કેટલીક ક્યુટ કથાઓ... Murtaza Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેટલીક ક્યુટ કથાઓ...

કેટલીક

ક્યુટ કથાઓ

 • લેખક: મુર્તઝા પટેલ -
 • "હેલો ડેડી, એક અંકલ અને આંટીને આપણું રાઈટ કોર્નરમાં પડેલું પેલું સિરામિકનું મોટું ફ્લાવરવાઝ ખૂબ ગમી ગયું છે. ફાઈનલ પ્રાઈઝ માટે પૂછી રહ્યા છે. શું ઓફર આપું?"- દિકરાએ તેના આજે 'ઘેર'હાજર રહેલા ડેડીને ફોન કરી ફાઈનલ ડીલની તૈયારી કરી.

  "બેટા, એમને કહે કે એ ફ્લાવરવાઝ આજે નહિ મળી શકે. એમના માટે નવું લાવી શકીએ છે, પણ એ માટે એમને બીજાં ૧૫ દિવસ રાહ જોવી પડશે."

  "કેમ ડેડી? શું એ વાઝ તમે કોઈને વેચી નાખ્યું છે કે શું?"

  "નાં દિકરા. પણ ગઈકાલે રાતે દુકાનેથી નીકળતી વખતે મારી નજર તેના પર ગઈ 'તી અને મને દેખાયું કે તેની નેક સાઈડ પર એક ક્રેક (ઝીણી ફાંચ) પડી છે. ત્યારે મેં નક્કી કર્યું કે કાલે આવીને એને રિજેક્ટેડ માલમાં મૂકી દઈશ. પણ...ખૈર તું એને આજે ન વેચતો...પ્લિઝ હાં !"

  દિકરો થોડો નિરાશ થયો અને બોલ્યો: "ડેડી, એટલી નાનકડી ક્રેક કોઈને ક્યાં દેખાવાની છે?!?!" એ લોકોય એક શો પીસ તરીકે એમના ઘરે રાખવાના છે. ને આ ગ્રાહકતો મોટો છે. ગયેલો પાછો નહિ આવે. વેચી દઉં તો કેમ....?"

  "જો દિકરા, આપણે એને વેચી દઈશું તો કાયમ માટે મારા દિલ પર ક્રેક રહી જશે અને હું આવા બીજાં ફ્લાવરવાઝ ક્યારેય વેચી નહિ શકું. એમને ચોખ્ખું જણાવી દે કે આ ક્રેકવાળો વાઝ અમે આપને અત્યારે નહિ આપી શકીએ."

  દિકરાએ પિતાએ આપેલું વેપારિક વફાદારીનું પ્રેક્ટીકલ લેસન પહેલી વાર કર્યું. અને ૧૭માં દિવસે તેને પરિણામમાં પેલાં ગ્રાહક-યુગલની સાથે બીજાં બે નવા ગ્રાહકો બોનસમાં મળ્યા...


  સાંજના પાંચ થવા આવ્યા હતા. વાતાવરણ વરસાદમય બની રહ્યું હતું. વાદળોમાં ધીમીધીમી ગડગડાટી-ધડબડાટી શરુ થઇ રહી હતી અને હવામાં મીઠ્ઠી ઠંડક ભળી રહી હતી. સૂરજને આથમવાને હજુ થોડી વાર હતી પણ એય વાદળોમાં ક્યાંક સંતાઈને ‘વરસવા’નો ખેલ જોઈ રહ્યો હતો. ત્યારે...

  “અરેએ ! આજે તો દિકરી મેઘના એનો રેઇનકોટ અને છત્રી બંને ભૂલી ગઈ છે. અને આ કમબખ્ત વરસાદને પણ અત્યારે એના નીકળવાના વખતે જ ....શું થશે?! ઘરે પહોંચતા સુધીમાં તો એ ભીંજાઈ જશે....એને શરદી લાગી જશે તો?!?!.... ને પાછુ આ વીજળીના મૂઆં કડાકાઓ જપવા દેતા નથી.....લાવ સ્કૂલે જઈ હું જ એને તેડી આઉ...”

