પિન કોડ - 101 - 12 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 12

પિન કોડ - 101

પ્રકરણ-12

આશુ પટેલ

નાટ્ય દિગ્દર્શક અહર્નિશ ચેટર્જીએ નતાશાને કહ્યું કે હું તને મારી ફિલ્મમાં રોલ આપવા માગું છું ત્યારે નતાશા ઉત્સાહથી ઊછળી પડી, પણ તેમની આગળની વાત સાંભળીને તે ડઘાઇ ગઇ.
અહર્નિશ ચેટર્જીએ તેને કહ્યું કે ‘મારું નાટક ‘વિચ્છેદ’ જોવા માટે પ્રખ્યાત પ્રોડ્યુસર-ડિરેક્ટર અશોક રાજ આવ્યા હતા. તેમને મારું નાટક એટલું પસંદ પડી ગયું કે તેમણે મને ઓફર કરી કે તમે આ નાટક પરથી એક લો બજેટની ફિલ્મ બનાવો, હું એ ફિલ્મ પ્રોડ્યુસ કરીશ.’
અહર્નિશ ચેટર્જીના એ શબ્દો સાંભળીને નતાશાને આંચકો લાગ્યો. હજી કાલે પોતે જેને લાફો મારી આવી હતી એ જ પ્રોડ્યુસર-ડિરેક્ટર માટે ચેટર્જી ફિલ્મ કરવાના હતા અને એ ફિલ્મમાં તેઓ તેને સાઇન કરવાનું વિચારતા હતા!
નતાશાને સમજાયું નહીં કે આ સ્થિતિમાં હસવું જોઇએ કે રડવું જોઇએ. તેનું મન જે. ડબ્લ્યુ. મેરિયટ હોટેલની કોફી શોપમાં પહોંચી ગયું. તેના માનસપટ પર ગઇ કાલની સાંજની અશોક રાજ સાથેની મુલાકાત ઊપસી આવી.
‘વ્હેર આર યુ, નતાશા?’ અહર્નિશ ચેટર્જીએ તેને પૂછ્યું એ સાથે નતાશા ફરી વર્તમાનમાં આવી ગઇ.
‘સોરી, સર.’ તેણે કહ્યું અને પછી ગોળ ગોળ વાત કરવાને બદલે તેણે સીધું જ તેમને કહી દીધું, ‘થેન્ક્સ અ લોટ, સર. તમારી સાથે કામ કરવાનું મને બહુ જ ગમે છે અને તમારી ઓફર સાંભળીને હું બહુ ઉત્સાહમા પણ આવી ગઇ હતી, પણ હું હા પાડીશ તો પણ તમારી ફિલ્મ કરી નહીં શકું!’
‘તું શું કહે છે એ મને સમજાયું નહીં!’ અહર્નિશ ચેટર્જીએ કહ્યું.
‘મેં કાલે સાંજે અશોક રાજને લાફો મારી દીધો હતો, સર!’ નતાશાએ ફિક્કું હાસ્ય કરતાં કહી દીધુ.
‘ઓહ નો!’ અહર્નિશ ચેટર્જી બોલી ઊઠ્યા.
એ પછી તેમની સાથે નતાશાની મીટિંગ બે મિનિટમાં જ પૂરી થઇ ગઇ!
* * *
પૃથ્વીમાંથી બહાર નીકળીને મેઇન ગેટ પાસે ફૂટપાથ પર ઊભા રહીને નતાશાએ સાહિલને કોલ કર્યો. તેણે સાહિલને અહર્નિશ ચેટર્જી સાથેની નિષ્ફળ મીટિંગ વિશે વાત કરી અને પછી ઉમેર્યું: ‘આજે પણ અશોક રાજ મને નડી ગયો!’
‘ઓહ માય ગોડ!’ સાહિલ બોલી ઊઠ્યો.
‘ઘણી વાર વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે ભલભલા નાસ્તિકને પણ ઉપરવાળો યાદ આવી જતો હોય છે, દોસ્ત!’ નતાશા એવી સ્થિતિમાં પણ મજાક કર્યા વિના ના રહી શકી.
