સફળતાની સરળ અને ફેન્ટાસ્ટિક ફોર્મ્યુલા Murtaza Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતાની સરળ અને ફેન્ટાસ્ટિક ફોર્મ્યુલા

સફળતાની

સરળ અને ફેન્ટાસ્ટિક

ફોર્મ્યુલા

(D+P+T) x A = S

મુર્તઝા પટેલ

સંપર્કસૂત્ર:

ફેસબૂક પર:

ઈમેઈલ:

“Before You Can Score, First You Must Have a Goal.”

“સર! દાખલાના આ બીજા સ્ટેપ પછી મને ખ્યાલ નથી આવતો...એટલે ફાઈનલ જવાબ આ કઈ રીતે આવે છે એની હજુ સમજ પડી નથી, પ્લીઝ મને સમજાવી શકશો?”- બી.એસસી.ના એ પહેલા વર્ષના બીજા દિવસે જ પ્રો. શેખરને મારાથી આ સવાલ પૂછાઈ ગયો. એ પણ પીરીયડ પુરો થયો ત્યારે.

તે વેળા હું એક નવો-સવો કોલેજીયન હતો. એટલે થોડીવાર માટે મને થયું કે શિષ્ટાચારની (Disipline) વિરુદ્ધ અમલ થયું છે. પણ એ પ્રો. શેખર સાહેબ હતાં. એ પણ એકના એક. એટલા માટે કે બીજા અમુક ‘માસ્તરજી’ હતાં...જ્યારે તેઓ ‘ગણિતની ‘પ્રોફેસી’ ધરાવનાર માસ્ટર.

હા...તો...સેકંડ ફ્લોરના અમારા એ ક્લાસરૂમની બહાર નીકળતા જમણી બાજુ આવેલી દાદર પરથી ઉતરતા-ઉતરતા એમણે એક સેકંડ મારી તરફ નજર કરી નોટબૂકને હજુ તાજા રહેલા સફેદ ચોક્વાળા હાથમાં લઇ પોતાની પેનથી પેલા ગૂંચવાયેલા દાખલાને ઉકેલી બતાવવામાં એમણે પોતાનું મન દાખલ કર્યું. ત્યારે ઝીંદગીમાં પ્રથમવાર આ રીતે ગણિતની એમની આ ‘પહેલી’ ઉકેલ કળાનો પરિચય થયો.

એ પછી તો શેખર સર..અમારા સૌને માટે ગણિત-સરતાજ બની ગયા. થાકને ૧૯-૨૦ કરીને પણ અમારા દાખલાંઓને ‘૧-૨-૩’ સ્ટેપ્સમાં મીનીટમાં ઉકેલી ‘નવ-દો-ગ્યારહ’ થઇ જતા. કમનસીબે હું તો એમના બીજા વર્ષનો લાભ ન લઇ શક્યો કેમ ગણિત કરતા કેમેસ્ટ્રીની મિસ્ટ્રીમાં મને રસ વધારે હોઈ હું એમાં ખોવાઈ ગયો. પણ એ નહિ. ઘણી વાર તેઓ એમની મેથ્સને પણ અમારી કેમિસ્ટ્રી સાથે ભેળવીને ચર્ચા કરતા. ત્યારે ત્રીજા વર્ષના પાછલા છેલ્લાં મહિનામાં એક વાર મારાથી એક નોખો સવાલ પુછાઈ ગયો.

“સર, આપે સક્સેસ (સફળતા) માટેની આપની એવી કોઈ ફોર્મ્યુલા બનાવી છે ખરી જે અમને ધંધમાં કે કેરિયર ડેવેલોપમેન્ટમાં ઉપયોગી થાય?”

“મેં મારી એક ‘શેખરી ફોર્મ્યુલા’ બનાવી છે!....પણ ભાઈ, તમને એની કઈ રીતે ખબર પડી?”

“સર, આટલાં વર્ષમાં અમે હવે આપને શેખરને બદલએ ‘શિખર સર’ કરનાર અને કરાવનાર માનતા થઇ ગયા છે. એટ-લિસ્ટ એવું નોલેજ અમને મળ્યું છે.”

