દારુબન્ધી કે દારુમુક્તિ Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

શ્રેણી
શેયર કરો

દારુબન્ધી કે દારુમુક્તિ

દારુબન્ધી કે દારુમુક્તિ

Pallavi Jeetendra Mistry

સતીશ શાહ: સરકારે કાર ડ્રાઇવ કરતી વખતે દારુ પીવાની મનાઇ કેમ કરી હશે?

પરેશ રાવલ: એટલું ય નથી ખબર? સ્પીડ બ્રેકર આવે તો ગ્લાસ પડી જાય અને વ્હીસ્કી ઢોળાઇ જાય.

‘ગુજરાતને ટોકિયો-લંડન જેવું બનાવવું હોય તો મોદીએ દારુ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવો જોઇએ.’ એવું ચર્ચાસ્પદ અને સ્ફોટક વિધાન એક જાણીતા અને સફળ લેખક ચેતન ભગતે ભાવનગર શહેરમા (એપ્રીલ-૨૦૧૩) ના રોજ એક સમારંભમા કર્યું. ‘ભાવનગર’ શહેરમા થયેલા આ વિધાનને કોઇકે ભલે ‘ભાનવગર’ નુ વિધાન કહ્યું હશે, પણ ઘણા દારુઘેલાં લોકો ચોક્કસ એનાથી ગેલમા આવી ગયા હશે અને ચેતનભાઇને મનોમન આશિષ આપ્યા હશે. ‘આશિષ આપો બાપુ અમને દેશદુલારા થઇએ.’ એવી જુની પંક્તિની જગ્યાએ, ‘આશિષ આપો બાપુ અમને દારુઘેલાં થઈએ.’ એવી નવી પંક્તિ લલકારી હશે. જો કે ગાંધીના ગુજરાતમા અનેક ગાંધીવાદીઓ ચેતનભાઇના આ વિધાનથી ભડકી ઉઠ્યા છે.

હું પોતે આ બાબતે કોઇ ‘વાદી’ કે ‘પ્રતિવાદી’ નથી. મેં દારુમુક્તિ વાળા વિસ્તાર મુંબઈમા પાંચ વર્ષ વસવાટ કર્યો છે. દારુની દુકાનોમા ગ્રાહકોની ભીડ પણ જોઇ છે. અને શહેરના પરાંઓની ગલીઓમા દારુ પીને સાન-ભાન ગુમાવી બેઠેલા અસ્ત-વ્યસ્ત અને મેલા-ઘેલા કપડામા, ઉઘાડા પગે, માખી બણબણતા શરીરવાળા ગંદા-ગોબરા લોકોને રસ્તા પર પડેલા જોયાં છે. આવા લોકોના ઘરની-પત્નીઓની-બાળકોની દયનીય સ્થિતિનો અંદાજ પણ મને આવ્યો છે કે આવા લોકો પત્નીની કમાણી , પત્નીના ઘરેણાં, બાળકોના કપડાં, ઘરના સભ્યોનુ ભોજન કે બાપાના પ્રોવીડંડ ફંડ ના પૈસા જેવી તમામ સંપત્તિને દારુમા ઉડાવી દેતા અચકાતાં નથી. આવા દેવાળિયાઓને તેમની આ પ્રવૃતિમા આવતો આનંદ મને કદી પણ સમજાયો નથી. (ખાખરાની ખિસકોલી શું જાણે સાકર નો સ્વાદ?)

દારુબંધીવાળા ગાંધીજીના ગુજરાતના અમદાવાદ શહેરમા વર્ષોથી રહુ છું. સાંભળ્યું છે કે અહીં પાણીની નદી સાબરમતીની સાથે સાથે ખાનગીમા દારુની નદીઓ પણ વહે છે. જો કે આજ સુધી જાહેર રસ્તાઓ પર છાકટા થઈને પડેલા સખ્શો મેં ક્યારે પણ જોયા નથી. ખાનગી મા કદાચ કોઇએ જોયા હશે. ચેતનભાઇને ભલે લાગતું હોય કે, ‘દારુબંધી હઠે તો ગુજરાતનો વિકાસ થાય.’ પણ અહીંના કટ્ટર ગાંધીવાદીઓ કહે છે કે, ‘દારુબંધી હઠે તો ગુજરાતનો વિકાસ નહી પણ રકાસ થાય.’ ખેર! ‘દારુબંધી કે દારુમુક્તિ’ એ તો ‘લગ્નજીવન: સુખી કે દુખી’ જેવો અંતહીન ચર્ચાનો વિષય છે.’ મારો લખવાનો આશય તમને ગંભીર નહીં પણ હળવા કરવાનો છે, એટલે આપણે અહીં હળવાશને જ પ્રાધન્ય આપીશું.

આગંતુક: આ ગામનો સારામા સારો એક નંબરનો વકીલ કોણ છે?

લોકો: મગનલાલ. જ્યારે એમણે દારુ પીધો ના હોય ત્યારે.

આગંતુક: અને બીજા નંબરનો?

