામાં દાખલ થયા. બપોરના જમવાનો સમય હતો. પણ ખાસ કોઈ ભીડ ન હતી. કુલ સાત ટેબલમાંથી ત્રણ ટેબલ ખાલી હતા. બધા જ ટેબલ પાસે બારી હતી. દરેક ટેબલ પરથી જમતા જમતા બારી બહારના કુદરતી દ્રશ્યોને પણ માણી શકાય તેવી સુંદર વ્યવસ્થા હતી.
4 નંબરના ટેબલ પર બેસી ગયા. પંજાબી વાનગીનો ઓર્ડર આપી દીધો.
બારી બહારની દુનિયાને જોવા લાગ્યા. જે રસ્તા પરથી ચાલીને તેઓ આવ્યા હતા, તે રસ્તાને જોવા લાગ્યાં.
સાંકડો એવો એ રસ્તો. રસ્તા પર કોઈ મોટા વાહનોની અવર જવર નહીં. કોઈ કોઈ સ્કૂટર કે બાઇક પસાર થતાં હતા. એ સિવાય રસ્તા પર કોઈ ચહલ પહલ નહીં. સાવ શાંત.
રસ્તો આટલો શાંત હોઇ શકે? અવાજના નામે માત્ર નીરજા અને વ્યોમાના પગલાનો અવાજ. નજર પડે ત્યાં સુધી, કપાઈ ચૂકેલા રસ્તાને જોઈ લીધો. છેક સુધી શાંત. કોઈ અવાજ નહીં. કેવો યોગી જેવો સ્થિર થઈ ગયો છે આ રસ્તો ! કેટલાય વર્ષોથી તે આમ જ અહીં આવી વસ્યો હશે ! એકલો. સાવ એકલો.
“રસ્તાને એકલતા ગમતી હશે?” વ્યોમાએ ધારી ધારીને રસ્તાને જોઈ રહેલી નીરજાને પ્રશ્ન કર્યો.
“હેં?” નીરજા ચોંકી ગઈ. જાણે તેના મનની વાત વ્યોમા વાંચી ગઈ હોય, અને તેની ચોરી પકડાઈ ગઈ હોય તેમ તે ચોંકી ગઈ.
“ક્યાંક તું આ મૌન રસ્તાના પ્રેમમાં તો નથી પડી ગઈ ને? રસ્તા સાથે રહી, પ્રેમ કરવા લાગે તો પછી મંઝિલ ક્યારેય હાથમાં ન આવે.” વ્યોમાએ નીરજાને છંછેડી.
નીરજા કશું ન બોલી. માત્ર વ્યોમાને જોતી જ રહી. વ્યોમાએ તેની આંખમાં આંખ મિલાવી. તેના અપલક નયનોમાં વ્યોમાને વિતી ગયેલા રસ્તાની તસવીર દેખાઈ. તે તેમાં ડૂબી ગઈ. નીરજાની આંખમાંથી એકાદ મોતી ટપકી ગયું.
નીરજાના મોતીની દોસ્તી હોય તેમ, આકાશના વાદળોના મોતી પણ ટપકવા લાગ્યા. સાવ શાંત, કોરો રસ્તો ભીંજાવા લાગ્યો. નીરજા ઉઠી. ભીંજાઈ રહેલા રસ્તા પર પહોંચી ગઈ.
રસ્તો વરસાદમાં અને નીરજા ભીના રસ્તાના પ્રેમમાં ભીંજાતા રહ્યા. વ્યોમા રસ્તાને અને નીરજાને જોતી રહી.
જમવાનું આવી ગયું. વ્યોમાએ નીરજાને અવાજ દીધો. પણ, નીરજા આજે જરા જુદા મૂડમાં હતી. તે અંદર ન આવી.
“નીરજા જમવા માટે અંદર ચાલ.” વ્યોમાએ નીરજાનો હાથ પકડી લીધો.
“આપણે અહીં જ ખુલ્લામાં જમીએ તો?” નીરજાએ વ્યોમાને પણ ભીનું ભીનું આમંત્રણ આપ્યું.