‘નતાશા અત્યારે મારે આ મુદ્દે કોઇ જ ચર્ચા કે દલીલ નથી કરવી. મને અત્યારે એટલી જ ખબર છે કે આજે રાતે તારો ઉપરવાળો તારા માટે રહેવાની વ્યવસ્થા નથી કરવાનો!’ સાહિલે નતાશાને આ વિષય પર આગળ બોલતી અટકાવવા કહ્યું.
જો કે નતાશા પર તેના શબ્દોની અસર ના થઇ. તેણે કહ્યું, ‘ઉપરવાળો જાતે મદદ કરવા ભલે ન આવતો હોય, પણ તેણે મદદ પહોંચાડવી હોય ત્યારે તે કોઇ નીચેવાળાને મોકલી આપતો હોય છે! તું નહીં માને પણ મને આજે એક એવા માણસે ઓફર આપી છે કે જેને હું થોડા કલાકો પહેલાં જાણતી પણ નહોતી!’
‘કોણે તને ઓફર આપી?’ સાહિલે ઉતાવળે પૂછી લીધું.
‘પેલો રામકૃષ્ણ રેસ્ટોરાંમાં તને ભેદી લાગ્યો હતો ને એ માણસે...’
‘એ માણસ તને ક્યાં મળ્યો? તે માણસ તારા પર નજર રાખી રહ્યો હતો એવી મારી શંકા ખોટી નહોતી એની હવે તો તને ખાતરી થઇ ગઇને? છતાં તે માણસ સાથે તેં વાત પણ કરી?’ સાહિલે એક સાથે અનેક સવાલો કરી નાખ્યા.
‘અરે! એકસાથે કેટલા સવાલો પૂછીશ તું? એક પછી એક સવાલ પૂછ તો મને જવાબ આપવાનું ફાવે.’
‘નતાશા, અત્યારે ટુ ધ પોઇન્ટ જ વાત કર. મારામાં બિલકુલ ધીરજ નથી.’
‘ઓકે બાબા, કૂલ ડાઉન. કહું છું બધી વાત. તને જે માણસ પર શંકા ગઈ હતી તે માણસ મને પાર્લા વેસ્ટમાં મળ્યો હતો. તેણે મને કહ્યું કે રામકૃષ્ણ રેસ્ટોરાંમાં તમારી તમારા ફ્રેન્ડ સાથેની વાત મેં સાંભળી હતી. તમને કામની અને પૈસાની જરૂર છે એવું મને લાગ્યું એટલે હું તમને ઓફર આપવા માગું છું...’
નતાશા તેની વાત પૂરી કરે એ પહેલાં જ સાહિલ બોલી ઊઠ્યો: ‘કોઇ અજાણ્યો માણસ તને આ રીતે રસ્તા વચ્ચે અટકાવીને ઓફર કરે એમાં તને સહેજ પણ અજુગતું ના લાગ્યું! તેં તેની સાથે વાત પણ કરી! તું જિંદગીને સિરિયસલી લેતાં ક્યારે શીખીશ? ’
‘અરે! મારી પૂરી વાત તો સાંભળી લે...’
ફરી વાર નતાશાની વાત અધવચ્ચેથી જ કાપતાં સાહિલે ઊંચા અવાજે કહ્યું: ‘તારે બૂમો પાડીને લોકોને ભેગા કરવા જોઇતા હતા. પોલીસને બોલાવવી જોઇતી હતી.’
‘અને શું કહેત હું લોકોને અને પોલીસને કે આ માણસને મારી મારીને અધમૂઓ કરી નાખો, તેણે મને કામ આપવાની ઓફર કરી છે એમ?’ નતાશાએ ટોણો માર્યો અને પછી ઉમેર્યું: ‘સાહિલ, હું પણ નાની કીકલી નથી. મેં તેને શબ્દોથી અને મારી આંખોથી સમજાવી જ દીધું હતું કે તું કોઇ આડીઅવળી હરકત કરીશ તો તારી ખેર નથી. અને તે માણસ ડિસન્ટ હતો. તેણે મને તેનું વિઝિટિંગ કાર્ડ આપીને કહ્યું કે હું તમને કોઇ સારી ઓફર આપી શકું એમ છું. તમે ઇચ્છો તો મને સાંજના છ વાગે મારી ઓફિસમાં મળવા આવી શકો છો. હું તેનું વિઝિટિંગ કાર્ડ ફેંકી દેવાનું વિચારતી હતી પણ પછી મને વિચાર આવ્યો કે એક વાર તારી સાથે તેના વિશે વાત કરું અને તે માણસ ફરી વાર આ રીતે મને ભટકાઇ જાય તો પોલીસને તેના વિશે જાણ કરવી હોય તો પણ કોઇ આધાર રહે.’