“હ્મ્મ્મમ, જો આવો સ્માર્ટ જવાબ આપી શકો છો તો..તો પછી મારી એ સક્સેસ ફોર્મ્યુલા આ વખતે તમે ઉકેલી આપો તો હું માનીશ કે તમે સ્માર્ટ સ્ટુડન્ટ પણ છો!

કોલેજની શરૂઆતના પેલા બીજા દિવસની અપાયેલી નોટની ઘટના આજે અમને ઇન્વર્સમાં દેખાઈ રહી હતી. દાખલો એમનો હતો ને ઉકેલ અમને આપવાનો હતો.

(D + P + T) X A = S

તો, બાપુ.... એ તો હમજ્યા કે...એમાં S = Success નો . પણ એમના બાકીના આલ્ફાબેટ્સને ઓળખાતા, સમજતા, ઉકેલતા અમને વાર તો લાગી પણ ખરખરતા મગજનું દહીં એમ ને એમ થોડું થાય છે. આજે કોલેજ કાળ ભલેને છૂટ્યો હોય પણ આ ફોર્મુલાએ અમારો સાથ છોડ્યો નથી.

સમયની સાથે એમાં રહેલી સંખ્યાઓ બદલાતી રહી છે પણ ફોર્મ્યુલામાં જરાય ફરક પડ્યો નથી. તો ચાલો આગળ જોઈએ બીજા અક્ષરનો જવાબ....

છાનું-છપનું સપનું....રહે કયા ખપનું?- D for DREAM:

યેસ, (D + P + T) x A= Success વાળા સૂત્રનો પહેલો અક્ષર....D for Dream.

.....દોસ્તો, જસ્ટ કલ્પના તો કરીએ કે....

જો અમેરિકામાં:

 • એપલ-મેકના સર્વેસર્વા સ્ટીવ જોબ્સે સાવ જ અલગ ક્રિયેટિવ કોમ્યુટર અને કોમ્યુનીકેશનના ક્ષેત્રમાં છવાઈ જવાની જોબનું સ્વપ્ન ન જોયું હોત તો?...
 • વોલ્ટ ડીઝનીએ બચ્ચે (ઔર બચ્ચોં સે નહિ બચે હુવે) લોગ માટે અલગ ડિઝનીલેન્ડનું હાઈ-વોલ્ટેજ વાળું સ્વપ્ન જ ન જોયું હોત તો?...
 • માઈક્રોસોફ્ટના મહારાજા બિલ ગેટ્સે ‘ઘર ઘરમાં કોમ્યુટર’નું સ્વપ્ન સાવ માઈક્રો અને સોફ્ટ જ રાખ્યું હોત તો?...
 • જો લંડનમાં:

 • ‘સસ્તી અને સરળ વર્જિન એરલાઈન્સ’ થી લઇ ગેલેટલાંટીક સ્પેસની મુસાફરી આમ જનતા સુધી પહોંચાડવાનું સ્વપ્ન રિચાર્ડ બ્રોન્સને પોતાના દિમાગમાંથી જ બહાર લાવવાનું વર્જિત કરી દીધું હોતે તો?...
 • સુપર-ફાસ્ટ સફળ થયેલી હેરી પોટરના પાત્રનું સ્વપ્ન જે.કે. રોવ્લિંગસે પોતાના દિમાગમાં ને કલમમાં રોલિંગ જ ના કરાવ્યું હોત તો?...
 • જો ઇન્ડિયામાં:

 • ‘અંગ્રેજોની ગુલામીથી આઝાદી’ નું એક માત્ર લક્ષ ધરાવતું સ્વપ્ન ગાંધી સાહેબે મનમાં ને મનમાંજ ગોંધી રાખ્યું હોત તો...
 • રૂ ના તાંતણાંથી લઇ તેલ કે ટેલીફોન સુધીમાં ટોટલ ઈજારો ધરાવવાના સ્વપ્નમાં ધીરુભ’ઈ એ ધીરજ રાખી હોત તો...
 • જો જાપનામાં:

 • સોની કંપનીના આકીયો મોરીટાએ સોના જેવું ‘ડીજીટલ દુનિયા’નુ સ્વપ્ન ન જોયું હોત તો?...
 • અરે આખે-આખી ટોયોટાને અમેરિકા થી લઇ ઓસ્ટ્રેલિયા સુધી ફેલાવીને કીચીરો તોયોડાએ સ્વપ્ન જોઈ ટોંટીયા ના તોડ્યા હોત તો?...
 • તો પછી...’જો’ અને ‘તો’ વચ્ચે અટવાયેલા આપણે સૌ આ આર્ટીકલ પણ વાંચતા ન હોત... નહિ રે...આ દુનિયાની સિકલ કાંઈક અલગ જ હોત...

  બંધુઓ અને બંદિનીઓ, સાચું સપનું (Real Dream) અને હટકે વિચાર (Idea) એક ન જન્મેલા ગર્ભ જેવા છે. એ ‘બાળક’ ત્યારેજ કહેવાય છે જયારે એ રીઆલીટી બની બહાર નીકળે છે. પુરતી સાર સંભાળ ન લેવામાં આવે તો મિસકેરેજ પણ થઇ શકે છે. જેની પછી કોઈ વેલ્યુ નથી.

  એક વિદ્યાર્થીની જેમ રહેતા મોટીવેટર મુર્તઝાચાર્ય ડાઈરેક્ટ ટુ દિલ વાળા વાક્યથી એમ કહે છે.. “ઓલમોસ્ટ લોકો અસરકારક સ્વપ્ના પર... ‘No Way!...એમ તો કાંઈ હોતું હશે’ એમ કહીને હસી કાઢે છે. બસ! ત્યાંજ એમના પ્રોગ્રેસનું માનસિક મૃત્યુ થાય છે. અરે ભાઈ! એને અંદરથી બહાર તો આવવા દો!- એ આવશે તો ડેવેલોપ થશે ને પોતાનો રસ્તો જાતે ખોળતું જશે...અને જો ડેવેલોપ નહિ થઇ શકે તો એના મૂળમાં જઇ પાછું સમાઈ જશે. પણ તમને એટ-લિસ્ટ એને બહાર કાઢવાનો અને ‘આઇડીયા’લીસ્ટીક મા કે બાપ બન્યા હોવાનો મોકો તો મળશે!!!!”

  હા!...તો સો વાટ વાળી એક વાટ: સપનું એ પછી ડીઝનીદાદાનું હોય, બિલભ’ઈનું, ધીરુકાકાનું કે કોઈ રોવ્લિંગબે’નનુંયે હોય...એને તો બસ એક ધક્કાનો ઇન્તેઝાર હોય છે. તમારામાં એવો કોઈ ‘ગર્ભ’ પાકી રહ્યો છે?....તો શરુ કરી દો આજ્થીજ આપડી ગુજ્જુ પંચિંગ અને ચમ્પીંગની પ્રેક્ટીસ. મેં તો મારી આલ્ફાબેટસમાં D for Donkey ને બદલે Dreams ક્યારનુંયે ગોઠવી દીધું છે?

  તો ચાલો હવે સૂત્રમાં આવેલુ P એ શું? ઓયલા...એ તો આપણું વહાલું PASSION. જેને માટે બહુ માથા-પછી કરવી જરૂરી લાગે છે ખરી, એનો જવાબ તો આ પોસ્ટમાં જ્યુસની જેમ બનાવી લખ્યો છે. તમે એને રસપૂર્વક Pધો કે નહિ?

  શું કરું મુરબ્બી! આજના જમાનામાં નેટ પર વેપાર કાંઈ એમ ને એમ થાય છે? થોડી તો મહેનત કરવી જ પડશે રે!

  તો હવે પછી T શું છે?..... TARGET, TECHNIC, TRANNING, TECHNOLOGY કે પછી આમાંનું એકેય નહિ?

  એ વાત માટે બસ આગળ વાંચતા જ રહો...