  – વરસાદ વરસે એ પહેલા જ ૮ વર્ષની મેઘનાની મા ના મનમાં ચિંતાઓનો વરસાદ વરસી ગયો.

  નસીબજોગે તેની સ્કૂલ ઘરથી થોડે નજીક જ હતી એટલે વધુ ચિંતા કરવાની બાબત ન હતી છતાં...તેની મા એ કમ્પાઉન્ડમાંથી ગાડી કાઢીને સ્કૂલ તરફ પ્રયાણ કર્યું. વાદળો હવે કાળા બનીને વાતાવરણને અંધારીયું બનાવી રહ્યાં હતા. ત્યારે વરસાદના ધીમાધીમા છાંટા વિન્ડ-સ્ક્રિન પર ટપકી રહ્યા અને માઈલ્ડ પરસેવાના ટીપાં મા ના કપાળ પરથી...

  ત્યાં તો મા ને થોડે જ દૂર કારમાંથી વિન્ડ-સ્ક્રિન પર ડોલતા વાઈપર અને ફ્રન્ટ-લાઈટના પ્રકાશ વચ્ચે સ્કૂલથી નીકળી ચૂકેલી તેની મેઘના નાનકડી રોલર-બેગ લઇ ફૂટપાથની કોરે હાલતી ચાલતી મહાલતી દેખાઈ ગઈ. પણ આ શું?...

  વાદળમાં થતા વીજળીના ફ્લેશ અને કડાકા વચ્ચે મેઘના તો બિન્દાસ્ત થઇ ધીમી ચાલી રહી હતી. એ તો દરેક ચમકારે-કડાકે રોકાઈ જતી અને આસમાન તરફ જોઈ સ્મિત આપતી. જ્યારે બીજી તરફ મા તો ગાડીમાં જ બેસીને વીજળીના દરેક કડાકે ચમકી જતી.

  સાઈડ પર ગાડી રોકીને મા એ આ નાનકડો નઝારો જોયા કર્યો અને પછી મેઘના જેવી નજીક આવી ત્યારે ધીમેથી મા એ બૂમ લગાવી...

  “હે બેટા ! ચાલ હું અહીં છું અને તને લેવા આવી ગઈ છું. પણ તું આ શું કરે છે? કેમ વારેવારે રોકાઈને ઉપર જોઈ સ્મિત આપે છે?”

  “મમ્મા ! તું જો તો ખરી ઈશ્વર આજે વારે ઘડીએ ફ્લેશ મારી મારો ફોટો લઇ રહ્યો છે. શું આજે હું ખૂબ સુંદર લાગુ છું?”

  - ‘મેઘનાથી ભીંજાઈ ચૂકેલી’ મા.... શું બોલે?!?!?

  શહેરથી દૂઉઉઉઉર એક ફાર્મ-હાઉસની નજીક આવેલી નદીમાં મિલિયોનેર પિતા તેના પાંચ વર્ષના નાનકડા દિકરાને પહેલી વાર માછલી પકડવા લઇ ગયા.

  સ્કૂલની દુનિયાથી ઘેરાયેલા એ નાનકડા બાળકને ‘માછલી પકડવા’નો આજે પહેલો પ્રેક્ટિકલ (અનુભવ) હતો, એટલે નદીનો પટ, પાણી, તેમાં પડતા વિવિધ પ્રતિબિંબ, ખુલ્લું આકાશ....તેની કુતુહલતાની દુનિયા ખોલી રહ્યું હતું. પિતાએ તો કિનારે નાનકડી બેઠક જમાવી માછલી પકડવા હૂક પાણીમાં નાખ્યો. તે જ વખતે દિકરાએ પણ પ્રશ્નનો બીજો અદ્રશ્ય હૂક પિતાના મગજમાં નાખ્યો:

  “હેં પપ્પા ! આ માછલી પાણીમાં કઈ રીતે તરે છે?” “હમ્મ્મ્મ...બેટા ! મને ખબર નથી હાં.” –કહી પપ્પાએ હૂક તરફ ધ્યાન પરોવ્યું. પણ થોડી જ ક્ષણો બાદ ફરીથી બીજો પ્રશ્ન-હૂક માથે ફેંકાયો.