વ્યોમાને નીરજાની આંખમાં ભીના વરસાદ અને ભીના રસ્તાનો નશો દેખાયો.
વરસાદ વરસ્યે જતો હતો. નીરજા, વ્યોમા અને રસ્તો ભીંજાઇ ગયા હતા.
વ્યોમા અંદર ગઈ. વેઇટરને વિનંતી કરી,”ક્યા યહ ખાના ટેબલકે સાથ, વહાં બહાર લગા દોગે?”
“બેટે, વહાં તો બારીશમે ભિગ જાઓગે. ખાના ભી ખરાબ હો જાયેગા.” વેઇટર દુવિધામાં પડી ગયો.
“વોહ પેડકે નીચે ટેબલ લગા દો. હમ વહીં ખાના ખાયેંગે.”
“ખાના તો લગ જાયેગા... પર.. એક કામ કરતે હૈ. મેરે પાસ એક છાતા હૈ. ખાના ઉસકે નીચે રખના. ઔર તુમ દોનો ભિગ જાઓગે તો....” વેઈટરે પોતાની રીતે ઉપાય બતાવ્યો.
“હાં, યહી ઠીક રહેગા. હમે ભિગના પસંદ હૈ.” તેને સૂચના આપી વ્યોમા પણ નીરજા પાસે આવી ગઈ.
થોડી વારે ઝાડ નીચે ટેબલ લાગી ગયું. છત્રીની નીચે થાળીઓ ગોઠવાઈ ગઈ. વરસાદ વરસતો રહ્યો. બંને ભીંજાતા રહ્યા. ભોજન કરતાં રહ્યા. તેઓને વરસતા વરસાદમાં આ રીતે જમતા જોઈ બીજા લોકોએ વાતો કરવા માંડી. ધીમો ધીમો ગણગણાટ થવા લાગ્યો. પણ નીરજા અને વ્યોમાને તેની કોઈ પરવા ન હતી. તેઓ પોતાની મસ્તીમાં જમતા રહ્યા. ભીંજાતા રહ્યા.
“ક્યા આપ મેરે લિયે ભી, એક ટેબલ બહાર લાગા સકતે હો? “ કોઈ ગ્રાહકે પણ તેવો જ આગ્રહ કર્યો.
“હાં, પર મેરે પાસ ઔર કોઈ છાતા નહીં હૈ.” વેઈટરે કહ્યું.
“આપ બસ ટેબલ લગા દિજિયે. હમારે પાસ છાતા હૈ.” પેલા ગ્રાહકે કહ્યું.
થોડી વારમાં તેઓનું પણ ટેબલ, નીરજા-વ્યોમાના ટેબલની બાજુમાં લાગી ગયું. તે કોઈ યંગ કપલ હતું. બંનેની ઉમર 20 – 22 વર્ષની હશે.
બાકીના ગ્રાહકો તેઓને જોતાં રહ્યા. પણ પછી લલચાયા. હવે બધા ગ્રાહકો વરસતા વરસાદની નીચે ભીંજાતા ભીંજાતા ભોજન લેવા લાગ્યા.
નીરજાને ખૂબ મજા પડી રહી હતી. વ્યોમા પણ તેનો પૂરો સાથ આપતી હતી. બંને ભરપૂર આનંદ લેવા લાગ્યા. જાણે જંગલનો નશો ચડી ગયો હોય. નીરજા તેની મસ્તીમાં ખોવાઈ ગઈ. હોટલમાં ધીમું ધીમું સંગીત વાગતું હતું. વરસાદ, સંગીત અને જંગલનો નશો નીરજા પર છવાઈ જવા લાગ્યો.
જમતા જમતા તે ઉઠી. વરસતા વરસાદમાં પેલા સંગીતના તાલે નાચવા લાગી. તે કોઈ પશ્ચિમી ધૂન વાગતી હતી. ગિટાર પર સુંદર ધૂન વાગતી હતી. તે સંગીતમાં પણ નશો હતો. નીરજા નાચતી હતી. વ્યોમા તેને જોતી રહી. તે ચમકી ગઈ. તે તરત જ નીરજા પાસે પહોંચી ગઈ. તેનો હાથ પકડીને ભોજનના ટેબલ પર લાવી.
