પિન કોડ - 101 - 18 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 18

પિન કોડ - 101

પ્રકરણ-18

આશુ પટેલ

‘શું થયું?’ સાહિલના ચહેરા પર તનાવ ઊભરી આવેલો જોઇને નતાશાએ પૂછ્યું.
‘સવારે મારે રાજ મલ્હોત્રાને મળવા જવાનું છે એટલે તારી પેલા ઓમર સાથેની મીટિંગ મોડી કરવી પડશે.’ સાહિલે કહ્યું.
‘કમ ઓન સાહિલ! હજી થોડી વાર પહેલાં જ મેં તને કહ્યું કે હું જુનિયર કે.જી.ની સ્ટુડન્ટ નથી. આઇ કેન ટેક કેર ઓફ માયસેલ્ફ. તું મારી બિલકુલ ચિંતા ર્ક્યા વિના રાજ મલ્હોત્રા સાથેની મીટિંગ પતાવજે અને હું ઓમર સાથે એગ્રિમેન્ટની ફોર્માલિટી પતાવી આવીશ.’
પણ તારી પાસે તેનો નંબર છે તો તેને એક વાર કોલ કરીને મીટિંગનો સમય બદલવા માટે કહેવામાં તને શું વાંધો છે? ‘ખબર નહીં પણ મારી સિક્સ્થ સેન્સ મને એવું કે છે કે એ માણસમાં કંઇ ગડબડ છે.’ સાહિલે દલીલ કરી.
‘તું બહુ વિચારે છે સાહિલ! તું તો હજી ગઇ કાલે મને મુંબઇમાં મળ્યો. હું આટલા સમયથી મુંબઇમાં એકલી જ બધે જાઉં છું અને કેટલાય માણસો સાથે મેં પનારો પાડ્યો છે. તને ધરપત થાય એટલે એક વાત કહી દઉં, તે મને અત્યાર સુધી એ વાત કહેવાની તક જ નથી આપી. હું ઓમરને મળવા ગઇ એ પહેલાં મેં આજુબાજુની ઓફિસસમાં એડ્રેસ શોધવાને બહાને ઓમર વિશે બધી માહિતી મેળવી લીધી હતી. તેની ઓફિસ અહીં ઘણાં વર્ષોથી છે અને તેની મોડલ કો-ઓર્ડિનેટિંગ એજન્સી છે. અત્યારે સફળ મોડેલ હોય એવા ઘણા છોકરા-છોકરીઓ તેની એજન્સી થ્રુ મોડેલિંગ ક્ષેત્રે પ્રવેશ્યા છે. તું બિલકુલ ચિંતા નહીં કર. મારે ખાલી એક એગ્રિમેન્ટ સાઇન કરવાનું છે અને એવું હોય તો એડ-ફિલ્મનું શૂટિંગ હોય ત્યારે તું સાથે આવજે બસ?’
‘પણ નતાશા...’
‘સાહિલ, પ્લીઝ! આ જો લોખંડવાલા માર્કેટ પહોંચી ગયા આપણે. હવે તારે જે વાત કરવી હોય એ આપણે નિરાંતે ડ્ર્રિન્ક લેતા-લેતા કરીશું. અત્યારે આપણાં બંને માટે કપડાં ખરીદી લઈએ.’ નતાશાએ કહ્યું અને પછી ટીખળ કરી લીધી: ‘અને આ વખતે આપણે ધ્યાન રાખશું કે કોઇ મારા પર નજર ના રાખતો હોય અને આપણી વાતો ના સાંભળતો હોય!’ એ પછી નતાશાએ રિક્ષાવાલાને કહ્યું, ‘ભાઇસાબ સામને વો કામધેનુ શોપિંગ સેન્ટર કે પાસ રિક્ષા રૂકા દેના.’
* * *
સાહિલ આનાકાની કરતો રહ્યો તો પણ નતાશાએ પોતાની સાથે તેના કપડાં પણ ખરીદ્યા.