  “પપ્પા ! આ આસમાન બ્લ્યુ શાં માટે દેખાય અને પાણીમાં તેનો રંગ ભૂરો કેમ બની જાય છે?” “મારા દિકરા! તારો સવાલ તો મજાનો છે. પણ હું તને સમજાવી નથી શકતો. સોરી ડિયર !” – પ્રશ્નમાં હજુયે રંગ છે એમ સમજી થોડી વધુ ક્ષણો બાદ બાળકે ત્રીજો હૂક નાખ્યો.

  “તો હેં પપ્પા મને એમ તો જણાવો કે...પેલી નાનકડી બોટ પાણીમાં કઈ રીતે તરી શકે છે અને મારી કાગળની નાવડી થોડી જ વારમાં કેમ ડૂબી જાય છે?”

  “ઓહ્ફો મારા વ્હાલા! પ્લિઝ મને માછલી પકડવા દઈશ કે....”

  – “સોરી સોરી...ડેડી ! તમને મારા સવાલોથી ન ગમતું હોય તો હવેથી હું નહીં પુછું...બસ ! પણ તમે આમ દુઃખી ન થશો. પ્લિઝ.”

  “ઓહ માય ચાઈલ્ડ ! આઈ એમ સો સોરી કે હું તને જવાબ નથી આપી શકતો. પણ દિકરા તું સવાલ કરવાનું ચાલુ રાખજે. તારી સાથે હું પણ કાંઈક શીખી શકીશ. ચાલ આજે બીજે ક્યાંક જઈએ...

  " સવાલોના સુખ...અને જવાબો ન આપી શકવાના દુઃખનું કોમ્બો-પેક લઇ પપ્પા અને બેટાએ ‘પેક-અપ’ કરી ઘરની ડેકોરેશન તરીકે બનાવેલી લાઈબ્રેરી તરફ પહેલી વાર સફર શરુ કરી....

  માનસિક મોરલો: “જો જો ક્યાંક આપણી 'માછલી' લાઈબ્રેરીની ધૂળમાં તો બેસી નથી ગઈને?

  વ્હેલી સવારમાં એક બાગની અંદર પારસી દંપતિ થોડું ચાલીને આરામ કરવા બેઠાં. આવી સોજ્જી અને ખૂબસૂરત જોડીને જોઈ હું એમની પાસે જઈ સીધો સવાલ કરી આવ્યો:

  “આંટી, આ ઉંમરે પણ આપ લોકો કેટલું ચાલો છો?” “ડિકરા, હું તો આમ બી બવ ‘ચાલુ’ છું. પણ આંય સાલ્લો ત્હારો અંકલ હમના હમનાનો કામચોર ઠઈ ગ્યો ચ. ગયા વિક સુધી તો મ્હારી સાથે હાંફિયા વગર ૧૫-૨૦ રાઉન્ડ મારતો હુંતો. પણ જો ની થોરા દહારાથી ૧૦ રાઉન્ડમાં ચ સાવ ઢીલોઢફ થઇ જાય છ.”

  - બાનુએ એના બોમનની તરફ મોં ફેરવી કહ્યું.

  “એએય ! આંય પોરિયાને શું ખોટ્ટી પટ્ટી પરાવે છ? સાચ્ચી વાત કઈ દેની... ચાલતી વારે મ્હારી સામું ટગરટગર જોયા કરી સ્માઈલ આઇપા કરે છ તો હું શું ધૂર ફાસ્ટ ચાલી સકવાનો?....વાટ કરેચ ટે!”

  – બોમને બી એના ‘બોલ’થી બાઉન્ડ્રી મારી દીધી.

  દોસ્તો, હવે આપણને આ ક્ષણે આ સુરેશભાઈ દલાલની આ પંક્તિ યાદ આવી જ જાય ને? “કમાલ કરે છે, ધમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુયે વ્હાલ કરે છે...."

  - આપ સૌને મુર્તઝા તરફથી પ્રિ-ઈદની સોજ્જી અને મીઠ્ઠી મોર્નિંગ !

  સંપર્કસૂત્ર:મુર્તઝા પટેલ

  ફેસબૂક પર:

  ટ્વિટર પર:

  વોટ્સએપ પર: +20 122 2595233