કેટલીક કાઈન્ડનેસ કથાઓ- ભાગ:૨ Murtaza Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેટલીક કાઈન્ડનેસ કથાઓ- ભાગ:૨

કેટલીક

કાઈન્ડનેસ કથાઓ-

ભાગ-૨

  • લેખક: મુર્તઝા પટેલ -
  • કડકડતી ઠંડીનો ગરમાવો?!?!?!

    વહેલી સવારની કડકડતી ઠંડીમાં અમેરિકાના કોઈક ટાઉનના ફૂટપાથના ખૂણે મુફલિસ માણસ ઘરબાર વિના પડ્યો પાથર્યો છે.

    થોડીવારમાં એક યુવાન સ્ત્રી ક્યાંકથી ચાલતી આવે છે અને નજીકની કોઈક બેંચ પર બેસી સાથે લાવેલા ગરમાગરમ ફોફીના ઘૂંટ ધીમેધીમે અંદર ઉતારે છે, અને અંદર રહેલો થાક બહાર કાઢી રહી છે. ને પછી થોડીવારમાં રિફ્રેશ થઇ કપને બેંચ પર જ રાખી ઉતાવળે આગળ ચાલી જાય છે.

    ત્યારે આ મુફલિસની નજર એ ખાલી પડેલા કપ પર પડે છે. અંદરથી ‘કાંઈક બચેલું’ મળશે એમ માની એ લેવા ઉભો થાય છે. અને ત્યાં પહોંચીને એ કપ હાથમાં લઇ લે છે. પણ કપમાં વધેલી કોફીને બદલે એ સ્ત્રીની વીંટી દેખાય છે.

    મુફલિસ તો એ વીંટીને ખિસ્સાની અંદરના ચિંથરે વીંટાળી પેલી સ્ત્રીને શોધતો શોધતો દૂર તેની પાસે પહોંચી જઈ પાછી આપી દે છે. સ્ત્રીની એક આંખમાં વિવાહની વીંટી પાછી મળ્યાની ખુશીના આંસુ છે જ્યારે બીજીમાં આ મુફલિસની પ્રમાણિકતાના દર્દીલા આંસુ.

    સ્ત્રી તેની સાથે બહુ બોલતી નથી. પણ ખપ પૂરતી માહિતી મેળવી બીજે દિવસે તેની પાસે પાછી ફરે છે. એના હાથમાં હવે દાનરૂપે ભેગાં કરેલી ૧,૫૨,૦૦૦/- ડોલર્સની કડકડતી નોટો છે.

    કડકડતી ઠંડી અને કડકડતી નોટોમાં રહેલી પ્રમાણિકતાનું એક નવું જ કોમ્બો-પેક સર્જાયુ છે. ફૂટપાથ પર...’ફ્રુટ-પાઠ’ આપતું! આમ પણ...પ્રમાણિકતામાં ક્યાં કોઈ ક્રિયેટી'વીંટી'ની જરૂર પડતી હોય છે


    આંખેથી ‘ટીપું’ અને હાથેથી ‘ટિપ’ આપતી એક ઘટના..

    ડલ્લાસ શહેર. ત્યાં આવેલું છે ક્રોગર સુપરમાર્કેટ. આ સ્ટોર્સમાં થોડીક ભીડ છે. એટલે કેશ-કાઉન્ટર આગળ પણ લાઈન ધીમે ધીમે આગળ વધી રહી છે.

    આ લાઈનમાં ટોમ-બોય જેવો દેખાતો ૩૨ વર્ષનો છોકરો ‘કેસી સિમોન્સ’ પણ તેના ખુશહાલ ચહેરા સાથે ઉભો છે. કેસીને જોઇને આપણને ‘હશે...કોઈ મવાલી’ જેવો વિચાર આવે. આ કેસીની આગળ કે પ્રૌઢા-સ્ત્રી પણ ઉભી છે. સાવ નિરાશ, થાકેલી છે.