લોકો: મગનલાલ. જ્યારે એમણે દારુ પીધો હોય છે ત્યારે.

સાંભળ્યું છે કે મારા પપ્પાના જમાનાના સુપ્રસિધ્ધ ગાયક સ્વર્ગસ્થ શ્રી કે.એલ.સાયગલ સાહેબને દારુ પીધા પછી જ ગીત ગાવાનો મૂડ આવતો. બની શકે છે, કે વ્હીસ્કી એમના ગળાની નીચે જઈને ત્યાં રહેલા સૂરોને ધક્કો મારીને ઉપર મોકલતી હશે. સુરામા ઝબોળાઇને આવતા એમના સૂર અત્યંત મધુરા-જાદૂઇ હતા. ‘મૈં ક્યા જાનુ ક્યા જાદૂ હૈ.. જાદૂ હૈ..જાદૂ હૈ...ઇન દો મતવારે નૈનોમે જાદૂ હૈ..જાદૂ હૈ..જાદૂ હૈ.’ નો જાદૂ આજે પણ સંગીત રસિયાઓમા છવાયેલો છે. કહેનારાઓ તો એવું પણ કહે છે કે..’પહેલા તમે શરાબને પીવો છો અને પછી શરાબ તમને પીવે છે.’ કેટલાક નાદાન લોકો એવું પણ કહે છે કે, ‘પીતે હૈં તો જીંદા હૈ, ના પીતે તો મર જાતે.’ હવે એમને કોણ સમજાવે કે, ‘યે જીના ભી કોઇ જીના હૈ લલ્લુ?’

પત્ની: બસ કરોને હવે, તમે ઓલરેડી ચાર પેગ પી ચૂક્યા છે.

પતિ: ચાર પેગમા મને કંઇ ચઢી ના જાય. જો સામેના ટેબલ પર ચાર જણ બેઠા છે, એમને હું બરાબર જોઇ શકું છું.

પત્ની: રહેવા દો હવે તમે વધારે શેખાઇ કર્યા વગર. સામેના ટેબલ પર એક જ જણ છે.

આવા એક દારુઘેલા પતિને એની પત્ની દારુ છોડાવવા માટે યોગાચાર્ય બાબા ગામદેવ આગળ લઈ ગઈ. એમણે ભાઇને દારુ છોડવાની શીખામણની સાથે સાથે યોગના આસનો શીખવ્યા.ચાર દિવસ પછી એ મહિલા બાબાને મળવા આવી. બાબાએ પૂછ્યું, ‘યોગ કરવાથી દારુ પીવામા કંઇ ફરક પડ્યો?’ મહિલા બોલી, ‘હા બાબા. હવે એ પદ્માસનમા બેસીને દારુ પીએ છે.’ પછી એ પત્ની એના પતિને ‘વ્યસનમુક્તિ કેમ્પ’ મા લઇ ગઇ. ત્યાં કેમ્પના આયોજકે એક પ્રયોગ બતાવ્યો. એમણે દારુ ભરેલા ગ્લાસમા જીવતા કીડા નાંખ્યા તો કીડા મરી ગયા. એટલે એમણે આ ભાઇને પૂછ્યું, ‘કહો, આનો મતલબ શું થાય?’ પેલા પીયક્કડ પતિએ કહ્યું, ‘દારુ પીવાથી આપણા પેટમા રહેલા કીડા મરી જાય છે.’ પત્નીએ પોતાનું કપાળ કૂટ્યું.

પત્નીએ પતિને ઘરે આવીને પ્રેમથી સમજાવતા કહ્યું, ‘જો તમે દારુ પીવાનો છોડી દો તો હું એ પૈસામાંથી હીરાનો હાર વસાવી શકું.’ પતિએ ઠંડે કલેજે કહ્યું, ‘જો તુ મને છોડી દે તો હું એક સારી પત્ની વસાવી શકું.’

પત્ની પતિને દારુ છોડાવવા મંદિરના મહંત પાસે લઇ ગઈ. મહંતે ગાયત્રી મંત્ર બોલીને પતિ પર એ પાણી છાંટીને કહ્યું, ‘હવે તમે રમણભાઇ નહીં પણ રામભાઇ છો, હવે તમે પવિત્ર છો, હવે દારુ પીશો નહી.’ પત્ની ખુશ થઈ ગઈ, મહંતને દક્ષિણા આપી. પતિએ ઘરે આવીને પાણી લઈ ગાયત્રી મંત્ર બોલી દારુની બોટલ પર છાંટતા કહ્યું, હવે તું દારુની નહી દૂધની બોટલ છો, હવે તું પવિત્ર છો.’ અને આરામથી દારૂ પીધો.

પત્નીએ નિસાસો નાંખતા કહ્યું, ‘હવે તો ભગવાન જાતે આવીને તમને સમજાવે તો જ તમે દારુ છોડશો.’

