પિન કોડ - 101 - 17 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 17

પિન કોડ - 101

પ્રકરણ-17

આશુ પટેલ

કોલ કરનારી વ્યક્તિએ સાહિલને પૂછ્યું: ‘એમ આઇ સ્પીકિંગ ટુ મિસ્ટર સાહિલ સગપરિયા?’
સાહિલે કહ્યું: ‘યસ.’
સામેની વ્યક્તિએ કહ્યું: ‘હું મિસ્ટર રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલ મિત્રા બોલું છું. સરે કાલે તમને મળવા બોલાવ્યા છે.’
‘થેન્કસ અ લોટ.’ સાહિલે જોમભર્યા અવાજે કહ્યું.
‘સર વિલ મીટ યુ એટ શાર્પ ઇલેવન ઇન ધ મૉર્નિંગ.’ સવારના અગિયાર વાગ્યે સાહિલે રાજ મલ્હોત્રાને મળવા આવવાનું છે એવી માહિતી આપવાની સાથે શીતલ મિત્રાએ તાકીદ પણ કરી દીધી કે તેણે કોઇ પણ હિસાબે સમય સાચવી લેવો પડશે.
‘શ્યોર. આઇ વીલ બી ધેર ઓન ડોટ ટાઇમ. થેન્કસ અગેઇન.’ સાહિલે કહ્યું.
કોલ ડિસ્કનેક્ટ કરીને સાહિલ ઉમળકાભેર નતાશાને વળગી પડ્યો: યેસ્સ્સ્સ! મારી લોટરી ખૂલી ગઇ નતાશા. રાજ મલ્હોત્રાએ મને મળવાનો સમય આપ્યો છે, ધ રાજ મલ્હોત્રાએ! સાહિલને કોઇ માણસ વિશે સુપરલેટિવમાં કહેવું હોય તો તે એવા માણસના નામની આગળ ‘ધ’ લગાવતો હતો.
‘આઇ એમ સો હેપી ફોર યુ, સાહિલ. લેટ્સ સેલિબ્રેટ ટુડે. હજી થોડા કલાક પહેલા આપણા માટે બધી દિશાઓ બંધ હતી અને અત્યારે આપણને બંનેને રસ્તા મળી ગયા છે.’
સાહિલે કહ્યું: ‘કાલે સેલિબ્રેશન કરીએ, હું રાજ મલ્હોત્રાને મળી આવું એ પછી. આઇ એમ ડેમ શ્યોર કે એક વાર તેઓ મને મળશે એટલે કોઇ પણ હિસાબે હું મારી વાત તેમના ગળે ઉતારી દઇશ. હું ઘણા સમયથી રાહ જોઇ રહ્યો હતો કે એક વાર કોઇ બિગ શોટ સુધી પહોંચી જાઉં. ધ ટાઇમ હેઝ અરાઇવ્ડ. સ્ટીલ ઇટ્સ ડિફિકલ્ટ ટુ બીલિવ નતાશા કે કાલે સવારે અગિયાર વાગ્યે હું રાજ મલ્હોત્રા સામે બેઠો હોઇશ!’
સાહિલ થોડી વાર માટે નતાશાની ચિંતા અને ઓમરવાળી વાત ભૂલી ગયો. તેનામાં નવા ઉત્સાહનો સંચાર થયો. તેણે પોતાની વાત આગળ ચલાવી: ‘હું લાંબા સમયથી રાજ મલ્હોત્રાને મળવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તેમને મળવાની બહુ કોશિશ કરી હતી પણ હું તેમના સુધી આજ સુધી પહોંચી શક્યો નહોતો. રાજ મલ્હોત્રા તો દર વર્ષે ‘ફોર્બ્સ’ મગઝિનની યાદીમાં અને એમાં પણ આખા વિશ્ર્વના ટોચના પચાસ ધનપતિઓ પૈકી એક તરીકે ચમકતા રહે છે એટલે એમના સુધી પહોંચવું એ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું કહેવાય પણ રાજ મલ્હોત્રાથી ઘણા નાના કહેવાય એવા ઉદ્યોગપતિઓ કે સફળ માણસો સુધી પહોંચવા માટેય મેં બહુ કોશિશ કરી જોઇ પણ મને આજ સુધી નિષ્ફળતા જ મળી. મોટી-મોટી કંપનીઝના માલિકોને મળવા માટે હું તેમની ઑફિસમાં પહોંચી