  સફળતાનું ઇસ્ટર-ઈંડું (Easter Egg) એટલે T for Talent

  કોલેજમાં રહેલા ઓલમોસ્ટ બધાં દોસ્તોને આ શબ્દ બહુ ગમે. વર્ષની આખરમાં યોજાતો આ ઉત્સવ કેટલાંકને નાટકના હીરો બની હિરોઈન સાથે ‘હીરોગીરી’ બતાવાનો કે કેટલાંકને ગીત દ્વારા છુપી રીતે પ્રેમ પ્રગટ કરવાનો તો કેટલાંકને પોતાની પ્રતિભાને પ્રોફેશનમાં કન્વર્ટ કરવાનો એક અનોખો મોકો મળતો હોય છે. પણ હાય રે કિસ્મત!...બધાંજ એનો ભરપૂર ઉપયોગ ક્યાં કરી શકે છે?

  આમાં વધુ ભાગે સમય-રથની ટીકીટ લઇ ક્યાંક દૂર ચાલ્યા જાય છે યા તો વિલે મોડે ‘હશે..આપડા નશીબ...બીજું શું!’ કહીને નાહી નાખે છે. જે બચ્ચાઓ બચે છે તેઓ રથના સારા સારથીની મદદ લઇ આગળ આવે છે. એવા ‘ઐશ્વર્યા મજુમદાર’, ‘સુનિધિ ચૌહાણ’, ‘પરેશ રાવળ’, ‘નેહા મહેતા’, ‘દિશા વાકાણી’, ‘જોહની લીવર’ ‘જેકી શ્રોફ’......અરે ગાંધીને અપનાવી ‘બેન કિંગ્સલે’ (યેસ બેનજી ગુજ્જુ છે બોસ) વગેરે... વગેરે... વગેરે...બનીને બોલીવૂડ કે હોલીવૂડ ગજવી નાખે છે.

  કેવી રીતે?- સિમ્પલી..પોતાની અંદર આવેલા ઇસ્ટર-એગના કોચલામાંથી બહાર આવીને!

 • ટેલેન્ટ એટલે એ નહિ કે:...રફીસાહેબ, કિશોરકાકા, મુકેશમામા યા લતાદીદી જેવો અવાજ કાઢી ‘વાહ! વાહ!.. વાહ! વાહ!’ બોલાવી શકો. કેમ કે એ તો એમનો અવાજ થયો. તમારો ક્યાં છે એમાં?
 • ટેલેન્ટ એટલે એ પણ નહિ કે:....આખી ક્લાસમાં પહેલા ધોરણથી કે કોલેજકાળ સુધી વટ મારીને પહેલા નંબરની પૂંછડી પકડી રાખી હોય. ને પછી ન છુટકે છેલ્લે (મમ્મી-પપ્પાના કહેવાથી) નોકરાઓ કરી-કરીને બોસની ડેલીએ દરરોજ હાથ ધોઈ આવતા હોવ.
 • ટેલેન્ટ એમાં તો જરાય નથી કે:...પચ્ચી-પચ્ચા પાનાંઓ ભરીને તમે તમારી (કે કોઈક બીજાની) પ્યારીને લવ-લેટર લખી નાખો..(પછી ભલેને પેલી વાંચીને બોર થાય.)
 • એ કાંઈ ટેલેન્ટ નથી કે:... તમે દાળ-ઢોકળી કે પાણી-પૂરી ૧૦૦ જણને એક હાથે ખવડાવી શકો.
 • ટેલેન્ટ હું એને નહિ કહું કે:...તમારી રડતી ગર્લ-ફ્રેન્ડને પળવારમાં હસતી કરી દો યાં પછી બોસે આપેલું એક અઠવાડિયાનું એંઠું કામ રાતો જાગીને એક દિવસમાં કરી આપો (એ તો પૂરી ગદ્ધામજૂરી કહેવાયને)....ના... ના.. ના.. ના.. ના..રે ના.. આ બધું તો લાખો લોકો.. હજારો વર્ષોથી કરી રહ્યાં છે.
 • ટેલેન્ટ એટલે....