પતિએ કહ્યું, ‘સાંભળ,પગલી. ભગવાન કાલે જ મને સ્વપ્નમા આવ્યા હતા.’ પત્ની તો આ સાંભળીને ઉત્સાહિત થઈ ગઈ અને બોલી, ‘અચ્છા! ભગવાને તમને શું કહ્યું?’ ‘ભગવાને મને પૂછ્યું, ‘કે આટલો બધો દારુ પીવે છે તે તને અલ્ઝાઇમર આપું કે પાર્કિનસન્સ?’ ‘હાય હાય! એ વળી કઈ બલાનું નામ છે?’ ‘મેં પણ ભગવાનને એ જ પૂછ્યું. તો એમણે મને કહ્યું કે અલ્ઝાઇમર એટલે યાદશક્તિ જતી રહે તે. અને પારકિનસન્સ એટલે હાથ ધ્રુજ્યા કરે તે.. તો મે કહ્યું, પ્રભુ અલ્ઝાઇમર નહી પણ મને પાર્કિનસન્સ જ આપજો. ગ્લાસમા કાઢતી વખતે વ્હીસ્કી ઢોળાઇ જાય તે ચાલે, પણ સાલું, બોટલ ક્યાં મૂકાઇ છે તે યાદ જ ના આવે તે કેમ ચાલે, ખરું કે નહી?’

આજકાલ ન્યૂઝપેપરમા (એપ્રિલ-૨૦૧૩) એક ન્યૂઝ ચર્ચામા છે. આયોજકોએ ગણિતના પેપરનો સમય ઘટાડ્યો છે. કદાચ આયોજકોની ગણતરી એવી હશે કે એમ કરવાથી વિધ્યાર્થીઓનું ગણિત વધારે પાકું થશે. ત્યારે બીજી બાજુ એવા સમાચાર છે કે, દારુની ૧૯ પેટી ગણતાં એક પી.આઇ.(પોલીસ ઇંસ્પેક્ટર) ને અઢી કલાક લાગ્યા. સાંભળ્યું છે (ખરેખરતો વાંચ્યું છે) કે પ્રસિધ્ધ વૈજ્ઞાનિક આલબર્ટ આઇનસ્ટાઇનને પણ પરચુરણ હિસાબ ગણવામાં ભુલ થતી. કદાચ પી.આઇ. ના ગણિતના પેપરમા પાસિંગ માર્ક્સ જ આવ્યા હોય એટલે એનુ ગણિત કાચું હોય.

દિવ્યભાસ્કર ના રિપોર્ટર કેતન દવે (૨૦-૩-૧૩) ના જણાવ્યા મુજબ, પોલીસે પહેલા કહ્યું કે, ‘દારુની બે બોટલ પકડાઇ છે.’ પછી ‘જ્યાદા હૈ’ થી શરુ કરીને ‘૩...૧૪...૧૯’ પેટી સુધીની બાતમી પોલીસે આપી હતી. કેતન દવે ને પોલીસના આ ‘જાદૂઇ ખેલ’ થી ભારે અચરજ થયું હતું. ૬ થી ૮.૩૫ એટલેકે અઢી કલાકમા પોલીસે ૨ માથી ૧૯ બોટલ દારૂ બનાવ્યો એમ જ જો આપણા અનાજના ગોડાઉનમા અનાજની ગુણીઓમા વધારો કરી શકે તો આપણે ત્યાં ક્યારેય દુકાળ પડે જ નહીં. હું સરકારને આ બાબતે વિચારવા અને પગલા લેવા નિવેદન કરું છું. કેટલાક લોકો આ જાદૂઇ ખેલ કરનારા પી.આઇ. ને ખાનગીમા પુછી રહ્યા છે, ‘દેસાઇ સાહેબ, પછી પાર્ટીમા ક્યારે બોલાવો છો?’

એકવાર ૪—૫ શરાબીઓની ટોળકી એક ઘરની સામે આવીને ઉભી રહી અને ઘરની ડોરબેલ વગાડી. ઉપરના માળેથી એક મહિલાએ પૂછ્યું, ‘કોનુ કામ છે?’ ટોળકીમાથી કોઇકે પૂછ્યું, ’બિલ્લુસાહેબનું ઘર આ જ છે?’ ‘હા. હું એમની પત્ની છું. બોલો, શું કામ હતું?’ ‘તમે નીચે આવીને બિલ્લુ સાહેબને ઓળખીને ઘરમા લઈ જાઓ, જેથી બાકીના અમે અમારા ઘરે જઈ શકીએ.’

દારૂ વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. દારૂબંધી અને દારુમુક્તિ વિષે પણ અનેક મતમતાંતર પ્રવર્તિ રહ્યા છે. આ બધી ચર્ચાઓ તો ચાલુ જ રહેશે.પણ એક વાત તમે નિશ્ચિંત માનજો, ‘જો તમને તમારી પત્ની ખુબ સુંદર, શુશીલ, કહ્યાગરી, એફિશિયંટ, બ્રીલિયંટ, સર્વગુણ સમ્પન્ન લાગે તો........તમરે સમજવું કે....તમે જે દારુ પી રહ્યા છો તે ઉત્તમ ક્વોલીટીનો છે.’

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com