    કેસીને તેનો નિરાશ ચહેરો જોઇને કાંઈક કહેવાનું મન થાય છે. અને તેની સાથે હળવેકથી વાત કરવાનું શરુ કરે છે. પેલી સ્ત્રી આ અજાણ્યા પુરુષ તરફ બહુ ભાવ નથી બતાવતી. પણ કેસીને કુદરતી આ સ્ત્રી તરફ સહજ-પ્રેમ ઉભરાયો છે એટલે તે સોફ્ટ વાતચીત દ્વારા પેલીના ચહેરા પર સ્માઈલ લાવવાની કોશિશ કર્યે રાખે છે.

    તે સ્ત્રી સાંભળ્યું-ન સાંભળ્યું હોવાનો ભાવ બતાવે છે. ત્યાં જ કેશ-કાઉન્ટર પર તેનો નંબર આવી ગયો છે. કેશિયર તેની ખરીદેલી વસ્તુઓનું બિલ આપે. બિલ આવ્યું છે. ૧૭ ડોલર્સ.

    એ સ્ત્રી પાકીટમાંથી કેશ કાઢવામાં વાર લગાવે છે. એટલે કેશિયર થોડોક અણગમો બતાવે છે. અલબત્ત આટલી ભીડ છે એટલે. આ તરફ કેસી પાછળ ઉભોઉભો જોયા તો કરે છે, અને પળમાં પરિસ્થિતિ સમજીને તેના ખિસ્સામાંથી ૧૭ ડોલર્સ કાઢી પેમેન્ટ કરી નાખે છે. પેલી સ્ત્રી અને કેશિયર બંનેને જાણે સરપ્રાઈઝ લાગે છે. અને બને તરફથી કેસીને માત્ર ‘થેંક યુ !’ મળે છે...કેશમાં.

    તો ચાલો હવે આ ભલાઈની ઘટનાનું ૨૪ કલાક પછીનું ચેઈન રિએક્શન જોઈએ. ફાસ્ટ-ફોરવર્ડીંગ....

    પેલો કેસી સિમોન્સ...ડલ્લાસના જ ‘એપલબિઝ’ નામના ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરી રહ્યો છે. તેણે થોડી મિનીટ્સ પહેલા જ એક જુવાન છોકરીને ઓર્ડર કરેલું બર્ગર આપ્યું છે. બિલ થયું છે. માત્ર ૩૭ સેન્ટ્સ.

    પેલી છોકરી કાઉન્ટર પાસે જઈને બિલ ચુકવે છે ૫૦૦ ડોલર્સ અને ૩૭ સેન્ટ્સ. પછી ફટાફટ બહાર નીકળી જાય છે. કેશિયર કેસીને સ્માઈલ સાથે તેની પાસે બોલાવે છે, અને તેના હાથમાં પેલી છોકરીએ આપેલી રિસિપ્ટ સાથે બે બાજુ કાંઈક લખેલી નોટ્સવાળું ટીસ્યુ પેપર થમાવી દે છે. ટીસ્યુ પેપરમાં આવું લખ્યું છે....

    “ વ્હાલા કેસી, આ ૫૦૦ ડોલર્સની ટિપ મારી મા એ મોકલી છે. આ એ જ સ્ત્રી છે, જેને તુ ગઈકાલે ગ્રોસરી સ્ટોર્સમાં મળ્યો ‘તો અને તેના બિલના રોકડા ૧૭ ડોલર્સ તે ચૂકવ્યા ‘તા. મારા પપ્પાની ત્રીજી મૃત્યુ તિથિ હોવાને લીધે મમ્મા તને કદાચ થોડી નિરાશ દેખાઈ હશે. તારી સાથે બરોબર વાત પણ નહિ કરી હોય તેણે. પણ તું બૂરું ન માનતો.

    તે તારા હસમુખા સ્વભાવની સાથે જે ૧૭ ડોલર્સનું પેમેન્ટ કર્યું છે, એનાથી મારી મા ઘણી જ ખુશ થઇ છે. તેણે ઘરે આવીને મને તારા વિશે જણાવ્યું અને તું અહીં વેઈટર તરીકે કામ કરે છે. એ પણ મેં જાણ્યું.