 • ત(મારા જેવો) ને તમારો પોતાનો ૧૦૦% સૂર બીજો કોઈ કાઢી જ કેમ શકે? – હરણાં કે બતકાં તો પછીની વાત છે...પહેલા સંગીતકારો કે ગીતકારો પાછળ દોડતા આવવા જોઈએ.
 • ત(મારા જેવી) કોઈક નવાજ રાગની રચના બાંસૂરી પર બીજું કોઈ કરી કેમ શકે? – બેસૂરા સૂરને સૂરીલો બનાવી શકો તો કાંઈ વાત થાય!
 • ત(મારા જેવો) પ્રેમપત્ર બીજુ કોઈ લખીજ કેમ શકે?- ભલેને પછી એ એક-કે બે લીટીનો હોય....પેલી દોડતી આવીને તમારામાં ભરાઈ જવી જોઈએ.
 • ત(મારા જેવી) સાવ નોખા જ સ્વાદની પાણી-પૂરી કે પાપડ બીજા કોઈ બનાવી કેમ શકે?- જેને માટે કોઈ પણ મોસમમાં એનો તડપનાર બધું જ બાજુ મૂકી અમેરિકાથી અમદાવાદ કે લંડનથી લખતર આવવા પણ તૈયાર થઇ જાય.
 • ત(મારા જેવો) વાત કરવાનો એક અફલાતૂન અંદાઝ બીજા કોઈનો હોય જ કેમ?- જેમાં બીવી-બચ્ચા, બોસ યા બિઝનેસ-બંધુ એની અદા પર ફિદા થઇ તમારી મુશ્કેલીઓને હરી લઇને તમને બચાવતા રહે!.
 • ત(મારા જેવી) પૈસા પેદા કરવાની સ્ટાઈલ બીજામાં હોય જ કેમ? - એવી હોય કે વર્ષો સુધી ‘સાવ ઠોઠ નિશાળીયો’ નું લેબલ લઈને પણ માર્કેટમાં લોકો તમારી સાથે પાપડનો વેપાર કરવાય તલપાપડ હોય.
 • તમારું પોતાનું અસલીપણું, તમારી ‘YOUnik’ આવડત (સ્કીલ) જે સામે રહેલા કોઈ પણ બોય કે ગર્લ ને પાગલ કરી મુકે એનું નામ ટેલેન્ટ. કુદરતે દરેકેદરેક જીવને પોતાની લીલા બતાવવા અને સુવાસ ફેલાવવા છુપાયેલી સ્કિલ્સને રંગબેરંગી ઈંડાંમાં મૂકી દીધા છે. એ જ આપણું Hidden Talent. એટલે જ તો ઇસ્ટર-એગ્સ અલગ અલગ રંગોમાં સજાવાયેલા હોય છે. જેથી લેનારને દર વખતે અંદરથી કાંઈક નવીનતા મળી આવે. પણ આ નવીનતાને ઓળખવા એના કોચલાંને તોડવું જ પડે છે. દોસ્તો!

  પ્રેકટીકલ ઉદાહરણો જોવા હોય તો ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’ કે ‘બ્રિટન’ઝ ગોટ ટેલેન્ટ’ જેવી ગોટ ટેલેન્ટસ સીરીઝ જોવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે એની આ યોર્સ ટ્રૂલિ બાંહેધરી આપે છે.

  તો ટેલેન્ટના આ અલગ ઈંડાંની બહાર કેમ આવીશું?- કામ બહુ અઘરું લાગે છે?...તો લઇ લ્યો એ માટેના સરળ રસ્તાઓ.