‘નતાશા, હું રાતે ગોરાઇ જતો રહીશ, જગ્યા બદલાશે તો મને ઊંઘ નહીં આવે અને કાલે સવારે જવાનું પણ છે. અને હવે હોટલમાં બંનેના આઇડી પ્રૂફસ માગે છે, આપણા બંનેના અલગ નામ જોઇને સાથે રહેવા નહીં દે.’ સાહિલે નતાશાને કહ્યું.
‘એ બધું તું મારા પર છોડ ને. હું મુંબઇ આવી ત્યારે અપના બજાર સામે એક હોટલમાં રોકાઇ હતી. એ હોટલમાં ફર્સ્ટ ફ્લોર પર ડિસ્કો થેક અને બાર છે. હું પહેલા એકલી રિસેપ્શન પર જઇને મારા નામે રૂમ બુક કરાવીશ. રૂમ બુક કરાવીને રૂમમાં સામાન મૂક્યા પછી પછી હું તને કોલ કરું ત્યારે તું ફર્સ્ટ ફ્લોર પર જે બાર છે ત્યાં મને મળજે. આપણે ત્યાં ડ્રિન્ક અને ડિનર લઇને, બારમાંથી ઉપર જતી લિફ્ટમાં જે ફ્લોર પર રૂમ હશે ત્યાં જતા રહીશું. રૂમમાં ગયા પછી આગળ તારી હિંમત ચાલે તો વધુ કંઇક સેલિબ્રેશન કરીશું.’ શરારતભર્યું હાસ્ય કરતા નતાશા બોલી.
‘નતાશા!’ સાહિલ આ વખતે નતાશાની વાત સાંભળીને અકળાવાને બદલે શરમાઇ ગયો.
સાહિલનો ચહેરો જોઇને નતાશા હસવું ખાળી ન શકી. તેણે કહ્યું: ‘સાહિલ મને ઘણી વાર પુરૂષો તરફથી કડવા અનુભવ થાય ત્યારે એવો વિચાર આવી જાય કે ભગવાને મને છોકરીને બદલે છોકરો બનાવ્યો હોત તો? પણ અત્યારે તને જોઇને એમ થાય છે કે ભગવાન તને છોકરી બનાવવાનું વિચારતા હતા પણ બનાવી દીધો છોકરો! આજના જમાનામાં હવે છોકરીઓ પણ શરમાતી બંધ થઇ ગઇ છે. ચાલ હવે રિક્ષા પકડીએ, રાતે તું મારી સાથે જ રહેજે. હું તને કંઇ ખાઇ નથી જવાની. આમ પણ બોરીવલીના ગેસ્ટ હાઉસમાં તું મારી જોડે રોકાવાનો જ હતો ને?’
નતાશાએ રિક્ષા રોકી. રિક્ષામાં બેસતા પહેલા સાહિલે આજુબાજુ નજર દોડાવી. નતાશાએ તેનો હાથ પકડીને તેને રિક્ષામાં ખેંચ્યો અને કહ્યું, ‘કોઇ આપણો પીછો કરવા નવરું નથી!’
* * *
નતાશા વિશે ભાઇજાન સાથે વાત કર્યા પછી ઓમરે બીજો એક કોલ લગાવ્યો. સામા છેડેથી હલ્લો સંભળાયું એટલે તેણે કહ્યું: ‘મોહિની મેનન મિલ ગઈ હૈ!’
‘અલ્લાહકા શુક્ર હૈ!’ સામેથી કહેવાયું.
‘હા ભાઈ.’ ઓમરે કહ્યું.
‘ભાઇજાનકો બતા દિયા ના?’ સામેવાળા માણસે બીજો સવાલ કર્યો.
‘હા ભાઈ. પહલે ભાઈજાનકો હી કોલ કિયા થા. ફિર આપકો કોલ કિયા.’
‘તુમ ઇધર મેરે પાસ આ જાઓ. મિલકે હી બાત કરતે હૈ. કુછ ઔર બાતે ભી કરની હૈ તુમસે.’ સામેવાળા માણસે આદેશાત્મક સૂરમાં કહ્યું.
‘જી ભાઈ. મૈ થોડી દેરમે હી નીકલતા હૂં.’ ઓમરે કહ્યું.