‘સારું કર્યું.’ નતાશાના શબ્દો સાંભળીને સાહિલને થોડી ધરપત થઇ. પણ પછી તરત જ તેણે કહ્યું, ‘આપણે વહેલામાં વહેલી તકે પોલીસને જાણ કરી દઇએ કે કોઇ માણસ આ રીતે તારો પીછો કરે છે.’
‘મને બીજો વિચાર આવે છે, સાહિલ. મને લાગે છે કે હું આજે સાંજે એક વાર તેની ઓફિસમાં જઇને તેને મળી આવું...’
‘પાગલ થઇ ગઇ છે તું?’ નતાશા વાત પૂરી કરે એ પહેલાં જ સાહિલ એટલા ઊંચા સાદે બોલ્યો કે તેનો અવાજ ફાટી ગયો.
‘પૂરી વાત તો સાંભળ. તે શું ઓફર આપે છે એ જાણવામાં શું વાંધો છે?’
‘વાંધો? અરે એ માણસ જ આખેઆખો વાંધાજનક છે એ વાત તારા મગજમાં કેમ નથી ઊતરતી?’
‘સાહિલ, અત્યારે આપણી પાસે બીજા કોઇ જ વિકલ્પો નથી એવી સ્થિતિમાં મને લાગે છે કે તે માણસ શું ઓફર આપે છે એ તો એટલીસ્ટ જાણવું જોઇએ. હું તને તે માણસનું નામ, ફોન નંબર અને ઓફિસનું એડ્રેસ વ્હોટ્સ એપથી મોકલું છું. હું તેને એક વાર મળી લેવા માગું છું. પછી આપણે રાતે મળીએ ત્યારે નક્કી કરીશું કે એની ઓફર સ્વીકારવી કે નહીં.’
‘નતાશા...’
‘બાય!’ સાહિલ આગળ કંઇ બોલે તે પહેલાં નતાશાએ કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો.
સાહિલે તરત જ નતાશાને કોલ કર્યો પણ તેને રેકોર્ડેડ મેસેજ સંભળાયો કે ‘ધ નંબર યુ આર ટ્રાઈન્ગ ટુ રીચ ઇઝ કરન્ટલી નોટ રીચેબલ. પ્લીઝ ટ્રાય અગેઇન લેટર.’
સાહિલે હતાશા અને અકળામણથી સેલ ફોનનો ઘા કર્યો.
* * *
સાહિલનો કોલ ડિસકનેક્ટ કરીને નતાશાએ પર્સમાંથી પેલા માણસનું વિઝિટિંગ કાર્ડ બહાર કાઢ્યું. એમાંની વિગતો તેણે સેલ ફોનમાં ટાઇપ કરીને વ્હોટ્સ એપથી સાહિલને મોકલી અને પછી સેલ ફોન સ્વિચ ઓફ્ફ કરી દીધો.
નતાશાએ સમય જોયો. સાડાપાંચ વાગ્યા હતા.
પૃથ્વીની બહાર રોડ પર એક રિક્ષા પસાર થતી જોઇને તેણે બૂમ પાડી: ‘ઓટો.’
રિક્ષા ઊભી રહી એટલે નતાશાએ પૂછ્યું: ‘વર્સોવા ચલોગે?’
રિક્ષાચાલકે હા પાડી એટલે નતાશા રિક્ષામાં બેસી ગઇ.
પૃથ્વીની બહાર મેઇન ગેટથી થોડે દૂર મોટરબાઇક પર બેઠાં બેઠાં સિગારેટ ફૂંકી રહેલા એક માણસે નતાશાને રિક્ષામાં બેસતી જોઈ એ સાથે બાઇક સ્ટાર્ટ કરીને એ રિક્ષા પાછળ મારી મૂકી.

(ક્રમશ:)