જોબ્સ્તાન-એ-દાનિયાલ Murtaza Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોબ્સ્તાન-એ-દાનિયાલ

‘જોબ’સ્તાન

- એ -

દાનિયાલ

લેખક-સમીક્ષક: મુર્તઝા પટેલ


કિક-ઓન....કદમ!

“જે મુશ્કેલીમાંથી તકને ખોળે છે, તે પોતાના નસીબનું તાળું ખોલે છે.” – મુર્તઝાચાર્ય. (2015 B.C)

– આ વાક્ય આમ જોઈએ તો ૦.૧% જ સાચું માની શકાય. બાકી રહેલાં ૯૯.૯%ની સચ્ચાઈની સફળતાનો આધાર એ તાળાને ખોલવાની નિયતમાં છે એમ કહી શકાય. યેસ ! આપણને જે કાંઈ તકો સાંપડે છે તેનો આધાર દિલથી કઈ રીતે, કેવી ભાવના (ઓબ્જેક્ટિવ) દ્વારા ઉપાડીએ છીએ તેની પર રહેલો છે.

આ લેખનમાં એક એવા જ નવયુવાનની વાત છે. જેણે જસ્ટ ચંદ વર્ષ અગાઉ જ તેની મુશ્કેલીઓમાંથી સાહસિક તક ખોળીને તેના દબાયેલા સાહસિક સ્વપ્નને ધક્કો માર્યો છે. આમ તો લાખો યુવાનો કદાચ એવાં પ્રોબ્લેમ્સમાંથી પસાર થાય છે. પછી નસીબને દોષ દઇ ન કરવાનું કામ કરી બેસે છે.

આવાં લાખોમાં કેટલાંક એવાં પણ હોય છે જેઓ સંજોગોને બરોબર પકડી, સમજી ધીમે-ધીમે પણ પોતાની આસપાસ સફળતાની લાઈન દોરે છે. ત્યારે દુનિયા તેમને ખોળતી આવે છે.

આમ તો કેલિફોર્નિયામાં જન્મીને ઉછરેલા (પણ હાલમાં શિકાગોમાં સ્થાઈ થયેલ) દાનિયાલ સિદ્દીકીએ પણ આવું જ કાંઈ અનોખું દોડવીર સાહસ કરી મીડિયાને તેની પાછળ દોડતી કરી દીધી. પછી તેની નિષ્ફળતાની કહાનીને સફળતામાં ફેરવી પુસ્તક રૂપે બહાર કાઢી છે.: ‘50 Jobs in 50 States’.

આમ તો આ લેખ એ વિદેશી પુસ્તકનો નાનકડો રિવ્યુ જ છે. દેશી ભાષામાં હું તેનું ટાઈટલ ‘દાસ્તાન-એ-દાનિયાલ’ રાખી શક્યો હોત. પણ અહીં જ્યારે ફિઝિકલ જોબની વાત આવી ત્યારે મંથન બાદ જોબને દાસ્તાન (કહાની) સાથે જોડી દેવાનું મન થયું.

જેમાં નાનકડા રિવ્યુથી મોટિવેશનલનો ચપટી મસાલો જ છાંટ્યો છે. આખી બૂક વાંચીએ ત્યારે આપણે બિન્દાસ્ત જાતે ઘી વાળી મસાલેદાર ખીચડી બનાવવાની માનસિક તાકાત કેળવી શકીએ છીએ.

મારી તાજેતરની અમેરિકાની સફર પછી મને ખુદને પણ લાગ્યું છે કે સાહસને સિમાડાં નથી હોતા. એ તો મનમાં જ રચાતા હોય છે. તનથી તો બસ...તેને તોડવાની જરૂર પડે છે.

તો હો જ્જ્જાયે?

જય હિન્દ, જય વિશ્વ!!!

મુર્તઝા પટેલ.

તા: ૧૦-૧૧-૨૦૧૫

કેરો (ઈજીપ્ત).


ઉમાશંકર જોશીબાપા એ તો તેમની એક કવિતામાં કહી દીધું કે,

“ ભોમિયા વિના ભમવા ‘તા ડુંગરા,

જોવી ‘તી કોતરો ને જોવી ‘તી કંદરા ”

વાંચ્યા પછી વધુ ભાગે આપણે સૌ આવી કવિતાની પાછળ રહેલા કોઈક ‘અન-અચિવ્ડ’ પોઈન્ટ પર નિસાસો નાખી બીજી અનેક કવિતાઓ પર ‘વાહ વાહ’નું કે આહ !નું ટેગ નાખી આગળ વધી જતા હોઈએ છે.