 • તમે એવું શું શું કરી શકો છો જેમાં બીજાને હાંફ ચડી જાય અથવા તમારી હોડમાં ઉતરેલો હાર માની લે.- બનાવો લાંબુ લિસ્ટ. મીનીમમ ૨૫ પોઈન્ટસની કોશિશ કરાય તો મજ્જાની લાઈફ!
 • તમારી ખૂજ નજીક હોય એવા સગા-વહાલાં કે વહાલી તમારા માટે શું વિચારે છે?... તમારી કઈ બાબતો તરફ એમને ગમો-અણગમો છે?- જાવ એમનો ઇન્ટરવ્યુ લેવા.....યા આપો એમને લિસ્ટ બનાવવાનું હોમવર્ક. (એના રિટર્નમાં કંજૂસી છોડી કોઈ એક ઉપયોગી ગીફ્ટ આપવાનું ન ચુકતા. (કેમ?.....લિંચ-પીન ભૂલી તો નથી ગયા ને?) ૨૫ને બદલે ૫૦ બાબતો એ બતાવશે.
 • છે કોઈ એવા કામો જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: “એમાં શું! આ તો આપડે ય કરી શકીએ!” – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે કઈ બાજુ ખરા ને ક્યાં ખોરા પડો છો?
 • છે કોઈ એવુ કામ જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: “ના ભ’ઈ ના!...આમાં આપડું કામ નહિ લ્યા!” – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે ક્યાં ખોટા પડાય છે ને કઈ બાજુ તમારા ફોટાં પડાય છે?
 • ચાલો ત્યારે...

  D for Dreams | P for Passion | T for Talent તો જાણી ચુક્યા...

  હવે A for ...શું? Apple, Amdavad, Attitude, Advancement કે Achivement?...

  Aaગળ વાંચો અને જાણો...


  વેપારની સફળતામાં સહિયારો સાથ એટલે- A for Associated Action

  "It is easy to sit up and take notice, what is difficult is getting up and taking action."

 • 3M- ઇનોવેશનના ત્રણ સિદ્ધાંતોની વ્યાખ્યા બે અક્ષરોમાં સમાવી (પેનથી લઇ પોસ્ટ-ઇટ નોટ્સ જેવી) સેંકડો વસ્તુઓ પર કઈ રીતે કરોડો કમાય છે?
 • ઈન્ફોસિસ- ફક્ત વર્ચ્યુઅલી જ કામ કરીને એક્ચ્યુઅલી સોફ્ટવેરની દુનિયામાં કયા સિક્રેટ ‘કોડ’થી આગળ આવ્યું છે?
 • ગૂગલ- એક ‘હટકે રીસર્ચ સિસ્ટમ’ દ્વારા સર્ચ-એન્જીનની ટેકનોલોજીથી આખી દુનિયાના ઈન્ટરનેટ પર કઈ રીતે રાજ કરે છે?
 • રિલાયન્સ- આપણી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝમાં કયા અને કોના વિશ્વાસના જોર પર આખરે મોખરે આવ્યું છે?
 • વાઈકીપેડિયા- માહિતીની ગંગોત્રી કહો કે એમેઝોનની ધારાને સામાન્ય માણસના ખિસ્સાની અંદર પણ વહેતી કરનાર આ કંપનીનું ‘મૂળ’ કયાં છે?
 • વોલમાર્ટ- એવી કઈ જાદુઈ લાકડી પકડી દીવાલ કૂદીને રીટેઇલીંગની દુનિયામાં ટોપ પર આવ્યું છે?
 • ડિઝની પિક્સાર- પોતાની દરેક ફિલ્મમાં સ્વપ્નશીલ-ક્રિએટીવીટીના કચુમ્બરને, પેશનના પરોઠામાં મેળવી ટેલેન્ટના તાવડામાં મિક્સ કરી મનોરંજનનું બેસ્ટ જમણવાર કઈ રીતે પીરસે છે?
 • થ્રેડલેસ- ચાલો એમ જાણીએ કે...ઉપરની જણાવેલી મોટી મહારથી કંપનીઓની વચ્ચે મિલીમીટરની પાતળી ‘દોરી’ જેવી આ કંપની પોતાની જાતને શેમાં પરોવી ટી-શર્ટની એક અલગ દુનિયામાં મિલિયન્સ કમાય છે અને કમાવી આપે છે?...... .......બસ....બસ...આજે બસ આટલુ જ લિસ્ટ.
 • આવી નસીબવંતી એ ૫૦૦ કે ૧૦૦૦ કંપનીઓ માટેના સો સવાલનો એક જવાબ: Associated Action. એટલે કે સહિયારો સાથ. જી હા! દોસ્તો. સફળતાના પેલા સૂત્રનો અંતિમ અચળાંક: A. સાદી ભાષામાં: ટીમવર્ક.