“ફટાફટ જમીને અહીંથી નીકળી જઈએ.” વ્યોમાએ નીરજાને જાણે નશામાંથી જગાડી.
“શું છે? કેમ આમ ...” નીરજા હજુ પણ સંગીત અને વરસાદના નશામાં હતી.
“એ બધું રસ્તામાં કહીશ. તું પહેલાં અહીંથી ચાલ.” વ્યોમાએ આજીજી કરતાં કહ્યું. નીરજા હજુ પણ નશામાં હતી. પણ તે સમજી ગઈ કે વ્યોમા, કોઈ ખાસ કારણથી કહી રહી છે. તેણે કોઈ દલીલ કે વિરોધ ના કર્યો.
બંનેએ જમવાનું પૂરું કર્યું. ત્યાંથી નીકળી ગયા.
ફરી જંગલના રસ્તે આગળ વધી ગયા.
વરસાદ હવે થાકી ગયો હતો. તે ખૂબ ધીમો થઈ ગયો. રોકાઈ ગયો.
નીરજા અને વ્યોમા રોકાવાના મૂડમાં નહોતા. તેઓ ચાલતા રહ્યા. બન્ને હવે જંગલમાં હતા.
જંગલ. માત્ર જંગલ. બીજું કશું જ નહીં.
જંગલમાં તેઓ બન્ને હતા કે તેઓમાં એક જંગલ હતું. તેઓને કે જંગલને, કોઈને નહોતી ખબર !
જંગલ તેના યૌવન પર હતું. જંગલની લીલીછમ યુવાની અને યુવાની પર દસ્તક દેતી તેઓની મુગ્ધાવસ્થા વચ્ચે એક અજબની દોસ્તી થઈ ગઈ. ધીરે ધીરે તેઓ જંગલમાં ભળી જવા લાગ્યા. જંગલ પણ તેઓમાં !
જંગલ. પહેલી વખત નજરની સામે હતું એક જંગલ. સાવ સાચુકલું જંગલ. તેઓની કલ્પનાનું જંગલ. તેઓના સપનાઓનું જંગલ. આવા આ નગરમાં બંને પહોંચી ગઈ. ચાલતી રહી જંગલના રસ્તે. ધીરે ધીરે દિવસ આગળ વધતો જતો હતો.
જંગલનો રસ્તો સૂમસામ હતો. ખાસ કોઈ માણસ સામે મળતું નહોતું. એકલું જંગલ અને બે છોકરીઓ. એ જ તો જોઈતું હતું એ બંનેને.
તાજો જ વરસાદ વરસી ગયો હતો. જંગલમાં તેની સુગંધ અને રંગ ફેલાઈ ગયા હતા. સાંકડી કેડી ભીની હતી. થોડી લપસણી પણ. તેના પર ખરી પડેલા પાંદડાઓ પથરાયેલા હતા. ખૂબ સાચવીને બંને ચાલતા રહ્યા.
ચાલતા ચાલતા બંને ક્યારેક સાવ મૌન, તો ક્યારેક ખૂબ ખુલ્લીને વાતો કરતાં રહ્યા. હસતાં રહ્યા. તેની વાતો પર કે તેના હસવા પર અહીં કોઈ પ્રતિબંધ ન હતો.
ધારો તે બોલી શકો, ધારો તે કરી શકો. ધારો ત્યારે ચાલો, ધારો ત્યારે રોકાઈ જાઓ. ગમે ત્યાં ઊભો કે બેસી જાઓ. મન થાય તો ગીત ગાઓ અને મન થાય તો ખડખડાટ હસો. ઇચ્છા થાય તે બોલો અને નહીં તો રહો સાવ મૌન. કેવી અનહદ આઝાદી !
જંગલને આ બધું જ ગમે. એટલે તો તે કોઈને રોકે નહીં, ટોકે નહીં. નીરજા અને વ્યોમાને પણ તેણે પૂરી આઝાદી આપી. બન્ને તે આઝાદીને પૂરેપુરી માણી લેવા માંગતા હોય તેમ, જ્યારે જે મન કરે તેમ તેઓ કરતાં રહ્યા.