પણ આ દુનિયામાં એવાં કેટલાંય ‘નમૂના’ઓ છે જેઓ સાચે જ તેમના ડમ્બ લાગતા દિમાગમાંથી નીકળેલા ક્રિયેટિવ કીડા જેવા વિચારને અનુભવવા ભોમિયા વગર જ દુનિયા (અહીં ડુંગરા અને કંદરાઓ) ભમવા નીકળી પડે છે.

દાનિયાલ સિદ્દીકીને આવો જ એક નમૂનો જાણવો.

નાનપણથી જ કેલિફોર્નિયામાં દરિયા કાંઠાના શહેરમાં ઉછરેલા દાનિયાલને ભણવા કરતા સ્પોર્ટ્સમાં જ જીવ ચીટકેલો. દોડવામાં, કૂદવામાં તેને એક અજીબ આનંદ આવતો અને એટલે જ ઘણાં બાળકોની જેમ આ પોરિયો પણ ભણવાના ‘ભ’ કરતા ભાગવાના ‘ભ’માં સ્કૂલ અને કોલેજ લેવલે આગળ રહ્યો.

જ્યારે આવું થાય ત્યારે ફાઈનલ માર્કશીટ અને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટમાં ‘સાવ ચ્ચ ઓછાં માર્ક્સ’ની રિમાર્ક્સ આવે જ ને?!!! –. ને પછી કોલેજમાં જે દોડ-સ્પર્ધા માટે મેડલ્સ મેળવ્યા એવી દોડાદોડ કોલેજની બહાર કરી ત્યારે મેડલ્સ તો શું કોઈએ જોબ પણ ન આપી. દાનિયાલભ’ઈ ટેન્શનમાં તો આવ્યો પણ નિરાશામાં નહિ.

કારણ સારું હતું. કેમ કે ધરતી પણ એવી જ તકોથી ભરેલી એટલે ‘પડશે એવી દેવાશે’ની વૃત્તિએ તેને પાસ સાથે નાસીપાસ પણ ન થવા દીધો. ને ‘કોઈપણ પ્રકારની જોબ’ મેળવવા થોડીક વધારે કોશિશ કરવા તે કેલિફોર્નિયા રાજ્યની બહાર નીકળ્યો. પણ ફરીવાર એ જ નિષ્ફળતા. તેના માટે ‘નો જોબ ફોર ફેલ્યોર’નું પાટિયું મુકાયું.

ત્યારે તેને થયું કે જેમાં એ સૌથી વધારે એક્ટિવ રહે છે એમાં જ પગ (આઈ મીન હાથ) અજમાવે તો કેવું?- એમ વિચારી દાનિયાલ કેટલીક યુનિવર્સીટીઝમાં એથ્લેટિક્સ-સ્પોર્ટ્સના કોચ તરીકે હંગામી ધોરણે જોડાયો. પણ આવા ઉગતા જુવાનના ખર્ચા પણ ઝડપથી ઉગતા. એટલે ખિસ્સા-ખર્ચી માટે રિટેઈલ આઉટલેટમાં સેલ્સમેન તરીકે પાર્ટ-ટાઈમ જોબ્સ શરુ કરી. સાથે દિલમાં નિયત કરી કે કેરિયર બનાવીશ તો કોઈ એક ફીલ્ડમાં જ. આવી દોડાદોડી કરીને નહિ.

જ્યારે દિલથી ‘ટ્રેક’ પકડાય ત્યારે મગજમાંથી આઈડિયા પણ રસ્તે મદદ કરવા આવી જાય છે. દાનિયાલને પણ આવું જ કાંઈક થયું.:

“હાળું અલગ અલગ જોબ્સ દ્વારા આટલી બધી દોડાદોડ કરું છું અને હાથમાં ‘કાંઈ બી ની મલે’. તો જો હવે કોઈક એવાં મોટીવેશનલ મિશન દ્વારા દોડું ત્યારે લર્નિગ સાથે અર્નિગ પણ જરૂર મળી શકે છે ને?!?!?

તો હે મન ! ચાલ ઉપાડ ચેલેન્જ. પચાસ અઠવાડિયાં (લગભગ એક વર્ષ)ના ગાળામાં અમેરિકાના બધાં જ (પચાસ) રાજ્યોની સફર કરવા અને મેળવ પચાસ અલગ-અલગ અવનવાં કામોનો અનુભવ. ને સાથે ડોલર્સ બોનસમાં....”