  (આ બે A ને બદલે અમારા પેલા શેખરસાહેબ ટીમવર્કનો T લઇ શક્ય હોત. પણ ગણિતના એ પ્રોફેસર ખરાને?.... કન્ફ્યુઝન દૂર કરવુ એમનું પહેલું કામ. એટલે ટેલેન્ટના T નું મહત્વ અકબંધ રાખી 2T ની જગ્યાએ 2A લઇ સૂત્રને તૂટી જવા ન દીધું.)

  ફોકસ ઓન: લાઈટ, કેમેરા, સાઊન્ડ....એક્શન!

  કોઈ વાર્તા, ઘટના કે વ્યક્તિની ફિલ્મ ઊતરે ત્યારે ડાઇરેક્ટરનું આ વાક્ય શૂટિંગ વખતે વારંવાર સંભળાતું હોય છે. જે હર ઘડી આપણી પાસેથી બેટર ‘એક્શન’ અને પરફોર્મન્સની આશા રાખે છે. શેક્સપિયર સાહેબ ભલે કહી ગયા હોય કે આ ઝીંદગી એક રંગમંચ છે જેની પર પણે સૌ એમાં અલગ-અલગ કઠપૂતળીઓનું પાત્ર ભજવીએ છીએ. એ સાચું. પણ દોસ્તો, સોંપાયેલી અદાકારી બરોબર એક્ટ કરતાં ન આવડી તો...નાટકને બદલે આપણી આખેઆખી ફિલ્મ ઊતરી જાય કે નહિ હેં!

  ઉપર દર્શાવેલી કંપનીઝની સફળતાનું પણ એક જ મોટું કારણ છે. એમાં રહેલાં લોકોની ભાગીદારી, સહિયારો સાથ-સહકાર.

  ગૂગલની ઓપનસોર્સ સોફ્ટવેર સિસ્ટમ હોય કે ઇન્ફોસીસની શ્રેષ્ઠ આઉટસોર્સિંગ સર્વિસ. 3Mની બ્રેઈન્સોર્સ રોયલ્ટી રચના હોય કે વાઈકીપેડિયાની અને થ્રેડલેસની ક્રાઉડસોર્સ કરામત. યા શેરહોલ્ડર્સ રિલાયન્સના હોય કે વોલમાર્ટના...એમના આ નેટવર્કના જોડાણની રચના વગર આ કંપનીઝનો વિકાસ કેમ સંભવી શકાય? એની શરૂઆત કરનાર ભલેને પોતાના સ્વપ્નાઓનું ઈંડું (યા ઈંડાંઓ) લઈને આવ્યા હોય પણ એને સેવવા માટે એવા સમજુ લોકોના સાથની જરૂરિયાતને સમજી લઇ વખતો વખત એ લોકો એમાંથી મુરઘી કે ઓમલેટ બનાવતા રહ્યાં છે.

  જો ટીમમાં રહેવું હશે કે બનાવવી હશે તો એમાં રહેલાં ફેક્ટર્સને પણ સમજી લેવા પડશે.

  પોઝીટીવ પ્રતિભાવ, વાંધા-વચકા વિનાની અસરકારક વાતચીતની કળા, ખુલ્લા દિલનું ખેલદિલીપણું, દૂધમાં સાકરની જેમ ભળી જઇ કામને સાકાર કરવાની આવડત, તંદુરસ્ત તકરાર કરીને પણ સામેની વ્યક્તિની દરકાર કરી એને સ્વીકારવાની હિંમત, વખતો વખત હારીને પણ જીત મેળવવાની ટેકનીક, સંજોગોને માન આપી ખુદ અને ખુદા પર પૂરેપૂરો ભરોસો, પરિસ્થિતિઓ એ લીંબુ પકડાવ્યું હોય ત્યારે એને પણ નીચોવી ‘નિમ્બૂ પાની’ બનાવવાની તાકાત, પ્રસંગોપાત પ્રસવને ખમવાની અને એને બરોબર ડિલીવર કરવાની શક્તિ......