‘અભી મૈ કુછ લોગો કે સાથ બૈઠા હૂં. તુમ દસ બજે કે કરીબ ઇધર હી આ જાઓ.’ સામેવાળા માણસે કહ્યું.
‘જી ભાઈ. મૈ પહૂચ જાઉન્ગા.’ ઓમરે કહ્યું.
એ પછી તરત જ તેણે પોતાના રેગ્યુલર ફોન નંબરથી એક નંબર લગાવ્યો અને કોઇને કહ્યું: મુઝે એક એગ્રિમેન્ટ બનાના હૈ. થોડા અરજન્ટ હૈ. કલ એક મોડેલ કે સાથ એક કોન્ટ્રેક્ટ કરના હૈ. મૈં ડિટેલ મેસેજ કરતા હૂં.’
‘નહીં, નહીં. મેરી એક બજે મીટિંગ હૈ યાર. કૈસે ભી કરકે મુઝે બારહ બજે તક તો મિલ હી જાના ચાહિયે.’ સામેવાળાએ કંઈક પૂછ્યું એટલે ઓમરે ભારપૂર્વક કહ્યું.
***
સાહિલ અપના બજાર પાસે ઊભો ઊભો નતાશાના કોલની રાહ જોઈ રહ્યો હતો એ વખતે પણ તેની નજર આજુ-બાજુમાં ફરી રહી હતી. નતાશા અપના બજાર સામે ‘હોટલ ગ્રેસ રેસિડેન્સી’માં ગઈ હતી. તે રૂમ બુક કરાવીને રૂમમાં સામાન મૂક્યા પછી એ હોટેલના ફર્સ્ટ ફ્લોરના બારમાં જવાની હતી અને ત્યાં પહોંચ્યા પછી સાહિલને કોલ કરવાની હતી. એનો કોલ આવ્યા પછી સાહિલે બારમાં જઈને તેને મળવાનું હતું.
નતાશાના કોલની રાહ જોતા-જોતા સાહિલની નજર તેનાથી થોડા ફૂટ દૂર બાઈકનું સ્ટેન્ડ લગાવ્યા વિના એના પર બેસીને સેલ ફોન પર વાત કરી રહેલા એક યુવાન પર પડી. સાહિલને વિચાર આવી ગયો કે એ માણસ ક્યાંક પેલો જ નથી ને જે વર્સોવાથી તેમની પાછળ આવવા નીકળ્યો હોય એવો તેને ભાસ થયો હતો. જોકે તરત જ તેને યાદ આવ્યું કે એ તો થોડા દિવસની વધી ગયેલી દાઢીવાળો આધેડ વયનો માણસ હતો અને આ તો પચ્ચીસેક વર્ષનો યુવાન છે. તેને થયું કે કદાચ નતાશાની વાત સાચી પણ હોય. ગઈ કાલે રામકૃષ્ણા રેસ્ટારાંમાં પેલા ભેદી લાગતા માણસને જોયા પછી તેને બધા પર શંકા જવા લાગી હોય એને કારણે ભ્રમ થતો હોય એવું પણ બને.
સાહિલ આગળ કઈ વિચારે એ પહેલાં તેના સેલ ફોન પર નતાશાનો કોલ આવ્યો અને તે હોટેલ ‘ગ્રેસ રેસિડન્સી’
તરફ ચાલતો થયો.
***
‘કહાં પે હૈ વો અભી?’ ઓમર કોઈને સેલ ફોન પર પૂછી રહ્યો હતો.
‘તુમ ઉસકે પીછે હી રહો. મુઝે બતાતે રહના વો કહા હૈ, ક્યા કર રહી હૈ.’ સામેવાળાનો જવાબ સામ્ભળીને ઓમરે કહ્યું.
‘નહીં અભી કુછ ભી નહીં કરના હૈ. અભી સિર્ફ નજર રખની હૈ.’ સામેથી કોઈ સવાલ પૂછાયો એટલે ઓમરે તાકીદ કરી અને પછી વધુ એક સૂચના પણ આપી દીધી: ‘તુમ દસ બજે તક ઉસકે પીછે રહો. તબ તક તુમ જહાં ભી હોગે વહા સલીમ વાપસ આ જાયેગા ફિર તુમ ચલે જાના.’

(ક્રમશ:)