ઝટકે આવેલા આવા વિચારને હટકે સ્વરૂપ આપવા દાનિયાલ તેની ઓળખાણવાળા કેટલાંક લોકોને મળવા ચાલ્યો. પણ હાય રે કિસ્મત ! સફર માટે સ્પોન્સરશીપ મેળવવામાં પણ આ બંધુને સતત અસફળતા-રિજેક્શન મળ્યા. ત્યારે થાય કે શું આવી સ્થિતિમાં આવા બ્રેવ બાપુએ ‘તારી હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે’ કાવ્ય વાંચ્યું હશે?!?! –

(નહિ જ વાંચ્યું હોય. કેમ કે આવાં કાવ્યો વાંચ્યા બાદ ઘણાં જૂજ લોકો એકલા નીકળવાની હિંમત કરતા હોય છે એવું ઇતિહાસે સતત નોંધ્યા કર્યું છે.)

ખૈર, આ દોડવીરના દિમાગમાં પચાસનો આંકડો એવો ફિટ થઇ ચુક્યો ‘તો કે તેને દિમાગમાંથી બહાર કાઢવા માટે પચાસ રાજ્યોની સફર કર્યે જ છુટકો હતો. એમાં ક્યાં કોઈ બીજો રસ્તો હતો?

દરેક રાજ્યની ખાસિયત ધ્યાનમાં રાખી જે તે રાજ્યમાં કઈ જોબ તેના માટે ‘ધ મોસ્ટ સુટેબલ’ થઇ શકે તેનો નેટ-લક્ષી અભ્યાસ કર્યો અને બનાવ્યું લિસ્ટ. પછી એક નાનકડો બ્લોગ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર ‘અમેરિકાના ૫૦ સ્ટેટ્સની મુલાકાતના મિશનનું સ્ટેટસ અપડેટ કર્યું. ‘દેખના ક્યા? જો ભી હોગા દેખા jaayજાયેગા.

ને શરુ કરી સપનાને હકીકતમાં સાકાર કરવાની સફર..

  • જ્યાં એક અઠવાડિયું ખડકીલા વિસ્તાર સાઉથ ડાકોટામાં રેડિયો એનાઉન્સર તરીકે ખોડ્કાવું પડે, ને બીજું અઠવાડિયુ બર્ફીલા બનતા મિનેસોટામાં મેડિકલના મશીન્સનું રિપેરિંગ અને ઓપરેટિંગ કરી પેટનું મશીન ચાલુ રાખવું પડે.
  • પશ્ચિમના રણ-રાજ્ય નેવેડાના લાસ-વેગાસ શહેરમાં વેડીંગ મેનેજમેન્ટ કંપનીના આસિસ્ટન્ટ તરીકે જોડાઈ લોકોના લગ્ન કરી આપવા પડે, ને પૂર્વ દિશામાં ફ્લોરિડાના દરિયા કિનારે કોઈ એક થિમ-પાર્કમાં મનોરંજન કરવા ભીનાભીના પણ થઇ જવું પડે.
  • ક્યારેક વળી મોન્ટાનામાં એક નાનકડા જનરલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે વસ્તુઓ વેચવી પડે, ને પછી ઈલિનોઈસમાં પ્લેનની ટીકીટના એજન્ટ તરીકે વેચાઈ પણ જવું પડે.
  • એક વિકમાં જ્યોર્જિયામાં મગફળીના ઉતરેલા પાકની ધૂળ ખાઈ ‘વિક’ પણ બનવું પડે, તો પોતાના ઉછરેલા રાજ્ય કેલિફોર્નિયામાં લટકતી દ્રાક્ષને ખેતરમાંથી લાવી વાઈન બનાવવા ભંડાકિયામાં મજબૂત બનાવવી પડે...
  • આ તે કેવું લાગે કે પેન્સિલવેનિયામાં કઠિયારો બની ત્યાંની અમીષ પ્રજા માટે લાકડા કાપવાના, ને કનેક્ટિકટમાં ઇન્સ્યોરન્સ ‘બ્રોકર’ તરીકે લોકોની લાઈફ પણ જોડી આપવાની!!!!!
  • જો કે નોર્થ-કેરોલિનામાં ફૂલ-ફટાકડી મોડેલ્સ સાથે મોડેલ બનીને ફોટોસેશન કરાવ્યા બાદ ન્યુયોર્કમાં (વાઉ! મારુ વ્હાલું) ઈંટરનેટ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ તરીકે કન્ટેન્ટ્સનું મેનેજમેન્ટ કરવું પડે ત્યારે બધો જ થાક ઉતરી જાય કે નહિ?- સવ્વ્વાલ જ નથી બોસ!!!!
  • આહ ! આ બધાં જ પચાસ રાજ્યોમાં એક એક અઠવાડિયા પૂરતું રહી, તેને લગતી જોબ પર લાગી કમાણી કરવાણી બાબતને આમ અહીં લખવું ઘણું સરળ લાગે છે. ખરેખર તો દાનિયાલના ગરમ રહેલા કૂલાને જ તેની ખબર હશે છે કે આગ બરોબર ક્યાં લાગે છે.