    એટલે એ ખુશીઓનો બદલો મમ્માએ આ રીતે મોકલાવ્યો છે. રકમ કાંઈ એટલી મોટી નથી. છતાં કબૂલ કરજે. હું માની શકું છું કે...આ ટિપ મેળવ્યા બાદ કદાચ તું અત્યારે રડી રહ્યો હોઈશ......પણ અમે નહિ.”

    આટલું વાંચ્યા પછી. કેસી....બચારો શું બોલે? માણસાઈનું ચેઈન રિએક્શન...ફાસ્ટ-ફૂડ સેન્ટરમાંથી આટલુ ફાસ્ટ પસાર થઈને આવશે એનો તેને અંદાજ ક્યાંથી હોય?!?! એ ટિપવાળું ટીસ્યુ પેપર ભલેને કોરું હશે. પણ ટિપ-ટિપ પડેલા આંસુના ટીપાં ક્યાંક તો પડ્યા જ હશે....તેના પર.

    ||=|| ઈમાન’દાર આદમી બન્યો ઇનામ’દાર ||=||

    અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના એક ટાઉનમાં ૩૫ વર્ષથી વણઝારૂ જીવન ગાળી રહેલા ૫૯ વર્ષના ડેનિશ મૌહરીન નામના મસ્ત-ફકીરને ૫૦,૦૦૦/- ડોલર્સની લોટરી લાગી.

    ‘યેહ્હ્હ મને લોટરી લાગી’ – જેવી ધમાલ આપણી સાથે બને તો સારું થયું જ એવું લાગે. પણ આ ડેનિશ બાપુને જ્યારે એવી ખુશ ખબર મળી કે તેમણે તુરંત તેનો વહીવટ કરી નાખ્યો.

    તેણે આ ‘પચ્ચાહજાર’ ડોલર્સને એવા કામોમાં ઉપયોગ કરવાનો નિર્ણય લીધો કે જેમાં તેના જેવી ‘સ્ટ્રીટ-લાઈફ’ ઝિંદગી ગુજારતા બીજાં જરૂરતમંદોને બહેતર સાફ-સૂથરું રહેઠાણ અને સગવડ કરી આપી શકે.

    તે ઉપરાંત વળી થોડાં વધુ ગરીબ જણાતા તેના કેટલાંક ઓળખીતા બુઝુર્ગ દોસ્તોને માસિક ૧૦૦ ડોલર્સનું ભથ્થું પણ બાંધી આપવાનો મનસૂબો કર્યો. ત્યારે, સદાય હસમુખા રહેતા ડેનિશચાચાને જ્યારે કોઈ રિપોર્ટરે એમ પૂછ્યું કે પોતાના માટે શું કરશે? તો જવાબ મળ્યો કે: ......

    “એક નાનકડી ઝૂંપડીમાં આ બંદો પહેલા પણ મસ્તીથી રહેતો. અત્યારે પણ અલમસ્ત છું. અને હવે કોઈકને મદદ કરી થોડો વધારે મસ્તીમાં જીવી શકીશ. મુજે ઝ્યાદા ઔર ક્યા ચાહિયે?”......

    આ અકલમંદ ડેનિશને હું દાનિશ કહીશ...સાચે જ દાનિશમંદ!

    || ભલાઈનું રિ-સાયકલિંગ ||

    ઈ.સ. ૧૮૯૨માં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ૧૮ વર્ષના બે નવજુવાનો ચિંતામાં બેઠાં હતા. એટલા માટે કે તેમની પાસે ફી ભરવાના પૈસા ખૂટી ગયા હતા. વળી બેઉ અનાથ હોવાથી કોઈ મદદ કરી શકે એમ પણ ન હતું. અને કોઈકની પાસે હાથ ફેલાવવા માટેનું ગજું પણ હજુ તૈયાર થયું ન હતું.