જતો હતો પણ મોટે ભાગે તો રિસેપ્શન એરિયાથી આગળ વધી શક્યો નહોતો. વધીને કોઇ મૅનેજિંગ ડિરેક્ટરની સેક્રેટરી કે પર્સનલ આસિસ્ટન્ટ સુધી જ પહોંચી શક્યો હતો. મેં મારી અનોખી કાર અને મલ્ટીપર્પઝ વેહિકલની ડિઝાઇન વિશે વાત કરવા માત્ર દસ મિનિટનો સમય આપવા દેશના ધુરંધર બિઝનેસ ટાયકૂન્સ અને ઓટોમોબાઇલ કંપનીઝના મૅનેજિંગ ડિરેક્ટર્સને તેમની કંપનીના ઇમેઇલ આઇડી પર ઇમેઇલ મોકલ્યા, મેં સ્પીડ પોસ્ટથી લેટર મોકલીને પણ એ બધા સુધી પહોંચવાની કોશિશ કરી, પરંતુ ક્યાંયથી મને રિસ્પોન્સ ના મળ્યો. મારો દોસ્ત રાહુલ મને ઘણી વાર કહે છે કે આ રીતે તારો કોઇ કાકો પણ તને જવાબ નહીં આપે. આ બધા અબજોપતિઓ પાસે તેમના કુટુંબના સભ્યોને મળવાનો પણ સમય નથી હોતો એ તને મળવા માટે ક્યાંથી સમય આપવાના? એના કરતાં જે મળે એ નોકરી લઇ લે. અને એવું હોય તો સાઇડમાં તારા ઉધામા ચાલુ રાખજે. જો કે બીજી બાજુ તે મને પ્રેમથી પોતાની સાથે રહેવા-જમવા દઇને દોસ્તી પણ નિભાવે છે. તેના સપોર્ટને કારણે જ હું મારા પ્રયાસો ચાલુ રાખી શક્યો. મેં જેમને ઇમેલ અને સ્પીડ પોસ્ટથી લેટર્સ મોકલ્યા હતા એમાંથી કોઇ તો મને મળવા બોલાવશે જ એવી મને શ્રદ્ધા હતી. એમાંથી કોઇનો જવાબ મળે એની રાહ હું જોઇ રહ્યો હતો. આજે મારી લાંબી, થકવી દેનારી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. યુ આર લકી ફોર મી, નતાશા!’
નસીબ અને ઇશ્ર્વરમાં ન માનતા સાહિલના મોઢે ‘લકી’ શબ્દ સાંભળીને સામાન્ય સંજોગોમાં નતાશા ટીખળ કર્યા વિના ન રહી શકી હોત પણ અત્યારે તેણે સાહિલને બોલવા દીધો. સાહિલના ચહેરા પર ખુશી છલકાતી જોઇ તે એટલી જ ખુશ થઇ રહી હતી જેટલી ખુશી અત્યારે સાહિલ અનુભવી રહ્યો હતો.
અચાનક નતાશાને યાદ આવી ગયું કે ગઇ કાલે પ્રોડ્યુસર-ડિરેક્ટર અશોક રાજનો કોલ આવ્યો હતો ત્યારે તે પણ સાહિલની જેમ ઉત્સાહથી ઉછળી પડી હતી, પણ અશોક રાજને મળીને નીકળી ત્યારે તે કેવી માનસિક સ્થિતિમાં હતી. તેણે સાહિલના ચહેરા પરનો ઉત્સાહ અને તેની આંખોમાં ચમક જોઇને મનોમન માનતા રાખી લીધી કે કાલે સાહિલની મુલાકાત સફળ રહે તો તે અંધેરીથી દાદર સુધી ચાલીને સિદ્ધિવિનાયકના દર્શન કરવા જશે.
‘નતાશા?’ એકધારા બોલી રહેલા સાહિલે નતાશાને ચૂપ જોઇને પૂછ્યું: ‘ક્યાં છે તું?’
‘સિદ્ધિવિનાયક.’ નતાશાના મનમાં ચાલી રહેલા વિચારને કારણે તેનાથી બોલાઇ ગયું.
‘વ્હોટ?’ સાહિલે આશ્ર્ચર્ય સાથે પૂછ્યું.
સોરી, સોરી. ‘મને અચાનક યાદ આવી ગયું કે મારે સિદ્ધિવિનાયક જવાનું ઘણા સમયથી પેન્ડિંગ છે. ર્તું તારે વાત ચાલુ રાખ. હું સાંભળી રહી છું.’
‘અરે! મેં તને બધી વાત તો કરી!’