    આ તો આવાં અજીબો-ગરીબ અનુભવોનું પોટલું તેણે પોતાની બૂક ‘50 Jobs in 50 States’ માં મુક્યું છે એટલે. બાકી ‘અમેરિકામાં ચકલી ઉડી, કોણે જોઇ ભ’ઇ?’ જેવો ઘાટ થાત.

    પચાસે રાજ્યોમાં તેણે અલગ અલગ કેવી ‘નોકરીઓનો ધંધો’ કરી અનુભવ અને ડોલર્સ મેળવ્યા તે દરેકની વિગતો આ સિદ્દીકી બાબલાએ બહુ મસ્ત ભાષામાં લખી છે. લગભગ ૩૦૦ પાનાંની આ બૂકમાં મને કાળી ઇન્કને બદલે તેની મહેનત-મજૂરીનો ટ્રાન્સપેરન્ટ પસીનો દેખાયો એટલે થયું કે આવાં ઝન્નાટેદાર અનુભવોનું દેશી ભાષામાં ગ્લોબલાઇઝેશન કરીએ તો કેવું?!!

    વિવિધ જોબ્સ દ્વારા પણ તકોની ભરમાર ઉભી કરવાવાળા માણસનું માનસ કેવું છે એ જાણવાની બહુ પરવા કર્યા વિના ‘લાઈફમાં અસીમિત બનીને પણ કાંઈક એવું કરી શકાય છે જેનાથી આપણને ખુદની સાચી ઓળખ મળે છે.’ એવો મોરલ આ બૂકમાંથી મેળવી શકાય છે.

    બાકી બેઠા બેઠા ‘ઓહ! આહ ! અને વાહ!’ કરાવે એવાં કાવ્યોની ક્યાં કમી છે?!?

    દોસ્તો, દાનિયાલ સિદ્દીકીની આ બૂક ‘50 Jobs in 50 States’ “દરેકેદરેક લોકોએ વાંચવી જ જોઈએ” એવું પ્રમોશન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. પણ જેઓ પોતાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં “હારું કાંઈ હમજણ નૈ પડતી, હુ કરવું લ્યા?- ધંધે લાગુ કે પસી નોકરી કરવા ‘બા’રે જવું?!?!?!?!?” બોલી એક હાથ માથે મૂકીને બીજો હાથ માવાની ભૂકીમાં રાખી ‘ટાઈમ પાસ’ કરે છે તેમના માટે આ બૂક ભૂખ મીટાવવા જેવું કામ કરી શકે છે.

    આપણને એવું થાય કે અમેરિકામાં તો ૫૦ રાજ્યો છે, એટલે તકો પણ ‘બહુ ચ્ચ મલે’. પણ આપણા દેશમાંય એટ-લિસ્ટ ૩૦નો આંકડો છે. અને દેશનું દરેક રાજ્ય તેની ખાસિયત ધરાવે છે. જો તમને લાગે કે તમારા રાજ્યમાં તમારી સ્કિલના કોઈ ચણાય નથી આપતું. ત્યારે બીજાં ૨૯ ઓપ્શન્સ ધ્યાનમાં રાખી ખુશી સાથે (ગૂગલ મહારાજની કૃપા લઇ) નીકળી પડવું એ જ કલ્યાણ.

    યાદ છે ને આ સૂત્ર? ‘વિવિધતામાં એકતા એટલે ભારત’- બસ તેને હવે બેનર-બોર્ડ પરથી દિલમાં કોતરી કોતરો ખૂંદવાની જરૂર છે. રસ્તાઓ તો ઓલરેડી બન્યા છે.

    હવે ઉમાશંકરબાપાનું પેલું કાવ્ય આમ વાંચો.....

    “ભોમિયા વિના ભમવા ‘છે ડુંગરા,

    જોવી ‘છે કોતરો ને જોવી ‘છે કંદરા”

    બોલો હવે થોડું વધારે મજ્જાનું લાગ્યું ને?.

    ‘50 Jobs in 50 States’ બૂક મેળવવા આ લિંક:

    અને મને કોન્ટેક્ટ કરવા આ લિંક: પુરતી છે.