    ખુદ્દારીને વરેલા એ બેઉ જણે કોલેજના જ કેમ્પસમાં એક નાનકડા મ્યુઝિકલ શોનું આયોજન કરી પૈસા કમાવવાનો આઈડિયા દોડાવ્યો. ચેરિટી શોના આશયે તેઓ મળવા આવ્યા તે સમયના મશહૂર પિયાનિસ્ટ જે. પેડ્રોવ્સ્કી પાસે. પણ તેના મેનેજરે તો ૨૦૦૦ ડોલરની ફિ ફરમાવી. મથામણ કરી બંને તૈયાર પણ થઇ ગયા.

    જો હોગા દેખા જાયેગા. ભારે મહેનતથી તેમણે શોની ટીકીટો વેચી. પણ હાથમાં આવ્યા માત્ર ૧૬૦૦/- ડોલર્સ. ગઈ ભેંસ પાણીમાં સમજી બંને પેડ્રોવ્સ્કીના મેનજર પાસે પાછા આવ્યા અને શો પછી ખૂટતા ૪૦૦ ડોલર્સ મહેનત કરી વખતે પાછા આપવાનું વચન આપ્યું. પણ ત્યાં તો ખુદ પેડ્રોવ્સ્કી પાસે આવ્યા અને રોકડું પરખાવ્યું:

    “નવજુવાનો ! એમ ના ચાલે. ફીનાં પૂરા પૈસા આપો. અથવા આ ૧૬૦૦/- ડોલર્સ પણ તમે જ રાખો. મને ન પોસાય. એમાંથી પહેલાં તમે તમારી ફિ ભરો. પછી જે રકમ બચે એ મારી કમાણી.....જાવ ફતેહ કરો !”

    બેઉ જુવાનો માટે શો અને ફિ બંનેમાં જાન રેડી આપનાર પેડ્રોવ્સ્કીસાહેબ ત્યાર પછી તો અમેરિકા છોડીને પોલેન્ડ વસ્યા અને તેમના સદનસીબે તેમને ત્યાંના નામાંકિત નેતા અને વડાપ્રધાન પણ બનાવી દીધા. પણ ત્યાં તો... ૧૯૧૪માં પ્રથમ વિશ્વ-યુદ્ધ થયું. અન્ય દેશોમાં બીજી અસંખ્ય જાનહાનીઓ સાથે મુસીબતોનું મહોરું પોલેન્ડને પણ પહેરવું પડ્યું. અને તેને (કમ) નસીબે?!?!?! મદદ માટે અમેરિકાની ખાદ્ય અને પૂરવઠા સરકાર પાસે ટહેલ નાખવી પડી.

    એ વખતે હર્બટ હૂવર નામના મંત્રીએ વિના વિલંબે (અને ટકોરાબંધ) ટનબંધ અનાજ પોલેન્ડ મોકલાવી રાહત આપી. પૂરવઠાની આવી પટેલગીરી જોઈ પેડ્રોવ્સ્કીસાહેબે અનાજ સાથે આંગળા પણ મોંમાં નાખી દીધા. અને યુદ્ધ બાદ એ મંત્રીનો આભાર વ્યક્ત કરવા મી. હર્બટ હૂવર પાસે જાતે અમેરિકા પહોંચી ગયા.

    “મુરબ્બી પેડ્રોવ્સ્કી સર ! આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. આપને યાદ હોય તો....આપ વર્ષો પહેલાં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં બે નવયુવાનો માટે ફ્રિમાં મ્યુઝિકલ શો અને ભણવાની ફિ આપી ચુક્યા છો. તેના પરથી માનવતાનો પાઠ ભણનારા એ બે યુવાનોમાં એક હું પણ હતો.”

    માનવંતો મોરલો: “સાચી નિયતથી ભલાઈ કરનાર અને લેનારનું રિ-સાયકલિંગ બસ આજ રીતે ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે....”

    સંપર્કસૂત્ર:મુર્તઝા પટેલ

    ફેસબૂક પર:

    ટ્વિટર પર:

    વોટ્સએપ પર: +20 122 2595233