‘આઇ એમ એક્સ્ટ્રીમલી હેપી ફોર યુ, સાહિલ. પણ તારી એક જ વાત મને ના ગમી.’
‘શું?’
મેં કહ્યું કે સેલિબ્રેટ કરીએ તો તે કહ્યું કે ‘આજે નહીં, કાલે કરીએ. હું રાજ મલ્હોત્રાને મળીને આવું પછી!’
‘એમાં ના ગમવા જેવું શું છે, નતાશા?’
અરે! તું કેટલા સમયથી જે તકની રાહ જોઇ રહ્યો હતો એ તક તને મળી છે એની ખુશી અત્યારે જ માણી લેવી જોઇએ. કાલે રાજ મલ્હોત્રા સાથે તારી મીટિંગ સફળ થાય એ પછી કાલે ફરી ખુશી મનાવવાની. માણસે નાની-નાની વાતોની, નાની-નાની સફળતાની ખુશી માણી લેવી જોઇએ. ઘણા માણસો પોતાની પાસે સારી-સારી વસ્તુઓ પડી હોય એનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે, એમ વિચારીને કે અત્યારે નબળી, જૂની વસ્તુનો ઉપયોગ કરી લઇએ પછી નવી, સારી વસ્તુઓ વાપરશું. એ રીતે તેઓ જિંદગીભર નબળી કે જૂની વસ્તુઓ જ વાપરતા રહે છે. અને કેટલાક માણસો એવા હોય છે કે જે જિંદગીભર સારી વસ્તુનો જ ઉપયોગ કરતા રહે છે. તેઓ વિચારતા હોય છે કે સારી વસ્તુ નહીં મળે ત્યારે નબળી વસ્તુથી ચલાવી લઇશું પણ અત્યારે તો સારી વસ્તુ વાપરી લઇએ!’
નતાશા આગળ વધુ કંઇ બોલે એ પહેલા સાહિલે તેને અટકાવતા કહ્યું: ‘બોલો! અહીં પણ તે ફિલોસોફી શરૂ કરી દીધી! અરે યાર, આજે હજી તારા રહેવાની વ્યવસ્થા કરવાની બાકી છે. મેં બોરીવલીમાં ગોઠવણ કરી છે પણ તું કહે છે કે તારે આજે આ બાજુ જ રહેવું છે. હજી તારા કપડાં બોરીવલી પડ્યા છે. મારે પણ રાતે વહેલા બોરીવલી પહોંચવું પડશે. સવારે અગિયાર વાગ્યે રાજ મલ્હોત્રાને મળવા તેમના મહાલક્ષ્મીના હેડક્વાર્ટરમાં જવાનું છે એટલે સેફ સાઇડ હું સવારના સાડાઆઠ વાગ્યે ગોરાઇથી નીકળી જઇશ. અડધો કલાક વહેલો પહોંચું તો વાંધો નહીં પણ પાંચ મિનિટ મોડું થાય એવું નથી કરવું.’
‘બોલી લીધું તે?’ નતાશાએ હસતાં-હસતાં પૂછ્યું અને સાહિલને બોલવાની તક આપ્યા વિના જ તેણે કહ્યું: ‘આપણે હમણા તારા અને મારા માટે થોડા કપડાં ખરીદી લઇએ છીએ. તારે રાતે ગોરાઇ જવાની જરૂર નથી. અહીં અંધેરીમાં અપના બજાર સામે એક હોટલ છે એમાં ચાર-પાંચ હજાર આજુબાજુના ભાડાવાળી રૂમ મળી જશે. આપણે બંને ત્યાં રોકાઇ જઇશું. તું સવારે ફ્રેશ થઇને રાજ મલ્હોત્રાને મળવા જજે અને હું એક વાગ્યે ઓમરની ઑફિસમાં જઇને એગ્રીમેન્ટ સાઇન કરી આવીશ. કાલે દિવસ દરમિયાન હું અંધેરી-પાર્લા વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી કેટલીક સ્ટ્રગલર છોકરીઓને મળીને કે કોલ કરીને તપાસ કરી જોઇશ કે ક્યાંક મારા રહેવાનો મેળ ખાય છે કે નહીં...’
નતાશા હજી તેની વાત પૂરી કરે એ પહેલાં અચાનક સાહિલ બોલી ઉઠ્યો: ‘ઓહ નો !’

(ક્રમશ:)