  એવું બધું શીખવવાની જવાબદારી કોઈ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટની નથી. યાર! એના માટે તો જાતે જ ઇન્સ્ટીટયુટ બની અપૂનકે ખૂદ કે સક્સેસફુલ નિયમ બનાકે ઉસ લિસ્ટ પર અપૂન કી હી કી ચ સાઈન કરની પડેગી....ઓયે મુન્ના ભાઆઆઆય યા મુન્નીજી!!!!

  મિત્રો, આપણી પાસે સપનાં હશે, એને પૂરા કરવાનું જોમ (પેશન) હશે, અરે બેસ્ટમાં બેસ્ટ ટેલેન્ટ પણ હશે. પણ આ બધાને લઇ માર્કેટમાં ધંધો કરવા કે પ્રમોટ કરવા દોડી નથી જવાતું. એ લઇને ગોદડુ ઓઢી સુઈ નથી જવાતું. પણ ત્રણેનું કોમ્બીનેશન કરી એક અચ્છા ટીમવર્કની રચના કરવી જ પડે છે ત્યારે એ ફોર એસોસિએટેડ એક્શનનો ગુણાકાર અંદર અસર કરે છે. તો સફળતાનો જ્યુસ બહાર નીકળે છે.

 • Dream ને ભાનમાં લાવવુ છે ને?- તો સૌથી પહેલા તમને તમારા સૌથી નિકટના વ્યક્તિઓને એ વિશે સભાન કરાવવા પડશે. નહિ તો એકલપંડે...જશો બારના ભાવમાં! અભિને એનું એશ્વર્ય એમને એમ થોડું મળ્યું છે...પાપાજી? એને પણ એના સ્વપ્નને ‘ષેક’ તો કરવુ જ પડ્યું છે ને?
 • Passion ની પોટલી લઇ એકલા એકલા ક્યાં ક્યાં ફરતા રહેશો પ્રબુધ્ધજનો?- જેની સાથે તમે તમારું ‘પેશન’ શેર કરી શકો છો એવા લોકને શોધવા હમણાંથીજ મંડી પડો. આવનાર વખતમાં એ તમને ‘પેન્શન’ બનીને મદદ કરશે. ફોર સ્યોર! દુનિયાના ૮૦%થી પણ વધારે કોમ્પ્યુટર્સ પર વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ સરકાવી દેવાનું અને સોફ્ટવેર માર્કેટમાં પોતાનો સિક્કો ચલાવવાનું પેશન બિલ ગેટ્સને એના ‘મમ્મા’ થોડી આપવા ગયા’તા!??!?!
 • Talent ને શું આઇનામાં બતાવવા માટે રાખવું છે કે પછી બાથરૂમ સિંગર બની અવાજના પડઘાઓને અંદરજ ધરોબી રાખવો છે?- અરે નહિ રે બંધુઓ!...ખેંચી લાવો એને બહાર અને ખીલવવા દો એને વસંતમાં! સચિન એનું બેટ લઇ કપડાં ધોવા તો નહોતો ગયો ને?
 • સંબંધ સેક્સનો હોય કે સેલ્સનો સમજણપૂર્વકની સંખ્યા સૂત્રમાં મુકવામાં આવે તો સફળતાનો આંક વધતો જાય છે. એવું જાદૂઈપણું આ સૂત્રમાં છે. આખી જીવ શ્રુષ્ટિ આવા બીઝી રહેતા ટીમવર્કથી જ જોડાયેલી છે.


  તમને આ સૂત્ર કેવું લાગ્યું? કહી શકો તો આ ‘સંપર્ક-સૂત્ર’ પણ તમારા માટે...

  ઈમેઈલ:

  ફેસબૂક પર:

  ટ્વિટર પર:

  વોટ્સએપ પર: +20 122 2595233